અનુયાયીઓ

શુક્રવાર, 13 માર્ચ, 2015

જેતલસર પંથકના નવી સાંકળી ગામે વીજટ્રાન્સફોર્મર ઉપર વીજળી પડતા ટીસી ખાક, ખેડૂતો ભારે હેરાન !

મધ્ય રાત્રીથી ગાજવીજ શરુ થયેલ વરસાદી ઝાંપટા સવાર સુધી ચાલુ રહ્યા !
જેતલસર પંથકના નવી સાંકળી ગામે વીજટ્રાન્સફોર્મર 
ઉપર વીજળી પડતા ટીસી ખાક, ખેડૂતો ભારે હેરાન !
ખેડૂતોના ધાણા-ઘઉં પલળી-તણાઈ ગયા..સરકાર બાદ કુદરત રૂઠ્યાનો ખેડૂતોનો વસવસો...
જેતલસર તા.13
ગઈ મધ્ય રાત્રીથી જેતલસર પંથકમાં ભારે પવન અને ગાજવીજ સાથે શરુ થયેલ વરસાદી ઝાંપટા છેક સવાર સુધી ચાલુ રહેતા લોકોએ ઉચાટ સાથે રાત ગાળી હતી, તો પંથકના નવી સાંકળી ગામે મહિલા સરપંચની વાડી-ખેતરમાં ઉભેલા વીજકંપનીના એક ટ્રાન્સફોર્મર ઉપર કડાકા સાથે ત્રાટકેલી વીજળીએ ટ્રાન્સફોર્મર ખાક કરી નાંખતા આખી સીમનો ખેતીવાડી વીજ પુરવઠો આજે 20 કલાક પછી પણ પૂર્વવત ના થયો હોવાની ખેડૂતોની ફરિયાદો સંભળાઈ હતી.
ગઈ કાલે સાંજથીજ કાળા ડીબાંગ વાદળોથી સમી સાંજને અંધારામાં ફેરવી નાખનાર મેઘરાજાએ મધ્ય રાત્રીથી ગાજવીજ અને પવન સાથે ઝાંપટા સ્વરૂપે વરસવાનું ચાલુ કરતા ખેડૂતોના ખેતરમાં ઉભેલા ધાણા અને ઘઉં ઢળી ગયા હતા તો વાઢેલા ધાણા તણાઈ જવાની નુકશાની ખેડૂતોને સહવી પડી હતી. નુકશાની વહોરનાર ખેડૂતોમાં એક વસવસો સંભળાયો હતો કે એક તો સરકાર કપાસ સહિતના ખેત પાકોના પોષણક્ષમ ભાવો અપાવતી નથી તો બીજી બાજુ કુદરત પણ રુઠ્યો હોય તેમ કમોસમી વરસાદ વરસાવી ખેડૂતોને પાયમાલી તરફ ધકેલી રહ્યો છે.
નવી સાંકળી ગામે વીજળી પડવાની ઘટના બાબતે માહિતી આપતા સેવાભાવી યુવાન મુકેશભાઈ લશ્કરીએ જણાવેલ ગઈ મધ્યરાત્રીના તોફાની વરસાદી ઝાંપટા વચ્ચે ગામના મહિલા સરપંચ કાંતાબેન ભગવાનજીભાઈ મોહનભાઈ રૂપાપરાના ખેતરમાં ઉભેલા વીજ કંપનીના ટ્રાન્સફોર્મર ઉપર વીજળી પડતા ટીસી બળી જતા આજુબાજુના વાડી ખેતરોનો ખેતીવાડી વીજપુરવઠો ગુલ થયા બાદ 20 કલાક પછી પણ પૂર્વવત ના થતા ખેડૂતો ભારે હેરાન પરેશાન થયા હતા.
બોક્સ: એક શેઢાવા દુર પડેલી વીજળીથી 30 ખેડૂતો બચ્યા !! 
જેતલસર: નવી સાંકળીમાં મહિલા સરપંચના જે ખેતરમાં વીજળી પડી તેના એક શેઢાવા (એક શેઢો દુર) જ ગામના બાબુભાઈ કેશુભાઈ વાલાણીના ખેતરમાં પાણીના બોરિંગ દારનું કામકાજ ચાલતું હોય આશરે 25 થી 30 ખેડૂતો બોરિંગની જગ્યાએ નાનું મોટું કામકાજ કરતા હતા. જેઓ તમામ હેમખેમ બચી જતા ઘાત ટળી  હોવાનું મુકેશ લશ્કરીએ જણાવેલ..
જેતલસર પંથકના ગામોમાં પણ કમોસમી વરસાદી ઝાંપટા 
જેતલસર: ગઈ રાત્રીના પંથકના ડેડરવા, ટીંબડી, બાવાપીપળિયા, રૂપાવટી, અકાળા, પીપળવા, નવીજુની સાંકળી, જેતલસર ગામ અને જંકશનમાં પણ આખી રાત ગાજવીજ સાથે કમોસમી વરસાદી માહોલ જામેલો રહ્યો હોવાના અહેવાલો મળ્યા હતા.
કશ્યપ જે.જોશી જેતલસર(જેતપુર)9974262812




ટિપ્પણીઓ નથી: