ખેડૂતોને વર્ષો જૂની પીડામાંથી મુક્તિ મળે તે માટે કિસાન સૂર્યોદય યોજના દ્વારા
દિવસે પણ ખેડૂતોને વીજળી આપવાનુ ભગીરથ કદમ રાજ્ય સરકારે ઉઠાવ્યું
- કૃષિ મંત્રીશ્રી આર. સી. ફળદુ
****************
રાજકોટ જિલ્લામાં કિસાન સૂર્યોદય યોજનાના
બીજા તબક્કાનો પ્રારંભ કરાવતાં કૃષિ મંત્રીશ્રી
****************
રાજકોટ તાલુકાના ૩૨ ગામના ખેડૂતોને આ યોજનાનો લાભ મળશે
****************
રાજકોટ :
સમગ્ર ગુજરાતમાં ખેડૂતોને દિવસે વીજળી મળી રહે તે માટે હાથ ધરાયેલી કિસાન સૂર્યોદય યોજનાના બીજા તબક્કામાં બેડી માર્કેટીંગ યાર્ડ ખાતેથી રાજકોટ જિલ્લાના ૩૨ ગામમાં આ યોજનાના બીજા ચરણનો કૃષિ મંત્રીશ્રી આર. સી. ફળદુએ શુભારંભ કરાવતા જણાવ્યું હતુ કે, કિસાનોને અનેક પ્રકારની અગવડતામાંથી મુક્તિ અપાવતું બીજા તબક્કાનું આ ઐતિહાસિક ચરણ મંડાયું છે.
ગુજરાતના ખેડૂતોની સુખાકારી માટે હાથ ધરાયેલી કિસાન સૂર્યોદય યોજનાના પ્રથમ તબક્કામાં સમગ્ર ગુજરાતના ૧૦૫૫ ગામડાઓને આવરી લેવામાં આવ્યા હતા. જ્યારે બીજા તબક્કામાં રાજયના ૨૭૦૨ ગામોનો સમાવેશ કરવામાં આવ્યો છે, તેમ જણાવતાં મંત્રીશ્રીએ ઉમેર્યું હતુ કે, ગામડાના લોકોને શહેરો જેવી સુવિધા પ્રાપ્ત થાય તે માટે તત્કાલીન મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ ઊર્જાના ક્ષેત્રમાં ક્રાંતિકારી કદમ ઉઠાવીને જ્યોતિગ્રામ યોજના થકી માત્ર ૧૦૦૦ દિવસમાં જ ગુજરાતના તમામ ગામોમાં ચોવીસ કલાક થ્રી ફેઝ વીજ પુરવઠો પૂરો પાડયો હતો.
મંત્રીશ્રીએ સત્તાને સાધન બનાવી રાજ્ય સરકારે લોકોની અગવડતાઓને સગવડતામાં પરિવર્તિત કરી છે, તેમ જણાવતાં ઉમેર્યું હતુ કે, ગુજરાતના ૧૮૦૦૦ થી વધુ ગામડાંઓના ખેડૂતોને વર્ષો જૂની પીડામાંથી મુક્તિ મળે તે માટે કિસાન સૂર્યોદય યોજના દ્વારા દિવસે પણ વીજળી ખેડૂતોને આપવાનુ ભગીરથ કદમ રાજ્ય સરકારે ઉઠાવ્યું છે.
ભૂતકાળના વર્ષોમાં ખેડૂતો - લોકોને વિજળી આપવા માટે દુર્લક્ષ સેવવામાં આવતું હોવાનું જણાવી મંત્રીશ્રીએ કહયું હતુ કે, ગુજરાતમાં ૧૯૬૦ થી ૨૦૦૧ સુધીના વર્ષો દરમિયાન માત્ર ૭.૩૦ લાખ ખેડૂતોને જ વીજ જોડાણો અપાયા હતા, તેની સામે છેલ્લાં ૧૮ વર્ષમાં ૧૨ લાખ નવા વીજ જોડાણો ખેડૂતોને અપાયા છે. તેવી જ રીતે રાજ્યમાં ઉર્જાના નવા-નવા સ્ત્રોત વિકસાવી સરકારે ઊર્જા ક્ષેત્રે ગુજરાતને અગ્રેસર બનાવવાનું પણ ભગીરથ કાર્ય આરંભ્યું છે. રાજ્યમાં ૧૯૬૦ થી ૨૦૦૧ સુધીમાં રાજ્યમાં ૭૮૦૦ મેગાવોટ વીજળી ઉત્પન્ન થતી હતી, જ્યારે છેલ્લાં ૧૮ વર્ષમાં ૨૨,૦૦૦ મેગાવોટના ઉત્પાદનને ગુજરાતે પાર કર્યું છે. ભૂતકાળમાં શાસકોને પ્રજાની પીડાની અનુભૂતિ થતી નહોતી પરંતુ આ સરકારે ખેડૂતો - લોકોની પીડાને સમજી તેના નિરાકરણનું ભગીરથ કાર્ય કર્યું છે.
મંત્રીશ્રીએ આ તકે પૂર્વ મુખ્યમંત્રી માધવસિંહ સોલંકીના દુઃખદ અવસાન બદલ દુઃખની લાગણી વ્યક્ત કરી તેમને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા.
આ પ્રસંગે સાંસદશ્રી મોહનભાઈ કુંડારીયા અને અગ્રણી શ્રી મનસુખભાઈ ખાખરીયાએ પ્રાસંગિક ઉદબોધન કર્યું હતુ. કૃષિમંત્રીશ્રીએ ડિજિટલ માધ્યમથી કિસાન સૂર્યોદય યોજનાના બીજા તબક્કાનો શુભારંભ કરાવ્યો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે, કિસાન સૂર્યોદય યોજનાના બીજા તબક્કામાં રાજકોટ તાલુકાના ૩૨ ગામોનો સમાવેશ કરવામાં આવ્યો છે, આ ગામોના ખેડૂતોને આજથી જ દિવસે વીજ પુરવઠો ઉપલબ્ધ બનશે.
આ પ્રસંગે રાષ્ટ્રીય કામધેનુ આયોગના ચેરમેનશ્રી વલ્લભભાઈ કથીરિયા, પીજીવીસીએલના અધિક મુખ્ય ઇજનેરશ્રી જે. જે. ભટ્ટ, અધિક્ષક ઈજનેરશ્રી જોષી, એપીએમસીના ચેરમેન શ્રી ડી.કે. સખિયા, અગ્રણીઓ સર્વશ્રી નાગદાનભાઈ ચાવડા, મનસુખભાઈ રામાણી, ભાનુબેન બાબરીયા, નરેન્દ્રસિંહ, રસીલાબેન સોજીત્રા, ગીરીશભાઈ પરમાર, નિલેશભાઈ, બાબુભાઈ, હિતેશભાઈ, ભરતભાઈ સહિત પીજીવીસીએલના અધિકારી - પદાધિકારીશ્રીઓ અને ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો