અનુયાયીઓ

શુક્રવાર, 8 નવેમ્બર, 2013

પ્રાદેશિક માહિતી કચેરી, ગુજરાત રાજ્ય, રાજકોટ રાજકોટ

સ્થિતિ સાથે કર્યો સંઘર્ષ અને માયાબેન બન્યા ખાખરાવાળા

આર્થિક અસક્ષમતાને રાજ્ય સરકારની સહાયથી માત આપી પોતાનો ઉદ્યોગ શરૂ કરનારા માયાબેન નિમાવત અન્ય મહિલાઓને રોજગારી આપે છે

આલેખન- દર્શન ત્રિવેદી

ઝવેરચંદ મેઘાણી લિખિત સૌરાષ્‍ટ્રની રસધારમાં 'દીકરો' નામની એક કથા આવે છે. ચલાલા નજીક આવેલા લાખાપાદર ગામની એમાં વાત છે. દેવાત વાંક નામના એક ભાયાત લાખાપાદર ગામને ભાંગવા માટે ચઢી આવે છે. લાખાપાદર ગામના ભાયાત લાખા વાળા ગામતરે હોવાથી ગામને ભાંગવામાં આવે છે. એવામાં લાખા વાળાની દીકરી હીરબાઇ ગજબની બહાદૂરી દાખવી દેવાત વાંકનો સામનો કરે છે અને એના પ્રાણ હરી લે છે. તમને એમ થશે આ વાત અહી કહેવાનો કોઇ અર્થ ખરો ? પણ આજ લાખાપાદર ગામની મૂળ વતની એવા માયાબેન નિમાવત નામની મહિલા પણ ગજબની નીકળી છે, એમણે ખાખરા બનાવવાનો નાનો ઉદ્યોગ શરૂ કરી પોતે પગભર બની અન્ય મહિલાઓને પણ રોજગારી આપવાની પહેલ કરી છે. તે બિઝનેસ વૂમન બની છે. રાજ્ય સરકારની આર્થિક સહાયથી કેવી રીતે તેમણે બિજનેસ શરૂ કર્યો તે વાત રસપ્રદ છે.

પોરબંદર નેશનલ હાઇવે પર શાપર પૂર્વે આવતા પારડી ગામ આસપાસ આમ તો અનેક નાની મોટી ઇન્ડસ્ટ્રીઝ છે. એમાં નદીમભાઇના ગોદામ પાછળ આવેલા એક નાના શેડમાં શ્રદ્ધા સખી મંડળ દ્વારા ખાખરા ઉદ્યોગ ચાલે છે. મંડળના પ્રમુખ શ્રીમતી માયાબેન જિતેન્દ્રભાઇ નિમાવત એનું સંચાલન કરે છે.

આ શેડમાં બારેક યુવતીઓ ખાખરા શેકવા, વણવા, લોટ બાંધવા, પેકિંગ કરવાની કામગીરી કરી રહી હતી. કોઇ મશીન કરતા પણ વ્યવસ્થિત ઢબે આ સમગ્ર પ્રક્રિયા ચાલતી હતી. વળી, હાઇઝીનનો પણ એટલો ખ્યાલ રાખવામાં આવ્યો હતો. ખાખરા બનાવવા માટે મહિલાઓએ હાથ મોઝા પહેર્યા હતા. ખાખરા શેકાવાની સોડમથી તેની ઉચ્ચ ગુણવત્તાનો ખ્યાલ તમને આવી જાય...!!

ધોરણ ૧૦ સુધી ભણેલા માયાબેન નિમાવત પોતાની આ ગાથાને વર્ણવતા કહે છે, વર્ષ ૨૦૦૦માં જિતેન્દ્ર સાથે લગ્ન કરીને બગસરા તાલુકાના કમિગઢ ખાતે સાસરે આવી. એ બાદ પતિ સુરતમાં હિરાના કારખાનામાં કામ કરતા હતા. પણ પતિને આંખે તકલીફ થઇ ગઇ. તેમને રાત્રે જ સૂઝતું હતુ, દિવસે દ્રષ્‍ટિમાં ખામી આવતી હતી. એના કારણે સુરતમાં હિરાના કારખાનામાં કામ કરી શક્યા નહી. એટલે રાજકોટ આવવાનો નિર્ણય કર્યો.

તે કહે છે, રાજકોટ આવી ગયા બાદ પતિ છૂટક કામ કરવા લાગ્યા. મેં પણ કામ શરૂ કર્યું. મહિને સાતસો રૂપિયામાં સફાઇની કામગીરી કરતી. આમ કરીને તે ઘરના બે છેડા ભેગા કરવામાં પતિને મદદરૂપ બનતી હતી. ગરીબી પણ કારમી હતી. એક દિવસ એવું બન્યું કે પતિને આંખના દર્દની સારવાર કરાવવાની હતી. આ સારવાર માટે પૈસા ક્યાથી લાવવા એનો મોટો પ્રશ્ન હતો. એટલે નાછૂટકે આભૂષણો ગીરવે રાખી પૈસા લાવવા પડ્યા હતા. આમ પૈસા લાવી પતિની સારવાર કરાવી હતી. ક્યારેક તો રાજકોટના સરકારી દવાખાનામાં સારવાર માટે જવા અને આવવા માટેના જ પૈસા પાસે હોય એવી સ્થિતિ બનતી.

આવા સંજોગોમાં માયાબેને એક સ્વૈચ્છિક સંસ્થામાં નોકરી શરૂ કરી. ત્યાથી તેમણે માહિતી મળી કે સખી મંડળના માધ્યમથી રોજગાર શરૂ કરવા માટે રાજ્ય સરકાર દ્વારા સહાય કરવામાં આવે છે. તેમણે પ્રથમ ખાખરા બનાવવાની તાલીમ લીધી. બાદમાં થોડો સમય સુધી અન્ય સંસ્થા સાથે કામ કર્યું. અને હવે શરૂ કર્યું પોતાનું શ્રદ્ધા સખી મંડળ. બારેક બહેનોએ ભેગા મળીને મહિને રૂ.૫૦ની બચત કરવાનું શરૂ કર્યું. આ બચતના આધારે રાજ્ય સરકાર દ્વારા તેને રિવોલ્વિંગ ફંડ આપવામાં આવ્યું. તેમણે સર્વ પ્રથમ પોતાના ઘરે ખાખરા બનવવાની શરૂઆત કરી.

માયાબેન અને તેના મંડળની બહેનો સાથે મળીને કુલ ૧૪ પ્રકારના વિવિધ પ્રકારના ખાખરા બનાવે છે. તે પોતાના ખાખરાનું બ્રાન્ડિંગ નથી કરતા, ઓર્ડર મુજબ ખાખરા બનાવી આપે છે. કેટલીક પેઢી સાથે તેમનું જોડાણ છે, તે રોજના ૮૦ કિલો સુધી ખાખરાનું ઉત્પાદન કરે છે.

હવે માયાબને પોતાના ઘરની પાસે જ આવેલા શેડ ભાડે રાખી તેમાં ઉદ્યોગ ચલાવે છે. તેની વ્યવસ્થા પણ સમજવા જેવી છે. ત્યા કામ કરતા બહેનોને ખાખરાના વજન દીઠ એટલે કે કિલો દીઠ મહેનતાળુ મળે છે. જેમાં વણવાના રૂ.૨, લોટ બાંધવાના રૂ.૨, શોર્ટિંગના રૂ.૨, શેકવાના રૂ.૧૬ અને વ્યવસ્થાપકના રૂ.૨ આપવામાં આવે છે. આ ઉપરાંત જે નફો થાય એ તમામ બહેનો સરખે ભાગે વહેંચી લેવામાં આવે છે.

બહેનોને અનુકુળ એવા સમયે જ તેમનો ઉદ્યોગ ચલાવવામાં આવે છે. બપોરે રિસેસ રાખવામાં આવે છે. સાંજે સાડા પાંચ વાગે કામગીરી આટોપી લેવામાં આવે છે. આમ કરીને મંડળની બહેનો મહિને ૪થી ૫ હજાર સુધીની આવક કરી લે છે. ક્યાં સફાઇ કામના રૂ. સાતસો અને ક્યા આ કમાણી ? વળી, આ બહેનોને ખાખરાની કામગીરીમાં કોઇ પુરુષની ભાગ્યે જ મદદ લેવી પડે છે. આ પ્રવૃત્તિના કારણે માયાબેનના જીવનસ્તરમાં આમૂલ પરિવર્તન લાવી દીધું છે. આજે તે પોતાના સંતાનો દીકરી જ્યોતિ અને દીકરા મિલનને સારી રીતે ભણાવી શકે છે. વળી, પરિવારજનોની મદદથી ઘર પણ લીધું છે. તે કહે છે, ગરીબી દૂર કરવી હોય તો કઠોર પરિશ્રમ સિવાય બીજો કોઇ વિકલ્પ નથી. મંડળના બહેનો પણ પગભર થયા, કમાતા થયા એનો માયાબેનને આનંદ છે.

રાજકોટ અને મોરબીમાં ખેલ મહાકુંભ-૨૦૧૩ અંતર્ગત જિલ્‍લા કક્ષાની રમત ગમત સ્‍પર્ધાઓ યોજાશે

રાજકોટ તા. ૭ નવેમ્‍બર ગુજરાત રાજયમાં ખેલકૂદનું વાતાવરણ નિર્માણ થાય અને સ્‍વાસ્‍થ્‍ય અંગે જાગૃતિ સાથે પ્રતિભાની શોધ થાય એવા શુભ હેતુથી ખેલ મહાકુંભ-૨૦૧૩નું આયોજન કરવામાં આવ્‍યું છે. જેમાં શાળા કક્ષાથી માંડી જિલ્‍લા કક્ષા સુધી વિવિધ રમતો યોજાશે. આ મહા રમતોત્‍સવમાં અબાલ વૃધ્‍ધ સૌ કોઇ ભાગ લઇ પોતાનું કૌવત દેખાડશે. રાજકોટ અને મોરબી જિલ્‍લાની જિલ્‍લા કક્ષાની વિવિધ રમતોનું સમય પત્રક જારી કરવામાં આવ્‍યું છે.

રાજકોટ જિલ્‍લા કક્ષાની રમતોનું વિગતવાર આયોજન જોઇએ તો દેરડી કુંભાજીની શેઠ હાઇસ્‍કુલમાં તા.૨૯ અને ૩૦ નવેમ્‍બરના રોજ અનુક્રમે બાસ્‍કેટ બોલ અને હેન્‍ડબોલની સ્‍પર્ધા થશે. રીબડા સ્‍થિત સનફલાવર સ્‍કુલમાં તા.૧ ડિસેમ્‍બરે બેડ મીન્‍ટન સ્‍પર્ધા યોજાશે. છાપરા ખાતે આવેલી જય ઇન્‍ટર નેશનલ સ્‍કુલમાં તા.૨ ડિસેમ્‍બરના રોજ ટેબલ ટેનિસ અને લોન ટેનિસની સ્‍પર્ધા થશે. તા.૩ ડીસેમ્‍બરના રોજ જિનીયસ ઇંગ્‍લીશ સ્‍કૂલ રાજકોટ ખાતે ફુટબોલ અને કોઠારીયા રોડ સ્‍વીમીંગ પુલમાં તરણ સ્‍પર્ધા યોજાશે. જિનીયસ ઇંગ્‍લીશ સ્‍કૂલમાં તા.૪ ના રોજ સ્‍કેટીંગ અને આર્ચરીની સ્‍પર્ધા થશે. ઉપલેટા સ્‍થિત વલ્‍લભ વિદ્યાલયમાં તા.૫ ના રોજ ટેકવેન્‍ડો અને જુડો સ્‍પર્ધા યોજાશે. પેઢલા ખાતે આવેલી ધવલ ઇન્‍ટર નેશનલ સ્‍કુલમાં તા.૬ ના રોજ કુસ્‍તી અને આજ દિવસે પડધરી તાલુકાની ખોડાપીપર માધ્‍યમિક શાળામાં હોકી સ્‍પર્ધા યોજાશે.

રાજકોટ શહેરમાં આવેલા ગોંડલ રોડ સ્‍વામીનારાયણ ગુરૂકુળમાં તા.૭ ના રોજ યોગાશન અને રસ્‍સાખેંચ તેમજ તા.૮ ના કબડ્ડી અને ચેસ સ્‍પર્ધા યોજાશે. તરઘડી કુમાર છાત્રાલયમાં તા.૯ ના રોજ વોલીબોલ અને શુટીંગ બોલ, ગોંડલની નવ વિધાન સ્‍કુલમાં તા.૧૦ ના રોજ ખો-ખો, તા.૧૧ ના રોજ ભાઇઓની એથ્‍લેટીકસ અને તા.૧૨ ના રોજ બહેનોની એથ્‍લેટીકસ સ્‍પર્ધા યોજાશે.

મોરબી જિલ્‍લામાં થયેલું આયોજન આ મુજબ છે. વિરપર સ્‍થિત નવયુગ શૈક્ષણિક સંકુલમાં તા.૨૯ નવેમ્‍બરના રોજ હેન્‍ડબોલ, તા.૪ ડિસેમ્‍બરના રોજ તરણ સ્‍પર્ધા, તા.૯ ના રોજ કબડ્ડી, તા.૧૦ ના  રોજ ખો- ખો યોજાશે. તા.૩૦ નવેમ્‍બરના રોજ સેંન્‍ટમેરી સ્‍કુલમાં બાસ્‍કેટબોલ, વાંકાનેરની અમરસિંહજી હાઇસ્‍કુલમાં તા.૧ ના બેડમીન્‍ટન અને તા.૬ના રોજ હોકી સ્‍પર્ધા યોજાશે. ચંદ્રપુર સ્‍થિત મોહમંદી લોકશાળામાં તા.૧ ના રોજ લોન ટેનિસ અને તા.૮ ના રોજ શુટીંગ બોલ સ્‍પર્ધા થશે. જેતપરની જાકાસણિયા સ્‍કુલમાં તા.૨ ના રોજ ટેબલ ટેનિસ અને ચેસ સ્‍પર્ધા યોજાશે. વાંકાનેરની નિર્મલા કોન્‍વેન્‍ટ સ્‍કુલમાં તા.૩ ના રોજ ફુટબોલ સ્‍પર્ધા યોજાશે. વિરપરના નાલંદા વિદ્યાલયમાં તા.૪ ના રોજ સ્‍કેટીંગ અને ટંકારાની દોશી હાઇસ્‍કુલમાં તા.૫ ના રોજ ટેકવેન્‍ડો અને કુસ્‍તી, તા.૬ ના રોજ જુડો અને યોગાસન સ્‍પર્ધા યોજાશે. હળવદની તક્ષશિલા વિદ્યાલયમાં તા.૭ ના રોજ રસ્‍સાખેંચ અને વોલીબોલ સ્‍પર્ધા થશે. રાતાવિરડા સરકારી હાઇસ્‍કુલમાં તા.૮ ના રોજ આર્ચરી સ્‍પર્ધા યોજાશે. હરબટીયાળી હાઇસ્‍કૂલ ખાતે તા.૧૧ ના રોજ ભાઇઓની એથ્‍લેટીકસ અને તા.૧૨ ના રોજ બહેનોની એથ્‍લેટીકસ સ્‍પર્ધા યોજાશે.

અમરેલી

આર્મીમાં હવાલદાર શિક્ષકોની ભરતી

ભારતીય સેનામાં હવાલદાર શિક્ષકોની જગ્યા ભરવામાં આવનાર છે. ની આવશ્યક શૈક્ષણિક લાયકાત તથા વયમર્યાદા નિશ્ચિત કરવામાં આવી છે.

GROUP X માટે માન્‍ય યુનિવર્સિટીમાંથી B.Sc. B.ED./ BCA/ B.Sc.(IT) B.Ed., M.A./M.Sc./MCA તથા GROUP Y માટે માન્‍ય યુનિવર્સિટીમાંથી B.A. અથવા B.Sc./BCA/B.Sc.(IT) ની શૈક્ષણિક લાયકાત હોવી જરૂરી છે. રિક્રુટમેન્‍ટ રેલીના પ્રથમ દિવસે ૨૦ થી ૨૫ વર્ષની વય ધરાવતા હોય તેવા અપરિણિત પુરૂષ ઉમેદવારોએ આગામી તા. ૫ ડિસેમ્‍બર-૨૦૧૩ સુધીમાં HQ. Rtg..Zone, 3, Rajender Singhiji Road, AT PUNE-410001 પર અરજી મોકલવાની રહેશે.

વધુ માહિતી મેળવવા આર્મી રિક્રુટીંગ ઓફિસ, જામનગર (0288) 2550346 અથવા જિલ્‍લા રોજગાર કચેરી-અમરેલીનો સંપર્ક સાધવા રોજગાર અધિકારીશ્રી-અમરેલીની એક યાદીમાં જણાવાયું છે.

ભારતના સાહિત્‍યિક નકશામાં અમરેલી જિલ્‍લાનો ઝળહળાટ

નાવલી નગરી સાવરકુંડલાના તેજસભાઇ જોષીએ ૧,૩૩૦ શબ્‍દોના ટાઇટલવાળા કાવ્‍યસંગ્રહનું સર્જન કર્યુ

'એક અક્ષરનું અનુબંધ' કાવ્‍યસંગ્રહને લીમકા બુક ઓફ રેકોર્ડસમાં સ્‍થાન

આપણે જાણીએ છીએ કે, સાહિત્‍ય, કલા, વિજ્ઞાન, અર્થશાસ્‍ત્ર, રમતગમત જેવા અનેકવિધ ક્ષેત્રોમાં કેટલાક લોકો અનોખી અને અસાધારણ સિધ્‍ધી હાંસલ કરે ત્યારે આંતરરાષ્‍ટ્રીય સ્‍તરે ગીનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડસમાં અથવા રાષ્‍ટ્રીય સ્‍તરે લીમકા બુક ઓફ રેકોર્ડસમાં સ્‍થાન મેળવે છે.

આમ તો લીમકા બુક ઓફ રેકોડર્સમાં રોજબરોજ કોઇને કોઇ રેકોર્ડ નોંધાતા હોય છે, પરંતુ સાવરકુંડલાની સંઘવી કુમાર શાળામાં સહાયક નિયામક તરીકે કામ કરતા તેજસ્‍વી તેજસભાઇ જોષીએ, છ સહસ્‍ત્રાબ્‍દી પૂર્વે સંસ્‍કૃત ભાષામાં લખાયેલા કેટલાક શ્લોક અને સુક્તિઓથી પ્રેરાઇને ૧,૩૩૦ શબ્‍દોના ટાઇટલવાળા 'એક અક્ષરનો અનુબંધ' કાવ્‍યસંગ્રહનું સર્જન કર્યુ છે. જેની કેટલીક પંક્તિઓ આ મુજબ છે.

''ની ખાનદાની

ખેલ ખેલો ખેલાડીના, ખમતીધર ખૂબ ખેલૈયાના

ખરાખરીના, ખેલ ખેલો, ખડતલ, ખડગે ખાસમખાસ ખલનાયકના

ખેલ ખેલો ખેલાડીના, ખમતીધર ખૂબ ખેલૈયાના..........

'' નું નજરાણું

નકામો નવયુવાન નાચતો, નાણે નાથાલાલ,

નિષ્‍ઠા, નીતિ ને નિર્વસ્‍ત્ર નિહાળો, નવલખા નેતા નહિ......

નાતજાતનું નામોનિશાન નહિ, નફરતોનું નિંદામણ નીરૂપરણ નહિ..........જેવા ૧૨ કાવ્‍યો વાચકને જકડી રાખે છે.

માત્ર એક અક્ષરથી મર્યાદિત કાવ્‍ય રચના આ કાવ્‍યસંગ્રહની વિશેષતા હોય સાહિત્‍યમાં ભાગ્‍યે જ જોવા મળે છે. અગાઉ ૨૦૧૨ના વર્ષમાં કેરાળાના કોલ્લુમ જિલ્લાના જયકુમાર જૈજીએ પ્રાદેશિક ભાષામાં ૧,૧૪૭ શબ્‍દોવાળા ટાઇટલ સાથેના પુસ્‍તકને લીમકા બુક ઓફ રેકોર્ડસમાં સ્‍થાન પ્રાપ્‍ત થયું હતુ જેનો રેકોર્ડ હવે તેજસ્‍વી તેજસભાઇએ તોડ્યો છે.

મળવાનું મન થાય તેવા સાહિત્‍યિક વ્‍યક્તિ તેજસભાઇ કાંટા ઉદ્યોગ અને માંડવીપાક માટે પ્રસિધ્‍ધ નાવલી નગરી સાવરકુંડલામાં રહે છે. તેના ઘર સુધી પહોંચવા મહુવા રોડ પરના સોસાયટી વિસ્‍તારમાં લાંબી મજલ કાપવી પડી! પણ જેના ભીતરમાં ભારે અજવાળું પ્રગટે છે તેવા તેજસભાઇએ લીમકા બુક ઓફ રેકોડર્સ-૨૦૧૪માં સ્‍થાન મેળવી અમરેલી જિલ્‍લાને ભારતના સાહિત્‍યિક નકશે મૂકી દીધું છે.

તેજસભાઇના ઘરમાં પ્રવેશ મેળવતા આધ્‍યાત્‍મિક વાતાવરણનો અનુભવ થયા વિના રહે નહિ. ઘરમાં દિવાલો પર સ્‍વામી વિવેકાનંદના મોટા પોસ્‍ટર્સ જોવા મળે એટલે સહજ થાય કે આ ભાઇ સ્‍વામી વિવેકાનંદથી પ્રભાવિત હશે, પણ તેજસભાઇ તો ૧૨ વર્ષથી સાવરકુંડલાના વિવેકાનંદ કેન્‍દ્ર અને તેની વિવિધ પ્રવૃત્તિ સાથે સંકળાયેલા છે.

લીમકા રેકોર્ડસની વાત નીકળી એટલે તેમણે કહ્યું કે, મેં ગુજરાતી સાહિત્‍યસર્જન દ્વારા પ્રાચીનત્તમ ભારતીય સાહિત્‍યિક માળખાને અને તમામ ભાષાની જનનીસમી સંસ્‍કૃત ભાષાને પુનઃધબકતી કરવા પ્રયાસ કર્યો છે. પણ મારા કાવ્‍યસર્જન અને વાર્તાલેખનની પ્રવૃત્તિમાં સ્‍વામી વિવેકાનંદજીના વિચારો અને સમૃધ્‍ધ વાંચનની ઉંડી અસરો છે, તેના કારણે જ મારો સાહિત્‍યિક શોખ વિકસ્યો અને લેખનકાર્ય સ્‍ફુરવા લાગ્‍યું એમ કહું તો ખોટું નહિ.

એક અક્ષરનું અનુબંધ કાવ્‍યસંગ્રહના સર્જન થકી જ તેજસભાઇએ સાહિત્‍ય અને શિક્ષણ વિભાગમાં પદ્મશ્રી એવોર્ડ માટે પણ પોતાનું નામ નોમિનેટ કરાવ્‍યું  છે, અને હવે તેઓ કદાચ ગીનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડસ પણ સ્‍થાન હાંસલ કરે તો નવાઈ નહિ!                                          

તેજસભાઇએ જણાવ્યું કે, મેં કોઇ રેકોર્ડસની ખેવનાથી સાહિત્‍યિક પ્રવૃત્તિમાં રસ નહોતો દાખવ્યો, પરંતુ મેં તો માત્ર નિજાનંદ માટે લેખન શરૂ કર્યુ હતુ. છેલ્‍લા ચાર વર્ષથી હું કાવ્‍યસર્જન અને વાર્તાલેખન કરું છું પરંતુ આ લેખનને ક્યારેય પ્રકાશિત કરવાનો વિચાર આવ્‍યો નહોતો. સંસ્‍કૃત સાહિત્‍યમાં માધ નામના સાહિત્‍યકારે 'શિશુપાલવધમ'માં 'ભ' અને 'ર' એમ માત્ર બે જ વ્‍યંજનથી શ્લોક વર્ણવેલ છે તેવી જ રીતે ભારવિ નામના સાહિત્‍યકારે 'કિરાતાર્જુનીય' કાવ્‍યસંગ્રહમાં ફક્ત 'ન' મુળાક્ષરનો ઉપયોગ કરી અદ્દભૂત સાહિત્ય કૌશલ દાખવ્‍યાનું મારા ધ્‍યાને આવેલ તેમજ જુની સાહિત્‍ય રચના પધ્‍ધતિથી મને ઘણી પ્રેરણા મળતાં મને થયું કે આવું કંઇક ગુજરાતીમાં લખી શકું તો કેવું રહે? પરિણામે રચાયો એક કાવ્‍યસંગ્રહ જેનું નામ છે 'એક અક્ષરનું અનબુંધ'.

મેં મારા કાવ્‍યસંગ્રહમાં એક જ મુળાક્ષરનો ઉપયોગ કરી, શબ્‍દોની ગોઠવણ સાથે ભાવ પણ  જળવાઇ રહે તેની કાળજી લીધી છે. એટલું જ નહિ આગળ-પાછળની કાવ્‍યપંક્તિઓને અનુરૂપ લય તથા વિષયવસ્‍તુ ધ્‍યાને લઇ સરળ અને સચોટ કાવ્‍ય માળખું જાળવવાનો પ્રયત્‍ન કર્યો છે. આ કાવ્‍યસંગ્રહમાં ગઝલ, પ્રાસ-અનુપ્રાસ, વ્‍યંગ, રૂપકની પણ છાંટ જોવા મળશે જે બીજા કાવ્‍યસંગ્રહથી જુદો પાડે છે.

તેજસભાઇએ વધુમાં જણાવ્‍યુ હતુ કે, હવે! આજના કાવ્‍યસંગ્રહમાં તમામ કાવ્‍યોનું સર્જન માત્ર એક અક્ષરથી થયું હોય અને એક અક્ષરથી મર્યાદિત હોય તેવી સાહિત્‍ય રચનાઓ તો ભાગ્‍યે જ જોવા મળે છે. અને આપણી આ નવી પેઢીને તો એકદમ નવું જ લાગે! મને કંઇક નવું કરવાની ખેવના હતી અને મારી મહેનત અને ધગશનો રંગ કંઇક અલગ રીતે નિખર્યો. હું વ્‍યવસાયથી ભલે હિસાબી શાખામાં કાર્યરત હોઉં  અને અભ્‍યાસ ભલે કમ્‍પ્યુટરને લગતો કર્યો હોય પરંતુ મારો જીવ સાહિત્‍ય અને વાંચનનો ખરો. ખાસ તો વન્ય પ્રાણીજીવન અને પ્રકૃત્તિ પર એમ કાલ્‍પનિક નહિ પણ તથ્‍યસભર વાર્તાલેખન અને કાવ્‍યસર્જન એ મારા રસના વિષયો છે. સંસ્‍કૃત અને ગુજરાતી ભાષાનું રક્ષણ સાથે સામાન્‍ય લોકો સુધી ભાષા સરળતાથી પહોંચે અને વ્‍યાપ વધે તેવો મારો ઉદેશ્ય છે.                                                                                                                      

મને ખાસ કંઇ સંસ્‍કૃત ભાષા આવડતી નથી પણ હું મારી રીતે શીખવા અને લખવા પ્રયત્‍ન કરું છું. વર્ષો અગાઉ તુલસીદાસજીએ સંસ્‍કૃતમાં હનુમાનચાલીસાની રચના કરેલ. પરંતુ મને વારેવારે થતું કે હું હનુમાન ચાલીસા લખું તો કેવી લખી શકું? એટલે અત્‍યારે હું હનુમાન ચાલીસા લખવા કટિબધ્‍ધ થયો છું.

તેજસભાઇએ બાળપણના સંસ્‍મરણો તાજા કરતા જણાવ્યું કે, મારા પિતા મહેશભાઇ નોકરિયાત અને માતા હંસાબેન વ્‍યવસાયે શિક્ષક હતા એટલે અભ્‍યાસ માટે મારા માસી સાથે વધુ રહેવાનું થતું. હું એમનો લાડકવાયો એટલે વન-વનરાઇઓમાં હરવા ફરવાની અને જોવા જાણવાની સાથે કુદરતના ખોળે ભણવાની તક મળી હતી. દાદાજી તથા નાનાજી પાસેથી વાર્તાનો રસથાળ સાંભળી એટલે કલ્‍પનાશક્તિ ખીલતી જતી હતી. જે યુવાનીમાં વટવૃક્ષ બન્‍યું અને વાંચન અને વન્‍ય પ્રકૃત્તિમાં વધુ રસ પડતાં વન્‍ય સંસ્‍કૃતિ અને પ્રકૃતિ પરનું લેખન સરળ બનવા લાગ્‍યું છે.

મુલાકાત અને આલેખનઃ દિવ્‍યા છાટબાર                                                    

તસવીરઃ વિનય પિપળીયા

શિક્ષણ મંત્રીશ્રી ભૂપેન્‍દ્રસિંહ ચુડાસમા અમરેલી જિલ્લાના પ્રવાસે

રાજયના શિક્ષણ, કાયદો અને ન્‍યાયતંત્ર, અન્‍ન-નાગરિક પુરવઠો અને ગ્રાહકોની બાબતો, પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગના મંત્રીશ્રી ભૂપેન્‍દ્રસિંહ ચુડાસમા અમરેલી જિલ્‍લાના પ્રવાસે આવનાર છે. મંત્રીશ્રી આવતીકાલે સાંજે ૪ કલાકે, લાઠીના અકાળા ખાતે પ્રાથમિક શાળાના કાર્યક્રમમાં ઉપસ્‍થિત રહેશે.

કૃષિ રાજ્યમંત્રીશ્રી ગોવિંદભાઇ પટેલ અમરેલી જિલ્લાના પ્રવાસે

રાજયના કૃષિ, અન્‍ન અને નાગરિક પુરવઠો તથા વન અને પર્યાવરણ વિભાગના રાજ્ય મંત્રીશ્રી ગોવિંદભાઇ પટેલ અમરેલી જિલ્‍લાના પ્રવાસે આવનાર છે. મંત્રીશ્રી આવતીકાલે સવારે ધાર્મિક કાર્યક્રમોમાં તથા સાંજે ૪ કલાકે, લાઠીના અકાળા ખાતે પ્રાથમિક શાળાના કાર્યક્રમમાં ઉપસ્‍થિત રહેશે.

જુનાગઢ

મહોરમનાં  પવિત્ર તહેવારોમાં સભા-સરઘસ નિયમન અંગે પરવાનગી લેવી જરુરી 

જૂનાગઢ તા. ૭ - આગામી તા. ૧૩ નવેમ્‍બરનાં રોજ મહોરમ (તાજીયા)નો તહેવાર આવતો હોય કાયદો અને વ્‍યવસ્‍થા જાળવવા માટે જૂનાગઢ જિલ્‍લામાં તાજીયા સરઘસ વગેરેનું નિયમન કરવાનું અને તે અંગે જાહેર સુલેહશાંતી તથા જાહેર વ્‍યવસ્‍થા જળવાઇ તે માટે સાવચેતીનાં પગલા લેવા માટે મુંબઇ પોલીસ અધિનિયમ ૧૯૫૧ની કલમ ૩૩(૧) "એન" અને "ઓ" અન્‍વયે જાહેરનામુ સમગ્ર જૂનાગઢ જિલ્‍લાનાં વિસ્તાર માટે પ્રસિધ્ધ કરી અધીક જિલ્‍લા મેજીસ્‍ટ્રેટશ્રી સંજય મોદીએ તેમને મળેલ સત્તાની રૂએ હુકમ ફરમાવેલ છે. આ જાહેરનામાનો  ભંગ કરનાર વ્‍યક્તિ સને ૧૯૫૧નાં મુંબઇ પોલીસ અધિનિયમ કલમ-૧૪૧ તથા ૧૩૫માં દર્શાવ્‍યા મુજબ શિક્ષાને પાત્ર ઠરશે. તથા  ઇ.પી.કો. કલમ ૧૮૮ હેઠળ શીક્ષાને પાત્ર ઠરશે. તાજીયો, પંજો, ડોલી, હાથી ઘોડા ફેરવવા માટે સંબંધકર્તા વિભાગનાં સબ ડિવીઝનલ મેજીસ્‍ટ્રેટશ્રી પાસેથી ઠરાવેલ મુદતમાં પરવાનગી અગાઉથી મેળવવી પડશે. આવી પરવાનગી મેળવવા માટે જાહેર વ્‍યવસ્‍થા જાળવવા પુરતી ખાત્રી અને રૂપિયા પાંચસોનાં જાતમુચરકા તચથા તેટલી જ રકમનાં જામીન રજુ કરવાનાં રહેશે. આવી પરવાનગી પરાપુર્વથી ફેરવવામાં આવતા તાજીયા માટે અગર માનતાનાં તાજીયા માટે મુસ્‍લીમ કોમનાં કોઇપણ શખ્‍સને ઉપરોક્ત શરતોની પાલન થયે આપવામાં આવશે. પરવાનગી મેળવનાર વ્‍યક્તિઓએ કોઇપણ મેજીસ્‍ટ્રેટ કે પોલીસ અધિક્ષકશ્રી પરવાનગી જોવા માંગે ત્‍યારે રજુ કરવાની રહેશે. પરવાનગી મેળવનાર શખ્‍સ પોતે તેમના તાજીયા, પંજો, ડોલી, હાથી, સાથે ફરતી મંડળીનાં સરઘસનાં કારણે ફરતા માણસોની વર્તુણુક અને સુલેહશાંતી ભરી રસમો  માટે તે પોતે જ તેના જામીન જવાબદાર રહેશે. કોઇપણ શખ્‍સ અગર મંડળી અથવા સરઘસની વર્તણુંકને અવ્‍યવસ્‍થિત અથવા સુલેહ શાંતિ માટે જોખમકારક જણાયે તેઓને આપવામાં આવેલ પરવાનગી રદ કરવામાં આવશે. જે તે સબ ડિવીઝનલ મેજીસ્‍ટ્રેટશ્રી દ્વારા અપાયેલ પરવાનગીમાં દર્શાવેલ માર્ગને આધિન રહીને પરવાનગી મેળવનાર શખ્‍સ પોતાના તાજીયા, પંજો, ડોળી, હાથી, ઘોડા સરઘસમાં ફેરવી શકશે. પરવાનગીમાં મુકરર કરેલ સ્‍થળે વાજિંત્ર વગાડી શકશે. જાહેર રસ્‍તાઓ પર ઢોલ કે બીજા વાજીંત્રો  વગાડવા માટે પરવાનગી તા. ૧૦ નવેમ્‍બર થી ૧૮ નવેમ્‍બર-૧૩ સુધી  આપવામાં આવશે. શહાદતની રાત્રીએ સાંજનાં ૫-૦૦ કલાક થી બીજા દિવસની સવારનાં ૨-૦૦ વાગ્‍યા  સમય દરમ્‍યાન સરઘસ  ફેરવવાનાં રહેશે. તાજીયા દરમ્‍યાન દફન અને ઠંડા કરવાનાં દિવસે બપોરનાં ૨-૩૦ થી બીજા દિવસનાં સવારનાં ૬-૦૦ કલાક સુધીમાં સરઘસ અને તાજીયાની પ્રક્રીયા પુરી કરવાની રહેશે. આ હુકમનો ચુસ્‍તપણે અમલ કરવાનો રહેશે. રસ્‍તા ઉપર તાજીયા અગર મંડળી વિગેરેની લાંબા સમય સુધી એક રસ્‍તા ઉપર રાખવા દેવા માટે કે થોભવા દેવામાં આવશે નહીં. સ્‍થળ ઉપર હાજર રહેલા પોલીસ અધિકારીશ્રીઓના હુકમને આધિન રહી વધુમાં વધુ પાંચ મિનીટમાં તાજીયા અગર તેની ડોળી મંડળને ચોકારીને આગળ વધવું પડશે. પરાપૂર્વથી ચાલતાં આવેલ અને પરવાનગીમાં બતાવ્‍યા ક્રમ પ્રમાણે તાજીયા સાર્વનજિક રસ્‍તા ઉપર એક પછી એક લઇ જવા પોલીસ ઇન્‍સ્‍પેકટર અને પોલીસ સબ ઇન્‍સ્‍પેકટર દ્વારા દર સાલનાં આધારે આપેલ અનુક્રમ નંબર એક પછી એક લાઇનમાં ચલાવવા અને જયારે સામસામા તાજીયા આવે ત્‍યાર પછી દરેક તાજીયા અગર મંડળીઓ તેમની ડાબી બાજુએ રહીને સામેથી આવનાર તાજીયાને રસ્‍તો આપવો, ગાડી અગર ઘોડા ઉપર સવાર તથા માણસ મળે તો તાજીયા સામે જનાર શખ્‍સોએ તે વાજિંત્ર બંધ કરી ડાબી બાજુએથી તાજીયા વગેરે લઇને આગળ વધવું અને તાજીયા એક એક પાછળ બીજો આવે તે રીતે પોતાની ગલી આવતી હોય તે ગલીના નાકે થોભવું અને જયારે પોતાનો નંબર આવે ત્‍યાર પછી પાછળ દાખલ થવું. કોઇપણ શખ્‍સે તલવાર, ખંજર, સોટી,લાકડી, કે કોઇપણ પ્રકારના હથીયાર લઇને ફરવું નહીં. રમતગમત માટે જે શખ્‍સોએ પરવાનગી મેળવેલ હશે તે રમતના સધળા સાધનો પોલીસ દેખરેખ નીચે લઇ જવા દેવામાં આવશે. મહોરમમાં ભાગ લેનાર શખ્‍સોએ બીજા કોમના સ્‍વાંગ, વેષો કાઢવા નહીં ઈતર કોમનાં ધર્મની લાગણી દુભાય દુશ્‍મનાવટ ઉભી થાય અગર તો સુલેહશાતીનો ભંગ થાય તેવા કૃત્‍યો કરવા નહીં આ જાહેરનામુ તા. ૧૦ નવેમ્‍બર થી ૧૮ નવેમ્‍બર ૧૩ સુધી (બન્ને દિવસો સહિત)  અમલમાં રહેશે. આ જાહેરનામું પોલીસખાતાનાં સભ્યો, હોમગાર્ડનાં સભ્યો તથા જેઓને ફરજની રૂએ હથીયાર ધારણ કરવાનું હોય તેને લાગુ પડશે નહી. જાહેરનામાનો ઉલ્‍લંધન કરનાર વ્‍યકિત સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

જુનાગઢમાં મોહરમ તહેવાર નિમિત્તે ટ્રાફિક નિયમન

જૂનાગઢ તા. ૭ - આગામી તા. ૧૩/૧૧/૧૩ થી તા. ૧૫/૧૧/૧૩ દરમ્‍યાન મુસ્‍લીમ બીરાદરોનાં મહોરમ (તાજીયા)નો તહેવાર આવતો હોય  તાજીયાનાં સરઘસ  દરમ્‍યાન મોટી સંખ્‍યામાં મુસ્‍લીમ બીરાદરો ઉપસ્‍થિત રહેવાની સંભાવનાને ધ્યાને લઇને કાયદો અને વ્‍યવસ્‍થા જાળવવા,ટ્રાફીકમાં કોઇ અવ્‍યવસ્‍થા ઉભી ના થાય તથા સુલેહ અને શાંતી જાળવાઇ તે સારૂ અધીક જિલ્‍લા મેજીસ્‍ટ્રેટશ્રી સંજય મોદીએ તેમને મળેલ સત્તાની રૂએ એક જાહેરનામા દ્વારા ગિરનાર દરવાજા અને જવાહર રોડ  તરફથી આવે તેના માટે સેજની ટાંકીથી દિવાનચોક તરફનો પ્રવેશ બંધ, જગમાલ ચોક થી દિવાન ચોક તરફ ટ્રાફીક (વાહનોની) પ્રવેશબંધી, સુખનાથ ચોકથી સંઘાડીયા બજાર તરફ આવતા વાહનોની પ્રવેશ બંધી, જગમાલ ચોક થી માંડવીચોક તરફ આવતા વાહનોની પ્રવેશબંધી, છાયા બજારથી દીવાન ચોક તરફ આવતા વાહનોની પ્રવેશ બંધી, માલીવાડાથી દિવાનચોક તરફ આવતા વાહનોની પ્રવેશ બંધી  તથા દાણાપિઠ થી સર્કલ ચોક તરફ આવતા વાહનોની પ્રવેશબંધી તા. ૧૩-૧૧-૨૦૧૩નાં કલાક ૧૬-૦૦ થી તા. ૧૫-૧૧-૨૦૧૨નાં ૭-૦૦ કલાક સુધી પ્રવેશબંધી ફરમાવેલ છે. આ જાહેરનામાનાં કોઇપણ ખંડનો ભંગ કરનાર વ્‍યક્તી મુંબઇ પોલીસ અધિનિયમ ૧૯૫૧ની કલમ ૧૩૧ માં જણાવેલ શીક્ષાને પાત્ર ઠરશે.

મહોરમનાં  પવિત્ર તહેવારોમાં જાહેરમાં પશુઓની કતલ કરવા પર પ્રતિબંધ

જૂનાગઢ તા. ૭ - આગામી તા. ૧૩ નવેમ્‍બર-૧૩નાં રોજ મહોરમ (તાજીયા)નો તહેવાર આવતો હોય કાયદો અને વ્‍યવસ્‍થા જાળવવા માટે સુલેહશાંતી અર્થે  સાવચેતીનાં પગલા લેવા તા. ૧૦ નવેમ્‍બર થી ૧૮ નવેમ્‍બર ૧૩ સુધી (બન્ને દિવસો સહિત) ફોજદારી કાર્યરીતી અધિનિયમ ૧૯૭૩ (સને- ૧૯૭૪ અધિનિયમ-૨) ની કલમ ૧૪૪ હેઠળ કોઇપણ ઢોર  પશુઓની કતલખાનાં બહાર જાહેર જગ્‍યાઓમાં કે શેરીઓમાં  કતલ કરવા પર પ્રતીબંધ ફરમાવતુ જાહરનામાથી અધીક જિલ્‍લા મેજીસ્‍ટ્રેટશ્રી સંજય મોદીએ તેમને મળેલ સત્તાની રૂએ મનાઇ હુકમ ફરમાવેલ છે. આ જાહેરનામાનો  ભંગ કરનાર  ઇ.પી.કો. કલમ ૧૮૮ હેઠળ શીક્ષાને પાત્ર ઠરશે.

માંગરોળ બારામાં જેતપુરનાં તાજીયા તાજીયા ટાઢા કરવા પર મનાઇ

જૂનાગઢ તા. ૭ - રાજકોટ જિલ્‍લાનાં જેતપુર શહેરનાં તાજીયાઓ સુન્‍ની મુસ્‍લીમ જમાત દ્વારા ટાઢા કરવા બાબતે જૂનાગઢ જિલ્‍લાના માંગરોળ બારામાં લઇ જવા પર  અધીક જિલ્‍લા મેજીસ્‍ટ્રેટશ્રી સંજય મોદીએ તેમને મળેલ સત્તાની રૂએ તા.  ૧૦ નવેમ્‍બર થી ૧૮ નવેમ્‍બર ૧૩ સુધી (બન્ને દિવસો સહિત)  મનાઇ હુકમ ફરમાવેલ છે. ધાર્મીક મતમતાંતરો અને કોમી વૈમનશ્‍યોનાં કારણે માંગરોળ શહેરનું  વાતાવરણ સુમેળભર્યુ જણાતુ ના હોય તા. ૧૦ નવેમ્‍બર થી ૧૮ નવેમ્‍બર ૧૩ સુધી (બન્ને દિવસો સહિત) સુધીનાં સમય દરમ્‍યાન માંગરોળ બારામાં જેતપુરનાં તાજીયા ટાઢા કરવા જવુ નહીં કે જૂનાગઢ જિલ્‍લાની ચોકી સોરઠથી શરૂ થતી હદમાં કે ધોરાજીથી  જૂનાગઢની હદમાં કે કોઇ અન્‍ય માર્ગે જૂનાગઢ જિલ્‍લાની હદમાં પ્રવેશવુ નહી.

વેરાવળ તાલુકા મામલતદાર કચેરી ખાતે પીટીશન રાઇટરને લાઈસન્સ આપવા જોગ

જૂનાગઢ તા. ૭ – વેરાવળ સબ ડીવીઝન વેરાવળ માટે મામલતદાર કચેરી વેરાવળ ના કંપાઉન્‍ડમાં બેસીને અરજી લખનાર પીટીશન રાઇટરને લાયસન્‍સ આપવાનું થાય છે. રસ ધરાવનાર એસએસસી પાસ ઉમેદવારોએ રજાના દિવસો સિવાય તા. ૧૧ નવેમ્‍બર-૧૩ થી ૨૨ નવેમ્‍બર-૧૩ સુધીમાં શૈક્ષણિક લાયકાતોના આધારો સાથે નાયબ કલેકટર કચેરી-વેરાવળને નિયત નમુનામાં અરજી કરવા નાયબ કલેકટરશ્રી-વેરાવળની યાદીમાં જણાવાયું છે.                                                  

લશ્‍કરી ભરતી મેળામાં શારિરીક મેડીકલ ટેસ્‍ટમાં પાસ થનાર માટે ૭ દિવસની તાલીમ

જૂનાગઢ તા. ૭ – જૂનાગઢ ખાતે તા. ૧૭-૧૦-૧૩ થી તા. ૨૪-૧૦-૧૩ સુધી યોજાયેલ લશ્‍કરી ભરતી રેલીમાં શારિરીક/મેડીકલ પાસ ઉમેદવારોએ જેઓને લેખીત પરીક્ષામાં ઉપસ્‍થિત રહેવા માટે આર્મી તરફથી એડમીટ કાર્ડ ઇશ્‍યુ કરેલ હોય અને જામનગર ખાતે પરીક્ષા આપવાની થતી હોય તેવા જુનાગઢ જિલ્‍લાના ઉમેદવારો માટે લેખીત પરીક્ષાની પૂર્વ તૈયારી રૂપે દિન-૭ નો તાલીમ વર્ગ શરૂ કરવાનું આયોજન છે. તો સબંધકર્તા ઉમેદવારોએ જિલ્‍લા રોજગાર વિનિમય કચેરી ખાતે તાલીમમાં જોડાવા અંગેની સહમતિ એડમીટ કાર્ડના નંબર સાથે મોકલી આપવા રોજગાર અધિકારી જુનાગઢની યાદીમાં જણાવવામાં આવ્‍યું છે.

રાષ્‍ટ્રીય ગ્રંથ સપ્‍તાહ ઉજવણીમાં ભાગ લેવા સરકારી ગ્રંથાલયનો સંપર્ક સાધવો

જૂનાગઢ તા. ૭ – સરકારી ગ્રંથાલય જુનાગઢ દ્વારા રાષ્‍ટ્રીય ગ્રંથ સપ્‍તાહની ઉજવણી તા. ૧૪ થી ૨૦ નવેમ્‍બર-૧૩ દરમ્‍યાન થનાર છે. ને અંતર્ગત આયોજીત વિવિધ કાર્યક્રમો/સ્‍પર્ધાઓ/પ્રદર્શનમાં ભાગ લેવા માટે તા. ૭-૧૧-૨૦૧૩ થી પોતાના નામની નોંધણી સરકારી ગ્રંથાલય ખાતે કરાવી લેવા ગ્રંથપાલશ્રીની યાદીમાં જણાવાયું છે.સ્‍પર્ધાઓમાં ઉત્‍કૃષ્‍ઠ દેખાવ કરનાર સ્‍પર્ધકોને તા. ૨૦ નવેમ્‍બરે સવારે ૯-૦૦ કલાકે ઈનામ આપી પ્રોત્‍સાહીત કરવામાં આવશે. 

કૃષિ અને પાણી પુરવઠામંત્રીશ્રી ગોવિંદભાઇ પટેલ તા. ૧૦ના રોજ જુનાગઢના પ્રવાસે

જૂનાગઢ તા. ૭ – રાજયના કૃષિપાણીપુરવઠા રાજયમંત્રીશ્રી ગોવીંદભાઇ પટેલ આગામી તા. ૧૦ નવેમ્‍બરના રોજ વિસાવદર ખાતે કાર્યક્રમમાં હાજરી આપવા માટે ઉપસ્‍થિત રહેશે. કાર્યક્રમ પૂર્ણ થયે મંત્રીશ્રી રાજકોટ જવા રવાના થશે.                                              

ગીરનારની લીલી પરીક્રમાના આયોજન સંદર્ભે સમીક્ષા બેઠક યોજાઇ 

જૂનાગઢ તા. ૭ – આગામી કાર્તિક સુદી ૧૧ના રોજ શરૂ થનાર લીલી પરીક્રમાના આયોજન સંદર્ભે જૂનાગઢ જિલ્‍લા ઇન્‍ચાર્જ કલેકટરશ્રી દિલીપ રાણાના અધ્‍યક્ષસ્‍થાને વિવિધ સમિતીઓના અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજાઇ હતી. બેઠકમાં પરીક્રમાના ૩૬ કિ.મી.ના રૂટ પર યાત્રિકોને સહુલીયત ,પરિવહન, વીજપુરવઠો, પરીક્રમાનાં વેબકાસ્‍ટ, પબ્‍લીક એડ્રેસ સીસ્‍ટમ, પીવાના પાણીની વ્‍યવસ્‍થા તથા કાયદો અને વ્‍યવસ્‍થાની બાબતે સમીક્ષા કરવામાં આવી હતી. અને આયોજન સંદર્ભે સબંધકર્તા અધિકારીઓને સુચનાઓ આપવામાં આવી હતી. બેઠકમાં નાયબ વન સરંક્ષકશ્રી અનુરાધા શાહુ, અધિક કલેકટરશ્રી સંજય મોદી, પ્રાંત અધિકારીશ્રી બી. જે. પટેલ, નાયબ કલેકટરશ્રી મીતાબેન જોષી, આરોગ્ય અધિકારીશ્રી સાપરીયા, મહાનગરપાલિકાના વિવિધ શાખાના નોડલ અધિકારીશ્રીઓ સહિત સબંધકર્તા વિભાગોના અધિકારીઓ ઉપસ્‍થિત રહયા હતા.

વિક્રમ સંવતનો કારતક મહિનો એટલે મેળાઓનો મહિમા વર્ણવતો મહિનો

ગીરીવર ગીરનારની પરીક્રમાં એટલે પ્રકૃતિદેવીનું પરિભ્રમણ

આલેખન- અશ્‍વિન પટેલ માહિતી બ્યુરો જુનાગઢ

લીલી પરિક્રમા એ તો અદ્રશ્ય સ્‍નેહ તાંતણાને પામવાનો અનોખો અવસર,અહીં દેશ પરદેશ, નાત-જાત, ઉંચ-નિચ, કાળા-ધોળા, ગરીબ-તવંગર,કોઇ વાતે અલગ નહીં માત્ર સ્‍નેહ ભરેલ કોડીયામાં માનવતાનાં દિપકથી માત્ર ઈશ્‍વરને આરાધવાનો અણમોલ અવસર

મેળા એ તો માનવજીવનની સંસ્‍કૃતીનું દર્પણ છે.જેનાં દ્વારા આપણે માનવ સંસ્‍કૃતીનાં વિભિન્ન ભાતીગળ તબક્કાનો સાક્ષાત્કાર કરી શકીએ છીએ. તેમાંથી કઇંક શીખીએ છીએ. પુસ્‍તકો, નાટકો, ફિલ્‍મો, દસ્‍તાવેજો, અને મેળાઓ દ્વારા માનવ ઈતિહાસની સદીઓ સચવાઇ રહી છે. આજે ઇ.સ. ૨૦૧૩ અને વિક્રમ સવંત ૨૦૭૦માં પ્રવેશી ચુકેલ ઈન્‍ફોર્મેશન ટેકનોલોજીનાં યુગમાં વિકસી રહેલ પેઢીએ જાણવુ જરૂરી છે. સાડા છ દાયકાનાં વખતમાં અનેક ફેરફાર રૈવતનગરીમાં થયા, હિન્‍દુસ્‍તાન વર્ષોની કારમી ગુલામી માંથી મુકત થયુ, જાપાનમાં નવુ લોકશાહી બંધારણ અસ્‍તીત્‍વમાં  આવ્‍યુ, પુર્વ અને પશ્‍વિમ જર્મન એક થયા, સોવીયેત યુનીયન વિખેરાયુ, અખંડ ભારતમાંથી પાકીસ્‍તાન અને બાંગ્‍લાદેશ અલગ થયા, આ ઊપરાંત વિકરાળ કુદરતી આફતો-આપત્તીઓ પણ આ ધરા પર આવી, રાજકીય યુધ્ધો,પ્રજાકીય બળવા, કાયદાકીય સુધારા,સત્તા પલ્‍ટા, કુદરતી અને માનવસર્જીત વિનાશની નોંધણીઓ વચ્ચે ચમકતા તારા જેવા માનવતાવાદી અને વૈજ્ઞાનીક સિધ્ધીઓનાં સુધારા આજે આપણે નજરે ઠરે છે.કહેવાય છે કે વિનાશ કરવો સહેલો છે પણ વિકાસ (સર્જન) કરવો અઘરો છે. વિનાશ અને સર્જન એ આપણી સંસ્‍કૃતિનાં અભિન્ન અંગ છે. જે વિકાસશિલ છે તે મજબુત છે,તે જ સત્‍ય છે. અને આથી જ હજ્જારો કરોડો વર્ષોથી આપણું ભારતવર્ષ વિશ્‍વને પથદર્શક રહ્યુ છે,અને હમેંશા રહેશે.હિંદુસ્‍તાનનાં સુ-સંસ્‍કૃત એવા ચાર વેદ,ઉપનિષદ ,પુરાણ અને ઋષિ પરંપરાથી નિર્મિત રાહ ચિંધે તેવા અમોલ ગ્રંથો થી સમતોલ સંચાલનની જગતને આદર્શ સંહિતા પુરી પાડી છે. એવા ભારતદેશમાં વિવિધ પ્રાંતો, ભાષાઓ, લોકબોલીઓ, વાતાવરણ, પર્યાવરણ અને ધર્મ-સંપ્રદાયો, અને પોતપોતાની સ્‍વતંત્ર વિચાર સરણી અને અંગત અને ભાતીગળ માન્‍યતા વચ્ચે પ્રત્યેક ભારતવાસી એક-મેકની સાથે સાંસ્‍કૃતીક અસ્‍મિતાની ધરોહર રૂપે જોડાઇને રહેવા પામ્યો છે. ફુલની માળામાં દોરો ભલે દેખાતો ના હોય પણ પ્રત્‍યેક ફુલને પરસ્‍પર જોડીને રંગબેરંગી ફુલહાર બનાવનાર દોરો જ હોય, જે જોનારને કદી ના દેખાય, આમ જ ભાતીગળ સંસ્‍કૃતિમાં વસતા પ્રત્‍યેક ભારતવાસી સ્‍નેહનાં તાંતણે પરસ્‍પર દીલને પરોવીને એકતાની અસ્‍મિતા ઊભી કરે છે. આ અદ્રશ્ય સ્‍નેહ તાંતણાને પામવાનો અનોખો અવસર એટલે જ તો લીલી પરીક્રમાનો મેળો. જ્યાં દેશ પરદેશ, નાત-જાત, ઉંચ-નિચ, કાળા-ધોળા, ગરીબ-તવંગર,કોઇ વાતે અલગ નહીં માત્ર સ્‍નેહ ભરેલ કોડીયાથી માનવતાનાં દિપકથી ભારતીયતાની રોશની ચોમેર ફેલાવીને જગતને કાયમ અનેકતામાં એકતાની શીખ આપે છે. લાખોની સંખ્‍યામાં મેળે મળતા અને મેળે જ વિખેરાતા ભાઇ બહેનો આવા મેળામાં પ્રતિ વર્ષ ઉમંગભેર જોડાઇને ગરવી અસ્‍મિતાનાં તાંતણે ઉજળી ભાત પાડતા રહે છે.

ભારતદેશનાં વિવિધ રાજ્યોમાં ઋતુ,માન્‍યતા,રીત-ભાત મુજબનું મેળાનું આગવુ માહત્‍મય તો છે જ પણ આપણાં ગુજરાત રાજ્યમાં વર્ષનાં તમામ મહિનામાં ભરાતા ભાતીગળ મેળા કરતા કારતક માસે ભરાતા મેળાની વિશેષતા કઇંક અનોખી જ છે. કારતક માસ એટલે ચોમાસાની ખરીફ ખેત જણસની લણણી બાદનો માસ, આ માસ દરમ્‍યાન ગ્રામિણ ખેડુતથી લઇને તમામ વર્ગનાં વ્‍યક્તિ ખેતજણસનાં વેપાર,વેચાણ થકી બે પૈસાની આવક રળી ખુશ ખુશાલ હોય અને આ ખુશી એકલા માણવી એ ગુજરાતીની તાસીરે ન જ હોય તેમ મેળે ખુશીનાં બીજ રોપી પરસ્‍પર સ્‍નેહજળનાં સિંચન થકી ભાઇચારની ઉર્મિને ઉછેરે છે.

કારતક માસ એટલે તુલશીનાં વિવાહ કરી છોડમાં રણછોડની ભાવનાં વ્‍યક્ત કરી ગરવા ગિરનારનાં વનાચ્‍છાદિત ડુંગરાળ અને પથ્થરાળ પથ  પર નદી નાળા ને ઓળંગતા વન્‍ય પ્રાણીસૃષ્‍ટીની સમિપે પ્રકૃતિને હૈયા સરસી ચાંપવાનો અનેરો મહિમાં અને પ્રકૃતિથી પરમેશ્‍વર પમવાનો સુખદ અહેસાસ કરાવતી લીલી પરિક્રમાં, વૈાઠા ગામે સમાજ વચ્ચે અને માનવ સમાજ માટે જ જાણે જીવતા અને કાયમ તિરસ્‍કાર અને ધિક્કારની અનુભુતી કરતા ગદર્ભ (ગધેડા)નો ગોળ ગધેડાનો મેળા તરીકે ખુબ જ પ્રખ્‍યાત મેળો ભરાય છે. જ્યાં પ્રાંતે પ્રાંત થી ગધેડાની લે વેંચ કરવા ગધેડાનાં સોદાગરો અહીં પધારે છે. અને આ મેળાને માણવા માણીગરો હોંશભેર આવે છે. આમ ગધેડા સાથે મેળાનું માહત્‍મય ધરાવતો આ મેળા જેવો જ સિધ્ધપુર પાટણની માતૃગયા નો મેળો જ્યાં ઊંટની મોટાપાયે ખરીદ પરોખ થાય છે. આમ મેળામાં માત્ર માનવ જ નહીં પણ પશુને પણ સહભાગી બનાવવામાં આવે છે. કારતક માસે ભરાતા અન્‍ય મેળાઓમાં શામળાજી ,અંબાજી, ડાકોર, સોમનાથ, તુલશીશ્યામ, શુકલતિર્થ (નર્મદાતટે) વગેરે મેળાઓ ઉપરાંત મૃતક સ્‍વજનનાં મોક્ષાર્થે પિતૃતર્પણ રૂપે પ્રભાસતિર્થે ત્રિવેણીઘાટે ,પ્રાંચિ તિર્થે સરસ્‍વતિ તટે ,ગુપ્‍તપ્રયાગ, દામોદર કાંઠે, માતૃગયા પાટણ  વિગેરે સ્‍થળે આસ્‍થા પ્રમાણે નાના મોટા અનેક મેળા ઉજવાય અને ભરાતા રહે છે. મેળા એ માનવીય સંવેદનાને વાચા આપવાનો અને ઈશ્‍વર સાથે એકાકાર થવાનો એક મોકો આપતુ માધ્યમ છે.

ગુજરાતી વ્‍યક્તિ પ્રેમની પરિભાષાનાં સિમાડામાં ક્યારેય કેદ થયો નથી, ઈશ્વરને હોકારો ભણે તે ગુજરાતી, આંગણે આવેલાને આવકારી આદર સાથે સત્કારે તે ગુજરાતી, હૈયાની વાત મુક્ત મને રજુ કરે તે ગુજરાતી,ભુખ્‍યા રહીને અતિથીને જમાડે તે ગુજરાતી, અરે માનવી તો શું પ્રાણી અને વૃક્ષ-છોડને પણ પરિવારનાં સભ્ય માને તે ગુજરાતી આવા ગરવા ગુજરાતનાં ગુણીયલ ગુજરાતી  ક્યારેય એકલા મેળા કરે ખરા ? આવો મેળાની વાતે જરા કાર્તીકી મેળાઓમાં સૃષ્‍ટીનાં સામિપ્‍યે ગુજરાતી હોવાનો સુખદ અહેસાસ કરીએ. નવા વર્ષનો પ્રથમ માસ એટલે કારતક મહિનો પ્રત્‍યેક ગુજરાતી એક બીજાનાં પ્રેમની ફુલમાળામાં સંવેદનાનાં સેતુએ જોડાઇને મેળાનાં માધ્યમે સતત સહવાસી, સહકારી અને પરસ્‍પર બાંધુત્વનાં અનેરા ભાવે માણે છે, અને જાણે છે.

વિશ્‍વને આ ઈતિહાસનાં અમર પાનાને ઉજાગર કરતી ભાતીગળ લોકસંસ્‍કૃતી હમેંશા પ્રેમને ઉજાશે માનવ સાથે પ્રાણી અને પર્યાવરણ સૃષ્‍ટીને સાથે રાખવાની શીખ ગુજરાતથી મળે છે.

આવો પ્રત્‍યેક મેળે મળીએ અને પ્રેમની પરીભાષા ને સમજી ભારતીય હોવાનો ગર્વ અનુભવીએ.

ગધેડા, ઉંટ  અને વન્‍ય વૃક્ષો સાથે તાદાત્‍મય કેળવી મેળો માણવા ઉપરાંત મૃતક સ્‍વજનને મોક્ષાર્ક્ષે તર્પણકાર્ય રૂપે ભરતા મેળાઓનો અનેરો મહિમાં વર્ણવતો કારતક માસ  

ગીરનારની લીલી પરિક્રમા,ગોળ ગધેડાનો વૌઠાનો મેળો, શામળાજી સિધ્ધપુર(પાટણ)નો મેળો, ડાકોરનો મેળો, અંબાજીનો મેળો, નર્મદા તટે શુકલતિર્થનો મેળો, સોમનાથ ખાતે કાર્તિકી પુર્ણીમાનો મેળો, તુલશીશ્‍યામ ખાતે તુલશી વિવાહનો મેળો તેમજ ગામે ગામ તુલશી વિવાહનાં ઉત્‍સવો ગુજરાતની ભાતીગળ અસ્‍મીતાની નવી ભાત પાડે છે.

ટિપ્પણીઓ નથી: