શ્રી જેતપુરમાં વરિયા વૈષ્ણવ પ્રજાપતિ
જ્ઞાતિના 4થા સમુહલગ્નનું આયોજન
લગ્નોત્સવ સાથે રક્તદાન કેમ્પનું પણ આયોજન
જેતપુર તા.12
જેતપુરના ચાંપરાજપુર રોડ પર આવેલ શ્રી ખાખામઢી(હનુમાનજી) મંદિર ખાતે તા.15.2 ને રવિવારના રોજ શ્રી વરિયા વૈષ્ણવ પ્રજાપતિ સમૂહ લગ્ન સમિતિ દ્વારા જ્ઞાતિના ચોથા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે.
રાજ્ય મંત્રી જયેશભાઈ તેમજ સાંસદ વિઠ્ઠલભાઈ રાદડિયા, પાલિકા પ્રમુખ રમાબેન અને ઉપપ્રમુખ સુરેશભાઈ સખરેલીયા વી. મહાનુભાવોની હાજરી વચ્ચે યોજાનાર આ લગ્નોત્સવમાં જોડાનાર 4 નવ દંપતીઓને આશિર્વચન આપવા સત્તાધારના મહંત વિજય્બપું તથા ખાખામઢીના મહંત રઘુવીરદાસબાપુ હાજર રહેશે.. સમૂહ લગ્નોત્સવના આયોજનમાં જહેમત ઉઠાવતા હસમુખભાઈ વાછાણી, વિપુલ સંચાણીય તથા કેતન ઓઝાના જણાવ્યા પ્રમાણે લગ્નોત્સવ સ્થળે સવારના 9:30 થી 11:30 દરમિયાન રક્તદાન કેમ્પનું પણ આયોજન કરાયું હોય, જ્ઞાતિજનો અને રક્ત્દાતાઓને રક્તદાન માટે અનુરોધ કરાયો છે.
કશ્યપ જે. જોશી જેતલસર-જેતપુર-9974262812
રાજ્ય સરકારે આ માટે બબ્બે પરિપત્રો જાહેર કર્યા છે છતાં
જેતપુર શહેર-તાલુકામાં મફત શિક્ષણની અમલવારી ક્યારે ??
જેતપુર તા.12
છેલ્લા 2 વર્ષ દરમિયાન રાજ્ય સરકારે રાઈટ ટુ એજ્યુકેશન અંતર્ગત 25 ટકા કોટા જાહેર કરી બાળકોને મફત શિક્ષણ આપવાના પરિપત્રો જાહેર કર્યા હોવા છતાં જેતપુરમાં આ વાતની અમલવારી કરવામાં શાળા સંચાલકો બેધારી નીતિ દાખવતા હોય, જાગૃત યુવાન મહમદ અબુભાઈ સાંધે શિક્ષણ વિભાગના અગ્ર સચિવ સહિતના સંબંધિતોને લેખિત રજુઆતો કરી છે.
રજુઆતમાં જણાવ્યું છે કે નગર પાલિકા હસ્તકની પ્રાથમિક ખાનગી શાળાઓમાં સને 2015/2016 ના વર્ષ માટે આરટીઈ એક્ટ 2009 અને આરટીઈ રૂલ્સ 2012 અંતર્ગત નબળા અને વંચિત જૂથના બાળકોને મફત અને ફરજીયાત શિક્ષણનો અધિકાર અધિનિયમ મુજબ 25 ટકા જગ્યાઓ ઉપર પ્રવેશ આપવા રાજ્ય સરકારે તા.23.5.13 અને 21.2.14 ના પરિપત્રો જાહેર કર્યા છે.
અને આ અંગે રાજકોટ સહીત રાજ્યભરના જિલ્લાઓને લક્ષ્યાંકો પણ અપાઈ ગયા છે. પણ જેતપુરમાં આ વાતની શાળાઓ પર કોઈ અસર પડતી નાં હોવાનો રજૂઆતકર્તાનો આક્ષેપ છે.
બોક્સ: પરિપત્રમાં સ્પષ્ટતા જરૂરી
જેતપુર: અરજદાર જણાવે છે કે સરકારે મફત અને ફરજીયાત શિક્ષણ અન્વયે જાહેર કરેલ 25 ટકા પ્રવેશની વાત શહેર દીઠ, શાળા દીઠ, કે જીલ્લા દીઠ નક્કી કરાઈ છે ? આ વાતની તાકીદે સ્પષ્ટતા જરૂરી છે.
બોક્સ: જીલ્લા-શહેરી વિસ્તારના લક્ષ્યાંકો
જેતપુર: ગાંધીનગરની પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરી દ્વારા સને 2015-16 ના વર્ષ માટે નબળા અને વંચિત જૂથના બાળકોને 25 ટકા જગ્યાઓ પર પ્રવેશ આપવા માટે જીલ્લાવાઇજ ફાળવેલા લક્ષ્યાંકોમાં રાજકોટ જીલ્લામાં 2100 બાળકોને અને રાજકોટ મહાનગરપાલિકા વિસ્તારમાં 1100 બાળકોને પ્રવેશ અપાવવાનો લક્ષ્યાંક અપાયો છે. પણ આ કાર્યવાહી થઇ કે કેમ તે રામજાને !!
બોક્સ: કેન્દ્રીય વિદ્યાલયે પહેલ કરી !
જેતપુર: અરજદાર મહમદભાઈ એ એક સરાહનીય વાત બતાવતા જણાવેલ કે મફત અને ફરજીયાત(25 ટકા) બાળકોને પ્રવેશ અપાવવાના આ સરકારી હુકમનો જેતપુરમાં એકમાત્ર કેન્દ્રીય વિદ્યાલયે અમલ કર્યો હોવાની આધારભૂત વિગતો મળી છે. ત્યારે અન્ય શાળાઓને આ વાતની અમલવારી માટે ક્યાં ગ્રહો નડે છે ? તેવો પ્રશ્ન ઉઠાવાયો છે.
કશ્યપ જે. જોશી જેતલસર-જેતપુર-9974262812
જેતપુરની સરકારી હોસ્પિટલ સ્થિત
ટ્રોમાં સેન્ટરમાં પુરતો સ્ટાફ નીમવા ચેમ્બરની માંગ
જેતપુર તા.12
જેતપુર શહેરની અદ્યતન સરકારી હોસ્પીટલમાં ઉભા કરાયેલ ટ્રોમાં સેન્ટરમાં અપૂરતા સ્ટાફને લીધે આ સુવિધાનો પ્રજા લાભ લઇ શકતી ના હોય તાકીદે ઘટતું કરવા ચેમ્બર સુત્રોએ માંગ કરી છે.
આરોગ્ય મંત્રી નીતિન પટેલને કરાયેલી રજુઆતમાં જણાવાયું છે કે જેતપુર સરકારી હોસ્પીટલમાં શરેરાશ માસિક 43 હજારથી વધુ દર્દીઓ લાભ લ્યે છે. છેલ્લા 2 વર્ષ દરમિયાન આ હોસ્પીટલના ઓપીડી વિભાગમાં 224744 દર્દીઓ નોંધાયા છે. જેમાં 40297 દર્દીઓ ઇન્ડોર સેવાનો લાભ લઇ ચુક્યા છે. 2 વર્ષ દરમિયાન 781761 દર્દીઓની લેબોરેટરી ટેસ્ટ થઇ છે. તો 10,46,832 દર્દીઓ જેતપુરની સરકારી હોસ્પીટલની આરોગ્યલક્ષી સેવાનો લાભ લઇ ચુક્યા છે. આ બધું આ સરકારી દવાખાનાની સંતોષકારક સેવાને આભારી હોય, હોસ્પિટલ તેમજ ટ્રોમાં સેન્ટરમાં ખાલી જગ્યાઓમાં તાકીદે સ્ટાફની નિમણુક કરાય તો દર્દી આલમ વધુ રાહત અનુભવશે તેવું ચેમ્બર સુત્રોનું માનવું છે.
કશ્યપ જે. જોશી જેતલસર-જેતપુર-9974262812




ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો