અનુયાયીઓ

શનિવાર, 14 માર્ચ, 2015

ધો.5 ની બે છાત્રાઓને સ્કેલ-ધુમ્બા વતી માર મારતા ચકચાર !




જેતપુરના નવાગઢમાં ખાનગી શાળાના સંચાલકે બાકી ફી ચુકવવા બાબતે 
ધો.5 ની બે છાત્રાઓને સ્કેલ-ધુમ્બા વતી માર મારતા ચકચાર !
સ્કુલનું નામ સાંભળતાજ બાળકીઓ ધ્રુજતી હોવાનો વાલીઓનો આક્ષેપ : હાલ બંને સરકારી દવાખાનામાં દાખલ 
જેતપુર તા.14
જેતપુરના નવાગઢમાં એક ખાનગી શાળા સંચાલકે પોતાની શાળાની ધોરણ 5 ની બે છાત્રાઓને બાકી ફી ચુકવવા મુદ્દે સ્કેલ અને શરીરે ધુમ્બા મારી ઈજાઓ કર્યાની ઘટનાએ ચકચાર જગાવી છે. બીજીબાજુ બંને બાળકીઓ સારવાર માટે અત્રેની સરકારી હોસ્પીટલમાં દાખલ થયાની જાણ પરથી હોસ્પીટલે વાલીઓના ટોળા ઉમટી પડી ઘટનાના કસુરવારો સામે પોલીસ ફરિયાદ સહિતની કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ દોહરાવી હતી.
સમગ્ર બનાવની મળતી વિગતો મુજબ જેતપુરના નવાગઢ  ઈદ  મસ્જીદ ધારમાં રહેતા આનંદ વજુભાઈ બોસમીયાની પુત્રી રૂપલ(ઉ.વ.11) તથા નવાગઢ ગઢની  રાંગ બહાર રહેતા અશરફભાઈ સીદીકભાઈ ઠામણીયાની પુત્રી તરન્નુમ(ઉ.વ.10) એમ બંને બાળકીઓ નવજીવન વિદ્યાલય નામની ખાનગી શાળામાં ધો. 5 માં, એકજ વર્ગ-અ માં અભ્યાસ કરે છે.
આ બંને છાત્રાઓમાં અનુક્રમે તરન્નુમ ના ફીના રૂપિયા 1300-00 અને રૂપલના રૂપિયા 100 ફીના બાકી ખેચાતા હોય, ફી લઇ આવો નહીતર ક્લાસરૂમમાં બેસવા નહિ દઈએ તેવી ધમકીભરી વાત ઉચ્ચારી બંને ને ક્લાસ રૂમની બહાર ચાર ચાર કલાક ઉભી રાખી શાળા સંચાલકોએ માનશીક ત્રાસ આપતા આ બંને છાત્રાઓ ભારે માનસિક દબાણમાં આવી ગઈ હતી.
એટલુજ નહિ તરન્નુમ અને રૂપલના કહેવા અનુસાર આ શાળાના સંચાલક અને માલિક કલ્પેશભાઈએ બંનેને સ્કેલ(ફૂટ) વતી અને વાંસામાં ધુમ્બા મારી અમોને ભારે ધમકાવી હતી.  આવી આપવીતી બંને બાળાઓએ પોતપોતાના વાલીઓને કહેતા બંને વાલીઓ આનંદ બોસમીયા અને અશરફભાઈ શાળા સંચાલકોને રજૂઆત કરવા દોડી ગયા હતા, ત્યારે પણ શાળા સંચાલકોએ ફી ના ભરવી હોય તો તમારા બાળકોના લીવીંગ સર્ટીફીકેટ લેતા જાઓ તેવું ધમકીભર્યું વર્તન કર્યાનો વાલીઓનો આક્ષેપ છે.
બીજીબાજુ શાળાનું નામ લેતાજ ધ્રુજતી અને શાળા સંચાલકના માર થી શારીરિક અસ્વસ્થ બનેલી બંને બાળાઓને અત્રેની સરકારી હોસ્પીટલમાં સારવાર માટે દાખલ કરાતા વાલીઓ હોસ્પીટલે દોડી જઈ, ઘટનાના કસુરવારો સામે શિક્ષાત્મક પગલા ભરાય તેવી માંગો દોહરાવી હતી. આ તકે બંને બાળાઓના વાલીઓએ શાળા સંચાલકો સામે ફોજદારી રાહે પગલા ભરવા શહેર પોલીસ સ્ટેશનમાં અરજીરૂપ ફરિયાદ કરતા પોલીસે બનાવને તપાસવા કવાયત આદરી છે.
બોક્સ: રંજન ટીચરે રૂમ બહાર કાઢી, સંચાલકે ફટકાર્યા !
જેતપુર: સરકારી હોસ્પિટલ બિછાને રહેલી રૂપલ અને તારાન્નુંમે પત્રકારોને જણાવેલ કે તેઓની શાળાના રંજન ટીચરે અમો બંનેને રૂમ બહાર કાઢી કલાકો સુધી બહાર ઉભી રાખી હતી, ત્યાં કલ્પેશ ટીચરે બંનેને હાથોમાં ફૂટપટ્ટી ફટકારી, વાળ ખેંચી વાંસામા ધુમ્બા માર્યા હતા. આટલું બોલવામાં પણ થોથરાતી બંને બાળકીઓ પર શાળા સંચાલકો અને શિક્ષિકાનો કેટલો ભય છવાયો છે તે છતો થઇ ગયો હતો. બંને વાલીઓએ પોલીસ ઉપરાંત જેતપુરના શાશનાધિકારી, રાજકોટ ખાતે જીલ્લા શીક્ષણાંધિકારી, તેમજ ગાંધીનગર ખાતે નાયબ પ્રાથમિક શિક્ષણ નિયામકને અને રાજકોટ જીલ્લા પોલીસ વડા ગગનદીપ ગંભીરને લેખિત ફરિયાદ કરી ન્યાય મંગાયો છે.

બોક્સ: મારો ને બાળકીઓનો ડીએનએ ટેસ્ટ કરાવો : શાળા સંચાલક કલ્પેશ કોઠારી 
જેતપુર: પોતાની શાળાની બે બાળકીઓને માર માર્યો હોવાની વાતના તથ્ય માટે કરાયેલ મોબાઈલ સંપર્ક દરમિયાન શાળા સંચાલક કલ્પેશ વજુભાઈ કોઠારીએ જણાવેલ કે સંસ્થાના નિયમો મુજબ ફી ભરવાની સૂચનાઓ અપાતી હોય છે,  મેં કોઈ બાળકીઓને માર માર્યો નથી, કોઈ હિતશત્રુઓ તેમની પાછળ પડ્યા છે. ઘટના સત્યથી વેગળી છે. પોતે છેલ્લા ચાર દિવસ થયા નવાગઢમાં ચાલતા શ્રી રામજી મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં જોડાયેલા હતા. આમ છતાં વાલીઓ પોતાની બાળકીઓને માર માર્યાની ફરિયાદ કરતા હોય તો બાળકીઓ અને મારો(કલ્પેશ કોઠારીનો) ડીએનએ ટેસ્ટ કરાવો, સત્ય બહાર આવી જશે. 

કશ્યપ જે. જોશી જેતલસર(જેતપુર)9974262812

જેતપુરના રેશમડીગાલોળ ગામે કાલથી ગૌ ભાગવત કથાનું આયોજન 

જેતપુર તા.14

જેતપુર તાલુકાના રેશમડીગાલોળ ગામ ખાતે આવતીકાલ તા. 16.3 થી 19.3 એમ ચાર દિવસીય ગૌ ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું છે. સમસ્ત રેશમડીગાલોળના પ્રજાજનો તેમજ શ્રી કામધેનું ગૌ સેવા સમાજ દ્વારા આયોજિત કથાના વ્યાસાસને ડભોઈના વિશ્વ ગાયત્રી પરિવારના પ્રજ્ઞાપુત્રી રશ્મિકાબેન બિરાજી પોતાની આગવી શૈલીથી કથાનું સૌને રસપાન કરાવશે. ગૌ શાળાના લાભાર્થે યોજાનાર કથા સ્થળે તા.18 ના રોજ રાત્રીના નારાયણ ઠાકોર, અલ્પા પટેલ, મનસુખભાઈ વિગેરે કલાકારોના  લોકડાયરાનું પણ આયોજન કરાયું હોય, ધર્મપ્રેમી જનતાએ ગૌ ભાગવત કથા અને ડાયરાનો લાભ લેવા અનુરોધ કરાયો છે.

કશ્યપ જે. જોશી જેતલસર(જેતપુર)9974262812




ટિપ્પણીઓ નથી: