આરોગ્ય કમિશ્નરના આદેશનું પાલન
કરવા ત્રણેય મેડીકલ ઓફિસરની બદલી
"નિશ્ચિત" કરવા
હોસ્પિટલ સુપ્રિન્ટેન્ડેન્ટની કવાયત : તબીબો નિષ્ઠાથી ફરજ બજાવે
રાજકોટ શહેરની સિવિલ હોસ્પીટલમાં એક
સાથે ૩ તબીબોની મોરબી ખાતે બદલી થયાની વાતનો કચવાટ હજુ શમ્યો નથી ત્યાં હવે આર.એમ.ઓ.ની
નિમણુંક બાબતે હોસ્પિટલના તબીબોમાં આંતરિક ચણભણાટ શરુ થયો છે.
જો કે આવા ચણભણાટને શાંતિથી, એકબીજાની સમજુતી વચ્ચે "કુનેહતા"થી
શાંત કરી દેવાની વાત હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડેન્ટ ડો.
મનિષ મહેતાએ "સાંજસમાચાર" સમક્ષ દોહરાવી હતી. તેઓએ એવું પણ જણાવ્યું છે કે, અહીંથી
૩ મેડીકલ ઓફિસરની બદલીના આદેશો બાદ હાલ ૧ મેડીકલ ઓફિસરની બદલી કરી દેવાઈ છે.
બાકીના બે મેડીકલ ઓફિસરની પણ બદલી નિશ્ચિત હોય, આ બાબતે કોઈ ઉહાપોહ કરતુ હોય
તો વાજબી નથી.
પ્રાપ્ત વિગતો મુજબ શહેરની
સિવિલ હોસ્પીટલમાં એકબાજુ તબીબોના ઘસારાને પહોચી વળવા અહી વધુ તબીબોની જરૂરીયાત
વર્તાઈ રહી છે. ત્યારે આવા કઠીન સમયે જ ગાંધીનગર ખાતેથી ડો.અગ્રાવત,
ડો.ટાંક, ડો.ચાવડાની મોરબી હોસ્પીટલમાં બદલી કરવાના આદેશ છૂટતા આરોગ્યલક્ષી સેવાઓ માટે
સિવિલ હોસ્પીટલમાં "એક સાંધે ત્યાં તેર તૂટે" તેવી પરિસ્થિતિનો તબીબી આલમમાં કચવાટ
ફેલાયો છે.
સિવિલ હોસ્પીટલના સુપ્રિન્ટેન્ડેન્ટ
ડો. મનિષ મહેતાએ ટેલીફોનીક મુલાકાત દરમિયાન "સાંજસમાચાર"ને
જણાવેલ કે, આરોગ્ય કમિશ્નરના આદેશો બાદ ત્રણેય મેડીકલ ઓફિસરને અહીંથી છુટા કરી
ડેપ્યુટેશન ઉપર મોરબી મોકલવાની કાર્યવાહી ચાલી રહી છે.
હાલ એક ડો. અગ્રાવતની બદલી કરવામાં આવી છે. આ વાતને લઈને એટલે કે
ત્રણમાંથી એક જ મેડીકલ ઓફિસરની બદલી કેમ કરાઈ ? તે વાતને લઈને કોઈ ઉહાપોહ
સર્જાવાના પ્રયાસો કરતુ હોત તો તે ગેરવાજબી અને નિરર્થક બની રહેશે.
કારણ બાકી રહેતા ડો.ચાવડા
અને ડો. ટાંકની પણ બદલી પણ નિશ્ચિત જ છે અને આજે બંનેને છુટા કરશે તેવું
કહી આરોગ્ય કમિશનરના આદેશને "રીસ્પેકટ" આપવું તે તેઓની ફરજ થતું હોવાનું
ડો.મેહતાએ જણાવ્યું હતું. ટૂંકા ગાળામાં અગાઉ મેડીકલ ઓફિસર ડો.દુસરાની મોરબી બદલી થયા બાદ
વધુ ૩ મેડીકલ ઓફિસર ડો.અગ્રાવત, ડો.ટાંક અને ડો. ચાવડાની મોરબી ખાતે બદલીની નોબત સહનાર ડો. મનિષ મહેતા એવું પણ જણાવ્યું
હતું કે, સિવિલ હોસ્પીટલમાં ખાલી પડનાર ૩ મેડીકલ ઓફિસરની જગ્યાઓ
તાકીદે ભરવા તેઓ દ્વારા ઉચ્ચ આરોગ્ય તંત્રને રજુઆતો કરવામાં આવી રહી છે.
RMO નિમણુંકનો વિવાદ શું છે ?
રાજકોટ :
સિવિલ હોસ્પિટલમાં સુપ્રિન્ટેન્ડેન્ટ ડો.
મહેતાએ આર.એમ.ઓ. તરીકે ડો.રોયની નિમણુક કરી ત્યારથી તબીબોમાં આંતરિક ચણભણાટ શરુ થયો છે.
આર.એમ.ઓ.ના પદ પર સ્વાભાવિક સિનિયર તબીબોની નિમણુંકો થતી હોય છે.
જ્યારે ડો.રોય તો જુનિયર હોવાનું બતાવી અમુક તબીબો વચ્ચે ચર્ચાઓ થઇ રહી છે કે, સુપ્રિન્ટેન્ડેન્ટ
દ્વારા તેમના નજીકના ડો. રોયને આર.એમ.ઓ.બનાવ્યા તે વાતમાં શું આશય હોય શકે ? સિવિલ હોસ્પીટલમાં તો ૧૦ જેટલા
તબીબ સીનીયરો કે જેઓ 20 થી ૨૩ વર્ષ થયા ફરજ બજાવી રહ્યા છે, તેમાંથી
કેમ કોઈની પસંદગી ના કરવામાં આવી ? ડો.
રોય તો ૧૦-૧૨ વરસ જ જુના તબીબ છે. ત્યારે આ વાતના વિખવાદના મૂળમાં હકીકત શું છે ? તે જાણવાના પ્રયાસમાં પણ
સિવિલના સુપ્રિન્ટેન્ડેન્ટ ડો. મેહતાએ જણાવેલ કે, આર.એમ.ઓ.ની નિમણુકમાં જુનિયર-સીનીયરને બદલે સંબંધિત તબીબની કાર્યકુશળતા, તેમની ફરજ,
ફરજ પરત્વેની નિષ્ઠા જોવાતી હોય છે. ક્યા તબીબ કેટલી અને કેવી ફરજ
બજાવે છે ? વી બાબતોની નોંધ લેવાતી હોય છે.
જ્યારે ઘડિયાળના કાટે ફરજ બજાવવા વાળા સંબંધિતોની આપોઆપ બાદબાકી થઇ જતી હોય છે.
અને આ માટેના તમામ હક, અધિકારો તેઓની પાસે હોય, વાજબી નિર્ણય લઈને ડો.
રોયને આર.એમ.ઓ.બનાવાયા છે. આર.એમ.ઓ. બનવા માટે કોઈ મેડીકલ ઓફિસર ઘસીને નાં પાડી દે તો શું થાય ? તેવા
પ્રશ્નના જવાબમાં ડો.મેહતાએ જણાવેલ કે, પ્રત્યેક તબીબની ફરજ જોવાતી હોય છે. આવા
પદ માટે કોણ અને ક્યારે યોગ્ય છે ? તે વાત પણ તેઓ દ્વારા નક્કી
થતી હોય, જો કોઈ આ મુદ્દે ચણભણાટ ઉભી કરતુ હશે કે તેઓની પાસે આ બાબતે મામલો આવશે તો
કુનેહતાથી મામલો થાળે પાડી દેવાનું જણાવ્યુ હતું.


ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો