અનુયાયીઓ

શનિવાર, 17 નવેમ્બર, 2018

જેતલસરના ડેડરવા રોડ ઉપર આઇસર હડફેટે બાઈક ચાલકનું મોત એક ગંભીર


અકસ્માત સર્જી આઇસર ચાલક નાસી છૂટયો...

(કશ્યપ જોશી) જેતલસર તા.17

આજે સાંજે સાત વાગ્યાની આસપાસ જેતલસર નજીકથી પસાર થતા ડેડરવા રોડ પર પેટ્રોલ પંપ સામે જેતપુરના સાડીધોલાઈ ઘાટના આઈસર ચાલકે સામેથી આવતા બાઇકને અડફેટે લેતા બાઈક ચાલકનું ઘટના સ્થળે મોત થયુ હતુ જ્યારે તેમની પાછળ બેઠેલા એક આધેડને ગંભીર ઇજાઓ સાથે સારવાર માટે જેતપુરની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

બનાવની જાણવા મળતી વિગતો મુજબ ડેડરવા ગામે રહેતા સાગરભાઇ દિનેશભાઈ મકવાણા નામનો 23 વર્ષનો યુવાન આજે સાંજે સાત વાગ્યાની આસપાસ પોતાનું જીજે 3 કે એફ   8 3 2 2 નંબરનું  બાઈક લઈને ડેડરવાથી જેતલસર તરફ આવી રહ્યો હતો ત્યારે જેતલસરથી ભાટ ગામ  જઇ રહેલ સાડી ધોલાઈ ઘાટના જીજે 03 એ. એક્સ. 5221 નંબરના  આઈસર ચાલકે ધડાકાભેર સાગરભાઇના બાઈકને અડફેટે લેતા સાગરનું ઘટના સ્થળે જ કરૂણ મોત થયું હતું.

 જ્યારે તેમના બાઈક પાછળ બેઠેલા ડેડરવાના દિનેશભાઈ ભનુભાઇ ચાવડા  ઉંમર વર્ષ 45 ને પગમાં ફ્રેકચર  જેવી ગંભીર ઇજાઓ સાથે સરકારી સેવા 108 દ્વારા  સારવાર માટે જેતપુર ખસેડવામાં આવેલ છે.  વધુમાં જાણવા મળેલી વિગતો મુજબ આ અકસ્માતમાં મોતને ભેટેલો સાગર બે ભાઈઓ માં નાનો ભાઈ હતો. તેમનો મોટોભાઈ જેતપુર મજૂરી કામ કરે છે. અકસ્માત સર્જીને મેટાડોર ચાલક નાસી છૂટ્યો છે.

 અકસ્માત બાબતે નજરે જોનારા લોકો લોકોએ જણાવ્યુ હતુ કે સાડીના મુદ્દા ભરીને જેતપુરથી ભાટગામ જઈ રહેલ મેટાડોર બેફામ સ્પીડે રોડ ઉપરથી નીકળ્યો હતો. ત્યારે આ રોડ ઉપર આવતા પેટ્રોલ પંપ સામે આ અકસ્માત સર્જાયો હતો.  અત્રે એ નોંધનીય છે કે રાજ્યના કેબિનેટ પ્રધાન જયેશ રાદડિયા જ્યારથી જેતલસરથી ભાટગામ  સુધીનો ડામર રોડ બનાવ્યો છે ત્યારથી  સાડી ધોલાઈ ઘાટના વાહનો બેફામ આ રોડ પરથી પસાર થઈ રહ્યા છે.

 જેતપુરથી જેતલસર આવતા આ ગામના રોડ ઉપર ગાયત્રીનગર આગળ જતા ડેડરવા ગામ તેમજ આરબટીંબડી અને  રૂપાવટી ગામ નૂ પાટીયુ એમ તમામ વિસ્તારો આવેલા હોય આ રોડ ઉપર નાના-મોટા વાહનચાલકોને તેમજ જેતલસરથી ડેડરવા અને છેક ભાટ ગામ સુધી આ રોડની બંને બાજુ ખેડૂતોના ખેતરો આવેલા હોય રાહદારીઓ તેમજ ખેડૂતોને રાત દિવસ અવર જવર ચાલુ રહે છે.

 આ બધું જાણતા હોવા છતાં સાડી ધોલાઈ ઘાટના  વાહનો માતેલા સાંઢની જેમ દોડતા હોય આ રોડ ઉપર અવાર નવાર અકસ્માતો થતા રહે છે. જેતપુર તાલુકા પોલીસે ઘટનાસ્થળે દોડી જઈને સાગર મકવાણાની લાશને પીએમ માટે જેતપુર ખસેડી અકસ્માત સર્જનાર આયસર ચાલક સામે ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે. ડેડરવા ગામના આશાસ્પદ યુવાન સાગરના મૃત્યુથી ડેડરવા માં તેમજ મૃતકના પરિવારજનો શોક માં ફેલાયો છે.
ફોટો અને અહેવાલ :કશ્યપ જે. જોશી, જેતલસર


રાજકોટ યાર્ડમાં સરકારી 'ટેકા' વગર ખુલ્લા બજારમાં 4 ગણી મગફળી વેંચાઈ !


સારી જણસીનો બજારભાવ સરકારી ટેકાની સમકક્ષ!
- બીજા દિવસે રાજકોટમાં ૧૫૦ ક્વિ.મગફળી ટેકાથી 'ઉધારે' ખરીદાઈ,સામે ખેડૂતોએ ૬૦૦-૭૦૦ ક્વિન્ટલ 'રોકડે'થી વેચી
- ટેકાના ભાવે ૧,૫૦,૦૦૦ કિલો મગફળી લવાઈ ને ખુલ્લા બજારમાં એક દિ'માં ૪૨,૦૦,૦૦૦ કિલો લવાઈ !
- ઉતારાના પ્રશ્ને ખેડૂતોનો માલ પાછો જઈ રહ્યાની કિસાનસંઘે જિલ્લા કલેક્ટરને કરી રજૂઆત, ભેજના ટકા સવારે વધી જાય

મહિના પહેલાથી મગફળી સૌરાષ્ટ્રના યાર્ડમાં ખેડૂતો થોકબંધ લાવી રહ્યા છે ત્યારે સરકારે મોડે મોડે, ગઈકાલથી મગફળીની ટેકાના (રૂ।.૧૦૦૦)ના ભાવે ખરીદી શરુ કરી છે. આજે રાજકોટ યાર્ડના સૂત્રોનો સંપર્ક સાધતા ૨૫૦૦ કિલોની એક એવી ૬૦ વાન અર્થાત્ ૧૫૦ ક્વિન્ટલ મગફળી ટેકાના ભાવે યાર્ડમાં ખરીદાઈ હતી પરંતુ, આ સામે યાર્ડમાં ખેડૂતોએ ખુલ્લા બજાર માટે ૪૨૦૦ ક્વિન્ટલ મગફળી વેચવા માટે લાવ્યા હતા અને ખુદ યાર્ડના સૂત્રો અનુસાર રોજ સરેરાશ ૧૫થી ૨૦ હજાર ગુણી અર્થાત્ ૬૦૦થી ૭૦૦ ક્વિન્ટલ જેટલી મગફળી ખુલ્લા બજારમાં વેચાય છે.

ગત વર્ષે ખેડૂતોને તેમની ટેકાના ભાવે વેચાયેલી મગફળીના નાણાં બે માસ પછી મળ્યાના કડવા અનુભવો રહ્યા છે અને આ વખતે પણ આ નાણાં તુરંત કે એક-બે દિવસમાં ચૂકવાતા નથી. આથી મંદી-મોંઘવારી સામે લડતા આમ ખેડૂતો રોકડાની જરૂરિયાત પૂરી કરવા ખુલ્લા બજારમાં માલ વેચી રહ્યા છે. વળી, ખુલ્લા બજારમાં ખેડૂતો જેની ફરિયાદો કરે છે તેવી ઉતારા, ૩૦ની ગુણી, ૭-૧૨ જેવા દાખલાઓ, ભેજની ટકાવારી વગેરે જેવા ઈસ્યુ નથી હોતા. એકંદરે સરકાર જો ખરેખર ખેડૂતોને ટેકો આપવા માંગતી હોય તો ખેડૂતો માટે મગફળીનું ટેકાના ભાવે વેચાણ સરળ-સુગમ બનાવવાની અને નાણાં ઝડપથી ચૂકવવાની જરૂર છે.
બીજી તરફ, મગફળીના ઓછા પાકના (અલબત, તેલના ભાવ વધે એટલો ઓછો પાક નથી) કારણે બજારમાં મળતા ભાવ થોડા ઉંચકાયા છે. આજે જાડી મગફળી પ્રતિ ૨૦ કિલોના રૂ।.૬૮૦થી ૯૫૩ના ભાવે અને જીણી મગફળીના ૮૪૦થી રૂ।.૧૦૦૦ (એટલે કે સરકારી ટેકાના ભાવ) ભાવે સોદા થયા હતા. આમ, સારી મગફળી ખુલ્લા બજારમાં પણ ટેકાના ભાવ કે તેનાથી પચાસ-સો રૂ।.ઓછા ભાવે વેચાય છે.

રાજકોટ યાર્ડના ચેરમેન ડી.કે.સખિયાએ જણાવ્યું કે ખેડૂતો ૩૦ કિલોના માપની માંગણી કરતા હતા પણ સરકાર નાફેડ મારફત આ કામગીરી કરે છે જે ૩૫ કિલોની ભરતી જ સ્વીકારે છે. પરંતુ, ૩૦ હોય કે ૩૫ તેમાં ખેડૂતોને નુકશાન નથી તે વાત અમે ખેડૂતોને સમજાવી છે અને પ્રશ્ન ઉકેલાઈ ગયાનો અને ગઈકાલે ૫૦ વાન અને આજે ૬૦ વાન (એક વાનમાં ૨૫૦૦ કિલો) મગફળી ટેકાથી ખરીદાઈ છે. તેમણે ઉમેર્યું કે યાર્ડમાં હાલ ખુલ્લા બજારમાં રોજ સરેરાશ ૧૫હજારથી ૨૦ હજાર ગુણી મગફળી વેચાય છે. ટેકાના ભાવે ખરીદાતી મગફળીના નાણાં ખેડૂતોને જલદી મળે તે માટે અમે પ્રયાસ કરીએ છીએ.

બીજી તરફ,ભારતીય કિસાનસંઘના દિલિપ સખીયાએ જણાવ્યું કે સરકારને વારંવારની રજૂઆત છતાં ઉતારાની અંદર કોઈ ફેરફાર કર્યો નથી અને જુના ઉતારામાં ઘટાડો ન કરાય તો ખેડૂતો હેરાન થતા રહેશે. ગયા વર્ષે સરકાર ટેકાના ભાવે ખરીદીમાં માત્ર નમુના લેતા હતા પણ ઉતારો કાઢતા ન હતા ૃૃૃઅને જે બારદાનમાં ૩૫ કિલોની ભરતી સમાતી તે માન્ય ગણાતો હતો.
આ ઉતારામાં ઘટાડાની સાથે જ સવારે મગફળીનો નમુનો લેવાય ત્યારે ભેજ વધુ હોય છે (હવામાનખાતા મૂજબ સવારે હવામાં ભેજનું પ્રમાણ સાંજ કરતા વધારે જ હોય છે) જે ટકાવારી સરકારે વધારવી જોઈએ.આ મુદ્દાઓનો નિકાલ ન આવે તો તા.૨૦થી આંદોલનની ચિમકી પણ ઉચ્ચારાઈ છે. કલેક્ટરને ખેડૂતોએ રજૂઆત પણ કરી છે.

શુક્રવાર, 16 નવેમ્બર, 2018

કોન્ટ્રાકટરો પાસેથી લાંચ પેટે મેળવેલા રૂ.46 લાખ કબ્જે


- સરદાર સરોવર નર્મદા નિગમનાં કાર્યપાલક ઈજનેરે
- બંને આરોપીઓ એક દિવસનાં રિમાન્ડ પર


ધ્રાંગધ્રા સ્થિત સરદાર સરોવર નર્મદા નિગમ સૌરાષ્ટ્ર  બ્રાંચ કેનાલ ૨/૧ ડિવિઝનનાં કાર્યપાલક ઈજનેર મહેશ ધનજીભાઈ પટેલ અને જૂનિયર કલાર્ક પ્રતિક જગુભાઈ ટાકલાને ગઈકાલે એસીબીએ ૨ હજારની લાંચમાં ઝડપી લીધા બાદ આજે બંનેને કોર્ટમાં રજૂ કરી એક દિવસનાં રિમાન્ડ પર મેળવ્યા હતાં.

ગઈકાલે જ એસીબીએ મહેશ પટેલનાં વતન ચિખલીનાં સારવણી ગામે સ્થિત મકાનની જડતી કરતાં ત્યાંથી રૂા ૪૨.૪૫ લાખ મળી આવ્યા હતાં આ ઉપરાંત તેનાં ધ્રાંગધ્રાની ફ્રેન્ડઝ સોસાયટી સ્થિત મકાનમાંથી રૂ. ૩.૪૪ લાખ મળ્યા હતાં. જયારે તેની અંગજડતીમાંથી રૂા ૩૧ હજાર મળ્યા હતાં.

એસીબીની પુછપરછમાં તેણે તમામ રકમ રૂા ૪૬.૨૦ લાખ કોન્ટ્રાકટરોનાં બીલ પાસ કરતા નિશ્ચિત ટકા પેટે પૈસાં એટલે કે લાંચ તરીકે મળ્યાનું સ્વીકાર્યું છે. જેના પરથી એસીબીનાં અધિકારીઓ પણ ચોંકી ઉઠયા છે. અને સરદાર સરોવર નર્મદા નિગમની કચેરીમાં કેટલા મોટા પાયે  ભ્રષ્ટાચાર ચાલે છે તેનો ખુલાસો થયો છે. માત્ર રૂા ૨ હજારની લાંચમાં ઝડપાયેલા  ૧ લાખથી વધુ રકમનાં પગારદાર કલાસ વન અધિકારી મહેશ પટેલે બેફામ બની અત્યાર સુધી કેટલો ભ્રષ્ટાચાર આચર્યો હતો તેની એસીબીએ તપાસ જારી રાખી છે.

જસદણના ગઢડિયા ગામની મહિલા પર ભત્રીજા સહીત ૧૦ શખ્શોનો લોખંડના પાઈપથી હુમલો



ઈજાગ્રસ્ત મહિલા રાજકોટ સિવિલ હોસ્પીટલમાં દાખલ : જમીનની ભાગબટાઈ
બાબતે ભત્રીજા સહિતના શખ્શોએ કોર્ટમાં ચાલતા કેસનું મનદુઃખ રાખીને કર્યો હુમલો

રાજકોટ તા.16
ગઈકાલે સાંજે જસદણ તાલુકાના ગઢડિયા ગામે એક કોળી મહિલા પર તેના ભત્રીજા સહિતના ૧૦ શખ્શોએ લોખંડના પાઈપ વડે હુમલો કરતા માથામાં ગંભીર ઈજાઓ સાથે કોળી મહિલાને સારવાર માટે રાજકોટની સિવિલ હોસ્પીટલમાં દાખલ કરાઈ છે.

મળતી વિગતો મુજબ જસદણ તાલુકાના ગઢડિયા ગામે રહેતા વિજુબેન રમેશભાઈ ચાવડા નામની ૪૦ વર્ષની કોળી મહિલા ગઈકાલે પોતાના ઘરે હતી ત્યારે સાંજે ૫ વાગ્યે તેણીનો ભત્રીજો જેન્તી મોહન કોળી સહિતના ૧૦ શખ્શો લોખંડના પાઈપ વડે વિજુબેન પર તૂટી પડતા તેમને લોહી લુહાણ હાલતમાં માથામાં ગંભીર ઇજાઓની સારવાર માટે રાજકોટની સિવિલ હોસ્પીટલમાં ખસેડાઈ છે. 


ઈજ્ગ્રસ્ત મહિલાએ પોલીસેને જણાવ્યું હતું કે લાંબા સમય થયા તેમને જમીનની ભાગબટાઈ પ્રશ્ને કોર્ટમાં કેસ ચાલતો હોય આ વાતનું મનદુઃખ રાખીને તેમના પર હુમલો કરવામાં આવ્યો છે. પોલીસે હુમલાખોર શખ્શો સામે ગુનો નોંધવા તજવીજ હાથ ધરી છે. (ફોટો : મુકેશ રાઠોડ)

ખોડલધામમાં ખોડલ માતાના ચરણોમાં શીશ ઝૂકાવતા કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયા





ખોડલધામટ્રસ્ટના નરેશભાઇ પટેલે અદકેરૂ સ્વાગત કર્યું



રોડ ટ્રાન્સપોર્ટ. હાઇવે. કેમિકલ્સ. શીપીંગ એન્ડ ફર્ટિલાઇઝર વિભાગના કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયા ખોડલધામ કાગવડખાતે ગઈકાલે  દર્શનાર્થે પધાર્યા હતા. અને ખોડલ માતાના દર્શન કરી માતાના ચરણોમાં શીશ ઝુકાવીને ધન્યતા અનુભવી હતી.                           
કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયા ને ખોડલધામ ટ્રસ્ટના પ્રમુખ નરેશભાઇ પટેલ તથા ટ્રસ્ટીશ્રી ઓ રમેશભાઈ ટીલાળા અને રમેશભાઈ મેંદપરા દ્વારા પુષ્પગુચ્છ આપીને ,પ્રસાદી રૂપે  ખેસ પહેરાવી સ્વાગત કરાયું હતું .
ખોડલધામ કાગવડ મંદિરમાં ખોડલ માતાના દર્શન કરી ધન્યતા અનુભવતા કેન્દ્રીય મંત્રીશ્રી મનસુખભાઈ એ જણાવ્યું હતું કે ખોડલધામ ખોડલધામ એ એક શ્રદ્ધા અને આસ્થાનું પ્રતિક છે, અને શાંતિના પ્રતિક સમાન આ ખોડલધામ માં માતા ખોડલ બિરાજમાન થયા છે ત્યાં પરમ શાંતિની અનુભૂતિ થાય છે.   



















            
પ્રસંગે કેન્દ્રીય મંત્રીને ખોડલધામ ટ્રસ્ટના પ્રમુખ નરેશભાઇ પટેલ અને ટ્રસ્ટીઓ દ્વારા ખોડલધામ ટ્રસ્ટ દ્વારા નિર્માણ થઇ રહેલ વિવિધ વિભાગોની ઉતરોતર કાર્ય પ્રગતિ અંગે વિગતો આપી હતી, અને વિવિધ વિભાગોની મુલાકાત પણ લેવડાવી હતી.
ત્યારબાદ ભાવનગરના રાજુભાઈ રાબડીયા દ્વારા આયોજિત ધ્વજા આરોહણ પ્રસંગમાં પણ મંત્રી શ્રી મનસુખભાઈ માંડવીયા એ તથા તેમના ધર્મપત્ની એ હાજરી આપી હતી. અને  ભાવનગર મહાનગરપાલિકા ના અગ્રણીઓ ની ઉપસ્થિતિ સાથે  ખોડલધામ ટ્રસ્ટ પ્રમુખ નરેશભાઇ પટેલ અને ટ્રસ્ટીઓ સાથે પ્રસાદી ગ્રહણ કરી ધન્યતા અનુભવી હતી.

રાજવી પેલેસમાં 34 લાખની ચોરીમાં મહિલા સહિત 6 ઝડપાયા

વાંકાનેરમાં મોબાઈલ એપથી પેલેસની માહિતી મેળવી
- વરસતા વરસાદની તકલઈ પાછળથી ઘુસી ચોરી કરી મોટી વસ્તુઓ તોડીનાખીઃ નાસીકનાં ૪ અને દિલ્હીનાં બે ઝડપાયા

વાંકાનેરના રાજવી પેલેસમાંથી ચાર માસ પૂર્વે થયેલી ચોરી મામલે મોરબી પોલીસે મહારાષ્ટ્રમાંથી ચાર આરોપી અને દિલ્હીથી બે આરોપીને ઝડપી લઈને ગુન્હાનો ભેદ ઉકેલી નાખ્યો હતો. પોલીસ પુછપરછમાં આરોપીએ ચોકાવનારી કબુલાત આપી હતી.
વાંકાનેરમાં આવેલા રણજીત વિલાસ પેલેસની ગેલેરીાં આવેલી બારીનો કાચ તોડી તસ્કરો ગઈ તા.૧૬.૭ દરમિયાન ચાંદીની રાજાશાહી વખતની ખુરશી, માર્બલ ગોલ્ડ પ્લેટેડ કલોક, સહિતની ૩૪ લાખની એન્ટીક વસ્તુઓની ચોરી કરી ગયા હતાં જે મામલે મોરબી એલસીબી ટીમે મહારાષ્ટ્રના નાસિકથી આરોપી રવિ વિઠ્ઠલભાઈ દેવીપુજક, અશોક લાલાભાઈ દેવીપુજક, કિશન ગણેશભાઈ દેવીપુજક અને અજય વિઠ્ઠલભાઈ દેવીપુજક રહે ચારેય નાસિક મહારાષ્ટ્રને ઝડપી લીધો હતા.

જયાં ઉપરાંત અન્ય એક ટીમ દિલ્હી પહોંચી હોય જયાં ચોરીનો માલ ખરીદનાર ખીમાંબેન શ્રવણભાઈ દેવીપુજક અને સુનીલ શ્રવણ દેવીપુજક બે આરોપી સહીત કુલ છને ઝડપી લીધા હતાં. ઝડપાયેલા આરોપીમાંથી રવિ વિઠ્ઠલભાઈ એ ત્રણેક વર્ષ પૂર્વે ધ્રાંગધ્રા પેલેસમાં ચોરી કર્યાની કબુલાત આપી હતી. આરોપીએ રાજવી પેલેસમાં ચોરી કરવાની મોડસ ઓપરેન્ડી ધરાવે છે તો ઝડપાયેલા આરોપી પાસેથી પેલેસમાંથી ચોરી થયેલી ધાતુનું એન્ટીક પક્ષી સ્ટેચ્યુ કબજે કરવામાં આવ્યું છે.
પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ આરોપી રવિએ પેલેસમાં ચોરી કરવાનો પ્લાન બનાવી નાસીથી વાંકાનેર ખાતે આવી મોબાીલ એપ્લીકેશનની મદદથી પેલેસ અને આસપાસની માહતી મેળવી હતી તેમજ પેલેસની પાચળ જઈ ડુંગરાળ ઝાળી વિસ્તારમાં જઈ વરસાદ વરસતો હોય તેનો લાભ લઈ રાત્રે પેલેસમાંથી ચોરી કરી દિવસમાં ઝાળી વિસ્તારમાં માલચેક કરી ખોટી વસ્તુ હોય તો તોડીને નાખી દઈ કિંમતી વસ્તુઓ થેલીમાં લઈ ભાગી ગયા હતાં.

ગુરુવાર, 15 નવેમ્બર, 2018

લીલી પરિક્રમાભજન-ભોજન અને ભક્તિનો જામશે ત્રિવેણી સંગમ


રાવટીઓ ગોઠવાવા લાગી, 100થી વધુ અન્નક્ષેત્રો: સાધુ-સંતો અને ભાવિકોનું આગમન શરૂ : બે દી’ વહેલી પરિક્રમા શરૂ થવાની શક્યતા
ગરવા ગિરનારની ગોદમાં યોજાતી પરંપરાગત લીલી પરિક્રમાનો આગામી તા.19ને સોમવારથી વિધિવત્ પ્રારંભ થઇ રહ્યો છે. પાંચ દિવસ પ્રકૃતિના ખોળે ભજન, ભોજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ રચાશે. તંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરાઇ છે અને 100થી વધુ અન્નક્ષેત્રો ઉભા થવા લાગ્યા છે. જો કે અપૂરતા વરસાદને કારણે પીવાના પાણી મુદ્દે તંત્રની કસોટી થશે. 
 
લીલી પરિક્રમા પ્રારંભનો કોઇ ચોક્કસ ઇતિહાસ નથી પણ 1938માં બગડુના અજાભગતે દસ સભ્યોના સમૂહ સાથે પરિક્રમા કરી હતી. આ અગાઉ સાધુ- સંતો પરિક્રમા કરતા હતા. સમય જતા સંસારીઓ જોડાવા લાગ્યા અને આજે પરિક્રમામાં લાખોની સંખ્યામાં ભાવિકો ઉમટે છે. દેવઉઠી અગિયારસ એટલે કે દેવદિવાળીની મધરાતે ભવનાથમાં આવેલી દૂધેશ્વર
જગ્યા ખાતેથી વિધિવત્ પરિક્રમાનો પ્રારંભ થાય છે. આ સંઘ હરહર મહાદેવ, જય ગિરનારીના નાદ વચ્ચે જીણા બાવાની મઢી તરફ આગળ વધીને બપોરે ત્યાં પ્રથમ પડાવ કરે છે.
બીજા દિવસે પરિક્રમાર્થીઓ માળવેલા તરફ આગળ વધે છે. માળવેલા પરિક્રમાનો મધ્યાંતર ભાગ છે. વિશાળ ગ્રાઉન્ડ અને ઘનઘોર જંગલમાં ભજન, ભોજન અને ભક્તિના સથવારે પરિક્રમાનો બીજો પડાવ કરે છે.
ત્રીજા દિવસે માળવેલામાં પડાવ કરનારા પરિક્રમાની કસ્ટદાયક નળ પાણીની ઘોડી પસાર કરી બોરદેવી પહોંચે છે. ત્યાં ત્રીજો પડાવ કરે છે અને સવારે ભવનાથ તરફ પરત ફરી પુણ્યનું ભાથું બાંધ્યાનો સંતોષ માને છે.
પરિક્રમામાં લાખોની સંખ્યામાં ભાવિકો જતા હોવાથી હજારો ભાવિકોને ગિરદી અને ગંદકીથી બચવા બે દિવસ વહેલી પરિક્રમા શરૂ કરી દે છે. આ વર્ષે પણ બે દિવસ વહેલી પરિક્રમા શરૂ થાય તેમ જણાય છે.
ભાવિકોની ભીડને ધ્યાને લઇ જિલ્લા વહીવટીતંત્રના માર્ગદર્શન હેઠળ વિવિધ વિભાગો દ્વારા પોત પોતાની કામગીરી પૂરી કરી દેવાઈ છે. વનતંત્રએ રસ્તાઓ રીપેર કરી લીધા છે અને વન્ય પ્રાણીઓ પરિક્રમાર્થીઓને ખલેલ ન પહોંચાડે તે માટે વ્યવસ્થા ગોઠવી દીધી છે. ટ્રેકર ટીમો ઉપરાંત 150થી વધુ વન અધિકારીઓ અને કર્મચારીઓ પાંચ દિવસ ખડેપગે રહેશે.

પરિક્રમાર્થીઓ પ્લાસ્ટિક જંગલમાં ફેંકી પ્રદૂષણ ફેલાવે છે તે અટકાવવા માટે વનતંત્ર દ્વારા પ્રયાસો કરાયા છે. જૂનાગઢની પ્રકૃતિ મિત્ર સંસ્થા સતત પાંચમા વર્ષે પણ ભાવિકો પાસેથી પ્લાસ્ટિક બેગ એકત્ર કરી કપડાની થેલીનું વિતરણ કરનાર છે. આ સંસ્થાના કાર્યકરો પરિક્રમા દરમિયાન પ્લાસ્ટિક વિરોધી ઝુંબેશ ચલાવશે.

ચાલુ વર્ષે અપૂરતા વરસાદને કારણે ગિરનારમાં કુદરતી પાણીનાં સ્રોત સુકાયેલા હોવાથી તંત્ર દ્વારા ભાવિકો માટે પાણીના 50 ટાંકા મૂકવામાં આવશે પરંતુ ભાવિકોની સંખ્યાનાં પ્રમાણમાં પર્યાપ્ત નથી તેથી પીવાનાં પાણી મુદ્દે તંત્રની કસોટી થશે.

પરિક્રમામાં ભાવિકોની વ્હારે સેવાભાવી સંસ્થાઓ દ્વારા અન્નક્ષેત્રો, પાણીનાં પરબો, ચા- પાણીનાં પરબો ઠેર ઠેર શરૂ કરાયાં છે. આ વર્ષે પાણીનાં પરબો ચલાવનારાઓ માટે પાણી મેળવવાનો પડકાર છે તેમ છતાં જંગલમાં આવેલા કૂવા- બોર દ્વારા પાણી મેળવવા તૈયારીઓ આરંભી છે.
વિધિવત્ પરિક્રમા પ્રારંભ આડે હજુ ત્રણ દિવસ બાકી છે. ત્યાં સાધુ- સંતો, ભાવિકોનો પ્રવાહ શરૂ થયો છે. ભવનાથ તળેટીમાં સેંકડો ભાવિકોએ પડાવ કર્યો છે. આ ભાવિકો આવતીકાલથી પરિક્રમા શરૂ કરે તેમ જણાય છે. વનતંત્ર જંગલમાં પ્રવેશની છૂટ આપે તેની રાહ જોઇ રહ્યા છે.ત્રણ ટ્રેનો અને 140 એસ.ટી. બસો દોડાવાશે
 
ગિરનાર પરિક્રમામાં ભાવિકોની ભીડને ધ્યાને લઇ ત્રણ વધારાની ટ્રેનો તેમજ ત્રણ ટ્રેનોમાં વધારે કોચ લગાડાશે તેમજ જૂનાગઢ એસ.ટી. ડિવિઝન દ્વારા 140 વધારાની બસો દોડાવવાનો નિર્ણય લેવાયો છે. આ ઉપરાંત જૂનાગઢથી ભવનાથ વચ્ચે 40 મિનિ બસો તા.17થી શરૂ કરાશે.

ભાવનગર રેલવે ડિવિઝનના વાણિજ્ય પ્રબંધક માશુદ અહમદએ જણાવ્યું કે, પરિક્રમા અંતર્ગત રેલતંત્ર દ્વારા જૂનાગઢ-સત્તાધાર, રાજકોટ, જૂનાગઢ અને સોમનાથ-જૂનાગઢ વચ્ચે ખાસ ટ્રેનો શરૂ કરાશે. ઉપરાંત વેરાવળ-અમદાવાદ ટ્રેનમાં ત્રણ કોચ તથા અમદાવાદ-સોમનાથ ટ્રેનમાં ચાર અને સોમનાથ-રાજકોટમાં વધારાના ચાર-ચાર કોચ જોડાશે.

જયારે જૂનાગઢ એસ.ટી. ડિવિઝન દ્વારા પરિક્રમા અંતર્ગત આગામી તા.17થી જૂનાગઢ-ભવનાથ વચ્ચે 40 મિનિ બસો શરૂ થશે. ઉપરાંત સૌરાષ્ટ્રના વિવિધ શહેરોને જોડતી 40 મિનિ બસો તથા 250 રેગ્યુલર બસો અને વધારાની એકસો બસો દોડાવાશે તેમ વિભાગીય નિયામક આર.એસ.વાળાએ જણાવ્યું' હતું.

રાજકોટમાં બોરડી સમઢિયાળાનો શખસ પિસ્તોલ સાથે પકડાયો


સપ્લાયર તાલાલાના સીદીબાદશાહની શોધખોળ


જેતપુરના બોરડી સમઢિયાળા ગામે રહેતો અને અગાઉ પોલીસ ચોપડે ચડી ચૂકેલો કલ્પેશ ઉર્ફે ભોડી વજુ વોરા નામના પટેલ શખસ રાજકોટમાં ગેરકાયદેસર પિસ્તોલ સાથે ફરતો હોવાની એસઓજીને મળેલી બાતમીના આધારે પીડીએમ કોલેજ પાસેથી કલ્પેશ ઉર્ફે ભોડી વજુ વોરા નામના પટેલ શખસને ઝડપી લીધો હતો અને તલાશી લેતા તેની પાસેથી રૂ.10 હજારની કિંમતની પિસ્તોલ અને એક કાર્ટીસ મળી આવતા કબજે કરી હતી.પોલીસની પ્રાથમિક તપાસમાં કલ્પેશ પટેલ અગાઉ જેતપુરમાં મારામારી અને દારૂના ગુનામાં પકડાઇ ચૂકયો છે અને આ હથિયાર તાલાલાના સીદી બાદશાહ પાસેથી ખરીદ્યાની કબૂલાત આપતા પોલીસે તપાસ હાથ ધરી હતી.

મેંગોપીપલ પરીવાર દ્વારા ઝુપડપટ્ટીમાં દિવાળીની ઉજવણી કરવામાં આવી



રાજકોટ તા.૧૫
તાજેતરમાં નિર્મલરાજ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલીત મેંગોપીપલ પરીવાર દ્વારા ઝુપડપટ્ટીના બાળકો સંગ દીપાવલીની ઉજવણી કરવામાં આવેલ. જેમાં મેંગોપીપલ પરીવાર દ્વારા કાર્યરત ઝુપડપટ્ટી ના ફ્રી એજ્યુકેશન ક્લાસ ના દરેક બાળક ને મિસ્ટાન નું બોક્સ. ફરસાણ અને ફટાકડા નું વિતરણ કરવામાં આવેલ. મેંગોપીપલ પરીવાર ના ઝુપ્પડપટ્ટી ના ફ્રી એજ્યુકેશન ક્લાસ રાજકોટ અને જામનગર ના અંદાજે ૩૦૦ થી વધુ બાળકો ને આ દીપાવલી ના પાવન પર્વ  પર નિમિતે બધી વસ્તુ નું વિતરણ કરવા માં આવેલ.

સંસ્થા પ્રમુખ શ્રી મનીષભાઈ રાઠોડ જણાવે છે કે " આપડે સહુ આવા શુભ દિવસો માં ઘેર મીઠાઈ કાજુકતરી ,પેંડા લાવીએ છીએ ,પણ ઝુપડપટ્ટીનું બાળક ને તમે જયારે મીઠાઈનું બોક્સ અને કાજુકતરી આપશો તો તે મીઠાઈ ની મીઠાશ ખુબ વધી જશે."



આ સતકર્મ ને સાર્થક કરવા માટે શ્રી મનીષભાઈ રાઠોડ, શ્રીમતી રૂપલબેન રાઠોડ, રાજુભાઈ ત્રિવેદી, નરેન્દ્રભાઈ રાઠોડ, પૂર્વીબેન કવા, નિલેશભાઈ જોશી. દીપાબેન વઘાસિયા, સોનલબેન વિરાણી, રસ્મિબેન સગપરિયા, રચનાબેન ત્રિવેદી, દિવ્યાબેન, મનીષાબેન, શિલ્પાબેન અમલાની, ઉષાબેન રાવત, સોનાલી પાવભાજી, પ્રીતિ એનેક્સ તથા જયેશભાઇ અનડકટ એ સુંદર જહેમત ઉઠાવેલી.

અત્રે ઉલ્લેખનીય છે કે નિર્મલરાજ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલીત મેંગોપીપલ પરીવાર ઝુપડપટ્ટી અને સ્લમ વિસ્તારો માટે છેલ્લા ૪ વર્ષથી  સતત કાર્યશીલ સંસ્થા છે. તે આવા બાળકો માટે રાજકોટ તથા જામનગર ની ઝુપડપટ્ટી માં ફ્રી એજ્યુકેશન ક્લાસ ચલાવી રહી છે. વધુ માહિતી માટે સંસ્થા પ્રમુખ મનીષભાઈ રાઠોડ ( મો. ૯૨૭૬૦૦૭૭૮/૯૨૨૭૦૦૭૭૮૬) નો સંપર્ક કરવો.

મંગળવાર, 13 નવેમ્બર, 2018

સાસુ-વહુ ટીવી જોવામાં મશગુલ હતા ત્યારે જ કોટડા સાંગાણીના ભાડવા ગામે મકાનમાં પ્રવેશેલા તસ્કરો રૂ.૬૩ હજારનો મુદ્દામાલ ચોરી ગયા : ફરિયાદ

ઘરધણી શેવિંગ કરાવવા ગયા ને રાત્રીના ૧૧-૩૦
વાગ્યામાં જ તસ્કરો ત્રાટક્યા : જાણભેદુની આશંકા

રાજકોટ તા.૧૩

કોટડાસાંગાણી તાલુકાના ભાડવા ગામે આજથી ૬ દિવસ પહેલા રાત્રીના ૧૧-૩૦ વાગ્યા સુધીમજ ઘરમાં પ્રવેશેલા તસ્કરો રોકડ, સોનાના દાગીના સહીત રૂ.૬૩ હજારના મુદ્દામાલની ચોરી કરી ગયાની ગઈકાલે પોલીસમાં ફરિયાદ નોંધાવાઈ છે. આટલી વહેલી રાત્રીના જ ચોરી થઇ તે મુદ્દાને ધ્યાને લઈને પોલીસે કોઈ જાણભેદુ હોવાની શંકાને આધારે તપાસ હાથ ધરી છે.

મળતી વિગતો મુજબ કોટડા સાંગાણી તાલુકાના ભાડવા ગામે રહેતા અને દરજીનું કામકાજ કરતા અલ્પેશભાઈ લીધાધરભાઈ પરમાર ગઈ તા.૭-૧૧-૨૦૧૮ ના રોજ રાત્રીના ગામની દુકાને સેવિંગ(દાઢી) કરાવવા ગયા હતા. ત્યારે તેમના ઘરે તેમના માતા તથા પત્ની ટીવી જોવામાં મશગુલ બન્યા હતા.

આ સમયનો મોકો જોઇને કોઈ નિશાચરો અલ્પેશભાઈના મકાનમાં પ્રવેશી, ઘરના કબાટના તાળા તોડી તેમાંથી રોકડ રૂપિયા ૩ હજાર તેમજ રૂપિયા ૬૦ હજારના સોનાના પાટલા ૨ જોડી,એક ચેન અને એક દાણો મળી કુલ રૂપિયા ૬૩ હજારની મત્તા ઉસેડી ગયા હતા.

બનાવ બાબતે અલ્પેશભાઈએ જણાવેલ કે, બનાવની જાણ તો ચોરી થયાના દિવસે જ પોલીસને કરાતા પોલીસ આવી હતી. પણ ગુનો, ફરિયાદ ગઈકાલે નોંધાઈ છે. પોલીસે રાત્રીના આટલી વહેલી થયેલી ચોરી બાબતે જાણભેદુ હોવાની આશંકાએ તપાસ હાથ ધરી છે. 

હરેશના આગામી ૨૭ નવેમ્બરે લગ્ન થવાના હતા ના પસંદ યુવતી સાથે લગ્નનું નક્કી થતા પડધરીના યુવાને ગળાફાંસો ખાધો

પરિવારજનોમાં શોક : લત્તાવાસીઓમાં અરેરાટી :
પડધરી પોલીસની તપાસ શરુ

રાજકોટ તા.૧૩
પડધરીમાં ગઈકાલે એક યુવાને પોતાના ઘરે ગળાફાંસો ખાઈ જીંદગી ટૂંકાવી લીધાની ઘટનાથી પરિવારજનો શોકમાં ગરક બન્યા છે તે લત્તાવાસીઓમાં અરેરાટી ફેલાઈ છે. પોલીસની પ્રાથમિક તપાસમાં એવું બહાર આવ્યું છે કે, ના પસંદ યુવતી સાથે લગ્નનું નક્કી થતા,લાગી આવતા યુવાને આવું પગલું ભરી લીધું છે.

પ્રાપ્ત વિગતો મુજબ રાજકોટ જીલ્લાના પડધરી શહેરમાં ગીતાનગરમાં રહેતા હરેશ કરણાભાઈ કંટોલિયા (ઉ.૨૨)એ ગઈકાલે બપોરના પોતાના ઘરે ગળાફાંસો ખાઈ મોત મીઠું કરી લેતા કંટોલિયા  પરિવારજનોમાં શોક ફેલાયો છે.

બનાવની જાણ થતા પડધરી પોલીસના હેડ કોન્સ્ટેબલ ફિરોઝભાઈ બલોચ ઘટના સ્થળે દોડી જઈને મૃતક હરેશની લાશને પીએમ માટે દવાખાને ખસેડી હતી. ફિરોઝભાઈના જણાવ્યા અનુસાર તેમની પ્રાથમિક તપાસમાં એવી વિગતો ખુલવા પામી હતી કે, હરેશના આગામી ૨૭ નવેમ્બરના રોજ લગ્ન યોજવાના હતા.

પણ જ્યારથી લગ્ન નક્કી થયા ત્યારથી હરેશ મનમાં ને મનમાં મુંઝાતો હતો અને એક તબ્બકે તેમને યુવતી ના ગમતી હોવાની વાત દોહરાવવા પ્રયાસ કરતો હતો. પણ પરિવારજનોને મન ખોલીને વાત કરવાને બદલે આ વાતને કારણેજ તેમણે ગઈકાલે ગળાફાંસો ખાઈ જીવ દઈ દીધો હોવાનું પ્રાથમિક રીતે જાણવા મળી રહ્યું છે. વધુ વિગતો પરિવારજનોના વિધિવત નિવેદનો લીધા બાદ બહાર આવશે. બનાવથી મૃતકના પરિવારજનોમાં શોક અને ગીતાનગર વાસીઓમાં અરેરાટી ફેલાઈ છે.


જેતપુરમાં દેસાઈવાડી અવેડા ચોકમા મિત્રોએ સ્વછતા અભિયાન હાથ ધર્યું !

તંત્રના બહેરા કાને ફરિયાદ ના સંભળાઈ ને લત્તાવાસીઓએ
જાત મહેનત જિંદાબાદ સુત્ર સાર્થક કર્યું


જેતપુરમાં દેસાઈ વાડીમા આવેલ અવેડા ચોકમા ઘણા સમયથી ગંદકીનું સામ્રાજ્ય સ્થપાયું હતું. આજુબાજુના વિસ્તારમા રહેતા રહીશોએ અનેકવાર નગરપાલિકાને જાણ કરેલ છતા આજ સુધી કોઈ સફાઈ કરવા ના ફરકતા અહી ગંદકીએ માઝા મૂકી હતી. મચ્છરોના ઉપદ્રવે આજુબાજુના લત્તાવાસીઓને ઘેરી લીધા હતા. ભયંકર રોગચાળો ફાટી નીકળે તે પહેલાજ દેસાઈવાડીના રહીશોએ


"ઝાઝા હાથ રળિયામણા"  અને "આપમુઆ વગર સ્વર્ગે ના જવાય"  તેવી કહેવતો સાર્થક કરી, સાવરણા ઉપાડી, વડાપ્રધાન  નરેન્દ્ર મોદીના સૂત્ર "સ્વછતા અભિયાન"ને સાર્થક કરવા લત્તાવાસીઓએ આખો ચોક સાફ કરી, કચરો ભેગો કરી નિકાલ કર્યો હતો.. લાત્તાવાસીઓનો આક્ષેપ હતો કે અનેક વખતની રજૂઆત પછી પણ જેતપુર પાલિકાના બહેરા તંત્રના કાને અથડાઈને પાછી ફરતી તેઓની ફરિયાદ પરત્વે કોઈ ધ્યાન નહિ અપાતા "જાત મહેનત ઝીંદાબાદ" સુત્ર સાર્થક કરવામાં આવ્યું હતું. ટૂંકમાં સફાઈ બાબતે જેતપુર શહેરમાં હજુ ઘણી જગ્યાએ તંત્રની બેદરકારી બહાર આવી રહી છે. સંબંધિત તંત્ર તાકીદે આખા શેરમાં આંટો મારી જ્યાં જ્યાં ગંદકીના થર જમ્યા હોય તે દુર કરે તે જરૂરી છેઈ.

સોમવાર, 12 નવેમ્બર, 2018

જૂનાગઢમાં બે ભાઈઓ પર ત્રણ શખ્શોનો તલવાર-લાકડીથી હુમલો



રાજકોટ તા.૧૨
તા.-૧૧ ની રાત્રીએ જૂનાગઢમાં બે ભાઈઓ પર ત્રણ શખ્શોએ લાકડી અને તલવાર વડે હુમલો કરતા સારવાર માટે રાજકોટની સિવિલ હોસ્પીટલમાં ખસેડાયા છે.

મળતી વિગતો મુજબ જૂનાગઢમાં ઉપરકોટ રોડ, દેલવાડા પાછળ રહેતા પીયુષ ભરત સાકરિયા(..૨૮) અને તેમના ભાઈ ભવેશ ભરત સાકરીયા(..૨૪) એમ બંને પર કોઈ કારણોસર રાજેશ બાબુ અને અન્ય બે અજાણ્યા મળી કુલ ત્રણ શખ્શોએ લાકડી અને તલવાર વડે હુમલો કરતા બંને ભાઈઓને સારવાર માટે રાજકોટની સિવિલ હોસ્પીટલમાં ખસેડાયા હતા. પ્રનગર પોલીસે ધોરણસરના કાગળો કરી સંબંધિત પોલીસને મોકલવા તજવીજ હાથ ધરી હતી.