અનુયાયીઓ

ગુરુવાર, 15 નવેમ્બર, 2018

લીલી પરિક્રમાભજન-ભોજન અને ભક્તિનો જામશે ત્રિવેણી સંગમ


રાવટીઓ ગોઠવાવા લાગી, 100થી વધુ અન્નક્ષેત્રો: સાધુ-સંતો અને ભાવિકોનું આગમન શરૂ : બે દી’ વહેલી પરિક્રમા શરૂ થવાની શક્યતા
ગરવા ગિરનારની ગોદમાં યોજાતી પરંપરાગત લીલી પરિક્રમાનો આગામી તા.19ને સોમવારથી વિધિવત્ પ્રારંભ થઇ રહ્યો છે. પાંચ દિવસ પ્રકૃતિના ખોળે ભજન, ભોજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ રચાશે. તંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરાઇ છે અને 100થી વધુ અન્નક્ષેત્રો ઉભા થવા લાગ્યા છે. જો કે અપૂરતા વરસાદને કારણે પીવાના પાણી મુદ્દે તંત્રની કસોટી થશે. 
 
લીલી પરિક્રમા પ્રારંભનો કોઇ ચોક્કસ ઇતિહાસ નથી પણ 1938માં બગડુના અજાભગતે દસ સભ્યોના સમૂહ સાથે પરિક્રમા કરી હતી. આ અગાઉ સાધુ- સંતો પરિક્રમા કરતા હતા. સમય જતા સંસારીઓ જોડાવા લાગ્યા અને આજે પરિક્રમામાં લાખોની સંખ્યામાં ભાવિકો ઉમટે છે. દેવઉઠી અગિયારસ એટલે કે દેવદિવાળીની મધરાતે ભવનાથમાં આવેલી દૂધેશ્વર
જગ્યા ખાતેથી વિધિવત્ પરિક્રમાનો પ્રારંભ થાય છે. આ સંઘ હરહર મહાદેવ, જય ગિરનારીના નાદ વચ્ચે જીણા બાવાની મઢી તરફ આગળ વધીને બપોરે ત્યાં પ્રથમ પડાવ કરે છે.
બીજા દિવસે પરિક્રમાર્થીઓ માળવેલા તરફ આગળ વધે છે. માળવેલા પરિક્રમાનો મધ્યાંતર ભાગ છે. વિશાળ ગ્રાઉન્ડ અને ઘનઘોર જંગલમાં ભજન, ભોજન અને ભક્તિના સથવારે પરિક્રમાનો બીજો પડાવ કરે છે.
ત્રીજા દિવસે માળવેલામાં પડાવ કરનારા પરિક્રમાની કસ્ટદાયક નળ પાણીની ઘોડી પસાર કરી બોરદેવી પહોંચે છે. ત્યાં ત્રીજો પડાવ કરે છે અને સવારે ભવનાથ તરફ પરત ફરી પુણ્યનું ભાથું બાંધ્યાનો સંતોષ માને છે.
પરિક્રમામાં લાખોની સંખ્યામાં ભાવિકો જતા હોવાથી હજારો ભાવિકોને ગિરદી અને ગંદકીથી બચવા બે દિવસ વહેલી પરિક્રમા શરૂ કરી દે છે. આ વર્ષે પણ બે દિવસ વહેલી પરિક્રમા શરૂ થાય તેમ જણાય છે.
ભાવિકોની ભીડને ધ્યાને લઇ જિલ્લા વહીવટીતંત્રના માર્ગદર્શન હેઠળ વિવિધ વિભાગો દ્વારા પોત પોતાની કામગીરી પૂરી કરી દેવાઈ છે. વનતંત્રએ રસ્તાઓ રીપેર કરી લીધા છે અને વન્ય પ્રાણીઓ પરિક્રમાર્થીઓને ખલેલ ન પહોંચાડે તે માટે વ્યવસ્થા ગોઠવી દીધી છે. ટ્રેકર ટીમો ઉપરાંત 150થી વધુ વન અધિકારીઓ અને કર્મચારીઓ પાંચ દિવસ ખડેપગે રહેશે.

પરિક્રમાર્થીઓ પ્લાસ્ટિક જંગલમાં ફેંકી પ્રદૂષણ ફેલાવે છે તે અટકાવવા માટે વનતંત્ર દ્વારા પ્રયાસો કરાયા છે. જૂનાગઢની પ્રકૃતિ મિત્ર સંસ્થા સતત પાંચમા વર્ષે પણ ભાવિકો પાસેથી પ્લાસ્ટિક બેગ એકત્ર કરી કપડાની થેલીનું વિતરણ કરનાર છે. આ સંસ્થાના કાર્યકરો પરિક્રમા દરમિયાન પ્લાસ્ટિક વિરોધી ઝુંબેશ ચલાવશે.

ચાલુ વર્ષે અપૂરતા વરસાદને કારણે ગિરનારમાં કુદરતી પાણીનાં સ્રોત સુકાયેલા હોવાથી તંત્ર દ્વારા ભાવિકો માટે પાણીના 50 ટાંકા મૂકવામાં આવશે પરંતુ ભાવિકોની સંખ્યાનાં પ્રમાણમાં પર્યાપ્ત નથી તેથી પીવાનાં પાણી મુદ્દે તંત્રની કસોટી થશે.

પરિક્રમામાં ભાવિકોની વ્હારે સેવાભાવી સંસ્થાઓ દ્વારા અન્નક્ષેત્રો, પાણીનાં પરબો, ચા- પાણીનાં પરબો ઠેર ઠેર શરૂ કરાયાં છે. આ વર્ષે પાણીનાં પરબો ચલાવનારાઓ માટે પાણી મેળવવાનો પડકાર છે તેમ છતાં જંગલમાં આવેલા કૂવા- બોર દ્વારા પાણી મેળવવા તૈયારીઓ આરંભી છે.
વિધિવત્ પરિક્રમા પ્રારંભ આડે હજુ ત્રણ દિવસ બાકી છે. ત્યાં સાધુ- સંતો, ભાવિકોનો પ્રવાહ શરૂ થયો છે. ભવનાથ તળેટીમાં સેંકડો ભાવિકોએ પડાવ કર્યો છે. આ ભાવિકો આવતીકાલથી પરિક્રમા શરૂ કરે તેમ જણાય છે. વનતંત્ર જંગલમાં પ્રવેશની છૂટ આપે તેની રાહ જોઇ રહ્યા છે.ત્રણ ટ્રેનો અને 140 એસ.ટી. બસો દોડાવાશે
 
ગિરનાર પરિક્રમામાં ભાવિકોની ભીડને ધ્યાને લઇ ત્રણ વધારાની ટ્રેનો તેમજ ત્રણ ટ્રેનોમાં વધારે કોચ લગાડાશે તેમજ જૂનાગઢ એસ.ટી. ડિવિઝન દ્વારા 140 વધારાની બસો દોડાવવાનો નિર્ણય લેવાયો છે. આ ઉપરાંત જૂનાગઢથી ભવનાથ વચ્ચે 40 મિનિ બસો તા.17થી શરૂ કરાશે.

ભાવનગર રેલવે ડિવિઝનના વાણિજ્ય પ્રબંધક માશુદ અહમદએ જણાવ્યું કે, પરિક્રમા અંતર્ગત રેલતંત્ર દ્વારા જૂનાગઢ-સત્તાધાર, રાજકોટ, જૂનાગઢ અને સોમનાથ-જૂનાગઢ વચ્ચે ખાસ ટ્રેનો શરૂ કરાશે. ઉપરાંત વેરાવળ-અમદાવાદ ટ્રેનમાં ત્રણ કોચ તથા અમદાવાદ-સોમનાથ ટ્રેનમાં ચાર અને સોમનાથ-રાજકોટમાં વધારાના ચાર-ચાર કોચ જોડાશે.

જયારે જૂનાગઢ એસ.ટી. ડિવિઝન દ્વારા પરિક્રમા અંતર્ગત આગામી તા.17થી જૂનાગઢ-ભવનાથ વચ્ચે 40 મિનિ બસો શરૂ થશે. ઉપરાંત સૌરાષ્ટ્રના વિવિધ શહેરોને જોડતી 40 મિનિ બસો તથા 250 રેગ્યુલર બસો અને વધારાની એકસો બસો દોડાવાશે તેમ વિભાગીય નિયામક આર.એસ.વાળાએ જણાવ્યું' હતું.

ટિપ્પણીઓ નથી: