અનુયાયીઓ

ગુરુવાર, 18 જુલાઈ, 2013

એફિડેવિટ પર ફોટો લગાડવો ફરજિયાત






નોટરી પાસે કરાવાતી એફિડેવિટ પર ફોટો લગાડવો ફરજિયાત

અમદાવાદ,મંગળવાર : નોટરી પાસે સોગંદનામા સહિતના દસ્તાવેજો કરાવવા માટે આવનારાઓની ઓળખની સમસ્યા ભવિષ્યમાં થતી હોવાના કિસ્સા બનતા હવે નોટરી પાસે કરાવવામાં આવતી એફિડેવિટ પર પણ હવે ફોટો લગાડવાનું ફરજિયાત બનાવી દેવામાં આવ્યું છે. આ નવી જોગવાઈનો ચુસ્ત અમલ કરવાની સૂચના દરેક નોટરીને આપી દેવામાં આવી છે. સાક્ષી તરીકે એડવોકેટ હોય તો તેનો સનદ નંબર અને ઓળખપત્ર નંબર લખવો ફરજિયાત કરવામાં આવ્યો છે. નોટરી એસોસિયેશ ગુજરાતના પ્રમુખ ધીરેશ ટી.શાહે આપેલી માહિતી પ્રમાણે વ્યક્તિનું નામ લખ્યું હોય તેની બાજુમાં જ તેનો ફોટો લગાડવો ફરજિયાત કરી દેવામાં આવ્યો છે. દસ્તાવેજમાં જે વ્યક્તિનું નામ હોય અને તેના જે સાક્ષીઓ હોય તે તમામના ફોટા તેમના નામ અને સહી કરાવીને તેની બાજુમાં જ લગાડવાના રહેશે. આ દસ્તાવેજોમાં માત્ર સહી ચલાવવામાં આવશે નહિ. સહીની બાજુમાં નામ લખવાનું પણ ફરજિયાત કરવામાં આવ્યું છે. નોટરી પાસે માર્કશીટની ટ્રુ કોપી એટેસ્ટ કરાવવા, વિલને નોટરાઈઝ કરાવવા, દરેક પ્રકારના એગ્રીમેન્ટને પ્રમાણિત કરાવવા, જમીન વેચાણના દસ્તાવેજોનો પ્રમાણિત કરાવવા, ખેડૂતની જમીનમાં વારસદારોના નામ લખાવવા સહિતના અનેક પ્રકારના દસ્તાવેજો લઈને લોકો નોટરાઈઝ કરાવવા આવે છે. દરેક પ્રકારના દસ્તાવેજોને પ્રમાણિત કરાવવા આવનારાઓ તથા સોગંદનામા કરાવવા આવનારાઓની સહી તથા ઓળખાણ આપનાર વ્યક્તિની સહી લેવામાં આવે છે.  પરંતુ ભવિષ્યમાં તેમની ઓળખ પાકી કરવાની આવે ત્યારે સમસ્યા થતી હોવાથી અને તે અંગે વિવાદ ને વિખવાદ થતાં હોવાથી સરકારે બધાંના ફોટોગ્રાફ લગાડવાનું ફરજિયાત બનાવી દીધું છે. નોટરી દસ્તાવેજનું નોટરાઈઝેશન કરે ત્યારે તમામ લાગતા વળગતા લોકોની સહી, અંગૂઠો લઈને જેમના નામ નીચે લખ્યા હોય તે દરકેના ફોટા લગાડવાનું ફરજિયાત બનાવવામાં આવ્યું છે. નોટરાઈઝેશન માટે ઓળખ આપનાર એડવોકેટ હોય તો તેવા કિસ્સામાં એડવોકેટનો ઓળખપત્ર નંબર અને સનદ નંબર લખવો ફરજિયાત કરવામાં આવ્યો છે.

ટિપ્પણીઓ નથી: