પોરબંદર અને જામનગર જિલ્લા ને જોડતા પ્રવાસન અને વિકાસ ધામો હાથલા, હર્ષદ અને બરડાં ડુંગરના ના પ્રવાસન સ્થળોની સરકીટ બન્ને જિલ્લાની સરહદો ને જોડે છે, તો મેંઢાક્રીક, સોરઠી જેવી સિંચાઇ યોજનાઓ સહીતના વિકાસધામો બન્ને જિલ્લા ને લાભદાયી છે.
(અહેવાલ- વિનોદ કોટેચા, સહાયક માહિતી નિયામક, પોરબંદર)
ભારત દેશનો પશ્ચિમી સરહદે ઘુઘવતો સમુદ્ર અને તેના કાંઠે આવેલા પોરબંદર અને જામનગર જિલ્લાઓ ભૌગોલિક, ઐતિહાસિક અને પૌરાણિક રીતે તો જોડાયેલા જ છે, પરંતુ વર્તમાન યુગની વિકાસયાત્રા અને પ્રવાસન વિકાસમાં પણ પરસ્પરના પુરક છે.
હર્ષદ અને મેંઢાક્રીક
જામનગર જિલ્લાના કલ્યાણપૂર તાલુકાના હર્ષદ એટલે કે હરસિધ્ધિ માતાજીનું વિશ્વવિખ્યાત મંદિર પોરબંદરથી નજીક થાય છે. અહીં જામનગર અને પોરબંદર જિલ્લાની સરહદ છે. મૂળદ્વારકા ગણાતું વિસાવાડા ગામ નું દ્વારકાધીશ મંદિર પણ હર્ષદથી પોરબંદરના માર્ગે આવે છે. વૈશ્વિક યાત્રાધામો ગણાતા દ્વારકા અને સોમનાથ ની પ્રવાસન સરકીટમાં જામનગર અને પોરબંદર જિલ્લાના આ યાત્રાસ્થળો પ્રવાસન વિકાસના સહભાગી છે. હર્ષદ પાસે આવેલા મિયાંણી પાસે નિર્માણ થયેલો ક્ષારઅંકુશ વિભાગનો મેંઢાક્રીક બંધ બન્ને જિલ્લાની જમીનોના ક્ષારનિયંત્રણ અને સમુદ્રમાં વહી જતા અઢળક વરસાદી પાણીનો સંગ્રહ કરીને ભૂગર્ભ જળ અને સિંચાઇના બહુહેતુક ઉદ્દેશ્યો માટે નિર્માણ થયો છે. જેનો લાભ બન્ને જિલ્લાઓને થયો છે.
સોરઠી જળાશય
પોરબંદર જિલ્લાના અડવાણા ગામ પાસે સોરઠી જળાશય આવેલુ છે. આ ડેમ સારો વરસાદ થતાં જ ભરાઇ જતો હોય છે. આ જળાશય સિંચાઇ ઉપરાંત પીવાના પાણીના લાભો બન્ને જિલ્લાના લોકોને પુરા પાડે છે. સોરઠી ડેમના કારણે પોરબંદર અને જામનગર જિલ્લાની અડવાણા-ખીરસરા વિસ્તારની જમીનોના ભૂગર્ભ જળ માટે લાભદાયી પુરવાર થાય છે.
હાથલાનું શનિમંદિર
જામનગર જિલ્લાના ભાણવડ તાલુકાનું હાથલા ગામ પોરબંદર જિલ્લાની સરહદે આવેલુ છે. પોરબંદર-બગદવરથી હાથલા ગામે જવાના પાકા રસ્તાઓ છે, તો જામનગર-ભાણવડ થી પણ હાથલાના પાકા માર્ગો છે. આ શનિમંદિર માં પનોતીમાતાજી પણ વિરાજે છે, જેથી શનિ-પનોતિનું આ સંયુકત મંદિર મહત્વનું પ્રવાસન સ્થળ બની રહ્યું છે. શનિજયંતિ ના દિવસે અહીં ભાવિકજનો નો મેળાવડો જામે છે, તો પ્રત્યેક શનિવારે પણ ભાવિકો મોટી સંખ્યામાં ઉમટે છે. હવે તો અહીં બારેમાસ ભાવિકોની અવરજવર રહે છે. આ પ્રવાસન સ્થળ પોરબંદર અને જામનગર જિલ્લાઓની સરહદે આવેલુ હોઇ, બન્ને જિલ્લાઓને તેનો લાભ મળે છે.
બરડો ડુંગર
બરડો ડુંગર પણ બન્ને જિલ્લા ઓની સરહદો ને સાચવે છે. બરડાનું વન-અભ્યારણ્ય અને રળીયામણી ડુંગરીઓ કુદરતી રીતે જ આકર્ષક છે. જામનગર જિલ્લાના ઘુમલી અને કિલેશ્વર થી બરડાવન અભ્યારણ્ય સુધીનો વિસ્તાર પર્યટકોને આકર્ષે છે, જે બન્ને જિલ્લાઓ માટે નજરાણું છે, તો જામનગર-પોરબંદર ધોરી માર્ગ ગોપનો ડુંગર પણ પર્યટકોને આકર્ષે છે.
વ્યાપારિક વ્યવહારો
આ બન્ને જિલ્લાના કેટલાક કેન્દ્રો વ્યાપારિક અને ઔધૌગિક રીતે પણ જોડાયેલા છે. પોરબંદર શહેરમાં જામનગર જિલ્લાના સરહદી તાલુકાઓના લોકો ખરીદી કરવા આવે છે. જેને તળપદી ભાષામાં ''હટાણુ'' કહે છે. તેવીજ રીતે પોરબંદર જિલ્લાના કેટલાક સરહદી ગામોના લોકો વ્યાપારિક રીતે ભાણવડ અને જામજોધપૂર જેવા જામનગર જિલ્લાના શહેરો સાથે સંકળાયેલા છે.
સામાજીક વ્યવહારો
સામાજીક રીતે તો આ બન્ને જિલ્લા એક બીજાના એકદમ પુરક છે, પોરબંદર જિલ્લો જૂનાગઢમાં હતો, ત્યારે પણ હાલના પોરબંદર જિલ્લાના વિસ્તારોના સામાજીક વ્યવહારો મોટા ભાગે હાલાર એટલે કે જામનગર જિલ્લા સાથે વધુ અંશે સંકળાયેલા હતા. તમામ જ્ઞાતિ-વર્ગોના રોટી-બેટીના વ્યવહારો તથા જમીન મિલકત લે-વેચ ના વ્યવહારો પણ આ બન્ને જિલ્લાઓના લોકો વચ્ચે જિવંત રીતે થતા રહ્યા છે.
ધાર્મિક-આધ્યાત્મિક વિગેરે સંદર્ભો
ધાર્મિક અને આધ્યાત્મિક દ્રષ્ટિએ તો આ બન્ને જિલ્લાઓ પૌરાણિક કાળથી એટલા બધા સંકળાયેલા છે કે, તેના દ્રષ્ટાંતો લખીએ તો ગ્રંથો ભરાય જાય. ખૂબ જ પ્રચલીત કથા મુજબ ભગવાન શ્રીકૃષ્ણ નું દ્વારકા જામનગર જિલ્લામાં છે, તો તેના બાળસખા પોરબંદર રહેતા હતા અને વર્ષો પછી પ્રૌઢ વયે શ્રીકૃષ્ણ રાજાધિરાજ હતા, ત્યારે મળવા ગયા હતા, ભગવાન શ્રીકૃષ્ણ નો મૂળદ્વારકા સાથેનો સંદર્ભ છે, તે વિસાવાડા ગામ પોરબંદર-જામનગર જિલ્લાની સરહદે આવેલુ છે. જુદા-જુદા ધર્મોના સ્થાન સંદર્ભો પણ બન્ને જિલ્લાઓમાં પથરાયેલા છે.ઐતિહાસિક સંદર્ભોની દ્દષ્ટિએ પણ બન્ને જિલ્લાઓ પરસ્પર સંકળાયેલા છે. પોરબંદરમાં શાસન કરનારો જેઠવા રાજવંશ જામનગર જિલ્લાના ઘુમલી પહેલાં પોરબંદર જિલ્લામાં વસવાટ કરી ગયો હોવાનું જાણકારો માને છે. બન્ને જિલ્લાના શિલ્પ, સ્થાપત્યો, પૌરાણીક સ્થળો અને પ્રવાસન સ્થળો એટલા બધા પરસ્પર સંકળાયેલા છે કે, લોકજીવન સંસ્કૃતિ અને સમાજવ્યવસ્થા એકદમ એકસરખી છે. સ્વાતંત્ર્ય સંગ્રામ ના પ્રણેતા મહાત્માં ગાંધીજી ની ચળવળમાં પણ બન્ને જિલ્લાઓમાંથી લોકો જોડાયા હતા, અને મહાગુજરાતના આંદોલન વેળાએ પણ બન્ને જિલ્લાઓમાંથી સારો એવો પ્રતિસાદ સંયૂકત રીતે મળ્યો હોવાની ચર્ચા બુર્ઝુર્ગો કરતા હોય છે, બન્ને જિલ્લાઓની ઘણી બધી બાબતો પરસ્પર સંકળાયેલી છે અને પ્રવાસન સહિતના વિકાસના આયામો સિધ્ધ કરવામાં પણ બન્ને જિલ્લાઓ તાલ મિલાવી રહ્યા છે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો