સૂરતઃ
આદિજાતિના યુવક-યુવતિઓ માટે ૨૧ દિવસીય સ્કીલ ડેવલપેમન્ટ કેમ્પનું આયોજનઃ
૩૧મી નવેમ્બર સુધીમાં અરજી મોકલી આપશોઃ
સૂરતઃ- રમત-ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ હસ્તકની સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત ગાંધીનગર દ્વારા વર્તમાન વર્ષ ૨૦૧૩-૧૪ના આદિજાતિની પ્રજામાં પોતાની આગવી જીવનશૈલીને કારણે ખડતલ શરીર અને મજબુત મનોબળ ધરાવવાની લાક્ષણિકતાને પ્રોત્સાહન મળી રહે તેવા આશયથી સુરત જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્રના સિનિયર કોચ દ્વારા ૨૧ દિવસીય સ્કીલ ડેવલોપમેન્ટ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. સુરત જીલ્લાના આદિજાતિના ૧૬ વર્ષથી નીચેની વયના ખેલાડીઓ ભાઈઓ/બહેનો કે જેઓ ખેલ મહાકુંભની જીલ્લા કક્ષાની સ્પર્ધાઓમાં વિજેતા થયા હોય, જિલ્લા/રાજયકક્ષાની શાળાકીય સ્પર્ધાઓમાં વિજેતા થયા હોય, જિલ્લા એસોસિયેશન દ્વારા યોજાતી સ્પર્ધામાં વિજેતા થયા હોય તેવા પ્રતિભાશાળી ખેલાડીઓએ કૌશલ્યવર્ધક કાર્યક્રમ હેઠળ આદિજાતિ વિસ્તારમાં ૨૧ દિવસના પાંચ રમતો માટેના સ્કીલ ડેવલપમેન્ટ કોચીંગ કેમ્પનું આગામી ડીસે-૨૦૧૩માં આયોજન કરવામાં આવ્યું છે.
આ કેમ્પમાં કબડ્ડી, ખો-ખો, વોલીબોલ, આર્ચરી અને એથ્લેટીકસનો સમાવેશ થાય છે. પ્રત્યેક રમતમાં ૧૦૦ ખેલાડીઓ ભાઇઓ/બહેનોને પ્રવેશ આપવામાં આવશે. કેમ્પ માટે પસંદ થનાર ખેલાડીઓને જરૂરી સવલતો આપવામાં આવશે. કેમ્પમાં ભાગ લેવા માટે અરજી સાથે ફોટોગ્રાફ સાથે જરૂરી પુરાવા જોડીને તા.૩૦/૧૧/૨૦૧૩ સુધીમાં જીલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર, નગર પ્રાથમિક શાળા નં.૮/૯, આઈ.ટી.આઈ. પાછળ, મજુરાગેટ, સુરતની કચેરીને મોકલવાના રહેશે. વધુ માહિતી માટે કચેરીના ફોન નં.(૦૨૬૧) ૨૬૬૮૦૩૪ તથા મો.નં.૯૪૦૮૬ ૦૭૮૭૫ ઉપર સિનિયર કોચનો સંપર્ક કરીને માહિતી મેળવી શકાશે.
માનદરવાજા ખાતે રહેતા યાસ્મીનબેનની ભાળ મળે તો જાણ કરશોઃ
સૂરતઃ- ખટોદરા પોલીસ સ્ટેશનના જણાવ્યાનુસાર તા.૨૯/૧૦/૨૦૧૩ના રોજ એ/૧૩૨, ગલીનં.૨, ખ્વાજાનગર માનદરવાજા ખાતે રહેતા આસીફ શબ્બરી ખાનની પત્ની યાસ્મીનબેન(ઉ.વ.૨૮) ધરેથી કોઈને કંઈ કહ્યા વગર કયાંક ચાલ્યા ગયા છે. જે શરીરે પાતળા બાંધાના, રંગે ગૌરવર્ણી, ઉચાઈ આ.૪.૬ ફુટ છે. જે ગળાના ભાગે દાઝી ગયેલાના નિશાન છે. કોઈને ભાળ મળે તો નજીકના પોલીસ સ્ટેશનનો સંપર્ક સાધવા જણાવાયું છે.
અજાણ્યા મૃતકના વાલી વારસો સંપર્ક સાધેઃ
સૂરતઃ- ખટોદરા પોલીસ સ્ટેશનના જણાવ્યાનુસાર તા.૫/૧૧/૧૩ના રોજ નવી સીવીલ હો.ના મેઈન ગેટ પાસેથી આશરે ૫૦ વર્ષીય અજાણ્યા વ્યકિતને બેભાન અવસ્થામાં સારવાર માટે લઈ જવાતા ફરજ પરના ડોકટરે તેને મૃત જાહેર કર્યા હતા. જે શરીરે મધ્યમ બાંધાના, રંગે શ્યામવર્ણા, ઉચાઈ આ.૫.૬ ફુટ છે. વાલી વારસોએ ખટોદરા પોલીસ સ્ટેશનનો સંપર્ક સાધવા જણાવાયું છે.
તા.૨૮ નવેમ્બરે નવસારી જિલ્લાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમઃ
અરજદારોએ પ્રશ્નો અંગેની અરજી તા.૧૦ મી સુધીમાં મોકલી આપવી
નવસારીઃ- નવસારી જિલ્લાકક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ તા.૨૮ નવેમ્બર- ૨૦૧૩ ના રોજ જિલ્લા કલેકટરશ્રીના અધ્યક્ષસ્થાને કલેકટરાલય ખાતે ૧૧-૦૦ થી ૧૨-૦૦ કલાક દરમિયાન યોજાશે. આ અંગે જિલ્લાકક્ષાના મહેસુલી, પંચાયત, પોલીસ, એસ.ટી., વિજળી વગેરે વિભાગને અરજી ઘ્વારા રજૂ કરેલ પ્રશ્નો અંગેની લેખિત અને ટાઇપ કરેલ અરજી (સંબંધિત વિભાગને કરેલી અરજીની નકલ સાથે) તા.૧૦/૧૧/૨૦૧૩ સુધીમાં કલેકટર કચેરી, નવસારી ખાતે રજૂ કરવાની રહેશે. અરજી પર "જિલ્લા ફરિયાદ નિવારણ કાર્યક્રમÓ એ મુજબ દર્શાવવાનું રહેશે. નિતિ વિષયક, કોર્ટ મેટરના પ્રશ્નો સ્વીકારવામાં આવશે નહિ. અરજદાર એક અરજીમાં એક વિષયને લગતી રજૂઆત કરી શકશે. ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં અરજદારે/સંબંધિત અધિકારીઓએ સમયસર ઉપસ્થિત રહેવા તેમજ સંબંધિત અધિકારીઓએ ફરિયાદ નિવારણમાં રજૂ થયેલ ફરિયાદ અંગેની છેવટની કરેલી કાર્યવાહી સાથે બેઠકમાં હાજર રહેવા નિવાસી અધિક કલેકટરશ્રી, નવસારીની યાદીમાં જણાવાયું છે.
તા.૧૬ મીએ જિલ્લા સંકલન સમિતિની બેઠક મળશે ઃ
નવસારીઃ- નવસારી જિલ્લા સંકલન-વ-ફરિયાદ સમિતિની બેઠક તા.૧૬ નવે -૨૦૧૩ ના રોજ બપોરે ૧૨-૦૦ કલાકે કલેકટર કચેરી, નવસારીના સભાખંડમાં મળશે. જેની સંબંધકર્તા તમામે નોંધ લઇ સમયસર ઉપસ્થિત રહેવા નિવાસી અધિક કલેકટર નવસારીની યાદીમાં જણાવાયું છે.
૧૪ નવેમ્બરે સયાજી લાયબ્રેરી ખાતે ગુરૂ-મિલન ઃ
નવસારીઃ- શ્રી સયાજી વૈભવ લાયબ્રેરી દ્વારા નવ સર્જકોને પ્રેરણાદાયી અને માગદર્શક મંચ પુરો પાડવાના ઉદેશ્ય સાથે ગુરૂ-મિલન પાક્ષિકી પ્રવૃતિનો આરંભ કર્યો છે. આગામી તા.૧૪-૧૧-૧૩ ના ગુરૂવારના રોજ સાંજે ૫-૦૦ વાગે સયાજી લાયબ્રેરી ખાતે ગુરૂ-મિલન કાર્યક્રમ યોજાશે.
નવસારી જિલ્લામાં વાધરેચ પ્રોજેકટને રૂા.૨૨૪૬ લાખની મંજુરી મળી ઃ
નવસારીઃ- નવસારી જિલ્લાના ગણદેવી તાલુકામાં કાવેરી નદી પર બીલીમોરા-વલસાડ કોસ્ટલ હાઇવે બ્રીજના હેઠળવાસના અંબિકા નદીના સંગમ સ્થાન સ્થળ પાસે રૂા.૨૨.૪૬ કરોડના ખચૅના રીચાર્જ પ્રોજેકટને રાજય સરકારે મંજુરી આપી છે. પ્રોજેકટની ઝડપથી પુર્ણ કરવા ડ્રેનેજ વિભાગ દ્વારા ટેન્ડરિંગ પ્રક્રિયા ખુબ ઝડપથી હાથ ધરવામાં આવી છે. આ પ્રોજેકટના કારણે વાધરેચ, ગોયંદી-ભાઠલા, બીલીમોરા, દેસરા, આંતલીયા, વંકાલ, ધેટકી, ઉંડાચ લુહાર ફળિયા, ઉંડાચ વાણીયા ફળિયા, ખાપરવાડા, વાસણ અને બીલીમોરા શહેરને લાભ થશે. સાથે પીવાના પાણી અને સિંચાઇની સુવિધા પ્રાપ્ત થશે. નુતન વર્ષમાં નવસારી જિલ્લાની લોકસમસ્યા નિવારણ માટે રાજય સરકારે મોટી ભેટ આપી છે. જેના કારણે ગણદેવી તાલુકાના લાભાન્વિત ગામો અને બીલીમોરાના નગરજનોમાં ખુશીની લહેર વ્યાપી છે.
વાધરેચ પ્રોજેકટની વિગતો આપતાં કાર્યપાલક ઇજનેર (ડ્રેનેજ) શ્રી વિજય મહેતાએ જણાવ્યું હતું કે, નવસારી ખાતે 1 લી મે-૨૦૧૩ ની ઉજવણી દરમિયાન રાજયના જળસંપતિ, પાણી પુરવઠા વિભાગના મંત્રી શ્રી બાબુભાઇ બોખિરીયાએ વાધરેચની મુલાકાત દરમિયાન, ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ અને ગણદેવી ધારાસભ્ય શ્રી મંગુભાઇ પટેલની ઉપસ્થિતિમાં વાધરેચ યોજના ઝડપથી શરૂ કરવા જનતાને ખાતરી આપી હતી. રાજય સરકારે લોક સમસ્યા નિવારણના ભાગરૂપે, લોકહિતને ધ્યાનમાં રાખીને ઝડપથી મંજુરી આપી છે.
વાધરેચ (વિયર) ડેમની લંબાઇ ૫૦૦ મીટર હશે. ડેમની સ્ટોરેજ કેપેસીટી ૨.૭૭ મીલીયન કયુબીક મીટર, અને ડેમનું ટોપલેવલ આર.એલ.૫.૨૦ મીટર હશે. ગેટની સંખ્યા ૨૩ છે. મુખ્ય રીચાર્જ સ્ટ્રકચરની અપ-સ્ટ્રીમમાં આવેલ સ્ટેટ હાઇવે બ્રીજ સુધી પાળાની ટોપ-વીથ ૭.૫૦ મીટર અને નદી તરફ ૫૦ સે.મી. જાડાઇમાં ગેબિયનની કામગીરીનું આયોજન છે. આ પ્રોજેકટથી સિંચાઇ તથા પીવાના પાણી અને કુવા તેમજ બોરવેલમાં પાણીના સ્તરમાં સુધારો થશે અને ભુગર્ભ જળમાં સુધારો થતાં પાણીની ખારાશ પણ થશે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો