પાણી ઉડતા ટપારવા ગયેલા
વીરપુર(જલારામ)ના પટેલ
યુવાનને ધોકાવતા ૪ શખ્શો
જેતપુર તા. ૨૦ (કશ્યપ જોશી દ્વારા)
જેતપુર તાલુકાના વીરપુર(જલારામ) ગામના એક પટેલ યુવાન પર સામાન્ય બોલાચાલી દરમિયાન ચાર યુવાનોએ હુમલો કર્યાની વીરપુર પોલીસમાં ફરિયાદ નોંધાવાઈ છે.
મળતી વિગતો મુજબ વીરપુરના ગંગાનગર વિસ્તારમાં સાગર મનજીભાઇ પટેલ ઉપર તે જ વિસ્તારના ડાયાભાઇના બે દિકરા તથા બે અજાણ્યા યુવાનોએ હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપતા વિરપુર પોલીસમાં ફરિયાદ કરાઈ છે. ફરિયાદમાં જણાવાયું છે કે ગઈ રાત્રીના ગરબીમાં પાણીના પાઉચમાંથી પાણી ઉડાડતા ચાર યુવાનોને તે ટપારવા જતા ચારેયે ઉશ્કેરાઈને ગાળો આપી મારમારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. વીરપુર પોલીસે સાગરની ફરિયાદ પરથી ઉપરોક્ત ચારેય યુવાનો સામે ગુનો નોંધી તમામની અટકની કાર્યવાહી હાથ ધરી છે.
જેતપુરના ચારણીયા ગામે વરસાદી તારાજીનો ભોગ બનેલા અસરગ્રસ્તોની રીતસરની મશ્કરી !?
જિરાફ જેવડી નુકશાની સામે કીડી જેટલી સહાય ચુકવાતા અસરગ્રસ્તોમાં રોષ-અસંતોષ, ફરીથી સર્વે કરવા માંગ..
જેતપુર તા.૨૦ (કશ્યપ જોશી દ્વારા)
જેતપુર તાલુકાના ચારણીયા ગામે વરસાદી તારાજીનો ભોગ બનેલા અસરગ્રસ્તોને સહાય આપવામાં સરકારી તંત્રોએ રીતસરની મશ્કરી કરી હોય, ફરીથી સર્વે કરી ન્યાય આપવા માંગ ઉઠી છે.
મળતી વિગતો મુજબ જેતપુર તાલુકાના ચારણીયા ગામના નાથાભાઇ જીવાભાઇ ચૌહાણએ રાજકોટ જીલ્લા કલેકટરને કરેલી લેખિત ફરિયાદમાં જણાવાયું છે કે, ગત તા. ૨૪/૭/૨૦૧૫ ના રોજ ભારે વરસાદ તુટી પડતા સુરવો નદીમા ઘોડાપુર આવ્યા હતા. જે નદીના ઘસમસતા પાણી અરજદાર સહિતના લોકોના મકાનોમાં ફરી વળતા ભારે તારાજી સર્જાઈ હતી.
આ બાબતે જે તે સમયે સરકાર તરફથી નુકશાની અંગેનો સર્વે કરાયો હતો. સર્વેમાં સરપંચ, તલાટી કમ મંત્રીઓ, તાલુકા પંચાયત કચેરી સ્ટાફ સહિતના સત્તાધીશોએ સ્થળ ઉપર રૂબરૂ પંચો સાથે આ કામગીરી કરેલ, પણ પાછળથી કોણ જાણે શું રંધાઈ ગયું હોય તેમ જેઓના મકાનો સંપુર્ણ ઘરવખરી સાથે નાશ પામ્યા છે તેવા લોકોને માત્ર રૂા. ૫૬૦૦ જેવી સહાય કરી સરકારી તંત્રોએ અસરગ્રસ્તોની જાણી જોઇને મશ્કરી કરી હોય તેવો તાલ સર્જાયો છે. જ્યારે જેઓને નહીવત નુકશાની થઇ છે તેવા આસામીઓને ૮૦ હજારથી પણ વધુની સહાય જાહેર કરીને સંબંધિતોએ સરકારી સહાયમાં પણ ગોલમાલ સર્જી હોવાની શંકા ઉપજી રહી હોવાનો નાથાભાઈનો આક્ષેપ છે.
સાથે રાજકોટ જીલ્લા કલેકટર આ વાતમાં ખાસ તપાસ ટીમ બનાવી જેતપુરના ચારણીયા ગામે અસરગ્રસ્તોની, તારાજીની વિગતો મેળવી ફેર સર્વે કરાવે તેવી માંગ કરાઈ છે.
માહિતી માંગનાર જેતપુરના યુવાનને ઉઠા
ભણાવતા ગોંડલના માહિતી અધિકારી.....
જેતપુર તા.૨૦ (કશ્યપ જોશી દ્વારા)
ગોંડલ તાલુકા પંથકમાં વાવડીના વીરડા પાસે બનેલ અમુક ફેક્ટરી બાબતે જેતપુરના યુવાને માંગેલી માહિતીનો દોઢ મહિના પછી પણ ગોંડલના માહિતી અધિકારીએ જવાબ ના આપ્યો હોવાની વાત બહાર આવી છે.
મળતી વિગતો મુજબ ગોંડલ પંથકમાં પાટીદળ ગામના વાવડીના વીરડા નજીકની જમીનમાં ઉભી થયેલી અમુક ફેકટરીઓ હકીકતમાં સરકારી નિયમોને આધીન બનાવાઈ છે કે કેમ ? જમીનો બિનખેતી થયેલ છે કે કેમ ? વિગેરે બાબતોની જેતપુરના અરજદાર હેમંત શેખવા દ્વારા ગોંડલના માહિતી અધિકારી પાસે ગત તા.૧-૯-૨૦૧૪ ના રોજ થી અવારનવાર માહિતીઓ માંગી હતી.
અરજદાર કહે છે કે તેમની માંગેલી માહિતીનો જવાબ આપવા સેક્શન અધિકારી માહિતી આયોગ દ્વારા અપીલ ૨૫૩૭/૨૦૧૫ થી હુકમો થયા છે આમછતાં છેલ્લા ૧ વર્ષ થયા અરજદારને કોઈ સંતોષકારક જવાબ મળ્યો નથી. આ બાબતે હેમંત શેખાવાએ પ્રાંત અધિકારી અને મામલતદારને પણ રજુઆતો કરી છે, પણ તેમનું કોઈ સાંભળતું નથી. સામાન્ય રીતે કોઈ પણ માંગેલી માહિતીનો જવાબ સંબંધિત સત્તાધીશોએ કે માહિતી અધિકારીઓએ આપી દેવાનો હોય છે. પણ જેતપુરના અરજદારને છેલ્લા ૧ વર્ષ થયા ગોંડલના સંબંધિતો કોઈ જવાબ જ ના આપતા હોય તેઓની સામે ઉપરી અધિકારીઓ શું પગલા ભરશે ? તે સમય જ બતાવશે !
કશ્યપ જે. જોશી જેતપુર જેતલસર ૯૯૭૪૨૬૨૮૧૨
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો