"સાહબ આપકા એટીએમ લોક હો ગયા હૈ, પાસવર્ડ દીજિયે" કહીને...
જેતપુરના મુસ્લિમ આધેડના બેંક ખાતામાંથી
રૂપિયા ૧૮ હજાર ઉપાડી લેતા ગઠીયાઓ !
પેટીયું રળવા મજુરી કરી બેંકમાં પૈસા રાખ્યા હતા.પણ હિન્દીભાષી ગઠિયાઓએ ભોળવીને પૈસા સેરવી લીધા ! બેંકવાળા સતોષકારક જવાબ ના આપતા હોવાની પોલીસમાં રાવ......
જેતપુર તા.૧ (કશ્યપ જોશી દ્વારા)
જેતપુરના એક મુસ્લિમ આધેડને ફોન ઉપર ભોળવીને પરપ્રાંતીય શખ્શોએ તેમના જેતપુર સ્થિત બેંક ખાતામાંથી રૂપિયા ૧૮ હજાર ઉપાડી લઇ છેત્તરપીંડી કરી હોવાની જેતપુર પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
મળતી વિગતો મુજબ જેતપુરના ખીરસરા રોડ પર રહેતા અને મજુરી કરતા હનીફભાઈ ઈસ્માઈલભાઈ શાહમદાર ગત ૨૭-૧-૧૬ ના રોજ તેમના મોબાઈલ નંબર ઉપર એક અજાણ્યા હિન્દીભાસી યુવાનનો કોલ આવ્યો હતો કે "સાબ આપકા એટીએમ કાર્ડ લોક હો ગયા હૈ, પ્લીઝ આપકા એટીએમ કાર્ડ નંબર ઔર પાસવર્ડ દીજિયે, શુરુ કર દેતા હું" આવા સમયે જો એટીએમ કાર્ડ બંધ થઇ જાય તો ધંધે લાગી જઈએ તેવું મનોમન વિચારી હનીફભાઈએ હિન્દીભાષી યુવાનને તેમના એટીએમ કાર્ડ નંબર અને પાસવર્ડ આપી દીધા હતા.
દરમિયાન પાંચ જ મીનીટમાં હિન્દીભાસી શકશે એકવાર રૂપિયા ૯૦૦૦ અને બે વાર રૂપિયા ૫૦૦૦-૫૦૦૦ ઉપાડી લીધાના મેસેજ મળતા આ મુસ્લિમ આધેડ મૂંઝાયા હતા. બીજીબાજુ તેમને અહીના લાદી રોડ સ્થિત ઇન્ડિયન ઓવરસીજ બેંકમાં તપાસ કરતા રૂપિયા ૧૮૦૦૦ ઉપડી ગયાનું અને આ બાબતે બેંકસુત્રોએ કોઈ સંતોષકારક જવાબ નહિ આપતા હનીફભાઈએ આ વાતની જેતપુર શહેર પોલીસ અને રાજકોટ જીલ્લા પોલીસેને લેખિત ફરિયાદ કરી છે. અમુક બેંકસુત્રોએ જણાવેલ કે હિન્દુસ્તાનની કોઈ પણ બેન્કમાંથી એટીએમ કાર્ડ લોક થઇ ગયું તેવો કોઈ દિવસ કોઈ ગ્રાહકને ફોન નથી કરાતો. એક વખત જે તે બેન્કમાંથી એટીએમ કાર્ડ ગ્રાહકને સોંપાઈ કે અપાઈ ગયા પછી એટીએમના નંબર અને પાસવર્ડ સુરક્ષીત રાખવા જે તે ગ્રાહકની જવાબદારી છે. જયારે બેન્કિંગ કામકાજ સાથે સંકળાયેલા અમુક આગેવાનાઓ જણાવે છે કે, હિન્દુસ્તાનમાંથી ગમે તે જગ્યાએથી કોઈ પણ બેંક ખાતામાંથી પૈસા ઉપાડવાનો વહેવાર થાય એટલે સંબંધિત બેન્કને સો ટકા ખબર પડી જાય કે ક્યાંથી પૈસા ઉપડયા ? પણ કામગીરીઓના ભારણમાં કે આળસ નીચે દબાયેલા બેન્ક્સુત્રો આવી રીતે ઘણી વખત છેતરાયેલા ગ્રાહકો સાથે મનસ્વી-ઉડાઉ વર્તન કરતા હોય ઉપરી બેંકસુત્રોએ કોઈ કડક અમલવારી કરાવવી જોઈએ !
કશ્યપ જે. જોશી જેતપુર જેતલસર

ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો