અનુયાયીઓ

બુધવાર, 9 મે, 2018

રાજકોટમાં કરુણાંતિકા : લગ્નના બીજા જ દિવસે કાળમુખા ડમ્પરે નવોઢાની જીંદગી છીનવી !

રાજકોટ તા.૯ 
રાજકોટના ભક્તિનગર સર્કલ પાસે આવેલ ભક્તિનગર સોસાયટી  રહેતા ખોયાણી પરિવારની એકને એક લાડકવાયી દિકરીને રવિવારે તેના પરિવારે સાસરીયે વળાવી પિતા અને સહપરિવારે તેના સાસરે દરેક પ્રકારનું સુખ પ્રાપ્ત કરે અને સુખી લગ્નજીવન પસાર કરે તેવા આશિર્વાદ એક પિતા માતા અને વીરા સહિતના સહપરિવારે ભાવી આંખે વિદાય આપી હતી. પરંતુ આ વિદાયએ કાયમ માટેની વિદાય બની જશે એ પરિવારજનોને કયા ખબર હતી ?  નાનામવાનાં પટેલ નવદંપતિના સ્કુટરને ડમ્પરે હડફેટે લીધાની ઘટનામાં નવોઢાનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યુ મોત થતાં લગ્નનાં ઉમંગમાં ગળાડુબ ખોયાણી અને ઠુમર પરિવારજનો શોકના દરિયામાં ગરક થઈ ગયા છે !



પોલીસે પટેલ પરિવારોમાં કરૂણાંતિકા સર્જનાર કાળમુખા ડમ્પર ચાલકને હિરાસતમાં લઈ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. ભક્તિનગર સોસાયટી અને નાનામવા એમ બન્ને પટેલ પરિવારોમાં શોક જન્માવનાર કરુણ ઘટનાની વાત કરીએ તો શહેરનાં ભક્તિનગર સોસાયટીમાં રહેતા બાબુભાઈ કરશનભાઈ ખોયાણીની પુત્રી પ્રિયંકાબેનના નાનામવામાં રહેતા ધીરજલાલ પરસોતમભાઈ ઠુંમરનાં એન્જીનીયર પુત્ર જયભાઈ સાથે ગયા રવિવારે જ ધામધુમથી લગ્ન થયા હતા.



 પિયર પક્ષના વાલીઓને વ્હાલસોયી દિકરીની વિદાયથી ‘ખાલીખમ્મ ઘર’નો ભાસ-દુઃખ સાથે અનુભવાતો હતો તો સાસરીયા પક્ષના લોકોમાં લક્ષ્મીજી સમાન પુત્રવધુનાં પગલાનો અનન્ય આનંદ જોવા મળતો હતો. પણ કુદરતે જાણે ખોયાણી અને ઠુંમર પરિવારનાં આનંદ પરત્વે ઈર્ષા જાગી હોય તેમ એક ડમ્પરને ‘નિમિત’ બનાવી એક કરુણાંતિકા સર્જી દેતા બન્ને પટેલ પરિવારજનોમાં કોણ કોને છાનુ રાખે ?  તેવી વિષમ શોકમય પળો ખડી થઈ જતાં જાણકાર સૌમા શોક સાથે અરેરાટી ઉપજી છે.



રવિવારનાં રોજ લગ્નગ્રંથીથી જોડાઈને આનંદીત બનેલ જયભાઈ ઠુંમર તેમનાં પત્ની પ્રિયંકાબેનને લઈને અનિલભાઈ વેકરીયાનાં ઘરે લગ્નનાં બીજા દિવસે એટલે કે ગઈકાલે મંગળવારે સાંજના ચા-પાણી પીવા જઈ રહ્યા હતા ત્યારે આ નવયુગલ ૧૫૦  ફુટ રીંગરોડ પર કરણ અર્જુન પાર્ટી પ્લોટ પાસેથી સ્કુટર પરથી પસાર થયુ ત્યારે માતેલા સાંઢની માફક પાછળ દોડતા આવતા ડમ્પર ચાલકે જોરદાર ધડાકા સાથે જય ઠુંમરના સ્કુટરને હડફેટે લેતા પ્રિયંકાબેન ફંગોળાઈને રોડ પર પટકાતા, ડમ્પરના વ્હીલ તેમના પર ફરી વળતા પ્રિયંકાબેનનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યુ મૃત્યુ થયું હતું.





હજું તો બે દિવસ પહેલા જ સપ્તપદીનાં ફેરા ફરી જેમને જીવનસંગીની બનાવી તે જ પોતાની નજર સામે જ અનંતની યાત્રાએ ઉપડી જતા જય ઠુંમર ઘટના સ્થળે હેબતાઈ જઈ શોકમાં ગરક બન્યા હતા. તો પિયરીયાઓ અને સાસરીયાઓમાં સર્જાયેલા કાળા કલ્પાંતથી ભલભલાના હૃદય કંપી ઉઠયા હતા. માત્ર બે દિવસ પહેલાનો જ લગ્નપ્રસંગનો હશી-ખુશીનો માહોલ ખોયાણી અને ઠુમર પરિવારોમાં આક્રંદમાં ફેરવાઈ ગયો હતો. રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનનાં પીએસઆઈ એસ.આર.સોલંકીએ મૃતક પ્રિયંકાબેનના સસરા ધીરજલાલ પરસોતમભાઈ ઠુંમરની ફરિયાદ પરથી ડમ્પર ચાલક સામે ગુનો નોંધી તેની શોધખોળ આદરી છે.






પ્રિયંકાને ભવિષ્યમાં ડેન્ટલ કિલનીક ખોલવી હતી ઈગલ બોરવેલના નામે ધંધો ધરાવતા ઉદ્યોગપતિ બાબુભાઈ કરશનભાઈ ખોયાણીને સંતાનમાં એક પુત્ર અને પુત્રી છે. પરિવારની એક ને એક દિકરી પ્રિયંકાબેન બાબુભાઈ ખોયાણીએ સનસાઈન સ્કુલમાંથી અભ્યાસ કરેલ છે અને ઉદયપુરની પેસીફીક કોલેજમાંથી ડેન્ટીસ્ટની ડીગ્રી મેળવેલ હતી અને હરીધવા રોડ પર આવેલ સ્માઈલ પ્લસ કિલનીકમાં ડેન્ટીસ્ટની પ્રેકટીસ કરતી હતી અને આગામી દિવસોમાં પોતાનું કલીનીક ખોલવાની ઈચ્છા ધરાવતી હતી.






પરંતુ આ ઈચ્છા કાળનો કોળીયો બની પ્રિયંકાને ભરખી જતા પરિવારજનોમાં શોકની લાગણી છવાઈ છે માત્ર એક મહિનામાં સંબંધનો કરુણ અંજામ દરેક પિતાને પોતાની લાડકીને સારુ સાસરુ મળે તેવી ઈચ્છા હોય છે, મૃતક પ્રિયંકાને સંબંધ માટે જોવા આવ્યા, પ્રિયંકા અને જયની સગાઈ કરવામાં આવી હતી અને ગયા રવિવારે બન્ને લગ્નગ્રંથીથી જોડાયા અને ગઈકાલના રોજ ડમ્પરે આ નવદંપતિને હડફેટે લેતા પ્રિયંકાનો કરુણ મોત નિપજયું નણંદ અને મૃતક પ્રિયંકાના લગ્ન સાથે હતા. મૃતક પ્રિયંકા અને જયના લગ્ન સાથે જયની બહેન મોનીકા ધીરજલાલ ઠુમરના લગ્ન પણ સાથે થયા હતા. મૃતક પ્રિયંકાની નણંદના લગ્ન રણછોડનગર સ્થિત લુણાગરીયા પરિવારમાં કરવામાં આવ્યા હતા. 


પોલીસ પંચનામું કરતી હતી ત્યાંજ માતેલા 
સાંઢની જેમ વધુ એક ટ્રક ધસી આવ્યો !
રાજકોટ શહેરમાં નવા બનેલા ૧૫૦  ફુટ રીંગરોડ પાસે અકસ્માતો અવારનવાર સર્જાય છે. કાલાવડ રોડ પરથી જતા એક રસ્તો મવડી તરફ જાય છે અને બીજો રસ્તો ઘંટેશ્ર્વર તરફ જાય છે. ત્યાં ચાર રસ્તા પડે છે ત્યાં ગઈકાલે જ એક નંબર પ્લેટ વગરના ડમ્પરે અકસ્માત સર્જતા બે દિવસ પૂર્વે જ પરણેલી પ્રિયંકા જયભાઈ ઠુંમ્મરનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીજયુ હતું. આ બનાવ બાદ ડમ્પર ચાલક ફરાર થયો હતો અને ઘટનાસ્થળે તાલુકા પોલીસ મથકનાં ફોજદાર એ.એસ.આઈ. સોલંકી અને સ્ટાફ પંચનામું કરતો હતો ત્યારે મૃતકનાં પરિવારજનો પણ ત્યાંજ હતા. ત્યાંજ બીજો ટ્રક ઘસી આવ્યો હતો તે પણ પોલીસ અને મૃતકના પરિવારજનોને હડફેટે લઈ લેત !  પરંતુ પોલીસે સાવચેતી દાખવી ટ્રક ચાલકને થોડે દુરથી જ ઝડપી લીધો હતો અને કાયદાનું ભાન કરાવ્યું હતું અને સહેજમાં મોટી જાનહાની ટળી હતી. 


મારી નજર સમક્ષની કરૂણાંતિકા જીવનપર્યંત 
નહી ભુલુ ! અનિલ વેકરીયા 
જેમની નજર સામે આ ઘટના બની તેવા અનિલભાઈ વેકરીયાએ જણાવેલ કે તેઓ તેમનાં માતાને લઈને જય અને પ્રિયંકાને જમવા માટે ઘરે લઈ આવવા તેડવા ગયા હતા. મંગળવારની સાંજે અનિલભાઈ તેમના માતાને સ્કુટરમાં બેસાડી આગળ જતા હતા જયારે નવદંપતિ જય અને પ્રિયંકા આનંદ-ઉમંગ સાથે પાછળ સ્કુટર પર આવી રહ્યા હતા. સાંજના અંધારામાં 150  ફૂટ પર કરણ અર્જુન પાર્ટી પ્લોટ પાસે પહોંચ્યા ત્યાં જોરદાર ધડાકો સંભળાતા અનિલભાઈએ ત્યાં દોડી જઈને જોયું તો મામાની દિકરી બહેન એવી પ્રિયંકાની લોહીથી લથબથ લાશ નજરે પડી હતી.  આ ઘટના તેઓ આખી જીંદગી નહિ ભુલે તેવો વસવસો અનિલભાઈએ વ્યકત કર્યો હતો.



ડમ્પર ચાલકને પોલીસ સજા કરે કે ના 
કરે કુદરત જરૂર કરશે ! મૃતકના પિતા 
મૃતક દિકરીના પિતા બાબુભાઈ ખોયાણીએ પોતાના કાળજા કેરો કટકો ગુમાવતા દુઃખ વ્યકત કરતાં જણાવ્યું કે આવા બેફામ ડમ્પર ચલાવનારા અને ડમ્પરના માલીકોને પોલીસ સજા કરે કે ન કરે પરંતુ કુદરત એને જરૂર સજા કરશે તેમજ રાજકોટમાં છેલ્લા ઘણા સમયથી ટ્રકલ બસ અને ડમ્પર જેવા મોટા વાહનો બેફામ બની લોકોના જીવ લઈ રહ્યા છે. ત્યારે શું તંત્રની કોઈ જવાબદારી નથી ? તેમજ  અકસ્માત બાદ અમે તાલુકા પોલીસ સ્ટેશન ગયા ત્યારે તપાસ કરતા અધિકારીએ અમોને જણાવેલ કે અકસ્માત સર્જનાર ડમ્પર ચાલક વિરૂદ્ધ યોગ્ય સ્તરની કાર્યવાહી કરવામાં આવશે. તેમજ ડમ્પરમાં નિયમથી વિરૂદ્ધ ઓવરલોડેડ માલ ભર્યો છે કે કેમ તે અંગે તમારી હાજરીમાં વજન કરી જણાવીશુ તેવી ખાતરી આપી હતી. 




અકસ્માત સર્જનાર ડમ્પરની પાછળ 
પોલીસમેનનું નામ !
ટ્રકમાં ઓવરલોડેડ માલસામાન ભર્યો હોવાનો મૃતકના પરિવારજનોનો આક્ષેપ પોલીસ ઉંડી તપાસ કરે તેવી માગણી રાજકોટના ૧૫૦ ફૂટ રીંગરોડ પાસે ગઈકાલે પ્રિયંકા જયભાઈ ઠુંમર અને તેમના પતિ જયભાઈને ‘રાજકોટ પોલીસ લાઈન’ લખેલા ડમ્પરે  હડફેટે લેતા પ્રિયંકાનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નિપજયુ હતું.  જયારે જયને માથામાં ગંભીર ઈજા થતાં તેને સારવાર અર્થે ગીરીરાજ હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા છે.  અકસ્માત સર્જનાર નંબર પ્લેટ વગરના ડમ્પરે પટેલ પરિવારની એકની એક દિકરી છીનવી લીધી હતી.
 રાજકોટમાં નવા બનેલા ૧૫૦  ફૂટ રીંગરોડ પર અવારનવાર અકસ્માતો સર્જાય છે. ત્યારે ગઈકાલે અકસ્માત સર્જનાર ડમ્પરની પાછળ ‘રાજકોટ પોલીસ લાઈન’ લખેલ હતું અને તેમાં અરજણભાઈ રબારી અને જીવણભાઈ પટેલ એમ બે નામો લખેલા હતા. અકસ્માત સર્જી નાસી છુટેલા ડમ્પરના ચાલકને નાસતો જોઈ એક રાહદારીએ ડમ્પરના ચાલકને પકડવા કોશીષ કરી હતી પણ ચાલક ડમ્પરને રેઢુ મુકી ફરાર થયો હતો.આ બનાવ અંગે તાલુકા પોલીસ મથકને જાણ કરવામાં આવતા પીએસઆઈ એસ.આર. સોલંકી ઘટના સ્થળે પહોંચ્યા હતા અને ઘટના સ્થળે કાગળો કરી અકસ્માત સર્જનાર ડમ્પર ચાલાકની શોધખોળ આદરી છે. 


મૃતકના પરિવારજનોએ આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે ડમ્પરમાં નિયમ મુજબ ૧૦  ટન રેતી ભરવામાં આવે છે ત્યારે અકસ્માત સર્જનાર ડમ્પરમાં નિયમનો ભંગ કરીને ઓવર લોડેડ માલ સામાન ભર્યો હતો. આ માલ રોયલ્ટી વગરનો છે કે કેમ ? એ અંગે જો તપાસકર્તા અધિકારી ઉંડા ઉતરે તો સમગ્ર હકીકત બહાર આવેઈ

ટિપ્પણીઓ નથી: