
જેતલસર સહીત પંથકના ગામોમાં વીજતાર સામસામાં ભટકાવાથી
9 કલાક વીજ પુરવઠો ખોરવાઈ જતા લોકોમાં બોકાસો !
જેતપુર સ્થિત લાગતા વળગતાઓએ આખો દિવસ કોઈના ફોન ઉપાડ્યાજ નહિ ! વીજ તંત્રની કચેરીના
લેન્ડલાઈન ફોન પર જવાબ મળ્યો કે વીજતાર અથડાતા હોય, ફોલ્ટ શોધવા મથામણ ચાલુ છે !!
જેતપુર તા.5
જેતપુર તાલુકાના જેતલસર સહીત આજુબાજુના ત્રણ ચાર ગામોમાં આજે સવારથી ખોરવાયેલ વીજપુરવઠો આ લખાય છે ત્યારે 10 કલાક પછી પણ વીજ પુરવઠો પૂર્વવત થયો નાં હોય, લોકોમાં ભારે બુમરાણ મચી હતી.
આ બાબતે જેતલસરના યુવાન ખેડૂત અરવિંદ રૂપાપરા સહિતના ગામલોકોએ જણાવેલ કે આજે સવારે 10 વાગ્યાથી ગુલ થયેલ વીજપુરવઠો 9 કલાક પછી પણ પુનઃ નહિ ઝબુકતા લોકો ભારે અકળાયા હતા.
ખાસ કરીને વીજળીથી ચાલતા આ વિસ્તારના સિમેન્ટ પ્રોડક્શન જેવા લઘુઉદ્યોગોના માલિકોએ ધંધો બંધ રહેતા બેકાર બેસીને મજુરોને વેતન આપવાની નોબત સહવી પડી હતી. જેતલસર સહિતના ગામોમાં આટલો લાંબો સમય વીજ પુરવઠો ખોરવાઈ રહેવાનું કારણ શું ? તેવા સવાલના જવાબમાં જેતપુર સ્થિત વીજ કંપનીની રૂરલ કચેરીના ફોન ઉપર એવો જવાબ મળ્યો હતો કે જેતપુર થી જેતલસર વચ્ચે ભારે પવનને લીધે વીજતાર અથડાયા હોય, કોઈ જગ્યાએ ફોલ્ટ સર્જાયો છે, જે આજે આખા દિવસની મથામણ પછી પણ મળ્યો નથી.
તો જેતપુર રૂરલ વીજ કંપનીના અધિકારી સાવલિયા અને ડીવીજનના અધિકારી ધીંગાણીએ અનેક વખત મોબાઈલ પર કોલ કરવા છતાં એક પણ કોલ રીસીવ નાં કરીને રવિવારની રજાનો આનંદ લૂટ્યો હતો, પણ જેતલસર સહીત આજુબાજુના ગામોની પ્રજાએ ગરમીથી પરસેવે રેબઝેબ સ્થિતિનો સામનો કરવો પડ્યો હતો. અહીના લોકોએ તંત્રની કામગીરી પરત્વે ભારે રોષાગ્ની બતાવ્યો હતો.
જેતલસરના યુવાન અરવિંદ રૂપાપરાએ એવું પણ જણાવેલ કે આજુબાજુના 4-5 ગામો વચ્ચે 1 જ વીજ હેલ્પર હોય તંત્ર એક સાંધો ત્યાં તેર તૂટે જેવી અવસ્થાનો ભોગ બની રહ્યું છે આમછતાં સ્ટાફ વધારાતો નથી. ખેતીવાડી માટે પણ એક અલગ રીપેરીંગ માટે ટીમની માંગણી કરાઈ છે, પણ લાગતા વળગતા સત્તાધીસો આ બાબતે આંખ આડા કરતા હોય, ચોમાસા દરમિયાન કોઈ ફોલ્ટ સર્જાશે તો ખેડૂતોને પણ ભારે હાલાકી ભોગવી પડશે.
કશ્યપ જે. જોશી જેતલસર(જેતપુર) 99742 62812


ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો