અનુયાયીઓ

સોમવાર, 1 ઑગસ્ટ, 2011

ગુજરાત હાઇકોર્ટના ન્‍યાયાધીશ શ્રી એમ.આર.શાહ દ્વારા રાજકોટ જિલ્‍લા જેલ ખાતે ‘લીગલ એઇડ કલીનીક’ ખુલ્‍લું મુકાયું

રાજકોટ જિલ્‍લા ડીસ્‍ટ્રીકટ એન્‍ડ સેસન્‍સ જજ શ્રી વી.કે.વ્‍યાસ, જિલ્‍લા કલેકટર ડો. રાજેન્‍દ્રકુમાર, જિલ્‍લા પોલીસ વડા શ્રી પ્રેમવીરસિંઘ સહિત જિલ્‍લાના ન્‍યાયાધીશો તેમજ કેદી ભાઇઓ-બહેનોની ઉપસ્‍થિતિ : રાજકોટ જિલ્‍લા જેલના સ્‍વચ્‍છ પર્યાવરણની પ્રશંશા કરતા હાઇકોર્ટ ન્‍યાયાધીશશ્રી

રાજકોટ

ગુજરાત હાઇકોર્ટના ન્યાયાધીશ શ્રી એમ.આર.શાહે આજે રાજકોટ જિલ્‍લા કાનૂની સેવા સત્તા મંડળના ઉપક્રમે રાજકોટ જિલ્‍લા જેલ ખાતે લીગલ એઇડ કલીનીકનું દિપ પ્રાકટયથી તથા રીબીન કાપીને ઉદઘાટન કર્યું હતું.

રાજકોટ જિલ્‍લાના સત્ર ન્‍યાયાધીશ શ્રી વી.કે.વ્‍યાસ, રાજકોટ જિલ્‍લા કાનૂની સેવા સત્તા મંડળના સેક્રેટરી જસ્‍ટીસ એમ.બી.ડાંગલે, જિલ્‍લા કલેકટર ડો. રાજેન્‍દ્રકુમાર, જિલ્‍લા પોલીસ વડા શ્રી પ્રેમવીરસિંઘ, રાજકોટ બાર એસોસીએશનના પ્રમુખશ્રી અભય ભારદ્વાજ, રાજકોટ જિલ્‍લા જેલ અધીક્ષક શ્રી વોરા તથા જિલ્‍લાના ન્‍યાયાધીશો અને કેદી ભાઇઓ-બહેનોની ઉપસ્‍થિતિમાં રાજકોટ જિલ્‍લા જેલ ખાતે આયોજિત આ અંગેના ખાસ સમારોહમાં પોતાના ઉદબોધનમાં જસ્‍ટીસ એમ.આર.શાહે રાજયના છ જિલ્‍લામાં આ પ્રકારે કેદીઓની સેવા માટે-તેમને કાનૂની સલાહ માર્ગદર્શન માટે લીગલ એઇડ કલીનીક શરૂ કરાયાં છે, તે પૈકીનો એક રાજકોટ જિલ્‍લો પણ છે, તેમ જણાવ્‍યું હતું.

કેદ ભાઇ-બહેનો કાયદાની મર્યાદામાં રહી, આજના તેમના વિપરિત સંજોગોની વચ્‍ચે પણ ભારતીય બંધારણે આપેલા માનભેર જીવન જીવવાના તેમના અધિકારને ભોગવી શકે તેવો આ લીગલ એઇડ કલીનીક પાછળનો આશય સ્‍પષ્‍ટ કરી જસ્‍ટીશ શ્રી શાહે જણાવ્‍યું હતું કે લીગલ એઇડ કલીનીકની શરૂઆત થતાં હવેથી પ્રત્‍યેક શનિવારે સવારે ૧૦ થી ૧૨ આ લીગલ એઇડ કલીનીકના કન્‍વીનર સાથે કાયદાનાં પાંચ વિદ્યાર્થીઓ નિયમિતપણે જિલ્‍લા જેલમાં આવશે, કેદીઓની ફરિયાદો સાંભળશે અને તેમને જરૂરી કાનૂની માર્ગદર્શન પુરું પાડશે, ત્‍યારે કેદી ભાઇઓ-બહેનો પણ તેમને તેમના બારણે મળનાર આ કાયદાકીય મદદનો પૂરો લાભ ઉઠાવશે તેવી શ્રધ્‍ધા વ્‍યકત કરી હતી.

કેદી ભાઇઓ-બહેનોને કોઇ જ હિચકિચાટ વગર પોતાના પ્રશ્નો આ લીગલ એઇડ કલીનીક સમક્ષ રજૂઆત કરવાનો અનુરોધ કરી, કેદી ભાઇઓ-બહેનોને આવા અધિકારો મળે છે તે સામે તેમને પણ જેલના શિસ્‍તના નિયમો પાળવા, કાયદાની કોઇ મર્યાદા નહિ ઓળંગવા અને એમ પોતાની ફરજ પણ બરાબર બજાવવા જસ્‍ટીશ શ્રી શાહે સલાહ આપી હતી, અને તો જ ન્‍યાયતંત્ર દ્વારા અમલી બનાવાયેલો લીગલ એઇડ કલીનીક પાછળનો ઉમદા આદર્શ મૂર્તિમંત થશે, એમ ઉમેર્યું હતું.

જસ્‍ટીશ શ્રી શાહે રાજકોટ જિલ્‍લા જેલના સ્‍વચ્‍છ પર્યાવરણની પણ પ્રશંસા કરી હતી.

પ્રારંભે સ્‍વાગત પ્રવચન રાજકોટ બાર એસોસીએશનના પ્રમુખશ્રી અભય ભારદ્વાજે કર્યું હતું.

આ પ્રસંગે એડવોકેટ સુશ્રી ભાવનાબેન જોશીપુરાની આગેવાનીમાં લીગલ એઇડ કલીનીક અને તેના કાર્યક્ષેત્રની કેદી ભાઇઓ-બહેનોને જાણકારી મળે તે હેતુથી રંગલા-રંગલીના પાત્રો સાથેનું એક સુંદર નાટક પણ જિલ્‍લા જેલના મંચ પરથી રજૂ કરવામાં આવ્‍યું હતું, જેને ગુજરાત હાઇકોર્ટના ન્‍યાયાધીશ શ્રી એમ.આર.શાહ સહિતના મહાનુભાવોએ નિહાળ્યું હતું.

આ પ્રસંગે રાજકોટની એ.એમ.પી.લો કોલેજના પ્રિન્‍સીપાલશ્રી વૈદ્ય, એચ.એન.શુકલ લો કોલેજના પ્રિન્‍સીપાલસુશ્રી અરૂંધતી દાસાણી અને પાંધી કોલેજના પ્રિન્‍સીપાલશ્રી પણ ઉપસ્‍થિત રહ્યા હતા. કાનૂની સાક્ષરતા અભિયાનમાં કાર્યરત અખિલ હિન્‍દ મહિલા પરિષદના હોદ્દેદાર પણ ઉપસ્‍થિત રહ્યા હતા.

જામનગર ખાતે આર્મીની લેખીત પરીક્ષા યોજાઇ

જુનાગઢ ખાતે યોજાયેલ આર્મીરેલીની ફીઝીકલ પરિક્ષમાં ઉર્તિણ થયેલા ઉમેદવારોની જામનગર ખાતે આર્મીની લેખિત પરિક્ષા તા. ૩૧ જુલાઇ ના રોજ ડી.કે.વી. આર્ટસ એન્‍ડ સાયન્‍સ કોલેજ ખાતે યોજાઇ ગઇ. જેમાં ગુજરાત ના જુદા જુદા જિલ્‍લાઓ માંથી આશરે ૧૭૦૦ ઉમેદવારોએ ભાગ લીધો હતો. જેમાં પાસ થયેલ ઉમેદવારોને ટ્રેડમેન, સોલ્‍જર જનરલ ડયુટી, ટેકનીકલ કર્લાક, નર્સીંગ આસીસ્‍ટન્‍ટ માં લેવામાં આવશે.

પોરબંદરની ખાસ જેલ ખાતે ગુજરાતના સૌ પ્રથમ જેલ લીગલ એઇડ કલીનીકનો થયેલો પ્રારંભ

કેદીસમાજનું અભિન્‍ન અંગ છે, તેમને પણ સામાન્‍યજનની માફક જીવનવ્‍યતિત કરવાનો હક્ક છે.

-હાઇકોર્ટ જજશ્રી જી.વી.શાહ

પોરબંદર

દેશના પ્રત્‍યેક નાગરિકને ન્‍યાય મેળવવાનો અધિકાર છે.તેમના આ મુળભૂત અધીકારનું રક્ષણ થાય અને નાણાંના અભાવે કે માહિતીના અભાવે કોઇપણ નિર્દોષ કાયદાકિય ન્‍યાય ન મેળવી શકે અને દંડાય તેવુ ન બને તે માટે નામદાર સુપ્રીમ કોર્ટ દ્વારા દેશના ખુણે ખુણે લીગલ એઇડ કલીનિક એટલે કે કાયદાકિય માર્ગદર્શન આપતું કેન્‍દ્ર શરૂ કરવાનો નિર્દેશ કર્યો જે અન્‍વયે પોરબંદર જિલ્લામાં ગુજરાત રાજયના ખાસ જેલોમાં સૌ પ્રથમ પોરબંદરની ખાસ જેલ ખાતે લીગલ એઇડ કલીનિકને હાઇકોર્ટના જજશ્રી જી.વી.શાહના હસ્‍તે ખુલ્‍લું મુકવામાં આવ્‍યું.

કેદ એ સમાજનુંજ અભિન્ન અંગ છે તેમને પણ સામાન્‍યજનની માફક જીવન વ્‍યતીત કરવાનો પુરો અધિકાર છે,તેમજ બંધારણ મુજબ દરેક નાગરીકને કાયદાનું રક્ષણ મેળવવાનો હકક છે તે દ્રષ્‍ટ્રીએ પણ લીગલ એઇડ કલીનિકએ જેલમાં માત્ર ક્ષણિક આવેગમાં કરેલી ભુલને કારણે સજા ભોગવતા કેદીઓમાં સામાજિક સુધારણાનું કામ કરશે તથા તેઓની કાયદાકિય મુશ્‍કેલીમાં માર્ગદર્શન પરૂ પાડશે તેમ જણાવતાં કાર્યક્રમના અધ્‍યક્ષ હાઇકોર્ટના જજશ્રી જી.વી. શાહે પ્રાસંગિક પ્રવચનમાં વધુમાં જણાવ્‍યુ હતું કે જીવનની દરેક ક્ષણ અણમોલ છે માટે દરેક ક્ષણને આંનદથી વ્‍યતીત કરવી જોઇએ અને દરેક ક્ષણનો ભરપુર ઉપયેાગ કરવો જોઇએ. તેઓએ જેલના કેદીઓને યોગ અને પ્રાણાયામ કરવા અને તે દ્વારા મત અને તનની શુધ્‍ધિ રાખવા ભાર પૂર્વક અનુરોધ કર્યો હતો. તેઓએ વાંચનને ઉત્તમ પ્રવૃતી તરીકે સરખાવી સારા પુસ્‍તકોના નિયમિત વાંચનની કેદીઓને સલાહ આપી હતી.

આ પ્રસંગે ઉદબોધન કરતાં અને લીગલ એઇડ કલીનિકનો હેતૂ સ્પષ્‍ટ કરતાં ડીસ્‍ટ્રીકટ એન્‍ડ સેશન્‍સ જજશ્રી એ.એફ.દવેએ જણાવ્‍યૂં કે કોઇપણ સ્વપ્‍ન જોવું અને તે સ્‍વપ્‍નને સાકાર કરવા ત્વરીત પગલાં લેવાએ એક ક્રાંતિકારી પગલું છે. તે દ્રષ્‍ટ્રીએ દેશના પ્રત્‍યેક વ્‍યક્તિને ન્‍યાય મળે તેવા પૂ. બાપૂના સ્‍વપ્નને સાકાર કરવા લેવાયેલ લીગલ એઇડ કલીનિક શરૂ કરવાનું આ પગલૂં એક સમાજિક ક્રાંતિનું ધોતક બની રહેશે. આ તકે તેઓએ કાયદા શિક્ષણના સ્‍નાતકો દ્રારા લીગલ એઇડ કલીનિકની ઉત્તમ સેવાને બીરદાવી હતી. તેઓએ વધુમાં જણાવ્‍યું હતું કે આ કલીનીકમા; ૧ કાયદા નિષ્‍ણાંત પ્રોફેસર, પ કાયદા વિભાગના વિધાર્થીઓ અને વકીલ ઉપસ્‍થિત રહેશે. તથા બે દિવસ ખાસ કરીને બીજ તથા ચોથા શનીવારે એક મેજીસ્‍ટ્રેટ પણ ખાસ કાયદાકિય માર્ગદર્શન આપવા ઉપસ્‍થિત રહેશે.

આ તકે લો કોલેજના વિધાર્થીઓ દ્વારા કેદીઓને મળતા હક્કો અને ફરજોનું વિસ્‍તૃત માર્ગદર્શન આપ્‍યું હતું

જિલ્‍લા ખાસ જેલના જેલર શ્રી કુરેશીએ આભારદર્શન કરતાં પોરબંદરની ખાસ જેલમાં કાનુની સેવા સત્તા મંડળ દ્વારા સંચાલીત આ લીગલ એઇડ કલીનિકના પ્રારંભ માટે કાયદા વિભાગનો આભાર વ્‍યકત કર્યો હતો તથા આ કલીનિકમાં સેવા આપનાર કાયદાના વિધાર્થીઓની સેવાને બીરદાવી હતી.આ તકે તેઓએ ઉપસ્‍થિત સૌ મહાનુભાવોનો આભાર વ્‍યકત કર્યો હતો.

સમગ્ર કાર્યક્રમનું સંચાલન અગ્રણી વકીલશ્રી ભરતભાઇ લાખાણીએ કર્યુ હતું.

આ કાર્યક્રમમાં જિલ્‍લા ન્‍યાયાલયના જયુડીશ્‍નલ ઓફીસર્સ,ડી.એસ.પી. શ્રી દિપન ભદ્રન, સ્‍વામિ નારાયણ સંપ્રદાયના સંતશ્રી ભાનુપ્રકાશદાસજી, કાયદા કોલેજના પ્રિન્‍સીપાલશ્રીમતી એન.જે.રાવલ, નામાંકિત વકીલો અને સમાજિક અગ્રણીઓ સહિત જેમના માટે લિગલ એઇડ કલીનિકની શરૂઆત કરવામં આવી છે તે ખાસ જેલના કેદીઓ બહોળી સંખ્યામાં ઉપસ્‍થિત રહયા હતા.

પોરબંદર જિલ્‍લામાં આગામી તા.૪ થી ૬ ઓગષ્‍ટ દરમિયાન ત્રણેય તાલુકા મથકે ચલો તાલુકે કાર્યક્રમ યોજાશે.

પોરબંદર

પોરબંદર જિલ્‍લાના ત્રણેય તાલુકા મથકોએ આગામી તા.૪ થી ૬ ઓગષ્‍ટ દરમિયાન સવારે ચલો તાલુકે કાર્યક્રમ યોજાશે. જે અન્‍વયે તા. ૪ના રોજ સવારથી કુતિયાણા ખાતે મહેર સમાજની વાડીમાં, તા.પમીએ પોરબંદરના બીરલા હોલ ખાતે અને તા.૬ઠીએ રાણાવાવ મહેર સમાજની વાડી ખાતે ચલો તાલુકે કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે.

ચલો તાલુકે કાર્યક્રમોમાં જિલ્‍લાના પ્રભારીમંત્રીશ્રી અને રાજયના નાંણામંત્રીરી વજુભાઇ વાળા, આદીજાતિકલ્‍યાણ વિભાગના સંસદિય સચિવશ્રી હર્ષદભાઇ વસાવા, પ્રેરક હાજરી આપશે.

ચલો તાલુકે કાર્યક્રમમાં જિલ્‍લા અને તાલુકાઓમાં છેલ્‍લા ૨૦ વર્ષમાં વિવિધ ક્ષેત્રે થયેલ વિકાસની કામગીરીનું પ્રેઝન્ટેશન રજેશ રવામાં આવશે.આ કાર્યક્રમોમાં વિવિધ ગામોના સરપંચશ્રીઓ દ્વારા તેમના ગામોમાં થયેલ વિકાસની કામગીરીની રૂપરેખા અપાશે. તેમજ માહિતી ખાતા દ્વારા તૈયાર કરવામા; આવેલ રાજયના વિકાસ અંગેની સીડી.નું પૂનઃનિદર્શન કરવામાં આવશે.

આ કાર્યક્રમોમાં જિલ્‍લાના અને તાલુકાના અધિકારીઓ, પદાધિકારીઓ વિગેરે ઉપસ્‍થિત રહેશે. જિલ્‍લા કલેકટરશ્રી ગિરીશ શાહ અને જિલ્‍લા વિકાસ અધિકારીશ્રી કે.બી.ભટ્ટના માર્ગદર્શન હેઠળ આ કાર્યક્રમનું સુચારુ આયોજન ગોઠવવામાં આવી રહયું છે.

ટિપ્પણીઓ નથી: