તકો અને નીતિના માળખાથી પ્રભાવિત
ગુજરાત સરકાર અને ઉઘોગોના પ્રતિનિધિ મંડળની યુરોપની મુલાકાત સફળતા પુર્વક સંપન્ન
ગુજરાત સરકારના અધિકારીઓ અને ઔઘોગિક જૂથના ઉચ્ચ સ્તરિય પ્રતિનિધિ મંડળે
જર્મની, ફ્રાન્સ અને સ્વિટઝર્લેન્ડની મુલાકાત લીધી
રાજયમાં રોકાણની વિશાળ તકો, વાઇબ્રન્ટ ગુજરાત સમીટ-૨૦૧૩નું પ્રમોશન અને
ઇન્ડસ્ટ્રી અને કોમર્સ સાથે જોડાણની પહેલ
યુરોપિયન મંત્રીઓ સહિતના રાજકીય આગેવાનો અને શહેરી વહીવટીતંત્ર સાથે
સંબંધોને વધુ મજબૂત બનાવવા મુલાકાત
વિવિધ ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી સહિતના સંગઠનો સાથે ઔઘોગિક
સંબંધો અને લાંબાગાળાની સમજૂતી
૩ જુલાઇ ૨૦૧૨ ભારતીય બજારના વિશાળ કદ અને યુવાનોના મોટા વર્ગ સાથે
રોકાણના સૌથી મોટા કેન્દ્ર તરીકે ઉભરી આવેલા ગુજરાતમાં રાજય સરકારની
અસરકારક નીતિ, મજબૂત માળખાગત સુવિધાઓ,ઉઘોગોને સાનુકૂળ વાતાવરણ અંગે ત્રણ
યુરોપિયન દેશોની મુલાકાતે ગયેલા ગુજરાતના પ્રતિનિધિ મંડળે ત્યાંની ટોચની
નેતાગીરી અને ઔઘોગિક પ્રતિનિધિઓનું ધ્યાન ખેંચ્યું હતું.
ગુજરાત સરકારના અધિકારીઓ અને ઔઘોગિક જૂથના કુલ ૧૨ સભ્યોના ઉચ્ચ સ્તરિય
પ્રતિનિધિ મંડળે ૧૮ થી ૨૮ જૂન ૨૦૧૨ દરમિયાન યુરોપની મુલાકાત લીધી
હતી.૧૮મી જૂને હમ્બર્ગ પહોંચેલા પ્રતિનિધિ મંડળે કોર્પોરેટ્સ અને ઔઘોગિક
સંગઠનોની મુલાકાત લીધી હતી. બે પ્રદેશો વચ્ચે સરહદ પાર રોકાણની તકો અને
દ્વીપક્ષીય વેપાર માટે આર્થિક અને વાહનવ્યવહાર મંત્રી ફ્રેન્ક હોર્ચની
મુલાકાત લીધી હતી.
મુખ્યમંત્રીશ્રી નરેન્દ્ર મોદી વતી શ્રી એ.કે. શર્માએ ત્યાંના રાજકીય
નેતા, જર્મનીના કારોબારક્ષેત્રના અગ્રણીઓ,રોકાણકારો,કોર્પોરેશન,
શિક્ષણક્ષેત્રના આગેવાનો અને નીતિ ઘડવૈયાઓને ૧૧થી ૧૩ જાન્યુઆરી ૨૦૧૩
દરમિયાન યોજાનારી વાઇબ્રન્ટ ગુજરાત સમીટ માટે આમંત્રણ આપ્યું હતું. યુરોપ
ઇન્ડિયા ચેમ્બર ઓફ કોમર્સ,હેન્સેટિક ઇન્ડિયા ફોરમ અને હમ્બર્ગ ચેમ્બર ઓફ
કોમર્સ દ્વારા સંયુક્તપણે યોજાયેલી કોન્ફરન્સમાં રાજયના પ્રતિનિધિ મંડળે
પ્રેઝન્ટેશન આપ્યું હતું, જેમાં ૪૦ કરતાં વધુ કંપનીઓએ ભાગ લીધો હતો.
જિનિવાની મુલાકાત દરમિયાન હિન્દુજા જૂથે (યુરોપ)ે યોજેલા લંચ અને
મીટીંગમાં પ્રતિનિધિ મંડળે હાજરી આપી હતી, જેમાં વર્લ્ડ ઇકોનોમિક ફોરમના
પ્રતિનિધિઓ, યુએનઓમાં ભારતના રાજદૂત સહિતના વૈશ્વિક સ્તરે અગ્રણી
વ્યક્તિઓ પણ સમારોહમાં ઉપસ્થિત રહ્યાં હતા. આ સમારોહમાં ગુજરાતમાં
પુનઃપ્રાપ્ય ઉર્જા, નાણાકીય સેવાઓ, શિક્ષણ, રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ અને
મેડિકલ ટુરિઝમ સહિતના ક્ષેત્રોમાં રોકાણની તકો અંગે ચર્ચા થઇ હતી. આજ
દિવસે સ્વિસ ઇન્ડિયા બિઝનેસ ફોરમ અને જિનિવા ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ
ઇન્ડસ્ટ્રી દ્વારા આયોજિત કોન્ફરન્સમાં પ્રતિનિધિ મંડળે પ્રેઝેન્ટેશન
કર્યું હતુ, જેમા ૨૫ કરતાં વધુ કંપનીઓએ હિસ્સો લીધો હતો.
જિનિવા બાદ પ્રતિનિધિ મંડળે ઝ્યુરિચની મુલાકાત લઇને સ્વિસ ઇન્ડિયા ચેમ્બર
ઓફ કોમર્સ (એસ.આઇ.સીસી) આયોજિત કોન્ફરન્સમાં ભાગ લીધો હતો. ગુજરાતના
મુખ્યમંત્રીશ્રીના સચિવશ્રી એ.કે.શર્માએ માહિતીની આપ-લે, દ્વીપક્ષીય
રોકાણ, તાલીમ અને આર્થિક કામગીરી માટે કારોબાર અને એજન્સીઓ વચ્ચે
એક્સપર્ટ એક્સચેન્જ, કૌશલ્ય વિકાસ અને રોકાણને પ્રોત્સાહન સાથે વ્યાપારી
જોડાણ અને ઉપરોક્ત બાબતો માટે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઇનવેસ્ટર્સ સમીટ
૨૦૧૩ના ઉપયોગ માટે એસઆઇસીસી સાથે ઔપચારિક ઇન્ટેન્ટ ઓફ કોઓપરેશન પર
હસ્તાક્ષર કર્યાં હતાં. પ્રતિનિધિ મંડળે સમાન પ્રેઝન્ટેશન અને મીટીંગ
સ્વિટઝર્લેન્ડના બેસલ શહેરમાં પણ કરી હતી.
ફ્રાન્સ પહોંચેલા પ્રતિનિધિ મંડળે ઉઘોગપતિઓ અને સીઇઓના સંમેલનમાં
ગુજરાતમાં રોકાણની વિશાળ તકો અંગે માહિતી આપી હતી. પેરિસમાં ભારતીય
દૂતાવાસ અને ફ્રાન્સ-ઇન્ડિયા ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા
આયોજિત સમાન કોન્ફરન્સમાં ફ્રાન્સની આશરે ૮૦ કંપનીઓ અને સંખ્યાબંધ
એનઆરજીએ હિસ્સો લીધો હતો, જેમાં ફ્રાન્સ ખાતે ભારતના રાજદૂત શ્રી રાકેશ
સુદ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યાં હતાં. વાઇબ્રન્ટ ગુજરાત સમીટ અને
રોકાણની તકોને પ્રોત્સાહન આપવામાં ફ્રાન્સ-ઇન્ડિયા ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ
ઇન્ડસ્ટ્રી વર્ષ ૨૦૧૦થી સક્રિય ભાગીદાર રહ્યું છે અને તેણે વાઇબ્રન્ટ
ગુજરાત-૨૦૧૩ને પણ પ્રમોટ કરવાની દિશામાં કામગીરીનો પ્રારંભ કર્યો છે.
પેરિસથી ફ્રેન્કફર્ટ પહોંચેલા પ્રતિનિધિ મંડળે જર્મની અને ગુજરાત વચ્ચે
પારસ્પરિક જોડાણ વધારાવા અંગે ચર્ચા કરી હતી, જેમાં ૭૫ કરતાં વધુ કંપનીઓએ
ભાગ લીધો હતો. અહીં ફ્રેન્કફર્ટના ડેપ્યુટી મેયર વોલ્કર હોફ સાથે
પ્રતિનિધિ મંડળની મુલાકાત થઇ હતી, જેમાં ગુજકાત અને ફ્રેન્કફર્ટ વચ્ચે
સંભવિત જોડાણ અંગે ચર્ચા કરવામાં આવી હતી. આજ દિવસે જર્મનીના આર્થિક
બાબતો, ક્લાઇમેટ પ્રોટેક્શન ઉર્જા મંત્રીશ્રી એલ્વીન લેમ્કેને મળીને
પ્રતિનિધિ મંડળે આગામી વાઇબ્રન્ટ ગુજરાત ૨૦૧૩ સમીટ માટે માનનીય
મુખ્યમંત્રીશ્રી નરેન્દ્ર મોદી વતી આમંત્રણ પાઠવ્યું હતું તેમણે આમંત્રણ
સ્વિકારીને ગુજરાત આવીને મુખ્યમંત્રીશ્રી, ટોચના અધિકારીઓ સાથે મળીને
ક્લાઇમેટ પ્રોટેક્શન અને ઉર્જાક્ષેત્રે સહયોગ વધારવા અંગે ચર્ચા કરવા
આતુરતા દર્શાવી હતી.
દરેક કોન્ફરન્સમાં શ્રી એ.કે.શર્માએ વિગતવાર પ્રેઝન્ટેશન રજૂ કર્યું
હતું, જેને ઉપસ્થિત લોકોએ બિરદાવ્યું હતું. પ્રતિનિધિ મંડળે ગુજરાતના
મુખ્ય મંત્રીશ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ કરાયેલી પહેલ અને નીતિ
સાથે રોકાણ અને ભાગીદારી માટે સર્જાયેલી તકો અંગે પણ જાણકારી આપી હતી.
સંખ્યાબંધ કંપનીઓએ ગુજરાતમાં રોકાણ માટે દર્શાવેલી ઇચ્છા આર્થિક પ્રદેશ
તરીકે ગુજરાતની મહત્વતા દર્શાવે છે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો