સદભાવના મિશનના એક દિવસના ઉપવાસ જૂનાગઢમાં સંપન્ન કરતા નરેન્દ્રભાઇ મોદીને સમર્થન આપવા હજારો નાગરિકોનો અવિરત પ્રવાહ
સોરઠની સંત શુરાની ધરતી ઉપર સદભાવના મિશનમાં જનશકિતનો સાક્ષત્કાર
૮૦૦૦ નાગરિકોએ સ્વૈચ્છીક અનશન કર્યા
જૂનાગઢ જિલ્લા માટે રૂ. ૬૦૦ કરોડના સોરઠ વિકાસ પેકેજ ઉપરાંત રૂ. ૧૦૫૫ કરોડના વિકાસ કામોની જાહેરાત
મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ સદભાવના મિશનમાં ઉમટી રહેલા લાખો લોકોના મહેરામણના લાગણીના પુરની અભિવ્યકિતને ગુજરાતના વિકાસમાં જનતાની તાકાતની અભિવ્યકત ગણાવી હતી.
તેમણે જૂનાગઢમાં જણાવ્યું કે, જેમણે ગુજરાતને બદનામ કરવા ડિકશનેરીનો એક પણ શબ્દ છોડયો નથી અને બધીજ સંસ્થાઓને કામે લગાડી દીધી છે. છતાં જનતાનું સમર્થન દશ-દશ વર્ષથી આ સરકારને મળી રહયું છે. તેનું કારણ ગુજરાતનો ધમધમતો વિકાસ છે. અને એની પાછળનું સત્ય છે, છ કરોડ ગુજરાતીઓની એકતા, શાંતિ અને ભાઇચારો.
ગુજરાતમાં સદભાવના મિશનમાં જનજનને જોડવાના સંકલ્પ સાથે ૩૩ ઉપવાસનું જિલ્લા અભિયાન કરી રહેલા શ્રી નરેન્દ્રભાઇ મોદીએ આજે જૂનાગઢમાં એક દિવસના અનશનનું તપ કરતા, આખો દિવસ હજારો નાગરિકો શુભકામના અને સમર્થન આપવા ઉમટયા હતા. ૮૦૦૦ હજાર નાગરિકોએ પણ સ્વૈચ્છાએ ઉપવાસ કર્યા હતા.
સોરઠની સંત અને શુરાની ધરતી ઉપર સદભાવનાની જનશકિતનો સાક્ષાત્કાર કરાવતી આ ઘટનાના ઐતિહાસિક સંકેતને સમજવા તેમણે રાજકીય વિશ્લેષકોને અને જાહેર જીવનના હિતચિંતકોને અનુરોધ કર્યો હતો.
મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, ઉપવાસની પરિભાષા સદભાવના મિશનથી નવી સર્જાઇ છે. મારા ઉપવાસનું વિશ્લેષણ સદભાવનાથી થશે તો, તેના અનેક સંકેત જાણવા મળશે.
“કોંગ્રેસે એમનું નકારાત્મકતાનું પોત પ્રકાશ્યું છે. અમે સંસ્કારોને ઉજાળ્યા છે. સમાંતર કાર્યક્રમ કરીને કોગ્રેસે સળગતું લાકડું પકડયું છે પણ તેમની બાંધી મુઠી ખુલી ગઇ છે. ગયા દશકથી મેળ નથી પડતો અને હવે આવતા ૨૫ વર્ષ પણ પડવાનો નથી. લાગણીનો ધોધ, મહેરામણની ઉપસ્થિતિ આ સદભાવના મિશનમાં કેમ છે. તેનું રહસ્ય તેમણે પ્રગટ કર્યું હતું. દશ દશ વર્ષ સુધી ગુજરાતને બદનામ કરવા અને જુઠાણા ફેલાવવા, ડિકશનેરીનો એકય શબ્દ બાકી નથી રાખ્યો છતાં જનતાનું સમર્થન સરકારને કેમ છે? ગુજરાત વિરોધીઓ સામે ગુજરાતની જનતાનો આક્રોશ સદભાવના મીશનના અનશનમાં વ્યકત થયો છે. જે ગુજરાતને તમે બદનામ કરી રહયા છો, તે ગુજરાત તો વિકાસનો વાવટો ફરકાવી રહયો છે. આ લાગણીના પુરની અભિવ્યકિત એતો ગુજરાતની આવતી કાલની ચિન્તા અને વિકાસ માટેની અભિવ્યક્તિ છે. એમ તેમણે જણાવ્યું હતું.
તેમણે જણાવ્યું કે ભુતકાળમાં ગુજરાતને જાતિવાદના ઝેર અને જ્ઞાતિવાદના વેરથી એકતા થવાની દીધીજ નહીં. ગામમાં એકતા થવાની વાત આવેતો એકડ ચોગડ ચૌદશ ઉભો કરીજ દેવાય એવી સ્થિતી સર્જી દીધી હતી. ગુજરાતને આ ચૌદશિયાથી દુર રાખીને એકતાના મંત્રથી વિકાસની યાત્રા આગળ ધપાવી છે. તેની જનતા જનાર્દનને તેમણે ભુમિકા આપી હતી.
તેઓ લડાવતા હતા કારણ તેમને ખુરશી સલામત રાખવી હતી. વોટ બેન્ક ખાતર પ્રજાને રહેંસી નાખીને ભાગલા પાડોની અને રાજ કરવાની વિકૃતિ સર્જી દિધી હતી. જનતા અંદરો અંદર લડતી રહે કોમી હુલ્લ્ડ અને રમખાણો થતાં રહે ‘‘વર મરો કન્યા મરો ખુરશીની વોટબેન્ક ભરો‘‘ એવી રાજકારણની અશાંતિમાંથી ગુજરાતે મૂકિત મેળવી લીધી છે. છ કરોડ ગુજરાતીઓની આ તાકાત આ શકિતમાં કેટલું સામર્થ્ય છે. એની પ્રતિતિ કરાવવા સદભાવના મિશન લઇને જનતા વચ્ચે આવ્યો છું. એમ શ્રી નરેન્દ્રભાઇ મોદીએ જણાવ્યું હતું.
ગુજરાત મોડેલ એટલે માત્ર જયોર્તિગ્રામ, કન્યા કેળવણી, કૃષિ મહોત્સવ, ઔદ્યોગિક વિકાસમાં સિમીત નથી ગુજરાતના વિકાસનું મોડેલ તો એની એકતાની તાકાત છે. ગુજરાત પોતાની શકિતને ઓળખે અને હિન્દુસ્તાનના જે રાજયોને વિકાસના માર્ગે જવું છે તે આ એકતાની શકિત ઓળખે અને એકતા શાંતિની બુનિયાદ ઉપર ઉભેલા વિકાસના મોડેલને અનુસરે એમ પણ મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું.
ગુજરાતનો વિકાસ નંબર એક ઉપર છે એ અમે નથી કહેતાં રાજીવ ગાંધી ફાઉન્ડેન્શન પ્લાનિંગ કમિશનનું એગ્રીકલ્ચર માટેનું વર્કિંગ ગૃપ કેન્દ્રના પ્રવાસન મંત્રીએ ગુજરાતને શ્રેષ્ઠ પ્રવાસન રાજયનો આપેલો એવોર્ડ એ બધું જ સત્ય છે પણ આ સત્યને પચાવી શકવાની ગુજરાત વિરોધીઓમાં તાકાત જ નથી ગુજરાતનો વિકાસ થયો છે આર્થિક પ્રવૃતિ ધમધમે છે
તેનાથી બેંન્કોનો ગુજરાતમાં તેજ ગતીથી કારોબાર ચાલે છે. તેવી હકિકત સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડીયાના કુલ ૭૪ ઝોનમાંથી સર્વ શ્રેષ્ઠ જાહેર થયેલાં છ ઝોનમાં એકલાં ગુજરાતના જ ચાર ઝોન છે. આખા દેશમાં ઇન્કમટેક્ષની આવકની વૃધ્ધિનો દર ગુજરાતનો સૌથી ઉંચો છે એ બતાવે છે કે, ગુજરાત વિકાસની કેટલી મોટી છલાંગ મારી રહ્યું છે તેમ પણ તેમણે જણાવ્યું હતું.
પ્રવાસન વિકાસ માટેના આ સરકારના વિકાસ વ્યુહના પરિણામે કચ્છ અને જૂનાગઢ વિશ્વના પ્રવાસન નકશામાં નવા આકર્ષણ બન્યા છે. ગીરના સિંહો જેાવા આવનારની સંખ્યા અમિતાભ બચ્ચનના અભિયાનથી એકજ વર્ષમાં ૧૩૦ ટકા વધારો સુચવે છે. ગીરના સિંહો વિશ્વ પ્રવાસીઓનું અનેરું આકર્ષણ બની ગયા છે. સોમનાથ મંદિરની આવકમાં ૪૦૦ ટકાનો વધારો થયો છે. જૂનાગઢ જિલ્લાના વિકાસની તાકાત જ આ પ્રવાસનમાં છે ગરીબમાં ગરીબને રોજગારી મળે એવી તાકાત આ પ્રવાસનમાં છે અને એને એ ઉંચાઇ ઉપર સોરઠના વિકાસ પેકેજ દ્વારા લઇ જઇ રહ્યા છીએ. આ પ્રતિબધ્ધતા સાથે જૂનાગઢનો પ્રવાસન વિકાસ ધમધમતો થવાનો છે.
તેમણે રૂ. ૬૦૦ કરોડના સોરઠ વિકાસ પેકેજ ઉપરાંત જૂનાગઢ શહેર અને જિલ્લાના વિકાસ કામો માટે રૂ. ૧૦૫૫ કરોડના પ્રોજેકટની જાહેરાત કરી હતી. જેમણે વિરોધ પક્ષની જવાબદાર ભૂમિકા પણ નિભાવવાની દરકાર નથી કરી તેને ગુજરાતના ૧૬૦૦ કિલોમીટરના દરિયા કાંઠે આખું નવું આધુનિક ગુજરાત ઉભું થઇ રહ્યું છે, તેની તાકાત નહી જ સમજાય એમ શ્રી નરેન્દ્રભાઇ મોદીએ જણાવ્યું હતું.
જૂનાગઢ સહિત ડેરીને સજીવન કરીને કૃષિ અને દૂધ ઉત્પાદન દ્વારા કિસાનની આવક વધતી રહે ગીરની ગાયની સારી ઓલાદનું સવર્ધન થાય એ માટે આ સરકારે કમ્મર કસી છે. આ કામ કેમ એ લોકોને સુજયા નહીં જેઓ આજે ગુજરાતના વિકાસની ટીકા કરે છે. એવી મૌખિક આલોચના તેમણે કરી હતી.
અઢી લાખ જેટલાં સખીમંડળોની બહેનો મારફતે મિશન મંગલમ દ્વારા રૂા ૧૪૦૦ કરોડનો કારોબાર ચાલે છે. અને ગરીબ પરિવારની નારી શકિતના હાથમાં રૂા ૫૦૦૦ હજાર કરોડનો કારોબાર થવાનો છે. જે ગ્રામ અર્થતંત્રની તાકાત બનશે. ગુજરાત વિરોધીઓના અપ્પ્રચારના કારણે ગુજરાતે શું વિકાસનો માર્ગ છોડી દેવો ? છ કરોડ ગુજરાતીઓના આર્શિવાદ અને તપસ્યા એળે નહીં જવા દેવાય પુરી તાકાતથી સપના પુરા કરીશું એવો દ્રઢ વિશ્વાસ તેમણે જનતા જનાર્દનને ઉપવાસને સમર્થ આપવા માટે ભાવાવશ બનીને આભાર માન્યો હતો.
ગામ, જિલ્લો, રાજય બધે જ સદભાવનાનો મંત્ર લઇને વિકાસમાં એકતાથી આગળ વધીએ એવી અપીલ તેમણે કરી હતી.
એ.શેખ.
જુનાગઢ જિલ્લાના વિકાસ માટે ૧૦૫૫ કરોડ રૂપિયા ફાળવાશે
મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીએ સોરઠ ખાતે આજે યોજાયેલા સદભાવના મીશનના જિલ્લા અભિયાનમાં ઉદ્દબોધન કરતાં જણાવ્યું હતુ કે, ગુજરાતમાં પ્રવાસન ક્ષેત્રનો ખૂબ વિકાસ થયો છે. જેનો સૌથી વધુ લાભ જુનાગઢ અને કચ્છ જિલ્લાને થયો છે. જુનાગઢ જિલ્લામાં આવનારા દિવસોમાં સર્વાંગી વિકાસ થાય અને સમગ્ર જિલ્લામાં પાણી, રસ્તા, નાળા – પુલ, શાળાના ઓરડાઓ, વીજળી અને આરોગ્ય સેવા સહિતની માળખાકિય સુવિધાઓ માટે રાજ્ય સરકાર દ્વારા રૂપિયા ૧૦૫૫ કરોડની ફાળવણી કરવામાં આવશે. જેના કારણે આગામી દિવસોમાં જુનાગઢ જિલ્લો પ્રવાસનની સાથે વિકાસ ક્ષેત્રે પણ નવી ઉંચાઈને આંબશે. આ માતબર રકમમાંથી દરિયાકાંઠાના વિકાસનું પણ આયોજન છે.
મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતુ કે, જુનાગઢ, સાસણ અને સોમનાથ વિસ્તારમાં સરકારશ્રીએ માળખાગત સુવિધાઓ વધારતાં પ્રવાસીઓ - યાત્રિકો વધ્યા છે. સાસણમાં પ્રવાસીઓની સંખ્યામાં પણ ૧૩૦ ટકાનો વધારો થયો છે. જિલ્લામાં પ્રવાસન વિસ્તરતા હોટલ, રેસ્ટોરન્ટ, રિસોર્ટ પણ વધ્યા છે. સોમનાથ મંદિરના દર્શને આવતાં યાત્રિકો વધતા મંદિરની આવકમાં પણ ૪૦૦ ટકા જેટલો વધારો થયો છે, આમ જુનાગઢ જિલ્લો આગામી દિવસોમાં પ્રવાસન ક્ષેત્રે ધમધમતો થવાનો છે.
સદભાવના મિશન-જૂનાગઢ
જૂનાગઢ જાફર મેદાન ખાતેના હેલીપેડ પર મુખ્યમંત્રીશ્રીનું ઉષ્માભર્યુ સ્વાગત
જૂનાગઢઃતા.૨૨/૧૨/૨૦૧૧ મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીના સદભાવના મિશનના જિલ્લા અભિયાન અંતર્ગત આજના જૂનાગઢ મહાનગરના સદભાવના મિશન કાર્યક્રમ અન્વયે જાફર મેદાન ખાતે હેલીપેડ પર મુખ્યમંત્રીશ્રીનું ઉષ્માભર્યુ સ્વાગત કરવામાં આવ્યું હતું
હેલીપેડ પર રાજયમંત્રીશ્રી વાસણભાઇ આહિર, શ્રી કનુભાઇ ભાલાળા, ધારાસભ્યશ્રી મહેન્દ્રભાઇ મશરૂ, જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી દીવીબેન બારૈયા, જિલ્લા ભાજપ પ્રમુખશ્રી માધાભાઇ બોરીચા, જિતુભાઇ હિરપરા જિલ્લા પ્રભારી સચિવશ્રી વિપુલ મિત્રા, કલેકટરશ્રી એ.એમ.પરમાર, જિલ્લા વિકાસ અધિકારીશ્રી દિલીપ રાણા, જૂનાગઢ મહાનગરપાલિકાના કમિશ્નરશ્રી વિપ્રા ભાલ, કૃષિ યુનિ. વાઇસ ચાન્સેલરશ્રી એન.સી.પટેલ ,પોલીસ અધિક્ષકશ્રી દિપાંકર ત્રિવેદી વગેરે ઉપસ્થિત રહી સ્વાગત વિધિમાં જોડાયા હતાં.
સદભાવના મિશન-જૂનાગઢ
માહિતી વિભાગ અને જિલ્લા વહિવટી તંત્રએ ઉભા કરેલ પ્રદર્શનને મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇએ રસપૂર્વક નિહાળ્યું
જૂનાગઢઃતા.૨૨/૧૨/૨૦૧૧ કુષિ યુનિવર્સિટી જૂનાગઢ ખાતે સદભાવના મિશન અંતર્ગત માહિતી વિભાગ દ્વારા ઉભા કરાયેલા ‘‘સૌનો સાથ સૌનો વિકાસ‘‘ પ્રદર્શન અને જિલ્લા વહિવટીતંત્ર દ્વારા ઉભા કરાયેલ વિવિધ સ્ટોલોનું પ્રદર્શન નિરીક્ષણ કરવા પધારેલ મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીનું કૃષિ અને સહકાર મંત્રીશ્રી દિલીપભાઇ સંઘાણીએ પુષ્પગુચ્છ આપી સ્વાગત કર્યુ હતું
રાજયકક્ષાના પ્રદર્શનમાં મુખ્યમંત્રીશ્રી પધાર્યા ત્યારે સંયુકત માહિતી નિયામકશ્રી એન.એ. પરમાર અને નાયબ માહિતી નિયામક જૂનાગઢ શ્રી કે.વી. ભગોરાએ પુષ્પગુચ્છ આપી તેમનું સ્વાગત કર્યુ હતું
મુખ્યમંત્રીશ્રીએ પ્રથમ માહિતી ખાતા દ્વારા ઉભા કરાયેલ પ્રદર્શનને નિહાળી ખીરસરા સખી મંડળ, જ્ઞાનશકિત પ્રદર્શન, બ્રહ્માનંદજી જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર, સકકરબાગ પ્રાણી સંગ્રહાલય અને ડો. પ્રદ્યુમન ખાચરના ઐતિહાસિક નગરી જૂનાગઢ તસ્વીર પ્રદર્શનનું રસપૂર્વક નિરીક્ષણ કરી સંચાલકો પાસેથી સવિસ્તાર માહિતી મેળવી હતી.
વન વિભાગ, વાસ્મો, બાગાયત, કુષિ, પશુપાલન, કૃષિ અને ટેકનોલોજી કોલેજ, સર્વશિક્ષા અભિયાન,અર્બન હેલ્થ સોસાયટી, આરોગ્ય અને મહાનગરપાલિકાના સોલિડવેસ્ટ મેનેજમેન્ટ, ફાયર અને ઇમરજન્સી તેમજ હેરીટેઇઝ ઐતિહાસિક સ્મારક ચિત્ર પ્રદર્શન સ્ટોલની પણ મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ મુલાકાત લીધી હતી.
આ તકે મંત્રીશ્રી વાસણભાઇ આહિર, કનુભાઇ ભાલાળા, ધારાસભ્યશ્રી મહેન્દ્રભાઇ મશરૂ, કલેકટરશ્રી, મ્યુનિસિપલ કમિશ્નરશ્રી, નાયબ કમિશ્નરશ્રી સહિત ઉચ્ચઅધિકારીઓ-પદાધિકારીઓ રસપુર્વક પ્રદર્શન નિહાળવા જોડાયા હતા.
સદભાવના મિશન-જૂનાગઢ
સદભાવનાની વિભાવનાને કારણે વિકાસ થયો છે.
- રામ મનિષા
જૂનાગઢઃતા.૨૨/૧૨/૨૦૧૧ નરસિંહ મહેતાની ભૂમિમાં સદભાવના મિશન દ્રારા સમાજમાં શાંતિ અને ભાઇચારાની જયોત જલાવવા આવેલ મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદી નુર છે.
ગુજરાતે મુખ્યમંત્રીશ્રીની આગેવાનીમાં સાધેલ વિકાસની સુવાસ આજે ચોમેર ફેલાયેલ છે. જેના પાયામાં સદભાવનાની વિભાવના જ હોઇ શકે નહિ તો આવો વિકાસ થાય જ નહિ. એમ દેવલપુરની એમ.બી.એ.ની વિદ્યાર્થીની રામ મનિષાએ જણાવ્યું હતું.
ગુજરાતમાં મહિલાઓ વિકાસમાં સહભાગી બની છે.
પૂર્વમેયર જયોતિબેન વાછાણી
જૂનાગઢઃતા.૨૨/૧૨/૨૦૧૧ પુર્વ મેયર-(જૂનાગઢ જયોતિબેન વાછાણીએ જણાવ્યું કે, સામાજીક કાર્યકર તરીકે મારા વિસ્તારમાં સદભાવના કાર્યક્રમ માટે પ્રજાજનોને મળતી હતી ત્યારે નાના મોટા સૌએ ઉપવાસ કરવાની તત્પરતા દાખવી હતી અને આજે મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીની સદભાવનાની વિભાવનાને ચરિતાર્થ કરવા સૌં ઉમળકાભેર ભાગીદાર પણ થયા છે. તેમણે જણાવ્યું હતું કે, કન્યા કેળવણી અને ચિરંજવી યોજનાને કારણે મહિલાઓ ગુજરાતના સર્વાંગી વિકાસમાં સક્રિયપણે ભાગ લેતી થઇ છે.
ગુજરાતનો વિકાસ ચોમેર ચર્ચામાં છે.
મનુભાઇ ચાવડા
જૂનાગઢઃતા.૨૨/૧૨/૨૦૧૧ સદભાવના મિશનથી ગુજરાતની ૬ કરોડની જનતામાં શાંતિ ભાઇચારો અને કોમી એકતાની સુવાસ ફેલાઇ છે. જેનાથી આગામી સમયમાં ગુજરાત વિકાસની હરણફાળ ભરશે એમાં કોઇ શક નથી. છેલ્લા દાયકામાં ગુજરાતે કરેલ વિકાસ આજે ચોમેર ચર્ચામાં છે ત્યારે સદભાવના મિશન વિકાસની ગતિને ઝડપી બનાવશે એમ મનુભાઇ ચાવડા, ઉપાધ્યક્ષ ઠાકોર, કોળી સમાજ વિકાસ બોર્ડ-ગાંધીનગરએ પોતાના પ્રતિભાવમાં જણાવ્યું હતું.
સમરસ ગામોથી કોમી એકતાને બળ મળ્યું છે.
ઉપસરપંચશ્રી નથુભાઇ
જૂનાગઢઃતા.૨૨/૧૨/૨૦૧૧ મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં જિલ્લાકક્ષાએ યોજાતા સદભાવના કાર્યક્રમથી સમાજમાં જાગૃતિ આવશે. સરકારની સમરસ ગ્રામ યોજનાથી ગામે ગામ કોમી એકતાથી સદભાવના ઉજાગર થઇ છે તેમજ આવા કાર્યક્રમથી કોમી સંવાદિતાનું સર્જન થશે. એમ નથુભાઇ કરશનભાઇ (ઉપ સરપંચ- ચીખલોદ્રા) એ પ્રતિભાવમાં જણાવ્યું હતું.
સદભાવના મિશન-જૂનાગઢ
સદભાવના અનશનની સાથે સાથે
મુખ્યમંત્રીશ્રીના આગમન સમયે રાધા દામોદર કુંડના સામવેદ પાઠશાળાના ઋષિકુમારો દ્વારા મંત્રોચ્ચાર કરવામાં આવ્યાં હતાં.
ભવનાથ તળેટીના સ્થાનિક તમામ લોકો સ્વૈચ્છિક બંધ પાળીને સદભાવના મિશનમાં જોડાયા હતાં.
જૂનાગઢ જિલ્લાના પદાધિકારીઓ દ્વારા મુખ્યમંત્રીશ્રીનું ૧૦ ફુટના ફુલહારથી સ્વાગત કરાયું હતું.
મહા મંડલેશ્વર પૂ. ભારતીબાપુ અને વિવિધ સંતોમહંતોએ મુખ્યમંત્રીશ્રીનું ફુલહારથી અભિવાદન કર્યું હતું.
સદભાવના કાર્યકમમાં ‘વંદે માતરમ ‘ના નારાઓથી સભામંચ ગાજી ઉઠયો હતો.
મુખ્યમંત્રીશ્રીનું દલિત સમાજની ૧૦૧ બાળાઓએ માથે કળશ-શ્રીફળ ધારણ કરીને અભિવાદન કર્યુ હતું.
જૂનાગઢના સીનીયર સીટીઝનોએ પણ મુખ્યમંત્રીશ્રીનું અભિવાદન કર્યુ હતું અને મુખ્યમંત્રીશ્રીને સાફો પહેરાવ્યો હતો. જેમાં જુદા જુદા રમતવીરો પણ હતા.
રાષ્ટ્રીય, રાજય એવોર્ડ વિજેતા શિક્ષકો દ્વારા પણ મુખ્યમંત્રીશ્રીનું અભિવાદન કરવામાં આવ્યું હતું.
સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો, પ્રજાપિતા બ્રહ્માકુમારીની બહેનો અને લઘુમતિ સમાજના સંતોએ મુખ્યમંત્રીશ્રીનું અભિવાદન કરીને સદભાવના માટે આશીર્વાદ પાઠવ્યા હતા. આહિર મહિલા મંડળની બહેનો દ્વારા પણ મુખ્યમંત્રીશ્રીનું સ્વાગત કરવામાં આવ્યું હતું.
શીખ અને સીંધી સમાજના ભાઇઓએ મુખ્યમંત્રીશ્રીનું અભિવાદન કર્યું હતું.
જૂનાગઢના પટેલ,નાગર સહિતના વિવિધ સમાજના લોકોએ મુખ્યમંત્રીશ્રીનું અભિવાદન કર્યું હતું.
મુસ્લિમ સમાજના આગેવાનો અને યુવાનો દ્વારા મુખ્ય મંત્રીશ્રીનું અભિવાદન કરવામાં આવ્યું હતું.
સગર સમાજ દ્વારા મુખ્યમંત્રીશ્રીના કન્યા કેળવણી ફંડમાં રૂ.૨૫,૦૦૦ અર્પણ કરાયા હતાં.
કાઠી,લોહાણા, સિંધી, શીખ, આચાર્યો, શિક્ષકો તથા ક્ષત્રિય, દલિત સમાજ-કેશોદ રામાનંદી સમાજ માળીયા હાટિના ક્ષત્રિય સમાજ, રઘુવંશી મહિલા મંડળે મુખ્યમંત્રીશ્રીનું અભિવાદન કર્યું હતું.
ક્ષત્રિય, કાઠી સમાજે સુર્ય નારાયણ ભગવાનની સિલ્વર કલરની પ્રતિકૃતિ મુખ્યમંત્રીશ્રીને અર્પણ કરી હતી.
ચોરવાડ નગરપાલિકાના પ્રમુખ બેનાબેન ચુડાસમાએ મુખ્યમંત્રીશ્રીને ચાંદીનું નાળિયેર અને ચાંદીનું નાગરવેલ પાન અર્પણ કર્યું હતું.
ઉમિયા સખીમંડળ, સીદી સમાજના અગ્રણીઓ ક્ષત્રીય સમાજ તથા બહેનોએ મુખ્યમંત્રીશ્રીનું પુષ્પહાર પહેરાવી સન્માનિત કર્યા હતા.
જુનાગઢના પ્રતિષ્ઠિત ઉદ્યોગપતિઓ, કડવા પટેલ જ્ઞાતિ સમાજે મુખ્યમંત્રીશ્રીને સ્મૃતિચિહ્ન અર્પણ કર્યુ હતું.
૧૦૦ વર્ષના બ્રહ્મસમાજના જોશી પરિવારના વયોવૃધ્ધ માજીએ મુખ્યમંત્રીશ્રીને આર્શિવચન પાઠવ્યા અને તેમને દુઃખણા લઇ વધાવ્યા હતા.
જૈન સંપ્રદાયની મહાસતીજીઓ તથા અન્ય સંતો-મહંતોએ મુખ્યમંત્રીશ્રીનું અભિવાદન કરીને આશિર્વાદ આપ્યાં હતાં.
મેર સમાજના રાસે ઉપસ્થિત જનસુમદાયમાં ભારે આકર્ષણ ઉભુ કર્યું હતું.
૧૧૫ વર્ષના દેવીપૂજક સમાજના વૃધ્ધા ગંગામાંએ સદભાવના કાર્યક્રમમાં મુખ્યમંત્રીશ્રીને આશીર્વાદ પાઠવ્યા હતા. તેઓ મેંદરડા તાલુકાના દેવગઢ ગામના વતની છે. અને આ ઉમરે પણ બકરા ચારી શકે છે.
મુસ્લિમ સમાજના આગેવાનો ધર્મગુરૂ, યુવાનોએ શાલ તથા મેમેન્ટો દ્વારા મુખ્યમંત્રીશ્રીનું અભિવાદન કર્યું હતું.
કોળી સમાજ, ત્રિમૂર્તિ હોસ્પીટલ તબીબી સ્ટાફ અને કારડીયા રાજપૂત સમાજે મુખ્યમંત્રીશ્રીને સાફો પહેરાવીને તલવાર અર્પણ કરીને અભિવાદન કર્યું હતું.
ખેલ મહાકુંભ અને વિવિધ રમતોના વિજેતા રમતવીરોએ મુખ્યમંત્રીશ્રીનું અભિવાદન કર્યું હતું.
સદભાવના મિશનથી સમાજ એકતા તણે બંધાયો છે.
ભાવીની કોટેચા
જૂનાગઢઃતા.૨૨/૧૨/૨૦૧૧ સભદભાવના મિશન જનશકિતને પૂરકબળ આપનાર કાર્યક્રમ સાબિત થયો છે. સાથો સાથ કોમી એકતા અને ભાઇચારાની લાગણીથી સમાજનો દરેક વર્ગ એકતાતંણે બંધાયો છે. જે ગુજરાતના વિકાસમાં સહાયક પૂરવાર થઇ રહેવાનું જણાય છે. મુખ્યમંત્રીશ્રીના સૌનો સાથ સૌનો વિકાસ સુત્રને સાર્થક કરવા અમો આ સદભાવના કાર્યક્રમમાં જોડાયા છીએ એમ સતવાવ (ઊના) ના રહેવાસી ભાવીની કોટેચાએ જણાવ્યું હતું.
સદભાવનાની સુવાસ જન જન સુધી પહોંચે છે.
સરોજબેન સભાડ
જૂનાગઢઃતા.૨૨/૧૨/૨૦૧૧ કુકરાસ ગામના સરોજબેને જણાવ્યું હતું કે, રાજયના મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીના સદભાવના કાર્યક્રમથી સારી ભાવના, લાગણીની સુવાસ જનજન સુધી પહોંચે છે. બીજા પ્રત્યે સારી ભાવના પ્રસારાવવાનો આ એક પ્રશંસનીય પ્રયાસ છે અને સદભાવના મિશને ભાઇચારાનું ઉતમ ઉદાહરણ પુરુ પાડયું છે.
દરેક જિલ્લા મથકે સદભાવના કાર્યક્રમમાં યોજાતા પ્રદર્શનો થકી વિવિધ યોજનાની જાણકારી પણ આમ જનતાને મળી રહે છે.
ગુજરાતમાં વિકાસ માનવતાના ઉત્કર્ષને અર્પણ કરાયો છે.
જિલ્લા પ્રભારી મંત્રીશ્રી દિલીપભાઇ સંઘાણી
જૂનાગઢઃતા.૨૨/૧૨/૨૦૧૧ છેલ્લા દશ વર્ષમાં ગુજરાતના તમામ ક્ષેત્રે થયેલ વિકાસ માનવતાના ઉત્કર્ષને અર્પણ કરાયો છે, તેમ જણાવી જૂનાગઢ જિલ્લા પ્રભારી મંત્રી અને રાજયના કૃષિમંત્રીશ્રી દિલીપભાઇ સંઘાણીએ કહયું કે, ગુજરાતીઓમાં પડેલી શકિતઓને જગાડવાના યોગ્ય વાતાવરણનું સર્જન થયું છે.
સદભાવનાની શકિત આજે ગુજરાતના ગામડે ગામડે છલકતી થઇ છે. પશુપાલન, કૃષિના વિકાસ સાથે ડેરી ઉદ્યોગોએ ગામડાને ધબકતા કર્યા છે. જે મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીની દિર્ધ દ્રષ્ટ્રીનું પરિણામ છે.
દશ વર્ષ પહેલા ગુજરાતના કોઇને કોઇ શહેરમાં અજંપો અશાંતિ રહેતા તે સીનારિયો હવે બિલકુલ બદલાઇ ગયો છે અને સંપૂર્ણ શાંતિ ગુજરાતમાં સ્થપાઇ છે. આ સદભાવના શકિત છે, તાકાત છે અને આ બધુ શકય બનું છે ગુજરાત સરકારની રાજકીય ઇચ્છા શકિતથી તેમ પણ શ્રી સંઘાણીએ જણાવ્યું હતું.
પડતર જમીનને નવસાધ્ય કરવાની વાત હોય, કૃષિ સંશોધને લેબ ટુ લેન્ડ સુધી લાવવાનું હોય. કૃષિ તજજ્ઞોને ખેડૂતો સુધી પહોંચાડવાનું આયોજન હોય, એક એક પગલા ગામડા અને ખેડૂતોના વિકાસ માટે વર્તમાન સરકારે લીધા છે, તેમશ્રી પણ સંઘાણી જણાવ્યું હતું.
રાજય સરકારે પછાત વર્ગના લોકો માટે વિવિધ વસાહતોના નિર્માણ દ્રારા તેમના પુનઃસ્થાપનનું કામ કર્યું છે.
મંત્રીશ્રી વાસણભાઇ આહિર
જૂનાગઢઃતા.૨૨/૧૨/૨૦૧૧ સામાજીક અને શિક્ષણીક રીતે પછાત વર્ગ કલ્યાણ રાજય મંત્રીશ્રી વાસણભાઇ આહિરે જણાવ્યું હતું કે, ૨૦૦૧ના ભૂકંપમાં કચ્છમાં ઉભી થયેલ વિકટ પરિસ્થિતિમાંથી કચ્છના લોકોને બહાર લાવીને મુખ્યમંત્રીશ્રીએ તેમના પ્રત્યેની સદભાવનાની સાથે કચ્છના વિકાસ માટેના સંનિષ્ઠ પ્રયાસો કર્યા જેના કારણે એક દશકામાં સમગ્ર ગુજરાતની સાથે કચ્છનો અવિરત વિકાસ થયો છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, સામાજીક શૈક્ષિણક રીતે પછાત વર્ગના લોકોને આવાસ મળી રહે તે માટે છેલ્લા ૭ વર્ષોમાં ૯.૭૭ કરોડની સહાય પુરી પાડવામાં આવી છે. સાથો સાથ રાજયમાં જુદા જુદા સ્થળોએ પછાત વર્ગના લોકો માટે વસાહતના નિર્માણ દ્રારા તેમના પુનઃસ્થાપનનું કાર્ય પણ કરવામાં આવ્યું છે.
મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, રાજયના શહેરોને બાજપાઇ નગર વિકાસ યોજના તથા શહેરી વિકાસ યોજના જેવી અનેક વિકાસ યોજનાઓ દ્રારા વિકાસશીલ શહેરો બનાવ્યાં છે. સાથો સાથ દેશ અને દુનિયાને સદભાવના મિશન થકી નવી દિશા આપી છે.
પ્રદર્શનોથી વિકાસની વિગતો જાણવા મળે છે. .
ર્ડા.પ્રદ્યુમન ખાચર
જૂનાગઢઃતા.૨૨/૧૨/૨૦૧૧ મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ જિલ્લાકક્ષાએ સદભાવના કાર્યક્રમ રાખવાનું સ્તુત્ત પ્રયાસ કર્યો છે. જેનાથી હિન્દુ, મુસ્લીમ, શીખ, ઇસાઇ સહિત વિવિધ ધર્મો અને કોમના નાગરિકો વચ્ચે ભાઇચારો વધશે. સદભાવના મિશનથી જિલ્લાકક્ષાએ યોજાતા પ્રદર્શનોમાં જિલ્લાની સંસ્કૃતિ અને વિરાસતને માણવાનો અવસર પ્રજાજનો પણ મળતો થયાનો મારો મત છે. એમ જાણીતા ઇતિહાસ લેખક ર્ડા.પ્રદ્યુમન ખાચર પોતાના પ્રત્તીભાવમાં જણાવ્યું હતું.
નેશનલ કમીશન ફોર શેડયુઅલ કાસ્ટ, નવી દિલ્હીના સભ્યશ્રી જામનગરની મુલાકાતે
જામનગર, તા. ર૨ –નેશનલ કમીશન ફોર શેડયુઅલ કાસ્ટ, નવી દિલ્હીના સભ્યશ્રી તથા રાજયસભાના સદસ્યશ્રી રાજુભાઇ પરમાર તા.૨૩ અને ૨૪ ડિસેમ્બરના રોજ જામનગર જિલ્લાની મુલાકાતે આવશે.
તેઓ તા.૨૩ના સવારે ૧૧.૩૦ વાગ્યે બેંક ઓફ બરોડાના શેડયુલ કાસ્ટ એમ્પ્લોયઝ વેલફર એસોસિએશનના પ્રતિનિધિ મંડળ તથા બેંકના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી શેડયુઅલ કાસ્ટના વિવિધ પ્રશ્નોની ચર્ચા વિચારણા કરશે. તેમજ બપોરે ૨.૩૦ કલાકે કલેકટર કચેરી ખાતે ધારાસભ્યો, પૂર્વ ધારાસભ્યો, સ્વૈચ્છિક સંસ્થાના પ્રતિનિધિઓ, સ્થાનિક શેડયુલ કાસ્ટના નેતાઓ, જિલ્લા કલેકટર તેમજ જિલ્લાના પોલીસ વડાને પણ મળશે. તા.૨૪ નાર રોજ સવારે ૧૦.૩૦ વાગ્યે તથા બેંક ઓફ ઇન્ડિયાના શેડયુલ કાસ્ટ એમ્પ્લોયઝ વેલફર એસોસિએશનના પ્રતિનિધિ મંડળ તથા બેંકના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજશે. તેમજ ૨.૩૦ કલાકે મહાનગરપાલિકાનામાં અધિકારીઓ તથા અનુ.જાતિના આગેવાનોને મળશે. તેમ એક યાદીમાં જણાવાયુ છે.
જિલ્લા રોગ અટકાયત અને જિલ્લા સર્વેલન્સની કામગીરી અંગેની બેઠક તા.૫ જાન્યુઆરીના
સંચારી રોગચાળા અટકાયત માટે જિલ્લા રોગ અટકાયત અને જિલ્લા સર્વેલન્સની કામગરીની બેઠક તા.૫/૧/૧૨ ના રોજ સાંજે ૪ વાગ્યે જિલ્લા પંચાયત ખાતે યોજાશે. તેમ સભ્ય સચિવશ્રી, રોગચાળા અટકાયતથા માટેની સમિતિ અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી, જામનગરની યાદીમાં જણાવાયુ છે.
વિકલાંગ પારિતોષિકોની સ્પર્ધા માટે અરજીઓ મંગાવાઇ
વર્ષ – ૨૦૧૧ ના રાજય વિકલાંગ પારિતોષિકોની સ્પર્ધા માટે શારીરિક રીતે ક્ષતિ ધરાવતી શ્રેષ્ઠ વ્યકિતઓ/સ્વરોજગાર કરતી વિકલાંગ વ્યકિતઓ, તેઓને કામે રાખતા શ્રેષ્ઠ નોકરી દાતા તથા વિકલાંગ વ્યકિતઓને થાળે પાડવાની કામગીરી કરતા પ્લેસમેન્ટ ઓફીસર્સ પાસેથી નિયત નમૂનામાં અરજી પત્રકો રોજગાર કચેરીમાંથી વિનામૂલ્યે મેળવી શકાશે. આ અરજી પત્રકો તા.૨૮/૧૨/૧૧ સુધીમાં જરૂરી આધાર સાથે રોજગાર કચેરીને મોકલી આપવા મદદનીશ નિયામક(રોજગાર)શ્રીની યાદીમાં જણાવાયુ છે.
વાડીનાર આજુબાજુનો વિસ્તાર પ્રતિબંધિત જાહેર કરાયો
જામનગર જિલ્લાના જામખંભાડિયા તાલુકાના વાડીનાર ગામમાં ઉપરાંત એસ્સાર વાડીનાર રિફાઇનરી તથા મરીન ફેસીલીટીઝની આજુબાજુના વિસ્તારને રાજયના ગૃહ વિભાગે એક નોટીફિકેશન દ્વારા પ્રતિબંધિત વિસ્તાર જાહેર કર્યો છે. જેમાં જાખર ગામના સર્વે નં.૩૬૧ થી માંડી જામનગર, ખંભાળિયા હાઇવે સુધીનો, ચામુંડા હોટલેને લગત વિસ્તાર તથા એસ્સાર પાવર પ્લાન્ટથી માંડીને ભરાણા સુધીનો વિસ્તાર તથા લાલપુર તાલુકાના લગત વિસ્તારો ઉપરાંત ખંભાળિયા-દ્વારકાના હાઇવેના પણ લગત વિસ્તારનો સમાવેશ થાય છે.
આ વિસ્તારને સુરક્ષાના મુદે પ્રતિબંધિત કર્યો છે. જેમાંથી પોલીસ, આર્મી જેવા વિભાગોને છૂટછાટ મળવા પાત્ર છે. તેમ એક યાદીમાં જણાવાયુ છે.
ખંભાળિયા વિસ્તાર વિકાસ સતામંડળની રચના કરાઇ
ગુજરાત સરકારશ્રીના શહેરી વિકાસ વિભાગના જાહેરનામા અન્વયે વાડીના વિકાસ સતા મંડળમાંથી અમુક વિસ્તાર અલગ કરી ખંભાળિયા વિસ્તાર વિકાસ સતામંડળની રચના કરવામાં આવી છે. ખંભાળિયા વિસ્તાર વિકાસ સતામંડળમાં ખંભાળિયા, ધરમપુર, શકિતનગર, રામનગર, હર્ષદપુર, હરીપર, દાંતા તથા કંચનપુર ગામોનો સમાવેશ થાય છે. આથી જયા સુધી આ કચેરીનું સ્થળ નકકી ન થાય ત્યાં સુધી આ ખંભાળિયા વિસ્તાર વિકાસ સતામંડળમાં લે આઉટ પ્લાનની અરજી પ્રાંત કચેરી, ખંભાળિયા ખાતે સ્વીકારવામાં આવશે. જેની લાગતા વળગતાએ નોંધ લેવા મુખ્ય કારોબારી અધિકારીશ્રી, ખંભાળિયા વિસ્તાર વિકાસ સતામંડળની યાદીમાં જણાવાયુ છે.
પારૂલ