જેતપુરની ખાનગી હોસ્પીટલમાં દર્દીનું ખિસ્સું કપાયું !
આરોપી ટેણીયા હતા એટલે પોલીસે જવા દીધા !!
જેતપુર તા.8
જેતપુરના કણકીયા પ્લોટ વિસ્તારની એક ખાનગી હોસ્પીટલમાં મેડીકલ સ્ટોરમાં બીલ ચુકવવામાં વ્યસ્ત એક દર્દીનું ગજવું હળવું કરી એક ટાબરિયો ભાગવા ગયો પણ પકડાઈ ગયો હતો. થોડી ઢોલ થપાટ બાદ આ બનાવમાં વધુ બે એટલે કે ત્રણ ટેણીયાની ત્રિપુટી પકડાવા પામી હતી. પણ ત્રણેય સગીર હોય પોલીસે રહેમરાહ રાખી જવા દીધાની વાત ચર્ચાસ્પદ બની છે.
મળતી વિગતો મુજબ વડીયાના હનુમાન ખીજડીયા ગામનો આહીર આશિષ કરશનભાઈ આજે પોતાના પિતાની પગની સારવાર માટે અહીના કણકીયા પ્લોટમાં આવેલી સંજીવની નામની હોસ્પીટલમાં લઈને આવ્યો હતો.
દરમીયાન જતી વેળાએ દવાખાનાન મેડીકલ સ્ટોરમાં આશિષ બીલની રકમ ચુકવવામાં વ્યસ્ત હતો ત્યારે એક આઠ-નવ વર્ષના ટાબરીયાએ આશિષના શર્ટના ઉપરના ગજવામાંથી રૂપિયા 2700/- સેરવી ભાગવા ગયો હતો. પણ તે પકડાઈ ગયો હતો.
દરમિયાન થોડી ધોલથપાટ વચ્ચે ટાબરિયાએ તેઓ 3 ટેણીયા હોવાની કબુલાત આપતા દવાખાનાન તુષાર પટેલ નામના યુવાને પકડાયેલ ટાબરિયાની વિગતો પરથી અન્ય બે ને પણ મોટર સાઈકલમાં બેસાડી, દવાખાને લઇ આવી પોલીસને સોપી દીધા હતા.
ઘટના સ્થળે દોડી આવેલી પોલીસ ત્રણેયને ગાડીમાં બેસાડી પોલીસથાણે લઇ ગયા હતા. પણ ત્રણેય અત્યંત ગરીબ વર્ગના અને સગીર હોય, ગુનો નોંધી શકાય તેમ ના હોય, પોલીસે ત્રણેયને છોડી મુક્યા હતા. બીજીબાજુ આ ત્રિપુટી પોલીસમાંથી છૂટીને બીજાના ગજવા હળવા નહિ કરે તેની શું ખાતરી ? તેવા પ્રશ્ન સાથે આ દવાખાનામાં અન્ય દર્દીઓ પણ પોત પોતાના ગજવા સલામત કરતા દેખાયા હતા.
કશ્યપ જે. જોશી જેતપુર 9974262812
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો