અનુયાયીઓ

ગુરુવાર, 5 માર્ચ, 2015

જેતપુર શહેર-તાલુકામાં ફરજીયાત મફત શિક્ષણની અમલવારી શરુ !

આખરે જેતપુરના સેવાભાવીઓની મહેનત ફળી !
જેતપુર શહેર-તાલુકામાં ફરજીયાત મફત શિક્ષણની અમલવારી શરુ !
શહેરમાં 200 અને તાલુકામાં 100 બેઠકો ફાળવતું સરકારી તંત્ર....
કોઈ શાળા આ બાબતે નનૈયો ભણે તો વાલીમંડળને જાણ કરવા અનુરોધ, શાળાની માન્યતા રદ પણ કરાવી શકાય 
જેતલસર(જેતપુર) તા.5.
છેલ્લા દોઢ વર્ષ થયા અવારનવારની રજુઆતો પછી જેતપુરના સેવાભાવી યુવાનોની મહેનત ફળી હોય તેમ સરકારી તંત્રએ જેતપુર શહેર અને તાલુકા વિસ્તારમાં મફત અને ફરજીયાત શિક્ષણની અમલવારી શરુ કરાવતા વાલીગણે આનંદ કરવા જેવી વાત છે.
આ બાબતે  વિગતો મુજબ ગુજરાત સરકારે સને 2013 માં આર.ટી.ઈ. અંતર્ગત મફત અને ફરજીયાત શિક્ષણ યોજના પ્રજા વચ્ચે તરતી મુકતા રાજકોટ જીલ્લાના ધણાખરા શહેરોમાં સરકારની આ યોજનાની અમલવારી ચાલુ થઇ ગયેલી, પણ જેતપુર શહેર અને તાલુકામાં આ બાબતે કોઈ કામગીરી આગળ ધપી નહોતી..
બીજીબાજુ સરકારની આ યોજનાની અમલવારી કરાવવા જેતપુરના સેવાભાવી યુવાનો મહમદભાઈ સાંધ, યોગેન્દ્રસિંહ ગોહિલ, રાજકોટના જાગૃત યુવાનો મનીષભાઈ ઓડેદરા, ડો.ધર્મેશ ગોહેલ  વી. એ રાજકોટ જીલ્લા શિક્ષણાધિકારી તથા રાજકોટ ડીડીઓ વી. સંબંધિતોને રૂબરૂ, લેખિત રજુઆતો કરવાનું ચાલુ કરતા કહેવાય  છે કે સરકારનું આ તંત્ર દોઢ વરસ પછી જાગ્યું હોય તેમ ગઈકાલે રાજકોટની શિક્ષણ તંત્રની મુખ્ય કચેરીએથી ડીપીઓ ચેતનાબેન વ્યાસે જેતપુરના શાશનાધિકારી ડી.કે.પરમારને જેતપુર શહેરમાં ફરજીયાત મફત શિક્ષણ માટે 200 જગ્યા અને જેતપુર તાલુકા વિસ્તારમાં 100 જગ્યાઓ ફાળવતા જેતપુરના સેવાભાવીઓએ આનંદ વ્યક્ત કર્યો છે.

બોક્સ: આરટીઈના ફોર્મ વિતરણ કરાયા 
જેતલસર(જેતપુર) : જેતપુરમાં મફત અને ફરજીયાત શિક્ષણની અમલવારી કરાવવાના રાજકોટથી આદેશો થતાજ જેતપુરમાં શાશનાધિકારી પરમારે સેવાભાવીઓ મહમદભાઈ, યોગેન્દ્રસિંહ ગોહિલ, પ્રવીણભાઈ ધરજીયા, શૈલેશભાઈ સાવલિયા, જીતેન્દ્રભાઈ લાડવા, કાળાભાઈ ચાવડા, જતિન દેગડા, એજાજ બોઘાની, કશ્યપ જોશી, ભાવના ખાચરીયા વિગેરેની હાજરીમાં ઉપસ્થિત વાલીઓને આરટીઈ ફોર્મ વિતરણ કરી આ યોજનાની અમલવારીના  શ્રીગણેશ કરાવતા વાલીઓમાં રાજીપો છવાયો હતો.

બોક્સ : આરટીઈની નાં પાડનાર શાળા માન્યતા રદ થઇ શકે !
જેતલસર(જેતપુર) : સરકારની ફરજીયાત અને મફત શિક્ષણ અન્વયે કોઈ શાળા સંચાલક બાળકોને પ્રવેશ અપાવવામાં માથાકૂટ કરે કે પ્રવેશની નાં પાડે તો વાલીઓના સાથ અને સહકાર વચ્ચે આરટીઈ પ્રવેશની નાં પાડનાર શાળા સંચાલકો સામે કાયદાકીય કાર્યવાહી તેમજ શાળા માન્યતા રદ સુધીના પગલા ભરાવી શકાય તેવી સરકારની માર્ગદર્શિકા  છે. 

બોક્સ : દરેક શાળાએ આરટીઈની જાણકારી નોટીસબોર્ડમાં લગાવવી પડશે !
જેતલસર(જેતપુર) : જેતપુરમાં મફત અને ફરજીયાત શિક્ષણની અમલવારી કરાવનાર જેતપુરના સેવાભાવી યુવાનો અને  સમાંબંધિત સરકારીસુત્રોએ જણાવ્યું છે કે સરકારની આ યોજના બાબતે તમામ શાળા સંચાલકોએ પોત પોતાની શાળામાં નોટીસબોર્ડ પર માહિતી-વિગતો જાહેર કરવી ફરજીયાત બની રહેશે..

બોક્સ : તા.31.5. સુધીમાં ફોર્મ ભરી પરત કરવા અનુરોધ
જેતલસર(જેતપુર) : જેતપુરના શાશનાધિકારી  પરમારે વાલીઓ જોગ જાણ અર્થે અનુરોધ કર્યો છે કે શહેર અને તાલુકાની કોઈપણ શાળામાં ધોરણ 1 થી પોતાના બાળકોને પ્રવેશ અપાવવા માંગતા વાલીઓએ પ્રવેશ ફોર્મ તાલુકા પંચાયત કચેરી અથવા શાશનાધિકારી કચેરી ખાતેથી મેળવી લઇ આગામી 31.5.15 સુધીમાં શાશનાધિકારી કચેરીમાં જમા કરાવી જવા..

ફોટો અને સમાચાર : 
કશ્યપ જે.જોશી - જેતપુર - જેતલસર 
9974262812



ટિપ્પણીઓ નથી: