અનુયાયીઓ

બુધવાર, 6 નવેમ્બર, 2013

પ્રાદેશિક માહિતી કચેરી ગુજરાત સરકાર, સૂરત તા.૦૬/૧૧/૨૦૧૩

 

 

સુરતઃ

અનુસૂચિત જાતિના ઉમેદવારો માટે વિનામૂલ્યે યોગ સેમિનારનું આયોજનઃ

તા.૨૦મી સુધીમાં અરજી મોકલી આપશોઃ

સૂરતઃ- ગાંધીનગરની સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત દ્વારા રાજયના તમામ જીલ્લાઓમાં અનુસૂચિત જાતિની વસ્તી ધરાવતા એક તાલુકા મથક ખાતે તા.૩૧/૧૨/૧૩ પહેલા યોગ સેમિનારનું આયોજન વિનામૂલ્યે થનાર છે. યોગમાં રસ ધરાવતા સુરત જીલ્લાના અનુસુચિત જાતિના ઉમેદવારોએ જીલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર, નગર પ્રાથમિક શાળા નં.૮/૯, આઈ.ટી.આઈ. પાછળ, મજુરાગેટ, સુરતની કચેરીનો ફોન નં.(૦૨૬૧) ૨૬૬૮૦૩૪ તથા મો.નં.૯૪૨૮૧ ૩૩૫૬૬ ઉપર સિનિયર કોચનો સંપર્ક કરીને યોગ સેમિનાર માટેના પ્રવેશપત્ર વિનામૂલ્યે મેળવના રહેશે.  આ પ્રવેશપત્રોમાં સંપૂર્ણ વિગતો ભરીને તા.૨૦/૧૧/૨૦૧૩ સુધીમાં ઉકત સરનામે રૂબરૂ અથવા ટપાલ મારફતે મોકલી આપવાના રહેશે. પસંદ થયેલા ઉમેદવારોને આ અંગેની જાણ કરવામાં આવશે.

 

શેરૂલા ફાયરીંગ બટ પર જશો નહીંઃ

સૂરતઃ- તાપી જિલ્લાના અધિક જિલ્લા મેજિસ્ટે્રટ શ્રી અર્જુનસિંહ બી.રાઠોડે એક જાહેરનામાં દ્વારા જણાવ્યું છે કે, તા.૭/૧૧/૧૩ થી તા.૧૪/૧૧/૧૩ સુધી સોનગઢ તાલુકાના ઉકાઈ શેરૂલા ફાયરીંગ બટ ઉપર ગોળીબાર પ્રેક્ટીસનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે. જેથી આ વિસ્તારની આજુબાજુમાં રહેતા તથા બહારની કોઇ પણ અનઅધિકૃત વ્યક્તિઓ તેમજ ઢોર, ઢાંખર વિગેરે ચરાવવા આવતાં વ્યક્તિઓએ આ વિસ્તારની આજુબાજુની ૧૦૦૦ મીટર વિસ્તારમાં માં પ્રવેશ કરવો નહીં તથા તે વિસ્તારમાં હરવું ફરવું નહી. આ હુકમનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે.

રેશમાબેન રાઠોડની ભાળ મળે તો જાણ કરશોઃ

સૂરતઃ- સચીન પોલીસ સ્ટેશનના જણાવાયા અનુસાર તા.૨૨/૧૦/૧૩ના રોજ સચીન જીઆઇડીસી તલગપુર ગામ ખાતે રહેતા ૧૯ વર્ષીય રેશમાબેન કિશન રાઠોડ ગુમ થયા છે. જે શરીરે મધ્યમ બાંધાના, રંગે ધઉવર્ણા, ઉચાઈ પાંચ ફુટ છે. પીળા રંગની સાડી પહેરી છે. જે કોઈને ભાળ મળે તો નજીકના પોલીસ સ્ટેશનનો સંપર્ક સાધવા જણાવાયું છે.

કાપોદ્રા ખાતે રહેતા રોશનીબેન યોગી ગુમ થયા છે.

સૂરતઃ- કાપોદ્રા પોલીસ સ્ટેશનના જણાવાયા અનુસાર તા.૨૧/૧૦/૧૩ના રોજ કાપોદ્રાના કિષ્ણા ઈન્ડસ્ટ્રીઝ સામે, ભરવાડ મહોલ્લા ખાતે રહેતા ૨૩ વર્ષીય રોશનીબેન પ્રેમભાઈ યોગી ગુમ થયા છે. જે શરીરે પાતળા બાંધાના, રંગે ધઉવર્ણી, ઉચાઈ ૪.૫ ફુટ છે. પીળા રંગનું ટી-શર્ટ તથા કાળા રંગનું પેન્ટ પહેર્યું છે. જે કોઈને ભાળ મળે તો નજીકના પોલીસ સ્ટેશનનો સંપર્ક સાધવા જણાવાયું છે.  

વલસાડઃ-

 

વિલ્સન હીલ જેવા અજાણ્યા સ્થળોના વિકાસ માટે પ્રશાસનનો નિર્ધાર વિલ્સન હીલ ખાતે "વિન્ટર ફેસ્ટીવલ'નો રંગારંગ પ્રારંભ

આદિવાસી નૃત્યોની રમઝટ માણતા સહેલાણીઓ મહાનુભાવોએ જિલ્લા પ્રશાસનના પ્રયાસને બિરદાવ્યોઃ

વલસાડઃ- ગ્રામીણ પ્રવાસનના વિકાસને સાથે સાથે સ્થાનિક રોજગારીના નિર્માણ અર્થે પ્રવાસન સ્થળોના વિકાસ માટે વલસાડ જિલ્લા પ્રશાસન હંમેશા અગ્રેસર રહેશે, એમ વલસાડ કલેકટરશ્રી ડૉ. વિક્રાંત પાંડેએ વિન્ટર ફેસ્ટીવલનું ઉદ્‍ધાટન કરતાં વિલ્સન હીલ ખાતે જણાવ્યું હતું.

 તા.૫મી નવેમ્બરથી વિલ્સન હીલ ખાતે શરૂ થયેલા વિન્ટર ફેસ્ટીવલમાં આવેલા સહેલાણીઓને સંબોધતાં કલેકટરશ્રીએ વધુમાં ઉમેર્યું હતું કે, અજાણ્યા સ્થળોનો વિકાસ કરવા માટે આવા ફેસ્ટીવલ-કાર્યક્રમોનું આયોજન જરૂરી છે. વિલ્સન હીલ જેવા કુદરતી સૌંદર્યથી સભર વિસ્તારોમાં આવેલા અન્ય અજાણ્યા પ્રવાસન સ્થળોથી પણ પ્રવાસીઓ માહિતગાર થઇ શકે તેવો વલસાડ જિલ્લા પ્રશાસનનો કાર્યક્રમ આયોજન પાછળનો ઉદ્દેશ છે, એમ એમણે વધુમાં જણાવ્યું હતું.

લોક ભાગીદારી આધારિત વિન્ટર ફેસ્ટીવલના આ કાર્યક્રમમાં છેક અમેરિકાથી માત્ર અને માત્ર આ સ્થળના વિકાસ માટે જ અહીં સુધી આવીને ભાગીદાર થનારા વર્ટીકલ સોર્સ એન્ડ એનર્જી સંસ્થાના પ્રેસીડન્ટ શ્રી સ્નેહલભાઇ દેસાઇના સાહસને બિરદાવતા કલેકટરશ્રીએ અહીં અવારનવાર આવા પ્રકારના કાર્યક્રમોનું આયોજન કરીને, પ્રકૃતિપ્રેમીઓને સાપુતારાના વિકલ્પ તરીકે નવું ગિરિમથક ઉપલબ્ધ કરાવવાની નેમ વ્યકત કરી હતી. પાયાકીય સુવિધાઓનું કાયમી રીતે પ્રસ્થાપિત કરવાની દિશામાં પણ તંત્ર કટિબદ્ધ છે, તેમ શ્રી પાંડેએ જણાવ્યું હતું. તેમણે વિલ્સન હાઇલેન્ડ હોટલના સંચાલકો તથા નવસારીના માનવ મંદિરના શ્રી પિયુષ પટેલના સહયોગની પણ સરાહના કરી હતી.

આ અવસરે ઉપસ્થિત રહેલા વલસાડ જિલ્લા પંચાયતના અધ્યક્ષ શ્રીમતી મીનાબેન ચૌધરી, પારડીના ધારાસભ્યશ્રી કનુભાઇ દેસાઇ, વલસાડના ધારાસભ્યશ્રી ભરતભાઇ પટેલ વગેરેએ તેમના પ્રાસંગિક ઉદ્દબોધનમાં વલસાડ કલેકટરશ્રીના જિલ્લાના પ્રવાસન સ્થળોના વિકાસ માટેના આ પ્રયાસને બિરદાવી, સ્થાનિક પ્રજાજનોને, અહીં આવતા સહેલાણીઓ સાથે આત્મિય વ્યવહાર કરવા હાકલ કરી હતી. અતિથિ દેવો ભવની ભાવના સાથે આ વિસ્તારનું કુદરતી સૌંદર્ય, અહીંનું લોકજીવન વગેરેને માણવા આવતા પ્રવાસીઓને કારણે સ્થાનિક રોજગાર ઉપલબ્ધ કરાવવાની દિશામાં પ્રયાસ કરતા પ્રશાસનને પણ સહયોગ આપવા મહાનુભાવોએ અપીલ કરી હતી.

સ્વાગત પ્રવચનમાં પીંડવળના સરપંચશ્રી રાજેશભાઇએ વિલ્સન હીલ ખાતે આયોજિત વિન્ટર ફેસ્ટીવલના આ કાર્યક્રમમાં ઉપસ્થિત દૂર-સુદૂરના સહેલાણીઓ, વર્ટીકલ સોર્સ એન્ડ એનર્જી સંસ્થા તથા તેના કાર્યકરો અને જિલ્લા પ્રશાસનનો વિશેષ આભાર વ્યકત કર્યો હતો.

સંસ્થાના પ્રેસીડેન્ટ શ્રી સ્નેહલ દેસાઇએ કાર્યક્રમની રૂપરેખા આપી હતી. સંસ્થાના સ્વયંસેવકોએ મહેમાનોનું પુષ્પગુચ્છથી સ્વાગત કર્યું હતું. દરમિયાન સોની ટીવી ઉપર આવેલા મ્યુઝીકલ શો એકસ-ફેકટરના ફાઇનાલીસ્ટ સજદા ગૃપ ફેઇમ અનિતા પંડિત તથા તેમના ગૃપે પ્રાર્થના સહિત ગીતસંગીત રજુ કરી અનોખા માહોલનું સર્જન કર્યું હતું. જાદુગર ડી.લાલે સહેલાણીઓને અવનવા જાદુના ખેલ બતાવ્યા હતા, જ્યારે કપરાડા તાલુકાના ગિરનારા ગામના શ્રી નવરંગ યુવક મંડળના આદિવાસી નવયુવાન કાર્યકરોએ જુદા-જુદા આદિવાસી નૃત્યોની રમઝટ બોલાવી પ્રેક્ષકોના મન મોહી લીધા હતા. ઉદ્‍ધોષક તરીકે શ્રી ગુલાબભાઇ પટેલે સેવા આપી હતી. શ્રી ગુલાબભાઇ પટેલે વિલ્સન હીલનો ઇતિહાસ પણ આ વેળા રજુ કર્યો હતો.

કાર્યક્રમને સફળ બનાવવા માટે પ્રાંત અધિકારીશ્રી સી.એન.પટેલ સહિત મામલતદારશ્રી ચૌધરી, પોલીસ વિભાગના ચુનંદા જવાનો, પાણી પુરવઠા વિભાગ, વીજ વિભાગ, માર્ગ અને મકાન વિભાગ, વન વિભાગ, માહિતી વિભાગ, સ્થાનિક ગ્રામ પંચાયત વગેરેએ તેમનો સહયોગ પૂરો પાડયો હતો.

 

કૌશલ્યવર્ધન કેન્દ્ર બિલપુડી ખાતે પ્રવેશ મેળવો

વલસાડઃ- વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના બિલપુડી ખાતે સ્વર્ણિમ ગુજરાત અંતર્ગત "કૌશલ્ય વર્ધન કેન્દ્ર'નો પ્રારંભ કરવામાં આવ્યો છે. અહીં ઇલેક્ટ્રીકલ, ગારમેન્ટસ ફેબ્રીકેશન, બ્યુટીપાર્લર તથા એમ્પાવર (બી.સી.સી.) બેઝિક કોમ્પ્યુટર કોર્ષને લગતા ટૂંકાગાળાના વ્યવસાયો ચલાવવામાં આવે છે. પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ અધવચ્ચેથી છોડી ગયેલા વિઘાર્થીઓ આ ઉત્તમ તકનો લાભ લઇ રાજ્ય સરકારનું પ્રમાણપત્ર મેળવી શકશે. અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, મહિલા, અપંગ તથા બી.પી.એલ. કાર્ડધારકોને ટયુશન ફીમાંથી મુકિત આપવામાં આવશે. જ્યારે અન્ય ઉમેદવારોએ માસિક માત્ર રૂા.૫૦/- ટયુશન ફી ભરવાની રહેશે. આ અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવવા માટેના ફોર્મ કો-ઓર્ડિનેટરશ્રી કે.આર.ટંડેલ પાસેથી મળી રહેશે. આ અંગે વધુ જાણકારી માટે સંસ્થાનો રૂબરૂ અથવા મોબાઇલ નંબર ૯૨૭૪૩૦૯૫૦૭ ઉપર સંપર્ક સાધવા ઔઘોગિક તાલીમ સંસ્થા ધરમપુરના આચાર્ય દ્વારા એક યાદીમાં જણાવાયું છે.

 

 

 

 

ટિપ્પણીઓ નથી: