અનુયાયીઓ

ગુરુવાર, 3 ડિસેમ્બર, 2015

જેતપુર તાલુકા પંચાયત અને જીલ્લા પંચાયતમાં કોંગ્રેસની જીત પાછળ ખેડૂતોનો સિંહફાળો !!

મોંઘવારીના ત્રાસથી કંટાળીને મતદારોએ સરકાર સામે પરિવર્તનનું બ્યુગલ ફૂંકી દીધું !!

જેતપુર તાલુકા પંચાયત અને જીલ્લા પંચાયતમાં 

કોંગ્રેસની જીત પાછળ ખેડૂતોનો સિંહફાળો !!

પાટીદાર ફેક્ટરની કોઈ અસર નથી, ખેતપાકોના પોષણક્ષમ ભાવો વગર તરફડતા 

ખેડૂતોએ સરકાર સામે વ્યક્ત કરેલ નારાજગી કોંગ્રેસ માટે જીતની બાજીમાં ફેરવાઈ !!

 

જેતપુર તા.૩

જેતપુર તાલુકા પંચાયતની ૨૦ માંથી ૧૫ બેઠકો અને જેતપુરની રાજકોટ જીલ્લા પંચાયતની ચારેય બેઠકો કબજે કરનાર કોંગ્રેસે આમ તો ભાજપના ઉમેદવારોની દશા બગાડી નાખી છે પણ એનો અર્થ એ નથી કે પાટીદાર ફેક્ટર કામ કરી ગયું છે.

 

જેતપુરની ચુંટણીઓમાં કમળને ખીલતા પહેલાજ સમૂળગું મૂરઝાવી દેવા પાછળ આપણા ખેતી પ્રધાન દેશના ખેડૂતોનું સંગઠન કામ કરી ગયું છે. કાળી મજુરી પછી પણ કપાસ જેવા ખેત પાકોના પોષણક્ષમ ભાવો અપાવવામાં નિષ્ફળ રહેલી વર્તમાન સરકાર સામે રોષ, અસંતોષની ભડકેલી ચીનગારીએ ખેડૂતોના માનસપટલ પર રીતસરનો બદલાવ લાવી દેતા ખેડૂતોએ આંખો મીચીને કોંગ્રેસના હાથને ધાર્યા બહારનો મજબુત કરી દેતા વિપક્ષ ભાજપ છાવણીમાં હવે ભારોભાર વસવસા વિષે કશું બચ્યું નથી.

 

જેતપુર તાલુકા અને જીલ્લા પંચાયતની બેઠકો પર કોંગ્રેસના અભૂતપૂર્વ વિજય પાછળ બુદ્ધિજીવી મતદારો કહે છે કે પાટીદારોને અનામત આપવાની કોઈ રાજ્ય સરકારની સત્તા નથી..દેશના બંધારણમાં તાત્કાલિક ફેરફાર કરવો અશક્ય હોય અમોને પણ ખબર છે કે ભાજપ કે કોંગ્રેસ પાટીદારોને અનામત અપાવી શકે એ વાત તથ્યવિહોણી છે.

 

કોંગ્રેસે અમોને લાલચ આપી હોય કે પાટીદારોને અનામત અપાવી દઈશું તો આવી વાતનો ભ્રામક પ્રચાર કરનાર કોઈ પણ પક્ષ વિચારી લે કે કોંગ્રેસને જીતાડવા પાછળ માત્રને માત્ર મોટેભાગે ખેડૂતોનો હાથ અને સરકાર પ્રત્યેની ખેડૂતોની નારાજગી શિવાય કશું નથી. દિનપ્રતિદિન વધતી જતી મોંઘવારીનો રોષ મતદારો, ખેડૂતોએ સરકાર સામે ઠાલવી વિપક્ષી કોંગ્રેસને ખોબલે ખોબલે મતો આપ્યા છે.

અપવાદરૂપ કહીએ તો ઘણા ખેડૂતોએ કોંગ્રેસ પાટીદારોને અનામત અપાવી શકશે તેવું માની મતદાન કર્યું હોય તો આવા મતદારવર્ગ સામે કોઈ પણ ઉમેદવારને પસંદ ના કરી ઈવીએમ મશીનમાં નોટા બટનને દબાવનાર મતદારવર્ગ પણ ખાસ્સો નોંધાયો છે. સરકારી તંત્રોના મશીનમાં આ નોટાને મત આપનાર મતદારોનું કહેવું છે કે કોઈ પણ ઉમેદવાર ચૂંટાય કે ના ચૂંટાય ?! મતદારોને શું ફેર પડવાનો ? વિજેતા ઉમેદવાર કોઈ ગરીબોના અનાજથી ઘર નહિ ભરી દે અને હારેલો ઉમેદવાર કોઈના ઘરે લુંટ કરવા નથી જવાનો !!

 

આમ છતાં જેતપુર પંથકમાં કોંગ્રેસની જીત પાછળ કોંગીના કાંડા બળિયા નેતાઓની મહેનત પણ ખુબ કામ લાગી છે. ચુંટણી પહેલા ગામડાઓ ખુંદનાર જેતપુરના જગદીશભાઈ પાંભર જેવા કોંગી આગેવાનોએ જોરશોરથી પ્રવચનો કરેલા હતા કે "જોર જોરથી, વારંવાર અને ખોટું"  જ બોલવામાં માહેર વર્તમાન સરકારના ભાઈ બહેનને જાકારો નહિ આપો તો ખેડૂતો પોતાની જણસોના યોગ્ય ભાવો મેળવવામાં આત્મહત્યાઓના માર્ગો અપનાવતા થઇ જશે અને તોય ઉચિત ભાવો તો નહિ જ મળે..

 

સરકારની બેધારી નીતિનો ઉગ્ર વિરોધ કરી રોષ ઠાલવતા અમુક મતદારો કહે છે કે જેતપુર પંથકમાં અગાઉ વરસાદે વેરેલી તારાજીનો ભોગ બનેલા, જળપ્રલયમાં ઘરબાર ગુમાવનાર અસરગ્રસ્તોની રીતસરની સરકારે મશ્કરી કરી ૨૫૦૦ રૂપરડી જેટલી સહાય કરી મદદ કર્યાનો ઓડકાર ખાતી હોય તો તે વાત અસરગ્રસ્તો માટે જમ્યા પછી આવતો ખાટો અને અણગમતા ઓડકાર સમાન "ઘચરકા" જેવો છે. આવા અસરગ્રસ્તોએ વર્તમાન સરકાર એટલેકે ભાજપને આગામી ૧૫-૨૦ વર્ષ સુધી એક પણ મત પણ મત ના આપવાના જાણે સોગંધ લીધા હોય તેનું પરિણામ ભાજપને સહવું પડ્યું છે.

 

જેતપુર શહેર અને પંથકના જે ગામો વરસાદી તારાજીના ભોગ બન્યા છે તે તમામ વિસ્તારો અને ગામોના મતદારોએ તો તાલુકા પંચાયત અને જીલ્લા પંચાયતની જેમ આગામી ધારાસભા અને વિધાનસભાની ચુંટણીમાં પણ કોંગ્રેસને જ મતો આપી પરિવર્તનનો વાયરો ફૂંકવાનું ચાલુ જ રાખશે તેવું જણાવે છે.

 

જો કે અહી તાલુકા-જીલ્લા પંચાયતની ચુંટણીઓ જીતનાર અમુક શાણા ઉમેદવારોએ તો ત્યાં સુધી કહ્યું કે ભાઈ, માત્ર તાલુકા અને જીલ્લા પંચાયતની ચુંટણીમાં મેળવેલા વિજયથી કોંગ્રેસે હરખાવા જેવું નથી, કેન્દ્ર સરકારમાં ભાજપના મોદીભાઈ બેઠા છે ત્યાં સુધી વિકાસના કામો કરાવવા કે કઢાવવા ઈ કાચા ચણા ચાવવા જેવું સાબિત થશે. પણ જો મતદારોનો અત્યારનો મિજાજ આગામી ધારાસભા, વિધાનસભાની ચુંટણીઓ દરમિયાન પણ આવોને આવો રહે તો સમુળગી સરકારો બેશક ફરવા માંડે તેમાં શંકાને સ્થાન નથી.

૧૫૪૭ મતદારોએ નોટાને મત આપ્યો

જેતપુર : જેતપુર તાલુકા અને જીલ્લા પંચાયતની તમામ બેઠકો પર ૧૫૪૭ થી વધુ મતદારોએ કોઈ ઉમેદવારને પસંદ કરવાને બદલે નોટાને મત આપતા આટલા મતો કોઈ ઉમેદવારને મળ્યા નહોતા. નોટાને મત આપનાર અમુક ધાર્મિક ભાવનાવાળા મતદારોનું કહેવું હતું કે, ઉમેદવાર સારો હોય કે ખરાબ મતદાન કરીએ તો મનોમન દુખ થયા કરે કે આપણે ક્યાંક પાપના ભાગીદાર તો નહિ બનીએ ને ? આવા દુખથી દુર થવા નોટા બટનને પ્રાધાન્ય આપ્યું છે તેમાં કઈ ખોટું નથી જણાતું !!

 

હવે કોંગ્રેસે શું કરવું પડશે ?

જેતપુર : તાલુકા-જીલ્લા પંચાયતની બેઠકો પર કારમી હારના કારણો શોધવામાં ભાજપ છાવણી આત્મમંથનમાં પડી છે ત્યારે જેતપુર તાલુકા પંચાયતની ૧૫ બેઠકો અને જીલ્લા પંચાયતની ચારેય બેઠકો કબજે કરનાર કોંગી ઉમેદવારોએ હવે રાત દિવસ એક કરી પ્રજા વિકાસના કામો કરવા પડશે, ખેડૂતોને પોત પોતાના કપાસ જેવા ખેત પાકોના યોગ્ય અને પોષણક્ષમ ભાવો મળી રહે તે માટે સતત સરકાર ઉપરાંત સંબંધિતોને રજુઆતો કરવી પડશે. અનેક ગામડાઓની પ્રજા હજુ ધૂળિયા રોડ રસ્તા અને અપૂરતા પાણીની સમસ્યા વચ્ચે જીવે છે, તે પ્રશ્નો હલ કરવા પડશે. ચૂંટાયા પછી લાગતા વળગતા ગામડાઓમાં ના દેખાવું તે પ્રથાને દુર કરી પ્રજા સાથે કાયમી સંપર્કો કેળવવા પડશે.

 

કશ્યપ જે. જોશી જેતપુર જેતલસર 

 

 


ટિપ્પણીઓ નથી: