મૈત્રી કરાર તરફ ઢળતી આજની પેઢી સામે લાલબત્તીરૂપ કિસ્સો !
પરિવારની સહમતીથી બંને લગ્ન કરવાની શરતે મૈત્રી કરાર કર્યા હતા : સાધુ વાસવાણી રોડ પર રહેતી યુવતીની ફરિયાદ પરથી યુવક અને તેની માતા સામે ગુનો નોંધાયો
રાજકોટ તા.૧૨
આજની પેઢીમાં મૈત્રી કરાર કરી સાથે રહેવા તરફ ઝુકાવ જોવા મળી રહ્યો છે પરંતુ તેની વરવી બાજુથી તેઓ ભાગ્યેજ પરિચિત હોય છે ત્યારે મૈત્રી કરાર સામે લાલબત્તીરૂપ કિસ્સો રાજકોટમાં બનવા પામ્યો છે.
શહેરના સાધુ વાસવાણી રોડ પર રહેતી યુવતી મૈત્રી કરાર કરી જીવંતિકા નગરમાં રહેતા યુવાન સાથે રહેતી હતી. બંનેની ઉમર નાની હોય, પુખ્ત ઉમરના થતા લગ્ન કરવાની શરતે મૈત્રી કરાર કર્યા હતા પરંતુ બે વર્ષ સાથે રહ્યા બાદ લગ્નનો સમય નજીક આવતા યુવક યુવતીને મૂકી નાશી જતા આ મામલે યુવતીએ આ યુવક અને તેની માતા સામે ગાંધીગ્રામ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
બનાવની જાણવા મળતી વિગતો મુજબ શહેરના સાધુ વાસવાણી રોડ પર પોતાની માતા સાથે રહેતી યુવતી દ્વારા ગાંધીગ્રામ પોલીસ મથકમાં જીવંતિકા નગર-૨ માં રહેતા જયદીપ હરસુખભાઈ ભીમાણી અને તેમની માતા અરુણાબેન સામે વિશ્વાસઘાતની ફરિયાદ કરવામાં આવી છે.
ફરિયાદમાં જણાવ્યા મુજબ યુવતી પોતાની સહેલી મારફત જયદીપના સંપર્કમાં આવ્યા બાદ બંને વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો. જે અંગે બંને પરિવારજનોએ જાણ કરી હતી. બાદમાં યુવતીના પિતા હયાત ના હોય, તેના મોટા બાપુ અને યુવકના માતા સહિતના વડીલોની સહમતીથી બંનેએ ગત તા.૨૩-૪-૨૦૧૬ નારોજ મૈત્રી કરાર કર્યા હતા. જે કરારમાં તેવું સ્પષ્ટ કરવામાં આવ્યું હતું કે બંને પુખ્ત વયના થયા બાદ લગ્નગ્રંથી જોડાઈ જશે.
મૈત્રી કરાર થયા બાદ યુગલ સ્વતંત્ર રીતે ભાડાના મકાનમાં રહેતું હતું. દરમિયાન યુવતી લગ્નની ઉમર નજીક હોય, જયદીપને વારંવાર લગ્ન કરી લેવાનું કહેતી હતી. પરંતુ જયદીપ યેનકેન પ્રકારે આ વાતને ટાળી દેતો હતો. ગઈ તા.૧૭.૨.૧૮ નારોજ યુવતી પોતાની માતાના ઘરે ગઈ હતી બાદમાં ઘરે પરત ફરતા જયદીપ પોતાનો સામાન લઇ નાશી ગયો હતો. યુવતી તથા તેમના પરિવારજનોએ જયદીપનો પત્તો લગાવવા તપાસ કરી હતી પરંતુ તેનો કોઈ પત્તો નહિ મળતા યુવતી સાથે વિશ્વાસઘાત તઃયો હોવાનું માલુમ પડતા આ મામલે યુવતી દ્વારા ગાંધીગ્રામ પોલીસ મથકમાં જયદીપ ભીમાણી તથા તેમની માતા અરુણાબેન સામે ફરિયાદ કરવામાં આવી છે. જે ફરિયાદ પરથી ગાંધીગ્રામ પોલીસે બંને સામે વિશ્વાસઘાત અંગે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. બનાવની વધુ તપાસ ફોજદાર વી.સી.પરમારે હાથ ધરી છે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો