સખી મંડળની પ્રવૃત્તિઓ અને વિત્તીય
સમાવેશન દ્વારા ગ્રામ વિકાસને મળશે ઉત્તેજન
વડોદરા
જિલ્લા કલેકટર શ્રી વિનોદ રાવે, સોમવારે તેમના
અધ્યક્ષપદે મળેલી જિલ્લા સમન્વય સમિતિની (ડીએલસીસી)ની બેઠકમાં સન ૨૦૧૨-૧૩ના વર્ષ માટેના અને રૂા.
૨૬૮૧ કરોડની જોગવાઈ ધરાવતા વાર્ષિક ધિરાણ આયોજન ડિસ્ટ્રિકટ ક્રેડીટ
પ્લાનનું વિમોચન કર્યું હતું. તેમણે સન ૨૦૧૧-૧૨ના વર્ષના રૂા. ૨૧૪૮ કરોડના
ધિરાણ આયોજનની સામે પ્રાથમિકતા ક્ષેત્રોમાં રૂા. ૨૩૮૯ કરોડના ધિરાણો પૂરાં પાડીને ૧૧૦
ટકા લક્ષ્યાંક સિદ્ધિ તેમજ સામાજિક-આર્થિક વિકાસ માટે નાણાંકીય યોગદાન આપવાની
કટિબદ્ધતા માટે ડીએલસીસી સાથે સંકળાયેલી તમામ સદસ્ય બેન્કો અને નાણાંકીય સંસ્થાઓને
અભિનંદન પાઠવ્યા હતા. લીડ ડિસ્ટ્રિકટ મેનેજરશ્રી નારણભાઈ વાળંદે જણાવ્યું હતું કે
સમગ્ર વર્ષ માટેની ધિરાણ યોજના તૈયાર કરવામાં તમામ બેન્કો, સરકારી વિભાગો, ભારતીય રીઝર્વ બેન્ક
અને નાબાર્ડનો સહયોગ મળે છે. ગયા વર્ષના ધિરાણ આયોજનના સફળ અમલીકરણમાં જિલ્લા કલેકટરશ્રીના
માર્ગદર્શન, જિલ્લા વિકાસ અધિકારીશ્રી રાકેશ શંકર સહિત સંકળાયેલા તમામ સરકારી અને બેંક
અધિકારીઓનો સહયોગ ચાવીરૂપ પુરવાર થયો છે. આ વર્ષના ધિરાણ આયોજના હેઠળ પ્રાથમિકતા
ક્ષેત્રોમાં પણ લધુ ધિરાણ, સખી મંડળોની(આજીવીકા) પ્રવૃત્ત્િાઓ તેમજ વિત્તીય સમાવેશન (ફાઈનાન્સીયલ
ઈન્કલુઝન)દ્વારા ગ્રામ વિકાસના આયોજનોને અગ્રતા આપવામાં આવશે. તેનાથી મહિલાઓ, નાના ખેડૂતો, ગ્રામિણ કારીગરોના
સશકિતકરણને વેગ મળશે.
ગુજકેટ પરીક્ષાના સંદર્ભમાં કેટલાક
નિયંત્રક આદેશ જારી
વડોદરા
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણબોર્ડ
ગાંધીનગર દ્વારા એન્જિનિયરિંગ ડિગ્રી-ડિપ્લોમા ફાર્મસી તથા મેડિકલ અભ્યાસક્રમોમાં
પ્રવેશ મેળવવા માટેની ગુજરાત કોમન એન્ટરન્સ ટેસ્ટ (ગુજકેટ)ની પરીક્ષા તા.
૫/૪/૧૨ના રોજ વડોદરા શહેરના
કુલ ૩૯ સ્કૂલ-કેન્દ્રો પર લેવાનાર છે. આ પરીક્ષા દરમિયાન કોઈ ગેરરીતિ ન થાય, પરીક્ષાર્થી
નિર્ભયતાથી પરીક્ષા આપી શકે તથા કાયદો-વ્યવસ્થાની જાળવણી સુનિશ્ચિત કરવા જાહેર
શાંતિ અને સલામતી જાળવવા સાથે પરીક્ષાના મુકત ન્યાયી અને સરળ સંચાલન માટે તેમજ
પરીક્ષમાં ગેરરીતિ અટકાવવા શહેર પોલીસ કમિશનરશ્રીએ કેટલાક કૃત્યો કરવા પર પ્રતિબંધ
ફરમાવ્યો છે.
એક જાહેરનામા દ્વારા ક્રિમીનલ પ્રોસિજર કોડની
કલમ-૧૪૪ અંતર્ગત તા.૫/૪/૧૨ના રોજ સવારના ૯.૦૦થી સાંજના ૭.૦૦ વાગ્યા સુધી
પ્રતિબંધ ફરમાવ્યો છે. શહેરના જે કેન્દ્રો પર પરીક્ષા લેવાનાર છે તે
કેન્દ્રોની શાળાઓના પરીક્ષા ખંડની અંદર તથા શાળાની ચારેય બાજુ ૨૦૦ મીટર વિસ્તારમાં
ઉકત સમય અને તારીખ દરમિયાન કોઈ ખાનગી કે જાહેર સ્થળો કોઈપણ વ્યકિતએ સેલ્યુલર ફોન, હેન્ડ સેટ, વોકીટોકી, કોડલેસ ફોન, વાયરલેસ વગેરે લઈ જવા
પર પ્રતિબંધ ફરમાવ્યો છે. આ સાથે ફોટો કોપિયર ઝેરોક્ષ મશીન ચાલુ રાખવા તથા
પરીક્ષાર્થીઓને ખલેલ પડે તે રીતે કોઈ અનઅધિકૃત વ્યકિતઓ એકત્ર થઇ શકશે નહિ કે
શાળાઓમાં પ્રવેશ કરી શકશે નહિ. વાહનો લઈ જઈ શકશે નહિ. આ પ્રતિબંધ જાહેરાતનો અથવા
શહેર પોલીસ કમિશનરશ્રીના હકૂમના સમગ્ર વિસ્તારમાં આવેલી શાળાઓમાં લાગુ કરવામાં
આવ્યો છે.
ગરો-બ્રાહ્મણ સમાજના સદસ્યો માટે
કર્મકાંડ તાલીમ વર્ગ ઃ પ્રવેશ માટે અરજી કરો
વડોદરા જિલ્લા પછાતવર્ગ કલ્યાણ અધિકારીની કચેરી
દ્વારા ગરો બ્રાહ્મણ જાતિના યુવાનોને ધાર્મિક પંરપરાઓને તેમજ જુદાં જુદાં
સંસ્કારોને જીવંત રાખીને વૈકલ્પિક રોજગારીની નવી દિશા ખોલવા માટે સ્વામી
તેજાનંદ કર્મકાંડ તાલીમ વર્ગનું અભિનવ આયોજન કરવામાં આવ્યું છે. આ વર્ગમાં
ઉપરોકત સમાજના ૪૫ વર્ષ સુધીની ઉંમર અને દશમા ધોરણ સુધીનું શિક્ષણ ધરાવતા વડોદરા
ઉપરાંત આણંદ, નડિયાદ, ભરૂચ, ગોધરા, દાહોદ, નર્મદા અને ખેડા જિલ્લાઓના ઉમેદવારો જોડાઈ શકશે. જેમણે અગાઉ તાલીમ લીધી છે. તેઓ
પ્રવેશને પાત્ર નથી. ગાયત્રી શકિતપીઠના સહયોગથી આ આયોજન કરવામાં આવ્યું છે. પ્રવેશ
ઈચ્છુકોને સાદા કાગળમાં અરજીઓ શાળા છોડયાનું પ્રમાણપત્ર તેમજ જાતિના દાખલાની નકલ
સાથે જિલ્લા પછાતવર્ગ કલ્યાણ અધિકારીની કચેરી, નર્મદા ભવન, સી-બ્લોક, બીજો માળ, વડોદરાને સત્વરે પહોંચતી કરવા જણાવાયું છે.
અરજીઓ સ્વીકારવાની છેલ્લી તા.૧૫/૦૪/૨૦૧૨ છે. પ્રવેશ મેળવનારાઓને તાલીમ દરમિયાન
વિનામૂલ્યે રહેવા-જમવાની સગવડ આપવામાં આવશે.
રાજકોટ ખાતે વડોદરા જિલ્લાના ઉમેદવારો
માટે લશ્કરી ભરતી મેળો
વડોદરા
તા. ૨૫/૪/૧૨ના રોજ રાજકોટ ખાતે વડોદરા જિલ્લાના
ઉમેદવારો માટે લશ્કરી ભરતીમેળો યોજવામાં આવ્યો છે. સોલ્જર ટેકનિકલ, સોલ્જર
ટેકનિકલ(નર્સીંગ આસી.) તથા સોલ્જર કલાર્ક/સ્ટોરકીપરની ભરતીમાં જવા ઈચ્છતા નીચે
જણાવ્યા મુજબની શૈક્ષણિક લાયકાત ધરાવતા હોય અને ૧૭ ૧/૨ થી ૨૩ વર્ષની વય ધરાવતા હોય
તેવા ઉમેદવારોએ સીટી પોલીસ હેડ કવાર્ટસ, રેસકોર્સ ગ્રાઉન્ડ, રાજકોટ ખાતે હાજર રહેવા આથી જણાવવામાં આવે છે.
સોલ્જર ટેકનિકલ માટે ઈન્ટરમીડીએટ/ધો. ૧૦+ર (એચ.એસ.સી.) પાસ વિજ્ઞાન પ્રવાહમાં અંગ્રેજી, ગણિત અને ફિઝીકસ
કેમેસ્ટ્રિના વિષયો સાથે પાસ હોવા જરૂરી છે. સોલ્જર ટેકનીકલ (નર્સીંગ આસી.) માટે
ઈન્ટમીડીએટ ધો. ૧૦+૨ (એચ.એસ.સી.) પાસ
વિજ્ઞાન પ્રવાહમાં અંગ્રેજી અને ફીઝીકસ, કેમેસ્ટ્રી તથા બાયોલોજીના વિષયો ૪૦ ટકા થી વધારે
ગુણ પ્રાપ્ત કરેલા હોવા જોઈએ. સરેરાશ કુલ માર્કસ ૫૦ ટકા થી વધારે હોવા જોઈએ. અથવા
બી.એસ.સી. ડીગ્રી બોટની/ઝુલોજી/બાયોસાયન્સ) અને અંગ્રેજી વિષય સાથે પાસ માર્કસ
ધરાવતા ઉમેદવારો માટે ન્યુનત્તમ ટકાવારી માફ છે. સોલ્જર કલાર્ક/સ્ટોરકીર માટે ધો. ૧૦+૨ (એચ.એસ.સી.)/ઈન્ટરમીડીએટ પાસ આર્ટસ/સાયન્સ/કોમર્સ
પ્રવાહમાં અંગ્રેજી, ગણિત, એકાઉન્ટસ અને બુક કીપીંગના વિષયો ૪૦ ટકાથી વધારે ગુણ પાપ્ત કરેલા હોવા જોઈએ.
સરેરાશ કુલ માર્કસ ૫૦ ટકા થી વધારે હોવા જોઈએ. બી.એસ.સી. મેથ્સ અને અંગ્રેજી વિષય
સાથે પાસ ઉમેદવારો માટે ન્યુનત્તમ ટકાવારી માફ છે. અંગ્રેજી, ગણિત, અકાઉન્ટસ, બુક કીપીંગના વિષયો
વિના સ્નાતક થયેલ ઉમેદવારો ધો. ૧૦ અથવા ધો. ૧૨માં અંગ્રેજી ગણિત એકાઉન્ટસ અને બુક
કીપીંગના વિષયોમાં ૪૦ ટકાથી વધારે ગુણ પ્રાપ્ત કરેલા હોવા જોઈએ.
એડવાન્સ મોટર વાહન વેરો ભરવાની મુદ્દતમાં
વધારો
વડોદરા
આરટીઓ, કચેરીમાં મુંબઇ મોટર વાહન વેરા અધિનિયમ ૧૯૫૮ તથા
મુંબઇ મોટર વાહન વેરા નિયમો ૧૯૫૯ હેઠળ નાણાકીય વર્ષ ૨૦૧૨-૧૩ માટે વેરો એડવાન્સ
ભરવાનો હોય છે. વેરો ભરવાની મુદત તા.૩૧/૩/૨૦૧૨ના રોજ પૂરી થતી હોય તેની મુદ્દત
નામદાર સરકારએ જાહેરનામા ક્રમાંકઃ પીટી/૨૦૧૧/૨૩એમટીએ/૧૦૨૦૧૦/૪૦૬/ખ તા.૨૩/૩/૨૦૧૨થી
કર ભરણાની મુદ્દત જાહેરહિતમાં તા.૨૦/૪/૨૦૧૨ (વીસ એપિ્રલ ૨૦૧૨) સુધી લંબાવી છે. તેની તમામ વાહન
માલિકો/કબજેદારોને નોંધ લેવા પ્રાદેશિક વાહનવ્યવહાર અધિકારી, વડોદરાની યાદીમાં
જણાવાયું છે.
એસએસજી હોસ્પિટલમાં માનદ સેવા આપવા તબીબો
સંપર્ક કરે
વડોદરા
રાજ્યના તબીબી શિક્ષકોની ચાલી રહેલ અચોક્કસ મુદતની
હડતાલ સંદર્ભે ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા વૈકલ્પિક
વ્યવસ્થા કરવા બાબત તા.૨૮/૩/૨૦૧૨ના સરકારી ઠરાવ ક્રમાંક એમસીજી/૧૦૧૨/એસએફએસ/૪૩/જ
બહાર પાડી ખાનગી પ્રેક્ટીશનર્સ કે જેઓ જરૂરી લાયકાત ધરાવતા હોય તેમની માનદ નિષ્ણાત
સેવાઓ લેવાનું ઠરાવેલ છે. ઈચ્છા ધરાવતા તબીબોએ એસ.એસ.જી. હોસ્પિટલ, વડોદરાના તબીબી
અધિક્ષકશ્રીની કચેરીનો સંપર્ક કરવા તબીબી અધિક્ષક ર્ડા. તેમજ મેડિકલ કોલેજના
ડીનશ્રી રાજીવ દેવેશ્વર દ્વારા જણાવાયું છે.
ત્રણ બાળ શ્રમિકોને મુક્ત કરાવાયા
વડોદરા
કલેકટરના અધ્યક્ષપદે બાળ મજૂર અધિનિયમ હેઠળ વડોદરા
જિલ્લા ટાસ્કફોર્સ કમિટીની જે રચના કરવામાં આવી છે, તે કામગીરીના ભાગરૂપે તાજેતરમાં મદદનીશ શ્રમ
આયુક્તશ્રી વી.કે.રાઠવા, ઇ.ચા. સરકારી શ્રમ અધિકારીશ્રી કે.એમ.રાઠવા તથા શ્રી વી.બી.ડામોર ઇ.ચા. સરકારી
શ્રમ અધિકારી શોપ ઇન્સ્પેકટર કચેરીનો સ્ટાફ, ફેકટરી ઇન્સ્પેકટર કચેરીનો સ્ટાફ, નાયબ શ્રમ આયુક્તશ્રી, વડોદરા કચેરીનો સ્ટાફ
તથા અમીત વસાવા જિલ્લા બાળ સંરક્ષણ એકમ અધિકારી વડોદરા તથા પોલીસ સ્ટાફ દ્વારા
શહેર વિસ્તારમાં નર્મદા ભવનથી કારેલીબાગ, હરણી રોડ, વુડા સર્કલ, ગોરવા રોડ, છાણી જકાતનાકા ખાતે દરોડાનું આયોજન કરવામાં આવ્યું
હતું.
એક ટીમ અલગ-અલગ વિસ્તારમાં નર્મદા ભવનથી કારેલીબાગ, હરણી રોડ, વુડા સર્કલ, ગોરવા રોડ, છાણી જકાતનાકા ખાતે
તેમજ તેની આજુબાજુના વિસ્તારમાં ટાસ્ક ફોર્સ રેડ પાડી ૦૩ બાળ કામદારોને મુક્ત
કરાવી વાલીને સ્થળ પર સુપ્રત કરેલ હતા. આ બાળ કામદારો નાસ્તાની લારી, ચાની લારી તથા
સેવ-ઉસળની લારીએથી મુક્ત કરાવવામાં આવેલ છે. તેમજ સંસ્થા માલિકો સામે કાયદા હેઠળની
નોટિસ આપી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
વડોદરા જિલ્લાના કલેકટરશ્રીએ ૧૪ વર્ષથી નાની ઉંમરના બાળકોને કામે રાખવા ગુનો
હોવાથી આવું ન કરવા અને બાળ મજૂરની માહિતી આપવા સંકોચ વગર નર્મદા ભવન, સી બ્લોકમાં આવેલી
નાયબ શ્રમ આયુક્તની કચેરીને જાણ કરવા અનુરોધ કર્યો છે.
નર્મદા કેનાલમાં મળી આવેલા મૃતક કિશોરના
વાલી સંપર્ક કરે
વડોદરા
શહેરના ઉડનદીપ ટોલ સામેની નર્મદા કેનાલમાંથી આશરે
૧૫ વર્ષની ઉંમરનો કિશોર મૃત હાલતમાં મળી આવ્યો છે. તા. ૨૪/૩/૧૨ના રોજ સવારના ૮.૪૫
કલાકના અરસામાં મળી આવેલા આ કિશોરે વાદળી રંગનું ટોપ અને છીંકણી રંગનો પાયજામો
પહેર્યો છે. જેના વાલીવારસોને ફતેગંજ પોલીસનો સંપર્ક કરવા જણાવાયું છે.
મૃત્યુ પામેલા અજાણ્યા પુરુષના વાલીવારસ પોલીસનો
સંપર્ક કરે
વડોદરા
પ્રતાપનગર ગોયાગેટ પોલીસ ચોકીની બાજુમાંથી તા.
૭/૨/૧૨ના રોજ આશરે ૪૫ વર્ષનો એક અજાણ્યો પુરુષ બેભાન હાલતમાં મળી આવતા વધુ સારવાર
અર્થે એસ.એસ.જી.હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. જેનું સારવાર દરમિયાન મૃત્યુ
થયું છે. આ મૃતક પાતળા બાંધાનો અને શ્યામ વર્ગનો છે. જેનું મોઢું લંબગોળ છે. જેણે
કથ્થાઈ રંગનું પેન્ટ પહેર્યું છે. જેના માથાના તથા દાઢીમૂંછના વાળ સફેદ છે જેના
વાલીવારસોને વાડી પોલીસનો સંપર્ક કરવા જણાવાયું છે.
પ્રતાપનગરનો યુવાન એકનાથ કેસારકર ગુમ થયો
છે
વડોદર
પ્રતાપનગર ખાતેની મસ્કે ચાલીમાં રહેતા એકનાથ
રામચંદ્ર કેસારકર ઉંમર આશરે ૩૮ વર્ષ તા. ૨૪/૩/૧૨ના રોજ સવારના ૯.૩૦ના સુમારે ધરેથી
ફતેગંજ રવિ સુઝુકીમાં નોકરી પર જવા નીકળેલા જે આજદિન સુધી પરત ફરેલ નથી. ગુમ થનાર
યુવાને લાઈટ બલ્યૂ રંગનું શર્ટ અને ડાર્ક બ્લ્યૂ રંગનું પેન્ટ પહેર્યું છે. શરીરે
મજબૂત બાંધાના અને ધઉંવર્ણના આ યુવાનની ઊંચાઈ ૫ ફૂટ ૪ ઈંચ છે. લંબગોળ મોઢું છે.
જેના શરીરના પાછળના ભાગે સફેદ ચાઠાં છે. જે ગુજરાતી, હિન્દી અને મરાઠી ભાષા બોલે છે. જેની ભાળ મળ્યે વાડી
પોલીસને જાણ કરવા જણાવાયું છે.
આજે ગુજકેટની બેઠક વ્યવસ્થા જાણી શકાશે
વડોદરા
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ
દ્વારા તા. ૫/૪/૧૨ના રોજ યોજાનાર ગુજકેટ પરીક્ષાની બેઠક વ્યવસ્થા પરીક્ષા સ્થળના
ગેટ ઉપર વિઘાર્થીઓ-વાલીઓ જોઈ શકે તેવી રીતે તા. ૪/૪/૧૨ના રોજ સવારના ૧૧.૦૦થી
૧૨.૦૦ વાગ્યા દરમિયાન મૂકવા જિલ્લાના ગુજકેટ પરીક્ષા સ્થળોના આચાર્યો, કેન્દ્રો સંચાલકોને
જણાવતા જિલ્લા શિક્ષણાધિકારીએ વિઘાર્થી-વાલીઓએ પરીક્ષા સ્થળો પર બેઠક વ્યવસ્થા
જોવા માટે શાળામાં કે બ્લોકમાં જવા આગ્રહ ન કરવા ઉમેર્યું છે.
ટૂંકી મુદતના અઘતન વ્યવસ્થાલક્ષી
કોર્સમાં પ્રવેશ મળવો
વડોદરા
અઘતન ટૂંકી મુદતના વ્યવસાયલક્ષી સીએનસી, ડીસીએસ, પીએલસી, વેલ્ડિંગ, ઈલેકટ્રિકલ એન્ડ
મિકેનિકલ મેઈન્ટેનન્સ, પી.બી. હાર્ડવેર એન્ડ નેટવર્કિંગ, પ્રોગ્રામિંગ-સી, સી પ્લસ, જાવા ઓટોકેડ ૨ડી-૩ડી, એમડીટી માઈક્રો પ્રોસેસર, કન્ટ્રોલર, માસ્ટર કેમ વગેરે
કોર્સમાં પ્રવેશ કાર્યવાહી ચાલુ છે. આ કોર્સમાં પ્રવેશ માટે બેઝિક લાયકાત આવશ્યક
છે. પ્રવેશ ઈચ્છુક ઉમેદવારોએ આઈ.ટી.સી., આઈટીઆઈ તરસાલીનો ટેલીફોન નં. ૦૨૬૫-૨૬૩૦૬૩૪, ૨૬૪૬૬૭૮ પર સંપર્ક
કરવા જણાવાયું છે.
એ અજાણ્યા પુરુષના વાલીવારસ મકરપુરા
પોલીસનો સંપર્ક કરે
વડોદર
શહેરના તરસાલી દિવાળીપુરા જુરપાર્ક નાકા પાસેથી તા.
૨૪/૩/૧૨ના રોજ આશરે ૩૦ વર્ષનો અજાણ્યો પુરુષ બીમાર હાલતમાં મળી આવતા વધુ સારવાર
માટે એસ.એસ.જી.હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જેનું તા. ૨૬/૦૩/૨૦૧૨ના રોજ
મૃત્યુ થયું છે. જેના વાલીવારસોને મકરપુરા પોલીસનો સંપર્ક કરવા જણાવાયું છે.
નડિયાદ
પ્રજાની સુખાકારી રાજય સરકારના હૈયામાં વસેલી છે - ખેડા જિલ્લા પંચાયત પ્રમુખશ્રી રાકેશભાઇ રાવ
રાજયના વિકાસમાં સમાજના દરેક વર્ગ અને જાતિના લોકોને સાથે રાખી અવિરત કૂચ ચાલુ રાખવાની છે -મહિલા આયોગના ચેરપર્સન શ્રીમતી લીલાબેન અંકોલીયા
ઠાસરા મુકામે અઘતન મામલતદાર કચેરીનું લોકાર્પણ કરાયુ
ખેડા જિલ્લાના ઠાસરા મુકામે અઘત્તન મામલતદાર કચેરીનું લોકાર્પણ કરતા જિલ્લા પંચાયત પ્રમુખશ્રી રાકેશભાઇ રાવએ જણાવ્યું હતું કે, રાજય સરકારના હૈયામાં પ્રજાની સુખાકારી વસેલી છે. ઠાસરા ખાતે કુલ ૧૪૭૬ ચોરસ મીટર વિસ્તારનું બાંધકામ ધરાવતી અને રૂપિયા ૧૯૬.૨૬ લાખના ખર્ચે નિર્માણ પામેલ મામલતદાર કચેરીમાં મામલતદાર કચેરી ઉપરાંત સીટી સર્વેની કચેરી તથા સબ રજીસ્ટ્રશ્રીની કચેરીનો પણ સમાવેશ કરવામાં આવ્યો હોવાથી હવેથી તાલુકામાંથી આવતા ગ્રામજનોને તેઓની જરૂરી તમામ સુવિધાઓ એકજ જગ્યાએથી મળતી થશે જેથી તેઓનો સમય બચશે અને ત્વરીત સેવાનો લાભ મળશે. ઠાસરા તાલુકામાં છેલ્લા ત્રણ વર્ષમાં સ્ટેટ અને પંચાયત હસ્તકના રસ્તાઓના રૂા.૪૮.૬૬ કરોડના ૬૧ કામો ૧૬૦.૦૫ કિ.મી. લંબાઇનાં પૂર્ણ કરવામાં આવેલ છે અને આ તાલુકામાં છેલ્લા ત્રણ વર્ષમાં મકાનોના રૂા.૦.૨૬ કરોડના ૨ કામો પૂર્ણ કરવામાં આવેલ છે. આ ઉપરાંત વર્ષ ૨૦૧૧-૧૨માં સ્ટેટ અને પંચાયત હસ્તકના રસ્તાઓના રૂા.૧૬.૩૬ કરોડના ૩૨ કામો ૭૪.૩૦ કિ.મી. લંબાઇના મંજૂર કરવામાં આવેલ છે જે બતાવે છેકે, રાજય સરકાર રાજયના નાનામાં નાના ગામડાથી લઇ શહેરી વિસ્તાર તમામનો એક સરખો વિકાસ કરવા કટીબધ્ધ છે.
આ પ્રસંગે ઉપસ્થિત ગુજરાત રાજય મહિલા આયોગના અધ્યક્ષા શ્રીમતી લીલાબેન અંકોલીયાએ જણાવ્યું હતું કે, રાજય સરકારે છેલ્લા દશ વર્ષથી આદરેલી વિકાસની કૂચમાં કોઇ પણ જાતનો ભેદભાવ રાખ્યા વગર દરેક જાતિ અને વર્ગને સામેલ રાખી "સૌનો સાથ, સૌનો વિકાસ' મંત્રને ફળીભૂત કર્યો છે. નાના ભૂલકાઓથી લઇ મહિલાઓ, કન્યાઓ, ખેડૂતો અને વડિલ વર્ગ તથા વિકાસથી વંચિત રહી ગયેલ સૌ પ્રજાજનોને તેઓની પ્રાથમિક જરૂરીયાતો પૂરી પાડવામાં રાજય સરકારે અથાગ પ્રયત્નો કર્યા છે અને આવનારા સમયમાં પણ તે ચાલુ રાખી હજુ વધુ સવલતો પુરી પાડવા કટીબધ્ધ છે.
જિલ્લા સમાહર્તાશ્રી એમ.વી.પારગીએ આ પ્રસંગે સ્વાગત પ્રવચન કરતાં જણાવ્યું હતું કે, જિલ્લાના પ્રજાજનોને તેઓની સુખાકારી માટેની અને ગામના વિકાસ માટેની જો કોઇ સમસ્યા હોય કે કોઇ કામ કરાવવું હોય તો તેઓ સંકોચ વગર જિલ્લા વહિવટીતંત્રને જાણ કરશે તો તેનો યોગ્ય ઉકેલ વહેલી તકે લાવવામાં આવશે. આમ, જિલ્લા વહિવટી તંત્ર સાથે લોકો જોડાશે તો જિલ્લાનો વિકાસ ઝડપી, યોગ્ય અને ઉડીને આંખે વળગે તેવો થશે અને લોકોની સુખાકારી વધશે. જિલ્લા વહિવટી તંત્ર લોકભોગ્ય લોકસેવાઓ સારી રીતે, સરળતાથી અને ઝડપથી પુરી પાડવા કટીબધ્ધ છે તેમ તેઓશ્રીએ ઉર્મેયુ હતું. જયારે આભાર પ્રસ્તાવ કરતાં પ્રાંત અધિકારીશ્રી ડામોરે જણાવ્યું હતું કે નવનિર્મીત મામલતદાર કચેરી એ એક સરકારી મકાન ના બની રહેતા પોતાનું મકાન છે તેમ સમજી તેનો ઉપયોગ કરવા અને તેની માજવત કરવા તથા ચોખ્ખાઇ રાખી સ્વચ્છતા જાળવવા પ્રજાજનોને અપીલ કરી હતી.
આ પ્રસંગે ગોધરા સંસદીય મત વિસ્તારના સાંસદ શ્રી પ્રભાતસિંહ ચૌહાણ, ઠાસરા વિધાનસભા મત વિસ્તારના ધારાસભ્યશ્રી રામસિંહ પરમાર, કઠલાલ વિધાનસભા મતવિસ્તારના ધારાસભ્યશ્રી કનુભાઇ ડાભી, પૂર્વ મંત્રીશ્રી બિમલભાઇ શાહ, પૂર્વ ધારાસભ્યશ્રી ભગવાનસિંહ, પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી નયનાબેન તેમજ જિલ્લાના પદાધિકારીશ્રીઓ/અધિકારીશ્રીઓ અને વિશાળ સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહયાં હતાં.
સિવિલ હોસ્પિટલ દ્વારા સ્વાસ્થ્ય જાગૃતિ રેલી તા.૭ એપ્રિલ,૨૦૧૨ના રોજ યોજાશે
વિશ્વ આરોગ્ય સંસ્થા, કેન્દ્ર સરકાર અને
રાજય સરકાર દ્વારા તા. ૭ એપિ્રલ,૨૦૧૨ ના દિને વિશ્વ આરોગ્ય દિન તરીકે ઉજવવામાં આવે
છે. જે અંતર્ગત બિનચેપી રોગ સેલ સિવિલ હોસ્પિટલ-નડિયાદ, ખેડા જિલ્લા પંચાયત
નડિયાદની આરોગ્ય શાખા તથા એસ.આર.પી. ગૃપ-૭ નડિયાદના સંયુક્ત ઉપક્રમે સંતરામ
મંદિરથી સિવિલ હોસ્પિટલ નડિયાદ સુધી સ્વાસ્થ્ય જાગૃત્તિ રેલીયોજવામાં આવી છે.
આ સ્વાસ્થ્ય જાગૃતિ રેલી તા.૭ એપ્રિલએ સવારે ૯.૦૦ કલાકે સંતરામ મંદિરથી
પ્રસ્થાન કરી સીવીલ હોસ્પિટલ પહોંચશે. આ રેલીમાં નર્સીંગ સ્કુલની વિઘાર્થીનીઓ, એન.સી.સી.કેડેટસ, શહેરી આરોગ્ય કેન્દ્ર, નવપ્રભાત વ્યસનમુકિત
કેન્દ્રના સભ્યો તથા નગરજનો જોડાશે. આ રેલીનો મુખ્ય હેતુ નાગરિકોના પોતાના આરોગ્ય
માટે આરોગ્ય વિષયક બાબતો અંગે જનજાગૃત્ત્િા કેળવવાના હેતુસર પ્રચાર-પ્રસારની
ઝુંબેશ ચલાવવા માટેનો છે.
આ રેલીના દિને સવારે ૧૧.૦૦ થી ૧૩.૦૦ કલાક દરમિયાન સંતરામ મંદિર ખાતે જનરલ
મેડીકલ કેમ્પ તથા જનજાગૃતિ પ્રદર્શનનું આયોજન કરવામાં આવેલ છે. તેમજ નડીઆદની
મ્યુનિસીપાલિટીની છ શાળાઓના વિઘાર્થીઓ વચ્ચે સ્પર્ધાનું આયોજન કરવામાં આવનાર છે.
આ સ્વાસ્થ્ય જાગૃત્તિ રેલી દ્વારા તબીબોએ વિશ્વ માટે ખતરારૂપ બની રહેલ પ્રદૂષણ
સામે ચેતવણીનો સુર રેલાવ્યો હતો. પ્રત્યેક વ્યક્તિ પ્રદૂષણ મુક્ત બની કુદરતના
ખોળામાં તેમનું શારિરીક સ્વાસ્થ્ય તંદુરસ્ત બનાવે અને સમાજ, દેશ અને વિશ્વને
સુસ્વાથ્ય માટે જાગૃત્ત કરે તેવો સંદેશ આપવાનો છે. એમ સીવીલ સર્જન
ર્ડા.એફ.જે.ગોહિલની એક યાદીમાં જણાવાયું છે.
ગ્રામ સ્વાગત કાર્યક્રમ માટે અરજીઓ મંગાવાઇ
ખેડા જિલ્લાના
નાગરિકોએ ગ્રામ સ્વાગત કાર્યક્રમમાં ભાગ લેવા માટેની અરજીઓ જે તે ગામે
તા.૧૦-૦૪-૨૦૧૨ સુધીમાં ગ્રામ સ્વાગતમાં પોતાના પડતર પ્રશ્નોની રજૂઆત કરવા અંગેની
અરજી "મારી અરજી તાલુકા સ્વાગતમાં લેવી' તેવા મથાળા હેઠળ સંબંધિત ગામના તલાટી/મંત્રીશ્રીને
સંબોધીને કરવાની રહેશે.
આ કાર્યક્રમમાં ન્યાયિક તુલ્ય બાબતો, કોર્ટ મેટર, સ્ટે(મનાઇ હુકમ), અપીલો, આકારણીને લગતા પ્રશ્નો
તેમજ નોકરી પેન્શન, રહેમરાહે, નોકરી અને પ્રથમ વખતની અરજીની બાબતો વગેરેનો સમાવેશ કરાવામાં આવશે નહીં જેની
નોંધ લેવા જણાવાયું છે.
પ્રાદેશિક વાહનવ્યવહાર કચેરી નડીઆદ ખાતે ટ્રાન્સપોર્ટ વાહનોની નવી સીરીઝ શરૂ
કરાશે
પ્રાદેશિક વાહન વ્યહાર
કચેરી, નડિયાદ દ્વારા લગતા વળગતા તમામ વાહનોના માલીકોને જણાવવામાં આવે છે કે નડીઆદ
આર.ટી.ઓ. કચેરીમાં ટ્રાન્સપોર્ટ વાહનોની(ગુડઝ વાહનો)ને લગતી હાલની સીરીઝ
જીજે-૭-યુયુ જે ટુક સમયમા પુરી થનાર છે. નવી સીરીજ જીજે-૭-એકસએકસ તા૧૨-૪-૨૦૧૨થી શરૂ કરવામા આવશે.
પસંદગીના નંબર મેળવવા ઇચ્છતા વાહન માલિકોએ તેમનું
વાહનોનું રજીસ્ટ્રેશન કરાવીને પસંદગીના નંબર મેળવવા તા.૫-૪-૨૦૧૨ થી તા.૧૧-૪-૨૦૧૨
સુધી કચેરી સમય(રજા સિવાય) દરમિયાન ૧૧.૦૦ થી ૧૭.૩૦ કલાક સુધીમાં આર. ટી. ઓ કચેરીમા
વાહનોનું પાર્સીંગ કરાવી ફોર્મ નં.૨૦ સાથે બંધ કવરમાં અરજી કરવામા આવે છે. આ અરજી
સાથે પોતે કેટલી ઓફર કરવા માંગે છે તે ઓફરનો આર. ટી.ઓ. નડિયાદ નામનો ડીમાન્ડ
ડ્રાફટ(રાષ્ટ્રીયક્રુત બેંક)નો જોડવાનો રહેશે.
પસંદગી નંબર મેળવવા ઇચ્છીત વ્યાકિતએ અરજી સાથે તેઓ દ્વારા ઓફર કરાવેલ રકમનો
એકજ ડીમાન્ડ ડ્રાફટ રજુ કરવાનો રહેશે. એકથી વધુ ડીમાન્ડ ડ્રાફટ રજુ કરેલ અરજી
દફતરે કરવામા આવશે. કવર ઉપર વાહન નંબર લખવાનો રહેશે. કવર ઉપર વાહન નંબર સિવાય
કોઇપણ પ્રકારના લખાણ કે નિશાની કરવી નહી. અધુરી વિગતો તેમજ જરૂરી બિડાણો વગરની
તેમજ અરજી સાથે ડીમાન્ડ રજુ થયેલ ન હોય તેવી અરજી ધ્યાને લીધા વગર દફતરે કરવામા
આવશે.
તા.૧૨-૦૪-૨૦૧૨ના રોજ સવારે ૧૧.૦૦ કલાકે કલાકે પસંદગીના નંબરોની ફાળવણી અંગેની
કાર્યવાહી કચેરીના અત્રેની કચેરીના પ્રાદેશિક વાહનવ્યવહાર અધિકારીશ્રીના ખંડ ખાતે
ફાળવણી સમિતિ દ્વારા કરવામા આવશે. સબધિત અરજદારે/તેમના પ્રતિનિધિએ હાજર રહેવાનું
રહેશે. જે તે નંબર માટે સૈથી વધુ રકમનો ડીમાન્ડ ડ્રાફટ અરજી સાથે રજુ કરનાર
અરજદારને પસંદગીનો નંબર ફાળવવામા આવશે. અસફળ અરજદારને તેઓએ રજુ કરેલ ડીમાન્ડ ડ્રફટ
પરત આપવામાં આવશે.ઉપરોકત પધ્ધતિની નોધ સબંધકર્તા વાહન માલીકોએ લેવા ખેડા જિલ્લાના
પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી શ્રી સી પી રાણાની એક યાદીમાં જણાવાયું છે.
·
ખેડા જિલ્લામાં તાલુકાઓના સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ તાઃ૨૫મી એપ્રિલ,૨૦૧૨ના રોજ યોજાશે
ખેડા જિલ્લાનો તાલુકા કક્ષાનો તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ
તાઃ૨૫-૦૪-૨૦૧૨ ને બુધવારના રોજ સવારના ૧૦.૧૫ કલાકે તાલુકા મામલતદારશ્રીની
અધ્યક્ષતામાં મામલતદાર કચેરી ખાતે યોજવામાં આવનાર છે. આ કાર્યક્રમમાં ભાગ લેવા
માટેની અરજીઓ તાઃ૧૦-૦૪-૨૦૧૨ના રોજ સાંજ સુધીમાં જે તે મામલતદાર કચેરી, નડીઆદ (શહેર), નડીઆદ(ગ્રામ્ય), મહુધા, કઠલાલ, કપડવંજ, મહેમદાવાદ, ખેડા, માતર, ઠાસરા, બાલાસિનોર અને વિરપુરની
કચેરીઓમાં બે નકલમાં સુવાચ્ય અક્ષરોમાં, ફુલ સ્કેપ કાગળ ઉપર કરવાની રહેશે. અરજદારનો પોતાનો પ્રશ્ન
હોવો જોઇએ. બીજાનો પ્રશ્ન રજુ કરવાનો નથી. તેમજ એક જ વિષયની એક અરજી સ્વીકારવામાં
આવશે. અરજી સાથે આધાર પુરાવા સહીત જે તે કચેરીને કરેલ રજૂઆતના જ સપડતર પ્રશ્ન
તાલુકા સ્વાગત કાર્યક્રમમાં લેવામાં આવશે. અરજદારે અરજીના મથાળે તાલુકા સ્વાગત
કાર્યક્રમ ખાસ લખવાનું રહેશે. તેમજ અરજીમાં પોતાનો ટેલીફોન નંબર હોય તો તે પણ
દર્શાવી શકશે. પોસ્ટકાર્ડ કે આંતરદેશીય પત્રો વિગેરે ઉપર અરજી કરવાની નથી. તાલુકા
સ્વાગત કાર્યક્રમમાં કોઇપણ અરજદારે એકથી વધુ પ્રશ્નો પુછવાના નથી તેમજ અગાઉ
લેવાયેલ પ્રશ્નો પુનઃમોકલવાના નથી.
આ કાર્યક્રમમાં ન્યાયીક તુલ્ય બાબતો, કોર્ટ મેટર, સ્ટે (મનાઇ હુકમ), અપીલો, આકારણીને લગતા પ્રશ્નો
તેમજ નોકરી પેન્શન, રહેમરાહે નોકરી અને પ્રથમ વખતની અરજીને લગતી બાબતો વિગેરેનો સમાવેશ કરવામાં
આવશે નહીં તેમ જિલ્લા કલેકટરશ્રી, ખેડાની યાદીમાં જણાવાયું છે.
ગોધરા
નાયકી રાજયનો પ્રણેતાઃ—જોરીયો
પરમેશ્વર
જાંબુઘોડાના કિલ્લામાં
સંત જોરીયા,રૂપસિંગ નાયક, દેવા નાયક
સહિત પાંચને તા. ૧૬ એપ્રિલ ૧૮૬૮માં ફાંસી અપાઇ
હતી.
આઝાદીના જંગમાં શૂરવીર
એવી નાયકા આદિવાસી પ્રજાનું અનેરૂ યોગદાન
નાયકા સમાજ દ્વારા
વડેક ગામમાં તા. ૧૬મી એપ્રિલના રોજ વીર શહીદોને શ્રધ્ધાંજલિ આપવામાં આવશે
ગોધરાઃ
૧૯ મા સૈકાના પ્રારંભે
બ્રિટીશ શાસનનો સહુ પ્રથમ વિરોધ પંચમહાલની આદિવાસી પ્રજાએ કર્યો હતો. તે માટે
તેમના પરંપરાગત આર્થિક અને સામાજિક કારણો જવાબદાર હતા. ૧૯મા અને ૨૦મા સૈકાના
ત્રીજા દસકા સુધીમાં ગુજરાતમાં નાની-મોટી અનેક આદિવાસી ચળવળો તત્કાલીન દસ્તાવેજોમાં
નોંધાઇ છે. જેમાં સંત જોરીયા પરમેશ્વર્(ભગત), ગોવિંદગુરૂ, મોતીલાલ તેજાવત અને સલાબાઇની ચળવળો ઉંડીને આંખે વળગે તેવી
હતી.
આ બધામાં જોરીયા ભગતની ચળવળને આદિવાસી પ્રજા દ્વારા
સ્થાપિત સત્તાના વિરોધ માટેનું સૌ પ્રથમ સુનિયોજિત કાર્ય ગણાવી શકાય. ઇ.સ. ૧૮૬૮
ના જાન્યુઆરી,
ફેબુઆરી મહિનાઓમાં જોરીયા ભગતે
જાંબુઘોડા-નારૂકોટ,
હાલોલ અને દેવગઢ બારીયા સુધીનો મુલક હચમચાવી મુકયો હતો. અતિ પછાત નાયકડાઓમાં
રાજકીય અને ધાર્મિક ચેતનાનો સંચાર કરી બ્રિટીશ શાસન અને દેશી રજવાડાઓ સામે બગાવતનું
રણશીંગુ ફૂકનાર જોરીયા નાયક કે ભગત આજે પણ લોકજીભે જોરીયો પરમેશ્વર તરીકે
પ્રસિદ્વ છે.
જોરીયા કાલીયા નાયક જાંબુઘોડાથી દોઢ માઇલના અંતરે
આવેલા વડેક ગામનો વતની હતો. તેમનું જીવન ખેડૂત તરીકે હતું. જોરીયાના બીજા ત્રણ
ભાઇઓ પણ હતા. ૧૮૬૭ થી જોરીયા નાયકે ધાર્મિક માણસ (ભગત) કે પ્રેરણાદાયી શકિત સ્વરૂપે
જીવન જીવવાનું શરુ કર્યુ. જોરીયા પાસે હિદુ ધર્મશાસ્ત્રો અને ધાર્મિક વિધિઓ સબંધી
અદભુત જ્ઞાન હતું. તેમણે પોતાની જન્મભૂમિ વડેકમાં આધ્યાત્મિક કોર્ટની સ્થાપના
કરી ન્યાય આપવાનું કાર્ય પણ કરેલું. જાંબુઘોડા રાજયના વડેક ગામથી જોરીયાએ ધાર્મિક
પ્રચાર-નૈતિક ઉત્કર્ષની પ્રવૃત્તિઓ શરૂ કરી. બહુ ટૂંકા ગાળામાં નાયકા ઉપરાંત અન્ય
સમાજના લોકો પણ જોરીયાના પ્રભાવમાં આવ્યા હતા. જાન્યુઆરી ૧૮૬૮માં દાંડીયાપુરનો
જમીનદાર રૂપા નાયક જોરીયાનો શિષ્ય બન્યો. રૂપા નાયક ઉર્ફે રૂપસિંહ નાયક પોતાના
વારસાગત ગિરાસી હકક અને બાપના ખૂનનું વેર લેવા જોરીયાનો સંગાથ ઇચ્છતો હતો. રૂપા
નાયકનો સંગ થતાં જોરીયાની ધાર્મિક પ્રવૃત્તિઓ
રાજકીય બની. નાયકી રાજ કે ધરમરાજ સ્થાપવાના ઉન્માદમાં તેઓએ ૨ ફેબ્રુઆરી
૧૮૬૮ થી ૧૬ ફેબ્રુઆરી ૧૮૬૮ વચ્ચેના ગાળામાં રાજગઢ, જાંબુઘોડા, નારૂકોટ, છોટાઉદેપુર, જેતપુર જેવા વહીવટી મથકો ઉપર હિંસક હૂમલાઓ કર્યા. આખરે
બ્રિટીશ અને દેશી રાજયોના સંયુકત લશ્કર સામે નાયકાઓ હાર્યાં. બ્રિટીશ પોલીટીકલ
એજન્ટે જોરીયાની હિંસક પ્રવૃત્તિઓની ગંભીર નોંધ લઇ કેપ્ટન બાર્ટસે ફોજને
જાંબુઘોડા રવાના કરી સામે પક્ષે જોરીયાએ બ્રિટીશ ફોજને પડકારવા પોતાના નાયક યોધ્ધાઓને
શિવરાજપુર સુધી લડવા મોકલ્યા. આ લડાઇમાં ૯ નાયકાઓ માર્યા ગયા. ૧૬ ફેબ્રુઆરી ૧૮૬૮
ના રોજ બ્રિટીશ સેના સાથેના સંયુકત લશ્કરે જોરીયાનું વતન એવા વડેક ગામને ઘેરો
ઘાલી જોરીયા ભગતના સ્વપ્નને છિન્નભિન્ન કર્યું. વડેકની લડાઇમાં બે નાયકા મૃત્યુ
પામ્યા. બાકીના જંગલમાં ભાગી છૂટયા. જેમને એકાદ માસની જહેમત પછી નાયકાઓને
પકડવામાં આવ્યા. જેમની સંખ્યા ૫૮ જેટલી હતી. તેમના ૫ર કાનૂની કાર્યવાહી કરવા
જાંબુઘોડા કોર્ટની ૩૧ માર્ચ ૧૮૬૮ના રોજ સ્થાપના કરવામાં આવી. પકડાયેલા નાયકાઓ પર
ઇન્ડીયન પીનલ કોડ ૧૨૧ (બ્રિટીશ તાજ સામે યુદ્વ છેડવા બાબતે) કલમ ૧૨૫(તાજના મિત્ર
દેવગઢ બારીયા,
છોટાઉદેપુર રાજયો સાથે યુદ્વ છેડવા બાબતે.) અને ૧૨૬(સબંધિત રાજયોમાં લૂટફાટ
ચલાવવા) મુજબ કેસ ચલાવવામાં આવ્યા. પકડાયેલાઓમાં નાયકા ઉપરાંત બારીયા, કોળી, હજામ, મુસ્લિમોને ૧૬ એપ્રિલ ૧૮૬૮ના રોજ સેંકડો
સાક્ષીઓની જુબાની,
ઉદામવાદીઓના બયાન પછી જોરીયો ઉર્ફે જોરીયો પરમેશ્વર, રૂપસિંહ ગોબર નાયક ઉર્ફે રૂપા
નાયક, દેવા નાયક, કેવલ નાયક તેમજ ભવજી બારીયાને
સમગ્ર ઘટનાક્રમમાં અપરાધી ગણીને ફાંસીએ લટકાવવામાં આવ્યા હતા. ૨૩ વ્યકિતઓને
આજીવન કારાવાસની બાકીનાઓને ૩ વર્ષથી લઇ ૭
વર્ષ સુધીની જેલની સજા ફટકારવામાં આવી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે બહુમતી લોકો ૧૮ થી ૩૦ વર્ષની વચ્ચેની વય ધરાવતા
હતા. પોલીટીકલ એજન્ટ વિલિયમે કાનૂની કાર્યવાહીનો અભ્યાસ અંગે સ્પષ્ટતા કરી હતી
કે તે સમયે જાંબુઘોડા-નારૂકોટ વિગેરે ગામોના નાયકા જ્ઞાતિના દરેકને ગુનેગારની નજરે
જોવાતા હતા. મોટા ભાગનાઓને કડક કાનુની કાર્યવાહીમાંથી પસાર થવું પડતું હતું. એટલે
સુધી કે વડેક અને દાંડીયાપુર ગામના વતની હોવું એ બાબત ગુનેગાર પૂરતો પુરાવો હતો.
જોરીયા ભગતના જીવન અને પ્રવૃત્તિઓના અભ્યાસ કરતા
સ્પષ્ટ જણાય છે કે ગુજરાતના ઇતિહાસની મહાન ઘટના હતી. પરંતુ સભ્ય સમાજ કેન્દ્રીત
ઇતિહાસ લેખનમાં આજે પણ સ્થાન પામી શકી નથી. ઇ.સ. ૧૮૬૮માં જોરીયા પરમેશ્વરને
ફાંસી અપાઇ ત્યારે માત્ર જોરીયાની ચળવળનો અંત આવ્યો ન હતો. તેની ચળવળ નાયક
પ્રજાના અસંતોષની પરાકાષ્ઠા હતી. ૧૯મી સદીના સાતમા દાયકા સુધી સમય સમયે બ્રિટીશરો
અને દેશી રાજયો સામે ઉદામવાદી બનતા રહેલા નાયકાઓ ઇતિહાસના સ્મૃતિ પટ પર વિલીન થઇ
ગયા. તેમનો છેલ્લો પ્રતિનિધિ જોરીયા
ઉફ્રે જોરીયો પરમેશ્વર બની ગયો. તેવી જ રીતે દાંડીયાપુરનો રૂપસિંહ નાયક નાયકા સમાજમાં નાયકાઓના રાજા
તરીકે પ્રસિદ્વ છે. રૂપસિંહ નાયક નાયકાઓના મનમાં મહાન નેતા હતો. છતાં એક વાસ્તવિકતાનો
સ્વીકાર કરવો પડે કે તેના છેલ્લા બહારવટા પછી સમગ્ર ૧૯મી સદી દરમ્યાન પંચમહાલના
ઇતિહાસ પર છવાયેલા રહેલા નાયકાઓ કાળની ગર્તામાં ધકેલાઇ ગયા.
અંગ્રેજો સામેની લડાઇમાં ફાંસીની સજામાં મૃત્યુ
પામનાર સંત જોરીયા પરમેશ્વર, સેનાપતિ રૂપસિંગ નાયક, દેવા નાયક, કેવલ નાયક તેમજ ભયજી બારીયાની શહાદતના ઇતિહાસે ૧૪૪ વર્ષ
બાદ કરવટ બદલી છે. તા. ૧૬ એપ્રિલના રોજ જાંબુઘોડા તાલુકાના વડેક ગામે નાયકા સમાજ
દ્વારા આ વીર શહીદોને શ્રધ્ધાંજલિ આપવામાં આવશે. એટલું જ નહી જાંબુઘોડાના કિલ્લામાં
સ્મારક બનાવવાની માગણી પણ કરવામાં આવી છે. આ પ્રસંગે રાજયના મુખ્યમંત્રીશ્રી
નરેન્દ્રભાઇ મોદી પણ ઉપસ્થિત રહેનાર છે.
સંદર્ભઃ—૧) આઝાદી જંગમાં
પંચમહાલનો રંગ
૨) પંચમહાલ ગેઝેટિયર ૧૯૭૧
જિલ્લા કોમ્પ્યુટર
સેન્ટર ગોધરામાં વેકેશન બેચમાં તાલીમ માટે અરજી કરવા અંગે
ગોધર
પંચમહાલ જિલ્લામાં ૧૧માં નાણાં
પંચમાં કરેલ જોગવાઇ અન્વયે કોમ્પ્યુટર સેન્ટર
તેલંગ હાઇસ્કુલ, ગોધરા ખાતે જુલાઇ-૨૦૦૬ થી શરૂ કરવામાં આવ્યું છે. આ જિલ્લા
કોમ્પ્યુટર સેન્ટરમાં વેકેશન બેચ-૨૦૧૨ એપ્રિલ-મે-જૂન(ત્રણ માસ) માટે તા.
૧૬/૪/૨૦૧૨ થી શરૂ કરવામાં આવશે. કોમ્પ્યુટર તાલીમ લેવા ઇચ્છતા ધોરણ-૮ થી
ધોરણ-૧૨ સુધીના વિદ્યાર્થીઓ તેમજ કોલેજ, સરકારી સંસ્થામાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ પ્રવેશ
માટેનું ફોર્મ કોમ્પ્યુટર સેન્ટર ખાતેથી સવારના ૯ થી ૧૨ તથા બપોરના ૨ થી ૬ કલાક
દરમ્યાન મેળવી આજ સ્થળે પરત કરવાનું રહેશે. વહેલા તે પહેલાના ધોરણે પ્રવેશ
આપવામાં આવશે. એમ જિલ્લા શિક્ષણાધિકારીની યાદીમાં જણાવાયું છે.
ગુજકેટ પરીક્ષા-૨૦૧૨
ગોધરા શહેરના ૯ પરીક્ષા કેન્દ્રોની ૨૦૦
મીટરનો વિસ્તાર પ્રતિબંધિત જાહેર કરાયો
પરીક્ષા કેન્દ્રોના ત્રણ કિ.મી. વિસ્તારમાં ઝેરોક્ષ,ફેકસ/કોપીયર મશીનો બંધ
રાખવા આદેશ
ગોધરાઃ
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ
બોર્ડ ગાંધીનગર દ્વારા ગુજકેટ પરીક્ષા તા.૫/૪/૨૦૧૨ના રોજ યોજાનાર છે. આ પરીક્ષાનું સંચાલન સરળતાથી થાય તથા અસામાજિક
તત્વોના ત્રાસ કે ભય વિના ખંડ નિરીક્ષકો નિરીક્ષણ કાર્ય કરે અને પરીક્ષાર્થીઓ શાંત
અને સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં નિર્ભયતાથી, ગેરરીતિ કરવાના પ્રલોભનથી દોરવાયા વગર નિર્ભયપણે
પરીક્ષા આપી શકે તેમજ કાયદો અને વ્યવસ્થા
યોગ્ય રીતે જળવાઇ રહે તથા પરીક્ષાખંડમાં પરીક્ષાર્થીઓને કોઇ વ્યકિત ત્રાસ, ખલેલ કે ભય પહોંચાડે
નહીં તે માટે જિલ્લા મેજીસ્ટ્રેટ પંચમહાલ દ્વારા ફોજદારી કાર્યરીતિ અધિનિયમ-૧૯૭૩ની
કલમ-૧૪૪ હેઠળ તા.૫/૪/૨૦૧૨ ના રોજ સવારના ૮-૦૦ થી સાંજના ૧૮-૦૦ કલાક સુધીના સમયગાળા માટે ગોધરા શહેરના અનાજ મહાજન સાર્વજનિક હાઇસ્કુલ યુનિટ-૧, અનાજ મહાજન સાર્વજનિક હાઇસ્કુલ
યુનિટ-૨, રોટરી ઇગ્લીશ મિડીયમ સ્કુલ,
એમ.એન્ડ મહેતા હાઇસ્કુલ, સેન્ટ આર્નોલ્ડ હાઇસ્કુલ, ટી.સી. સોની માધ્યમિક શાળા,ધી ઇકબાલ યુનિયન હાઇસ્કુલ, મેકેબ મેમોરીયલ હાઇસ્કુલ, ઇકબાલ ગર્લ્સ હાઇસ્કુલ
ગોધરા ખાતેના પરીક્ષા કેન્દ્રોની ચતુર્દિશાની ૨૦૦ મીટરની ત્રિજયામાં આવેલ તમામ
મકાનો, જગ્યા સ્થળ અને વિસ્તારને પ્રતિબંધિત જાહેર કરવામાં આવ્યા છે. પરીક્ષામાં થતી
ગેરરીતિ અટકાવવાના હેતુથી પરીક્ષા કેન્દ્રોના ત્રણ કીલોમીટર વિસ્તારમાં આવેલ
ઝેરોક્ષ, ફેકસ મશીન અથવા કોપીયર મશીનનો ઉપયોગ પરીક્ષાના દિવસ દરમ્યાન સવારના ૮.-૦૦ થી
સાંજના ૧૮-૦૦ કલાક સુધી સદંતર બંધ કરવાનો રહેશે.
ગુજકેટ પરીક્ષા સબંધી પ્રતિબંધાત્મક આદેશ
ગોધરા
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ
બોર્ડ ગાંધીનગર દ્વારા ગુજકેટ પરીક્ષા તા.૫/૪/૨૦૧૨ના રોજ યોજાનાર છે. ગુજકેટ
પરીક્ષા અંગે પ્રતિબંધાત્મક આદેશ અનુસાર પરીક્ષાર્થી ઉમેદવાર અને પરીક્ષા સબંધિત
કામગીરીમાં રોકાયેલા ફરજ પરના અધિકૃત માણસો સિવાય અન્ય કોઇ બિનઅધિકૃત માણસોએ
પ્રતિબંધિત વિસ્તારમાં દાખલ થવું નહીં તેમજ કાયદેસરની ફરજ બજાવનારાઓને કોઇપણ ઇસમે
અડચણ કે અવરોધ કરવો કે કરાવવો નહીં. તેમજ કોઇપણ ઇસમે કોઇપણ તરકીબ વાપરી
પરીક્ષાર્થીઓને પરીક્ષા વિષયક ચોરી કરવા/કરાવવામાં સીધી કે આડકતરી મદદગારી કરવી કે
કરાવવી નહીં. પરીક્ષાર્થી ઉમેદવારોની શાંતિ અને લેખનકાર્યમાં
અડચણ-વિક્ષેપ-ઘ્યાનભંગ થાય તેવું કૃત્ય કરવું/કરાવવું નહીં.
પરીક્ષાર્થી ઉમેદવારો, શિક્ષકો, સંચાલકો, વહીવટી કર્મચારીઓ, જાહેર જનતા કે ફરજ પરના તમામ પ્રકારના સરકારી નોકરોએ પરીક્ષા સબંધી ચોરી ગણાય
તેવી કોઇ વસ્તુ અથવા મોબાઇલ ફોન, પેજર, કેમેરા, લેપટોપ, કોમ્પ્યુટર, કેલ્ક્યુલેટર જેવી ઇલેકટ્રોનિક આઇટમો, પુસ્તક, કાપલીઓ, ઝેરોક્ષ નકલો વગેરે
પરીક્ષા સ્થળમાં લઇ જવા નહીં કે તેનું વહન કરવું નહીં કે કરવામાં મદદગારી કરવી
નહીં તેમજ તેવી કોઇપણ વસ્તુ રાખી પરીક્ષા સ્થળમાં પ્રવેશવું નહીં.
પરીક્ષાખંડમાં શાંતિપૂર્ણ રીતે પરીક્ષા આપતા પરીક્ષાર્થીઓને અન્ય કોઇ વ્યકિત
અથવા પરીક્ષાર્થીએ જાતે પરીક્ષામાં ચોરી કરીને, કરાવીને કે કરવામાં મદદગારી કરીને અથવા ચોરી ગણાય
તેવા કોઇ સાહિત્યની આપ-લે કરી/ કરાવીને, ત્રાસ, ખલેલ કે ભય પહોંચે તેવું કૃત્ય કરવું નહીં આ હુકમનો
ભંગ અથવા ઉલ્લંઘન કરનાર ઇસમ ઇન્ડીયન પીનલ કોડની કલમ-૧૮૮ હેઠળ શિક્ષાને પાત્ર થશે.
જો તેવા અનાદર કાનુની રીતે કામે રાખેલી વ્યકિતઓને અવરોધ, ત્રાસ કે હાનિ
પહોંચાડવા અથવા પહોંચાડે તેમ હોય અથવા અવરોધ, ત્રાસ કે હાનીનું જોખમ ઉત્પન્ન કરે કે ઉત્પન્ન કરે
તેમ હોય તેને એક માસ સુધીની સાદી કેદ અથવા બસો રૂપિયા સુધીનો દંડ અથવા બંને સજા
થશે અને જો આવો અનાદર માનવજીવન સુખાકારી કે સલામતીને ભયમાં મુકે અથવા મુકે તેમ હોય
અથવા તેથી હુલ્લડ કે બખેડો થાય અથવા થાય તેમ હોય તો તેને છ માસ સુધીની બેમાંથી
કોઇપણ પ્રકારની કેદ અથવા એક હજાર રૂપિયા સુધીનો દંડ અથવા બંને સજા થશે. તેમ જિલ્લા
મેજીસ્ટ્રેશ્રી મનીષા ચંન્દ્રાએ એક જાહેરનામા દ્વારા જણાવ્યું છે.
પંચમહાલ જિલ્લાના
ટ્રાન્સપોર્ટ વાહન- માલિકો એડવાન્સ વેરો
તા. ૨૦મી એપ્રિલ સુધી ભરી શકશે.
રાજય સરકારે
વેરો ભરવાની મુદત લંબાવી
ગોધરાઃ પંચમહાલ જિલ્લાના ટ્રાન્સપોર્ટ વાહનોના માલિકોને
જણાવવાનું કે. મુંબઇ મોટર વાહન વેરા અધિનિયમ-૧૯૫૮ ની કલમ-૩ મુજબ દરેક નાણાંકીય
વર્ષ માટે વેરો એડવાન્સ ભરવાનો હોય છે. નાણાંકીય વર્ષ ૨૦૧૨-૨૦૧૩ માટે મુંબઇ મોટર
વાહન કર નિયમો- ૧૯૫૯ ના નિયમ-૮/૩ હેઠળ ભરવાપાત્ર વેરાની મુદત તા. ૭/૪/૨૦૧૨ હતી. જે જાહેર હીતમાં રાજય સરકારે
તા. ૨૦/૪/૨૦૧૨ સુધી લંબાવી છે. જેની જિલ્લાના તમામ વાહન માલિકોએ નોંધ લેવા
આર..ટી. ઓ ગોધરાની યાદીમાં જણાવાયું છે.
ગોધરા ખાતેની
કેન્દ્રીય વિદ્યાલય માટે જમીન અને બિલ્ડીંગની સુવિદ્યા અપાશે
ગોધરાઃ ભારત સરકારના માનવ સંશાધન મંત્રાલય સંચાલિત ગોધરા
શહેરમાં છેલ્લા પાંચ વર્ષ થી કાર્યરત ધોરણ-૧ થી ૧૦ સુધી સી.બી.એસ.ઇ અભ્યાસક્રમ
હેઠળ અંગ્રેજી માધ્યમમાં શિક્ષણ આપતી કેન્દ્રીય વિદ્યાલયમાં બાળકો માટે
લાયબ્રેરી, કોમ્પ્યુટર
લેબની સુવિદ્યા તેમજ બાળકોની બેઠક વ્યવસ્થા માટે અલાયદા મકાનની વ્યવસ્થા તેમજ
કેન્દ્રીય વિદ્યાલયનું નવું સુવિદ્યાયુકત બિલ્ડીંગ બનાવવા માટેની જમીન ફાળવવા
બાબતે કેન્દ્રીય વિદ્યાલય જિલ્લા કક્ષાની સમિતિની બેઠક જિલ્લા કલેકટરશ્રી અને
કેન્દ્રીય વિદ્યાલય સમિતિના અધ્યક્ષ શ્રીમતી મનીષા ચન્દ્રાની અધ્યક્ષતામાં મળી
હતી. આ બેઠકમાં જમીન ફાળવણી તથા અત્યારે આ શાળા નગરપાલિકા દવાખાના ઉપર, પટેલ વાડામાં ધોરણ- ૧ થી ૫ તેમજ
દલુની વાડી ખાતે ધોરણ-૬ થી ૧૦ એમ બે અલગ-અલગ બિલ્ડીંગમાં ચાલે છે. તેની જગ્યાએ
એકજ બિલ્ડીંગમાં શાળા ચાલી શકે તે. માટે અલગ બિલ્ડીંગની વ્યવસ્થા માટેની ચર્ચા
વિચારણા કરવામાં આવી હતી. આ બેઠકમાં નિવાસી અધિક કલેકટરશ્રી વિજયસિંહ વાઘેલા, પ્રાંત અધિકારી હર્ષદ વોરા, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી
આર.આર.પટેલ, નાયબ
માહિતી નિયામક ભાવસિંહ રાઠવા, નવોદય વિદ્યાલય વેજલપુરના પ્રિન્સીપાલ લમાણી, કેન્દ્રીય વિદ્યાલયના પ્રિન્સીપાલ
મહેન્દ્રપાલ સહિત સમિતિના સભ્યો ઉપસ્થિત
રહ્યા હતા.
જવાહર નવોદય
વિદ્યાલય વેજલપુરમાં ધો.૯ માં પ્રવેશ અંગે
ધો-૯
માંપ્રવેશ અંગેના અરજીપત્રકો તાઃ ૧૮/૪/૧૨ સુધી ભરી શકાશે
ગોધરાઃ જવાહર નવોદય વિધાલય, વેજલપુરમાં
ધોરણ-૦૯માં શૈક્ષણિક વર્ષ ૨૦૧૨-૧૩
માં ખાલી પડેલ જગયઓ ભરવાના હેતુથી અરજી પત્રકો મંગાવાવમાં આવ્યા છે. આ અરજીપત્રકો
જે તે તાલુકાના તાલુકા પંચાયત કચેરીની શિક્ષણ શાખામાંથી, કેળવણી નિરીક્ષકો, આચાર્ય જવાહર નવોદય વિધાલય, વેજલપુર, જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી,ગોધરા પાસેથી જાહેરરજાના દિવસ
સિવાય મળી શકશે.અરજી પત્ર ભરવાની છેલ્લી
તા.૧૮/૪/૧૨ છે પરીક્ષા તા.૬/૫/૨૦૧૨ ના રોજ લેવામાં આવશે. અરજીપત્રકો સંપૂર્ણપણે વ્યવસ્થિત
ભરીને તા.૧૮/૪/૨૦૧૨ સુધીમાં આચાર્યશ્રી, જવાહર નવોદય વિધાલય,કાનોડ રોડ, વેજલપુર તા.કાલોલને મોકલી આપવાના રહેશે. સમયમર્યાદા બાદ અરજીપત્રકો સ્વીકારવામાં
આવશે નહી. જેની ખાસ નોંધ લેવા આચાર્યની યાદીમાં જણાવાયું છે.