અનુયાયીઓ

મંગળવાર, 26 મે, 2015

જેતલસરના દલિત યુવાનને ઠંડા કલેજે પતાવી દેતા ચકચાર !!

જુનાગઢ પંથકના 2 યુવાનોએ જેતલસર સ્થિત 2 મિત્રોની મદદથી 
જેતલસરના દલિત યુવાનને ઠંડા કલેજે પતાવી દેતા ચકચાર !!
પોલીસે જેતલસરના 2 સહીત 3 ની કરી ધરપકડ : લાશ હજુ હવામાં !?
હત્યાના કારણમાં જુની તકરાર કારણભૂત..દોઢ મહિના થયા ભેદી સંજોગોમાં ગુમ મહેશના લોહીયાળ કપડા, હાથનું કડુ, તથા ચપલ મળી આવતા તાલુકા પોલીસના ફોજદાર રઘુભાઈ કરમટીયાએ શરુ કરેલ તપાસના દૌર મળેલી સફળતા : પંથકમાં સનસનાટી !!
(કશ્યપ જોશી ) જેતલસર તા.26
જેતલસરમાંથી દોઢ મહિના થયા ભેદી સંજોગોમાં ગુમ થયેલ એક દલિત યુવાનની જુના મનદુઃખને કારણે પૂર્વયોજિત ઘટના હત્યામાં પરિણમતા જેતપુર તાલુકા પોલીસે  ઘટનામાં સંડોવાયેલ જેતલસરના 2 અને એક જૂનાગઢનો એમ 3 લવરમુછીયાંને ઝડપી લઇ, હવામાં ઓગળી ગયેલા ડુંગરપુરના ભૂરાની શોધખોળ આદરી છે. 
સમગ્ર જેતલસર પંથકમાં ચકચાર જગાડનાર અને દલિત સમાજમાં રોષ સાથે અરેરાટી ઉપજાવનાર બનાવની  મળેલી સિલસિલાબદ્ધ હકીકતો જોઈએ તો જેતલસરના ડેડરવા રોડ પર ગાયત્રી નગરની સામે આવેલ આંબેડકરનગરમાં રહેતો મહેશ જેન્તી ગોહેલ નામનો 33 વર્ષીય દલિત યુવાન ગત તા.15-4-2015 ના રોજ ઘરેથી કોઈને કહ્યા વગર ચાલ્યો જતા, તેમના નાનાભાઈ રોહિત અને માતા સહિતના પરિવારજનોએ આજુબાજુ તેમજ સગાવહાલાઓમાં તપાસ કરી હોવા છતાં મહેશનો ક્યાંય પત્તો લાગ્યો નહોતો..પરિણામે મહેશના નાનાભાઈ રોહિતે જેતપુર તાલુકા પોલીસમાં મોટોભાઈ મહેશ ગુમ હોવાની તા.24-4-2015 ના રોજ નોંધ કરાવી હતી.
બીજીબાજુ મહેશની ચાલચલગત અને રહેણીકહેણી અંગે જેતપુર તાલુકા ફોજદાર રઘુભાઈ કરમટીયાએ જીણવટ ભરેલી તપાસ દરમિયાન પણ મહેશના ક્યાય પોલીસને સગડ મળ્યા નહોતા. આમ છતાં પોલિસની ગુપ્ત તપાસ વચ્ચે ગઈકાલે કોઈએ પોલીસને જાણ કરી હતી કે, જેતલસરના મામાદેવવાળી જગ્યાની પાછળના જંગલી વિસ્તારમાં કોઈનું લોહીવાળું ટીશર્ટ, હાથનું કડુ તેમજ ચપલ પડ્યા હોય તપાસ કરવી જરૂરી છે.
જેતપુર તાલુકા પોલીસને આવી બાતમી મળતાજ ફોજદાર રઘુભાઈ કરમટીયાએ સ્ટાફના ગૌત્તમભાઈ ત્રિવેદી, મજનુભાઇ મનાત, દિવ્યેશ આહીર, જયવીરસિંહ રાણા સહિતનો કાફલો મારતે ઘોડે જેતલસર પહોંચી, બાતમીવાળી વસ્તુઓ(કપડા વી.) જેસીબી મારફત ખાડો ખોદાવી બહાર કાઢી, ગામના ભેદી સંજોગોમાં ગુમ યુવાન મહેશના ભાઈ રોહિતને બતાવતા રોહિતે આ બધું તેમના મોટાભાઈ મહેશનું જ હોવાની વિગતો આપતા, ગુમસુધ્ધા યુવાનની ઘટના હત્યાના બનાવમાં ફેરવાઈ હોવાની શંકા સાથે મહેશના મોબાઈલની કોલ્સ ડીટેઈલ્સ તપાસતા જુનાગઢના બીલખા રોડ પર આવેલ આંબેડકરનગરમાં રહેતા સાગર ઊર્ફે સચિન બાબુ રાઠોડ (ઉ.વ.22) અને ભૂરો (રહે.ધરાર નગર-ડુંગરપુર) ના કોલ્સને શંકાના દાયરામાં રાખી પોલીસે બંનેની શોધખોળ આદરતા સાગર રાઠોડ પકડાઈ ગયો હતો. જેની આગવી ઢબે સરભરા કરતા સાગર પોપટ બની જઈ, મહેશની મર્ડરમિસ્ટ્રી વર્ણવતા પોલીસ પણ ચોંકી ગઈ હતી. સાગરે મહેશની હત્યામાં તેમનો એક ભૂરો નામનો મિત્ર અને જેતલસરના 2 લવરમૂછીયા જીતેશ ઉર્ફે જીતો હીરાભાઈ ગોહેલ(ઉ.વ.21), કિરણ ઉર્ફે કટીયો ભલાભાઈ ગોહેલ(ઉ.વ.19)ના નામો આપતા જેતપુર તાલુકા પોલીસે ગણતરીની કલાકોમાં જેતલસરના આ બંને યુવાનોને પણ ઝાલી લીધા હતા. જયારે નાશતા ફરતા ભૂરિયાને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.
બોક્સ: મહેશનું શુંકામ ઢીમ ઢાળી દેવાયું ??
જેતલસર: પોલીસને એવી વિગતો સાંપડી છે કે જુનાગઢના સાગર રાઠોડની બહેન  જેતલસરમાં ભરત ઉર્ફે ભલીયો કરશન ચૌહાણના પરિવારમાં શ્વસુરગૃહ ધરાવતી હોય, સાગર સમયાંતરે જેતલસર આવતો, ત્યારે કોઈ પારિવારિક બોલાચાલી દરમિયાન મહેશ અને સાગર વચ્ચેની ઉગ્ર તકરાર મારામારીમાં ફેરવાતા જ્યારે જ્યારે સામસામા આવી જતા મહેશ અને સાગર વચ્ચે બોલાચાલી અને માથાકુટો થયા કરતી. જે વાતનો કાયમી નિવેડો લાવવા સાગરે તેમના મિત્ર ભૂરો અને મહેશના એક તબક્કે કૌટુંબિક મિત્રો એવા જેતલસરના જીતેશ અને કિરણની મદદથી મહેશનું ઢીમ ઢાળી દીધાની પોલીસને પ્રાથમિક વિગતો મળી રહી છે.
બોક્સ: ઘટનાને અંજામ કઈ રીતે અપાયો ??!
જેતલસર: બનાવની સચોટ માહિતીઓ આપવામાં બંધ મોઢાને ખોલવા ના માંગતી પોલીસ વચ્ચેજ મળેલી અને ચર્ચાતી વિગતો એવી હતી કે જુનાગઢના સાગરે મિત્રો ભૂરો, જીતેશ અને કિરણની મદદથી મહેશને મામાંદાદાની જગ્યા પાછળના એક અવાવરું ગોદામ (જુનવાણી ટોટાનું ગોદામ) માં દારૂ પીવા બોલાવ્યો હતો. જ્યાં શરાબ પાર્ટી પતાવ્યા પછી ચારેય મિત્રોએ મહેશને ઉપરાછાપરી છરીઓના ઘા ઝીંકી, નજીકના એક ઊંડા ખાડામાં ગબડાવી, પથ્થરો અને ધૂળ નીચે મહેશને દાંટી ચારેય નાશી છુટ્યા હતા. આવી મર્ડરમિસ્ત્રી પકડાયેલ ત્રણેય તહોમતદારોએ પોલીસ સમક્ષ કબુલી હતી. પણ પોલીસ આવી વિગતોમાં સતત આઘી ભાગતી જોવા મળી હતી.
બોક્સ: પોલીસની તપાસ સમયે જીતેશ અને કિરણ સાથેજ રહેતા !!
જેતલસર: ગામના જાણકારો અને અને અમુક પોલીસમિત્રોમાં ચર્ચાતી વિગતો મુજબ ગુમસુધાં મહેશની શોધખોળ કરવા જ્યારે જયારે તાલુકા પોલીસ જેતલસરમાં આવતી ત્યારે અજાણ્યા બની જેતલસરનો કિરણ અને જીતેશ પોલીસની આજુબાજુજ ફરતા અને મહેશની સાથે કોણ કોણ ઘરોબો રાખતા તેની વાયા મીડયા માહિતીઓ પોલીસને આપતા, પણ આ બંને જ મહેશની હત્યાની ઘટનામાં સંડોવાયા હોવાની વિગતો બહાર આવતા પોલીસ પણ હબક ખાઈ ગઈ છે.
બોક્સ: મૃતકના ભાઈએ શું કહ્યું એફ.આઈ.આર.માં ??
જેતપુર: જેતલસરમાં ચાર યુવાનોના કારસા વચ્ચે હત્યાનો ભોગ બનેલા મહેશ જેન્તી ગોહેલના નાના ભાઈ રોહિતે નોંધાવેલી એફઆઈઆર માં જણાવેલ છે કે તેમનો મોટોભાઈ શરાબ પીવાની ટેવવાળો હતો. તેમજ સાગર અને ભુરીયા સાથે દારૂ જેવી બદીમાં ફસાઈ ગયો હોય, તેમજ અગાઉના મનદુઃખનો ખાર રાખી એકબીજાએ મદદગારી કરી, તીક્ષણ હથિયાર વડે મહેશને મોતને ઘાટ ઉતારી, પુરાવાના નાશ માટે મહેશની લાશને સગેવગે કરી નાખી છે. પોલીસે રોહિતની ફરિયાદ ફરથી સાગર, ભૂરિયો, જીતેશ અને કિરણ સામે ઈપીકો કલમ 302, 201 અને 114 મુજબ ગુનો નોંધી સાગર, જીતેશ અને કિરણની ધરપકડ કરી, નાશી છુટેલા ભુરીયાને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.
બોક્સ: મૃતકના કોઈ અસ્થી મળ્યા નથી : પોલીસ 
જેતલસર: જેતલસરના ગુમ યુવાનનો બનાવ હત્યામાં ફેરવાયા બાદ મૃતક યુવાનના હાડકા, ખોપડી, કે શરીરના અંગો મળ્યા છે કે કેમ ? તે વાતની પૂછપરછ દરમિયાન પોલીસ સુત્રોએ જણાવેલ કે મહેશના લોહીવાળા કપડા અને ચપલ સિવાય કશું મળ્યું નથી. મોઢા એટલી વાતો એ કહેવત મુજબ આ બધી વાતોને પોલીસે અફવામાં ખપાવી છે.
બોક્સ: 24 કલાક પછી પણ પોલીસ લાશ ક્યા છે ? તેનાથી અજાણ ??
જેતલસર: ગત મોડી રાત્રીના જ બનાવ સ્થળે મળેલા પત્રકારોને માહિતી આપવાની વાતમાં મોઢું ફેરવી લેતી પોલીસે છેલ્લી 24 કલાક થયા મહેશની હત્યામાં સંડોવાયેલ મનાંતા સાગર, કિરણ અને જીતેશ પાસેથી તેઓએ મહેશની લાશ ક્યા સગેવગે કરી છે ? તેની માહિતી ઓંકાવવામાં નિષ્ફળતા મેળવી હોય, જો સાંયોગિક પુરાવાઓ નહિ મળે તો આ હત્યાના કસુરવારો પોલીસ સકંજાની બહાર ચાલ્યા જશે તેવી જાણકારોએ દહેશત વ્યક્ત કરી છે.
બોક્સ: ડોગસ્કવોડ આંટો મારી ચાલી ગઈ !!
જેતલસર: ગઈ મોડી રાત્રીના ફોજદાર રઘુભાઈ કરમટીયા, મોટો પોલીસ કાફલો, ગ્રામજનો અને મામલતદાર કચેરીના નીખીલ મહેતા, પત્રકારો વી ની હાજરીમાં જેતલસર બનાવ સ્થળે આવી પહોંચેલ રાજકોટની ડોગસ્કવોડના સ્વાનને લોહીવાળું ટીશર્ટ, ચપલ સુંઘાડાયા હતા, પણ બનાવ સ્થળે લાંબી ચક્કર મારી ડોગસ્કવોડ પરત ચાલી ગઈ હતી. જતા જતા ડોગસ્કવોડના સ્ટાફે જણાવેલ કે 45 દિવસ જેવો સમય થઇ ગયો હોય, આ પ્રકરણ ઘેરું બન્યું છે. જો આઠેક દિવસનો બનાવ હોત તો ડોગસ્કવોડ ધણી અસરકારક કામગીરી કરી શકી હોત.
અહેવાલ અને ફોટો : કશ્યપ જે. જોશી જેતલસર(જેતપુર) 99742 62812

     
 

ટિપ્પણીઓ નથી: