રાજકોટ તા. ૨૫ મે – મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ પ્રાથમિક શિક્ષણ અને સર્વ શિક્ષા અભિયાનમાં ગુજરાતને કેન્દ્ર સરકાર જે અન્યાય કરી રહી છે તે અંગે પીડા સાથે આક્રોશ વ્યકત કર્યો હતો.
શિક્ષણન પવિત્ર કાર્યમાં પણ હવનમાં હાડકા નાંખવાનું પાપ કેન્દ્રની સરકારે કર્યું છે. ગુજરાતના શિક્ષકોનો પગાર, બાળકોના પાઠ્યપુસ્તકો અને ગણવેશની એક પાઇ પણ ગુજરાતને કેન્દ્ર સરકાર આપતી નથી. આ ધરાર અન્યાય છતાં ગુજરાત સરકારે શિક્ષણને ઘર ઘર સુધી પહોંચાડીને શિક્ષણ જયોત ઝળહળતી રાખવાનું અભિયાન ઉપાડયું છે એમ તેમણે જણાવ્યું હતું.
રાજય સરકારે શિક્ષણમાં નવી પહેલરૂપે ત્રણ આયામો હાથ ધર્યા છે તેમાં દરેક જિલ્લામાં ટેકનોલોજી સુવિધાથી સુસજજ મોડેલ સ્માર્ટ સ્કૂલ દરેક જિલ્લામાં એક પર્યાવરણ સુરક્ષિત ગ્રીન સ્કૂલ અને દરેક જિલ્લામાં એક મોડેલ સ્પોર્ટસ સ્કુલનું નિર્માણ કરાશે તેની ભૂમિકા મુખ્યમંત્રીએ આપી હતી.
શ્રી નરેન્દ્રભાઇ મોદીએ રાજકોટ સ્વામિનારાયણ ગુરૂકુલ સંચાલિત મોરબીમાં ઇન્ટરનેશનલ સ્કુલના ભવ્ય શૈક્ષણિક ભવન- પરિસરનું ઉદઘાટન કરતા ગુરૂકુલ પરંપરાએ શિક્ષણ અને સંસ્કારના નવા કિર્તીમાન સ્થાપિત કર્યા છે. મનુષ્યરૂપી ઉત્તમ પાકનું નિર્માણ એ આ શિક્ષણ સંસ્કારનો યજ્ઞ છે એમ તેમણે જણાવ્યું હતું.
૧૯૪૮માં રાજકોટમાં સ્વામિનારાયણ ગુરૂકુલની સ્થાપના પછી સંસ્કાર- સંસ્કૃતિના મૂલ્યો સાથેની આ શૈક્ષણિક સંસ્થાની મોરબીમાં ૨૪મી શાળા શરૂ થઇ છે. એક જ વર્ષમાં ૮૦ વર્ગખંડો સાથેનું ૧.૨૭ લાખ ચો.ફૂટના વિસ્તારમાં આ ભવન સંસ્થાન શરૂ થયું છે અને દાતાઓના સહકારથી તેનું સંચાલન થઇ રહયું છે. આ શ્રેષ્ઠી દાતાઓનું જાહેર સન્માન મુખ્યમંત્રીશ્રીએ કર્યું હતું.
ગુરૂકુલ શિક્ષણ એ સંસ્કારની ઉત્તમ શૈક્ષણિક પરંપરા છે એવું ગૌરવપૂર્વક જણાવતા શ્રી નરેદ્રભાઇ મોદીએ જણાવ્યું કે આપણા સમાજ અને રાજયમાં સામાજિક પ્રવૃતિ સમાજ અને સંતો દ્વારા ચાલે છે તે સરકાર કરતા પણ ઉત્તમ છે. આ સમાજશકિતની મૂડી છે.
યુવાનોની નવી પેઢીના સ્કીલ ડેવલપમેન્ટ માટે ગુજરાતે પણ ગૌરવ મેળવ્યુ છે તેની ભૂમિકા તેમણે આપી હતી. ગુજરાત સરકારે યુવાનોમાં ખેલદિલીની ભાવના વિકસાવવા સ્પોર્ટસ યુનિવર્સિટી સ્થાપી છે. તેની રૂપરેખા પણ મુખ્યમંત્રીશ્રીએ આપી હતી. સમાજશકિતને જોડીને શિક્ષણની નવી સૃષ્ટિ ઉભી કરાશે તેમ તેમણે જણાવ્યું હતું અને ગુરૂકુલની મોરબી શિક્ષણ સંસ્થા તેનું દિશાપ્રેરક નેતૃત્વ લે તેવું આહવાન આપ્યું હતું.
શ્રી સ્વામિનારાયણ ગુરૂકુલ મોરબીના ઉદઘાટન મહોત્સવની વિસ્તૃત જાણકારી આપતા સ્વામિશ્રી દેવકૃષ્ણદાસજીએ જણાવ્યું હતું કે, મોરબી- માળીયા બાયપાસ પાસે ૨૨ વીઘા જમીનના વિશાળ કેમ્પસમાં ૧ લાખ ૨૭ હજાર ચોરસ ફુટ બાંધકામવાળા શૈક્ષણિક સંકુલમાં અંગ્રેજી માધ્યમમાં ધોરણ-૧ થી ૭ અને ગુજરાતી માધ્યમમાં ધોરણ-૧ થી ૯ માં વિદ્યાર્થીઓ અભ્યાસ કરશે, ચાલુ સાલે અંગ્રેજી માધ્યમમાં ૩૧૫ અને ગુજરાતી માધ્યમમાં ૮૬૪ થી વધુ વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો છે.
આ પ્રસંગે રાજયમંત્રીશ્રી જયંતિભાઇ કવાડિયા, ધારાસભ્યશ્રી મોહનભાઇ કુંડારિયા, શ્રી કાંતિભાઇ અમૃતિયા, એસ.ટી. નિગમના ચેરમેનશ્રી બાબુભાઇ ઘોડાસરા, અગ્રણીશ્રી લાલજીભાઇ પટેલ, શ્રી મગનભાઇ ભોરણિયા, શ્રી ગોવિંદભાઇ વરમોરા, શ્રી નાનજીભાઇ લોદરીયા, શ્રી હરજીભાઇ પટેલ, શ્રી પ્રવિણભાઇ પટેલ, શ્રી ધર્મવલ્લભદાસ સ્વામી, શ્રી નિલકંઠ ચરણદાસજી સ્વામી, સંત વલ્લભદાસજી સ્વામી તથા સંતગણ, વિદ્યાર્થીઓ અને વાલીઓ વગેરે ઉપસ્થિત રહયા હતાં.




































