અનુયાયીઓ

બુધવાર, 14 ઑક્ટોબર, 2015

જેતપુરમાં યોજાયેલ કવિસભા કવિઓ ખીલ્યા ! જેતપુરના ૩ લેખકોનું પણ કરાયું સન્માન.......

''કદી લૂછેલા આંસુની લઇ જો દુઆ, પછી મસ્જીદ પણ ફોગટનો ફેરો લાગે''-ડો.નાણાવટી 

જેતપુરમાં યોજાયેલ કવિસભા કવિઓ ખીલ્યા !

જેતપુરના ૩ લેખકોનું પણ કરાયું સન્માન.......

જેતપુર તા.૧૩ (કશ્યપ જોશી દ્વારા)

જેતપુરની સાહિત્ય, કલા અને સંગીતની સંસ્થા સેતુ તથા જાયન્ટ્સ સ્પોર્ટ્સ કલબ જેતપુરના સંયુક્ત ઉપક્રમે જેતપુર ખાતે માતૃભાષા ગુજરાતીના ગૌરવ અર્થે કવિસભા અને જેતપુરના જાણીતા લેખકો હરદાસભાઈ સાવલિયા, જીતુભાઈ ધાધલ અને નારણભાઈ પટેલ એમ ત્રણેયનું સન્માનપત્રો આપી સન્માન કરાયું હતું.

 

કવિસભાના પ્રારંભમાં ડો.રવજી રોકડે ભૂમિકા બાંધતા જણાવેલ કે, જેતપુરની સંસ્થા સેતુને ''સાહિત્યનુ ઘરેણું'' ગણાવી હતી. સેતુના પ્રમુખ ગુણવંત ઘોરડાએ ઉપસ્થિત સર્વેનું સ્વાગત કરતા જણાવેલ કે ગુજરાતી ભાષાને જીવાડવાનું કામ માતા અને મહિલાઓ કરવાનું છે. આજે ગુજરાતી ભાષા કોકટેઈલ ગુજરાતી થઇ ગઈ છે. એવું પણ કહી શકાય કે માત્રુભાષા મટીને મોમભાષા બની ગઈ છે.

 

આજની માતા પોતાના બાળકોને જમાડતા જમાડતા કોકટેઈલ ભાષાનો અજાણ્યે કેવો ઉપયોગ કરે છે ? તે વાતની પ્રતીતિ બતાવતા જણાવેલ કે '' ડ્યુટી ફાસ્ટ..ફાસ્ટ..વન ચપટી ઈટ કરીજી'' જો  માતાઓ જ પોતાના સંતાનોને આવી બેહુદી ભાષા શીખવતી રહેશે તો ગુજરાતી ભાષા અને સાહિત્ય સંસ્કૃતિ ગરિમા જોખમાતા વાર નહિ લાગે !

 

ડો. રમેશ મહેતાના કવિસભાના રસાળ સંચાલન વચ્ચે ઉપસ્થિત મોટાભાગના કવિમિત્રોએ કવિત્વની પોથી  જાણે ખુલ્લી મૂકી હોય અને ઉપસ્થિત સૌને સાહિત્યરસમાં ડૂબકીઓ મારવાનું આહ્વાહન કરી સોળે કળાએ ખીલી પોત પોતાની અને આમંત્રિત કવિઓની કૃતિઓનું જ્યારે પઠન કર્યું ત્યારે આયોજક સંસ્થાઓનું મેદાન સાહિત્યિક વાતાવરણમાં ફેરવાઈ ગયું હતું.

 

કવિ ભરત ભટ્ટે આમંત્રિત કવિઓની કૃતિઓનું પોતાની આગવી શૈલીમાં પઠન કરી સાહિત્યપ્રેમીઓને ડોલાવ્યા હતા. તેઓએ રજુ કરેલી કૃતિઓમાં

 

 

" આદમી આદમી છે એક વખત,

આદમી લાખવાર અફવા છે.

આપણે ઓઢી એજ ચાદર છે,

જેનો પ્રત્યેક તાર અફવા છે"..,

************************************

 " પંખીએ ટહુકા કર્યા ? પૂછો નહિ,

  પિંજરામાં પંખી પછડાયું ઘણું...'',

*************************************

હરજીવન દાફડાએ પોતાની કૃતિ રજુ કરતા જણાવેલ કે

 " મધ્યમાં છે ને કિનારે પહોચાનું છે હજી,

  એક જર્જર નાવ પર શું વીતવાનું છે હજી "

 

 "એક પાનનો થાય અનુભવ

  વનના વન સમજાઈ જવાના "

**********************************************

"જીવતરનું આ ઝાડ જુઓ,

ફેલાવો છે, ફાલ નથી"

"કોઈની જાતી લખાતી હોય ના,

 એક, બે એવી અહી શાળા કરું"

**********************************************

સ્નેહી પરમારે પોતાના કાવ્યનું પઠન કરતા કહ્યું

"તું સાચો છે તેવું કહેવા તું ઉઠે છે,

ઘી પણ સાચું હોય તો ખુશ્બુ ઉઠે છે,

બાકી સઘળે ઉઠે છે તે બજાવાળું,

અજવાળું તો તેની ફરતે ઉઠે છે "

"વિજ્ઞાને જે જગાને બિનઉપજ કહી હતી,

કુંભારે એની ધૂળમાંથી માટલા કર્યા"

જેતપુરના કવિ ડો.જગદિપ નાણાવટીએ પોતાની કૃતિ રજુ કરતા કહ્યું કે,

"કદી લૂછેલા આંસુની લઇ જો દુઆ,

પછી મસ્જીદ પણ ફોગટનો ફેરો લાગે"

કોકડું મેગી તણું હલ થઇ ગયું,

ગાઠીયાનું નામ નુડલ થઇ ગયું,

લ્યો, ભારત હવે ડીજીટલ થઇ ગયું"

"સરનામે નામે "માણસ" માણસ મને મળ્યો નહિ,

અંતે લીધું મેં ફાનસ માણસ મને મળ્યો નહિ,

એવું વિચાર્યું, ચાલો અહી કોક તો મળશે,

ઉથલાવ્યા સધળા આરસ, માણસ મને મળ્યા ના "

 

 

 આ સિવાય સ્થાનિક કવિયત્રી શહેનાઝ બાબી, તથા જુગ્નુએ પણ પોતાની કૃતિઓ રજુ કરી હતી. આમ જેતપુરમાં યોજાયેલ કવિસભામાં કવિઓ મન મુકીને કાવ્યોરૂપી વરસીને અન્યોને સાહિત્ય મેઘમાં ભીંજવ્યા હતા. આ તકે લેખકોના સન્માન પત્રોનું વાંચન ડો.ભીમજી ખાચરીયાએ કરેલ, તો કવિ સભાને સફળ બનાવવા જીતેન્દ્ર જાખરીયા, પંકજ ધામી, વ્યાસ, વિમલ શાહ વી.એ ભારે જહેમત ઉઠાવી હતી.

કશ્યપ જે. જોશી જેતપુર જેતલસર ૯૯૭૪૨ ૬૨૮૧૨

 

 

 

 

 


ટિપ્પણીઓ નથી: