અનુયાયીઓ

બુધવાર, 21 નવેમ્બર, 2018

પડધરીની ૨ વર્ષની અપહ્યુત બાળકીને શોધવા પોલીસની ટીમોની સધન તપાસ

સોમવારી બજારમાંથી કોઈ ઉઠાવી ગયું છે : પોલીસે બાળકીનો ફોટો સોશિયલ
મીડિયામાં પણ મુક્યો  : એસપી ઘટના સ્થળે પહોંચ્યા : ધૂંધળા સીસી ફૂટેજના આધારે અજાણ્યા શખ્શ સુધી પહોંચવા પોલીસની કવાયત
રાજકોટ તા.૨૧
પડધરીની બજારમાંથી ગઈકાલે બપોરે બે વર્ષની બાળકીનું અપહરણ કરી અજાણ્યો શખ્સ ભાગી જતા પોલીસ તંત્રમાં દોડધામ મચી ગઈ છે. જીલ્લા પોલીસ વડા બલરામ મીણાએ પણ ઘટના સ્થળે દોડી જઈને પડધરી પોલીસ ઉપરાંત એલસીબી, એસઓજી અને આરઆર સેલોની ટીમોને કામે લગાડી છે. પણ  અપહૃત બાળકીની  કોઈ ભાળ પોલીસને મળી નથી.
પ્રાપ્ત વિગતો મુજબ દાહોદ જીલ્લાનાં ધાનપુર ગામના વતની પોપટભાઈ ડામોર ૧૫-૨૦ દિવસ પહેલા પરિવાર સાથે ખેતમજૂરી કરવા પડધરીના  ન્યારા ગામે આવ્યા હતા ત્યાં એક વાડીમાં રહી મજૂરી શરૂ કરી હતી. ગઈકાલે બપોરે તે પત્ની અને બે પુત્રી ઉપરાંત અન્ય પરિવારના સભ્યો સાથે પડધરી સરકારી હોસ્પિટલ સામે ભરાતી સોમવારી (ગુજરી) બજારમાં ખરીદી કરવા ગયા હતા.

બપોરે અઢી વાગ્યાની આસપાસ તેની પત્ની કમોદીબેન ચાર વર્ષની પુત્રી કેનાનું કાન વીંધાવતી હતી ત્યારે નાની બે વર્ષની પુત્રી રમીલા બાજુમાં ઉભી હતી. જેને કોઈ અજાણ્યો શખ્સ આવીને ઉપાડી ભાગી ગયો હતો. જાણ થતાં આદિવાસી પરિવાર હાંફળો-ફાંફળો બની ગયો હતો અને ઘણી શોધખોળ કરવા છતાં રમીલાનો કોઈ પતો નહીં મળતા અંતે પડધરી પોલીસને જાણ કરી હતી. જેના દ્વારા અપહરણનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.
એક બે વર્ષની બાળાનું આ રીતે ભરબજારમાંથી અપહરણ થઈ જાય તે બાબત ખૂબ જ ગંભીર હોવાથી એસપીએ પડધરીની વિઝીટ કરી હતી. આ ઉપરાંત ક્રાઈમ બ્રાંચ, એસઓજી અને આરઆર સેલની ટીમો દોડાવાઈ હતી. પોલીસની જુદી જુદી ટીમો બનાવી તેને કામગીરી સોંપવામાં આવી હતી. જે શખ્સે અપહરણ કર્યું હતું તેના ધૂંધળા  સીસી ટીવી ફૂટેજ પણ પોલીસને મળ્યા છે. તેના આધારે પોલીસે અજાણ્યા શખ્શ સુધી પહોંચવા કવાયત આદરી છે.

ટિપ્પણીઓ નથી: