રાજકોટ
કચ્છના માંડવીથી જાન લઇ જામનગર જઇ રહેલા વાલ્મિકી પરિવારની મારૂતિ વાનને મોરબી નજીક નડેલા ગોજારા અકસ્માતમાં આ પરિવારના નવ સભ્યોના મૃત્યુ બદલ મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ ઉંડા શોકની લાગણી વ્યક્ત કરી છે.
આ અકસ્માતમાં જાન ગુમાવનાર હતભાગીઓના વારસદારને માનવતાના ધોરણે સહાયરૂપે રૂ.૧ લાખની સહાય ચૂકવવાના આદેશ કર્યા છે.
આ ઉપરાંત ઇજા પામેલ તમામ વ્યકિતઓને સરકારી ખર્ચે પૂર્ણ સારવાર આપવા માટેની સૂચનાઓ પણ મુખ્યમંત્રીશ્રીએ જિલ્લા સત્તાવાળાઓને આપી છે.
મોરબી સ્વામિનારાયણ ગુરૂકુલના ઉદઘાટન પ્રસંગે આવેલા મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ આ અકસ્માતમાં મૃત્યુ પામેલા હતભાગી પરિવારને રાજય સરકાર દ્વારા જરૂરી અને નિયમોનુસાર તમામ મદદ કરવામાં આવશે તેમ કહ્યું હતું. આ માટે જરૂરી સુચનાઓ આપી દેવામાં આવી છે. મૃતકો પ્રત્યે સાંત્વના પણ વ્યક્ત કરી છે.
આ અકસ્માતમાં કચ્છના માંડવીના મુકેશભાઇ ધનજીભાઇ મકવાણા(ઉ.વ. ૪૨), રીટાબેન મુકેશભાઇ મકવાણા(ઉ.વ. ૪૦), વિશાલ મુકેશભાઇ મકવાણા(ઉ.વ. ૧૨), ભાવનાબેન કુંદનભાઇ રાઠોડ(ઉ.વ. ૨૦), ચંદ્રિકા શામજીભાઇ ચૌહાણ(ઉ.વ. ૦૮), પાયલ જીતેન્દ્રભાઇ બારૈયા(ઉ.વ. ૧૦), હેમાંશુ જીતેન્દ્રભાઇ બારૈયા(ઉ.વ. ૧૧), ઉરાશ ઓસ્માનભાઇ સુમરા(ઉ.વ. ૨૪) ના ઘટના સ્થળે અને કુંદનભાઇ જીવાભાઇ રાઠોડ નામના યુવાનનું રાજકોટ ખાતે ટુંકી સારવાર બાદ મૃત્યું થયું હતું. મોરબીના પંચાસર ચોકડી પાસે જાનની મારૂતિ વાન(નં. જી.જે.૧૨ જે-૫૭૬૪) તથા ગુડઝ ટ્રક (નં.જી.જે.-૧ ટીટી- ૯૯૨૨) વચ્ચે વહેલી સવારે ૫.૧૫ વાગ્યાના સુમારે થયેલા અકસ્માતમાં આ પરિવારના સભ્યોએ જાન ગુમાવ્યા હતાં.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો