અનુયાયીઓ

મંગળવાર, 12 જાન્યુઆરી, 2021

કોરોના વેક્સિનનું ગુજરાતમાં આગમન Ø કોરોના કાળમાં આજનો દિવસ સમગ્ર રાજ્ય માટે ઐતિહાસિક દિવસ સાબિત થવા જઈ રહ્યો છે: નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલ

 

કોરોના વેક્સિનનું ગુજરાતમાં આગમન

Ø  કોરોના કાળમાં આજનો દિવસ સમગ્ર રાજ્ય માટે ઐતિહાસિક દિવસ સાબિત

થવા જઈ રહ્યો છે: નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલ

: નાયબ મુખ્યમંત્રી શ્રી:

Ø  કોરોના વેક્સિનનો ૨ લાખ ૭૬ હજાર જથ્થો રાજ્યના વિવિધ ભાગોમાં પહોંચાડવામાં આવશે

Ø  આવતીકાલે મોટરમાર્ગે સુરત, વડોદરા અને રાજકોટ શહેરમાં કોલ્ડ ચેન દ્વારા કોરોનાનો જથ્થો પહોંચાડવામાં આવશે

………………

 

નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલે જણાવ્યું છે કે, કોરોના મહામારીનો આપણે મક્કમતાથી સામનો કર્યો છે, પરંતુ  સમગ્ર દેશ અને ગુજરાત રાજ્ય જેની આતુરતાથી રાહ જોઇ રહ્યું હતું તે ઐતિહાસિક દિવસ આજે આવી ગયો છે. પૂણેથી હવાઈમાર્ગે અમદાવાદ એરપોર્ટ પર આવેલા કોરોના વેક્સિનના જથ્થાને નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલે  સહર્ષ સ્વીકાર્યો હતો. આ પ્રસંગે ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.












 

 

નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલ દ્વારા વેક્સિનના જથ્થાને  ગુજરાતના વિવિધ સ્થળોએ પહોંચાડવા લીલીઝંડી આપીને રવાના કરવામાં આવ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે,  અમદાવાદ એરપોર્ટ પર કોવિડ શિલ્ડ વેક્સિનનો કુલ ૨,૭૬,૦૦૦ જથ્થો અમદાવાદ  એરપોર્ટ ખાતે  આવી પહોંચ્યો હતો.

 

           નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલે અમદાવાદ એરપોર્ટ પર આવેલા પ્રથમ તબક્કાના કોરોના વેક્સિનના જથ્થાની વિગતવાર માહિતી આપતાં જણાવ્યું કે આ વેક્સિનનો જથ્થો  કુલ ત્રણ ઝોનમાં વિભાજિત થનાર છે. એક બોક્સમાં ૧૨,૦૦૦ના જથ્થા સાથે વેક્સિનના કુલ ૨૩ બોક્ષ અત્રે આવી પહોંચ્યા છે.

 

જેમાંથી આજે ગાંધીનગર ઝોનમાં બનાવેલ સ્ટેટ વેક્સિન સ્ટોરમાં ૮ બોક્સ એટલે કે ૯૬ હજાર વેક્સિન ત્યારબાદ અમદાવાદ સિવિલ હોસ્પિટલની પાસે રિજિયોનલ વેક્સિન સ્ટોરમાં ૧૦ બોક્સ એટલે કે કુલ ૧ લાખ ૨૦ હજાર વેક્સિનનો જથ્થો પહોંચાડવામાં આવ્યો છે, જ્યારે ભાવનગર ઝોનમાં ૫ બોક્સ એટલે કે ૬૦ હજારનો જથ્થો પહોંચાડવામાં આવશે. ગ્રીન કોરિડોર મારફતે અભેદ સુરક્ષા સાથે સમગ્ર વેક્સિનનો જથ્થો  જે તે ઝોન અને સ્થળ પર પહોંચતો કરવામાં આવ્યો છે.

 

મંત્રીશ્રીએ વધુમાં ઉમેર્યું કે આવતીકાલે ૧૩ મી જાન્યુઆરીના રોજ પુનાથી મોટરમાર્ગે કોલ્ડ ચેન દ્વારા સુરતમાં ૯૩,૫૦૦ વેક્સિંનનો જથ્થો,  વડોદરામાં ૯૪,૫૦૦ વેક્સિનનો જથ્થો  અને રાજકોટ ખાતે ૭૭ હજાર કોવિડશિલ્ડ વેક્સિનનો જથ્થો નાગરિકો માટે પહોંચાડવામાં આવશે‌. પ્રથમ તબક્કાના રસીકરણ કાર્યક્રમમાં રાજ્યના આરોગ્ય કર્મીઓ અને નાગરિકોને સરળતાથી વેક્સિન મળી રહે તે માટે સમગ્ર રાજ્યમાં ૨૦ હજાર વેક્સિન કેન્દ્ર કાર્યરત કરવામાં આવ્યા હોવાનું તેમણે જણાવ્યું હતું. ગુજરાત રાજ્યના ૪ લાખ ૩૩ હજાર  સરકારી અને ખાનગી  આરોગ્ય સાથે સંકળાયેલા તબીબો, નર્સિંગ સ્ટાફ,પેરામેડિકલ સ્ટાફ, સફાઇ કર્મીઓમાં રસીકરણ પ્રાથમિક તબક્કે રસીકરણ કરવામા આવશે તેમ નાયબ મુખ્ય મંત્રીશ્રીએ ઉમેર્યું હતું.

 

શ્રી નીતિન પટેલે વધુ વિગતો આપતા કહ્યું કે ૧૬મી તારીખે સમગ્ર રાજ્યમાં રસીકરણની પ્રક્રિયાના પ્રાથમિક તબક્કા નો પ્રારંભ થનાર છે ત્યારે દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા ગુજરાતના ૨૮૭ રસીકરણ કેન્દ્રો  પર આરોગ્ય કર્મીઓ,તબીબો,નર્સિંગ, પેરામેડિકલ સ્ટાફ, દ્વારા વીડિયો કોન્ફરન્સિંગ મારફતે સમગ્ર રસીકરણ કાર્યક્રમની ચર્ચા કરવામાં આવશે. અમદાવાદ અને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી દ્વારા તબીબો સાથે વાતચીત કરીને રસીકરણની અસરકારક અમલવારી માટે પ્રોત્સાહન પુરૂં પાડવામાં આવશે તેમ નાયબ મુખ્ય મંત્રીશ્રીએ કહ્યું હતું.

 

નાયબ મુખ્ય મંત્રીશ્રીએ જણાવ્યું કે સમગ્ર કોરોના કાળમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી અને કેન્દ્ર સરકારના આરોગ્ય વિભાગના સતત માર્ગદર્શન અને તેમની દેખરેખ અને દિશા નિર્દેશોનું અમલીકરણ રાજ્યમાં  કોરોનાની સ્થિતિને કાબુમાં રાખવા માટે આશીર્વાદરૂપ સાબિત થયું છે.

 

અમદાવાદ એરપોર્ટ પર રસીકરણના જથ્થાના સ્વીકાર પ્રસંગે આરોગ્ય વિભાગના અગ્ર સચિવ ડો જયંતિ રવિ, કોરોના રસીકરણ પ્રક્રિયાના રાજ્યના નોડલ અધિકારી શ્રી મુકેશભાઈ પંડ્યા વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

********

 


 

દેશના પ્રથમ રોજગારલક્ષી ઓનલાઇન કોલ સેન્ટર ‘રોજગાર સેતુ’નો E-પ્રારંભ કરાવતા મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી

 

*****************

રોજગારવાંચ્છુ યુવાઓ-૬૩-૫૭-૩૯૦-૩૯૦ એક કોલ ડાયલ કરીને

રોજગાર સેતુના માધ્યમથી કોઇપણ જિલ્લાની અભ્યાસલક્ષી-રોજગારલક્ષી તથા

સરકારી યોજનાઓની માહિતી મેળવી શકશે :  મુખ્યમંત્રીશ્રી

****************


 

:-શ્રી વિજયભાઇ રૂપાણી:-

Ø  હર હાથ કો કામ સુત્રને સાર્થક કરીને દરેક વ્યક્તિને કામની તક મળે દરેકના કામથી રાજ્યનો જી.ડી.પી વધે એ દિશામાંઆપણે આગળ વધી રહ્યા છીએ

Ø 12મી જાન્યુઆરીથી 25 જાન્યુઆરી સુધી ઓનલાઇન ભરતીમેળા પખવાડિયા દ્વારા આશરે 25,000 જેટલા યુવાનોને રોજગાર અવસર અપાશે

Ø અમારે મન યુવાએ ન્યૂ એઇજડ વોટર નહીં-ન્યૂ એઇજડ પાવર છે.

*****************

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીના હસ્તે એપ્રન્ટિસશીપ યોજનાની પુસ્તિકાનું વિમોચન કર્યું

*****************

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ સ્વામી વિવેકાનંદ જ્યંતિ ‘રાષ્ટ્રીય યુવા દિવસે’ રાજ્યના રોજગાર વાંચ્છુ યુવાઓ માટે રોજગારલક્ષી ઓનલાઇન કોલ સેન્ટર ‘રોજગાર સેતુ’નો પ્રારંભ કરાવ્યો હતો.

દેશભરમાં ગુજરાતની આ નવતર પહેલમાં રાજ્યનો કોઇ પણ યુવાન આ કોલ સેન્ટરનો એક કોલ નંબર ૬૩-૫૭-૩૯૦-૩૯૦ડાયલ કરીને રાજ્યના કોઇપણ જિલ્લાની અભ્યાસલક્ષી, રોજગારલક્ષી અને સરકારની યુવાલક્ષી સહિતની યોજનાઓની માહિતી મેળવી શકશે.

રાજ્યના શ્રમ રોજગાર વિભાગના રોજગાર તાલીમ નિયામક કચેરી દ્વારા આ નવતર પહેલ સાથે મુખ્યમંત્રીશ્રીએ ઓનલાઇન ભરતી મેળા પખવાડીયું (૧ર જાન્યુઆરીથી રપ જાન્યુઆરી)નો પણ પ્રારંભ કરાવ્યો હતો.

તેમણે સ્પષ્ટપણે જણાવ્યું કે, ‘હર હાથ કો કામ હર ખેતકો પાની’નું સૂત્ર સાકાર કરીને દરેક વ્યક્તિને યોગ્ય કામ મળે અને તેના થકી જી.ડી.પી. વધે તે દિશામાં રાજ્ય સરકાર આગળ વધી રહી છે.

દરેક યુવાનોને રોજગારી પ્રાપ્ત થાય તેવા ઉમદા હેતુથી આપણે 12મી જાન્યુઆરીથી 25 જાન્યુઆરી સુધી ઓનલાઇન ભરતીમેળા પખવાડિયાનું આયોજન કર્યું છે એમ તેમણે ઉમેર્યું હતું.આ ઓનલાઇન ભરતી મેળામાં 25,000 જેટલા યુવાનોને રોજગારીનો અવસર પ્રાપ્ત થશે તેવો વિશ્વાસ પણ મુખ્યમંત્રીશ્રીએ વ્યક્ત કર્યો હતો. 

મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ આત્મનિર્ભર ભારતનો જે કોલ આપ્યો છે, તેને સાકાર કરવા આવા રોજગાર મેળાનું આયોજન કરીને તેમજ યુવાનોને જોબ સિકર નહીંજોબ ગિવર બનાવવાની આપણી નેમ છે.

‘‘અમારે મન યુવાએ ન્યૂ એઇજડ વોટર નહીં, પરંતુ ન્યૂ એઇજડ પાવર છે’’. યુવાઓની શક્તિ પર નવા ભારતનું નિર્માણ કરવું છે. એટલા માટે રાષ્ટ્રીય યુવા દિવસથી આ અભિયાનની શરૂઆત કરીને યુવા પેઢીને રોજગાર અવસરથી સજ્જ કરી તેનેએમ્પાવર્ડ-સશક્ત બનાવવાની દિશાલીધી છે એમ મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું હતું.

શ્રમ અને રોજગાર મંત્રીશ્રી દિલીપભાઇ ઠાકોરે જણાવ્યું કે, રોજગાર સેતુ  પ્રોજેક્ટની વિશેષતા એ છે કે, દેશમાં પ્રથમવાર રોજગાર સેતુ – કોલ સેન્ટરના માધ્યમથી જિલ્લા રોજગાર કચેરી સાથે ઉમેદવાર સીધો સંવાદ કરશે.

આ સંદર્ભમાં તેમણે જણાવ્યું કે, રાજ્યનો કોઇપણ ઉમેદવાર એક સિંગલ નંબર 63-57-390-390 ડાયલ કરતાની સાથે જ માહિતી મેળવી શકશે. એટલું જ નહીં કોલ સમાપ્ત થયા બાદ એસ.એમ.એસ.ના માધ્યમથી રોજગાર કચેરીની વિગતો પણ ઉમેદવારને મોકલવામાં આવશે.

રોજગાર તાલીમ નિયામકશ્રી આલોક પાંડેએ મુખ્યમંત્રી સમક્ષ પ્રેઝન્ટેશન દ્વારા નવી યોજનાઓની વિગતવાર માહિતી આપી હતી.

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ એપ્રન્ટિસશીપ યોજનાની પુસ્તિકાનું વિમોચન પણ કર્યું હતું.

આ પ્રસંગે શ્રમ-રોજગાર વિભાગના અધિક મુખ્ય સચિવશ્રી વિપુલ મિત્રાતેમજ રાજ્યના વિવિધ સ્થળોએથી કલેક્ટરશ્રીઓ તેમજ અધિકારીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

પ્રધાનમંત્રી સ્કોલરશીપ યોજનાનો લાભ લેવા ઇચ્છુક માજી સૈનિક/સ્વ.માજી સૈનિકોના ધર્મપત્નીઓએ ૨૮ ફેબ્રુઆરી સુધીમાં ઓનલાઇન અરજી કરવા સૂચના

 


૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦   

રાજકોટ-પ્રધાનમંત્રી સ્કોલરશિપ યોજના શૈક્ષણિક વર્ષ ૨૦૨૦-૨૧ હેઠળ માજીસૈનિકો/તટરક્ષક દળના જવાનો તથા સ્વ. જવાનોના સંતાનો કે જેમણે ગત શૈક્ષણિક વર્ષમાં ધોરણ ૧૦+૨/ડિપ્લોમા અભ્યાસક્રમમાં ૬૦ ટકા થી વધુ માર્કસ મેળવેલા હોય અને બી.ઇ., બી.ટેક., બી.ડી.એસ., એમ.બી.બી.એસ., બી.એડ, બી.બી.એ., એમ.બી.એ., બી.સી.એ., એમ.સી.એ., એમ.સી.આઇ., એ.આઇ.સી.ટી. અને યુ.જી.સી. જેવા વ્યવસાય ડીગ્રી કોર્ષમાં ચાલુ શૈક્ષણિક વર્ષમાં પ્રવેશ મેળવેલ હોય તેઓને સ્કોલરશીપ આપવામાં આવે છે.

આ સ્કોલરશિપનો લાભ મેળવવા ઇચ્છુક માજીસૈનિકો/તટરક્ષક દળના જવાનો તથા સ્વ. જવાનોના સંતાનોએ કેન્દ્રીય સૈનિક બોર્ડ- નવી દિલ્હીની વેબસાઇટ www.ksb.gov.in  પર પોતાનું રજીસ્ટ્રેશન કરાવી ઓનલાઇન અરજી કરી શકશે. રજીસ્ટ્રેશન માટેની અંતિમ તારીખ ૨૮/૦૨/૨૦૨૧ છે.

આ અંગે વધુ માહિતી માટે કેન્દ્રીય સૈનિક બોર્ડ- નવી દિલ્હીની વેબસાઇટ www.ksb.gov.in  અથવા જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ કચેરી, રાજકોટ ટેલીફોન નંબર ૦૨૮૧-૨૪૭૬૮૨૫ પર સંપર્ક કરવા જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ અધિકારીની યાદીમાં જણાવાયું છે.