અનુયાયીઓ

શનિવાર, 22 ડિસેમ્બર, 2018

જેતપુર બાર એશો.ના પ્રમુખ પદે પ્રકાશભાઈ પારધી ચૂંટાયા



જેતપુર બાર એશો.ની ગઈકાલે વર્ષ ૨૦૧૯ માટેના હોદેદારોની યોજાયેલી ચૂંટણીમાં પ્રમુખ તરીકે પ્રકાશભાઈ પારઘી(નોટરી) ચૂંટાઈ આવ્યા હતા. તેઓ પાંચમી વખત જેતપુર બાર એશો.ના પ્રમુખ તરીકે વિજેતા થયા હોવાનું જાણવા મળે છે.

પ્રાપ્ત વિગતો મુજબ જેતપુર બાર એશો.ની ગઈકાલે ચૂંટણી યોજાઈ હતી. જેમાં સેક્રેટરી તરીકે અગાઉ હરેશભાઈ વાઘેલા અને વાઈસ સેક્રેટરી તરીકે જયેશભાઈ ગોહેલ બિનહરીફ થતા આજે પ્રમુખ અને ઉપ પ્રમુખ પદોની જ ચૂંટણી યોજાઈ હતી. ચૂંટણી કમિશ્નર તરીકે ઉમેદસિંહ ગોહિલની સેવા વચ્ચે પ્રમુખ અને ઉપપ્રમુખની દાવેદારી ૪ વકિલમિત્રોએ નોંધાવી હતી.



જેમાં પ્રમુખ તરીકેની દાવેદારીમાં પ્રકાશભાઈ પારધી અને ગોવિંદભાઈ ડોબરીયાએ  તેમજ ઉપપ્રમુખ માટે દિનેશભાઈ વાઘેલા અને મુકેશભાઈ મેરે ઉમેદવારી નોંધાવી હતી. ચૂંટણીમાં મતદાન થયા બાદ ગણતરી કરાતા પ્રમુખ તરીકે પ્રકાશભાઈ પારધી અને ઉપપ્રમુખ તરીકે દિનેશભાઈ વાઘેલા વિજેતા જાહેર કરાયા હતા. અત્રે એ નોંધનીય છે કે, પ્રકાશભાઈ હાલ એડવોકેટ અને નોટરી એમ બંને પ્રકારે સેવા આપી રહ્યા છે. તેઓ અગાઉ પણ જેતપુર બાર એશોશીયેશન ના પ્રમુખ તરીકે ચાર વાર ચૂંટાયા હતા. ગઈકાલે તેમને ૫ મી વાર બાર એશો.નું શુકાન સંભાળતા તેઓને હિતેચ્છુઓ, મિત્રોએ તેમજ બાર એશો.ના અન્ય હોદેદારોએ આવકારી અભિનંદન પાઠવ્યા હતા.
રાજકોટમાં વજનદાર દફ્તર બાબતે  11 શાળાઓમાં  તપાસ
વેબસાઈટ-નોટિસ બોર્ડ પર ફી ન દર્શાવનાર સ્કૂલોમાં તપાસ ક્યારે ?

 રાજકોટ જિલ્લા શિક્ષણાધિકારી કચેરી દ્વારા શહેરમાં દફ્તરનો ભાર ચેક કરવા મુદ્દે 11 સ્કૂલમાં તપાસ કરાઈ હતી. આ તપાસમાં દરેક સ્કૂલમાં દફ્તરનો ભાર કે અન્ય પ્રકાશનો મામલે ઓલ ક્લિઅરનું સર્ટિફિકેટ ડીઈઓ તરફથી આપવામાં આવ્યું હતું. શાળાઓમાં તપાસ શરૂ કરાઈ છે ત્યારે વેબસાઈટ અથવા નોટિસ બોર્ડ પર ફી દર્શાવવા મામલે પણ ઈન્સ્પેક્શન કરવું જોઈએ તેવી માંગ વાલીઓમાંથી ઉઠી રહી છે.

ભણતર અને તેની સાથે દફતરનો ભાર હળવો કરવા શિક્ષણ મંત્રાલય દ્વારા તાજેતરમાં પરિપત્ર બહાર પડાયો હતો. જે પ્રમાણે દરેક શાળામાં વિદ્યાર્થીના વજન કરતા દફતરનું વજન દસ ટકાથી વધવું ન જોઈએ. તેમજ શિક્ષણ બોર્ડ દ્વારા મંજુર કરાયા સિવાયના અન્ય પ્રકાશનોને દફ્તરમાં સ્થાન મળવું ન જોઈએ. આ મુદ્દે સરકારી સૂચના બાદ રાજકોટ ડીઈઓ કચેરી દ્વારા શહેરમાં આઈપી મિશન, નેસ્ટ પ્રાઈમરી, શારદા વિદ્યાલય, લાલબહાદુર શાસ્ત્રી, પી બી કોટક મેમોરીયલ, પી વી મોદી, એચ કે પાઠક, ગૌતમ વિદ્યાલય, ઉત્કર્ષ વિદ્યાલય, ક્રિષ્ના હાયર સેકન્ડરી વગેરે સ્કૂલોમાં એજ્યુકેશન ઈન્સ્પેક્ટરોને દોડાવી તપાસ કરાઈ હતી.
આ અંગે ડીઈઓ સગારકાએ જણાવ્યું હતું કે શૈક્ષણિક કાર્ય ચાલુ હતું ત્યારે તપાસ કરાઈ હતી અને શૈક્ષણિક કાર્યના અંતે જે-તે શાળામાં ચોપડા મુકીને જ છાત્રો જતા હોવાનું પ્રમાણ મળતા શાળાઓ સામે કોઈ પગલા લેવાયા ન હતા.
આગામી દિવસોમાં એફઆરસીએ મંજુર કરેલી ફી શાળાઓએ વેબસાઈટ કે નોટિસ બોર્ડ પર મુકી છે કે કેમ તે બાબતે પણ ઈન્સ્પેક્શન કરવામાં આવશે. જેમાં કસૂરવાન શાળાઓ સામે દંડનીય કાર્યવાહી કરવાની તેમણે અગમચેતી આપી હતી.
‘ડસ્ટબીન’ ન રાખનારા 152 વેપારીને 500-500નો દંડ
મનપાની સેલીડ વેસ્ટ શાખા દ્વારા કુલ રૂ.70,000ની દંડ વસૂલાત : મફત અપાઈ 117 કચરાટોપલી
રાજકોટ તા.21 : મનપા દ્વારા સ્વચ્છતા સર્વેક્ષણ અંતર્ગત સ્વચ્છતા ઝુંબેશના ભાગરૂપે કચરાટોપલી ન રાખનારા 152 વેપારીઓને આજરોજ રૂ.500-500નો દંડ ફટકારવામાં આવ્યો હતો.
કોર્પોરેશન દ્વારા સ્વચ્છતા સર્વેક્ષણ ઝુંબેશ શરૂ કરાઈ છે જેમાં ઘરે-ઘરે કચરો ઉપાડવાની સાથોસાથ સૂકો અને ભીનો કચરો અલગ-અલગ રાખવા માટે લીલી અને વાદળી ડસ્ટબીન રાખવાનો નિયમ ફરજિયાત બનાવવામાં આવ્યો છે ત્યારે શહેરમાં આવેલા 72,000થી વધુ દૂકાનોમાં કચરા ટોપલી ફરજિયાત રાખવા અન્યથા રૂ.500નો દંડ ફટકારવા તાજેતરમાં મનપાએ આદેશ કર્યો છે. દરમિયાન આજરોજ ત્રણેય ઝોનમાં પર્યાવરણ વિભાગ દ્વારા ચેકિંગ હાથ ધરાતા 152 વેપારીઓને ‘ડસ્ટબીન’ ન રાખવા સબબ કુલ રૂ.71,000નો દંડ ફટકારવામાં આવ્યો છે.

કમિશનર બંછાનીધિ પાનીના જણાવ્યાનુસાર આજરોજ સેન્ટ્રલ ઝોનમાં વોર્ડ નં.2માં 8 વેપારીઓને 3602 રૂ.નો દંડ ફટકારવામાં આવ્યો છે, વોર્ડ નં.3માં 12 વેપારીઓને રૂ.4653, વોર્ડ નં.7માં 10 વેપારીઓને રૂ.5170, વોર્ડ નં.13માં 13 વેપારીઓને 6520, વોર્ડ નં.14માં 11 વેપારીઓને 2850, વોર્ડ નં.17માં 6 વેપારીઓને 3102નો દંડ ફટકારવામાં આવ્યો છે. કુલ 38 વેપારીઓને કચરા ટોપલી આપવામાં આવી છે. વેસ્ટઝોનમાં વોર્ડ નં.1માં 3 વેપારીઓને રૂ.1551, વોર્ડ ન.8માં 27 વેપારીઓને રૂ.11,088, વોર્ડ નં.9માં બે વેપારીઓને 1017, વોર્ડ નં.10માં 12 વેપારીઓને રૂ.6204, વોર્ડ નં.11માં 8 વેપારીઓને 4136, વોર્ડ નં.12માં 8 વેપારીઓને 4136નો દંડ કરાયો છે અને કુલ 47 વેપારીઓને કચરાટોપલી આપવામાં આવી છે.

જૂના રાજકોટમાં વોર્ડ નં.4માં 10 આસામીને 5170, વોર્ડ નં.5માં 8 આસામીને રૂ.4136, વોર્ડ નં.6માં 4 વેપારીને 2271, વોર્ડ નં.2માં બે વેપારીઓને 1034, વોર્ડ નં.6માં 6 વેપારીઓને 3102, વોર્ડ નં. 16માં બે વેપારીઓને 1034નો દંડ ફટકારવામાં આવ્યોછે અને કુલ 32 વેપારીઓને ડસ્ટબીન આપવામાં આવી છે.

સમગ્ર દેશનાં હિંદુ સમાજને જાગૃત કરવા અયોધ્યા બનશે એપી સેન્ટર - રામજન્મભુમિમાં જ રામ મંદિર નિર્માણ:રાજકોટમાં ધર્મસભામાં બુલંદ સુર

સમગ્ર દેશનાં હિંદુ સમાજને જાગૃત કરવા અયોધ્યા બનશે એપી સેન્ટર
- રામજન્મભુમિમાં જ રામ મંદિર નિર્માણ:રાજકોટમાં ધર્મસભામાં બુલંદ સુર

- આરએસએસના વડા ડો. મોહન ભાગવત, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમીત શાહ સહિત દેશની પ્રાચીન ધર્મપીઠોના ધર્માધ્યક્ષોની ઉપસ્થિતિમાં ગહન મનોમંથન
ભગવાન શ્રી રામએ સૈકાઓથી સમગ્ર હિંદુ સમાજના આરાધ્ય દેવ તરીકે પુજાતા રહ્યાં છે. અયોધ્યામાં રામ મંદિરનાં નિર્માણ માટે કાયદાકિય પ્રક્રિયાઓ સુપ્રિમ કોર્ટમાં ચાલી રહી છે. પરંતુ તેમ છતાં રામ મંદિર નિર્માણનું કાર્ય આગળ વધી શક્યું નથી. તેથી આગામી દિવસોમાં અયોધ્યામાં ભગવાન શ્રી રામનાં ઐતિહાસિક મંદિર નિર્માણ માટે હિંદુ સમાજને જાગૃત કરવાની અનિવાર્યતા ઉપર અહી રાજકોટ ખાતે આયોજિત હિન્દુ આચાર્યસભામાં દેશભરના સાધુ સંતો અને અગ્રણીઓએ ભારમુકી ભારતીય સંસ્કૃતિના જતન માટે મંદિર નિર્માણની કાર્યવાહી માટે આગળ વધવાનો સંકલ્પ જાહેર કર્યો હતો.


રાજકોટમાં આર્ષ વિદ્યામંદિર ખાતે ગઈકાલથી સમગ્ર દેશનાં ૧૦૦ વર્ષથી પ્રાચીન એવી ધર્મપીઠોના આચાર્ય, મહંત અને ધર્માધ્યક્ષોની ઉપસ્થિતિમાં વિરાટ હિન્દુ સભા યોજાઈ હતી. જેમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા ડો. મોહન ભાગવત ઉપરાંત આજે ભાજપનાં રાષ્ટ્રીય અધ્યક્ષ અમીત શાહ, વરીષ્ઠ નેતા ડો. સુબ્રમણ્યમ સ્વામી સહિત અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં રામ મંદિર નિર્માણ સામે હિન્દુત્વના જાગરણના મુદ્દે મનોમંથન ચાલતુ રહ્યું હતું.

બે દિવસની વિરાટ ધર્મ સભાના નવનીતરૂપ જે ફલશ્રુતિરૂપ તારણો નીકળ્યા હતા તે અંગે યજમાન સુત્રોએ જણાવ્યું હતું કે અયોધ્યામાં ભગવાન શ્રી રામનું મંદિર બને તે માટે દેશના જુદા જુદા વિભાગના ધર્મસ્થાનકોમાંથી આવેલા ધર્માધ્યક્ષોએ સંમતિ દર્શાવી હિન્દુ સમાજને આ કામમાં જાગૃત કરવાની જરૂર હોવાનું જણાવ્યું હતું.

બે દિવસ દરમિયાન જુદી જુદી બેઠકોમાં તજજ્ઞાોએ જે અભિપ્રાયો વ્યક્ત કર્યા હતાં તે મુદે જણાવાયું હતું કે, મુસ્લિમ વકફ બોર્ડ દ્વારા રામ જન્મભુમિના મુદ્દે સુપ્રિમ કોર્ટમાં જે રીટ દાખલ કરવામાં આવી છે તે મુદ્દો આજે ઐતિહાસિક મંદિરના અવશેષો મળી આવ્યા બાદ અદાલતમાં ટકે તેમ નથી. તેમ છતાં સમગ્ર હિન્દુ સમાજે એક થઈને મંદિર નિર્માણના મુદ્દે જાગૃત થવાની જરૂર છે હિન્દુત્વના જાગરણ વિના ધર્મસ્થાનકોની રક્ષા ચિંતાજનક છે.

આજે સવારે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમીત શાહ સાથે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા ડો. મોહન ભાગવત સાથે અલગ અલગ તબક્કે બેઠકો મળી હતી. જેમાં રામ મંદિર નિર્માણના મુદ્દે સરકારની ભુમિકા વિશે પણ ચર્ચાઓ થઈ હતી.

રાજકોટનાં આંગણે આયોજિત બે દિવસની હિન્દુ આચાર્ય સભામાં ચેન્નાઈના નાગરાજ સ્વામી, રમણરેતીનાં ધર્મગુરૂ ગુરૂચરણાનંદ મહારાજ રામ માધવજી, વિવેકાનંદ કેન્દ્ર સાઉથના મૈયાજી, અવધેશ આનંદ મહારાજ સહિતના ધરમ ધૂરંધરો હાજર રહ્યા હતાં. અહીથી કેટલાક સંતો મહંતો મોડી સાંજે ભગવાન દ્વારકાધીશના દર્શન કરવા માટે દ્વારકા જવા નીકળ્યા હતાં. બે દિવસની આ ઐતિહાસિક ધર્મસભામાં દેશનાં અગ્રીમ હરોળના સાધુ સંતો સહિતના મહાનુભાવો હાજર રહેતા મુંઝકા ગામમાં આવેલા નાના એવા આર્ષ વિદ્યામંદિરમાં હિન્દુત્વ જાગરણનો મંત્ર ગુંજતો રહ્યો હતો.

કાયદાકીય દ્રષ્ટિએ તમામ મુદઓ હિંદુ સમાજની તરફેણમાં હોવા છતાં

રામ મંદિર નિર્માણ ૨૦૧૯ની ચૂંટણી પહેલાં મુશ્કેલ ઃ ડો. સુબ્રમણ્યમસ્વામી

અદાલતે પણ સ્વીકાર્યું છે કે મિલ્કતના અધિકાર કરતા મુળભુત અધિકાર સર્વોપરી છેઃ નમાજ અન્યત્ર પણ પઢી શકાય

રામમંદિરના નિર્માણના મુદ્દે અદાલતી કાર્યવાહી બાદ આજે તમામ મુદ્દાઓ હિંદુ સમાજની તરફેણમાં છે તેમ છતાં અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ ૨૦૧૯ની લોકસભાની ચૂંટણી પહેલા થવું મુશ્કેલ છે. તેમ આજરોજ ભાજપના અગ્રણી નેતા અને સાંસદ ડો. સુબ્રમણ્યમસ્વામીએ કહ્યું હતું.

રાજકોટ ખાતે આયોજિત વિશાળ હિન્દુ આર્ય સભામાં રામમંદિર નિર્માણના મુદ્દે આજરોજ ડો. સુબ્રમણ્યમ સ્વામી પ્રવચન આપવા આવી પહોંચ્યા હતાં. તેઓએ જણાવ્યું હતું કે, અયોધ્યામાં મુસ્લિમ વકફ  બોર્ડ દ્વારા અહી  બાબરની મસ્જીદ હોવાથી મિલ્કતનો કબ્જો નમાજ પઢવા માટે વકફ બોર્ડને સોંપવાની માંગણી કરી હતી. તેની સામે વિશાળ હિંદુ સમાજના હૃદયમાં બિરાજમાન ભગવાન રામની જન્મભૂમિ અયોધ્યા જ હોવાનું ઐતિહાસિક તથ્યો અને પુરાતત્વીય આધારો સાથે પ્રમાણિત થયું હોવાથી હવે સુપ્રિમ કોર્ટે પણ મસ્જીદ અન્યત્ર બનાવી રામમંદિર અયોધ્યામાં હોવું જોઈએ તે સ્વીકાર્યું છે. પરંતુ અદાલતી કાર્યવાહી સુપ્રિમ કોર્ટમાં પેન્ડીંગ હ ોવાથી ૨૦૧૯ની ચુંટણી પહેલાં રામમંદિરનું નિર્માણ થઈ શકશે કે કેમ તે કહેવું મુશ્કેલ છે.

આજે ઉત્તરાયણ! વર્ષનો સૌથી ટૂંકો દિવસ, લાંબી રાત
- મધરાતથી સૂર્યનો મકર રાશિમાં શરુ થયો પ્રવેશ

આજથી શિશિર ઋતુનો પ્રારંભ, રવિવારથી દિવસ લાંબો થશે સૂર્ય ઉત્તર ગોળાર્ધમાં ઢળશે

ડિસેમ્બરમાં સૌથી ટૂંકો,જૂનમાં સૌથી લાંબો દિવસ, માર્ચમાં રાત-દિવસ સરખા-ખગોળશાસ્ત્રીય ઘટના



પૃથ્વી ભમરડાંની જેમ સીધી ફરતી નથી પણ ૨૩.૫ ડિગ્રીએ ઝૂકીને સૂર્યનું પરિભ્રમણ કરે છે જેના કારણે દિવસ-રાત લાંબા ટૂંકા અને અને તેના પગલે ઋતુઓ થાય છે. લોકો મકરસંક્રાંતિ કે ઉત્તરાયણનો તહેવાર ૧૪ જાન્યુઆરીએ ઉજવતા રહ્યા છે પણ સૂર્યનો મકરરાશિમાં પ્રવેશ આજે મધરાત્રિ પછી ૩.૫૨ વાગ્યે (આ સમયમાં શહેરવાઈઝ થોડો ફરક હોય છે) પ્રવેશ કર્યો છે અને સૂર્ય ઉત્તર ગોળાર્ધ તરફ ઢળવાનું પણ આ જ સમયે શરુ કરી દે છે. જેને અંગ્રેજીમાં સોલ્સિટસ અર્થાત્ 'અયનકાળ' કે અયનાન્ત કહે છે. આવતીકાલે વર્ષનો સૌથી લાંબામાં લાંબી રાત્રિ અને ટૂંકામાં ટૂંકો દિવસ હશે. જાથાના મતે રાજકોટમાં દિવસ ૧૦ કલાક,૪૨ મિનિટનો તો રાત્રિ ૧૩ કલાક ૧૮ મિનિટની રહેશે.



વર્ષમાં તા.૨૧થી ૨૩ ડિસેમ્બર વચ્ચેના સમયે (એટલા માટે કે લીપ યર આવતું હોય છે) સૌથી ટૂંકો દિવસ,લાંબી રાત્રિ તો જૂનમાં સૌથી લાંબો દિવસ, ટૂંકી રાત્રિ અને ૨૧-૨૨ માર્ચના દિવસ-રાત સરખા થાય છે. રવિવારથી હવે રાત્રિ ટૂંકી થતી જશે અને દિવસ લંબાતો જશે. પેટ્રોલના ભાવની જેમ આ સમય વધારો રોજ એકાદ-બે સેકન્ડમાં હોય છે પણ મહિના પછી સૂર્યાસ્ત આજના દિવસ કરતા વીસેક મિનિટ મોડો થશે.

તા.૨૨ ડિસેમ્બરે એક સાથે ચાર ખગોળીય ઘટના બનશે જેમાં સૌથી લાંબી રાત, સૂર્યનો મકરરાશિમાં પ્રવેશ, ઉત્તર ગોળાર્ધ તરફ જવાની શરુઆત અને શિશિર ઋતુનો આરંભ થશે. આ દિવસને શિયાળાનો 'મધ્ય દિવસ' પણ કહી શકાય છે. વિજ્ઞાાન જાથાના જયંત પંડયાએ જણાવ્યા અનુસાર વિજ્ઞાાનની દ્રષ્ટિએ આથી તા.૨૨ ડિસેમ્બર ઉત્તરાયણ અને સૂર્યનો મકરરાશિ પ્રવેશ હોય છે.

પૃથ્વી ઉત્તર ગોળાર્ધ તરફ ૨૩.૬ અક્ષાંસ સુધી ઢળ્યા બાદ ફરી પરત દક્ષિણ તરફ વળે છે. આ કારણે ધુ્રવ પ્રદેશો પર છ છ માસના દિવસ-રાત હોય છે.

રાજકોટમાં આવતીકાલનો સૂર્યોદય સવારે ૭ ક.૨૨ મિનિટે અને સૂર્યાસ્ત ૬.૦૮ કલાકે થશે. આ સમય દરેક શહેરમાં થોડી મિનિટોનો ફરક હોય છે. પરંતુ, અનુભવ એવો છે કે સૂર્ય આથમ્યા પછી કે ઉગ્યા પહેલા અજવાળુ હોય છે જેને સંધ્યાટાણુ કે સંધિકાળ કહે છે અને રાજકોટમાં પરોઢ સવારે ૬.૦૨ વાગ્યાથી અને સંધ્યા ૭.૨૮ વાગ્યા સુધીની રહેશે
ફરસાણના ધંધાર્થીઓના દાઝ્યા તેલમાંથી બનાવાશે બાયો ડીઝલ
- રાજકોટમાં 57 ફાસ્ટફૂડ ઉત્પાદકો સાથે મનપાની બેઠક

- આવા તેલનો હાલ જનઆરોગ્ય માટે જોખમી ઉપયોગઃ દાઝ્યા તેલનો ઉપયોગ કરનારા સામે કડક પગલા


રાજ્યમાં નફાખોર ફરસાણના ધંધાર્થીઓ દ્વારા અન્ય ચીજવસ્તુની ભેળસેળ ઉપરાંત જે તેલમાં એક વાર ફરસાણ વગેરે તળ્યું હોય તે જ તેલમાં ફરી તે તળવામાં આવે છે જે જનઆરોગ્ય માટે ખૂબ નુક્શાનકારક હોવાનું રાજકોટ મનપાએ વારંવાર જાહેર કરી છૂટાછવાયા પગલા લઈને ક્યારેક આવું તેલ કબજે કરી નાશ કરાતો રહ્યો છે. પરંતુ, હવે આ તેલનું શુ કરવું તેનો વિકલ્પ મનપાએ આપ્યો છે અને ધંધાર્થીઓ પાસેથી આવું તેલ પ્રતિ કિલો રૂ।.૩૦ના ભાવે ખરીદીને તેમાંથી બાયોડીઝલ બનાવવાની સીસ્ટમ ગોઠવી રહ્યાનું આજે મનપાએ જાહેર કર્યું છે.

મ્યુનિ.સૂત્રો અનુસાર આજે રાજકોટમાં મોટાપાયે વેફર્સ,ફ્રાઈમ્સ વગેરે તળેલી વાનગીનું ઉત્પાદન કરતા ૫૭ ઉત્પાદકો સાથે નાયબ કમિશનરની બેઠક યોજાઈ હતીજેમાં એક વાર વપરાયેલું તેલ ફરી નહીં વાપરતા તે ઉત્પાદકોને ત્યાંથી જ લેવા આવતી વાનને આપી દેવા સૂચના અપાઈ હતી અને ઉત્પાદકોથી માંડીને શહેરમાં લત્તે લત્તે આવેલા કંદોઈ,ફરસાણના ધંધાર્થીઓ જો આવું તેલ ફરી વાપરશેતો પેનલ્ટી ઉપરાંત દુકાન સીલકરવા સહિતના પગલા લેવાશે.


દાઝ્યા તેલની ગુણવત્તા ટોટલ પાવર કમ્પાઉન્ડ (ટી.પી.સી.)થી નક્કી થાય છે જે માત્રા ૨૫થી વધારે હોય તો તેલ વાપરવા યોગ્ય નથી. આરોગ્ય અધિકારી ડો.પી.પી.રાઠોડે જણાવ્યું કે દાઝ્યા તેલન નિકાલ ગટરમાં કરવાથી પણ પર્યાવરણને ખૂબ નુક્શાન જાય છે અને આ તેલમાં તળેલી કોઈ પણ ચીજ ખાવાથી હાઈપર ટેન્શન, અલ્ઝાઈમર, હૃદયરોગ, લીવરના રોગ, પેરેલીસીસ અને કેન્સર જેવા રોગ થાય છે.

મનપા સૂત્રો અનુસાર તા.૧૦ જાન્યુઆરીથી આવું તેલ એકત્ર કરવા વ્યવસ્થા ગોઠવાશે અને દરમિયાન ફૂડ વિભાગ દ્વારા ચેકીંગ હાથ ધરીને આવું તેલ વાપરતા વેપારીઓ પાસેથી મોટો ચાર્જ વસુલવાથી માંડી દુકાન સીલ કરવા સહિતના પગલા લેવાશે. ઉલ્લેખનીય છે કે મનપાના અધિકારીઓ માત્ર વાતો કરવાને બદલે જ્યારે કડક અમલવારી કરાવે ત્યારે જ નવા નિયમની અસર થતી હોય છે.

રાજકોટ બારની ચુંટણીમાં એકટીવ પેનલ વિજયી બની


- ૨૦૭૩ મતદારોમાંથી ૧૪૫૮ દ્વારા મતદાન

- પ્રમુખ તરીકે બકુલ રાજાણી, ઉપપ્રમુખમાં સિધ્ધરાજસિંહ જાડેજા, સેક્રેટરીમાં જીજ્ઞોષ જોષી અને જો. સેક્રેટરી તરીકે નિલેષ પટેલ ચુટાયા


રાજકોટ બાર એસોસિએશનની આજે ચૂંટણી યોજાઈ હતી. દરમિયાન સવારથી જ મતદારોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો. સિવિલના બ ાર એસોસિએશનના રૂમમાં સવારના ૯ વાગ્યાથી જ મતદાન શરૂ થયું હતું. જો કે  બપોરે મતદાન થોડું ધીમું પડયું હતું. રાત્રે પરિણામ જાહેર કરાયું હતું. જેમાં પ્રમુખનો તાજ એકટીવ પેનલ પાસે ગયો હતો.
રાજકોટ બારમાં વનબાર વન વોટ મુજબ ચાલુ વર્ષે નોંદાયેલા કુલ ૨૪૭૨ ઉમેદવારોમાંથી ૧૪૫૮ ઉમેદવારો એ મતદાન કર્યું હતું. દરમિયાન આ અંગે રાત્રે ચૂંટણી અધિકારી મહર્ષિભાઈ પંડયાએ સહિતની ટીમ દ્વારા મતગણતરી હાથ ધરાઈ હતી. જેનું રાત્રે પરિણામ જાહેર કરાયું હતું. જે મુજબ પ્રમુખની જગ્યા માટે ત્રિપાંખીયો જંગ ખેલાયો હતો. જેમાં સમરસ પેનલના ઉમેદવાર સંજયભાઈ વોરાને ૬૪૮ મત મળ્યા હતાં. જયારે એકટીવ પેનલનાં બકુલ રાજાણીનો ૭૦૯ મત સાથે વિજય થયો હતો. જયારે સ્વતંત્ર ઉમેદવાર હરીસિંહ વાઘેલાને ૧૬ મત મળ્યા હતાં.


ઉપપ્રમુખ પદમાં સમરસ પેનલનાં રાજેશ મહેતાને ૬૪૧ મત મળ્યા હતાં. જયારે એકટીવ પેનલનાં સિધ્ધરાજસિંહ જાડેજાનો ૬૯૧ મત સાથે વિજય થયો હતો. સેક્રેટરી પદમાં સમરસ પેનલનાં પરેશ મરાૃને ૬૬ મત મળ્યા હતાં. જયારે એકટીવ પેનલના જીજ્ઞોશ જોષીનો ૬૪૬ મત સાથે વિજય થયો હતો. આઉપરાંત સ્વતંત્ર ઉમેદવાર વિજય ભટ્ટને ૩૪ અને પ ્રણવ પટેલને ૬૪ મત મળ્યા હતાં. જોઈન્ટ સેક્રેટરીમાં સમરસ પેનલના નિલેષ પટેલનો ૯૩૫ મત સાથે વિજય થયો હતો. જયારે તેના હરીફ એકટીવ પેનલનાં વિકાસ શેઠને ૪૭૩ મત મળ્યા હતાં.
લાયબ્રેરીની જગ્યા માટે સમરસ પેનલના જયેન્દ્રસિંહ રાણાને ૬૩૫ મત મળ્યા હતાં. જયારે એકટીવ પેનલનાં મોનીકા જોષીનો ૭૨૩ મત સાથે વિજય થયો હતો. કારોબારી મહિલા અનામતની જગ્યામાં સમરસ પેનલમાં રેખાબેન પટેલનો ૭૮૫ મત સાથે વિજય થયો હતો. જયારે એકટીવ પેનલના હર્ષાબેન પંડયાને ૫૧૯ મત મળ્યા હતાં.

આ ઉપરાંત કારોબારીની ૯ જગ્યા માટે સમરસ પેનલનાં નિશાંત જોષીને ૮૯૧, સુમીત વોરાને  ૮૦૮, જીતેન્દ્ર પારેખને ૭૨૦, મનીષ આચાર્યને ૬૨૬, પંકજ દોંગાને ૫૬૧, સંદીપ જોષીને ૫૫૨, રીતેશ ટોપીયાને ૫૧, સંજય પંડયાને ૪૯૧, અને રાજેશ ચાવડાને ૪૮૯ મત સાથે વિજય થયો હતો. ઉલ્લેખનીય છે કે, આ અગાઉ ટ્રેઝરરની જગ્યા માટે અમિતભાઈ ભગત બિનહરીફ ચૂંટાઈ આવ્યા હતાં.

શુક્રવાર, 21 ડિસેમ્બર, 2018

Narendra Modi

રાજકોટની આઈએનજી વૈશ્ય બેંકનાં 3.58 કરોડનાં કૌભાંડમાં વોન્ટેડ મહિલા 16 વર્ષ બાદ ઝડપાઈ


વોન્ટેડ હતી તે દરમિયાન લગ્ન કરી લીધા મુંબઈથી પોલીસે ઝડપી લઈ તા.૨૪ સુધીનાં રીમાન્ડ મેળવ્યા


રામકૃષ્ણનગર મેઈન રોડ પર  આવેલી આઈએનજી વૈશ્ય બેંકમાં ૬૮ જેટલા બોગસ ખાતા ખોલી આચરાયેલા ૩.૫૮ કરોડનાં કૌભાંડમાં છેલ્લા ૧૫ વર્ષથી વોન્ટેડ શિતલ વખારીયાને અંતે એ.ડિવિઝન પોલીસે મુંબઈથી ઝડપી લઈ કોર્ટમાં રજૂ કરી તા.૨૪ સુધીનાં રિમાન્ડ મેળવ્યા છે.

તાજેતરમાં જ ડીજીપીએ રાજયભરની પોલીસને વોન્ટેડ આરોપીઓને ઝડપી લેવાની ઝુંબેશ ચલાવવા સુચના આપતા  અચાનક એ.ડિવિઝન પોલીસને શિતલ વખારીયા છેલ્લા ૧૬ વર્ષથી વોન્ટેડ હોવાનું યાદ આવ્યું હતું.
જો કે તેની વિરુધ્ધ પોલીસે સીઆરપીસીની કલમ ૭૦ મુજબનું વોરન્ટ પણ મેળવ્યું હતુ.ં આખરે તેના વિશે માહિતી મળતાં એ.ડિવિઝન પોલીસની ટીમ મુંબઈ પહોંચી હતી અને ત્યાંથી તેને ઝડપી લીધી હતી.

તે મુંબઈમાં બોરીવલીમાં ડોન બોસ્કો સ્કુલ સામે પંચમ એપાર્ટમેન્ટમાં રહેતી હતી. તેનાં પિતાનું નામ રસિકભાઈ વખારીયા છે. તેની વિરૂધ્ધ ૨૦૧૨માં ગુનો નોંધાયો હતો. પોલીસે જણાવ્યું કે ત્યારબાદ તેણે ૨૦૧૩માં લગ્ન કરી લીધા હતા.

એટલે કે ગુનામાં વોન્ટેડ હોવા છતાં મેરેજ કર્યા હતાં અને હાલ એક સંતાનની માતા છે તે કરૂર વૈશ્ય બેંકમાં ડેટા એન્ટ્રી ઓપરેટર તરીકે જે તે વખતે નોકરી કરતી હતી. હાલ તેની ઉંમર ૪૨ વર્ષ છે. આ કૌભાંડમાં આ અગાઉ સાતેક આરોપીઓ પકડાયા છે જેમાંથી મુખ્ય આરોપીમાંની એક બેંકનો સેલ્સ મેનેજર દેવાંગ ખીરા તાજેતરમાં જ આગોતરા જામીન સાથે પોલીસ સમક્ષ હાજર થતાં તેની ધરપકડ કરવામાં આવી હતી.

પુત્રીના જન્મ દિવસે અકસ્માતમાં શિક્ષક પિતાનું મોત, 4 મિત્રોને ઈજા

પુત્રીના જન્મ દિવસ નિમિત્તે ઠેબચડા મિત્રની વાડીએ પાર્ટી ગોઠવી હોય તમામ મિત્રો જમીને પરત ફરી રહ્યા હતા ને અકસ્માત નડયો

રાજકોટ - ભાવનગર હાઈવે પર મહિકાના પુલ પરથી જીપ ઉંડા ખાડામાં ખાબકતાં શિક્ષક પ્રશાંતભાઈ દિલાવરખાન પંજવાણી (ઉ.વ.૩૩ રહે અલિફ એપાર્ટમેન્ટ દુધ સાગર રોડ, રાજકોટ) નું મોત નિપજયું હતું. જયારે તેના ચાર મિત્રોને ઈજા પહોંચી હતી. પુત્રનો જન્મ દિવસ હોવાથી શિક્ષક તેના મિત્રો સાથે ઠેબચડા જમવા ગયા હતાં, જયાંથી પરત ફરતી વખતે અકસ્માત નડયો હતો.
પોલીસ સુત્રોનાં જણાવ્યા મુજબ મુળ ચોટીલાના પ્રશાંતભાઈ પંજવાણી (ઉ.વ.૩૩) પ્રિમીયર સ્કુલમાં શિક્ષક તરીકે ફરજ બજાવતા હતાં.તેની પુત્રીનો ગઈકાલે જન્મ દિવસ હોવાથી તે મિત્ર અર્જુનભાઈ મનસુખભાઈ ચાવડા (ઉ.વ.૨૫ રહે. પોલીસ હેડકવાર્ટર), હિતેશગીરી શાંતીગીરી ગોસાઈ (ઉ.વ.૨૫ રહે. પોલીસ કવાર્ટર) ટ્રાન્સપોર્ટર ફિરોઝભાઈ અસરફભાઈ ચૌહાણ ઉ.વ.૩૪ રહે. લાખાજી રાજ શ્રમજીવી સોસાયટી અને મહેશભાઈ રહે. રાજકોટ સાથે ઠેબચડા ગામે રહેતા મિત્રની ાડીએ પાર્ટીનું આયોજન કર્યું હોથી ત્યાં ગયા હતાં.
જયાંથી જમીને તમામ સ્કોર્પીયોમાં પરત રાજકોટ આવવા રવાના થયા હતાં. દરમિયાન રાજકોટ ભાવનગર હાઈવે પર મહિકા પાસે રસ્તાનું કામ ચાલું હોવાથી ચાલક ફિરોઝભાઈએ ર્યવર્ઝન પાસે કાબુ ગુમાવતા જીપ ખાડામાં ઉતરી જતાં અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં તમામને ઈજા થતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. જયારે પ્રશાંતભાઈનું મોત નિપજયું હતું. જયારે તેનાં મિત્રોને દલીલ કરાયા હતાં. બનાવથી પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.

રાજકોટ સિવિલ હોસ્પિટલમાં RMO નિમણુંકના કચવાટને શાંત કરવા 'કુનેહતા" અપનાવશે : સુપ્રિ.ડો.મહેતા





આરોગ્ય કમિશ્નરના આદેશનું પાલન કરવા ત્રણેય મેડીકલ ઓફિસરની બદલી
"નિશ્ચિત" કરવા હોસ્પિટલ સુપ્રિન્ટેન્ડેન્ટની કવાયત : તબીબો નિષ્ઠાથી ફરજ બજાવે

રાજકોટ શહેરની સિવિલ હોસ્પીટલમાં એક સાથે ૩ તબીબોની મોરબી ખાતે બદલી થયાની વાતનો કચવાટ હજુ શમ્યો નથી ત્યાં હવે આર.એમ..ની નિમણુંક બાબતે હોસ્પિટલના તબીબોમાં આંતરિક ચણભણાટ શરુ થયો છે. જો કે આવા ચણભણાટને શાંતિથી, એકબીજાની સમજુતી વચ્ચે "કુનેહતા"થી શાંત કરી દેવાની વાત હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડેન્ટ ડો. મનિષ મહેતાએ "સાંજસમાચાર" સમક્ષ દોહરાવી હતી. તેઓએ એવું પણ જણાવ્યું છે કે, અહીંથી ૩ મેડીકલ ઓફિસરની બદલીના આદેશો બાદ હાલ ૧ મેડીકલ ઓફિસરની બદલી કરી દેવાઈ છે. બાકીના બે મેડીકલ ઓફિસરની પણ બદલી નિશ્ચિત હોય, આ બાબતે કોઈ ઉહાપોહ કરતુ હોય તો વાજબી નથી.



પ્રાપ્ત વિગતો મુજબ શહેરની સિવિલ હોસ્પીટલમાં એકબાજુ તબીબોના ઘસારાને પહોચી વળવા અહી વધુ તબીબોની જરૂરીયાત વર્તાઈ રહી છે. ત્યારે આવા કઠીન સમયે જ ગાંધીનગર ખાતેથી ડો.અગ્રાવત, ડો.ટાંક, ડો.ચાવડાની મોરબી હોસ્પીટલમાં બદલી કરવાના આદેશ છૂટતા આરોગ્યલક્ષી સેવાઓ માટે સિવિલ હોસ્પીટલમાં "એક સાંધે ત્યાં તેર તૂટે" તેવી પરિસ્થિતિનો તબીબી આલમમાં કચવાટ ફેલાયો છે.

સિવિલ હોસ્પીટલના સુપ્રિન્ટેન્ડેન્ટ ડો. મનિષ મહેતાએ ટેલીફોનીક મુલાકાત દરમિયાન "સાંજસમાચાર"ને જણાવેલ કે, આરોગ્ય કમિશ્નરના આદેશો બાદ ત્રણેય મેડીકલ ઓફિસરને અહીંથી છુટા કરી ડેપ્યુટેશન ઉપર મોરબી મોકલવાની કાર્યવાહી ચાલી રહી છે. હાલ એક ડો. અગ્રાવતની બદલી કરવામાં આવી છે. આ વાતને લઈને એટલે કે ત્રણમાંથી એક જ મેડીકલ ઓફિસરની બદલી કેમ કરાઈ ? તે વાતને લઈને કોઈ ઉહાપોહ સર્જાવાના પ્રયાસો કરતુ હોત તો તે ગેરવાજબી અને નિરર્થક બની રહેશે.

કારણ બાકી રહેતા ડો.ચાવડા અને ડો. ટાંકની પણ  બદલી પણ  નિશ્ચિત જ છે અને આજે બંનેને છુટા કરશે તેવું કહી આરોગ્ય કમિશનરના આદેશને "રીસ્પેકટ" આપવું તે તેઓની ફરજ થતું હોવાનું ડો.મેહતાએ જણાવ્યું હતું. ટૂંકા ગાળામાં અગાઉ મેડીકલ ઓફિસર ડો.દુસરાની મોરબી બદલી થયા બાદ વધુ ૩ મેડીકલ ઓફિસર ડો.અગ્રાવત, ડો.ટાંક અને ડો. ચાવડાની મોરબી ખાતે બદલીની નોબત સહનાર ડો. મનિષ મહેતા એવું પણ જણાવ્યું હતું કે, સિવિલ હોસ્પીટલમાં ખાલી પડનાર ૩ મેડીકલ ઓફિસરની જગ્યાઓ તાકીદે ભરવા તેઓ દ્વારા ઉચ્ચ આરોગ્ય તંત્રને રજુઆતો કરવામાં આવી રહી છે. 
 RMO નિમણુંકનો વિવાદ શું છે ?
રાજકોટ : સિવિલ હોસ્પિટલમાં સુપ્રિન્ટેન્ડેન્ટ ડો. મહેતાએ આર.એમ.ઓ. તરીકે ડો.રોયની નિમણુક કરી ત્યારથી તબીબોમાં આંતરિક ચણભણાટ શરુ થયો છે. આર.એમ.ઓ.ના પદ પર સ્વાભાવિક સિનિયર તબીબોની નિમણુંકો થતી હોય છે. જ્યારે ડો.રોય તો જુનિયર હોવાનું બતાવી અમુક તબીબો વચ્ચે ચર્ચાઓ થઇ રહી છે કે, સુપ્રિન્ટેન્ડેન્ટ દ્વારા તેમના નજીકના ડો. રોયને આર.એમ..બનાવ્યા તે વાતમાં શું આશય હોય શકે ? સિવિલ હોસ્પીટલમાં તો ૧૦ જેટલા તબીબ સીનીયરો કે જેઓ 20 થી ૨૩ વર્ષ થયા ફરજ બજાવી રહ્યા છે, તેમાંથી કેમ કોઈની પસંદગી ના કરવામાં આવી ? ડો. રોય તો ૧૦-૧૨ વરસ જ જુના તબીબ છે. ત્યારે આ વાતના વિખવાદના મૂળમાં હકીકત શું છે ? તે જાણવાના પ્રયાસમાં પણ સિવિલના સુપ્રિન્ટેન્ડેન્ટ ડો. મેહતાએ જણાવેલ કે, આર.એમ..ની નિમણુકમાં જુનિયર-સીનીયરને બદલે સંબંધિત તબીબની કાર્યકુશળતા, તેમની ફરજ, ફરજ પરત્વેની નિષ્ઠા જોવાતી હોય છે. ક્યા તબીબ કેટલી અને કેવી ફરજ બજાવે છે ? વી બાબતોની નોંધ લેવાતી હોય છે. જ્યારે ઘડિયાળના કાટે ફરજ બજાવવા વાળા સંબંધિતોની આપોઆપ બાદબાકી થઇ જતી હોય છે. અને આ માટેના તમામ હક, અધિકારો તેઓની પાસે હોય, વાજબી નિર્ણય લઈને ડો. રોયને આર.એમ..બનાવાયા છે. આર.એમ.. બનવા માટે કોઈ મેડીકલ ઓફિસર ઘસીને નાં પાડી દે તો શું થાય ? તેવા પ્રશ્નના જવાબમાં ડો.મેહતાએ જણાવેલ કે, પ્રત્યેક તબીબની ફરજ જોવાતી હોય છે. આવા પદ માટે કોણ અને ક્યારે યોગ્ય છે ? તે વાત પણ તેઓ દ્વારા નક્કી થતી હોય, જો કોઈ આ મુદ્દે ચણભણાટ ઉભી કરતુ હશે કે તેઓની પાસે આ બાબતે મામલો આવશે તો કુનેહતાથી મામલો થાળે પાડી દેવાનું જણાવ્યુ હતું.


મેંગોપીપલ પરીવાર દ્વારા ઝુપડપટ્ટીમાં પ્રમુખસ્વામીની જન્મ જ્યંતી ની ઉજવણી



તાજેતરમાં નિર્મલરાજ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત મેંગોપીપલ પરીવાર દ્વારા તેમના કાર્યરત ઝુપડપટ્ટીના દરેક  ફ્રી એજ્યુકેશન ક્લાસમાં રાજકોટ તથા જામનગરમાં એક જ સાથે પરમ પૂજ્ય પ્રમુખ સ્વામીની જન્મ જ્યંતીની ઉજવણી કરવામાં આવેલ.

સ્વામીજીના ફોટાને તિલક કરી ઝુપડપટ્ટીના બધા બાળકોએ ફુલહાર પહેરાવેલ, શિક્ષકો દ્વારા બાળકો ને સ્વામીજીના જીવન વિશે સુંદર અને સરળ ભાષામાં સમજણ આપેલ અને ત્યાર બાદ બધા બાળકો ને સંસ્થા તરફથી નાસ્તાનું વિતરણ કરવામાં આવેલ.






આ સત્કર્મ ને સાર્થક કરવા માટે નરેન્દ્રભાઈ રાઠોડ, રાજુભાઈ ત્રિવેદી, રશ્મિબેન સગપરીયા, સોનલબેન વિરાણી, શિલ્પાબેન વિગેરે લોકો એ જહેમત ઉઠાવેલી.

અત્રે ઉલ્લેખનીય છે કે મેંગોપીપલ પરીવાર ઝુપડપટ્ટી અને સ્લમ વિસ્તારો ના બાળકો માટે છેલ્લા ૫ વર્ષ થી સતત કાર્યશીલ સંસ્થા છે. તે આવા બાળકો માટે રાજકોટ તથા જામનગર માં ફ્રી એજ્યુકેશન ક્લાસ ચલાવી રહી છે. સંસ્થા ની વધુ માહિતી માટે પ્રમુખ મનીષભાઈ રાઠોડ ( મો. ૯૨૭૬૦૦૭૭૮૬/૯૨૨૭૦૦૭૭૮૬ ) નંબર પર સંપર્ક કરવા અનુરોધ છે.

રાજકોટ જિલ્લાની સ્વનિર્ભર શાળાઓને ફી નિર્ધારણ કાયદા અન્વયે એફીડેવીટ કરવા સુચના



રાજકોટ જિલ્લાની તમામ માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક  તેમજ રાજકોટ, ઉપલેટા તથા જેતપુર શહેરની પ્રાથમિક શાળાઓના આચાર્ય/સંચાલકશ્રીને જિલ્લા શિક્ષણાધિકારી તેમજ ફિ નિયમન સમિતી રાજકોટ ઝોન દ્વારા જણાવવામાં આવે છે કે, ફિ નિર્ધારણ, કાયદો-૨૦૧૭ હેઠળ દરેક સ્વ નિર્ભર શાળાઓની ફિ, ફિ નિર્ધારણ સમિતી દ્વારા નિર્ધારીત કરેલ હોય તેવી શાળા વર્ષ ૨૦૧૭-૧૮ તથા ૨૦૧૮-૧૯ ના વર્ષો માટે સમિતીના હુકમ મુજબ જ જે તે શાળાએ દરેક વિદ્યાર્થીની ફી લીધેલ છે અને તે હુકમથી વધુ કોઇ ફી ઉઘરાવેલ નથી તે સંબંધે એફીડીવીટ જિલ્લા શિક્ષણાધિકારી કચેરી, રાજકોટને તા. ૧૦/૦૧/૨૦૧૯  સુધીમાં મોકલી આપવા જણાવવામાં આવે છે. 

બુધવાર, 19 ડિસેમ્બર, 2018

આજનો વિચાર :

આજનો વિચાર : તુમ જો બિછડે હો જલ્દબાઝી મેં, યાર તુમ રૂઠ ભી તો સકતે થે... - મેહસર અફરીદી

આજનો વિચાર : લગ્નમાં છોકરીવાળા વધુ ડાન્સ કરે તો સમજી લેવાનું કે એના ઘરની માથાકૂટ હવે તમારા ઘરે આવી રહી છે.. અને છોકરાવાળા જોરશોરથી ડાન્સ કરતા દેખાય તો માની લેવાનું કે ભાઈનું માંડમાંડ ગોઠવાણું છે...  - વૉટ્સએપ પર વાંચેલું

આજનો વિચાર : જત જણાવવાનું તને કે છે અજબ વાતાવરણ, એક ક્ષણ તું હોય છે ને એક ક્ષણ તારું સ્મરણ.. - રાજેન્દ્ર શુક્લ

આજનો વિચાર : ખબર નથી પડતી કે કેમ અન્યોને ગમે છે એ, લખાતું હોય છે જે કંઈ ફકત એકાદ જણ માટે... - ડૉ. મુકુલ ચોક્સી

આજનો વિચાર : ઘર તો હતાં અનેક ને ઝાંપા હતા અનેક, તોય આશરાના આપણે ફાંફાં હતા અનેક, એકાદ ડગની દૂર પણ કપી શકાઈ નૈં, એકાદ ડગના માર્ગમાં ફાંટા હતા અનેક... — અનિલ ચાવડા

આજનો વિચાર : દરેક માણસ એની જીભની પાછળ છુપાયેલો હોય છે. જો એને સમજવો હોય તો એને બોલવા દો... - વૉટ્સઍપ પર વાંચેલુ

આજનો વિચાર : ખાઈ પીને ન્હાઈને કવિતા નથી બનતી, એ દોસ્ત.. લોહી વહે ત્યારે જ કાગળ વચ્ચે ધરવો જોઈએ... - ડૉ. મુકુલ ચોક્સી


એક મિનિટ : બકો : આ વૉટ્સઍપમાં જરૂર જાતજાતનાં વિટામિનો હોવાં જોઈએ.. પકો : કેમ એવું લાગે છે તને..?? બકો : જો તે, એક દિવસ વૉટ્સઍપ ન વાપરીએ તો આખો દિવસ કમજોરી લાગે છે, સુસ્તી જેવું લાગે છે...

એક મિનિટ :  જ્યોતિષ : બકા, તારી કુંડળીમાં અઢળક ધન છે.. બકો : એ બધું ઠીક પણ મહારાજ, એ કહો કે આ ધન કુંડળીમાંથી મારા બૅન્ક અકાઉન્ટમાં ક્યારે ટ્રાન્સફર થશે..??

એક મિનિટ : બકાની વાઈફ : હું આજે સાંજે કંઈ રસોઈ બનાવવાની નથી, થાકી ગઈ છું. થાકી.. બકો : હા, હોં, ન બનાવતી... અમેય થાકી ગયા છીએ...


કાગળ પરના દીવા : અંદર અંદર સળવળતી એક ઘટનાથી શરૂઆત કરું તો તમને એમાં વાંધો છે કંઈ..?? ઠરી ગયેલી ફૂંક ફરી પેટાવી ઝંઝાવાત કરું તો તમને એમાં વાંધો છે કંઈ..?? - સંજુ વાળા
સાયલન્સ પ્લીઝ : આપણે જે છીએ તે જ બની રહેવાની હિંમત રાખવી જોઈએ...  ભલે પછી એમાં આપણને ડર લાગતો હોય કે બીજાઓને આપણે વિચિત્ર લાગતા હોઈએ... – અજ્ઞાત

પાન બનાર્સવાલા : ઘણી વખત આપણી સહમતી કે અસહમતીનું એકમાત્ર કારણ ગેરસમજણ હોય છે... – વોટ્સએપ પર વાંચેલું

પાન બનાર્સવાલા : જિંદગીમાં સમયનું બહુ મહત્વ છે એવું નથી, જિંદગીમાં સમયનું જ મહત્વ છે... - અજ્ઞાત

  સૌરભ શાહ

રાજકોટ: ફોરેન ટ્રેડ ડેવલપમેન્ટ ઓફિસર 4 હજારની લાંચ લેતા ઝડપાયો



 રાજકોટ: ફોરેન ટ્રેડની કચેરીનો ફોરેન ટ્રેડ ડેવલપમેન્ટ ઓફિસર લીલાધર કેશવભાઇ શ્રીવાસ્તવ રૂ. 4 હજારની લાંચ લેવાના આરોપસરના છટકામાં સપડાયો હતો. આ અંગે એક્સપોર્ટનો ધંધો કરતાં આસામીએ તેના ફોરેન ટ્રેડ લાયસન્સમાં પાન નંબર ખોટો લખાવેલ હોય તે સુધારી આપવા માટે અરજી કરી હતી. આ અરજીના સંદર્ભમાં તાત્કાલીક પાન નંબર સુધારી આપવા માટે ફોરેન ટ્રેડ ડેવલોપમેન્ટ ઓફિસર લીલાધર કેશવભાઇ શ્રીવાસ્તવે રૂ. છ હજારની લાંચની માગણી કરી હતી. જે પૈકી રૂપિયા 2 હજાર સ્વીકારી લીધા હતાં.

બાકીના રૂપિયા 4 હજાર પછી આપવાનો વાયદો કરાયો હતો. આ લાંચની રકમ ધંધાર્થી આપવા માગતા ન હતાં આથી લાંચ રૂશ્વત વિરોધી બ્યુરોમાં ફરિયાદ કરી હતી. આ ફરિયાદ પરથી રાજકોટ બ્યુરોના મદદનીશ નિયામક એચ.પી.દોશીના સુપરવિઝન હેઠળ પોલીસ ઇન્સપેક્ટર સી.જે. સુરેજા અને તેમની ટીમે છટકુ ગોઠવ્યું હતું. આ છટકામાં લીલાધર શ્રીવાસ્તવ રંગેહાથ ઝડપાયો હતો. અધિકારી કલાસ-2માં આવતો હોય તેના નિવાસસ્થાનની તલાશી લેવાની પ્રક્રિયા ચાલી રહી છે.

અમદાવાદના તજજ્ઞ ડોક્ટર્સનો સિવિલ હોસ્પિટલ ખાતે નિ:શુલ્ક ઓપરેશન કેમ્પ



નવજાત શિશુ થી ૧૮ વર્ષ સુધીના બાળકોની સર્જરી - ખોડખાપણ તેમજ કપાયેલા હોઠ અને તાળવાની સર્જરી નિ:શુલ્ક કરી આપવામાં આવશે

રાજ્ય સરકાર દ્વારા જનઆરોગ્ય માટે બહોળા પ્રમાણમાં નિ:શુલ્ક સ્વાસ્થ્ય સુવિધાઓ પૃરી પાડવામાં આવે છે. અનેકવિધ યોજનાઓ હેઠળ જરૂરિયાતમંદ દર્દીઓને વિવિધ સારવાર પુરી પાડવામાં આવે છે તેમજ અવાર નવાર કેમ્પનું વિશિષ્ઠ આયોજન કરવામાં આવે છે.  જેના ભાગ રૂપે રાજકોટમા સર્વપ્રથમ વાર મુખ્યમંત્રી અમૃતમ યોજના, મુખ્યમંત્રી વાત્સલ્ય યોજના અને આયુષ્માન ભારત યોજના હેઠળ ડીસ્ટ્રીકટ હેલ્થ સોસાયટી અને જયદીપ હોસ્પિટલ અમદાવાદના સંયુક્ત ઉપક્રમે તા. ૨૯-૧૨ ને શનિવારના રોજ સવારે ૧૦ થી ૧૨ કલાક દરમયાન તજજ્ઞ ડોક્ટર્સની ટીમ દ્વારા નવજાત શિશુ થી ૧૮ વર્ષ સુધીના બાળકોનું નિ:શુલ્ક નિદાન તેમજ સર્જરીના કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે. આ કેમ્પમાં અમદાવાદના ડો. જયુલ કામદાર (નવજાત બાળકોના સર્જન) ડો. નિશ્વલ નાયક (કોસ્મેટિક અને પ્લાસ્ટિક સર્જન) ઉપસ્થિત રહી બાળકોની સર્જરી , દાજ્યા પછી રહી ગયેલ ખોડ ખાંપણ તથા સ્માઈલ ટ્રેન અંતર્ગત કપાયેલા હોઠ તેમજ ફાટેલા તાળવાનુ નિદાન તેમજ સર્જરી નિ:શુલ્ક કરી આપવામાં આવશે. આ  કેમ્પનું આયોજન સવારે ૧૦ થી ૧૨ કલાક દરમ્યાન પીડીયું જનરલ હોસ્પિટલ, નવી ઓપિડી બિલ્ડીંગ, બાળકોના વિભાગ રૂમ નં ૧૯ ખાતે રાખવામાં આવેલ છે. આ કેમ્પનો વધુને વધુ જરૂરિયાતમંદ લોકો લાભ લે તેમ ચીફ ડિસ્ટ્રિક્ટ મેડિકલ ઓફિસર તેમજ પીડીયું જનરલ હોસ્પિટલ તથા ચીફ ડિસ્ટ્રિક્ટ હેલ્થ ઓફિસર રાજકોટ દ્વારા અનુરોધ કરાયો છે. (માહિતી બ્યુરો -રાજકોટ)


મંગળવાર, 18 ડિસેમ્બર, 2018

૧૨ વર્ષથી નાસતો ફરતો કોઠી ગામનો શખ્શ કુવાડવા રોડ પરથી પકડાયો બી-ડીવીઝન પોલીસે પકડી લીધો



રાજકોટ તા.૧૮
શહેરના બી-ડીવીઝન પોલીસના એક ગુના સબબ છેલ્લા ૧૨ વર્ષથી નાસતા ફરતા જસદણ તાલુકાના કોઠી ગામના શખ્શને પોલીસે કુવાડવા રોડ પરથી પકડી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.


મળતી વિગતો મુજબા જસદણ તાલુકાના કોઠી ગામનો પોપટ સામત સીરોડીયા(ઉ.વ.૩૫) નામનો શખ્શ બી ડીવીઝન પોલીસ મથકમાં મારી નાખવાની ધમકીના ગુનામાં વર્ષ ૨૦૦૭ થી નાસતો ફરતો હતો. આ શખ્શ કુવાડવા રોડ પર આંટા મારતો હોવાની વિરમભાઇ ધગલ અને એભાલભાઈ બરાલીયાને બાતમી મળી હતી.

જેને બી ડીવીઝન પોલીસના પીઆઈ ઠાકર, પીએસઆઈ ડામોર સહિતના સ્ટાફે ગઈકાલે કુવાડવા રોડ, મેંગો માર્કેટ પાસેથી ઝડપી લઇ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.



પેરોલ પર છૂટ્યા બાદ નાસતો ફરતો કાલાવડ પંથકનો શખ્શ ગોંડલમાંથી ઝડપાયો : કાલાવડ પોલીસને સોંપાશે

રાજકોટ તા.૧૮
કાલાવડ પોલીસમાં ખૂનના ગુનામાં આજીવન કેદ ભોગવતા અને પેરોલ પર છૂટ્યા બાદ જેલમાં પાછો હાજર નાં થઈને નાસતા ફરતા કાલાવડ પંથકના શખ્શને રાજકોટ રૂરલ એસ.ઓ.જી.કાફલાએ ગોંડલમાંથી ઝડપી લઇ ગોંડલ શહેર પોલીસને સોંપ્યો છે. અહીંથી ટ્રાન્સફર વોરંટના આધારે ગોંડલ પોલીસ કાલાવડ પોલીસને શોપશે.

પ્રાપ્ત વિગતો મુજબ કાલાવડ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા એક ખૂનના ગુનામાં આજીવન કારાવાસ ભોગવતો ગુલાબશા ગીગાશા શાહમદાર(રહે.વાવડી, તા.કાલાવડ,જીલ્લો જામનગર, મૂળ ધોરાજી) તા.૨૩-૫-૨૦૧૮ થી ૧૪ દિવસની પેરોલ પર છૂટ્યો હતો.

દરમિયાન નિયત તારીખે જેલમાં હાજર નહિ થઈને ગુલાબશા ભાગતો ફરતો હતો. બીજીબાજુ નાસતા ફરતા શખ્શોને પકડવાની કામગીરી કરતા રાજકોટ રૂરલ એસઓજીના વિજયભાઈ ચાવડાને બાતમી મળી હતી કે ગુલાબશા ગોન્ડળના વોરા વોંકળા રોડ, પંચ પીરની ધાર વિસ્તારમાં પોતાના ભાઈ ઈરફાનશા ગીગાશા સાથે રહે છે. બાતમીના આધારે પીઆઈ એમ.એન,.રાણા, વિજાભાઈ, ઉપેન્દ્રસિંહ જાડેજા, દિલીપસિંહ જાડેજા ધર્મેન્દ્રભાઈ ચાવડા, જયવીરસિંહ રાણા વિગેરે સ્ટાફે ગુલાબશાને ગોંડલમાંથી ઝડપી લઇ ગોંડલ સીટી પોલીસને સોંપ્યો હતો

શાપર(વેરાવળ) નજીક કાર હડફેટે ૨ ને ગંભીર ઈજાઓ

રાજકોટ તા.૧૮
ગઈકાલે સાંજે શાપર વેરાવળ નજીક એક અજાણી કાર ચાલકે રોડ પર ઉભેલા ૨ વ્યક્તિઓને હડફેટે લેતા બંનેને ફ્રેકચર જેવી ગંભીર ઈજાઓ સાથે સારવાર માટે હોસ્પીટલે ખસેડાયા છે.

પ્રાપ્ત વિગતો મુજબ શાપર વેરાવળમાં શીતળા માતાજીના મંદિર પાસે રામપાર્ક સોસાયટીમાં રહેતા અશ્વિનભાઈ અંબારામબજાઓ નાધોરા(ઉ.વ.૨૨) સહીત ૨ યુવાનો ગઈકાલે સાંજે સાડા પાંચ વાગ્યાની આસપાસ એડન્ટ પંપ ચોકડી પાઈ ઉભા મોબાઈલ પર વાતો કરતા હતા ત્યારે ત્યાં અચાનક ઘસી આવેલી એક નવી ઇકો કાર ચાલકે બંનેને હડફેટે લેતા બંનેને હાથે, પગે ફ્રેકચર જેવી ગંભીર ઈજાઓ પહોચતા સારવાર માટે દવાખાને ખસેડાયા હતા.
બનાવની ફરિયાદ પરથી શાપર વેરાવળ પોલીસના એ.એસ.આઈ.એન.બી રાઠોડે કાર ચાલક સામે ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

જેતપુરના નવાગઢમાંથી વરલીના આંકડા રમાડતો શખ્શ ઝડપાયો

તા.૧૮દિલીપ
જેતપુરના નવાગઢ ચોકડી વિસ્તારમાં જાહેરમાં વરલી ફીચરના આંકડાનો જુગાર રમાડતા એક શખ્શને પોલીસે પકડી પડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

મળતી વિગતો મુજબ જેતપુરના નવાગઢમાં ચોકડી વિસ્તારમાં કેડી પાન પાસે વરલી ફીચરનો જુગાર ખેલાતો હોવાની બાતમી પરથી પોલીસે દરોડો પાડી દીપક હમીર વાળા નામના કોળી શખ્શને નજીવી રકમ સાથે પકડી પાડ્યો હતો. જેતપુર સીટી પોલીસના જમાદાર એચ.બી.સાવલિયાએ દીપક સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

મોટીમારડમાં જુગાર દરોડો ૫ તાસપ્રેમીઓ પકડાયા

રાજકોટ તા.૧૮
પાટણવાવ પોલીસે મોટીમારડ ગામે જાહેરમાં રમાતા જુગાર પર દરોડો પાડી ૫ શખ્શોને પકડી લીધા હતા. પોલીસને મોટી રકમ જુગારના પટમાંથી મળવાની આશા હતી. પણ માત્ર રૂ.૨૬૯૦/- જ મળ્યા હતા.

પ્રાપ્ત વિગતો મુજબ પાટણવાવ પોલીસ વિસ્તાર હેઠળ આવતા મોટીમારડ ગામે ખરાવાડ પ્લોટ, રામદેવપીરના મંદિર પાસે જાહેરમાં જુગાર ખેલાતો હોવાની પોલીસને બાતમી મળી હતી. પોલીસે દરોડો પાડતા સુખા માલા પરમાર(અમાપર, તા.ગઢડા), માધા મંગા ચૌહાણ), પુના હીરા રેવર, જેન્તી છગન પાટડીયા, બધા હીરા રેવર (રહે.બધા મો.મારડ) રોકડ રૂ.૨૬૯૦ સાથે પકડાઈ ગયા હતા. પાટણવાવ પોલીસના એ.એસ.આઈ. પી.બી.જાડેજાએ તમામ સામે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.







જુનાગઢ રહેતા, જેતલસરના નિવૃત રેલ કર્મી વૃદ્ધ છતાં કાયમી યુવાન લખુભાઈ લખુભાઈ ગીરનારીનો આજે જન્મદિન



રાજકોટ તા.૧૮
જેતલસર જંકશનના રેલવેના નિવૃત લોકોચાર્જમેન લક્ષ્મણભાઈ મોહનભાઈ પરમાર(સેવક લખું ગિરનારી)નો આજે જન્મ દિન છે.પોતાના જીવનના ૭૬ માં વર્ષમાં પ્રવેશેલા લખુભાઈએ આજની તારીખે પણ યુવાન જેવા જ સેવાકીય કાર્યોમાં રત છે.
રેલ્વેમાં નિવૃત્તિના સમયે પણ રેલવેના કોઈ પણ પ્રશ્ને તેઓ સજાગ રહી જરૂરીયાતમંદોને મદદરૂપ થઇ રહ્યા છે. સમાજના કોઈ પણ વ્યક્તિઓને સુખ-દુઃખના ભાગીદાર થવા તેઓ હમેંશા પહેલા હોય છે. ઈશ્વર અને દત્ત મહારાજ તેઓને દીર્ધાયુષ્ય બક્ષે તેવી હિતેચ્છુઓ, મિત્રોએ શુભેચ્છા પાઠવવા તેમના મો. ૬૩૫૩૯ ૬૬૬૧૦ પર સંપર્ક કરી શકે છે.

શનિવાર, 15 ડિસેમ્બર, 2018

મેંગોપીપલ પરીવારના બાળકોએ લીધી સ્વામીનારાયણ નગરની મુલાકાત






તાજેતરમાં નિર્મલરાજ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત મેંગોપીપલ પરીવારના ઝુપડપટ્ટી અને સ્લમ વિસ્તારોના બાળકો એ સ્વામિનારાયણ નગર પીકનીક ની માજા માણી હતી .

બાળકો એ ત્યાં ની કલાકૃતી અને પ્રવેશદ્વાર નિહાળી ઉપરાંત દરેક ડોમ ની પણ મુલાકાત લીધેલી. વ્યસન મુક્તિ અને માતાપિતા ની સાચી સેવા જેવી અનેક સમજણો મેળવી બાળકો ધન્ય બનેલ.
પીકનીક ના આયોજન માં ઉષાબેન, નિલેશભાઈ, અશોકસિંહ, તથા બ્રિજેશભાઈ એ સુંદર સહકાર આપેલ.

અત્રે ઉલ્લેખનીય છે કે મેંગોપીપલ પરીવાર ઝુપડપટ્ટી અને સ્લમ વિસ્તારો ના બાળકો માટે છેલ્લા ૫ વર્ષ થી સતત કાર્યશીલ સંસ્થા છે. તે આવા બાળકો માટે રાજકોટ તથા જામનગર માં ફ્રી એજ્યુકેશન ક્લાસ ચલાવી રહી છે. સંસ્થા ની વધુ માહિતી માટે પ્રમુખ શ્રી મનીષભાઈ રાઠોડ ( મો. ૯૨૭૬૦૦૭૭૮૬/૯૨૨૭૦૦૭૭૮૬