અનુયાયીઓ

શનિવાર, 30 મે, 2015

પાંચપીપળાના ખેડૂત પાસેથી રૂ.3 લાખ આંચકી જતા ચકચાર જેતપુરના ધોરાજી રોડ પરની ઘટના બાદ પોલીસની નાકાબંધી

એ..ભાઈ.. ઉભા રહો તો કહી બાઈક થોભાવી 2 અજાણ્યા બાઈક સવારો 
પાંચપીપળાના ખેડૂત પાસેથી રૂ.3 લાખ આંચકી જતા ચકચાર
જેતપુરના ધોરાજી રોડ પરની ઘટના બાદ પોલીસની નાકાબંધી 
પણ બાઈકસવારો હવામાં ઓગળી ગયા..તાલુકા પોલીસે શંકા સાથે શરુ કર્યો તપાસનો ધમધમાટ
જેતપુર તા.30
જેતપુર તાલુકાના પાંચપીપળા ગામના એક ખેડૂત જેતપુર બેંકમાં પૈસા જમા કરાવે તે પહેલાજ ધોરાજી તરફથી આવતા બે અજાણ્યા બાઈકસવારોએ, ખેડૂતને થોભાવી, થેલીમાં બ્લેડનો છરકો મારી રૂ.3 લાખ રોકડા આંચકી છું થઇ ગયાની ઘટનામાં પોલીસે જિલ્લાભરમાં નાકાબંદી કરી ચીલઝડપકારોને પકડવા કવાયત આદરી હતી પણ તે નાકામિયાબ નીવડી હતી.
મળતી વિગતો મુજબ જેતપુરના નવાગઢમાં ગાયત્રી પ્રોવિઝન નામની કરિયાણાની દુકાન ધરાવતા, 28 વીઘાના ખાતેદાર ખેડૂત ડોબરિયા રમેશભાઈ  પુનાભાઈ પટેલ પોતાના પાંચપીપળા ગામ સ્થિત ઘરેથી રૂપિયા 3 લાખ રોકડા લઈને જેતપુર ખાતે રાજકોટ ડિસ્ટ્રીક્ટ બેંકમાં જમા કરાવવા માટે આજે સવારે 8 વાગ્યે નીકળ્યા હતા.
દરમિયાન જેતપુરના ધોરાજી રોડ પર જયશ્રી જીન્નીંગ મિલ પાસે ધોરાજી તરફથી પુરપાટ ઝડપે બાઈક પર આવેલા 2 અજાણ્યા બાઈકસવારોએ રમેશભાઈને '' એ ભાઈ ઉભા રહો તો '' તેવો સાદ કરી ઉભા રખાવ્યા હતા. આવા સમયે પલકવારમાં એક બાઈક સવારે રમેશભાઈની આરપાર દેખાય તેવી થેલીમાં બ્લેડથી છરકો મારી, રૂપિયા ત્રણ લાખ આંચકી જઈ જેતપુર તરફ નાશી છૂટતા રમેશભાઈએ રોડ પર રાડા રાડ કરી મૂકી હતી.
આ બનાવની જાણ થતાજ જેતપુર તાલુકા પીએસાઈ આર.એન.કરમટિયા, સ્ટાફના ગૌત્તમભાઈ ત્રિવેદી, અનિલભાઈ વિગેરેને લઈને ઘટના સ્થળે દોડી જઈ જિલ્લાભરના રોડ પર નાકાબંધી કરાવી હતી. પણ ચીલઝડપકાર એવા બંને બાઈક સવારો હવામાં ઓગળી જતા પોલીસની મહેનત એળે ગઈ હતી. 
પોલીસના અને ફરિયાદીના જણાવ્યા પ્રમાણે બંને બાઈક સવારો પાસે સ્પ્લેન્ડર હોન્ડા, મોઢે રૂમાલ બાંધેલા, કાળા પેન્ટ પહેરેલ અને પાતળા બાંધાનું શરીર ધરાવતા હતા. જયારે ગુમાવેલી રૂપિયા 3 લાખ રકમમાં ખેત પાકોના વેંચાણના અને કરિયાણાની દુકાનના વકરાના પૈસા હતા. આ પૈસા ધિરાણ રૂપે જેતપુરની આરડીસી બેંકમાં જમા કરવાના હતા. પોલીસે શંકાસ્પદ સ્થિતિમાં આ બનાવનો ગુનો નોધી તપાસ હાથ ધરી છે.

જેતલસર ખૂન કેશનો ચોથો આરોપી ચાર દિવસના રિમાન્ડ પર 
અન્ય 3 ને જેલભેગા કરવા હુકમ કરતી જેતપુરની કોર્ટ
જેતલસર તા.30 
જેતલસરના દલિત યુવાન મહેશ ગોહેલ ની હત્યામાં પકડાયેલ ચોથા આરોપીને ગઈકાલે જેતપુર તાલુકા પોલીસે રીમાન્ડની માંગ સાથે જેતપુર કોર્ટમાં રજુ કરતા પોલીસે ચાર દિવસના રિમાન્ડ મંજુર કર્યા છે. જ્યારે અગાઉ પકડાયેલ 3 આરોપીના રિમાન્ડ પૂર્ણ થતા, અત્રેની કોર્ટમાં રજુ કરતા, કોર્ટે ત્રણેયને જેલહવાલે કરવાનો હુકમ કર્યો હોવાનું ફોજદાર કરમટિયા જણાવે છે.
આ અંગે જાણવા મળતી વિગતો મુજબ જેતાલ્સરના મહેશ જેન્તી ગોહેલની હત્યામાં પકડાયેલ સાગર, જીતેશ અને કિરણ એમ ત્રણેય આરોપીના આજે રિમાન્ડ પૂર્ણ થતા પોલીસે અહીની કોર્ટમાં રજુ કરતા, કોર્ટે ત્રણેયને જેલહવાલે કરવાનો હુકમ કર્યો હતો. જયારે ગઈ કાલે પકડાયેલ ભુરીયાને રીમાન્ડની માંગ સાથે કોર્ટમાં રજુ કરતા કોર્ટે 4 દિવસના રિમાન્ડ મંજુર કર્યા છે. ભુરીયાએ જે છરીના 17 ઘા મારી મહેશને પતાવી દીધો તે છરી ગઈ કાલેજ પોલીસે કાઢી દીધી છે. તે હજુ જોઈએ તેવું મોઢું ખોલતો નથી. તેમજ લાશ નહિ મળે તો નિર્દોષ છૂટી જશે તેવી વાતોનું ખંડન કરતી તાલુકા પોલીસે જણાવેલ કે જેતલસર પંથકનાં જ રૂપાવટી ગામે એક મહિલાને બાળી નાખ્યા પછી ગુનો ડિટેકટ થયો હતો આમ છતાં કોર્ટે તેને આજીવન કેદની સજા ફટકારી કાયદાનું ભાન કરાવ્યું તે લોકોએ ના ભૂલવું જોઈએ..

જેતપુરના અમરનગર ગામે જુગાર દરોડો 
રૂ.33 હજાર રોકડ સાથે 10 ઝડપાયા 
જેતપુર તા.30
ગત મોડી રાત્રીના જેતપુર તાલુકા પોલીસે અમરનગર ગામે જુગાર દરોડો પાડી 10 તાસપ્રેમીઓને રોકડ 
રૂ.33770/- સાથે પકડી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી વિગતો મુજબ જેતપુરના અમરનગર ગામે કોશોર ડાયા મોરબીયા પોતાના ઘરે નાલ ઉઘરાવી જુગાર રમાડતો હોવાની બાતમી મળતા તાલુકા ફોજદારે સ્ટાફના રામજીભાઈ બગડા, મજનુભાઈ મનાત, પંકજસિંહ જાડેજા, દિવ્યેશ આહીર વિગેરેને સાથે રાખી ગઈ મોડી રાત્રીના કિશોરના ઘરે છાપો મારતા મકાન માલિક કિશોર સહીત 10 શખ્શો રોકડ રકમ 33770/- સાથે જુગાર રમતા પકડાઈ ગયા હતા. પકડાયેલા શખ્શોમાં અમરનગરના મુકેશ બગજી મોરબીયા, નટુ રાણા કુંભાર, મહેશ જસુ લીંબડીયા, મુકેશ ધીરુ કુંભાર, શૈલેશ હરસુખ કુંભાર, વિપુલ બાબુ મકવાણા, ગિરધર વજુ વસોયા, શૈલેશ મનસુખ વડાલીયા તથા કિશન બહાદુર લાલકિયા નો સમાવેશ થતો હોવાનું ફોજદાર કરમટીયાએ જણાવેલ..

જેતલસર નજીક મારુતિ પલટી જતા એકનું મોત 
જેતલસર તા.30
ચાર દિવસ પહેલા જેતલસર ગામ નજીક પલટી ગયેલી કારના બનાવમાં એકનું મોત થતા તાલુકા પોલીસે કાર ચાલક સામે ગુનો નોંધ્યો છે.
મળતી વિગતો મુજબ લાઠી તાલુકાના શેખપીપળીયા ગામના પ્રતાપભાઈ કાનાભાઈ બોદર (ઉ.વ.37) મિત્ર જાદવ રામાભાઈ બારડ(રહે.ગાભા, તા.તાલાલા) ની મારુતિ કાર જીજે 12એકે 5147 માં બેસી ખાંભાથી અમદાવાદ જવા તા.26.5.15 ના રોજ નીકળ્યા હતા. દરમિયાન જેતલસર નજીક અકસ્માતે પલટી ખાઈ ગયેલી કારમાં પ્રતાપભાઈ બોદરનું ઘટના સ્થળેજ કાર નીચે દબાઈ જવાથી મોત થયું હતું, જયારે ચાલક જાદવ રામાને સારવાર માટે રાજકોટ ખસેડાયો છે. તાલુકા જમાદાર મજનુભાઇ મનાતે કાર ચાલક સામે ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

શરાબ વાહક યુવાન પાસે રૂ.17 હજારનો તોડ કરનાર 
પોલીસમેન સામે ગુનો નોંધાતા જેતપુરના એસપી દેસાઈ 
જેતપુર તા.30
જેતપુરના એસપી સુધીર દેસાઈએ બાતમીના આધારે એક શરાબની બોટલ સાથે પકડાયેલ યુવાન પાસેથી રૂપિયા 17 હજારનો તોડ કરના પોલીસમેન સામે ગુનો નોધી શિક્ષાત્મક કામગીરી કરતા પોલીસબેડામાં ચકચાર જાગી છે.
મળતી વિગતો અનુસાર જેતપુરના જુનાગઢ રોડ પર ઉભી કરાયેલ ચેક પોસ્ટ પાસેથી પસાર થયેલ બે બાઈક સવારોને શંકાસ્પદ હાલતમાં રોકી તપાસતા તેઓ પાસેથી વિદેશી શરાબની એક બોટલ મળી આવી હતી. આવા સમયે શરાબની બોટલ કબજે લેનાર પોલીસમેન મહેન્દ્રસિંહ ભીખુભાઈ ચુડાસમાએ મહેશ ભૂરા પાસે રૂ.50 હજારની માંગ કરી  નાશી છુંટેલા સતીશ બચું ખાંટને હાજર કરવા જણાવ્યું હતું..
આ બનાવની ઉપરોક્ત યુવાનોએ સ્થાનિક એસપી સુધીર દેસાઈને જાણ કરતા, એસપીએ તપાસ કરતા ઉક્ત પોલીસમેન પાસેથી રોકડ રૂ.17 હજાર કબજે કરાયા હતા. આ ઘટનામાં એસપીએ સરકાર તરફી ફરિયાદી બની, લાંચ સ્વીકારવાનો ગુનો નોંધી એસીબી તંત્રને જાણ કરતા અત્રેના પોલીસબેડામાં ચકચાર જાગી છે.

જેતપુરમાંથી સગીરાનું અપહરણ 
જેતપુર તા.30
જેતપુરના અમરનગર રોડ પર રહેતી એક સગીરાને પાડોશી રાજેશ બાબુ નામનો યુવાન લલચાવી ફોસલાવી લગ્ન કરવાના ઈરાદે ભગાડી અપહરણ કરી ગયાની શહેર પોલીસ દફતરે ફરિયાદ નોંધાવાતા પોલીસે રાજેશની શોધખોળ આદરી છે.

વિદેશી શરાબની 1 બોટલ સાથે 2 પકડાયા 
જેતપુર તા.30
જેતપુરના મંડલીકપુર રોડ પરથી પસાર થયેલા ધર્મેશ લાભુ સાગલાની તથા ધર્મેશ રાઠોડ એમ બંનેને રોકી તાલુકા પોલીસે તલાશી લેતા તેમની પાસેથી એક વિદેશી શરાબની બોટલ મળી આવી હતી. પોલીસે રૂ.300 ની બોટલ અને રૂ.40 હજારનું બાઈક કબજે લઇ ધોરણસરની વિધિ હાથ ધરી છે.

જેતપુરમાં જુગાર દરોડો 6 તાસપ્રેમી ઝડપાયા 
જેતપુર તા.30
જેતપુર તાલુકાના જેપુર ગામે જાહેરમાં જુગાર રમાતો હોવાની બાતમી પરથી વીરપુર પોલીસના ફોજદાર જોશી સહિતના કાફલાએ જેપુર ત્રાટકી જુગાર રમતા 6 શખ્શોને રોકડ 8950/- સાથે પકડી પાડ્યા હતા. પકડાયેલા તાસપ્રેમીઓમાં ભરત ભાણજી બાટવીયા, ભગવાનજી નાથા ગુજરાતી, સવજી કનું સરવૈયા, હરસુખ જેરામ ગુજરાતી, કમલેશ વજુ મકવાણા રહે. તમામ જેપુર તથા લુનીવાવના ભાવેશ પ્રભુદાસ ગોંડલિયા નો સમાવેશ થતો હોવાનું પોલીસ જણાવે છે.
 કશ્યપ જોશી જેતપુર - 9974262812






 


ટિપ્પણીઓ નથી: