જેતપુરના દેવકીગાલોળની સીમમાં ઉઘરાણી પ્રશ્ને
પ્રકાશની હત્યા કરનાર વાલુ પકડાયો, 2 દિવસના રિમાન્ડ પર
જેતપુર તા.26 (કશ્યપ જોશી દ્વારા)
ખજૂરી હડમતીયાના યુવાનની જેતપુર તાલુકાના દેવકીગાલોલ ગામની સીમમાં થયેલી હત્યાના બનાવમાં સંડોવાયેલ બે આદિવાસી યુવાનો પૈકીના એકને જેતપુર તાલુકા પોલીસે ઝડપી લઇ, 7 દિવસના રીમાન્ડની માંગ સાથે અત્રેની કોર્ટમાં રજુ કરતા કોર્ટે 2 દિવસના રિમાન્ડ મંજુર કર્યા છે તો અન્ય એક નાસતા ફરતા આરોપીને પકડવા ફોજદાર આર.એન.કરમતિયાએ કવાયત આદરી છે.
પ્રાપ્ત વિગતો મુજબ જેતપુર તાલુકાના દેવકીગાલોળ ગામે આજથી દસેક દિવસ પહેલા ભેંસાણ તાલુકાના ખજુરી હડમતીયા ગામનો યુવાન પ્રકાશ પરમાર પોતાની ઉઘરાણીના રૂ.૧૯૦૦ બાકી હોય તે લેવા માટે દેવકીગાલોળ ગામની સીમમાં આવેલ હસમુખભાઇ પટેલની વાડીએ આવ્યો હતો. જ્યાં રહેતા આ આદિવાસી શખ્શો શૈલેષ આદિવાસી તથા વાલુ આદિવાસી સાથે પ્રકાશને બોલાચાલી થતા, લાજવાને બદલે ગાજેલા શૈલેશ અને વાલુએ પ્રકાશ ઉપર કુહાડી- કોદાળી વડે હુમલો કરી મોતને ઘાટ ઉતારી દઇ પ્રકાશનું મોટર સાયકલ અને મોબાઇલ લઇ બંને શખ્સો નાસી છુટેલ.
બનાવની ફરિયાદ પરથી તાલુકા પોલીસે આદિવાસી શખસો વિરૂધ્ધ ૩૦ર, ૩૦૭, ૧૧૪, જીપીએકટ ૧૩પ મુજબ ગુન્હો નોંધી નાસી છુટેલા આરોપીઓને પકડી પાડતા ચક્રો ગતિમાન કરેલ હતા.
દરમિયાન તાલુકા પીએસઆઇ આર.એન.કરમટીયા, ગૌતમભાઇ ત્રિવેદી, દિવ્યેશભાઇ આર. ભીખુભાઇ વિગેરેએ તેમના મુળ વતન દાહોદના ફતેપુરના સુખપુર ગામે પહોચી સધન તપાસ કરતા વાલુ કીડીયા ભાભોર ઝડપાઇ ગયો હતો. બીજીબાજુ પોલીસે વાલુંને જેતપુર લાવી આજે અહીની કોર્ટમાં ૭ દિવસના રિમાન્ડની માંગણી સાથે રજુ કરતા કોર્ટે 2 દિવસના રિમાન્ડ મંજુર કર્યા હોવાનું પોલીસે જણાવ્યું હતું. જ્યારે બીજા આરોપી શૈલેષને પકડવા ચક્રો ગતિમાન હોવાનું પીએસઆઈ કરમટીયાએ જણાવેલ.
કશ્યપ જે. જોશી જેતપુર

ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો