અનુયાયીઓ

મંગળવાર, 17 માર્ચ, 2015

મારા શહીદ પુત્રનું જેતલસરમાં સ્મારક નહિ બનાવાય તો મારો જીવ અવગતીએ જશે !!

15-15 વર્ષ થયા રાજકારણીઓ અને સરકારના ઠાલા વચનોથી વ્યથિત શહીદ યુવાનના પિતાનો વલોપાત !
મારા શહીદ પુત્રનું  જેતલસરમાં સ્મારક નહિ 
બનાવાય તો મારો જીવ અવગતીએ જશે !! 
સને 2000 માં શહીદ થયેલ જેતલસરના ફૌજી ધનસુખ ભૂવાનું સ્મારક બનાવવાની વાત ''વાતોના વડા" સાબિત ! 
(કશ્યપ જોશી)  જેતલસર તા.17
આજથી પંદર વર્ષ પહેલા જેતપુર તાલુકાના જેતલસર ગામના સિયાચીન ગ્લેસિયર ખાતે શહીદ ધનસુખ ધીરજલાલ ભૂવાનું જેતલસરમાં સ્મારક બનાવવાની વાતમાં તમામ રાજકારણીઓ અને સરકારે વાતોના વડા જ કર્યા હોય, ખુબ વ્યથિત શહીદના પિતાએ વલોપાત વ્યક્ત કરતા જણાવેલ કે મારા પુત્રનું સ્મારક હું જીવતા નહિ જોઈ શકું તો મારો જીવ અવગતીએ જશે !
દેશની રક્ષા કાજે શહીદ થયેલા એક સપૂતના પિતાને ઉપરોક્ત શબ્દોની વાત વ્યક્ત કરતા કેટલી વેદના અનુભવી હશે ? તે છેલ્લા 15 વર્ષ દરમિયાનના રાજકારણીઓ, ધારાસભ્યો, સંસદસભ્યો કે સ્થાનિક પંચાયતસુત્રો તે આજ દિન સુધી જાણી શક્યા નાં હોય, આ પણ એક દુઃખદ વાત જ ગણવી રહી.
સને 2000 ના વર્ષમાં 20 મી નવેમ્બરે બર્ફીલા વિસ્તાર સિયાચીન ગ્લેસિયર ખાતે શહીદ થયેલ ધનસુખ ધીરજલાલ ભુવા (ધીરજલાલ મુળજીભાઈ ભુવાના પુત્ર ) ના પરિવારજનોને તત્કાલીન મુખ્યમંત્રી કેશુભાઈ પટેલ, પ્રધાન મુળુભાઈ બેરા સહિતના સરકારી તંત્રે સાંત્વના આપતા જણાવેલ કે શહીદ ધનસુખનું સ્મારક બનાવાશેજ ! પણ સરકારમાં બેઠેલા પ્રધાનો સહિતના સત્તાવાળાઓના વચનો ચોકલેટી બની જતા શહીદના પિતા ધીરુભાઈ ભુવાએ પોતાના પુત્રના સ્મારક બાબતે લગભગ તમામના કાન આમળવાનું ચાલુ કર્યું હતું, પણ આ પ્રશ્નનો આજે 15 વર્ષ પછી પણ ઉકેલ ના આવ્યો હોય, શહીદની શહાદત એળે ગયાનું પિતા દુઃખ વ્યક્ત કરે છે. તેઓએ એક એવી પણ ચૌકાવનારી વિગતો આપી હતી કે તેમના શહીદ પુત્રના માનમાં અને શહીદની યાદ કાયમી જળવાઈ રહે તે માટે જેતલસરમાં સ્મારક બનાવવા સરકારે ગ્રામ પંચાયતને રૂપિયા એક લાખની ગ્રાન્ટ આપી હતી. પણ સંબંધિતોના સંકલનના અભાવે, ગામમાં ક્યાય જગ્યા નક્કી નહિ કરી શકાતા ગ્રાન્ટ સરકારમાં પુનઃ જતી રહી હતી ! 
બોક્સ: સ્મારકને લાયક ક્યાય જગ્યા નથી મળતી !??
જેતલસર: ધીરુભાઈએ આ લખનાર સમક્ષ એક એવું દુઃખ વ્યક્ત કર્યું હતું કે માં ભૌમની રક્ષા કાજે મારા દીકરા ધનસુખે પોતાની જાતનું બલિદાન દઈ દીધું ને જેતલસર, જેતપુર, રાજકોટ, ગાંધીનગર કે દિલ્હીના સરકારી તંત્રોને જેતલસરમાં શહીદ સ્મારકને લાયક ક્યાય જગ્યા મળતી કે દેખાતી ના હોય, આ વાતથી મોટી બીજી કઈ કમનશીબી ગામ કે ભુવા પરિવાર માટે હોય શકે ?! તે કહેવાની જરૂર નથી.
બોક્સ: ચાર માર્ગીય રસ્તાનું બહાનું પણ પૂર્ણ થયું !
જેતલસર: જેતલસરની હાઈસ્કુલ કે ડંકીના ચોક વિસ્તારમાં શહીદવીર ધનસુખ ભૂવાનું સ્મારક ઉભું કરવાનું એક તબક્કે પંચાયત અને ગ્રામજનો દ્વારા નક્કી કરાયું હતું, પણ તે વખતે જેતપુર સોમનાથ ચાર માર્ગીય રોડનું કામ મંજુર થઇ ગયું હોય, આ કામ પતે પછી પાછુ કૈક વિચારી શકાય, તેવા રાજકારણીઓ અને સત્તાવાળાઓનું બહાનું પણ પૂર્ણ થયું હોય રોડની કામગીરી પૂરી થઇ હોય, હવે સ્મારક બાબતે કોઈ નિર્ણય લેવાશે કે કેમ ? તેવો ધીરુભાઈનો પ્રશ્ન છે.
બોક્સ: અનેક શહીદોના સ્મારક બની ગયા, મારા દીકરાનું કેમ નહિ ?
જેતલસર: હું જીવતો છું ત્યાં સુધીમાં મારા શહીદ પુત્રનું સ્મારક નહિ બને તો મારો જીવ અવગતીએ જશે તેવો વલોપાત કરનાર શહીદ ધનસુખના પિતા ધીરુભાઈએ જણાવેલ કે કારગીલ ક્ષેત્રે કે અન્ય સ્થળોએ શહીદ થયેલા ગુજરાત ઉપરાંત ભારત ભરના શહીદોના સ્મારકો જે તે ગામો અને શહેરો (કેશોદ, દ્વારકા, પોરબંદર પંથકમાં રાણાવાવ-કુતિયાણા, મેંદરડા, જામજોધપુર) માં તાત્કાલિક બનાવીને શહાદતનો મલાજો જાળવાયો છે, ત્યારે મારા જ શહીદ દીકરાના સ્મારક બાબતે કેમ સરકાર ઊંઘે છે ?, કેમ રાજકારણીઓ રાજકીય રોટલા શેકે છે ? કેમ ધારાસભ્યો-સંસદસભ્યો જાગતા નથી ? તેવા ધીરુભાઈએ પ્રશ્નો કર્યા છે.

ફોટો અને સમાચાર : કશ્યપ જોશી જેતલસર(જેતપુર) 99742 62812






ટિપ્પણીઓ નથી: