મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીની સૌજ્ન્ય મૂલાકાતે આવેલા પ્રતિષ્ઠિત ઔઘોગિક ગૃહ ટાટા ગ્રુપના ચેરમેન શ્રી રતન ટાટા અને પદનામિત ચેરમેનશ્રી સાયરસ પી. મિસ્ત્રીએ ગુજરાતના વિકાસમાં ભાગીદારીનું વ્યાપક ફલક વિકસાવવાની તત્પરતા દર્શાવી હતી.
વર્તમાન ડેપ્યુટી ચેરમેન શ્રી સાયરસ મિસ્ત્રી આગામી ડિસેમ્બર ર૦૧રમાં શ્રી રતન ટાટા પાસેથી ટાટા ગ્રુપના ચેરમેનનો પદભાર સંભાળવાના છે તેમનો વિધિવત્ પરિચય મુખ્યમંત્રીશ્રીને શ્રી રતન ટાટાએ આજે કરાવ્યો હતો. શ્રી નરેન્દ્રભાઇ મોદીએ શ્રી સાયરસ મિસ્ત્રીને ઉષ્માભરી શુભેચ્છા આપી હતી.
શ્રી રતન ટાટા અને શ્રી સાયરસ મિસ્ત્રીએ ગુજરાતના આર્થિક અને ઔઘોગિક વિકાસ તેમજ સુશાસન, પારદર્શી વહીવટ અને સામાજિક-આર્થિક પ્રગતિમાં ગુણાત્મક પરિવર્તન લાવવા માટે મુખ્યમંત્રીશ્રીના નેતૃત્વની પ્રસંશા કરી હતી અને જણાવ્યું હતું કે દેશમાં અને વિશ્વમાં ગુજરાતની પ્રતિષ્ઠા વધતી જ રહી છે.
શ્રી રતન ટાટાએ એમ પણ જણાવ્યું કે ગુજરાતને તેઓ પોતાનું ધર માને છે અને વિકાસ માટે ગુજરાત તેમના મનમાં અગ્રીમ રહ્યું છે. ઔઘોગિક વિકાસમાં સહભાગીતા ઉપરાંત માનવ સંસાધન વિકાસવ્યૂહમાં પણ સહભાગી થવાની મુખ્યમંત્રીશ્રીની અપેક્ષાને તેમણે આવકારી હતી. ગુજરાત ઊર્જાશકિત અને જીઓથર્મલ ઊર્જા વિકાસમાં આગળ વધી રહ્યું છે તેની ભૂમિકામાં ટાટા ગ્રુપના વરિષ્ઠ બંને પદાધિકારીઓએ ખૂબ રસ દાખવ્યો હતો.
ગુજરાતની વિકાસયાત્રામાં ટાટા ગ્રુપની સહભાગીદારી સંદર્ભમાં શ્રી રતન ટાટા અને શ્રી સાયરસ મિસ્ત્રીની મુખ્યમંત્રીશ્રી સાથેની આ મૂલાકાત ખૂબ જ ફળદાયી રહી હતી.
વાંચે ગુજરાત અભિયાન અંતર્ગત
અમદાવાદમાં ૪થી જાન્યુઆરીએ પ્રજ્ઞાચક્ષુ વિઘાર્થીઓ માટે બ્રેઇન લિપીમાં બાલસૃષ્ટિ સામાયિકનું લોકાર્પણ
ગાંધીનગરઃ
મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીની ઉપસ્થિતિમાં વાંચે ગુજરાત અભિયાન અંતર્ગત થયેલાં કાર્યક્રમોની દસ્તાવેજીકરણના ભાગરૂપે વાંચે ગુજરાત દર્શન અને પ્રજ્ઞાચક્ષુ વિઘાર્થીઓ માટે બ્રેઇન લિપીમાં બાળસૃષ્ટિ સામાયિકનું લોકાર્પણ તા. ૪થી જાન્યુઆરી, ર૦૧૧ના રોજ યોજાશે.
આ કાર્યક્રમ તા. ૪-૧-ર૦૧ર બુધવારે સાંજે ૬-૦૦ કલાકે ગુજરાતી સાહિત્ય પરિષદ, ટાઇમ્સ ઓફ ઇન્ડિયાની પાછળ, રા. વિ. પાઠક હોલ, અમદાવાદ ખાતે યોજવામાં આવનાર છે.
અત્રે ઉલ્લેખનીય છે કે રાજ્યની સ્વર્ણિમ જયંતિ વર્ષની ઉજ્વણીના ભાગરૂપે આરંભાયેલ વાંચે ગુજરાત અભિયાનમાં શ્રેષ્ઠ વાંચન સ્પર્ધા અને ગમતું પુસ્તક વાર્તાલાપ, પુસ્તક અધ્યયન-અનુશીલન પ્રોજેકટ,વિચાર વાંચન શિબિર, પુસ્તક પ્રદર્શન, વિચાર મેળો, ગ્રંથયાત્રા, તરતા પુસ્તકો, ઝોલો પુસ્તકાલય, ગ્રંથદાન, પુસ્તક પરબ જેવા વિવિધ કાર્યક્રમોનું આયોજન થયું હતું.
ડ્રાઇવરોને સંરક્ષણાત્મક (ડીફેન્સીવ) ડ્રાઇવીંગ તાલીમ આપવાનો કેમ્પ યોજાશે
ગાંધીનગરઃ
માર્ગ સલામતી સપ્તાહ-ર૦૧રની ઉજ્વણી અંતર્ગત ગાંધીનગર ખાતે આવેલી સરકારી, અર્ધસરકારી, નિગમ, કોર્પોરેશન, ન્યાયતંત્ર વિગેરે કચેરીઓના ડ્રાઇવરો માટે સંરક્ષણાત્મક(ડીફેન્સીવ) ડ્રાઇવીંગની તાલીમ આપતા કાર્યક્રમનું આયોજન તા.૩-૧-ર૦૧ર થી તા. પ-૧-ર૦૧ર સુધી સવારના ૧૧-૧પ થી ૧૩-૩૦ સુધી સભાખંડ વિકાસ કમિશનરશ્રીની કચેરી, બ્લોક નં. ૧૬/ર, ર્ડા. જીવરાજ મહેતા ભવન, ગાંધીનગર ખાતે રાખવામાં આવેલ છે.
ડ્રાઇવરોને તાલીમમાં મોકલવા માટેની જાણ સંબંધિત વિભાગ કચેરીઓને કરવામાં આવેલ છે. જેમાં દર્શાવેલ તારીખ અને સમયે ડ્રાઇવરને મોકલવાની અનુકુળતા ન હોય તો કાર્યક્રમના અન્ય દિવસે પણ મોકલી શકાશે. તેવીજ રીતે શરતચૂકથી કોઇ કચેરી/વિભાગને પત્ર મળેલ ન હોય તો પણ તેઓના ડ્રાઇવરને તાલીમ માટે મોકલી આપવા સંયુક્ત નિયામક, વાહનવ્યવહાર કમિશનરની કચેરી દ્વારા જણાવાયું છે.
ઇન્ડીયન ઇન્સ્ટીટયુટ ઓફ ટીચર્સ એજ્યુકેશન ગુજરાત રાજ્યના પ્રથમ વાઇસ ચાન્સેલર પદે શ્રી કમલેશ જોષીપુરાની નિમણૂંક
ગાંધીનગરઃ
શ્રી કમલેશ જોષીપુરા, એક્સ વાઇસ ચાન્સેલર, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, રાજકોટની ઇન્ડિયન ઇન્સ્ટીટયુટ ઓફ ટીચર્સ એજ્યુકેશન, ગુજરાતના પ્રથમ વાઇસ ચાન્સેલર તરીકે નિમણૂંક કરી છે. તેઓની નિમણુંક બે વર્ષ માટે કરવામાં આવી છે તેમ શિક્ષણ વિભાગની યાદીમાં જણાવાયું છે.




ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો