રાજકોટ શહેરના કે.કે.વી.ચોકની ટ્રાફિક સમસ્યા નિવારવા માટે ભારે વાહનોના પ્રવેશ અંગેની વૈકલ્પિક વ્યવસ્થા બાબતે રાજકોટ ગુડઝ ટ્રાન્સપોર્ટ એસોસીએશનની રજુઆતો અમાન્ય કરીને રાજકોટ શહેરના કે.કે.વી.ચોક પરથી ત્રણ ટનથી ઉપરના તમામ પ્રકારના ટ્રક, ટેન્કર, મોટા ટ્રેઇલર, આઇશર, મઝદા, ટ્રેકટર, ટ્રોલી સાથે ટ્રેકટર વગેરે વાહનોના પ્રવેશ પર રાજકોટ શહેર ઇન્ચાર્જ પોલિસ કમિશ્નર ડો. કે.એલ.એન.રાવે કાયમી પ્રતિબંધ ફરમાવ્યો છે. કાલાવડ રોડ મોટા મવા સ્મશાનથી કે.કે.વી.ચોક સુધી આવવા માટે સાંજના ૫.૩૦ થી રાત્રિના ૮.૩૦ સુધી ભારે વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ ફરમાવાયો છે. આ વાહનો માધાપર ચોકડી તથા ગોંડલ ચોકડી ૧૫૦ ફુટ રીંગ રોડ થઇ કાલાવડ રોડ થઇ મેટોડા તરફ જઇ શકશે. જયારે વૈકલ્પિક રોડ તરીકે કાલાવડ રોડ જમણી બાજુ થઇ કણકોટના પાટિયાથી આગળ સરકારી એન્જીનીયરીંગ કોલેજ થઇ ઘોડાધાર મંદિર ચોકથી સીધા બાપા સીતારામ ચોક થઇ મવડી ગામ, મવડી ચોકડી થઇ શાપર તથા અમદાવાદ તરફ જઇ શકશે. આ જાહેરનામું ફરજ પરના પોલિસના વાહનો, એમ્બ્યુલન્સ, શબવાહિની, ફાયરબ્રિગેડ વાહનો તેમજ સરકારી અને કોર્પોરેશનની માલિકીના ભારે વાહનો પર આકસ્મિક સજોગોમાં લાગુ પડશે નહીં. આ હુકમના ભંગ બદલ ધોરણસરની કાર્યવાહી કરવામાં આવશે.
બજરંગવાડી ખાતે નવા બારકોડેડ રાશનકાર્ડનું વિતરણ
રાજકોટ શહેરના બજરંગવાડી મેઇન રોડ, ગાકુલ કોમ્પ્લેકસ-૨ ખાતે આવેલી શ્રી અગ્રાવત સરયુકુમાર આર. દ્વારા સંચાલીત વ્યાજબી ભાવની દુકાને નવા બારકોડેડ રેશનકાર્ડનું વિતરણ તા.૮/૫/૧૩ના રોજ સવારના ૧૦-૩૦ થી ૨-૦૦ અને બપોરના ૩-૦૦ કલાક થી ૭-૦૦ સુધી મેળવી શકાશે નવા કાર્ડધારકોના ચુંટણીકાર્ડ કોમ્પ્યુટરમાં મેચ થયેલા હશે તેઓને જ મળી શકશે, તો ઉકત દુકાને નોંધાયેલા કાર્ડધારકોએ પોતાનું હાલનું ચુંટણીકાર્ડ અસલ તથા જૂનું રેશનકાર્ડ રજુ કરી નવુ બારકોડેડ રેશનકાર્ડ વિના મુલ્યે મેળવી લેવા જિલ્લા પુરવઠા અધિકારીશ્રીની યાદીમાં જણાવાયું છે.
મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીની વિશેષ ઉપસ્થિતિમાં ભાદર ડેમ ખાતે તા. ૫મી મેનાં રોજ સૌરાષ્ટ્ર નર્મદા જલ અવતરણ મહાયજ્ઞનું આયોજન
સૌરાષ્ટ્રમાં કાયમી પાણીનાં પ્રશ્નનાં ઉકેલનો વિશેષ સંવાદ- જળ સંચય અંગે લોકોને જાગૃત કરાશે.
રાજકોટ જકોટ જિલ્લાનાં ગોંડલ તાલુકાનાં દેવળા ગામે ભાદર ડેમ ખાતે તા. ૫મી મે, રવિવારનાં રોજ સવારે ૭/૦૦ કલાકે સૌરાષ્ટ્ર જલધારા ટ્રસ્ટ –સુરત ધ્વારા સૌરાષ્ટ્ર નર્મદા જલ અવતરણ જન જાગૃતિ મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યુ છે. આ કાર્યક્રમ મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીનાં પ્રમુખસ્થાને યોજાશે અને દંતાળીવાળા સ્વામી સચ્ચીદાનંદજી આર્શિવચન આપશે.
સૌરાષ્ટ્રમાં કાયમી પાણીનાં પ્રશ્નનાં ઉકેલનો વિશેષ પરીસંવાદ અન્વયે આ મહાયજ્ઞમાં સૌરાષ્ટ્રનાં ૪૮૦૦ ગામો અને નગરોને જોડીને પાણી વિશે જનજાગૃતિ લાવવાનો પ્રયાસ કરાશે અને જળસંચય, દરેક ખેતરમાં ટપક સિંચાઇ પધ્ધતિથી ખેતી, નર્મદાનું જળ સૌરાષ્ટ્રમાં, કલ્પસર યોજના વગેરે અંગેની માહિતી તેમજ રાજય સરકારશ્રીએ નર્મદાનાં પાણીથી ૧૧૫ ડેમો ભરવા માટે સૌની યોજના અમલમાં મુકેલ છે તેની જાણકારી ઉપસ્થિત ખેડુતો તથા ગ્રામજનોને આ કાર્યક્રમમાં તજજ્ઞ ધ્વારા આપવામાં આવશે.
આ કાર્યક્રમમાં મંત્રીશ્રીઓ, મહાનુભાવો, પદાધિકારીઓ, સમાજ અગ્રણીઓ તથા વિશાળ સંખ્યામાં સૌરાષ્ટ્રવાસીઓ ઉપસ્થિત રહેશે. આ મહાયજ્ઞને સફળ બનાવવા માટે સૌરાષ્ટ્ર જલધારા ટ્રસ્ટ ધ્વારા ગામદીઠ ૧૧ લોકોની સમિતી બનાવેલ છે યજ્ઞ આયોજન સમિતી બનાવવામાં આવી છે તેમ સૌરાષ્ટ્ર જલધારા ટ્રસ્ટનાં પ્રમુખશ્રી મથુરભાઇ સવાણીએ જણાવ્યુ છે.
કૃષિ મહોત્સવ-૨૦૧૩ અંતર્ગત જમીન વિકાસ નિગમ દ્વારા રૂ.૯.૮૮ કરોડના ખર્ચે કુલ ૪૧૧ કામો અને પંચાયત સિંચાઇ દ્વારા રૂ.૩૬૦.૪૫ લાખના ખર્ચે તળાવ ઉંડા-બાંધકામ-સમારકામ કરવામાં આવશે
આરોગ્ય વિભાગ-અમરેલી દ્વારા સર્વરોગ નિદાન, બ્લડગ્રુપ, સ્ક્રીનીંગ કેમ્પ યોજાશે
જિલ્લા માહિતી કચેરી દ્વારા લોકડાયરા તથા જળસિંચન અને જળસ્ત્રાવ એકમ દ્વારા ૩૯૮.૯૯ લાખના વિકાસકામોનું આયોજન
કૃષિ મહોત્સવ-૨૦૧૩ દરમિયાન અમરેલી જિલ્લામાં સરદાર પટેલ સહભાગી સિંચાઇ વિભાગ દ્વારા ૭ ચેકડેમોમાં મરામતની જરૂરિયાત છે આથી ૩,૪૨૪ ઘનમીટરમાં મરામતની કામગીરી કરવામાં આવશે.
જમીન વિકાસ નિગમ દ્વારા રૂ.૩.૦૯ કરોડના ખર્ચે ૩૦૯ ખેતતલાવડી, રૂ.૬.૧૬ કરોડના ખર્ચે ૮૧ ગ્રામ તળાવો ઉંડા અને રૂ.૬૩ લાખના ખર્ચે ૨૧ ચેકડેમોના નિર્માણની કામગીરી હાથ ધરવામાં આવતા અંદાજે રૂ.૯.૮૮ કરોડના ખર્ચે કુલ ૪૧૧ કામો કરવામાં આવશે.
જીજીઆરસી દ્વારા કૃષિ રથની સાથે સુક્ષ્મ પિયત પધ્ધતિ અને તેની પ્રક્રિયા, લાભાલાભ, જાળવણી તથા ખર્ચ સહિતની તમામ બાબતોની માહિતી આપવામાં આવશે અને સીડી-ડીવીડી દર્શાવવામાં આવશે. જિલ્લા કક્ષાએ ટપક અથવા ફુવારા પધ્ધતિનું જીવંત નિદર્શન કરવામાં આવશે.
સામાજિક વનીકરણ વિભાગ દ્વારા કૃષિ રથ ટીમમાં વન સંરક્ષણની સામાજિક જવાબદારી વિશે માહિતી આપવામાં આવશે. વન વિભાગની વિવિધ યોજનાઓ વિશે પણ માહિતી પૂરી પાડવામાં આવશે. આ ઉપરાંત લોકો અને વિવિધ સંસ્થાઓની જરૂરિયાત મુજબના વિવિધ રોપાઓની માંગણી પણ નોંધવામાં આવશે.
પંચાયત સિંચાઇ યોજના તળે રૂ.૭૯.૦૯ લાખના ખર્ચે ૧૪ નાની સિંચાઇને ઉંડા ઉતારવાની તથા રૂ.૨૮૧.૩૬ લાખના ખર્ચે કુલ ૩૯ યોજનાના બાંધકામ-સમારકામની કામગીરી કરવામાં આવશે.
જિલ્લા માહિતી કચેરી-અમરેલી દ્વારા અંદાજે ૬૬ જેટલા લોકડાયરાઓ યોજાશે. ગુજરાત રાજ્ય બીજ નિગમ દ્વારા ૪,૪૪૭કૃષિ-૩,૮૧૦ બાગાયત કિટ્સનું વિતરણ કરવામાં આવશે.
આરોગ્ય વિભાગ-અમરેલી દ્વારા કૃષિરથના ગામોમાં સર્વરોગ નિદાન કેમ્પ, બ્લડ ગ્રુપ કેમ્પ-ગ્રામજનોના બ્લડ ગ્રુપની વિનામૂલ્યે તપાસણી, કૃષિરથ મુલાકાતના દિવસે મમતા દિવસ તરીકે ઉજવી રસીકરણ, બી.પી.એસ. લાભાર્થીઓને મુખ્યમંત્રીશ્રી અમૃત્તમ યોજના અંતર્ગત સ્ક્રીનીંગ કેમ્પ તથા કુપોષણ હટાવો અને બેટી વધાવો અંતર્ગત આરોગ્ય શિક્ષણ અંગે પ્રદર્શનનું આયોજન કરવામાં આવશે.
જળસિંચન વિભાગ દ્વારા અંદાજે રૂ.૧૬૧.૫૨ લાખના ખર્ચે ૧૪ નવા ચેકડેમનું બાંધકામ, રૂ.૪.૮૭ લાખના ખર્ચે ૨ ચેકડેમ ઉંડા ઉતારવા અને રૂ.૩.૫૦ લાખના ખર્ચે ૨ ડેમમાં રિનોવેશનની કામગીરી હાથ ધરવામાં આવશે.
જિલ્લા જળસ્ત્રાવ વિકાસ એકમ દ્વારા રૂ.૨૨૯.૧૦ લાખના ખર્ચે, જળ અને જમીન સંરક્ષણ, પર્યાવરણ વિકાસને લગતા જુદા-જુદા વિવિધ ઘટકોની કામગીરી કરવામાં આવશે.
પુરવઠા વિભાગ દ્વારા બાકી રહેતી બારકોડેડ રેશનકાર્ડની કામગીરી કરવામાં આવશે.
સિકકામાં પીવાના પાણીની અછતને નિવારવા દૈનિક ૨૧ થી ૨૪ લાખ લીટર નર્મદા નીરનું વિતરણઃઃ નર્મદા નીરમાં વધારો કરી સિકકાનો પાણી પ્રશ્ન હલ કરાયો
જામનગર જિલ્લા વહિવટીતંત્ર ધ્વારા સિકકામાં આકરા ઉનાળામાં પીવાના પાણીની અછતને પહોંચી વળવા દૈનિક ૨૧ થી ૨૪ લાખ લીટર નર્મદા નીર સિકકા નગરપાલીકાને સ્થાનીકે વિતરણ માટે આપવામાં આવે છે. પાણી પૂરવઠા બોર્ડ ધ્વારા પડાણા હેડવર્કસથી આ પાણી સિકકા નગરપાલીકાને આપવામાં આવે છે. અગાઉ ૧૨ થી ૧૫ લાખ લીટર નર્મદા પાઇપલાઇનમાંથી પાણી આપવામાં આવતુ હતુ જેમાં વધારો કરી સિકકાનો પાણી પ્રશ્ન હલ કરાયો છે.
૨૮ હજાર જેટલી વસ્તી ધરાવતા સિકકા નગરપાલીકા ધ્વારા નર્મદા નીરને ફીલ્ટર કરી શ્રીજી પમ્પ હાઉસ અને અન્ય સ્થળોએ આવેલ જુદા-જુદા સમ્પ તથા ઉંચી ટાંકીઓમાં સંગ્રહ કરી સમયાંતરે ઝોન વાઇઝ પાણીનું વિતરણ કરવામાં આવે છે, તેમ ચીફ ઓફીસરશ્રીએ જણાવ્યુ હતુ.
૬ હજાર જેટલી મીલ્કતો અને ૨૭૦૦ થી વધુ નળ કનેકશન ધરાવતા સિકકાના ગ્રામજનોને અગાઉ દૈનીક ૧૨ થી ૧૫ લાખ લીટર નર્મદા પાઇપલાઇનમાંથી પાણી આપવામાં આવતુ હતુ. જેમાં વધારો કરી પાણી પુરવઠા બોર્ડ ધ્વારા ૨૧ થી ૨૪ લાખ લીટર પાણી આપવાથી સિકકાના ગ્રામજનોનો પાણી પ્રશ્ન ઉકેલી શકાયો છે. સિકકાના હલીમાબેને કહયુ કે, અછતના પ્રારંભે પાણીનો વિકટ પ્રશ્ન હતો પરંતુ હમણાથી નીયમીત પાણી મળતુ થતા પાણીનો પ્રશ્નો ઉકેલાયો છે..
ગ્રામજનો પાણીનો બગાડ અટકાવે
સમુદ્ર તટે સ્થિત સિકકાના ગ્રામજનો આમતો પાણી પ્રશ્ને ચીંતીત છે. કેટલાક ઘરમાં લોકોએ આગવી સૂઝથી વરસાદી પાણીના સંગ્રહ માટે મોટા ભુર્ગભ ટાંકાઓનું પણ નીર્માણ કર્યુ છે.ઉપરાંત મોટા ભાગના ઘરોમાં પાણીનો સંગ્રહ કરવા મોટા ટાંકાઓ છે. ૨૭૦૦ જેટલા નળ કનેકશન ધરાવતા લોકો પૈકી મોટાભાગના લોકો પાણીનું કનેકશન હોય પરંતુ નળ ફીટ કરાવતા નથી, આથી નગરપાલીકા ધ્વારા જયારે પાણી છોડવામાં આવે ત્યારે સંગ્રહાય તેટલુ પાણી સંગ્રહી પછી પાણીનો બગાડ થાય છે. પાણીનો આ બગાડ સિકકાના છેવાડાના વિસ્તારો માટે પાણી પહોંચાડવામાં બાધારૂપ બને છે.આથી અછતના આ સમયમાં સિકકાના ગ્રામજનોને પાણીનો બગાડ અટકાવવા ચીફ ઓફીસરશ્રીએ અપીલ કરી છે.
શાળા- કોલેજના સંચાલકોએ સ્કુલ બસોનું ચેકલીસ્ટ મોકલવા અંગે
જામનગર જિલ્લામાં નોંધાયેલ સ્કુલો, શૈક્ષણિક સંસ્થાઓ, કોલેજો તથા ટેકનિકલ કોલેજો દ્વારા સ્કુલ બસો, ભાડાની સ્કુલ બસોનું સંચાલન કરાય છે. આ સ્કુલ/કોલેજની બસોનું ચેકલીસ્ટ તૈયાર કરી વાહન વ્યવહાર કમિશનરશ્રીને તા.૧૫/૫/૧૩ સુધીમાં મોકલવાનું હોય જેતે શાળાના સંચાલકોએ શાળા હસ્તકની તમામ બસોનું ચેકલીસ્ટ તૈયાર કરી પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી જામનગરને મોકલી આપવાનું રહેશે.આ ચેકલીસ્ટમાં શાળા, કોલેજોનું અને આચાર્યનું નામ, સરનામુ ફોન નંબર, મેનેજીંગ ટ્રસ્ટીનું નામ, ફોન નંબર, સ્કુલ બસ નંબર, ચેસીસ નંબર, એન્જીન નંબર, મેઇક, મોડલ, મેની ફેકટરીનું વર્ષ, ફીટનેસ વેલીડ તારીખ, પરમીટ નંબર તથા વેલીડ તારીખ, સ્પીડ લીમીટ બાંધેલ છે કે કેમ?, વીમા પોલીસી નંબર કંપનીનું નામ તથા વેલીડ તારીખ, પીળો પટો/રીફલેકટર/ટેપ છે કે કેમ, ડ્રાઇવરનું નામ, સરનામુ, ડ્રાઇવીંગ લાયસન્સ નંબર બેઝ નંબર વેલીડ તારીખ, સ્કુલ સંચાલન/નિયંત્રણ માટે જવાબદાર અધિકારીનું નામ, ફોન નંબરની વિગતો સામેલ કરવાની રહેશે. તેમ ઇન્ચાર્જ પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીશ્રી, જામનગરની યાદીમાં જણાવાયુ છે વિજ્ઞાન પ્રવાહની ઉચ્ચતર માધ્યમિક શાળાઓએ વિદ્યાર્થીઓની ફી રસીદ તા.2 મે ના રોજ મેળવી લેવી
ઉમેદવારો બોર્ડની વેબસાઇટ પરથી હોલ ટીકીટ મેળવી શકશે
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા તા.9-5-2013ના રોજ ગુજરાત રાજ્યમાં મેડીકલ અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવવા માટેની લેવાનારી ગુજકેટ-2013ની પરીક્ષાનું એડમીશન કાર્ડ (ફી રસીદ) ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર બોર્ડના વિદ્યાર્થીઓ સિવાયના વિદ્યાર્થીઓને ટપાલ દ્વારા મોકલી આપવામાં આવી છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના વિદ્યાર્થીઓના એડમીશન કાર્ડ (ફી રસીદ) વિજ્ઞાન પ્રવાહની ઉચ્ચતર માધ્યમિક શાળાઓએ તા.2-5-13ને ગુરૂવારના રોજ સવારના 11-00થી 16-00 કલાક દરમિયાન જિલ્લા શિક્ષણાધિકારી કચેરી ખાતેથી મેળવી લેવાની રહેશે તેની વિજ્ઞાન પ્રવાહની શાળાઓના આચાર્યશ્રીઓએ નોંધ લેવા વિનંતી છે.
જે ઉમેદવારની હોલ ટીકીટ મળેલ ન હોય કે ખોવાઇ ગયેલ હોય તેવા ઉમેદવારોએ બોર્ડની વેબસાઇટ www.gseb.org પરથી હોલ ટીકીટ (પ્રવેશપત્ર)ની પ્રિન્ટ લઇ શકશે અને તે હોલ ટીકીટ તરીકે માન્ય રહેશે એમ બોર્ડના સચિવશ્રીની યાદીમાં જણાવાયું છે.
સીદી બાદશાહ સમાજના ઉત્કર્ષ માટે વિવિધ યોજના અમલમાં રૂા.૩૦ લાખના કામો થકી લાભાર્થીઓ થયા સ્વનિર્ભર
.
જૂનાગઢ જીલ્લામાં ખાસ કરીને તાલાલા તાલુકામાં સીદી બાદશાહ સમાજના પરિવારો રહે છે. સીદી બાદશાહ સમાજના ઉત્કર્ષ માટે ખાસ કરીને પછાત વર્ગના પરિવારજનો રોજગારી મેળવે અને તેમના પરંપરાગત અને ખેતી પશુપાલન વ્યવસાયમાં પ્રગતિ થાય તે માટે પ્રાયોજના અધિકારી(આદીમજૂથ)ની કચેરી તાલાલા દ્વારા વિવિધ યોજનાઓ અંતર્ગત વર્ષ ૨૦૧૨-૧૩ માં રૂા. ૩૦ લાખના કામો કરી અનેક લાભાર્થીઓને સ્વર્નિર્ભર કરવામાં આવ્યા છે.
વિવિધ યોજનાઓમાં મેળવેલી સિધ્ધીઓ જોઇએતો ૩ બી.સી.કે.-૨૧૩ આદિમજુથ્ ઉત્કર્ષ યોજના અંતર્ગત સને ૨૦૧૨-૧૩ ના વર્ષમાં સીદી આદિમજુથના ખેડુતોને પિયતની સગવડ ઉભી કરવા માટે પી.જી.વી.સી.એલ તરફથી ખેત વિજ જોડાણ આપવામાં આવેલ હોય તેવા સીદી આદિમજુથના ખેડુતોને ખેત વિજ જોડાણમાં સહાયની યોજના અંતર્ગત કૂલ ૯ લાભાર્થીઓને રૂા. ૫૬ હજારની સહાય આપવામાં આવી હતી. સીદી આદમજુથના ખેડુતોને ખેતીવાડીક્ષેત્રે વિકાસ કરવા માટેના સાધનો જેવા કે ઇલેકટ્રીક મોટર્સ તથા ઓઇલ એન્જીન વસાવવા માટે ખેતીવાડીના સાધનો વસાવવાની યોજના અંતર્ગત કૂલ ૧૫ લાભાર્થીઓને રૂા. ૨.૭૭/-- લાખની સહાય આપવામાં આવી હતી. તાલાલા તાલુકાના હડમતિયા ગામે ચાલતા સખી મંડળમાં આદિમજુથની કૂલ ૧૭ બહેનો હસ્તકલા કામગીરી જેવી પ્રવૃતિઓ કરીને પોતાના ઘરનું ગુજરાન ચલાવે છે. જેઓને આવકમાં વૃધ્ધિ કરવા માટે સિવણકામ કરવા માટે સીલાઇ મશીન, એમ્બ્રોયડરી મશીન, પરચૂરણ વસ્તુઓ આપવા માટે તેમજ ગૃહ ઉદ્યોગ શરૂ કરવા મદિના સ્વ સહાય જૂથ સખી મંડળ, હડમતિયાને રૂા. ૧/- લાખની સહાય આપવામાં આવેલ છે.
ખેતીવાડીક્ષેત્રે પિયતની સગવડ ધરાવતા ખેડુતોને બાગાયતી તથા અન્ય પકોમાં ડ્રીપ ઇરિગેશન/સ્પ્રીંકલર સેટ પધ્ધતિથી પિયત કરવા માંગતા ખેડુતોને સ્પ્રીંકલર સેટ વસાવવાની યોજના અંતર્ગત કૂલ ૨૨ લાભાર્થીઓને રૂા. ૧.૫૬/- લાખની સહાય આપવામાં આવેલ છે. મોરૂકા ગામે આદિમજુથની વસાહતમાં બે આંતરિક સી.સી.રોડ બનાવવાની યોજના અંતર્ગત રૂા.૩.૨૭/- લાખનો ખર્ચ કરી ગામના કૂલ ૩૫ કુંટુંબોને અત્રેની કચેરી દ્વારા લાખ આપવામાં આવ્યો છે. પશુપાલન વ્યવસાય તેમજ અન્ય ધંધા/વ્યવસાયો શરૂ કરવાની યોજના અંતર્ગત કૂલ ૪૫ લાભાર્થીઓને રૂા. ૪.૫૦/- લાખની સહાય આપવામાં આવેલ છે. ખેતીવાડીના સાધનો વસાવવા સહાય આપવાની યોજના અંતર્ગત કૂલ ૨૦ લાભાર્થીઓને રૂા. ૨.૦૦/- લાખની સહાય આપવામાં આવેલ છે. ઝીંગા/મ્ત્સ્યઉછેરની પ્રવૃતિ દ્વારા આવકવૃધ્ધિ વધારવાની યોજના અંતર્ગત રૂા. ૨.૪૧/- લાખનો ખર્ચ કરી કૂલ ૧૯ લાભાર્થીઓને અત્રેની કચેરી દ્વારા લાભ આપવામાં આવેલ છે. કડીયાકામની તાલીમ આપવાની યોજના અંતર્ગત રૂા. ૫.૮૭/- લાખનો ખર્ચ કરી આદિમજુથના કૂલ ૩૦ તાલીમાર્થીઓને તાલીમ આપવામાં આવેલ જ્યારે આવક વૃધ્ધિ વધારવાની યોજના અંતર્ગત રૂા.૨.૧૩/લાખનો ખર્ચ કરી આદિમજુથના કૂલ ૨૫ તાલીમાર્થીઓને તાલીમ આપવામાં આવી છે.
તાલાલા તાલુકાના ગલીયાવાડ ગામે આદિમજુથની વસાહતમાં ઘેરે ઘેરે પીવાના પાણીની સુવિધા અંતર્ગત મીની વોટર સપ્લાય સ્કિમ બનાવવાની યોજના અંતર્ગત રૂા. ૫.૧૬/- લાખનો ખર્ચ કરી ગામના કૂલ ૩૦ કુંટુંબોને અત્રેની કચેરી દ્વારા લાભ આપવામાં આવેલ છે.
જિલ્લા રેવન્યુ વર્ગ-૩ કર્મચારી મંડળ દ્વારા વિદાય-સ્વાગત કાર્યક્રમ યોજાયો
જૂનાગઢ જિલ્લા કલેકટર પદેથી બઢતી સાથે વડોદરા મ્યુ. કમિશ્નરપદે બદલી થતા શ્રી મનિષ ભારદ્વાજને વિદાયમાન અને અમરેલીથી જુનાગઢ કલેકટર તરીકે હાજર થયેલ શ્રી આલોકકુમાર પાંડેના સ્વાગતનો કાર્યક્રમ જિલ્લા રેવન્યુ કર્મચારી વર્ગ-૩ મંડળ દ્વારા ભવનાથ ખાતે શ્રી વિશ્વંભર ભારતી મહારાજના અધ્યક્ષસ્થાને યોજાયો હતો.
આ પ્રસંગે સંતો અને અધિકારીશ્રીઓએ વિદાય લઇ રહેલા શ્રી મનિષ ભારદ્વાજની કાર્યકુશળતાના સંસ્મરણો રજુ કર્યા હતા. કાર્યક્રમનું સંચાલન દેવકુમાર આંબલીયાએ કર્યુ હતું.
અધ્યક્ષસ્થાનેથી પૂ. ભારતીબાપૂએ શ્રી મનિષ ભારદ્વાજને સિધ્ધિના શિખરો સર કરવા આશીર્વાદ પાઠવ્યા હતા. આલોકકુમારને જુનાગઢ જિલ્લાના વિકાસમાં યશસ્વી કામગીરી કરી લોકોના દિલમાં અદકેરૂ સ્થાન પ્રાપ્ત કરી રહેવા તેમને આશીર્વાદ પાઠવ્યા હતા.
ગુજરાત સ્થાપનાદિને જુનાગઢનાં વરિષ્ઠ નગરજનોની રેલી
ગુજરાત સ્થાપના દિન ૧-મે ની ઉજવણી અંતર્ગત જુનાગઢ શહેરના વરિષ્ઠ નગરજનો દ્વારા રેલીનું આયોજન કરાયું હતું. સિનીયર સિટીઝન મંડળ-જુનાગઢ દ્વારા સવારે ૯.૦૦ કલાકે કલીન-જુનાગઢ ગ્રીન જુનાગઢનો સંદેશો આપતા બેનર્સ, સુત્રો સાથે રેલને કમિશ્નરશ્રી દિલીપભાઇ રાણા અને મહાનુભાવોએ પ્રસ્થાન કરાવ્યું હતું. જુનાગઢ શહેરને નિર્મળ બનાવવા, લીલુછમ્મ રાખવા, દીવાન ચોકથી શરૂ થયેલ રેલી જુનાગઢના રાજમાર્ગો પર ફરી જુનાગઢ નગર કિલીન અને ગ્રીન બની રહોનો સંદેશો રજુ કર્યો હતો. સિનિયર સીટીઝન મંડળના જે. બી. માંકડ, જયેન્દ્ર વસાવડા, જમનભાઇ ઝાલાવડીયા, શ્રી રાજેશ વઘાસિયા,ગોકળભાઇ વેકરીયા,શ્રી જેન્તીભાઇ કાછડીયા સહિત વરિષ્ઠ નગરજનો આ રેલીમાં સહભાગી બન્યા હતા.
૪-મે થી કાત્રાસા ગામ ભાગવતમયી બનશે
માળીયા હાટીના તાલુકાના કાત્રાસા ગામે તા. ૪ મે ૨૦૧૩ ના રોજ ભાગવત સપ્તાહનો પ્રારંભ થશે. જેમાં વ્યાસપીઠે થી શ્રી મનોજભાઇ ભટૃ સત્સંગ અમૃતધારાનું રસપાન કરાવશે. તા. ૧૦ મે સુધી ચાલનાર ભાગવત સપ્તાહમાં તા. ૫ મે ના રોજ કપીલ જન્મ, તા. ૬ મે ના રોજ નૃસિંહ જન્મ, તા. ૭ મેના રોજ વામન જન્મ, તા. ૭ મેના રોજ રામ જન્મ તથા શ્રી કૃષ્ણ જન્મ, તા. ૮ મેના રોજ ગોવર્ધન લીલા, તા. ૯ના રોજ રૂક્ષ્મણી વિવાહ, તા. ૧૦ના રોજ જ્ઞાનયજ્ઞ સાથે કથા વિશ્રામ થશે.
સાધુશ્રી મોહનદાસ વશરામદાસ ગોંડલીયાના આંગણે રૂડી ભાગવત સપ્તાહમાં ભાવિક ભકતોને કથાનું રસપાન અને સાથે ભોજન પ્રસાદ લેવા કથા આયોજકશ્રી અરવિંદભાઇ તથા શ્રી રઘુરામભાઇ ગોડલીયા આવકારે છે તેમ ગોંડલીયા પરિવાર કાત્રાસાની યાદીમાં જણાવાયું છે.
. .