અનુયાયીઓ

શુક્રવાર, 27 ડિસેમ્બર, 2013

હોર્સ રાઇડીંગ કલબ





યુવાનોના ક્રેઝનું નવું સરનામું હોર્સ રાઇડીંગ કલબ
જાતવાન અશ્વની રેવાલ ચાલમાં ઘોડેસવારની હથેળીનું પાણી સુધ્‍ધાં ન ઢોળાય
સામાન્‍ય અશ્વનો રોજનો ખોરાક સાડા દસ કિલો

સંકલનઃ- સોનલબેન જોષીપુરા, રાજકોટ

બાઇક ચેઝિંગ, કમ્‍પ્‍યુટર હેકીંગ, માઉન્‍ટીનીયરીંગ, એડવેન્‍ચરસ સ્‍પોર્ટસ વગેરે જેવા યુવાનોના ક્રેઝમાં એક નવી વસ્‍તુનો ઉમેરો થયો છે- હોર્સ રાઇડીંગનો. . . . . . . . . !  અને તેમના આ નવા શોખને પુરો કરવા માટે પુરા દોર- દમામ સાથે હાજર છે- રાજકોટ સ્‍થિત શ્રી આર.ડી.ઝાલા હોર્સ રાઇડીંગ કલબ.
રાજકોટ રૂરલ પોલીસ દ્વારા સંચાલિત આ હોર્સ રાઇડીંગ કલબમાં જિલ્‍લાના નાગરિકોને ઘોડેસવારી શીખવવામાં આવે છે. આ માટે અહીં કૂલ ૨૪ ઘોડાઓ તૈનાત કરાયા છે. ઘોડેસવારી માટે ઘોડાઓને રોજ સવારે ૧ કલાક અને સાંજે અડધો કલાક માલીશ કરવામાં આવે છે. અત્‍યાર સુધી કૂલ ૪૮૩ નાગરિકોએ ઘોડેસવારી શીખી છે. જેમાં ૩૦ મહિલાઓનો પણ સમાવેશ થાય છે. ૫૫ થી ૬૦ વર્ષના નાગરિકો પણ અહીં હોંશે- હોંશે ઘોડેસવારી શીખવા આવે છે. ગુજરાત રાજયમાં અમદાવાદ અને રાજકોટ ખાતે હોર્સ રાઇડીંગ કલબ કાર્યરત છે જે પૈકી રાજકોટની કલબ અંગ્રેજો વખતની અંદાજે ૧૦૦ થી વધારે વર્ષ જૂની છે.
કેવી રીતે થાય છે ઘોડાઓ સવારી માટે સજ્જ. . . .ચાલો થોઠુ એ પણ જાણીએ. અરબી, મારવાડી, કાઠિયાવાડી વગેરે જેવી મુળ નસ્‍લ ઉપરાંત પંજાબી અને ઇન્‍ડીયન પ્રો બીડ જેવી મિશ્ર પ્રજાતિઓના આશરે સાડાત્રણ વર્ષના! બચ્‍ચાને મેળાવડામાંથી રાજય સરકાર ખરીદે છે, તેના વજન અને ઉંચાઇ માપીને લોહીનો નમૂનો હરિયાણા રાજયના હિસ્‍સાર ખાતે મોકલવામાં આવે છે, જો ઘોડાના નમૂનામાં કોઇ પણ પ્રકારના વાઇરસ ન જણાય તો જ ઘોડાની આખરી ખરીદી કરાય છે, અન્‍યથા ઘોડો તેના મુળ માલિકને પરત કરવામાં આવે છે.
તાલીમ. . . ત્‍યારબાદ શરૂ થાય છે ઘોડાની સખત તાલીમ, અશ્વોના પ્રશિક્ષણોએ જણાવ્‍યા મુજબ અશ્વો નવું તરત ગ્રહણ કરી લે છે, પરંતુ તેમની જૂની ટેવ છોડાવવી થોડી અઘરી હોય છે જે માટે ખૂબ ધીરજપૂર્વક તેમને હોઠના હલનચલન પરથી હુકમનું પાલન કરવાનું શીખડવવામાં આવે છે. સવારી તથા જમ્‍પીંગ માટે ઘોડાને અલગથી પ્રશિક્ષણ આપવામાં આવે છે. ૪૩ અઠવાડીયાની તાલીમ દરમ્‍યાન ઘોડો તેના પ્રશિક્ષકને પણ અજમાવે છે.
ઘોડાઓનો ખોરાક રાજકોટની રાઇડીંગ કલબ ખાતે એક ઘોડાને રોજનું પાંચ કિલો લીલું અથવા સાડાસાત કિલો સુકું ઘાંસ, અઢી કિલો પલાળેલા ચણા, પાંચસો ગ્રામ જવ, ૫૦૦ ગ્રામ ભૂસુ તથા ૫૦૦ ગ્રામ કાળીજીરિ અને પ્રમાણસર સિંધાલુણ ખવડાવવામાં આવે છે. એક ઘોડાના ખોરાકનો રોજિંદો ખર્ચ ૭૫૦૦ રૂપિયા આવે છે. જે રાજય સરકાર ભોગવે છે. આ ઘોડાઓનું દર માસે મેડીકલ ચેક અપ પણ થાય છે.
ઘોડાઓને થતી મુખ્‍ય બિમારી - સરા બોદા કુટ, કોલિક અને કૃમિની બિમારી એ ઘોડાઓમાં થતી મુખ્‍ય બિમારી છે. આ બિમારીઓથી બચવા ઘોડાને ગળામાં રસી અપાય છે, તથા દરરોજ આયુર્વેદિક સીસ્‍ટોન ગોળી જે પાણીમાં ઓગાળીને ઘોડાને આપવામાં આવે છે. ઘોડાની લાદમાં ધનુરના જીવાણુઓ હોવાથી ઘોડેસવારને ટીટેનસનું ઇન્‍જેકશન ફરજીયાતપણે લેવાનું રહે છે. ઘોડા થકી માણસને ચામડીના રોગો તથા શીળસ થઇ શકે છે. આ માટે પૂરતી તકેદારી રાખવી જરૂરી હોય છે.
અશ્વચાલકના પોષાક ટીશર્ટ, હેલ્‍મેટ, બ્રીચીઝ સ્‍પોર્ટસ શુઝ અને બેન્‍ડેજનો સમાવેશ અશ્વ ચાલકના પોષાકમાં થાય છે. અશ્વસવાર હાથમાં નાની સોટી રાખે છે, જેનો ભાગ્‍યે જ તેઓ ઉપયોગ કરતા હોય છે.
ઘોડાની ઉત્‍પતિ વિશે એવી પૌરાણિક માન્‍યતા છે કે, દેવતાઓએ કરેલા યજ્ઞનો ધુમાડો ભગવાન શિવજીની આંખોમાં ગયો અને તેમની આંખોમાંથી આંસુ નીકળ્યા, તેમાંથી ઘોડાનું સર્જન થયું. પૌરાણિક માન્‍યતા પ્રમાણે ઘોડાને પાંખો હતી, જેનું સમયાંતરે વિસર્જન થઇ ગયું. અશ્વો વિશે ઋષિ શાલિહોત્રએ લખેલું પુસ્‍તક ''અશ્વ દર્શન'' આજે પણ અધિકૃત મનાય છે.
પંચ કલ્‍યાણી ઘોડી એટલે જેના ચાર પગ અને કપાળ સહિત પાંચ જગ્‍યાએ સફેદ ધાબા હોય જે ઘોડાની બેય આંખો માંજરી અથવા ભુરી હોય તે ઘોડો જય મંગલ કહેવાય. જાણકારોના મત મુજબ હજારે એક ઘોડો જયમલ હોઇ શકે. દેવમણિ ઘોડાનું માત્ર કપાળ જ અલગ કલરનું હોય. આ ઉપરાંત ઉંચાઇ અને વર્ણ પ્રમાણે ઘોડાના વિવિધ પ્રકારો પાડવામાં આવ્‍યા છે. ભગવાન સ્‍વામિનારાયણની માણકી ઘોડી અને મહારાણા પ્રતાપનો ચેતક ઘોડો જગપ્રસિધ્‍ધ થઇ ગયા છે.
ઘોડાની લાક્ષણિકતા ઘોડાની અન્‍ય લાક્ષણિકતાઓ જોઇએ તો ઘોડાની સવારી શાહી સવારી ગણાય છે. ઘોડા ઉપર બેસવા માટે સવારે આગળથી જ જવું પડે. પાછળથી જાઓ તો ઘોડો ડરીને પાછલા પગે લાત મારી બેસે. ઘોડાને રાંધેલો ખોરાક ન ખવડાવાય. ઘોડો કદી લાંબો થઇને આરામ ન કરે, ઝીણી રેતીમાં આળોટે એટલે એનો થાક ગાયબ! ઘોડાનું સામાન્‍ય આયુષ્‍ય ૪૦ વર્ષનું હોય છે. ઘોડામાં પણ મનુષ્‍યની જેમ બ્રાહમણ, શુદ્ર, ક્ષત્રિય અને વૈશ્‍ય એવા ચાર વર્ણ હોય છે. જે તેના વર્તન પરથી નકકી થાય છે. તાજણ પ્રકારની ઘોડી પ્રસવ વખતે તેના નવજાત બચ્‍ચને ખાઇ જાય છે. આમ ન થાય તે માટે લાલ રંગથી રંગેલી ઘોડા જેવી જ બનાવેલી રૂની મૂર્તિ બતાવી નવજાત ઘોડાને બચાવી લેવાય છે.
ઘોડાનો ઉપયોગ ઘોડાના મુખ્‍ય ચાર ઉપયોગો હોય છે. ટૂંકી મુસાફરી, લાંબી મુસાફરી, સરઘસ અને યુધ્‍ધ. આધુનિક જમાનામાં અશ્વમેળા યોજાય છે. અશ્વની બે મુખ્‍ય ચાલ છે- ટ્રોલ ચાલ અને રેેવાલ ચાલ, જેમાં રેવાલ ચાલમાં ઘોડેસવારની હથેળીમાં રહેલું પાણી જરાપણ ન ઢોળાય. પોલોની રમતમાં પણ ઘોડાઓને ઉપયોગમાં લેવામાં આવે છે. ઘોડાઓની મુખ્‍ય રમતો છે- જંપીંગ હર્ડલીંગ, ટેન્‍ટ પેકીંગ અને મટકા ફોઙ
રાજકોટની હોર્સ રાઇડીંગ કલબના પ્રશિક્ષકપી.એસ.આઇ. પઠાણ બખૂબી અને પુરા પ્રેમથી ઘોડાઓની માવજત કરે છે. તેમના જણાવ્‍યા પ્રમાણે '' સો પોલીસનું કામ બે ઘોડા કરે છે., આથી પુર, આગ, તોફાન, વાવાઝોડા જેવી કુદરતી આપત્તીઓના સમયે ઘોડાઓ વિશેષ કામમાં આવે છે. એ ઉપરાંત એક માસના સાડા સાત હજાર લેખે ગામડાના ખેડુતો ખેતીકામ માટે ઘોડાઓને લઇ જાય છે.'' રાજકોટ ઉપરાંત અમરેલી, સુરેન્‍દ્રનગર, જામનગર, કચ્‍છ અને જુનાગઢની પોલીસના જવાનોને પણ શ્રી પઠાણ અશ્વ સવારીના પાઠ શીડાવે છે. અહીંના ટ્રેઇનીંગ સેન્‍ટરમાં ત્રણ ઉંટ પણ છે, જે રણવિસ્‍તારની સુરક્ષા વ્‍યવસ્‍થા માટે રાખવામાં આવ્‍યા છે.
રાજકોટના વિદ્યાર્થીઓને હોર્સ રાઇડીંગ શીખવવા પી.એસ.આઇ. પઠાણ પૂરેપૂરા પ્રયત્‍નશીલ છે. આ અંગેનો એક માસનો બેઝિક કોર્સ વિદ્યાર્થીઓને શાળાના બોનાફાઇડ સર્ટી.ના આધારે અડધા દરે એટલે કે રૂ.૧૫૦૦માં હોર્સ રાઇડીંગ કલબ ખાતે કરાવવામાં આવે છે. જયારે એડવાન્‍સ કોર્સના રૂ.૪૫૦૦ના જેમાં વિદ્યાર્થીઓ માટે અર્ધા દર રૂ.૨૨૫૦ નિયત કરાયા છે.
અને અંતે ચારણી સાહિત્‍યમાં ઘોડાના બાવીસ નામો આ પ્રમાણે વર્ણવ્‍યા છે- વાજ, તુરંગ, વિહંગ, અસવ, ઉદ્દંડ, ઉતંગહ, જંગમ, હેકણ, જડાગ, રાગ, બિહંગ, પમંગહ, તુરી, ઘોડો, તોખર, બાજ, બરહાસ, બખાંણો, ચીંગો, રૂહીચાળ, વરવો, રવણખાણો જયારે હોર્સ રાઇડીંગ કલબના ઘોડાઓના નામ છે- લતા, સંજીવની, ધ્રુવ, શાહીન, ભામા, કવીન, બહાદુર, રેમો, ફલાઇંગ કવીન, એકટીવ અને એબોવ ઓલ- માસ્‍ટર પીસ!



ટિપ્પણીઓ નથી: