અનુયાયીઓ

શનિવાર, 31 માર્ચ, 2012

રાજકોટ ખાતે રેસકોર્સ ગ્રાઉન્‍ડમાં તા. ૩૧ માર્ચના રોજ જિલ્‍લા કક્ષાનું મહિલા ૧૧૮ બહેનોને મહિલા સંમેલનમાં માતા યશોદા એવોર્ડ, ૨૦૫ બહેનોને કન્‍યા કેળવણી નિધિ સહાય અને ૯૮ મહિલા ખેલાડીઓને પુરસ્‍કારો અપાશે


રાજકોટ ખાતે રેસકોર્સ ગ્રાઉન્‍ડમાં તા. ૩૧ માર્ચના રોજ જિલ્‍લા કક્ષાનું મહિલા
૧૧૮ બહેનોને મહિલા સંમેલનમાં માતા યશોદા એવોર્ડ, ૨૦૫ બહેનોને કન્‍યા કેળવણી નિધિ સહાય અને ૯૮ મહિલા ખેલાડીઓને પુરસ્‍કારો અપાશે
રાજકોટ,
 રાજકોટના રેસકોર્સ ગ્રાઉન્‍ડ ખાતે આવતી કાલે જિલ્‍લા સ્‍તરીય મહિલા સંમેલન યોજાશે, જેમાં ગ્રામવિકાસ રાજ્યમંત્રી શ્રી મોહનભાઇ કુંડારીયાના હસ્‍તે જિલ્‍લા તથા શહેરમાં શ્રેષ્‍ઠ કામગીરી કરનાર આંગણવાડી કાર્યકર તથા તેડાગર બહેનોને માતા યશોદા એવોર્ડ તથા મહિલા વિકાસ પુરસ્‍કાર અપાશે. તથા મુખ્‍યમંત્રીશ્રી કન્‍યા કેળવણી નિધિ સહાય અને મહિલા ખેલાડીઓને પુરસ્‍કાર/એવોર્ડ આપવામાં આવશે.આ સંમેલનમાં રાજય સરકાર દ્વારા મહિલા સશકિતકરણના હેતૂથી વિવિધ ક્ષેત્રે સેવા આપી રહેલી મહિલાઓને પ્રોત્‍સાહન આપવા માટે તેમજ રમતગમત ક્ષેત્રમાં પણ આગળ વધી પોતાની ખેલપ્રતિભાનો પરિચય કરાવનાર મહિલા ખેલાડીઓને સન્‍માનિત કરવામાં આવશે. રાજકોટ જિલ્‍લાની આવી ૯૮ મહિલા ખેલાડીઓને ખેલકૂદક્ષેત્રે ઉજ્જવળ દેખાવ બદલ આ સંમેલનમાં સન્‍માનવામાં આવશે. જયારે માતૃ-બાલકલ્‍યાણના મંદિર સમી આંગણવાડીઓમાં નોંધપાત્ર સેવા આપનાર મહિલા આંગણવાડી વર્કર તેમજ મદદનીશોને માતા-યશોદા એવોર્ડ આપી સન્‍માનવામાં આવશે.
જિલ્‍લા કક્ષાના ૩ આંગણવાડી કાર્યકર બહેનો અને ૩ આંગણવાડી તેડાગર બહેનોને તથા જિલ્‍લા કક્ષાએ મહાનગરપાલિકાની ૩ આંગણવાડી કાર્યકર બહેનો અને ૩ આંગણવાડી તેડાગર બહેનોને માતા યશોદા એવોર્ડ એનાયત કરાશે. તાલુકા કક્ષાએ ૪૨ આંગણવાડી કાર્યકર બહેનો અને ૪૨ આંગણવાડી તેડાગર બહેનોને, નગરપાલિકા કક્ષાએ ૬ આંગણવાડી કાર્યકર બહેનો અને ૬ આંગણવાડી તેડાગર બહેનોને, મહાનગરપાલિકા કક્ષાએ ૫ આંગણવાડી કાર્યકર બહેનો અને ૫ આંગણવાડી તેડાગર બહેનોને, અને એવોર્ડપાત્ર ૫૯ આંગણવાડી કાર્યકર બહેનો અને ૫૯ આંગણવાડી તેડાગર બહેનોમળી કૂલ ૧૧૮ બહેનોને કૂલ રૂ. ૨૦ લાખ ૮ હજારની રકમના માતા યશોદા એવોર્ડ આપવામાં આવશે. જયારે મુખ્‍યમંત્રીશ્રી કન્‍યા કેળવણી નિધિ અન્‍વયે ૨૦૫ કન્‍યાઓને કૂલ રૂ. ૧૦,૬૬ લાખની સહાય અને રમતગમત ક્ષેત્રે શ્રેષ્‍ઠ દેખાવ કરનાર ૯૮ જેટલી મહિલા ખેલાડીઓને કૂલ રૂ. ૪,૨૭,૨૦૦/ના પુરસ્‍કાર/એવોર્ડ આપવામાં આવશે. મહિલા સશક્તિકરણના આ કાર્યક્રમમાં કુલ ૪૨૧ બહેનોને રૂ.૩૫,૦૧ લાખની રકમના પુરસ્‍કારો એનાયત કરાશે. આ પ્રસંગે મેયરશ્રી, જિલ્‍લા પંચાયત પ્રમુખશ્રી, સંસદસભ્‍યશ્રીઓ, ધારાસભ્‍યશ્રીઓ અને અન્‍ય મહાનુભાવો ઉપસ્‍થિત રહેશે.
આ મહિલા સંમેલનના કાર્યક્રમ દરમિયાન અમદાવાદ ખાતેથી માન. મુખ્‍યમંત્રીશ્રીની પ્રેરક ઉપસ્‍થિતિમાં યોજાયેલ કાર્યક્રમનું જીવંત પ્રસારણ થશે.

રાજકોટ જિલ્‍લાના નવ ગામોની લોક વ્‍યવસ્‍થાપિત પાણીપુરવઠા યોજનાઓને અપાયેલ વહીવટી મંજૂરી
રાજકોટ,
 જીલ્લા જળ અને સ્વચ્છતા સમિતિ, રાજકોટ(વાસ્‍મો)ની નિવાસી અધિક કલેકટર શ્રી એ.બી.ગોરની અધ્‍યક્ષતામાં કલેકટર કચેરી ખાતે યોજાયેલી બેઠકમાં રાજકોટ જિલ્‍લાના નવ ગામોની લોક વ્‍યવસ્‍થાપિત પાણી પુરવઠા યોજનાઓને વહીવટી મંજૂરી આપવામાં આવી હતી. જયારે બે ગામોની રીવાઇઝડ પાણી પુરવઠા યોજનાઓને પણ આ બેઠકમાં વહીવટી મંજૂરી અપાઇ હતી.
આ બેઠકમાં ઉપલેટાના કુંઢેચ ગામની ૧૩૧૩ની વસ્‍તી માટે રૂ.૨૧,૧૪,૪૦૦ની રકમની સ્‍વજલધારા પાણી પુરવઠા યોજનાને વહિવટી મંજૂરી અપાઇ હતી જયારે પડધરી તાલુકાના સાલપીપળીયા ગામની ૧૯૯૪ની વસ્‍તી માટે રૂ.૩૦,૧૦,૪૦૦ની રકમની અને કેરાળા ગામની ૮૩૮ની વસ્‍તી માટે રૂ.૧૩,૭૧,૬૦૦ની રકમની પાણી પુરવઠા યોજનાને, જસદણ તાલુકાના આંબરડી ગામની ૪૪૯૪ની વસ્‍તી માટે રૂ.૫૧,૬૩,૬૨૦ની રકમની પાણી પુરવઠા યોજનાને, જામકંડોરણા તાલુકાના તરકાસર ગામની ૮૧૮ની વસ્‍તી માટે રૂ.૭,૬૯,૫૦૦ની રકમની પાણી પુરવઠા યોજનાને, ગોંડલ તાલુકાના લીલાખા ગામની ૧૨૭૭ની વસ્‍તી માટે રૂ.૧૨,૫૯,૧૦૦ની રકમની પાણી પુરવઠા યોજનાને અને સાજડીયાળી ગામની ૯૫૩ની વસ્‍તી માટે રૂ.૧૧,૦૩,૭૦૦ની રકમની પાણી પુરવઠા યોજનાને, મોરબી તાલુકાના જસમતગઢ ગામની ૭૬૧ની વસ્‍તી માટે રૂ.૩,૬૪,૦૦૦ની રકમની પાણી પુરવઠા યોજનાને અને ટંકારા તાલુકાના મેઘપરઝાલા ગામની ૧૪૮૮ની વસ્‍તી માટે રૂ.૧૧,૩૭,૪૦૦ની રકમની પાણી પુરવઠા યોજનાને  વહીવટી મંજૂરી અપાઇ હતી. આ કામો પૂર્ણ થતાં કૂલ ૧૩૯૩૬ ની વસ્‍તીને પીવાનું પર્યાપ્ત પાણી મળી શકશે. આ બેઠકમાં ગત બેઠકની કાર્યવાહી નોંધને બહાલી આપવામાં આવી હતી. પડધરી તાલુકાના થોરીયાળી ગામની રૂ.૪૫,૦૦,૩૦૦ રીવાઇઝડ કિંમતની અને ઉપલેટા તાલુકાના મેલીમજેઠી ગામની રૂ.૧૮,૩૨,૬૦૨ રીવાઇઝડ કિંમતની રીવાઇઝડ પાણી પુરવઠા યોજનાઓને પણ આ બેઠકમાં બહાલી આપવામાં આવી હતી.
બેઠકમાં વાસ્મોના કાર્યપાલક ઇજનેરશ્રી પી.એમ.ઠાકર, રેન્‍જ ફોરેસ્‍ટ ઓફિસરશ્રી એન.પી.ત્રિવેદી, જિલ્‍લા એપિડેમિક ઓફિસર ડો. એન.એમ.રાઠોડ, વાસ્‍મોના આસીસ્‍ટન્‍ટ કો-ઓર્ડીનેટર્સ, તથા અન્‍ય સરકારી વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

સરકારી પ્રેસના નિયંત્રણ હેઠળના સરકારી પુસ્‍તક ભંડરમાં પુસ્‍તક વેચાણ કામગીરી બંધ રહેશે
રાજકોટ
નિયામકશ્રી, સરકારી મુદ્રણ અને લેખન સામગ્રી, ગાંધીનગરના તાબા હેઠળના સરકારી પુસ્‍તક ભંડાર, અમદાવાદ,વડોદરા, રાજકોટ અને ભાવનગર ખાતે તા. ર-૪-૧૨ થી તા. ૨૧-૪-૧૨ સુધી સરકારી પ્રકાશનોની ભૌતિક ચકાસણીની કામગીરી હાથ ધરવાની હોવાથી પ્રકાશનોના વેચાણની કામગીરી બંધ રહેશે. જેની જાહેર જનતા તેમજ અધિકૃત એજન્‍ટોએ નોંધ લેવા જણાવાયું છે.

સૌરાષ્‍ટ્ર-કચ્‍છના લશ્‍કરી ભરતી મેળાના સુવ્‍યવસ્‍થિત આયોજન માટે રાજકોટમાં મળેલી બેઠક
લશ્‍કરી ભરતી પૂર્વે ઉમેદવારો માટે તાલીમ વર્ગો શરૂ થશે
રાજકોટ
 રાજકોટ ખાતે રેસકોર્સ નજીકના પોલીસ હેડકવાટર્સના મેદાનમાં આગામી તા. ૧૮/૪/૧૨ થી તા. રપ/૪/૧૨ સુધી યોજાનારા સૌરાષ્‍ટ્ર-કચ્‍છ કક્ષાના લશ્‍કરી ભરતી મેળાના સુવ્‍યવસ્‍થિત આયોજન માટેની બેઠક અધિક નિવાસી કલેકટરશ્રી એ.બી.ગોરના અધ્‍યક્ષસ્‍થાને મળી હતી. આ બેઠકમાં ઉપસ્‍થિત જામનગરની લશ્‍કરી ભરતી કચેરીના ભરતી નિયામકશ્રી કર્નલ સુધીર ભોલાએ જણાવ્‍યું હતુ કે દરરોજ પાંચ હજાર જેટલા ઉમેદવારો આવે તેવી શકયતા છે. નિવાસી અધિક કલેકટરશ્રી એ.બી.ગોરે ભરતી મેળાની તમામ કાર્યવાહી સરળતાપુર્વક થાય તે માટે વહિવટીતંત્રનાં અધિકારઓને જરુરી પુર્વ તૈયારીઓ કરી જરૂરી તમામ વ્‍યવસ્‍થાઓ ઉભી કરવા સૂચનાઓ આપી હતી.
અધિક નિવાસી કલેકટરશ્રીએ ભરતી દરમ્‍યાન પૂરતો પોલીસ બંદોબસ્‍ત રાખવા, સાફ-સફાઇ તથા લાઇટ-પાણી, સેનીટેસન, પબ્‍લીક એડ્રેશ સીસ્‍ટમની ગોઠવણી તેમજ પીવાના પાણીની વ્‍યવસ્‍થાઓ વગેરે તમામ વ્‍યવસ્‍થા ગોઠવવા તથા ઉમેદવારો માટે ભોજન, સ્‍થાળ પર તાકિદની તબિબી અને આરગ્‍ય-વ્‍યવસ્‍થાઓ ઉભી કરવા તેમજ લશ્‍કરી ભરતી અધિકારીઓ માટે વહીવટી દ્રષ્‍ટિએ જરૂરી સુવિધાઓ પુરી પાડવા જિલ્‍લાના વહિવટીતંત્રના અધિકારીઓને જણાવ્‍યુ હતું.
રોજગાર ખાતાના અધિકારીઓએ બેઠકમાં જણાવ્‍યું હતુ કે આ ભરતી મેળાને અનુલક્ષીને રાજકોટ જિલ્‍લામાં ખાસ તાલીમ વર્ગો શરૂ કરાશે. જે અંતર્ગત હાલ તુર્ત ૧૨૦૦ ઉમેદવારોના નામો નોધાયા છે. દરમયાન લશ્‍કરી ભરતી અધિકારીશ્રી કર્નલ સુધીર ભોલાએ ભરતી થવા ઇચ્‍છુક ઉમેદવારો શારીરીક યોગ્‍યતાની ચકાસણીમાંથી સફળ થાય તે માટે તેમનામાં દોડ અને પૂલ-અપ્‍સ વગેરે જેવા શારીરીક સજ્જતા કેળવવા પર ભાર મુકયો હતો અત્રે એ ઉલેખનિય છે કે ઉમેદવારોએ ૧૬૦૦ મીટરની દોડ ૬ મીનીટ અને ર૦ સેકન્‍ડમાં પુરી કરવાની ક્ષમતા ધરાવતા હોવા જોઇએ. આ અને આવા પ્રકારની શારીરીક સજ્જતા ઉમેદવારોમાં કેળવવા પર લશ્‍કરી અધિકારીઓએ ભાર મુકયો હતો.
આ બેઠકમાં રાજકોટના પ્રાંત અધિકારીશ્રી એમ.જે.દીક્ષીત તેમજ રોજગાર ખાતાના સંયુકત નિયામકશ્રી સંચાણીયા તેમજ પોલીસ, માર્ગ અને મકાન, શિક્ષણ, પાણી પૂરવઠા, રાજકોટ મ્‍યુનિ. કોર્પોરેશન, જિલ્‍લા જેલ, આરગ્‍ય અને હોસ્‍પીટલ વગેરે વિભાગના અધીકારીઓ ઉપસ્‍થિત રહ્યા હતા અને વિવિધ મુદા અંગેની ચર્ચાવિચારણામાં ભાગ લઇ સૂચનો કર્યા હતા.
       
હાલારમાં અખાત્રીજથી કૃષિ મહોત્‍સવનો પ્રારંભ થશે

તાલુકા પંચાયતની સીટ મુજબ ૧૭૪ ગામમાં કૃષિ મહોત્‍સવ અંતર્ગત કૃષિ શિબિર

યોજાશે
૪૫૭૦ કૃષિ કિટ, ૪૩૨૫ બાગાયત કિટ અને ૩૩૫૫ પશુપાલન કિટનું વિતરણ 

કરાશે

તાલુકા થીમ મુજબ ખેડૂતોને તેમના પ્રશ્‍નો અંગે માર્ગદર્શન અપાશે

અખાત્રીજ અક્ષય અને તૃતિયા આ બે શબ્‍દો છે. અક્ષય અર્થાત જેનો ક્ષય નથી તે અને તૃતિયા એ તીથી ક્રમ છે. અખાત્રીજના આ પવિત્ર તહેવારોનું ખેડૂતો માટે ખૂબ મહત્‍વ છે. આથી આ પવિત્ર દિવસે રાજયમાં કૃષિ ક્ષેત્રે લોક ચેતના જાગૃત કરીને લોક ભાગીદારીથી ગ્રામકક્ષાએ કૃષિ ઓજારોનું આધુનિકરણ, આધુનિક કૃષિ પધ્‍ધતિઓ, જળ સંચય સહિતના કાર્યક્રમો ખેડૂતો સુધી પહોંચે તેવો રાજય સરકારનો અભિગમ છે. ઉપરાંત સપ્રમાણ ખાતર, દવા અને બયારણનું વાવેતર, ડ્રીપ ઇરીગેશન સીસ્‍ટમ સહિતની બાબતોથી કૃષી શિબિરના માધ્‍યમથી ખેડુતોને માહિતગાર કરાશે. જામનગર જીલ્‍લામાં તા. ૨૪ એપ્રીલથી કૃષિ શિબિરોનો પ્રારંભ થશે.
જામનગર જિલ્‍લામાં દરેક ગામે કૃષિ શિબિરના બદલે આ વખતે નવા ફોર્મેટમાં તાલુકા પંચાયતની સીટ મુજબ ૧૭૪ કૃષિ શિબિર યોજાશે. જેમાં જામનગર તાલુકામાં ૨૭, જોડિયા, ધ્રોલ, ભાણવડ અને દ્વારકામાં ૧૫, કાલાવડ અને લાલપુરમાં ૧૭ તેમજ ખંભાળિયા અને કલ્‍યાણપુરમાં ૧૯ એમ કુલ ૧૭૪ કૃષિ શિબિર યોજાશે.
કૃષિ શિબિર જયાં યોજાશે તેના આજુબાજુના ગ્રામ્‍ય વિસ્‍તારને પણ આવરી લેવાશે. આખો દિવસ કૃષિ રથ સબંધીત ગામે રોકાશે. કૃષિ તજજ્ઞો દ્વારા તાલુકા થીમ આધારીત ખેતી વિષયક પ્રશ્‍નો અંગે ખેડૂતોને માર્ગદર્શન અપાશે. જેથી ખેડૂતોને વધુ ઉપયોગી બની શકાય. કૃષિ શિબિરના ગામે પશુ આરોગ્‍ય તથા પશુ રસીકરણ કેમ્‍પનું પણ આયોજન કરાશે. કૃષિ મહોત્‍સવનું સમગ્ર આયોજન જિલ્‍લા કલેકટરશ્રી સંદિપકુમાર,જિલ્‍લા વિકાસ અધિકારીશ્રી અજયકુમારના માર્ગદરશન તળે પૂર્ણ કરાયુ છે. તેમ જિલ્‍લા ખેતીવાડી અધિકારીશ્રી ખીસ્‍તરિયાએ જણાવ્‍યુ છે. 
કૃષિ મહોત્‍સવ દરમિયાન ૪૫૭૦ કૃષિ કિટ, ૪૩૨૫ બાગાયત કિટ અને ૩૩૫૫ પશુપાલન કિટનું ખેડૂતોને વિતરણ કરાશે. ૬૦ હજાર ખેડૂતોના જમીનની નમૂનો લેવાશે.  પ્રગતિશીલ ખેડૂતોનું સન્‍માન કરાશે. આત્‍મા પ્રોજેકટ અંતર્ગત ૩૦૦ નવા ગ્રુપ બનાવાશે. બાગાયત વિભાગ દ્વારા ૨૦ હાઇટકે હોર્ટીકલ્‍ચર નિદર્શન અને ૧૦ કેનીંગ વર્ગ યોજાશે.  ૧૭૪ પશુ આરોગય મેળામાં એક લાખ પશુઓને રસીકરણમાં આવરી લેવાશે અને એક હજાર પશુઓને કુત્રીમ બીજદાન માટે આયોજન કરાયુ છે.
કૃષિ મહોત્‍સવ દરમિયાન જમીન વિકાસ નિગમ દ્વારા ૩૦ ગામ/સીમ તળાવ ઉંડા કરવા, ૪૦ જળ સંગ્રહ સ્‍ટ્રકચર નૈયાર કરવા, ૬૦ સીમ તલાવડી બનાવવા, ૧૪૦ ખેત તલાવડી બનાવવા અને ૬૦ જમીન સંરક્ષણના કામોનું આયોજન છે. જીજીઆરસી દ્વારા તાલુકા કક્ષાના કાર્યક્રમમાં ટપક પધ્‍ધતિનું લાઇવ નિદર્શન પણ યોજાશે.
કૃષિ રથ દરમિયાન ખેડૂતસાથે પ્રશ્‍નોતરીને પ્રાધાન્‍ય અપાશે. હાલારમાં ૨.૨૭ લાખ ખેડૂતો ખાતેદારો છે અને ૬.૧૬ લાખ હેકટર ખેતીલાયક જમીન છે. જેમાંથી ૨૨ ટકા જમીન પિયત હેઠળ છે. આ તમામ ખેડૂત ખાતેદારોને મગફળી, કપાસ, ઘંઉ, એરંડા, લસણ, ડુંગળી, શાકભાજી તથા બાગાયત પાકો અંગે તેમના પ્રશ્‍નો અંગે સ્‍થાનિકે માર્ગદર્શન અપાશે. આથી ખેડૂતોને આ મહોત્‍સવમાં સહભાગી થવા જિલ્‍લા વહિવટી તંત્ર દ્વારા અનુરોધ કરાયો છે. 

મહિલા સંમેલનમાં હાલારની ૧૧૩ વિધાર્થિનીઓને રૂ.૫.૭૨ લાખના પુરષ્‍કાર 

અપાશે
જામનગર જિલ્‍લાની ધો. ૧૦ અને ૧૨ માં દરેક તાલુકામાં ૧ થી ૩ નંબરે ઉતિર્ણ થયેલ ૧૧૩ તેજસ્‍વી વિધાર્થિનીઓને મુખ્‍યમંત્રી કેળવણીનીધી અંતર્ગત રૂ.૫.૭૨ લાખના પુરષ્‍કાર અપાશે.
જિલ્‍લા શિક્ષણાધિકારીશ્રી બી.બી. રાઠોડના જણાવ્‍યાનુસાર તા. ૩૧ માર્ચના રોજ ઓસવાળ સેન્‍ટર જામનગરમાં જિલ્‍લા સ્‍તરના મહિલા સંમેલનમાં ઉચ્‍ચ અને ટેકનીકલ શિક્ષણ રાજયમંત્રી શ્રીમતી વસુબેન ત્રિવેદી તથા અન્‍ય મહાનુભાવોના હસ્‍તે આ  વિધાર્થિનીઓને પારીતોષિકનું વિતરણ કરાશે.
વિજ્ઞાનપ્રવાહ, સામાન્‍ય પ્રવાહના ધો. ૧૦ અને ૧૨ તથા તેજસ્‍વી વિકલાંગ વિધાર્થિનીઓને પણ આ પુરષ્‍કારમાં આવરી લેવાયેલ છે. કન્‍યા કેળવણીને પ્રોત્‍સાહન આપવા આ પુરષ્‍કાર આપવામાં આવે છે તેમ શ્રી રાઠોડે વધુમાં જણાવ્‍યુ હતુ.

મહિલા સંમેલનમાં આંગણવાડી કાર્યકર

તથા આંગણવાડી હેલ્‍પર મહિલાઓને માતા યશોદા એવોર્ડથી સન્‍માનીત કરાશે
મહિલા અને બાળ કલ્‍યાણ  વિભાગ, ગુજરાત સરકાર દ્વારા મહિલા અને બાળ વિકાસ રાજયમંત્રી પ્રો. વસુબેન ત્રિવેદીના અધ્‍યક્ષ સ્‍થાને તા.૩૧ માર્ચના રોજ જામનગર સ્‍થિત ઓશવાળ સેન્‍ટરમાં બપોરે ૧ થી ૫ દરમિયાન વિશાળ મહિલા સંમેલન યોજાશે
આ મહિલા સંમેલનમાં જિલ્‍લાભરના આંગણવાડી કાર્યકર તથા આંગણવાડી હેલ્‍પર મહિલાઓને માતા યશોદા એવોર્ડથી સન્‍માનીત કરાશે. ઉપરાંત મુખ્‍યમંત્રીશ્રી કન્‍યા કેળવણી નિધિ તેમજ વિવધ રમતોમાં શ્રેષ્‍ડ દેખાવ કરનાર મહિલા ખેલાડીઓનું સન્‍માન મંત્રી પ્રો. વસુબેન ત્રિવેદીના હસ્‍તે કરાશે.
આ તકે મેયરશ્રી અમીબેન પરીખ, જિલ્‍લા પંચાયતના પ્રમુખ ડો. વસોયા, સંસદ સભ્‍ય, ધારાસભ્‍યશ્રીઓ, બોર્ડ નિગમના ચેરમેનશ્રીઓ, કલેકટરશ્રી સંદિપકુમાર, જામનગર મહાનગર પાલિકાના કમિશનરશ્રી અનુપમ, જિલ્‍લા વિકાસ અધિકારીશ્રી અજયકુમારની ઉપસ્‍થિત રહેશે.તેમ એક યાદીમાં જણાવાયુ છે.

એસટી ડેપોના પરિવહનના પ્રશ્‍નો રજૂ કરવા અધિકારીઓની નિમણુક કરાઇ
જામનગર વિભાગ હસ્‍તકના જામનગર, જામજોધપુર, દ્વારકા, ખંભાળિયા અને ધ્રોલ ડેપોના પરિવહન સંચાલનને લગતા તેમજ વ્‍હીકલ પોઝીશનના પ્રશ્‍નો અંગે અધિકારીશ્રી એન.એમ રાજયગુરૂ (વિભાગીય નિયામક, વિભાગીય યંત્રાલય, કાલાવડ રોડ, જામનગર) અને શ્રી જયદેવભાઇ કોતરા (વિભાગીય પરિવહન અધિકારીશ્રી, પરિવહન શાખા, કાલાવડ રોડ, જામનગર)ની નિમણૂક થઇ છે. લોકોએ પોતાના પ્રશ્‍નો અંગે ઉકત સરનામે અધિકારીઓના નામે પત્ર વ્‍યવહાર કરવા વિભાગીય નિયામકશ્રી, એસટી, રાજકોટની યાદીમાં જણાવાયુ છે.

જિલ્‍લા જળ અને સ્‍વચ્‍છતા સમિતિની બેઠક
સ્‍વજલધારા સેકટર રિફોર્મ યોજના અન્‍વયે જિલ્‍લા જળ અને સ્‍વચ્‍છતા સમિતિની બેઠક તા.૩/૪/૧૨ના બપોરે ૧૨ કલાકે  જિલ્‍લા કલેકટરશ્રીની અધ્‍યક્ષતામાં કલેકટરશ્રી, જામનગરની ચેમ્‍બરમાં મળશે. તેમ સભ્‍ય સચિવશ્રી, જિલ્‍લા જળ અને સ્‍વચ્‍છતા સમિતિ, જામનગરની યાદીમાં જણાવાયુ છે.

વાયબ્રન્‍ટ ગુજરાત ગ્‍લોબલ ઇન્‍વેસ્‍ટર્સ સમીટમાં થયેલ એમ.ઓ.યુ.ના અમલકરણ અંગેની બેઠક સંપન્‍ન થઇ
અમરેલી 
જિલ્‍લા કલેકટરશ્રી ડી.એ સત્‍યાના અધ્‍યક્ષતા હેઠળ અમરેલી જિલ્‍લામાં વાયબ્રન્‍ટ ગુજરાત ગ્‍લોબલ ઇન્‍વેસ્‍ટર્સ સમીટ સને ૨૦૦૭,૨૦૦૯ અને ૨૦૧૧ના વર્ષમાં થયેલ એમ.ઓ.યુ.ના અમલીકરણ અંગેની જિલ્‍લા કક્ષાની બેઠક સંપન્‍ન થઇ હતી.
અમરેલી જિલ્‍લામાં સને ૨૦૦૭ના વાયબ્રન્‍ટ ગુજરાત ગ્‍લોબલ ઇન્‍વેસ્‍ટર્સ સમીટમાં કુલ  ૯ એકમોએ રૂ.૨૧,૨૧૧ કરોડના એમ.ઓ.યુ. કરવામાં આવેલ જે પૈકી  ૩ એકમોએ રૂ.૧૩૨૮ કરોડના મૂડી રોકાણ કરી ઉત્‍પાદન શરૂ કરીને ૨,૩૦૦ જેટલી રોજગારીનું સર્જન કરેલ છે. 
જ્યારે સને ૨૦૦૯માં રૂ.૩૯૮૯ કરોડના પ એકમોએ  એમ.ઓ.યુ કરેલ જે પૈકી એક એકમે રૂ.૧૮૫ કરોડનું મૂડી રોકાણ કરી ઉત્‍પાદન પણ શરૂ કરેલ છે તદઉપરાંત ૧૩ લઘુ ઉદ્યોગના એકમોએ રૂ.૨૩૧૭ લાખના એમ.ઓ..યુ. કરવામાં આવેલ જે પૈકી ૧૧ એકમોએ રૂ.૨૦૧૦ લાખનું રોકાણ કરી એકમો કાર્યવિન્‍ત થતાં   રોજગારી તકો ઉભી થઇ  છે. 
૨૦૧૧ના વર્ષમાં ૪૬ એકમોએ રૂ.૩૪,૨૪૪,૧૮ કરોડના એમ.ઓ.યુ થયેલ છે જેના થકી અમરેલી જિલ્‍લામાં ૨૨,૪૩૪ જેટલી માનવ રોજગારી ઉભી થશે.
અમરેલી જિલ્‍લામાં ઔદ્યોગિક એકમો ખૂબ ઝડપથી શરૂ થાય અને અમરેલી જિલ્‍લો ઔદ્યોગિક ક્ષેત્રે આગળ વધે તે માટે ઔદ્યોગિક એકમો સ્‍થાપવા માટે મુશ્‍કેલીઓ તથા પ્રશ્‍નો હલ કરવામાં વહીવટી તંત્ર દ્વારા પૂરતો સહયોગ કરવામાં આવશે તેમ અધ્‍યક્ષ સ્‍થાનેથી જિલ્‍લા કલેકટરે જણાવ્‍યું હતું. વધુમાં  ઔદ્યોગિક એકમો સાથે સતત સંર્પકમાં રહી પ્રશ્‍નોના ઝડપી નિકાલ કરવાની દિશામાં કાર્ય કરવા પણ અનુરોધ કર્યો હતો.
બેઠકમાં જિલ્‍લા વિકાસ અધિકારીશ્રી આલોક પાંડે, અમરેલી જિલ્‍લા ઉદ્યોગ કેન્‍દ્રના જનરલ મેનેજર તથા  સમિતીના સભ્‍યો ઉપસ્‍થિત રહયા હતા..

કૃષિ-સહકારમંત્રીશ્રી દિલીપભાઈ સંઘાણીનો અમરેલી જિલ્લાનો પ્રવાસ કાર્યક્રમ
અમરેલી 
રાજયના કૃષિ-સહકાર અને પશુપાલન વિભાગના મંત્રીશ્રી દિલીપભાઈ સંઘાણી આગામી તા.૩૧ માર્ચ-૨૦૧૨ના રોજ અમરેલી જિલ્‍લાના પ્રવાસમાં આવનાર છે. મંત્રીશ્રી તા.૩૧-૦૩-૧૨ના રોજ ૯-૧૫ કલાકે સર્વ શિક્ષા અભિયાન મિશન અમરેલી આયોજિત મહિલા જાગૃતિ કાર્યક્રમમાં, ૧૧-૦૦ કલાકે અમરેલી જિલ્‍લા  મધ્‍યસ્‍થ સહકારી બેંક લિ.ની બોર્ડ ઓફ ડિરેકટરર્સની બેઠકમાં, ૧૩-૦૦ કલાકે માતા યશોદા એવોર્ડ, કન્‍યા કેળવણી નિધિ સહાય વિતરણ તેમજ મહિલા ખેલાડીઓને પુરસ્‍કાર વિતરણ કાર્યક્રમમાં, ૧૮-૦૦ કલાકે ધારી તાલુકાના જીરા ખાતે ટીફીન બેઠકમાં તથા તા.૧-૪-૧૨ના રોજ સવારે ૮-૦૦ કલાકે શ્રી દ્વારકેશલાલજી હવેલી ખાતે છાશ વિતરણ કેન્‍દ્રના ઉદઘાટન પ્રસંગે ઉપસ્‍થિત રહેશે.

અગરીયા કલ્‍યાણકારી યોજનાઓ અંગેની સમિતીની બેઠક યોજાઇ
અમરેલી  અમરેલી જિલ્‍લામાં મીઠા ઉદ્યોગમાં કામગીરી કરતા અગરીયાઓ માટે કલ્‍યાણકારી યોજનાઓ અંગેની સમિતી બેઠક જિલ્‍લા કલેકટર ડી.એ સત્‍યના અધ્‍યક્ષતા હેઠળ યોજાઇ હતી.
બેઠક  દરમિયાન અધ્‍યક્ષશ્રીએ મીઠા ઉધોગમાં કામગીરી કરતા અગરિયાઓ માટે પીવાનું પાણી, રસ્‍તા,આવાસ અને શિક્ષણ તથા આરોગ્‍યની પાયાની પ્રાથમિક સુવિધાઓ પુરી પાડવા માનવીય સંવેદના સાથે ચિંતન  મથન સાથે અગરિયાઓને કલ્‍યાણકારી યોજનાઓના અગ્રતાના ધોરણે પ્‍લાનો બનાવીને  અમલીકરણ કરવા  જણાવ્‍યું હતું.
બેઠકમાં ચાંચ બંદર ખાતે મીઠા કામના અગરિયાઓ માટે ૫૦૧  સ્‍વર્ણિમ આવસ કોલોની કામગીરી આખરી તબકકામાં છે. ત્‍યારે પીવાના પાણીની સુધિધા ઉપલ્‍બધ કરાવવા પણ જણાવ્‍યું હતું.
બેઠકમાં જિલ્‍લા વિકાસ અધિકારીશ્રી આલોક પાંડે, અમરેલી જિલ્‍લા ઉધોગ કેન્‍દ્રના જનરલ મેનેજર તથા  સમિતીના  સભ્‍યો ઉપસ્‍થિત રહયા હતા.
સાવરકુંડલાના લુવારા ગામે આરોગ્‍ય પ્રત્‍યે જનજાગૃત્તિ કેળવાય તેવા હેતુથી 

વિવિધ પ્રવૃત્તિ હાથ ધરવામાં આવી
સાવરકુંડલાના લુવારા ગામે બાઢડા આરગ્ય પ્રાથમિક કેન્‍દ્ર દ્વારા આરોગ્‍ય સર્વેલન્‍સની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ પ્રસંગે સ્‍થળ પર જ તાવના કેસોની લોહી તપાસ હાથ ધરી જરૂરિયાતમંદોને સારવાર આપવામાં આવી હતી. આ ઉપરાંત ગ્રામ્ય વિસ્‍તારમાં આરોગ્‍ય પ્રત્‍યે જનજાગૃત્તિ કેળવાય તેવા હેતુથી આરોગ્‍ય-શિક્ષણની પ્રવૃત્તિ તથા પોરાનાશક, એબેટની કામગીરી કરવામાં આવી હતી, તેમ બ્લોક હેલ્‍થ ઓફિસરશ્રી ડૉ. યજ્ઞેશ ઇસનાવાની યાદીમાં જણાવાયુ છે.

જિલ્‍લા સમાજ કલ્‍યાણ અધિકારી (વિકસતી જાતિ) તથા જય યોગેશ્વર કેળવણી

મંડળ-દોલતીના સંયુક્ત ઉપક્રમે

તા.પમી એપ્રિલના રોજદોલતી ખાતે સમાજ શિક્ષણ શિબિરનું આયોજન
જિલ્‍લા સમાજ કલ્‍યાણ અધિકારી (વિકસતી જાતિ) તથા જય યોગેશ્વર કેળવણી મંડળ-દોલતીના સંયુક્ત ઉપક્રમે સમાજ શિક્ષણ શિબિરનું આયોજન કરવામાં આવ્‍યુ છે. તા.પમી એપ્રિલને ગુરૂવારના રોજ  સામાજિક-શૈક્ષણિક રીતે પછાત વર્ગની વિવિધ યોજનાકીય જાણકારી આપતી આ શિબિરમાં સાવરકુંડલા ધારાસભ્‍ય શ્રી કાળુભાઇ વિરાણી, જિલ્‍લા વિકાસ અધિકારીશ્રી આલોકકુમાર પાંડે સહિતના મહાનુભાવો ઉપસ્‍થિત રહેશે.
મતદાન મથક વિસ્તારમાં મોબાઈલ ફોન, કોર્ડલેસ ફોન, વાયરલેસ સેટ કે 

વોકીટોકી જેવા સાધનો વાપરવા ઉપર પ્રતિબંધ
અમરેલી 
રાજ્ય ચુંટણી પંચે જાહેર કરેલ ચુંટણી કાર્યક્રમ મુજબ જિલ્લા પંચાયતની ૨૬-સરસિયા બેઠકની પેટા ચુંટણી-૨૦૧૨ અંતર્ગત અમરેલી જિલ્‍લામાં તા.૦૮-૦૪-૨૦૧૨ ના રોજ મતદાન થનાર છે. અને તા.૧૦-૦૪-૨૦૧૨ના રોજ મતગણતરી રાખવામાં આવેલ છે.
અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ અમરેલી દ્વારા ચુંટણીઓમાં મતદાનના દિવસે મતદાન મથકથી ૧૦૦ મીટરની ત્રિજયામાં કોઈપણ વ્‍યક્તિએ મોબાઈલ કે કોર્ડલેસ ફોન, વાયરલેસ સેટ, વોકીટોકી જેવા સાધનો લઈ જઈ શકશે નહિં અને સાથે પણ રાખી શકશે નહિં. મતગણતરીના દિવસે સલામતી દળ દ્વારા કોર્ડન કરાયેલ પ્રતિબંધિત વિસ્તારમાં પણ ઉપરના સાધનોનો ઉપયોગ કરવા પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું બહાર પાડેલ છે. આમ છતાં કોઈ વ્‍યક્તિ ઉલ્‍લંઘન કરશે તો તેમની પાસે મળી આવેલ સાધનો જપ્‍ત કરવામાં આવશે. તા.૦૮-૦૪-૨૦૧૨ થી તા.૧૦-૦૪-૨૦૧૨ સુધી અમરેલી જિલ્‍લામાં આ જાહેરનામાનો ઉલ્લંઘન કરનાર સામે ભારતીય દંડ સંહિતાની કલમ-૧૮૮ મુજબ શિક્ષાને પાત્ર ઠરશે.

ચૂંટણી પ્રચારમાં મંજૂરી વિના લાઉડ સ્પીકર વગાડવા પર પ્રતિબંધ
અમરેલી જિલ્લામાં ૨૬-સરસિયા બેઠકની જિલ્લા પંચાયત પેટા ચૂંટણી ૨૦૧૨ અન્‍વયે, ચૂંટણી દરમિયાન પ્રચારના હેતુસર લાઉડ સ્પીકરનો ઉપયોગ કરી અવાજના પ્રદુષણને રોકવા અને ધ્વનિ પ્રદુષણથી લોકોની તંદુરસ્‍તીને વિપરીત અસર ન પહોંચે, લાઉડ સ્પીકરના ઉપયોગથી સામાન્ય જનતાને ખલેલ ન પડે તે હેતુથી અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ શ્રીએ જાહેરનામું બહાર પાડ્યું છે.
જેમાં કોઇ પણ વ્યક્તિ કે સંસ્થા સક્ષમ અધિકારીશ્રીની પરવાનગી સિવાય જાહેરમાં લાઉડ સ્પીકર વગાડી શકશે નહી. પરવાનગી વિના ચૂંટણી પ્રચાર કે વાહન પર માઈક/લાઉડ સ્‍પીકર રાખી વગાડી શકશે નહિં. ઉમેદવારે કે કાર્યકરે પરવાનગી અંગેની જાણ ચૂંટણી અધિકારી અને સ્‍થાનિક પોલીસને કરવાની રહેશે. પરવાનગી મેળવ્યા બાદ લાઉડ સ્પીકર સવારના-૦૬-૦૦ થી રાત્રીના ૧૦-૦૦ કલાક સુધી જાહેર જનતાને નુંકશાન ન પહોંચે તે રીતે વગાડવાનું રહેશે. મતવિસ્‍તારમાં મતદાન સમાપ્‍ત કરવા માટે નિયત કરવામાં આવેલ સમય પૂર્વે ૪૮ કલાક દરમ્‍યાન વાહન પર ગોઠવેલ કે અન્‍ય પ્રકારના લાઉડ સ્‍પીકરનો ઉપયોગ કરવો નહિ. ઉપરોક્ત હુકમનો  ભંગ કરનાર તેમજ મદદગારી કરનાર સામે ચૂંટણી આયોગની સુચનાઓના ઉલ્લંઘન બદલ મુંબઇ પોલિસ અધિનિયમ-૧૯૫૧ આંક ૨૨ માની કલમ-૧૩૧ હેઠળની શિક્ષાને પાત્ર થશે.

સરકારી તથા જાહેર સ્‍થળોનો ચૂંટણી હેતુ માટે ઉપયોગ કરવા પ્રતિબંધ
અમરેલી 
અમરેલી જિલ્લામાં ૨૬-સરસિયા બેઠકની જિલ્લા પંચાયત પેટા ચૂંટણી ૨૦૧૨ અન્‍વયે, ચૂંટણી પ્રક્રિયા દરમ્‍યાન આદર્શ આચાર સંહિતાનો અમલ કરવા આપેલ સુચનાઓ મુજબ રાજકીય પક્ષો, કાર્યકરો કે ઉમેદવારોએ નીચેના સ્‍થળોનો ચૂંટણીના કામે ઉપયોગ કરવા પ્રતિબંધ ફરમાવેલ છે.
અમરેલી જિલ્‍લામાં આવેલ સરકારી, અર્ધ સરકારી, સહકારી સહિત તમામ આરામગૃહ, ડાક બંગલાઓ, વિશ્રામગૃહો તેમજ જાહેર સ્‍થળો હોય તેવા ગૃહોનો ચૂંટણી વિષયક પ્રચારના હેતુસર ઉપયોગ કરી શકશે નહિં. ઉપરોકત સ્‍થળોએ રાજકિય પ્રવૃત્તિમાં રાજકિય ચર્ચા, ટેલિફોન ઉપર વાર્તાલાપ અને મુલાકાતી સહિતની બાબતોનો સમાવેશ થશે. આ પ્રતિબંધ તારીખ ૧૦/૦૪/૨૦૧૨ સુધી અમલમાં રહેશે તેમજ હુકમનો ભંગ અથવા ઉલ્‍લધંન કરનાર ભારતીય દંડ સંહીતાની કલમ-૧૮૮ મુજબ સજાને પાત્ર થશે.
ચૂંટણી પ્રચાર દરમિયાન છટાદાર ભાષણ આપવા કે ચાળા

પાડવા ઉપર પ્રતિબંધ
અમરેલી  જિલ્લા પંચાયતની ૨૬-સરસિયા બેઠકની પેટા ચુંટણી-૨૦૧૨ અન્‍વયે આદર્શ આચાર સંહિતા અમલમાં આવેલ છે. ચુંટણીમાં ઉમેદાવારી પત્રક ભરવાની તારીખથી મતગણતરી સુધી રાજકીય પક્ષોના ઉમેદવારો અને ટેકેદારો દ્વારા સભાઓ યોજી તેમજ અન્ય પ્રકારે ચૂંટણી પ્રચાર થનાર છે. જેથી આદર્શ આચાર સંહિતાના અમલી માટે અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રીએ અમરેલી જિલ્લાના સમ્રગ વિસ્તારમાં તારીખ ૦૮ થી ૧૦ એપ્રિલ ૨૦૧૨ સુધી અમલી આવે તે હેતુથી જાહેરનામું પ્રસિધ્ધ કર્યું છે.
જેમાં ઉમેદાવારો કે સંગઠનો તેમજ અન્ય કાર્યકરો, સમર્થકો સહિત દરેકને ચૂંટણી પ્રક્રિયા દરમિયાન છટાદાર ભાષણ આપવા, ચાળા પાડવા, નકલ કરવાની ચિત્રો, નિશાનીઓ અથવા અન્ય કોઇ પણ રીતે સુરૂચિ અથવા નીતિનો ભંગ થતો હોય તેમજ તેનાથી સુલેહ શાંતિ કે રાજ્યની સલામતી જોખમાતી હોય તેવુ વર્તન કરવા ઉપર પ્રતિબંધ ફરમાવેલ છે. આ હુકમનો ભંગ  કરનાર કે તેની મદદગારી કરનાર શખ્સ ભારતીય દંડ સંહિતાની કલમ-૧૮૮ હેઠળ સજાને પાત્ર ઠરશે.
જિલ્‍લા પંચાયતની ૨૬-સરસીયા બેઠકની પેટા ચૂંટણી દરમિયાન

અમરેલી જિલ્‍લામાં હથિયાર સાથે રાખવા ઉપર પ્રતિબંધ-હથિયાર જમા 

કરાવવાના રહેશે
જિલ્‍લા પંચાયતની ૨૬-સરસીયા બેઠકની પેટા ચૂંટણી યોજાનાર છે.
ચૂંટણી દરમિયાન અમરેલી જિલ્‍લામાં કાયદો અને વ્‍યવસ્‍થા, જાહેર સુલેહ શાંતિ અને લોકોની સલામતિ જાળવવા અમરેલીના જિલ્‍લા મેજીસ્‍ટ્રેટશ્રી ડી.એ. સત્‍યાએ જાહેરનામુ બહાર પાડેલ છે.
શસ્‍ત્ર અધિનિયમ-૧૯૫૯ની કલમ-૨ની વ્યાખ્યામાં આવતું કોઇપણ હથિયાર કરી ફરવું નહિ, ૨૬-સરસિયા બેઠક વિસ્‍તારમાં વસવાટ કરતા હોય અને તેઓએ જિલ્‍લા બહારથી મેળવેલ હથિયાર પરવાના ધારણ કરનારે તેમજ હથિયાર પોતાના રહેઠાણના સ્‍થળે પોતાની સેફ કસ્‍ટડીમાં રાખવાનું રહેશે. જિલ્‍લાના સંસ્‍થાકીય સિવાયના ગ્રામ્ય વિસ્‍તારના વ્‍યક્તિગત પ્રકારના હથિયાર પરવાના ધારકો તથા જિલ્‍લા બહારથી મેળવેલ હથિયાર પરવાના ધારણ કરનાર વ્‍યક્તિઓ કે જેઓ હાલ અમરેલી જિલ્‍લા પંચાયતની ૨૬અસરસીયા બેઠક વિસ્‍તારમાં વસવાટ કરતા હોય તેવા તમામ હથિયાર પરવાનેદારોને તેમના હથિયાર સંબંધિત પોલિસ સ્‍ટેશનમાં જમા કરાવવાના રહેશે. જામીન પર છોડેલી વ્‍યક્તિઓ, ફોજદારી ગુન્‍હાઓ કર્યાની ભૂમિકાવાળી વ્‍યક્તિઓ, હુલ્‍લડના ગુન્‍હામાં ખાસ કરીને ચૂંટણી સમય દરમ્‍યાન સંડોવાયેલા વ્‍યક્તિઓ, ગંભીર ગુનામાં સંડોવાયેલા વ્‍યક્તિઓએ તેમના હથિયાર પોલિસ સ્‍ટેશનમાં જમા લેવા માટે જિલ્લા પોલિસ અધિક્ષકશ્રી-અમરેલીને અધિકૃત કરવામાં આવેલ છે.
ચૂંટણી પ્રક્રિયા દરમ્‍યાન કાયદો અને વ્‍યવસ્‍થા જાળવવામાં બાધારૂપ થાય તેવા ઇસમો, ચૂંટણી પ્રક્રિયા શરૂ હોય યોગ્‍ય સમયમાં નોટિસ બજાવી શકાય તેમ ન હોય અને સુનાવણી આપવાનું શક્ય ન હોય તે સંબંધિત હુકમો ફોજદારી કાર્યરીતિ અધિનિયમ-૧૯૭૩ની કલમ-૧૪૪ હેઠળ જાહેર કરવામાં આવેલ છે.
કાયદો-વ્‍યવસ્‍થાનો ચાર્જ સંભાળતા અધિકારીશ્રી-સુરક્ષા કર્મચારી-ચૂંટણીપંચે નિમેલા નિરિક્ષકોને લાગુ પડશે નહિ.
આદેશ તા.૧૦મી એપ્રિલ સુધી અમલમાં રહેશે.
 આદેશનો ભંગ કરનાર કે મદદગારી કરનાર શખ્સ ભારતીય દંડ સંહિતાની કલમ-૧૮૮ હેઠળ સજાને પાત્ર ઠરશે.

આજે મહિલા સંમેલન - ૧૧૪ કર્મનિષ્ઠ આંગણવાડી કાર્યકર બહેનોનું માતા યશોદા એવોર્ડથી કરાશે સન્માન



વડોદરા 
નારીશક્તિના આદરપૂર્ણ સશક્તિકરણના રાજ્ય સરકારના આયોજનના ભાગરૂપે આવતીકાલ શનિવાર તા.૩૧/૩/૨૦૧૨ના રોજ કેલનપુર સ્થિત દાદા ભગવાન મંદિરના પરિસરમાં શહેર-જિલ્લાના મહિલા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. જેનો પ્રારંભ બપોરના ૧-૦૦ વાગ્યે થશે.
આ સંમેલનમાં પ્રવાસન રાજ્યમંત્રીશ્રી જીતુભાઇ સુખડિયા,સંસદીય સચિવશ્રી યોગેશભાઇ પટેલ, જિલ્લા પંચાયત અધ્યક્ષા સુધાબેન પરમાર, સાંસદશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ તેમજ મહાનુભાવોના હસ્તે વડોદરા શહેર તેમજ જિલ્લાની આંગણવાડીઓની ૧૧૪ કર્મનિષ્ઠ કાર્યકર બહેનોને માતા યશોદા એવોર્ડસથી સન્માનીત કરવામાં આવશે.આ ઉપરાંત ૧૫૦ તેજસ્વી કન્યારત્નોને મુખ્યમંત્રીશ્રીની કન્યા કેળવણી નિધીમાંથી વિઘોત્તેજક સહાયનું અને કુલ ૧૪૩ રમત વીરાંગનાઓને ખેલ પ્રતિભા એવોર્ડસનું વિતરણ કરવામાં આવશે.
સાવલી ખાતે સિવિલ કોર્ટની નવી ઇમારત બંધાશે
વડોદરા 
સાવલી ખાતે રાજ્ય સરકારે સિવિલ કોર્ટની નવી ઇમારત બાંધવાનું આયોજન કર્યું છે.તેના નિર્માણ કાર્યનો ભૂમિપૂજન સમારંભ રવિવાર તા.૧લી એપિ્રલ,૨૦૧૨ના રોજ સવારના ૯-૩૦ કલાકે સાવલી-વડીયા રોડ પર આઇ.ટી.આઇ.પાસે ફાળવેલી જગ્યાએ પિ્રન્સિપાલ ડિસ્ટ્રીક્ટ જજશ્રી કે.કે.ભટ્ટ, ન્યાયાધીશશ્રીઓ તેમજ બારના સદસ્યોની ઉપસ્થિતિમાં રાખવામાં આવ્યો છે.
કપુરાઇ રેલવે ગરનાળા પાસે અજાણ્યા પુરુષનું મરણ
વડોદરા 
ગુરુવાર તા.૨૯/૦૩ના રોજ સાંજના સમયે કપુરાઇ રેલવે ગરનાળા પાસે અંદાજે ૪૦ વર્ષની ઉંમરના અજાણ્યા પુરુષનું મરણ થયું છે.મૃતક રંગે શ્યામ વર્ણનો અને પાતળા બાંધાનો છે. તેણે શરીર પર લાલ રંગનું શર્ટ અને કથ્થાઇ રંગનું પેન્ટ પહેરેલાં છે.તેના વાલીવારસોને વાડી પોલીસ મથકનો સંપર્ક કરવા જણાવાયું છે.
વાહનમાલિકોએ સુધારેલા દરે નેશનલ પરમીટની ફી ભરવી પડશે
વડોદરા 
વાહન વ્યવહાર કમિશનરશ્રી, ગાંધીનગરની સૂચના અનુસાર ગુડ્ઝ વાહનો માટેની નેશનલ પરમીટની સુધરેલ વાહન દીઠ વાર્ષિક ફી રૂા. ૧૫૦૦૦/-ના રૂા. ૧૬૫૦૦/- કરવામાં આવ્યા છે.
વધુમાં જણાવવાનું કે જો કોઇ અગાઉ તા.૨૮/૩/૨૦૧૨ સુધીમાં કચેરીથી મેળવેલ ચલણ તા.૩૦/૩/૨૦૧૨ પછી સ્ટેટ બેન્કમાં ભરવા જશે તો તેઓને તા.૧/૪/૨૦૧૨ની અસરથી સુધારેલ ફીના ધોરણ મુજબ નાણા ભરવાના રહેશે. જેની મોટરિંગ પબ્લિકને અત્રે જાણ કરવામાં આવે છે.


ભાવિ પઢીને બચાવવા બાયો ડાયવર્સિટીનું સંરક્ષણ અને સંવર્ધન જરૂરી - શ્રી બી.એન.શ્રીવાસ્તવ
આણંદ ખાતે બાયો ડાયવર્સિટી જનજાગૃતિ પરિસંવાદ યોજાયો
ગુજરાત બાયો ડાયવર્સિટી બોર્ડ-ગાંધીનગર દ્વારા સામાજિક વનીકરણ વિભાગ-આણંદના સહયોગથી આણંદ ખાતે યોજાયેલ ગુજરાત બાયો ડાયવર્સિટી જનજાગૃતિ પરિસંવાદ-૨૦૧૨ને ગુજરાત બાયો ડાયવર્સિટી બોર્ડના ચેરમેન બી. એન. શ્રીવાસ્તવે દીપ પ્રગટાવીને ખુલ્લો મૂક્યો હતો.
પ્રાસંગિક ઉદ્‍બોધનમાં બી. એન. શ્રીવાસ્તવે વનસ્પતિમાં નાના તણખલાથી માંડી નાના-મોટા અને ધટાદાર વૃક્ષો અને વેલાઓ, સુક્ષ્મમાં સુક્ષ્મ જીવ-જંતુઓથી માંડી તમામ પાલતુ અને વન્ય પ્રાણી-પક્ષીઓ, દરિયાઇ સૃષ્ટિ, ફળ-ફુલ અને તમામ પાકો વગેરે આપણી જૈવિક સમૃધ્ધિ છે. જેને અંગ્રેજીમાં બાયો ડાયવર્સિટી તરીકે ઓળખવામાં આવે છે. ભાવિ પેઢીને બચાવવા બાયો ડાયવર્સિટીનું સંરક્ષણ અને સંવર્ધન કરવું જરૂરી છે. 
જૈવિક વિવિધતાઓના જતન અને રક્ષણ માટે અમલી બાયોલોજીકલ ડાયવર્સિટી એકટ-૨૦૦૨ની જાણકારી આપતાં શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે દેશના જૈવિક સંશાધનોની જાળવણી,તેના સંરક્ષણ અને સાતત્યપૂર્ણ ઉપયોગ કરવા તથા લુપ્ત થવાના આરે આવેલ જૈવિકોના સંરક્ષણ-સંવર્ધનના પ્રયત્નો હાથ ધરવા તેમજ પૂર્વમંજૂરી વિના અને બેરોકટોક રીતે જૈવિક વિવિધતાનો ઉપયોગ થતો રોકવા વગેરે બાબતોની બાયોલોજીકલ ડાયવર્સિટી એકટ-૨૦૦૨માં જોગવાઇ કરવામાં આવ છે.
શ્રીવાસ્તવે જૈવિક વિવિધતાને સમાજનું અવિભાજ્ય અંગ ગણાવતાં બાયોલોજીકલ ડાયવર્સિટી એકટના અસરકારક અમલીકરણ માટે વહેલામાં વહેલી તકે ગામે ગામ જૈવિક વિવિધતા વ્યવસ્થા સમિતિ (બાયો ડાયવર્સિટી મેનેજમેન્ટ કમિટિ)ની રચના કરી જૈવિક સંશાધનોનો વ્યાપારિક ધોરણે થતા ઉપયોગોમાંથી ગામના ઉત્થાનમાં સહભાગી થવા ઉપર ભાર મૂકયો હતો.
આ પરિસંવાદના અતિથિ વિશેષપદેથી ગુજરાત રાજય બાયો ડાયવર્સિટી બોર્ડ-ગાંધીનગરના સભ્ય સચિવ ડૉ. એ. પી. સિંગે બાયો ડાયવર્સિટીના સંરક્ષણની અગત્યતા સમજાવતા જણાવ્યું હતું કે બાયો ડાયવર્સિટી (જૈવિક વિવિધતામાં) વન, વન્ય સૃષ્ટિ, ખેતીવાડી, બાગ-બગીચા, ઉઘાનો દરિયાઇ સૃષ્ટિ, પશુઓ, નરી આંખે જોઇ ન શકાય તેવા જીવ-જંતુઓ, સૂક્ષ્મ બેકટેરિયા-વાયરસ વગેરેનો સમાવેશ થાય છે. આ તમામને સજીવ સૃષ્ટિ અને માનવ જીવનથી અલગ ન પાડી શકાય.
અનેક વનસ્પતિઓ, વૃક્ષો, જીવ-જંતુઓ, પ્રાણી-પશુઓ પર્યાવરણીય સમતુલા તથા તેના આડેધડ ઉપયોગથી લુપ્ત થવાના આરે છે.તેની જાળવણી અને સંવર્ધનની ચિંતા માટે ૧૯૯૨માં બ્રાઝીલમાં યોજાયેલ અર્થસમીટમાં ૧૯૩ દેશોએ ભાગ લીધો હતો. જેમાં જૈવિક વિવિધતા ધરાવતા દેશોના સાર્વભૌમ હક્કો નક્કી કરવામાં આવ્યા છે એમ જણાવી ડૉ. એ. પી. સીંગે ઉમેર્યું હતું  કે ભારતમાં જૈવિક વિવિધતાના રક્ષણ સંવર્ધન માટે બાયો ડાયવર્સિટી એકટ ધડવામાં આવ્યો છે. જેના ભાગરૂપે ગુજરાત સરકારે ગુજરાત બાયો ડાયવર્સિટી બોર્ડની રચના કરી ગુજરાત બાયો ડાયવર્સિટી રૂલ્સ-૨૦૧૦ બનાવ્યો છેજેને આણંદ ઉપરાંત પંચમહાલ,દાહોદ, સાબરકાંઠા અને ગાંધીનગર એમ પાંચ જિલ્લાઓમાં પાયલોટ પ્રોજેકટ રૂપે અમલી બનાવાયો છે.
જૈવિક વિવિધતાના સંરક્ષણ માટે હૈદરાબાદ ખાતે આગામી ઓકટોબર-૨૦૧૨માં વર્લ્ડ કોન્ફરન્સ ઓન બાયો ડાયવર્સિટી યોજાશે એમ ડૉ.સીંગે વધુમાં ઉમેર્યું હતું.
આ પરિસંવાદમાં ખાસ ઉપસ્થિત બાયો ડાયવર્સિટી બોર્ડના પૂર્વ સભ્યસચિવ અને વન સંરક્ષક (વર્કીગ પ્લાન) જુનાગઢ એન.એસ.યાદવે જણાવ્યું હતું કે જૈવિક વિવિધતા ન હોય તો માનવજીવન શક્ય નથી. માનવજીવનનું અસ્તિત્વ ટકાવી રાખવા જૈવિક વિવિધતાનું સંરક્ષણ કરવું અનિવાર્ય છે.
જૈવિક વિવિધતાનું સંરક્ષણ થાય, તેનું સંવર્ધન થાય અને તેમાં સામાજીક જાગૃતિ આવે તે માટે બાયોલોજીકલ ડાયવર્સિટી એકટ ખૂબ જ આર્શીવાદરૂપ બની રહેશે તેમ જણાવી શ્રી યાદવે જૈવિક સ્રોતોનું વ્યાપારીકરણ થઇ રહ્યું છે તેમાંથી ગ્રામકક્ષાની બાયો ડાયવર્સિટી મેનેજમેન્ટ કમિટિને પણ આવક મળી રહેશે અને તેના સંરક્ષણ સંવર્ધન માટે વધુ જાગૃત-સજાગ બનશે તેમ ઉમેર્યું હતું.
આ પ્રસંગે સામાજીક વનીકરણ વિભાગ-આણંદના નાયબ વન સંરક્ષક સી.કે.સોનવનેએ બાયો ડાયવર્સિટી એકટના અસરકારક અમલ માટે પાયલોટ પ્રોજેકટરૂપે આણંદ તાલુકાની પસંદગી થઇ છે તેમ જણાવી તમામ ગામોમાં બાયો ડાયવર્સિટી મેનેજમેન્ટ કમિટિની રચના કરવામાં આવશે જેમાં કૃષિ યુનિવર્સિટી,સ્વૈચ્છિક સંસ્થાઓ, શૈક્ષણિક સંસ્થાઓ વગેરેનો સહયોગ લેવામાં આવશે તેમ ઉમેર્યું હતું.
આ પ્રસંગે ગોધરાના પર્યાવરણપ્રેમી શ્રી ગઢવી તથા વિઘાનગર નેચર કલબના શ્રી ધવલ પટેલે પ્રતિભાવો રજૂ કર્યા હતા.
આ પ્રસંગે વેટરનરી કોલેજના ડૉ. આર.જે.જાનીએ બાયો ડાયવર્સિટીનું મહત્વ સમજાવતાં જણાવ્યું હતું કે અનેક જીવજંતુઓ અને પ્રાણીઓ, પક્ષી સૃષ્ટિ લુપ્ત થઇ રહી છે ત્યારે આ સૃષ્ટિના સંવર્ધન અને સંરક્ષણ માટે સમાજે સજાગ થવાની જરૂર છે.
આ પરિસંવાદમાં કૃષિ યુનિવર્સિટી-આણંદના ડૉ. જાડેજા વિશ્વમાં જૈવિક વિવિધતા ધટી રહી છે તે અંગે ચિંતા સાથે જીવો અને જીવવા દો સૂત્રને અપનાવવાની અપીલ કરતા જણાવ્યું હતું કે જૈવિક વિવિધતા એ કુદરતનો અમૂલ્ય ખજાનો છે તેનું જતન કરવાની આપણા સૌની જવાબદારી છે. જૂના સમયમાં ગ્રામીણ ખેડૂતો પાકની લણણી કરી ખળામાંથી જીવજંતુઓ, પક્ષીઓ પશુઓ અને ગામના ગરીબજનો માટે ભાગ પાડી બાકીનું અનાજ પોતાના ધરે લઇ જતા તે જ સૂચવે છે કે માનજ જીવનમાં જૈવિક વિવિધતાનું ખૂબ જ મહત્વ રહેલું છે.
પ્રારંભમાં મદદનીશ વન સંરક્ષક ડી.બી.ત્રિવેદીએ સ્વાગત પ્રવચન જયારે રેન્જ ફોરેસ્ટ ઓફિસર એસ.કે. ગુપ્તાએ આભારદર્શન કર્યું હતું.
આ પરિસંવાદમાં જિલ્લા જળસ્ત્રાવ વિકાસ એકમના નિયામક દેસાઇ, આણંદ તાલુકાના સરપંચશ્રીઓ, પ્રાણી-પક્ષી અને પર્યાવરણ પ્રેમીઓ, વન ખાતાના અધિકારીઓ-કર્મચારીઓ ઉપસ્થિત રહયા હતા.   

ગોધરા ખાતે વિશ્વ ક્ષય દિવસની ઉજવણી
પંચમહાલમાં ૧૮૪૦ ક્ષયના દર્દીઓ સારવાર હેઠળ છેલ્‍લા દસ વર્ષમાં ૧૭,૧૨૬ દર્દીઓ ક્ષય રોગથી મુક્ત થયા
ગોધરા,
પ્રાચીન સમયથી રાજ રોગ ગણાતો   રોગ એટલે ક્ષય (ટી.બી.) નો રોગ એ મહારોગ તરીકે ગણાતો હતો પરંતું આ રોગના જીવાણુંની શોધ ફ્રેન્‍ચ  વૈજ્ઞાનિકશ્રી રોબર્ટ કોક્સ દ્વારા ૧૩૦ વર્ષ પહેલા ૨૪ મી માર્ચ ૧૮૮૨ ના રોજ કરાઇ હતી તેની યાદમાં દર વર્ષે ૨૪ મી માર્ચને વિશ્વ ક્ષય દિન તરીકે ઉજવવામાં આવે છે. ટી.બી.ના જીવાણુંનું નામ ટ્યુબરકલ બેસીલસ નામ અપાયું છે. જેની ઉપરથી ક્ષય રોગનું ટુકુ નામ ટી.બી. છે
પંચમહાલ જિલ્‍લામાં વર્ષ ૨૦૧૧ માં ૧૬૯૧૪ જેટલા શંકાસ્‍પદ દર્દીઓની તપાસ કરવામાં આવી હતી તેમાંથી ૧૮૪૦ ક્ષયના દર્દીઓ મળી આવ્યા હતા આ દર્દીઓ સારવાર હેઠળ છે. તે પૈકી ૧૭૧૯ દર્દીઓ ચેપ મુક્ત બન્‍યા છે.
જ્યારે છેલ્‍લા દસ વર્ષમાં પંચમહાલ જિલ્‍લામાં ૧૭,૧૨૬ જેટલા દર્દીઓને ક્ષય રોગ મટી ગયો છે. જેમાં વર્ષ ૨૦૦૦ માં ૭૦૬, ૨૦૦૧ માં ૧૧૬૮, ૨૦૦૨ માં ૧૨૦૦, ૨૦૦૩ માં ૧૪૮૧, ૨૦૦૪માં ૧૬૭૭, ૨૦૦૫માં ૧૬૧૪, ૨૦૦૬માં ૨૦૬૭, ૨૦૦૭માં ૧૯૦૨, ૨૦૦૮માં ૧૮૪૩, ૨૦૦૯માં ૧૭૮૪, ૨૦૧૦માં ૧૬૮૪ નો સમાવેશ થાય છે. વર્ષ ૨૦૧૧ ના ૧૮૪૦ દર્દીઓ સારવાર હેઠળ છે. પંચમહાલ જિલ્‍લામાં એક જિલ્‍લા ક્ષય કેન્‍દ્ર આવેલું છે તેમાં જિલ્‍લા ક્ષય અધિકારી તરીકે ર્ડો. એચ.વી. પરમાર સેવા આપે છે. આ ઉપરાંત ગોધરા, હાલોલ, શહેરા, સંતરાપુર, મોરા, ઘોઘંબા, કડાણા, મળી કુલ સાત ટી.બી યુનિટ આવેલા છ તે પૈકી સંતરાપુર, મોરા, ઘોઘંબા અને કડાણાએ ટ્રાયબલ ટી.બી. યુનિટ તરીકે કામ કરે છે.  ટી.બી. નિદાન માટે આદિજાતી વિસ્‍તારમાં ૫૦ હજારની વસ્‍તીએ  એક ડી.એમ.સી. અને અન્‍ય સમાજની એક લાખની વસ્‍તી દીઠ એક ડી.એમ.સી. કાર્યરત છે. પંચમહાલ જિલલામાં હાલમાં ૩૭ ડી.એમ.સી. (ડેઝીગ્નેટડ માઇકોસ્‍કોપી સેન્‍ટર) કાર્યરત છે.
પંચમહાલ જિલ્‍લામાં દર્દીઓને નિયમિત સારવાર મળી રહે તે હેતુથી ડોટસ પધ્ધતિથી સારવાર આપવવામાં આવે છે. આ ડોટસ પધ્‍ધતિમાં દર્દીઓને આરોગ્ય કાર્યકરની રૂબરૂમાં ટી બી ની ગોળીઓ ગળાવવા માં આવે છે. જેથી આ પધ્‍ધતિ માં  ૯૫  ટકા સફળતા મળે છે. જિલ્‍લામાં ૨૯૧૦  જેટલા ડોટસ સેન્‍ટર કાર્યરત છે. ડોટસ પધ્‍ધતિ  આવવાથી ક્ષય નો રોગ ઝડપ થી મટાડી શકાય છે.
એક અંદાજ મુજબ ભારત માં દરવર્ષ ૧૯ લાખ ૮૦  હજાર લોકેને ટીબીનો રોગ થાય છે. તે પૈકી ૨ લાખ ૭૬  હજાર દર્દી મૃત્‍યુ  પામે છે.દુનિયાના પાંચમા ભાગના ટી.બી.ના દર્દીઓ ભારતમાં છે .ત્રણ લાખ બાળકો તેમના માતા પિતા ની બિમારીના કારણે અભ્‍યાસ છોડી દેવો પડે છે.એક લાખ મહિલા ઓને તેમના કુટુંબ દ્રારા ક્ષય રોગ ને લીધે ત્‍યજી દેવામાં આવે છે. અને અન્‍ય ચેપી રોગ કરતાં ટી.બી.ના કારણે પુખ્‍ત વયના લોકોને મૂત્‍યુ દર વધુ છે. આમ ક્ષય રોગ (ટીબી) ના કારણે દેશના સામાજિક અને આર્થિક વિકાસ ને અવળી અસર થાય છે. અને આ ક્ષય ના રોગના લીધે દર વર્ષ ભારત દેશને રૂા. ૧૩ હજાર કરોડનુ નુકશાન થાય છે. ચાલો આપણે પહેલુ સુખ તે જાતે નર્યા ઉકિત ને સાર્થક કરીએ અને વ્‍યસન મુકત બની પોષક આહાર લઇ એ અને ક્ષય રોગના લક્ષણો જણાય તો ડોટસ સારવાર લઇએ ક્ષયના રોગના લક્ષણો માં સતત તાવ આવવો,ગળફા પડવા, ગળફામાં લોહી-પરૂ,શરીર ગળતર થવુ જેવા લક્ષણો મુખ્ય છે. આવા લક્ષણો જણાયતો નજીકના ટીબી યુનિટ કે ડી.એમ સી. માં તપાસ કરાવીને તાત્‍કાલિક સારવાર કરાવી એ આડોશી-પાડોશી ને પણ ક્ષયના રોગના લક્ષણ જણાય તો જાણકારી આપીએ સારવાર માટે માહિતી અને માર્ગદર્શન આપી અને મહા રોગ ગણાતા ક્ષય રોગથી મુક્ત બનીએ અને દેશના સામાજિક આર્થિક વિકાસ માં સહયોગ આપી એ