અનુયાયીઓ

ગુરુવાર, 11 જૂન, 2015

જેતપુર તાલુકાના થાણાગાલોલ ગામે દોઢ ઇંચ વરસાદથી ગામના નવા વણકરવાસમાં પાણી ઘુસ્યા

જેતપુર તાલુકાના થાણાગાલોલ ગામે 
દોઢ ઇંચ વરસાદથી ગામના નવા વણકરવાસમાં પાણી ઘુસ્યા 
સરપંચે વરસતા વરસાદમાં પાણીનો નિકાલ કરાવતા દલિત પરિવારજનો ખુશખુશાલ 
જેતપુર તા.11
આજે જેતપુર તાલુકાના અનેક ગામોમાં મેઘરાજાએ ધીમી-વધતી ધારે પાણીરૂપ હેત વરસાવતા પ્રજા ખુશીના માર્યા જુમી ઉઠી છે. બીજી બાજુ જેતપુરના થાણાગાલોલ ગામે આજે દોઢ ઇંચ વરસેલા વરસેલા વરસાદથી નવા વણકરવાસમાં પાણી ઘુસ્યાની ફરિયાદો મળી હતી. 
આ બાબતે માહિતી આપતા થાણાગાલોલના દલિત આગેવાન પરશોત્તમભાઈ ચૌહાણે જણાવેલ કે, આજના ગામમાં પડેલા દોઢ ઇંચ વરસાદથી સ્ટેશન રોડ પર આવેલા નવા વણકર વાસમાં વરસાદી પાણી ઘુસી જતા લોકો ભયાવહ સ્થિતિમાં મુકાયા હતા. પણ આ વાતની જાગૃત સરપંચ પીન્ટુભાઈ ઉંધાડને જાણ કરતાજ તેઓ તાત્કાલિક નવા વણકરવાસ ખાતે દોડી જઈ, તાલુકા પોલીસના બીટ જમાદારો બાબુભાઈ સોસા, વિરમભાઇ વિગેરેની હાજરીમાં જેસીબી દ્વારા પાણીનો ગામ નજીકની નદીમાં નિકાલ કરાવતા વણકર પરિવારજનોમાં ખુશી ફેલાઈ હતી.
ફોટો અને સમાચાર : કશ્યપ જે.જોશી જેતલસર જેતપુર 9974262812

જેતપુરમાં ધડાકા સાથે સળગ્યું વીજ કંપનીનું સબસ્ટેશન

જેતપુરમાં ધડાકા સાથે સળગ્યું 
વીજ કંપનીનું સબસ્ટેશન 
જેતપુર તા.11
જેતપુરના કણકિયા પ્લોટમાં ડોક્ટર કોટડીયાના દવાખાના સામે આવેલ વીજ કંપનીના એક ટીસી (સબસ્ટેશન)માં ધડાકા સાથે આગ ફાટતા આસપાસના લોકો અને નાગરિક બેંક વાળા રોડ પર આવ-જા કરતા રાહદારીઓમાં ભય ફેલાયો હતો. જો કે પછી કોઈએ વીજ તંત્રને જાણ કરતા સંબંધિત સુત્રો મારતે ઘોડે બનાવ સ્થળે દોડી આવી, આગ બુજાવી મામલો થાળે પાડતા આજુબાજુના મેડીકલ, ચા પાણીની દુકાનદારો બેન્ક્સુત્રો વિગેરેમાં રાહતની લાગણી ફેલાઈ હતી. જાણકારોએ કહ્યું કે તંત્રએ આવવામાં વાર લગાડી હોત તો શોકસર્કીટ જેવો બનાવ સર્જાત અને આજુબાજુના તમામ વીજ કનેક્શનધારકોને પોત પોતાના વીજ ઉપકરણોમાં નુકશાની સહવી પડત.
કશ્યપ જે. જોશી જેતપુર જેતલસર 9974262812

જેતપુરમાં ઝાંપટા, સાંકળીમાં સાંબેલાધાર, જેતલસરમાં જોરદાર,ડેડરવામાં દે..ધનાધન

જેતપુરમાં ઝાંપટા, સાંકળીમાં સાંબેલાધાર,
જેતલસરમાં જોરદાર,ડેડરવામાં દે..ધનાધન 
જેતપુર તા.11
જેતપુર શહેરમાં આજે બપોરે સખત ઉકળાટ બાદ સાંજ સુધી હળવા ઝાંપટા સ્વરૂપે વરસેલા મેઘરાજાએ પ્રજાને રીતસરની લલચાવી હતી. તાલુકાના નવી-જૂની સાંકળી ગામે ખેડૂત આગેવાન મુકેશ લશ્કરીના કહેવા મુજબ આજે સાંકળીમાં સાંબેલાધાર વરસેલા વરસાદથી માત્ર અડધો કલાકમાં દોઢ ઈચ પાણી પડી ગયાનું અનુમાન લગાવાયું હતું. જેતલસરમાં ધીમી પગરવે આવેલા મેઘરાજાએ 2 કલાકમાં જોરદાર 1 ઇંચ પાણી વરસાવતા ખેડૂતોમાં થોડો રાજીપો જોવા મળ્યો હતો.  ડેડરવામાં કિશન બોરીસાણીયા નામના યુવાનના કહેવા મુજબ દે ધનાધન વરસેલા વરસાદથી અડધો થી પોણો ઇંચ પાણી પડ્યું  હોવાનું ગામમાં ચર્ચાતું હતું.
જેતલસરમાં કુલદીપ જોશીના કહેવા મુજબ બપોરે જોરદાર વરસેલા વરસાદથી 1 ઇંચ પાણી પડ્યાનું ગામલોકોએ જણાવેલ. જેતલસરમાં આજે સારા વરસાદી રેડાએ ગામના અંડરબ્રીજ પાસે મીની તળાવ જેવું વાતાવરણ ખડું કરી દેતા હવે અહીંથી પસાર થતા રાહદારીઓને તકલીફ વેંઠવી પડશે તેવી બુમરાણ સંભાળવા મળી હતી. ડેડરવા તેમજ સાંકળી ગામની ફૂલઝર નદીમાં નવા પાણીની આવક થતા ગામલોકો નદી કાંઠે દોડી ગયા હતા.
કશ્યપ જે.જોશી જેતપુર 9974262812



જેતપુર શહેરના વિવિધ વર્તમાન - કશ્યપ જોશી જેતપુર

જેતપુરમાં શ્રી પરશુરામ સેના દ્વારા 
પાઠ્યપુસ્તક વિતરણ-છાત્ર સત્કાર સમારોહ યોજાશે 
જેતપુર તા.11
શ્રી પરશુરામ શેના જેતપુર દ્વારા રવિવારને તા.14.6 ના રોજ શહેર તેમજ તાલુકા વિસ્તારમાં વસતા બ્રહ્મ પરિવારના તેજસ્વી છાત્રોને સત્કારવાના અને પાઠ્યપુસ્તક વિતરણ સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. આ તકે છાત્રોએ હિતેશભાઈ શાંતિલાલ જોશી દ્વારા શિલ્ડ એનાયત કરાશે.
સવારે 9 કલાકે નવાગઢ રોડ પર આવેલ લોહાણા મહાજન વાડી ખાતે યોજાનાર બંને કાર્યક્રમોને સફળ બનાવવા પ્રમુખ હિતેશ જોશી અને મંત્રી અશોક ઠાકર સહિતના આગેવાનો જહેમત ઉઠાવી રહ્યા છે.




જેતપુરના પીઠડીયા ટોલનાકા પાસેથી 
રાજકોટના યુવાનને કાર સમેત વિલાયતી શરાબની 
191 બોટલ્સ સાથે ઝડપી લેતી રૂરલ ક્રાઈમ બ્રાંચ 
પોલીસે કાર સાથે કુલ રૂપિયા 5.58 લાખનો મુદ્દામાલ કબજે લઇ હાથ ધરી કાર્યવાહી 
જેતપુર તા.11
આજે સવારે ચોક્કસ બાતમીના આધારે એલસીબી રાજકોટના સ્ટાફે જેતપુરના પીઠડીયા ટોલનાકા પાસેથી રાજકોટના એક સોની યુવાનને તેમની કારમાં વિલાયતી શરાબની 191 બોટલ્સ સાથે પકડી પાડી તેમને રિમાન્ડ પર લેવાની તજવીજ હાથ ધરી છે.
મળતી વિગતો મુજબ રાજકોટ રૂરલ એલસીબીના ફોજદાર ઉનડકટને બાતમી મળી હતી કે જીજે 11 એસ 5347 નંબરની કારમાં વિદેશી શરાબ રાજકોટ તરફ લઇ જવાઈ રહ્યો છે.
આવી બાતમી બાદ ફોજદારે સ્ટાફના જમાદારો કાળુભાઈ, ભુરાભાઈ, પોકો નરેન્દ્રસિંહ રાણા, અબ્બાસભાઈ ભારમલ તેમજ જયેન્દ્રસિંહ વાઘેલા વી.ને સાથે રાખી પીઠડીયા ટોલનાકા પાસે બાઝ નઝર ટેકવતા ઉક્ત કાર પુરઝડપે ત્યાંથી પસાર થવા નીકળતા, પોલીસ કાફલાએ રોકી તલાશી લેતા તેમાંથી રૂપિયા 57,300 ની કિમતની 191 બોટલ્સ વિલાયતી શરાબ મળી આવ્યો હતો.
આવા સમયે પોલીસની લાલ આંખ વચ્ચે કાર ચાલકે પોતે રાજકોટનો રહીશ મહાજન ભાસ્કર ઉર્ફે ભકો નરેશભાઈ સોની હોવાનું જણાવતા પોલીસે ભકાને શરાબ અને કાર (કુલ રૂપિયા 5.58 લાખના મુદ્દામાલ) સાથે અટકમાં લઇ, શરાબ ક્યાંથી લાવ્યો અને ક્યાં પહોચાડવાનો હતો વી વાતોનો સુરાગ મેળવવા, રિમાન્ડ પર લેવા તજવીજ હાથ ધરી છે.





જેતપુરમાં વધુ એક અજાણી લાશની અંત્યેષ્ટિ કરતા  
એકતા યુવા સોશિયલ ગ્રુપના સેવાભાવીઓ 
જેતપુર તા.11
જેતપુરમાં કાર્યરત એકતા યુવા સોશિયલ ગ્રુપના સેવાભાવી યુવાનોએ આજે વધુ એક અજાણ્યા ભિક્ષુકની અંત્યેષ્ટિ કરી અવ્વલ મંઝીલે પહોચાડી હોવાની વિગતો મળી રહી છે.
પ્રાપ્ત વિગતો મુજબ ગઈકાલે સાંજે એક અજાણ્યા હિંદુ જનતા એક ભિક્ષુકની તબિયત બગડતા કોઈ સેવાભાવીઓ સારવાર માટે જેતપુરની સરકારી હોસ્પીટલે લાવ્યા હતા. પણ ત્યાં ટૂંકી સારવાર દરમિયાન આ ભિક્ષુકનું મોત થયાની ફરજ પરના હોસ્પિટલસુત્રોએ પોલીસને જાણ કરી હતી. પોલીસે હોસ્પીટલે દોડી જઈ જરૂરી પીએમ વિધિ કરાવી આ ભિક્ષુકના પરિવારજનોને શોધવા મહેનત કરી હતી. પણ કોઈ વાલીવારસ નહિ મળતા અંતે પોલીસે અજાણ્યા યાચકની લાશ અંતિમવિધિ માટે શહેરના જાણીતા સેવાભાવી મંડળ એકતા યુવા સોશિયલ ગ્રુપના આગેવાનોને જાણ કરતા હારુન રફાઈ, મુકેશ સાંતલપરા, જગદીશ ગેરિયા, વિગેરે સેવાભાવીઓએ હોસ્પીટલે દોડી જઈ, લાશનો કબજો મેળવી, આજે હિંદુ શાસ્ત્રોક વિધિથી અજાણ્યા ભિક્ષુકની અંતિમયાત્રા કાઢી, અંત્યેષ્ટિ હાથ ધરી અવ્વલ મંજિલે પહોચાડતા આ વાતના જાણકારોમાં ઉપરોક્ત સેવા મંડળની સરાહના થઇ રહી છે.




જેતપુર નવાગઢ નગર પાલિકામાં મળેલી સામાન્ય 
સભામાં અનેક વિકાસના કામોને અપાયેલી બહાલી
જેતપુર તા.11
ગઈકાલે જેતપુર  જેતપુર નવાગઢ નગરપાલીકાની મળેલી સામાન્ય સભાની બેઠક દરમિયાન અનેક વિકાસના કામોને બહાલી અપાઈ હોવાનું પાલિકા પ્રમુખ રમાબેન રામજીભાઈ મકવાણાએ જણાવ્યું છે.
મળતી વિગતો મુજબ ગઈકાલે જેતપુર નગર પાલિકાના સભાખંડમાં યોજાયેલી સામાન્ય બેઠક દરમિયાન ગઈ મીટીંગની મીનીટસનું વાંચન તેમજ પાલિકાની જુદી જુદી કમિટીઓના ઠરાવો વંચાણે લઇ, બહાલી અપાઈ હતી.
જેમાં હેડ ક્લાર્કના તા.15.10.14 ના રીપોર્ટ અન્વયે પાલિકા દ્વારા પેનલ વકીલ રોકવા, પવડીના રીપોર્ટ અન્વયે પાલિકાના નવા બિલ્ડીંગમાં ત્રીજા માળે જીમ, ઇનડોર ગેમ, રીડીંગ રૂમ, લોકર રૂમ બનાવવાના રૂ.5 લાખનો ખર્ચ મંજુર કરવા, સેનિટેશનના રીપોર્ટ અન્વયે સંજય શામજી વાઘેલાને બ્લેક લીસ્ટમાં મુકવા, વોટરવર્કસ શાખાના રીપોર્ટ અન્વયે ઝોન વાઈજ પાણી વિતરણ માટે વાલ્વમેન રાખવા, પવડીના રીપોર્ટ અન્વયે નાગરિક બેંક સામેના બગીચામાં રૂ.7.61.198/- ના ખર્ચી પાથવે બનાવવા અંગે, વાહન શાખાના રીપોર્ટ અન્વયે ટ્રેક્ટરની ખરાબ થયેલી 2 બેટરીના ખર્ચ અંગે, વોટરવર્કસ શાખાના રીપોર્ટ અન્વયે લોકફાળાથી બનાવાયેલ બોર ઉપર 2 હેન્ડ પંપ મુકવાના ખર્ચ મંજુર કરવા, હેડ ક્લાર્કના રીપોર્ટ અન્વયે પાલિકાના નિવૃત કર્મચારીઓ એમ.ડી.મહેતા, યુ.જી.મકવાણા અને બી.એન.ઉસદડીયા દ્વારા પગાર ગ્રેડ સુધારવા બાબતે બનેલ કોર્ટ મેટરને સુલટાવી, કોર્ટના ચુકાદાને ફાઈનલ ગણી તાત્કાલિક નિવેડો લાવવા, તેમજ ઇલેક્ટ્રિક શાખાના રીપોર્ટ અન્વયે શહેરમાં એલઈડી લાઈટ ફીટીંગ માટે સરકારની બચત ગ્રાન્ટ અથવા સ્વભંડોળમાંથી રૂ.10 લાખનું ખર્ચ મંજુર કરવા વી. બાબતો બહાલી અર્થે રજુ થતા તમામ બાબતોને બહાલી આપવાની કાયદેસરની વિધિ હાથ ધરાઈ હોવાનું પાલિકા પ્રમુખ રમાબેન મકવાણા જણાવે છે.

તમામ તસ્વીરો અને સમાચારો : કશ્યપ જે.જોશી જેતપુર 9974262812

બુધવાર, 10 જૂન, 2015

જેતલસર જંકશનમાં સગીરા પર આચરાયું દુષ્કર્મ

જેતલસર જંકશનમાં સગીરા પર આચરાયું દુષ્કર્મ 
જેતપુર તા.10
જેતલસર જંકશનમાં રહીને ભિક્ષાવૃતિ કરતા એક પરિવારની સગીર પુત્રી સાથે સ્થાનિક કોળી ઢગાએ દુષ્કર્મ આચાર્યાની તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવતા પીએસઆઈ કરમટીયાએ તપાસ હાથ ધરી છે.
મળતી વિગતો મુજબ જેતપુર તાલુકાના જેતલસર જંકશન ખાતે રહેતા એક પરિવારની 13 વર્ષની સગીર પુત્રીને ઘરે એકલી છોડી પરિવારજનો ધાર્મિક પ્રસંગ સબબ બહારગામ ગયા હતા. આ મોકાનો ગેરફાયદો ઉઠાવી જંકશનમાં રહેતાજ અજય ગોરધન નામના કોળી ઢગાએ શારીરિક છેડછાડ કરી દુષ્કર્મ આચર્યાની જાણ થયા બાદ ભોગ બનનાર કિશોરીની માતાએ તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવતા તાલુકા ફોજદાર આર એન કરમટીયાએ ગણતરીની કલાકોમાં અજયને ઝડપી લીધો હતો. આ લખાય છે ત્યારે એક ટેલીફોનીક  દરમિયાન ફોજદાર કરમટીયાએ જણાવેલ કે અજયની દાકતરી તપાસ આટોપાઈ ગઈ છે. તેમજ અજય સામે પોસ્કો મુજબની કલમનો પણ ગુનો નોધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરાઈ છે.

-----------------------------------------------------------------------------------------------------------------
જેતપુરમાં સ્લેબનું છજુ માથે 
પડતા પરપ્રાંતીય મજુરનું મોત 
જેતપુર તા.10
ગઈ કાલે જેતપુરના ફિલ્ટર પ્લાન્ટના એક કામમાં ભરાયેલ સ્લેબનું એક છજુ નીચે પડતા ઘાયલ એક પરપ્રાંતીય નું મોત થયાની ઘટના શહેર પોલીસ દફતરે નોંધાઈ છે.
મળતી વિગતો મુજબ જેતપુર પાલિકાના ખીરસરા રોડ પર આવેલ પાણીના ફિલ્ટર પ્લાન્ટ ઉપર નાનું મોટું બાંધકામ થઇ રહ્યું છે. આ બાંધકામના એક સ્લેબના ટેકા ચોકા હટાવતી વખતે એક સ્લેપનું છજુ(પતરું) નીચે પડતા, નીચે કામ કરી રહેલ પરપ્રાંતીય મજુર સુજીતને લાગતા ગંભીર ઈજાઓ સાથે અહીના સરકારી દવાખાને ખસેડેલ પણ તેને હોસ્પિટલસુત્રોએ મૃત જાહેર કરેલ, પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
કશ્યપ જે. જોશી જેતપુર 99742 62812




જેતપુર બ્રહ્મસમાજના પ્રમુખની મામલતદારને રજૂઆત જેતપુરના નવાગઢ ચોકડીની બંને બાજુ અત્યંત બિસ્માર રોડ તાકીદે રીપેર કરાવો




જેતપુર બ્રહ્મસમાજના પ્રમુખની મામલતદારને રજૂઆત 
જેતપુરના નવાગઢ ચોકડીની બંને બાજુ 
અત્યંત બિસ્માર રોડ તાકીદે રીપેર કરાવો 
જેતપુર તા.10
જેતપુરના નવાગઢમાં ચોકડીની બંને બાજુના સર્વિસ રોડ અત્યંત બિસ્માર બન્યા હોય તાકીદે રીપેર કરાવવા સમસ્ત બ્રહ્મસમાજ જેતપુરના પ્રમુખ કાળુભાઈ જોશીએ આજે સ્થાનિક મામલતદારને લેખિત રજૂઆત કરી હતી.
રજુઆતમાં જણાવાયું છે કે જેતપુરના નવાગઢ અંડર બ્રીજની બંને બાજુનો સર્વિસ રોડ એટલી હદે ખાડા ખબડાથી બિસ્માર બન્યો છે કે નાના મોટા વાહન ચાલકો ત્રાસી ગયા છે. આ રોડ પરના ખાડા તારવવા રોજ બરોજ નાના મોટા અકસ્માતોના બનાવો બનતા હોય તંત્રએ વાહન ચાલકોની ફરિયાદ તાકીદે નિવારવી જરૂરી છે.
રજૂઆત કરનારે એક એવું પણ દુઃખ વ્યક્ત કર્યું છે કે તાલુકા મથક એવા જેતપુર શહેર કે તાલુકાના ગામડાઓમાં બનતા અકસ્માતોના બનાવમાં ગંભીર રીતે ઘવાયેલા ઈજાગ્રસ્તોને રાજકોટ રીફર કરાય ત્યારે નવાગઢનો આ જ રોડ ઉપયોગ કરવો પડતો હોય, ઘણીવાર ગંભીર ઈજાગ્રસ્તોની હાલત આ રોડ પરથી પસાર થતી વખતે જોખમાય છે. 
કાળુભાઈએ એવું પણ જણાવેલ છે કે નવાગઢ રેલવેના બેઠા પુલ નીચેનો રસ્તો પણ બિસ્માર બન્યો હોય, તેમજ આ પુલ નીચે વરસાદી પાણી ભરાતા હોય, સંબંધિત તંત્રએ તાકીદે ઘટતું કરવું જરૂરી છે.
જેતલસર-જુનાગઢ રોડની પણ દયનીય હાલત !
જેતપુર : તત્કાલ હનુમાન જેતપુરથી સોમનાથ સુધીનો બનેલો ફોર ટ્રેક રોડ જેતલસરમાંથી પસાર થાય છે. આ રોડ બન્યો એટલે જુનાગઢ રોડને ટચ રોડ સુધીનો બાઈપાસ રસ્તો સારો કરાયો પણ, આ બાઈપાસથી જેતલસર રેલ્વે ફાટક(જુનાગઢ રોડ, જેતપુર જતા ) એટલી હદે બગડ્યો કે અહી પણ અવારનવાર અકસ્માતો બને છે. નેશનલ હાઈવે ઓથોરીટીએ આ બંને રોડની હાલત સુધારવી જરૂરી હોવાનું વાહન ચાલકો જણાવે છે.
---------------------------------------------------------------------------------------------------------
જેતપુરના લેખકની રવિવારે 
આકાશવાણી પર બાળવાર્તા 
જેતપુર તા.10
આગામી 14.6.2015 ને રવિવારે આકાશવાણી રાજકોટ કેન્દ્ર પરથી, સવારે 9-30 વાગ્યે પ્રસારિત થતા બાલસભા કાર્યક્રમમાં જેતપુરના લેખક, વાર્તાકાર હરીશભાઈ મણિયારનો 24 મો કાર્યક્રમ ''બાળવાર્તા'' પ્રસારિત થનાર હોવાનું જણાવાયું છે.
કશ્યપ જે. જોશી જેતપુર જેતલસર 9974262812






મંગળવાર, 9 જૂન, 2015

જેતપુરમાં સમર્પણ ગ્રુપ દ્વારા સરસ્વતી સન્માન સમારોહનું આયોજન

જેતપુરમાં સમર્પણ ગ્રુપ દ્વારા 

સરસ્વતી સન્માન સમારોહનું આયોજન 

જેતપુર તા.9

સમર્પણ ગુર્પ જેતપુર દ્વારા માત્ર ધોરણ 4 થી 8 ના વિદ્યાર્થીઓ કે જેઓ પોત પોતાની શાળામાં પ્રથમ નંબરે ઉતીર્ણ થયા હોય તેઓને સન્માનિત કરાશે.  સન્માન સમારોહમાં જોડવા ઈચ્છુક ઉપરોક્ત ધોરણના વિદ્યાર્થી ભાઈ બહેનોએ પરિણામની ઝેરોક્સ કોપી સંસ્થા કાર્યાલય, પરાગ પુસ્તકાલય, ખોડપરા મેઈન રોડ, જેતપુર ખાતે પહોંચતી કરવા સંસ્થા પ્રમુખ હરીશભાઈ મણીયારનો અનુરોધ છે.

 

 

 

 

 

જેતપુરમાં નવનિર્મિત શીતળા 

માતાજીના મંદિરનું લોકાર્પણ

જેતપુર તા.9

જેતપુરમાં ભાદર નદી કાંઠે આવેલ વર્ષોજુના શીતળા માતાજીના મંદિરની કાયાપલટ શહેરના જાણીતા દાતા જગદીશ પાંભરે કરાવી હતી. નવનિર્મિત મંદિરના લોકાર્પણ માટે ગઈકાલે મંદિરની જગ્યામાં હોમ-હવનનું આયોજન કરાતા ભાવિકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. જગદીશભાઈ પાંભરે પોતાની સેવાનો સિલસિલો ચાલુ રાખી મંદિરનું પોતાના હસ્તે લોકાર્પણ કર્યું હતું તે તસ્વીરમાં દેખાય છે.

 

 

 

પાલિકા પ્રમુખના સ્વર્ગીય પુત્રના માનમાં 

શ્રી સત્યનારાયણ ભગવાનની કથા યોજાઈ

જેતપુર તા.9

જેતપુર નવાગઢ નગર પાલિકાના પ્રમુખ રમાબેન રામજીભાઈ મકવાણાના સ્વર્ગીય પુત્ર દેવેન્દ્ર(દેવ)ની પ્રથમ વાર્ષિક પુણ્યતિથી નિમિત્તે ગઈકાલે મેઘવાળ જ્ઞાતિના મુક્તિધામ ખાતે બનાવાયેલ દેવસ્મૃતિ જગ્યામાં શ્રી સત્યનારાયણ ભગવાનની કથાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પાલિકા કર્મીઓ સહીત મોટી સંખ્યામાં ભાવિકોએ કથાશ્રવણનો  લાભ લીધો હતો. તકે બટુકભોજનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું તેવું યોગેશ મકવાણાએ જણાવ્યું હતું.. 

કશ્યપ જે. જોશી જેતપુર 99742 62812

 

સોમવાર, 8 જૂન, 2015

જેતપુર પાલિકા દ્વારા આયોજિત 

રાત્રી પ્રકાશ ટુર્નામેન્ટમાં મેદાન 

મારી જતી ઉપલેટાની ટીમ 

જેતપુર તા.8

જેતપુર નવાગઢ નગરપાલિકા દ્વારા તાજેતરમાં યોજાયેલ રાત્રી પ્રકાશ ક્રિકેટ ટુર્નામેન્ટની ફાઈનલ મેચમાં ઉપલેટાની યોગી ટીમનો વિજય થયો હોવાનું પાલિકાના રમ્મત ગમ્મત ચેરમેન અરવિંદ વણજારાએ જણાવ્યું હતું.

મળતી વિગતો મુજબ અહીના જીમખાના મેદાનમાં જેતપુર નગર પાલિકા દ્વારા ઓપન સૌરાષ્ટ્ર રાત્રી પ્રકાશ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. 15 દિવસ ચાલેલી ટુર્નામેન્ટમાં સૌરાષ્ટ્રની 40 થી વધુ ટીમોએ ભાગ લીધો હતો. ટુર્નામેન્ટના ફાઈનલ મેચમાં ધોરાજીની શિવશક્તિ ઇલેવનના ખેલાડીઓએ નિર્ધારિત ઓવર્સમાં 106 રન બનાવ્યા હતા. જે લક્ષ્યાંકને પાર પાડવાની નેમ સાથે ઉતરેલ ઉપલેટાની યોગી ઈલેવનના ખેલાડીઓએ આસાનીથી 107 રન બનાવી લેતા તેનો વિજય થયો હતો.

દરમિયાન રાજ્ય મંત્રી જયેશભાઈ રાદડિયા, ભાજપ અગ્રણી મનસુખભાઈ ખાચરીયા જેતપુર પાલિકા પ્રમુખ રમાબેન મકવાણા વિગેરેની હાજરીમાં ફાઈનલ મેચ દરમિયાન જાહેર કરાયેલા મેન ઓફ ધી સીરીજ સંજય ડેર, બેસ્ટ બેટ્સમેં મજહરખાન, બેસ્ટ બોલર જયદીપસિંહ ઝાલાને પારિતોષિક ઇનામો એનાયત કરાયા હતા. ફાઈનલ મેચની વિજેતા ઉપલેટાની ટીમને રાજ્ય મંત્રી જયેશ રાદડિયા દ્વારા રોકડ રૂ.11000, તથા રનર્સઅપ ટીમને રોકડ રૂ.5000 અપાયા હતા. તકે પાલિકા પ્રમુખના સ્વર્ગીય પુત્ર દેવેન્દ્ર મકવાણાની યાદમાં શિલ્ડ તેમજ ઇનામો અપાયા હોવાનું અરવિંદ વણજારા જણાવે છે.

કશ્યપ જે. જોશી જેતલસર 99742 62812

 

 

 

જેતપુર ડાઈંગ એશો.- પ્રદુષણ નિયંત્રણ બોર્ડ દ્વારા 

ભાટગામ ખાતે વિશ્વ પર્યાવરણ દિનની ઉજવણી કરાઈ 

જેતપુર તા.8

તાજેતરમાં જેતપુર ડાઈંગ એન્ડ પ્રિન્ટીંગ એશો. તેમજ જેતપુર પ્રદુષણ નિયંત્રણ બોર્ડના સુત્રો દ્વારા જેતલસર પંથકના ભાટગામ(સાડી ધોલાઈઘાટ ટ્રીટમેન્ટ)  ખાતે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. તકે બંને સંસ્થાના પદાધિકારીઓ દ્વારા અનેક જગ્યાએ વૃક્ષરોપણ કરી અન્યોને વૃક્ષારોપણનો રાહ ચીંધ્યો હતો.

કશ્યપ જે. જોશી જેતલસર 99742 62812

 

 

ગૌસેવાના લાભાર્થે 

જેતલસર પંથકના રૂપાવટી ગામે આજે રામામંડળ 

જેતલસર તા.8

જેતલસર પંથકના રૂપાવટી ગામે કામધેનું ગૌ રક્ષક ગ્રુપ દ્વારા, ગૌશાળાના લાભાર્થે આજે તા.9.6. ને મંગળવારે રાત્રીના 9 વાગ્યે રામામંડળ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. નવા રણુજા જગ્યાના મહંત કરશનદાસબાપુરાજ્યમંત્રી જયેશ રાદડિયા, જેતપુર પાલિકા પ્રમુખ રમાબેન મકવાણા, જેતપુરમાં દાનવીર તરીકે જાણીતા જગદીશ પાંભર સહિતના અગ્રણી આગેવાનોની હાજરીમાં યોજાનાર ધાર્મિક કાર્યક્રમનો લાભ લેવા આજુબાજુની ધર્મપ્રેમી જનતાને કામધેનું ગૌ રક્ષક ગ્રુપ કમિટી, રૂપાવટી દ્વારા અનુરોધ કરાયો છે.

કશ્યપ જે. જોશી જેતલસર 99742 62812