મમ્મી-પપ્પા મને માફ કરજો, હું તમોને સુખેથી સાચવી ના શક્યો ! સ્યુસાઈડ નોટ..
જેતલસરના રેલકર્મીનો ગળાફાંસો ખાઈ આપઘાત
આર્થિક ભીંસથી પગલું ભર્યાનું પોલીસનું પ્રાથમિક તારણ, તપાસનો દૌર ચાલુ કરતી પોલીસ
જેતલસર તા.3 કશ્યપ જોશી દ્વારા
આજે જેતપુરના જેતલસર જંકશન ખાતે એક યુવાન રેલ કર્મચારીએ પોતાની ફરજવાળી રેલવેની ઓરડીમાજ ગળાફાંસો ખાઈ મોત મીઠું કરી લીધાની ઘટનાથી રેલવેબેડામાં શોકની લાગણી સાથે અરેરાટી વ્યાપી હતી.
બનાવની મળતી વિગતો મુજબ જુનાગઢના સાબલપુર ગામે રહેતા અને જેતલસર જંકશન ખાતે રહેતા અપરણિત રેલવે કર્મચારી (ગેઇટમેન) અજય સવજીભાઈ રાઠોડ નામના યુવાને પોતે જ્યાં ફરજ બજાવે છે તે સી-64 નંબરની (જુનાગઢ અરિયામાં આવતી) ફાટકની ઓરડીમાં પંખા સાથે દોરડું બાંધી, આજે સવારે ગળાફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધાની સ્ટેશન માસ્તર મનોજભાઈ મકવાણાએ તાલુકા પોલીસમાં જાણ કરી હતી.
દરમિયાન તાલુકા ફોજદાર કરમટીયા ની સુચનાથી જમાદાર મજનુંભાઈ, ઘનશ્યામ વીરડા, જયવીરસિંહ રાણા વેગેરે ઘટના સ્થળે દોડી જઈ મૃતકની પંખા સાથે લટકતી લાશ ઉતારી પીએમ માટે જેતપુરની સરકારી દવાખાને ખસેડી હતી.
દરમિયાન જેતપુર તાલુકા પોલીસ અને આરપીએફના વિક્રમભાઈ હુદડ વિગેરેને કહેવા મુજબ પોલીસના હાથમાં એક સ્યુસાઈડનોટ આવી હોય, તે અંગે તથ્ય જાણવા તેમજ તેમાં બતાવાયેલા નામોવાળા શખ્શો સુધી પહોંચવા પોલીસે કવાયત આદરી છે. સ્યુસાઈડનોટમાં જણાવ્યા અનુસાર અજય રાઠોડે આર્થિક ભીંસમાં આવી જઈ આત્મહત્યાનું પગલું ભર્યાનું પ્રાથમિક તારણ રજુ કરી પોલીસે તપાસનો દૌર ચાલુ કર્યો છે.
બોક્સ: સ્યુસાઈડનોટમાં અજયની વેદના !
જેતલસર: રેલવેની ઓરડીમાં આત્મહત્યા કરનાર અજય રાઠોડની લાશની અંગજડતી દરિમયાન પોલીસના હાથમાં આવેલી એક સ્યુસાઈડ રૂપ ચિટ્ઠીમાં અજયએ વેદનાસભર શબ્દોમાં લખ્યું છે કે મમ્મી, પપ્પા, અને ભાઈ વિજય મને માફ કરશો, હું તમોને સુખેથી સાચવી ના શક્યો, વિજય મમ્મીને સાચવજે, પપ્પાને રમવાની નાં પાડજે, ભાઈ વિજય ગાડી દોલતપરામાં ગીરવે પડી છે. રૂપિયા 20,000 આપવાના છે, ગાડીની બૂક કાસમે મુકાવી છે, તેમને રૂપિયા 15,000 આપજે એટલે ગાડીની બુક આપશે, તમારો છોકરો આજે તમો બધાને મુકીને જાય છે, ખુદખુશી કરું છું, જિંદગીથી !!
બોક્સ: જેતલસરના ભીખુભાઈ નિવૃત થયાને અજય હાજર થયો !
જેતલસર: બનાવની એક કરુણતા એ સાંભળવા મળી કે થોડા દિવશો પહેલાજ જેતલસરના ભીખુભાઈ શામજીભાઈ ડોબરિયા નામના રેલકર્મચારી(ગેઇટમેન) એ પણ જે સ્થળે ફરજ બજાવી નિવૃત્તિ લીધી તે જ સ્થળે સી-64 નંબરની ફાટકની ઓરડીમાં આજે વહેલી સવારે સાબલપુરના અજયે સ્વમેળે જીવન ટૂંકાવી નાખ્યાની ઘટના બની જતા જેતલસરના રેલવે બેડામાં પણ શોક વ્યાપ્યો છે.
કશ્યપ જે.જોશી જેતલસર(જેતપુર) 99742 62812



ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો