અનુયાયીઓ

ગુરુવાર, 8 ઑક્ટોબર, 2015

જેતપુર શહેરના જુદા જુદા સામાજિક સમાચારો ; કશ્યપ જોશી જેતલસર જેતપુર

કલા, સાહિત્ય અને સંગીતની સંસ્થા સેતુ-જાયન્ટ્સ સ્પોર્ટ્સ ક્લબના સયુંકત ઉપક્રમે 

જેતપુરમાં આવતીકાલે કવિ સભાનું આયોજન.....

જેતપુર તા.૮ (કશ્યપ જોશી દ્વારા)

જેતપુરમાં કાર્યરત કલા, સહિત્ય અને સંગીતની સંસ્થા સેતુ અને જાયન્ટ્સ સ્પોર્ટ્સ કલબ જેતપુરના સયુંકત ઉપક્રમે આવતીકાલ તા.૧૦ ના રોજ રાત્રીના ૯-૦૦ કલાકે, ધોરાજી રોડ સ્થિત જાયન્ટ્સ સ્પોર્ટ્સ કલબ ખાતે કવિ સભાનું આયોજન કરવામાં આવ્યું છે.

સાહિત્ય રસિકોના નિજાનંદ માટે યોજાનાર આ કવિ સભામાં કવિશ્રીઓ  જગદીપ નાણાવટી(જેતપુર), ભરત ભટ્ટ(ટાણા), હરજીવન દાફડા(અમરેલી), સ્નેહી પરમાર(બગસરા), રમેશ મહેતા(જુનાગઢ) પોત પોતાની સ્વરચિત કવિતાઓનું પઠન કરશે.

કવિ સભા દરમિયાન સૌરાષ્ટ્રના ત્રણ જાણીતા લેખકોને સન્માનપત્રો આપી બહુમાન કરાશે. જેમાં ધાર્મિક, શૈક્ષણિક, સામાજિક અને સાહિત્ય ક્ષેત્રે ગજબનું ખેડાણ કરી સાહિત્ય જગતને 'સત્સંગ સરિતા', 'સત્સંગ કથા', 'સત્સંગ નારી રત્નો' જેવા ગ્રંથોના સર્જક શ્રી હરદાસભાઈ સાવલિયા, સ્થાપત્ય, શિલ્પ, ચિત્ર, સંગીત અને સાહિત્ય જેવી કલાઓ તેમજ કૃષિ, વિજ્ઞાન, સમાજ, રાજનીતિ, ભૂગોળ, ઈતિહાસ, મનોવિજ્ઞાન જેવા વિષયોનો અગાધ અભ્યાસ કરી, ફુલછાબ, જન્મભૂમી જેવા અગ્રણી વર્તમાનપત્રોમાં પોતાની 'વટેમાર્ગુ' કોલમ દ્વારા ગુજરાતી સમાજને ચેતનવંતો બનાવવાના ભગીરથ પ્રયાસના અદના આદમી એવા નારણભાઈ પટેલ(જેતપુર-નવાગઢ), તથા ગુજરાત સૌરાષ્ટ્રની સંસ્કૃતિ અને ઈતિહાસિક સંશોધન ક્ષેત્રે જેઓએ અનન્ય કાઠું કાઢી ફૂલછાબમાં 'ડાયરો' કોલમ દ્વારા તત્વવક્ત, વર્ણિત વિષયનું સત્વ અને સૌન્દર્ય પ્રગટાવનાર અને 'એક હતો ભૂપત' પુસ્તકના લેખક જીતુભાઈ ધાધલને  સેતુ સંસ્થા દ્વારા સન્માનપત્રો એનાયત કરી બહુમાન કરાશે. ત્યારે કલમના કસબીઓના થનારા સન્માનને તેમજ કવિ સભાને સફળ બનાવવા આયોજક સંસ્થાઓ સેતુના પ્રમુખ ગુણવંત ઘોરડા, ઉપ પ્રમુખ જનક પટેલ, મંત્રી જીતેન્દ્ર જાખરીયા તથા જાયન્ટ્સ સ્પોર્ટ્સ કલબના પ્રમુખ રમેશ બોસમીયા વી. ભારે જહેમત ઉઠાવી રહ્યા છે.

(કશ્યપ જે. જોશી – પત્રકાર – જેતપુર – જેતલસર – ૯૯૭૪૨ ૬૨૮૧૨ )

 

 

 

 

 

રાજકોટ જીલ્લામાં ફૂલ પગારની રાહ જોતા વિદ્યાસહાયકોની

શિક્ષણ તંત્ર દિવાળી બગાડશે કે સુધારશે ?!

જેતપુર સહીત તાલુકાના વિદ્યાસહાયકોએ રાજકોટ ડીઈઓને આપેલ આવેદન

જેતલસર તા. ૮ (કશ્યપ જોશી દ્વારા)

ગુજરાતના ૧૨ રાજ્યોમાં રાજ્યના શિક્ષણતંત્રએ વિદ્યાસહાયકોના વધારેલ ફૂલ પગારની વાતમાં રાજકોટ જિલ્લાને બાકાત રખાતા, જેતપુર, ગોંડલ, ધોરાજી, ઉપલેટા સહિતના તાલુકાના વિદ્યાસહાયક ભાઈ બહેનોએ રાજકોટ ખાતે દોડી જઈને જીલ્લા શિક્ષણાધિકારીને આવેદન આપી ઘટતું કરાવવાની માંગ દોહરાવી હતી.

 

આ બાબતે મળતી વિગતો મુજબ આજથી પાંચ વર્ષ પહેલા રાજ્યના શિક્ષણ ખાતા દ્વ્રારા એકીસાથે દસ વિદ્યાસહાયકોની ભરતી કરાતા ગુરુજી બની શિક્ષણ આપવા વિચારતા વિદ્યાસહાયકોમાં રાજીપો છવાયો હતો. જો કે આ તમામને ફિક્સ વેતનમાં અને પાંચ વર્ષ પછી ફૂલ વેતનમાં સમાવવાની સરકારની યોજના હતી.

 

આ વાત ધ્યાને લઈએ તો જુલાઈ ૨૦૧૦ માં વિદ્યાસહાયકો તરીકે જોડાનાર ઉમેદવારોના પાંચ વર્ષ આ વર્ષે જુલાય ૨૦૧૫ માં પૂર્ણ થતા તમામ વિદ્યાસહાયકો આનંદમાં ઝૂમી ઉઠ્યા હતા કે હાશ, ફિક્સ વેતનની બંધણીમાંથી મુક્ત થઈને હવે ફૂલ પગાર મળશે.

 

પણ વિદ્યાસહાયકોની આવી આશા પર પાણી ફરી વળ્યું હોય તેમ, ગુજરાત રાજ્યના ૧૨ જિલ્લાઓમાં તા.૫-૭-૨૦૧૦ ની ભરતીવાળા વિદ્યાસહાયકોને ફૂલ પગારમાં સમાવી લેવાયા છે. પણ રાજકોટ જીલ્લાના અમુક વિદ્યાસહાયક ઉમેદવારોને અમુક શબ્દોની આંટીઘૂંટીમાં લઈને ફૂલ વેતનની વાતમાંથી બાકાત રાખ્યા છે.

 

આ વાતના રોષ અને વિરોધ વંટોળ વચ્ચે મંગળવારે જેતપુર તેમજ આજુબાજુના તાલુકાના વિદ્યા સહાયકો રાજકોટ ખાતે દોડી જઈને જીલ્લા શિક્ષણાધિકારી ચેતનાબેન વ્યાસને તેઓની સાથે થયેલા અન્યાયને સુધારવા તેમજ મદદ કરવા જણાવ્યું હતું. ત્યારે શિક્ષણ તંત્ર રાજકોટ જીલ્લાના વિદ્યાસહાયકોની દિવાળી સુધારશે કે બગાડશે ? તે વાત પર વિદ્યાસહાયકોની મીટ મંડાઈ છે.

ફોટો અને સમાચાર : કશ્યપ જે. જોશી જેતલસર

 

જેતપુરના ખજૂરી ગુંદાળા ગામમાં ફેલાતા ગંદા 

પાણીથી ગ્રામજનો ત્રસ્ત..ટીડીઓને રજૂઆત..

જેતલસર તા. ૮ (કશ્યપ જોશી દ્વારા)

જેતપુર તાલુકાના ખજૂરી ગુંદાળા ગામે ફેલાતા ગંદા પાણીની વાજ આવી ગયેલા ગ્રામજનોએ ગઈકાલે જેતપુર આવી તાલુકા વિકાસ અધિકારી સહિતના સત્તાધીશોને લેખિત રજૂઆત કરી હતી.

 

ખજૂરી ગુંદાળાના દિનેશભાઈ શંભુભાઈ હીરાણી, દામજીભાઈ ભુરાભાઈ સાકરીયા, ભાયાભાઈ ડેર, નરશીભાઈ ગોંડલિયા, રાણાભાઇ રબારી, ગોપાલભાઈ બુટાણી વિગેરે ગ્રામજનોએ જેતપુર તાલુકા વિકાસ અધિકારી, મામલતદાર, જેતપુરના આરોગ્ય વિભાગ, ડેપ્યુટી કલેકટર, જીલ્લા વિકાસ અધિકારી તથા રાજકોટ જીલ્લા કલેકટર, વિગેરેને રજૂઆત કરી જણાવ્યું છે કે,  ગામમાંથી પસાર થતા વાડાસડા-દેવળકી જવાના મુખ્ય જુના રોડ પર આખા ગામનું ગંદુ પાણી ભેગું થતું હોય અહીંથી પસાર થનાર રાહદારી કે વાહન ચાલક માટે આ વાત માથાના દુખાવા સમાન બની ગઈ છે.

આ રોડના બંને કાંઠે રહેતા ઉપરોક્ત ગ્રામજનોનો આક્ષેપ છે કે આ બાબતે અવાર નવારની રજુઆતો પછી પણ સ્થાનિક સરપંચ કે જેતપુર બિરાજતા કોઈ અધિકારીઓ આ વાતના નિરાકરણ માટે લેશમાત્ર પ્રયાસ કરતા નાં હોય, ગ્રામજનોના આરોગ્ય ઉપર ખતરો પેદા થયો છે. હાલ ગુજરાતમાં અનેક શહેરો અને ગામડાઓમાં ડેન્ગ્યું તેમજ સ્વાઈનફ્લુ જેવા તાવના વાયરાઓ ઉદ્ભવી રહ્યા છે, મેલેરિયા અને ટાઈફોડ જેવા તાવથી અનેક લોકો પીડાઈ રહ્યા છે, ત્યારે ખજૂરી ગુંદાળાની પ્રજા પણ કોઈ ભયંકર રોગના અજગર ભરડામાં ફસાઈ જઈ તે પહેલા લાગતા વળગતા સત્તાધીશો યોગ્ય કરાવે તેવી ફરિયાદી ગ્રામજનોની માંગ છે.

કશ્યપ જે. જોશી જેતલસર

 

 

 જેતપુરમાં સમસ્ત બ્રહ્મ સમાજના

સમૂહ લગ્ન-યજ્ઞોપવિતનું આયોજન

જેતલસર તા. ૮ (કશ્યપ જોશી દ્વારા)

સમસ્ત બ્રહ્મ સમાજ જેતપુર દ્વારા આગામી તા.૬-૧૨-૨૦૧૫ ના રોજ અહી ૨૧ સમૂહ લગ્ન અને ૨૧ બટુકોને સામુહિક યજ્ઞોપવીત ધારણ કરાવવાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ બંને કાર્યક્રમોમાં જોડવા ઇચ્છતા બટુકો અને યુવક યુવતીઓના વાલીઓએ તા.૬-૧૧-૨૦૧૫ સુધીમાં ફોર્મ ભરી પરત કરી જવા અનુરોધ કરવામાં આવ્યો છે. લગ્ન અને યાગ્નોપવીતની વિશેષ જાણકારી અને ફોર્મ માટે જેન્તીભાઈ જોશી, હિતેશભાઈ રાવલ, ઉપેન્દ્રભાઈ વ્યાસ, પ્રવીણભાઈ વ્યાસ, આશિષ ભાઈ પંડ્યાનો સંપર્ક સાધવા જણાવ્યું છે.

કશ્યપ જે. જોશી જેતલસર

 

 

 

 

 સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા જેતપુરમાં

૧૬-૧૭ ઓક્ટોબરે રાસોત્સવનું આયોજન

જેતલસર તા. ૮ (કશ્યપ જોશી દ્વારા)

સમસ્ત બ્રહ્મસમાજ જેતપુર દ્વારા તા,૧૬ અને ૧૭ ઓક્ટોબર નારોજ અહીના અમરનગર રોડ પર વિવેકાનંદ શાળા ખાતે નવરાત્રી નિમિત્તે રાસોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં તા. ૧૬ ના રોજ રાત્રીના ૮ કલાકે બ્રહ્મપરિવારો માટે રાસોત્સવ યોજાશે. જયારે તા.૧૭ ના રોજ માત્ર બહેનો માટે આશિષ પંડ્યાના રમઝટ ગ્રુપ દાંડિયા રાસ કલાસીસ દ્વારા ઓપન જેતપુર રાસોત્સવ યોજાશે. ભૂદેવ આયોજક મિત્રો અને વડીલોના સહકાર વચ્ચે યોજાનાર રાસોત્સવને દિપાવવા રાજ્ય મંત્રી જયેશભાઈ રાદડિયા, બ્રહ્મ સમાજ જેતપુરના મોભી વી.આઈ.પંડયા, પાલિકા પ્રમુખ શારદાબેન બારોટ, ઉપ પ્રમુખ પ્રમોદભાઈ ત્રાડા, નાયબ મામલતદાર નિખીલભાઈ મહેતા, વિગેરે ખાસ હાજર રહેનાર હોય ભૂદેવ પરિવારજનોએ મોટી સંખ્યામાં હાજર રહેવા પ્રોજેક્ટ ચેરમેન ઉપેન્દ્ર વ્યાસ, કાળુભાઈ જોશી, મહિલા બ્રહ્મ સમાજ પ્રમુખ નીતાબેન મહેતા, યુવા પાંખના પ્રમુખ અલ્પેશ વ્યાસ, હિતેશ રાવલ, રાજુભાઈ શીલુ વિગેરેનો અનુરોધ છે.

કશ્યપ જે. જોશી જેતલસર

 

બુધવાર, 7 ઑક્ટોબર, 2015

AVSAN NONDH AVSAN NONDHAVSAN NONDHAVSAN NONDHAVSAN NONDH અવસાન નોંધ : ૭-૧૦-૨૦૧૫


 
​અવસાન નોંધ : ૭-૧૦-૨૦૧૫

જેતપુર: સ્વ.મુળજીભાઈ પુંજાભાઈ બોરીસાણીયાના પુત્ર દિનેશભાઈ (ઉ.વ.૫૬) તે સ્વ.બાબુભાઈ, સ્વ.નથુભાઈ, સ્વ.નંદલાલભાઈ, હરસુખભાઈના ભાઈ તેમજ અશ્વીનભાઈ (યુબીઆઈ) અને રવિભાઈના પિતા તા.૭ ના રોજ અવસાન પામેલ છે. બેસણું તા.૯ ને શુક્રવારે, સાંજે ૪ થી ૬, જુનાગઢ રોડ, શિવકૃપા નગર-૨, રેલ્વે ફાટક પાસે, જેતપુર ખાતે રાખેલ છે.

 

જેતપુર:  મૂળ વિસાવદર, હાલ રાજકોટ નિવાસી અઢિયા અમૃતલાલ દેવચંદભાઈ (ઉ.વ.૭૦) તે હરેશભાઈ, અશ્વિનભાઈ, મનોજભાઈ અને કેતનભાઈના પિતા તા.૬ ના રોજ અવસાન પામેલ છે. બેસણું તા. ૯ ને શુક્રવારે, સાંજે ૪ થી ૬, મવડી મેઈન રોડ, વિશ્વેશ્વર મંદિર ખાતે રાખેલ છે. તેમજ સાદડી તા. ૧૦ ને શનિવારે, રામેશ્વર સોસાઈટી, ફાર્મસી ફાટક પાછળ, રાજુભાઈ રાજાના નિવાસસ્થાને, સાંજે ૪ થી ૬, જુનાગઢ ખાતે  રાખેલ છે.

                    (કશ્યપ જે. જોશી જેતપુર જેતલસર ૯૯૭૪૨૬૨૮૧૨)

 

 

જેતપુર જેતલસર કશ્યપ જોશી સમાચારો

જેતપુરના દેરડી રોડ પરના સરકારી આવાસો ફાળવી દીધા બાદ

પાલિકા તંત્રએ તપાસનું 'ડીંડક' ચાલુ કરી

ગરીબોને હેરાન કરવાનું ચાલુ કરતા રોષ !

પાલિકાના માજી પ્રમુખ રમાબેન મકવાણા જણાવે છે કે પાલિકાની નવી બોડીએ વિકાસના કામ હાથ ધરવાને બદલે આવી ખોટી કામગીરી શરુ કરી ગરીબોને હેરાન કરવાનું શરુ કર્યું તે ગેરવાજબી

 

જેતપુર તા.૭  (કશ્યપ જોશી દ્વારા )

જેતપુર નવાગઢ નગર પાલિકા દ્વારા સરકારી યોજના અન્વયે અહીના દેરડી રોડ પર બનાવેલા સરકારી આવાસો ફાળવાઈ ગયા પછી પાલિકાની નવી બોડીએ તપાસના નામે ચાલુ કરેલા 'ડીંડક'નો ઉગ્રાવેશે વિરોધ વ્યક્ત કરી પાલિકાના માજી પ્રમુખ રમાબેન મકવાણાને લાગતા વળગતા તમામને રજુઆતો કરી છે. તો પાલિકાના સત્તાધીશો કહે છે કે આ વાતમાં કૈક રંધાઈ ગયાની ફરિયાદો બાદ નિયમોનુસાર ક્વાર્ટરમાં રહેનારની તપાસ કરાઈ રહી છે, બીજું કઈ નથી !

 

આ અંગે મળતી વિગતો મુજબ જેતપુર નવાગઢ નગર પાલિકાના પ્રમુખ તરીકે જયારે રમાબેન રામજીભાઈ મકવાણા સત્તા ઉપર હતા ત્યારે સરકારની આઈએચએસડીપી યોજના અંતર્ગત અહીના દેરડી રોડ પર ૧૧૮૭ જેટલા સરકારી આવાસો બનાવ્યા હતા. તે પૈકીના ૯૬૭ ગરીબોને પોત પોતાના મકાનની સનદો આપી મકાનોની ફાળવણી કરી દેવાઈ હતી.

 

સમય જતા રમાબેન મકવાણાનો પ્રમુખ તરીકેનો સત્તાકાળ પૂરો થતા જેતપુર નગરપાલિકામાં નવા પ્રમુખ આવ્યા હતા. આ નવા પ્રમુખ જ્યારથી સત્તા પર આવ્યા છે ત્યારથી તેઓની એટલેકે રમાબેનની પાછળ પડ્યા હોય તેવો આક્ષેપ કરતા રમાબેન મકવાણા જણાવે છે કે તેઓના સત્તાકાળ દરમિયાન ઉપરોક્ત સરકારી આવાસો ફાળવી દીધા હોવા છતાં વર્તમાન નગર પાલિકા પ્રમુખ અને ચીફ ઓફિસરે માત્રને માત્ર તપાસનું  ડીંડક ઉભું કરી નગર પાલિકાના અન્ય સ્ટાફને સરકારી આવાસોના ચેકિંગમાં જોતરી દઈને સરકારી આવાસમાં ખરેખર અરજદાર લાભાર્થી જ રહે છે કે કેમ ? તેવી તપાસ ચાલુ કરતા સરકારી આવાસો મેળવનાર ગરીબો ભયાવહ સ્થિતિમાં આવી જઈ તપાસ કરતા સત્તાધીશોના ત્રાસથી કંટાળી ગયા હોવાનો રમાંબેનનો આક્ષેપ છે. રમાબેન એવું પણ જણાવે છે કે એકવાર સરકારી આવાસોની ફાળવણી કરી દીધા પછી આવી ખોટી તપાસ હાથ ધરીને જેતપુર પાલિકાના વર્તમાન સુત્રો સમય, શક્તિ અને પૈસાનો વેડફાટ કરી રહ્યા હોય નગર પાલિકાના પ્રાદેશિક નિયામકે તપાસ કરવી જરૂરી છે.

બોક્સ: સરકારી આવાસમાં લાભાર્થીઓને બદલે બીજા રહે છે ??

બીજીબાજુ જેતપુર નગરપાલિકાના સુત્રો પાસેથી એવું જાણવા મળ્યું છે કે સરકારી આવાસો ફાળવાયા તે પાલિકા અને ગરીબો માટે આનંદની વાત છે પણ જેઓને સરકારી આવાસો ફાળવાયા હોય તે લાભાર્થીઓ હાલ આવાસમાં ના રહેતા હોય, બંધ હોય, અન્યોને ભાડે આપી કે વેંચી દીધા હોવાની વ્યાપક ફરિયાદો બાદ ખરેખર લાભાર્થીઓ જ સરકારી આવાસમાં રહે છે તે અંગે તપાસ કરાઈ રહી છે અને જે લાભાર્થીઓ હાલ હજુ રહેવા આવ્યા નથી તેઓને ૨૧ દિવસની મહેતલની નોટીસો અપાઈ છે. જો લાભાર્થી આ નોટીસના સમય દરમિયાન સરકારી આવાસમાં રહેતા માલુમ નહિ પડે કે રહેવાની તૈયારી નહિ બતાવે તો જેતપુર નવાગઢ નગર પાલિકાના ચીફ ઓફિસર સહિતના કાર્યવાહકો સરકારી આવાસ પુનઃ પાલિકા હસ્તક લઇ લેવાની કાયદેસરની કાર્યવાહી હાથ ધરશે તેમાં શંકાને કોઈ સ્થાન નથી.

બોક્સ: મકાનની સનદ ૧૦૦ વર્ષ સુધી ટ્રાન્સફર નાં થઇ શકે એટલે કોઈને વેંચી નાં શકાય...

જેતપુર : જેતપુર મામલતદાર કચેરી, અમુક પંચાયત કચેરીઓના તલાટી મંત્રીઓ પાસેથી એવી વિગતો મળી રહી છે સરકારે જે મકાનો કે દુકાનો ગરીબોને સરકારી યોજનાઓ અંતર્ગત ફાળવ્યા હોય તેવા અરજદારોનો અપાયેલી મકાન કે દુકાનની સનદમાં એ વાતનો ઉલ્લેખ કરાયો હોય છે કે આગામી ૧૦૦ વર્ષ સુધી સરકારી આવાસની સનદ કોઈને વેંચી ના શકાય કે ટ્રાન્સફરના કરી શકાય. ત્યારે આ વાત સામે ફરિયાદી કહે છે કે આ બધું સાચું ? પણ આવી ખોટી તપાસનો કોઈ પરીપત્ર હોય તો આપો !

 

ફોટો અને સમાચાર : કશ્યપ જે. જોશી જેતલસર

 

 

 

 

જેતપુર પાલિકાના નવા વો.વ.કમિટીના ચેરમેને સાબિત કર્યું ! પહેલો ઘા રાણાનો !!

તૂટેલી લાઈનના પાણી ચોતરફ ફરી વળ્યા, પણ 'બાપુ'એ ગણતરીની કલાકોમાંજ પાઈપલાઈન રીપેર કરાવતા લત્તાવાસીઓમાં રાજીપો !!

અગાઉની વોટરવર્કસ કમિટીને લીકેજીંગ પણ નથી મળતા અને નવા ચેરમેને ગણતરીની કલાકોમાજ પાઈપલાઈન સમારકામ કરીને કામગીરીનો ધડો બેસાડતા પ્રજામાં ફેલાયો આનંદ !

 

જેતપુર તા. ૭  (કશ્યપ જોશી દ્વારા)

''જેતપુર નગર પાલિકામાં કોઈ કામ કરના હો તો હમસે શીખે'' શાયદ આવી ઉક્તિ સાબિત કરીને જેતપુર નવાગઢ નગર પાલિકાના નવા વોટર વર્કસ કમિટીના ચેરમેન અજીતસિંહજી જાડેજાએ મંગળવારની રાત્રીના એક તૂટેલી પાણીની પાઈપલાઈન ગણતરીની કલાકમાં રીપેર કરાવી પોતાની કામગીરીનો ધડો બીજા સુધરાઈ સભ્યોને ચીંધ્યો હોય તેવી ઘટના બની ગઈ હતી.

 

મળતી વિગતો મુજબ જેતપુરના અમરનગર રોડ પર જનતાનગર ચોકડી(ચાર રસ્તા) પર એક પાણીની મુખ્ય લાઈન તૂટી જતા કહેવાય છે કે તૂટેલી લાઈનનું પાણી આજુબાનુંના લત્તામાં, શેરીઓમાં અને અમુક રહેણાંક મકાનોમાં ફરી વળ્યું હતું.

 

આ વાતની જાણ થતાજ જેતપુર પાલિકાના વોટરવર્કસ ચેરમેન અજીતસિંહજી જાડેજાએ ઘટના સ્થળે દોડી જઈ મજુરોને બોલાવી ગણતરીની કલાકોમાજ પાણીની લાઈન રીપેર કરાવી પૂર્વવત કરાવતા ઉપસ્થિત લત્તાવાસીઓમાં ચેરમેન જાડેજા સરાહનાપાત્ર બન્યા હતા. આ તકે જાડેજાએ પોતાની કામગીરી દ્વારા એક એવો સંદેશ વહેતો કર્યો હતો કે પ્રજાના મતોથી ચૂંટાયા હોય તો પ્રજાની ફરિયાદો હલ કરવામાં રાત-દિવસ સામું ના જોવાનું હોય !  આ તકે એક એવી પણ વાત સંભાળવા મળી હતી કે પાઇપલાઈન તૂટવાથી હજારો ગેલન પાણી તો વહી ગયું હતું. પણ જો સમયસર સમારકામ હાથ ના ધરાયું હોત તો શહેરીજનોને પાણીકાપ ની નોબત સહન કરવી પડત.

અત્રે એ પણ નોંધનીય છે કે હજુ પણ અમુક સુધરાઈ સભ્યો અમુક પત્રકારોને એવી માહિતી આપી રહ્યા છે કે ફલાણી જગ્યાએ લીકેજીંગ છે, ઢીકળી જગ્યાએ લીકેજીંગ છે, પણ અત્યાર સુધી આવા લીકેજીંગ રીપેર કરવા જૂની વોટરવર્કસ કમિટીના ચેરમેન કે સભ્યો કેમ ના જાગ્યા ? નવા ચેરમેનની અદેખાઈ થઇ છે કે તેઓને હેરાન કરવાના પ્રયાશો થાય છે ? તે રામજાને !

 

ફોટો અને સમાચાર : કશ્યપ જે. જોશી જેતલસર  

મંગળવાર, 6 ઑક્ટોબર, 2015

Shared from "Gujarati Pride Editor" via Android.

ગીર સોમનાથના પત્રકાર પરના હુમલાને વખોડતા જેતપુરના પત્રકારો
> જેતપુર તા.૬
> ગીર સોમનાથ ઇલો.મડીયાના દિલીપ મોરી સહિતના પત્રકારો પર કરાયેલ હિચકારા હુમલાને જેતપુર જેતલસર ના ન્યુઝ પેપર એજન્ટ તેમજ પત્રકારોએ એક તાકીદની બેઠક દરમિયાન વખોડી કાઢ્યો હતો. બેઠકમાં ઉપસ્થિત તમામ અખબારી પ્રતિનિધીઓએ એકીસુરે જણાવેલ કે લોકશાહીના ચોથા આધાર સ્તંભ સમા પત્રકારોની સલામતી જ જોખમાતી રહેશે તો પ્રવર્તમાન સમયમાં ચાલતી અને ચલાવાતી અનેકવિધ બદીઓ સરકાર સમક્ષ આવતી બંધ થઇ જશે. એટલુજ નહિ પત્રકારો સત્ય વાતને રજુ નહિ કરે તો અન્યો રાજ્યોમાં રોજ  સુરજ ઉગેને આચરાતી  ગુંડાગીરી ગુજરાતમાં પણ ઘર કરી જશે.બેઠકમાં જેતપુરના પત્રકારો હિતેશ સાવલિયા, કશ્યપ જોશી, એજાજ બોઘાણી , નાસીર બોઘાણી , જેતલસર  ના જીતુભાઈ જોશી, કુલદીપ જોશી વિગેરે જોડાયા હતા.
> કશ્યપ જે. જોશી જેતલસર જેતપુર ૯૯૭૪૨ ૬૨૮૧૨ 

સોમવાર, 5 ઑક્ટોબર, 2015

જેતપુરના મામલતદારને આવેદન આપતા ટ્રાન્સપોર્ટ સંચાલકો-ધોલાઈઘાટ સંચાલકો....

જેતપુરના મામલતદારને આવેદન આપતા 

ટ્રાન્સપોર્ટ સંચાલકો-ધોલાઈઘાટ સંચાલકો....

જેતપુર તા.૫  (કશ્યપ જોશી દ્વારા)

જેતપુરમાં આજે ટ્રાન્સપોર્ટના સંચાલકો અને સાડી ધોલાઈઘાટ સંચાલકોએ મામલતદારને આવેદન આપી પોત પોતાને પડતી તકલીફો હલ કરાવવા માંગણીઓ દોહરાવી હતી.

મળતી વિગતો મુજબ જેતપુરના ટ્રાન્સપોર્ટ સંચાલકોએ આજે એક બેઠક યોજી પાંચ દિવસ થયા ચાલતી દેશ વ્યાપી ટ્રક ટ્રાન્સપોર્ટની ચાલતી હડતાલમાં પ્રથમથીજ જોડાયા હોવાનું અને જ્યાં સુધી આ બાબતે કોઈ નિરાકરણ ના આવે ત્યાં સુધી હડતાલ ચાલુ રાખવાની વાત દોહરાવી હતી.

તો છાપરવાડી ડેમ અને નદી વિસ્તારમાં સાડી ધોલાઈ ઘાટના પાણી ના છોડતા હોવા છતાં સરકારી તંત્ર દ્વારા કરતી હેરાનગતિ દુર કરવા ધોલાઈ ઘાટ સંચાલકોએ આવેદન આપ્યું હતું.

 

ત્રણ માસ થયા અપહ્યુત કિશોરીને છોડાવાઈ

જેતપુર તા.૫ (કશ્યપ જોશી દ્વારા)

જેતપુરના ભોજાધાર વિસ્તારની એક કિશોરીને મોનું નામનો પરપ્રાંતીય શખ્શ લલચાવી ફોસલાવી બદકામના ઈરાદે આજથી ૩ માસ પહેલા ભગાડી ગયો હતો. જે કિશોરીને મુક્ત કરાવી શહેર પોલીસે અપહરણકર મોનું સામે દુષ્કર્મ સહિતનો ગુનો નોધી તેમને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.

કશ્યપ જે.જોશી જેતલસર જેતપુર ૯૯૭૪૨૬૨૮૧૨ 

--------------------------------------------------

જેતપુરની બેંક ઓફ બરોડાના એટીએમ સેન્ટરમાં

પૈસા જમા કરવાનું રીસાઇકલર મશીન પણ 

મુકાતા ખાતાઘારકો ભારે હેરાન પરેશાન !

પૈસા ઉપાડનાર અને પૈસા જમા કરાવનાર ગ્રાહકોની કોઈ સલામતી ના રહેતી હોવાની ફરિયાદ

જેતપુર તા.૫  (કશ્યપ જોશી દ્વારા)

જેતપુરની બેંક ઓફ બરોડાના એટીએમ સેન્ટરમાં પૈસા જમા કરાવવાની પણ સુવિધા ઉપલબ્ધ કરતા બેક ગ્રાહકોમાં સલામતી જોખમાઈ રહી હોવાની ફરિયાદો ઉઠી છે, તો બેંક સુત્રોએ આ વ્યવસ્થા અલગ રાખવા ઉપરી વર્તુળોને રજૂઆત કરવાની ગ્રાહકોને ખાતરી આપી છે.

 

મળતી વિગતો મુજબ અહીના ફૂલવાડી સ્ટેશન રોડ (સ્ટેન્ડ ચોક)માં આવેલ બેંક ઓફ બરોડાની શાખામાં બેન્કના પગથીયા ચડતાજ એટીએમ સેન્ટર બનાવાયું છે. અત્યાર સુધી અહી માત્ર પૈસા ઉપાડવાની સુવિધાજ હોય બેંક ગ્રાહકો પૈસા ઉપાડવામાં ભારે સલામતી અનુભવતા હતા.

 

પણ થોડા સમય થયા આ એટીએમ સેન્ટરમાં પૈસા જમા કરાવવાનું મશીન (રીસાઇકલર) મુકવામાં આવતા હવે આ જગ્યાએ પૈસા ઉપાડવાવાળા અને પૈસા જમા કરવાવાળા એમ બંને ગ્રાહકો ભેગા થતા હોય અહી શંભુમેળા જેવું વાતાવરણ ખડું થતું હોય, ગ્રાહકોની કોઈ સલામતી જળવાતી ના હોવાની ગ્રાહકોની ફરિયાદ છે.

 

આ બાબતે બેન્કના મેનેજર ગુપ્તાએ જણાવેલ કે આ બાબતે તેઓ બેન્કના ઉપરી અધિકારીઓનું ધ્યાન દોરશે. આ ફરિયાદને તાત્કાલિક હલ કરી બંને સુવિધાઓ અલગ કરવા બેંક ગ્રાહકોની માંગ પ્રબળ બની છે.

ફોટો અને સમાચાર : કશ્યપ જોશી જેતપુર જેતલસર ૯૯૭૪૨૬૨૮૧૨

 

 



રવિવાર, 4 ઑક્ટોબર, 2015

શ્રી ગાંધેશ્વર મહાદેવ મંદિરે ઉજવી ગાંધી જયંતી

ચારણ સમઢીયાળાના વાલ્મીકી સમાજે વડીયામાં

શ્રી ગાંધેશ્વર મહાદેવ મંદિરે

ઉજવી ગાંધી જયંતી

જેતલસર તા.૪ (કશ્યપ જોશી દ્વારા)

જેતપુર તાલુકાના ચારણ સમઢીયાળા નજીકના વડીયા ગામે આજથી ૧૫૦ વર્ષ પહેલા રાજાશાહી યુગમાં સ્થપાયેલ શ્રી ગાંધેશ્વર મહાદેવ મંદિર ખાતે ચારણ સમઢીયાળા અને વડીયાના તેમજ આજુબાજુના ગામોનો વાલ્મીકી સમાજે પૂજ્ય ગાંધીજીની પ્રતિમાને હારતોરા કરી ગાંધી જયંતી ઉજવી હતી. આ તકે મધુબેન મકવાણા પાસેથી રસપ્રદ એ વાત જાણવા મળી હતી કે વર્ષો પહેલા જયારે છૂત-અછૂતની ભાવના વચ્ચે વાલ્મીકી સમાજ જીવતો અને મંદિરમાં પણ પ્રવેશવા ના દેવાતો ત્યારે વડીયા ખાતે

રાજાઓએ ૧૨૩૫ ચોમી. જમીન આપી મહાદેવનું નાનકડું મંદિર બનાવી આપ્યું હતું. જેમાં વાલ્મીકી સમાજે મહાદેવની પૂજા અર્ચના શરુ કરી હતી. સમય જતા દેશ આઝાદ થયો પછી તે વખતના વાલ્મીકી સમાજના આગેવાન કાનજીભાઈ લાખાભાઈ મકવાણા, રાજકોટના ઢેબરભાઈ તથા અન્ય આગેવાનોને પૂજ્ય ગાંધી બાપુની પ્રતિમાનું સ્થાપન કરતા ત્યારથી વડિયા સ્થિત આ મહાદેવજી શ્રી શ્રી ગાંધેશ્વર મહાદેવ તરીકે ઓળખાય છે.  ત્યારથી એટલેકે દેશે આઝાદી મેળવી ત્યારથી વાલ્મીકી સમાજના પરિવારજનો દ્વારા અહી નિયમિત ગાંધી જયંતી પ્રતિવર્ષ ઉજવાઈ રહી હોવાનું અશોક ઘાવરી અને મનજીભાઈ ઘાવરી જણાવે છે.

ફોટો અને સમાચાર : હિતેશ સાવલિયા જેતપુર 


શાપર(વેરાવળ)ના ટ્રાન્સપોર્ટ સંચાલકો પણ હડતાલમાં જોડાયા ચોથા દિવસે પણ કામકાજ ઠપ્પ રાખતા વેપારીઓ હેરાન હેરાન

શાપર(વેરાવળ)ના ટ્રાન્સપોર્ટ સંચાલકો પણ હડતાલમાં જોડાયા

ચોથા દિવસે પણ કામકાજ ઠપ્પ રાખતા વેપારીઓ હેરાન હેરાન

જેતલસર તા.૪ (કશ્યપ જોશી દ્વારા)

દેશવ્યાપી ટ્રક અને ટ્રાન્સપોર્ટ સંચાલકોએ જાહેર કરેલ હડતાલમાં રાજકોટ ગૂડ્સ ટ્રાન્સપોર્ટ એશોશીયેશનને ટેકો આપી શાપર(વેરાવળ)ના ટ્રાન્સપોર્ટ સંચાલકો પણ જોડાયા છે. આજે ચોથા દિવસે પણ જડબેસલાક પોત પોતાની ટ્રાન્સપોર્ટ ઓફિસો બંધ રાખતા ઔદ્યોગિક વિસ્તાર એવા શાપર વેરાવળના વેપારીઓ, ઉદ્યોગપતિઓ પોત પોતાનો માલ છોડાવવા અને બુકિંગ કરવામાં ભારે હેરાન પરેશાન થઇ રહ્યા હોવાની વિગતો મળી રહી છે. શાપરના ટ્રાન્સપોર્ટ વર્તુળોએ જણાવેલ કે અહીના ૬૦ થી ૭૦ જેટલા ટ્રાન્સપોર્ટ સંચાલકોએ દેશવ્યાપી હડતાલમાં સજ્જડ રીતે ઝુંકાવ્યું છે. અહીંથી કોઈ ટ્રક બહાર નીકળ્યા નથી અને કોઈ વાહનો આવે તો તેઓને સંતોષકારક રીતે સમજાવી આવા વાહનો રોકી દેવાયા છે. પ્રસ્તુત તસવીરોમાં શાપર વેરાવળના ટ્રાન્સપોર્ટ સંચાલકો અને રોકી દેવાયેલા વાહનો જોવા મળે છે.

ફોટો અને સમાચાર : કશ્યપ જે. જોશી જેતલસર(જેતપુર)

 

ખાસ નોંધ: શાપર વેરાવળ મારા મોટાભાઈ ટ્રાન્સપોર્ટ વ્યવસાય સાથે સંકળાયેલા હોય, તેઓ પાસેથી મળેલી વિગતો અને ફોટો મોકલ્યા છે. યોગ્ય જણાય તો લેવા વિનંતી છે.(કશ્યપ)  

જેતપુરમાં ઉદ્યોગપતિના પુત્રનું અપહરણ કરનાર યુવાનના પિતાનો ઝેરી દવા પી આપઘાત.....

જેતલસર જંકશનની સીમમાં આવેલી પોતાની વાડીમાં

જેતપુરમાં ઉદ્યોગપતિના પુત્રનું અપહરણ કરનાર

યુવાનના પિતાનો ઝેરી દવા પી આપઘાત.....

જેતપુર તા.૪ (કશ્યપ જોશી દ્વારા)

જેતપુરના ચકચારી ઉદ્યોગપતિ પુત્ર દેવના અપહરણની ઘટનામાં સંડોવાયેલ અશ્વિનના પિતા કાળુભાઈ હીરાભાઈ વાગડીયાએ ઝેરી દવા પી જીવનનો અંત આણી દીધાની ઘટનાથી અત્રે ચકચાર જાગી છે.

મળતી વિગતો મુજબ જેતપુર શહેરની બાપુની વાડી વિસ્તારમાં રહેતા અને શહેરની વિવેકાનંદ શાળામાં નોકરી કરતા કાળુભાઈ હીરાભાઈ વાગડિયા (ઉ.વ.૫૦) એ આજે સવારે સાડા દસ વાગ્યાની આસપાસ પોતાની જેતલસર જંકશનની સીમમાં આવેલી વાડીમાં ઉભેલા કપાસના પાકમાં જઈને ઝેરી દવા પી લેતા તેમને બેહોશ હાલતમાં સારવાર માટે અહીની એક ખાનગી હોસ્પીટલમાં ખસેડાયા હતા. પણ કાતિલ દવાએ  કાળુભાઈના આખા શરીરમાં આંટો મારી લીધો હોય તેમ તબીબો તેમને બચાવી શક્યા નહોતા.

દરમિયાન કાળુભાઈનો મૃતદેહ પીએમ માટે અહીના સરકારી દવાખાને લવાયાની જાણ પરથી જેતપુર તાલુકા પોલીસના ફોજદાર રઘુભાઈ કરમટીયાની સુચનાથી જમાદાર મજનુંભાઈ મનાતે ઘટના સ્થળે દોડી જઈ જીણવટભરી તપાસ હાથ ધરી હતી પણ પોલીસના હાથે સ્યુસાઈડ નોટ કે કઈ હાથમાં આવ્યું નહોતું.

અત્રે એ નોંધનીય છે કે ઝેરી દવા પી પોતાનું જીવન ટૂંકાવી દેનાર કાળુભાઈ વાગડીયાનો એકનો એક પુત્ર અશ્વિન તાજેતરમાજ અહીના અગ્રણી ઉદ્યોગપતિ અશ્વિનભાઈ વાઘાણીના પુત્ર દેવના અપહરણની ઘટનામાં પોલીસ ચોપડે ચડી ચુક્યો છે. અને પુત્ર અશ્વિનના આવા કરતુતથી લાગી આવતા કાળુંભાઈએ આ પગલું ભર્યું હોવાનું અનુમાન લગાવી, હાલ પોલીસે અગમ્યો કારણોસર ઝેરી દવા પીવાથી કાળુંભાઈનું મોત થયાનું નોંધી તપાસ હાથ ધરી છે.

શહેરની વિવેકાનંદ શાળા સાથે સંકળાયેલ કાળુભાઈના આવા આકસ્મિક પગલાની જાણ થતાજ શહેરના ઘણા શાળા સંચાલકો શોકાવાસ્થામાં હોસ્પિટલ ખાતે દોડી જઈને મૃતકના પરિવારજનોને સાંત્વના આપી હતી.

ફોટો અને સમાચાર : કશ્યપ જે. જોશી જેતલસર જેતપુર 

ગુરુવાર, 1 ઑક્ટોબર, 2015

જેતપુર શહેરના સમાચારો : કશ્યપ જોશી જેતપુર

જેતપુર તાલુકા-જીલ્લા પંચાયત બેઠકના 

ઉમેદવારોની જેતપુરમાં રવિવારે સેન્સ લેવાશે

જેતપુર તા.૧  (કશ્યપ જે.જોશી દ્વારા)

 

જેતપુર તાલુકા પંચાયતની ચુંટણીના પડધમ વાગી રહ્યા છે. સાથે સાથે જીલ્લા પંચાયત બેઠકોના ઉમેદવારોની પણ ચુંટણી હોય, જેતપુર ખાતે આગામી તા. ૪ ને રવિવારના રોજ બપોરે ૨ થી ૬ વાગ્યા દરમિયાન અમરનગર રોડ પર આવેલ સ્વામીનારાયણ ગુરુકુળ શાળા ખાતે એક અગત્યની બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. આ અંગે જેતપુર તાલુકા કોંગ્રેસના પ્રમુખ બચુભાઈ નારણભાઈ હીરપરાએ જણાવેલ કે આ બેઠકમાં જેતપુરના શહેનાઝબેન બાબી, રાજકોટના ચંદુભાઈ શિંગાળા અને જુનાગઢના મુકેશભાઈ ધોળકિયા હાજર રહી જેતપુર તાલુકા પંચાયત તથા જીલ્લા પંચાયતની ચુંટણીના ઉમેદવારોની સેન્સ લેશે. જે બેઠકમાં કોંગીજનોએ હાજરી આપવા અનુરોધ કરાયો છે.                                                                   (કશ્યપ જે.જોશી દ્વારા)

 

રવિવારે જેતપુરમાં બાળકોની

સલામતી અંગેનો સેમીનાર...

જેતપુર તા.૧ (કશ્યપ જે.જોશી દ્વારા)

 

તા. ૪ ને રવિવારના રોજ જેતપુર ખાતે જેતપુર એકેડેમી દ્વારા જેતપુર ડાઈંગ એશોસિયેશન, ચેમ્બર ઓફ કોમર્સ અને માર્કેટ યાર્ડના સયુંકત ઉપક્રમે બાળકોની સલામતી પરત્વેના એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હોવાનું હિરેનભાઈ વ્યાસ જણાવે છે.

શહેરના જુનાગઢ રોડ સ્થિત રોટરી હોલ ખાતે સાંજે ૫ થી ૭ દરમિયાન રાજ્યમંત્રી જયેશભાઈ રાદડિયાના અધ્યક્ષસ્થાને યોજાનાર આ સેમિનારના ઉદ્ઘાટક તરીકે રાજકોટ જીલ્લા પોલીસવડા ગગનદીપ ગંભીર હાજર રહેશે. જ્યારે વક્તા તરીકે નિવૃત આર્મી ઓફિસર કેપ્ટન જયદેવભાઈ જોશી હાજર રહીને સાંપ્રત સમયમાં બાળકોની સલામતી માટે વાલીઓએ કઈ કઈ વાતની તકેદારીઓ રાખવી જોઈએ ? કેવી સભાનતા દાખવીએ તો બાળકો સંપૂર્ણ સલામતી હેઠળ હરી, ફરી, રમી અને જીવી શકે તે બાબતે ઊંડાણપૂર્વક વક્તવ્ય આપશે.

                                                                            

 

જેતપુર શહેર ભાજપ મહિલા મોરચોના પ્રમુખ સોનલ રાતોજા કહે છે

નશીલા પદાર્થોના વેંચાણમાં પરપ્રાંતીઓનો હાથ

પોલીસ નહિ જાગે તો જેતપુરમાં 'બિહાર' સર્જાશે ?

જેતપુર તા.૧   (કશ્યપ જે.જોશી દ્વારા)

 

જેતપુર શહેરનો જગવિખ્યાત સાડી ઉદ્યોગ પરપ્રાંતીય લોકોનો રીતસરનો આશરો બન્યો હોય, આવા પરપ્રાન્તીયો સીધી રીતે આવક રળવાને બદલે નશીલા પદાર્થો વેંચતા થઇ ગયા હોય, જો પોલીસ સમયસર નહિ જાગે તો જેતપુરમાં ''બિહાર'' સર્જાવાની ભીતિ સ્થાનિક ભાજપ મહિલા મોર્ચોના પ્રમુખ સોનલ રાતોજાએ વ્યકત કરી છે.

સ્થાનિક પોલીસથી માંડીને છેક વડાપ્રધાન મોદી સુધી લેખિતમાં રજૂઆત કરનાર આ મહિલા આગેવાન કહે છે કે અહીના સાડી ઉદ્યોગ જેવી ક્યાય આવક થતી ના હોય, સૌથી વધુ રોજગારી પ્રાપ્ત થતી હોય, અહી સૌરાષ્ટ્ર ગુજરાત સહીત અન્ય રાજ્યોના મજુરો પણ આવીને, વસી, જીવન નિર્વાહની રોજગારી પ્રાપ્ત કરી રહ્યા છે.

પણ હાથીની તમામ આંગળીઓ સરખી ના હોય તેમ અમુક પરપ્રાંતીઓ સાડી કારખાનામાં મજુરી સાથે ચરસ, ગાંજો, અફીણ જેવા નશીલા પદાર્થો વેંચતા થઇ ગયા હોય, શહેરની યુવાપેઢી પાયમાલીમાં ગરક થઇ રહી છે.

મહિલા આગેવાને એક એવી પણ દહેશત વ્યક્ત કરી છે કે જાણ્યે અજાણ્યે બિહાર, યુપી, એમપી, રાજસ્થાન, મહારાષ્ટ્ર અને ઓરિસ્સા જેવા રાજ્યોમાં નાના મોટા ગુનાઓમાં સંડોવાયેલા અમુક પરપ્રાન્તીઓ અહી પણ ગુનાઓ આચરતા હોવાના અનેક બનાવો બન્યા છે, અને બની રહ્યા છે. પરપ્રાંતીઓ જ્યાં આશ્રય લઈને બેઠા છે તેવા સ્થળ સંચાલકો આવા મજુરોના નામ, સરનામાં સહિતના સરકારી પુરાવાઓ એકત્ર કરવામાં કે રાખવામાં ઢીલ દાખવતા હોય, જેતપુર શહેર અને પંથકમાં અન્ય રાજ્યો જેવી ગુનાખોરી વકરવાનો ભય તોળાઈ રહ્યો છે. ત્યારે જેતપુર શહેરની આવી પરિસ્થિતિ જોઇને તાકીદે ઘટતા પગલા લેવામાં આવે તેવું મહિલા આગેવાનનું કહેવું છે.

(કશ્યપ જે. જોશી જેતપુર જેતલસર )

જેતપુરના ખોડપરા વિસ્તારમાં ચાલતા નબળા ભૂગર્ભકામને રોકાવતા લત્તાવાસીઓ

પાલિકા ઉપપ્રમુખે મધ્યસ્થી બની નવેસરથી ભૂગર્ભ ગટરનું કામ શરુ કરાવતા સર્વત્ર સરાહના

જેતપુર તા.૧ (કશ્યપ જોશી દ્વ્રારા)

જેતપુર શહેરના ખોડપરા વિસ્તારમાં આજે ભારે ગેરરીતી અને ધારાધોરણ બનાવાતા ભૂગર્ભ ગટરના કામ બાબતે લત્તાવાસીઓને એકજુટ થઈને રોકાવતા પાલિકા તંત્રના સંબંધિતો દોડતા થઇ ગયા હતા, જો કે પાલિકાના ઉપ પ્રમુખ પ્રમોદ ત્રાળાએ ઘટના સ્થળે દોડી જઈ, નબળું કામ રોકાવી નવેસરથી સારું કામ શરુ કરાવતા લત્તાવાસીઓમાં રાજીપો છવાયો હતો.

 

મળતી વિગતો મુજબ જેતપુર શહેરના ખોડપરા વિસ્તારમાં નીતિ નિયમોને નેવે ચડાવી ભૂગર્ભ ગટરની કામગીરી કરાતી હોવાની ગંધ પારખી ગયેલા કિશોરભાઈ સહિતના આગેવાનોએ દરમિયાનગીરી કરતા ગટરનું કામ રોકાઈ ગયું હતું. આ વાતની જાણ થતા જ જેતપુર નગર પાલિકાના ઉપ પ્રમુખ પ્રમોદભાઈ ત્રાડા સહીતન સંબંધિતો ઘટના સ્થળે દોડી જઈ તપાસ કરતા આ કામમાં ખરેખાર લોટ, પાણી ને લાકડા જેવી નીતિ સંબંધિત કોન્ટ્રાકટર દ્વારા અપનાવતી હોવાનું બહાર આવ્યું હતું.

 

લત્તાવાસીઓને ફરિયાદ કરતા જણાવેલ કે ભૂગર્ભ ગટરના ઢાંકણ રોડ કરતા ઊંચા હોય, આ વાત રાહદારીઓ અને વાહનચાલકો માટે કાયમી સમસ્યારૂપ બને તેમ હતી. પણ અંતે પાલિકાના ઉપ પ્રમુખ ત્રાડાએ મધ્યસ્થી કરી ફરિયાદના નિવારણ રૂપે નવું કામ શરુ કરાવતા લત્તાવાસીઓમાં આનંદ છવાયો હતો. 

ફોટો અને સમાચાર : કશ્યપ જે. જોશી જેતલસર જેતપુર

 

 

 

 

 

 

 

 

 

 

ખાનગી ડ્રેસમાં પોલીસ રોફ જમાવી ગઈ ને વાહનોનો ખડકલો થઇ ગયો !

મારી સાઈડ કેમ કાપી ? કહી એસટી બસની ચાવી લઇ ભેદી પોલીસમેન છું થઇ ગયો !

એસટી ડ્રાઈવર વલ્લભભાઈ ભાદરકાએ શહેર પોલીસમાં અરજી કરતા પોલીસે હાથ ધરી તપાસ

એકાદ કલાક ટળવળેલા બસના મુસાફરોમાં રોષ, પકડી લેવોતો ને અમે ઠીક કરી દેત !!

 

જેતપુર તા. ૧ (કશ્યપ જોશી દ્વારા)

આજે સવારે સાઈડ ઓવરટેઈક કરવા મુદ્દે એક ભેદી પોલીસમેને એસટીની બસને જુનાગઢ રોડ પર આંતરી, બસની ચાવી લઈને છું થઇ ગયાની ઘટમાં બસના મુસાફરો લગભગ કલાકેક ભારે હેરાન પરેશાન થયાની ઘટના શહેર પોલીસ દફતરે પહોચતા પોલીસે સુરત પાસિંગની કારની તપાસ હાથ ધરી છે.

 મળતી વિગતો મુજબ આજે સવારે સાડા દસ વાગ્યાની આસપાસ જેતપુરથી નીકળેલી રાજકોટ જુનાગઢ રૂટની એસટી બસ અહીના જુનાગઢ રોડ પર આવેલ રેલ્વે ફાટક પાસે પહોચી ત્યારે ''મારી ઓવરટેક કેમ કરી ? હું પોલીસવાળો છું ! તેવું કહી સુરત પાસિંગની જીજે ૫ સીબી ૩૮૨૬ નંબરની વેગનકાર ચાલકે રીતસરનો રોફ જમાવી સતત એક કલાક ટ્રાફિક જામ કરી દેતા બસના મુસાફરો રીતસરના ટળવલ્યા હતા.

 

જુનાગઢ રોડ પર રેલ્વે ફાટક પાસેજ જામ થયેલા ટ્રાફિક બાબતે વિગતો આપતા એસટી બસના ચાલક વલ્લભભાઈ ભાદરકાએ જણાવેલ કે ઉપરોક્ત નંબરની વેગન આર કારના આગળના ભાગે પોલીસ લખેલી નેઈમ પ્લેટવાળી કારના ચાલકે તેમને બેફામ ગાળો ભાંડી બસની ચાવી લઈને જતો રહ્યો હતો. આ બાબતે તેમણે સૌ પ્રથમ જેતપુરના એસટી ડેપો મેનેજરને અને પછી પોલીસને જાણ કરી પોતાની સાથે કહેવાતા અને ગણાવાતા પોલીસમેનની દાદાગીરીની વિગતો આપી હતી.

 

બીજીબાજુ ચાવી વગર બંધ પડેલી એસટી બસને બસના મુસાફરોએ રેલ્વે પરથી ખસેડી ફાટક વચ્ચેજ ઉભી રાખી દેતા જેતપુરથી ફાટક સુધી અને રેલ્વે ફાટકથી જેતલસર બાજુના જુનાગઢ રોડ પર એક એક કિમી વાહનોના ખડકલા થઇ ગયા હતા. એસટી બસ ચાલકે એવું પણ જણાવેલ કે પોતાને પોલીસ ગણાવતા તે કાર ચાલક રસ્તે ઉભેલા એક રાહદારીને બસની ચાવી આપી જુનાગઢ તરફ નાશી છૂટ્યો હતો. જેતપુર પોલીસે ઉપરોક ચાલક ખરેખર પોલીસમેન હતો કે કેમ ? તેની તપાસ કરે તેવી એસટી ડ્રાઈવર આલમમાં માંગ કરાઈ છે.

 

દરમિયાન જેતપુર શહેર પોલીસ થાણે જઈને એસટી બસ ચાલક વલ્લભભાઈ ભાદરકાએ કહેવાતા પોલીસમેન વિરુદ્ધ અરજી આપી તપાસની માંગ કરી, કાર ચાલકને શોધી કાઢી તેમની સામે ગુનો નોંધવા જણાવ્યું હતું. જો કે જેતપુર શહેર પોલીસનો સાંજે ૬-૧૧ વાગ્યે ફોન ઉપાડનાર પોલીસમેન કે પીએસઓ એ આ વાતને અમુક પત્રકારો સમક્ષ ઉડાવી દઈને આ બનાવમાં સમાધાન થઇ ગયાની કેસેટ વગાડી હતી.

 

આ બાબતે જે હોય તે પણ બસના મુસાફરો એક કલાક સુધી પરેસેવે રેબઝેબ બની એવો રોષ ઠાલવતા સાંભળવા મળ્યા હતા કે અમોને કહેવું હતું ને કોણ હતો એ કાર ચાલક, અમે ઠીક કરી દેત !!

 

ફોટો અને સમાચાર : કશ્યપ જે. જોશી જેતલસર જેતપુર

 

બુધવાર, 30 સપ્ટેમ્બર, 2015

GONDAL TALUKA NA SULTANPUR NA PREES PHOTOGRAPHER KAMLESH RAVRANI NO AAJE JANMDIVAS....

GONDAL TALUKA NA SULTANPUR NA PREES PHOTOGRAPHER KAMLESH RAVRANI NO AAJE JANMDIVAS....

નવમાં દિવસે વૃદ્ધનું ઉપવાસ આંદોલન સમેટાયું





૭૦ દિવસમાં વાયુ પ્રદુષણ બંધ કરવાની તંત્રએ ખાતરી આપતા

નવમાં દિવસે વૃદ્ધનું ઉપવાસ આંદોલન સમેટાયું

ગુજ.પોલ્યુશન કંટ્રોલ કચેરી, ડાઈંગ એશોશીયેશન, અને મામલતદારે ઉપવાસીને પારણા કરાવ્યા !

 

જેતપુર તા.૩૦ (કશ્યપ જે. જોશી દ્વારા) 

જેતપુર શહેરમાં ધોરાજી રોડ પરના લગભગ ૧૫ જેટલા વિસ્તારોને કારખાનાઓની ચીમનીમાંથી નીકળીને ઉડતી કાળી ભુક્કીની સમસ્યાને હલ કરવા નવ નવ દિવસ થયા અનશન ઉપવાસ આંદોલન છેડનાર શહેરના વૃદ્ધને આજે શહેરના મોભી ઉદ્યોગપતિઓ, પ્રદુષણ નિવારણ તંત્ર અને મામલતદાર એમ સૌએ મળીને ધોરાજી રોડ પરની આ સમસ્યા આગામી ૬૦-૭૦ દિવસમાં નાબુદ કરી દેવાની ખાતરી આપતા, નવાગઢ સ્વામીનારાયણ મંદિરના બે સંતો મહંતોએ ઉપવાસીને પારણા કરાવતા આંદોલન સમેટાઈ ગયું છે.

 

મળતી વિગતો મુજબ જેતપુરના ધોરાજી રોડ પરના ૧૫ જેટલા વિસ્તારોની પ્રજાને આ વિસ્તારના અમુક કારખાનાઓની ચીમનીમાંથી ધુમાડાવાટે ઉડાડતી કાળી ભુક્કીની સમસ્યા વર્ષો થયા હેરાન પરેશાન કરતી હોય, અગાઉ જતીન દેગડા નામના યુવાને લાગતા વળગતા સત્તાધીસોને લેખિત ફરિયાદ કરી હતી કે, જેતપુરના ધોરાજી રોડની હજારો પ્રજા પર થઇ રહેલ પ્રદુષિત હવાઈ હુમલાને નહિ અટકાવાય તો આ વિસ્તારોની પ્રજાને હિજરત કરવી પડશે.

પણ આ રજુઆતને કોઈએ દાદ ના આપતા ફરિયાદી યુવાન નાશીપાસ થયો હતો. પણ ધોરાજી રોડ પર ના રહેતા હોવા છતાં આ પ્રશ્નને એટલેકે કાળી ભુક્કીના ત્રાસમાંથી ૧૫ વિસ્તારોની પ્રજાને છોડાવવા શહેરના ટાકુંડીપરા વિસ્તારમાં રહેતા વલ્લભભાઈ હીરાભાઈ આંબલીયાએ અનશન ઉપવાસ આંદોલન છેડીને સંબંધિતોને જાગતા કરી દીધા હતા.

 

છેલ્લા નવ નવ દિવસ સુધી ઉપવાસી છાવણીમાજ સુતા રહીને પોતાના ઉપવાસ આંદોલન પરત્વે અડગ રહેનાર વલ્લભભાઈએ આજે રામબાણ સમું આત્મવિલોપનનું શસ્ત્ર ઉગામી લાગતા વળગતા તમામને લિખિતમાં જણાવ્યું હતું કે આ પ્રશ્ન ના હલ કરાઈ તો તેઓ આગામી ગાંધી જયંતીના દિવસે બીજી ઓક્ટોબરે જેતપુર તાલુકા સેવા સદનની ૪ માળની બિલ્ડીંગ પરથી પડતું મૂકી, કુદકો મારી આત્મવિલોપન કરશે, જેની જવાબદારી રાજ્ય સરકાર, રાજકોટ જીલ્લા અધિકારી અને જેતપુરના મામલતદારની રહેશે !

 

બસ ઉપવાસી વૃદ્ધ બાપાની આવી ચીમકીથી શહેરભરમાં ગરમાવો આવ્યો હોય તેમ પ્રથમ તો પોલીસે ઉપવાસીની ૧૫૧ હેઠળ અટકાયત કરતા ઉપવાસી મામલતદાર કચેરી પર છૂટ્યા હોવાનું જેતપુર પોલીસના પીએસઓ ડાયાભાઇ પારધીએ જણાવ્યું હતું.

 

બીજીબાજુ ઉપવાસી પોતાના આંદોલન બંધ કરવાની વાતમાં ટસ સે મસ ના થતા શહેરભરના ઉદ્યોગપતિઓએ ઉપવાસીની કમજોર કડી શોધી કાઢી સ્વામીનારાયણ મંદિર નવાગઢના સંતો મહંતોને મેદાનમાં ઉતારતા ગુરુઓની આજ્ઞાઓનું પાલન કરી ઉપવાસી વલ્લભભાઈએ પોતાનું આંદોલન સમેટી લીધું હતું. આ તકે નવાગઢના સ્વામીજીઓ ધર્મસ્વરૂપદાસજી સ્વામી, હરીપ્રસાદદાસજી સ્વામી, જેતપુર ડાઈંગ એશો.ના રાજુભાઈ પટેલ, જેન્તીભાઈ રામોલીયા, ધીરુભાઈ રાણપરીયા, દીપુભાઈ જોગી, પ્રદુષણ નિયંત્રણ કચેરી જેતપુરના એમ.એલ.શુક્લા, મામલતદાર ભોરણીયા, મહેશ ડોબરિયા, વિગેરેએ ઉપવાસી વલ્લભભાઈને પહેલા લીંબુ પાણી પીવડાવી, પારના કરાવી અને પછી લાડવા અને પેંડા ખવડાવી  મો મીઠું કરાવી આંદોલન સમેટાવ્યું હતું.

 

બોક્સ: ખાતરીમાં કઈ ચાર બાબતો સમાવાઈ ?

જેતપુર : શહેરના ઉદ્યોગપતિઓ અને પ્રદુષણ નિયંત્રણ કચેરીના અધિકારીઓ તેમજ મામલતદાર વિગેરેની સહીઓ દ્વારા ઉપવાસીને લેખિતમાં અપાયેલી ખાતરીમાં જણાવ્યું હતું કે, જે જે કારખાનાઓમાં હવા પ્રદુષણ ફેલાવતા સાધનો નહિ હોય તેઓની સામે કાયદેશરની કાર્યવાહી હાથ ધરાશે. સ્થાનિક ધારાસભ્ય જયેશ રાદડીયાએ જણાવ્યા મુજબ શહેરમાં વહેલી તકે ગેસ આધારિત યોજના અમલમાં મુકનાર હોય, કોઈ કારખાનામાં આવી સમસ્યા નહિ રહે, ૬૦ થી ૭૦ દિવસમાં શહેરના પ્રત્યેક કારખાનાઓમાં હવા પ્રદુષણ નિયંત્રણ સાધનો લગાવાશે. તેમજ સમગ્ર જેતપુરના પ્રજાના હિતમાં આંદોલન સમાપ્ત કરાયું છે.

 

બોક્સ: અમારો મોરચો ચાલુ રહેશે, આજે ઢોલ વગાડાશે !

જેતપુર તા.૩૦

જેતપુરની આ સમસ્યાના પ્રથમ ફરિયાદી એવા જતીન દેગળાએ આજે કોરા કાગળમાં મળેલી ખાતરીનો વિરોધ કરી, જણાવેલ કે આ યોગ્ય વાત છે, તેઓ આવતીકાલ તા.૧ ના રોજ ધોરાજી રોડ પરના વિસ્તારોમાં સાંજે ઢોલ વગાડી કાળી ભુક્કીની સમસ્યામાં કોણ જોડવા તૈયાર છે ? તેનો તાગ મેળવી આંદોલન ચાલુ રાખશે તેવું જણાવે છે.

કશ્યપ જે. જોશી જેતલસર જેતપુર 

 


મંગળવાર, 29 સપ્ટેમ્બર, 2015

JETPUR AVSAAN NONDH 29-9-2015 અવસાન નોંધ : જેતપુર : તા.૨૯-૯-૨૦૧૫

અવસાન નોંધ : જેતપુર : તા.૨૯-૯-૨૦૧૫

જેતપુર: જુનાગઢ નિવાસી બ્રહ્મક્ષત્રીય પ્રભુદાસભાઈ હરજીવનદાસભાઈ વાઢેર(ઉ.વ.૮૦) તે સ્વ.રમણીકભાઈના મોટાભાઈ, મુનીષભાઈ રમણીકલાલ વાઢેરના ભાઈજી તા. ૨૬ નારોજ શ્રીજીચરણ પામેલ છે. પ્રાર્થનાસભા તા.૧-૧૦. ને ગુરુવારે, સાંજે ૫ થી ૬, મોતીવાલા બિલ્ડીંગ, બ્લોક નંબર ૧૦૪, ફૂલવાડી ભાદર રોડ, જેતપુર ખાતે રાખેલ છે.

કશ્યપ જે. જોશી જેતપુર જેતલસર ૯૯૭૪૨૬૨૮૧૨


સોમવાર, 28 સપ્ટેમ્બર, 2015

જેતપુરના ધોરાજી રોડ પરના અનેક વિસ્તારો વાયુ પ્રદુષણના અજગર ભરડામાં ??! અનસન ઉપવાસ આંદોલનના ૭ માં દિવસમાં પ્રવેશેલા વૃદ્ધની ફરિયાદ બહેરા તંત્રના કાને અથડાઈ પાછી ફરે છે !?

જેતપુરના ધોરાજી રોડ પરના અનેક વિસ્તારો વાયુ પ્રદુષણના અજગર ભરડામાં ??!

અનસન ઉપવાસ આંદોલનના ૭ માં દિવસમાં પ્રવેશેલા 

વૃદ્ધની ફરિયાદ બહેરા તંત્રના કાને અથડાઈ પાછી ફરે છે !?

 જેતલસર તા. ૨૮ (કશ્યપ જોશી દ્વારા)

જેતપુરના ધોરાજી રોડ પરના અનેક સંલગ્ન વિસ્તારોને વાયુ પ્રદુષણથી મુક્ત કરાવવાની માંગ સાથે અહીના વલ્લભભાઈ આંબલીયા નામના વૃદ્ધે છેડેલ અનસન ઉપવાસ આંદોલનના આજે ૭ માં દિવસે પણ તેઓને માત્ર લુખ્ખા વચનોજ મળ્યા હોવાનો એક આક્ષેપ મુલાકાત દરમિયાન વલ્લભભાઈએ ઉચ્ચાર્યો હતો.

 

મળતી વિગતો મુજબ જેતપુરના ધોરાજી રોડ પર આવેલા વિરાશક્તિ આશ્રમ, પટેલ નગર, ધરમ વાડી, તીરુપત્તી બાલાજી, નયન પાર્ક, પંચવટી સોસાઈટી, સુદામા નગર, પંચમીયા હોસ્પિટલ વિસ્તાર, હાજી દાઉદ હોસ્પિટલ વિસ્તાર વેગેરે લતાઓની પ્રજા વર્ષો થયા અમુક સાડી એકમોની બેધારી નીતિને કારે ફેલાતા વાયુ પ્રદુષણના અજગર ભરડામાં આવી ગઈ હોય, આવું વાયુ પ્રદુષણ તાત્કાલિક બંધ કરાવવાની માંગ સાથે અહીના વલ્લભભાઈ એચ. આંબલીયા નામના વૃદ્ધે મામલતદાર કચેરી પાસે માંડવો નાખી અનસન ઉપવાસ આંદોલન છેડ્યું છે.

 

આ વાતને આજે સાત સાત દિવસ થઇ ગયા હોવા છતાં આ પ્રશ્ન હાલ કરાવવાની જેઓની જવાબદારી છે તેઓ રીતસરની સંતા કૂકડી રમતા હોય, કોઈ આગળની કાર્યવાહી ના કરતા હોવાનો ઉપવાસીનો આક્ષેપ છે. આ તકે ઉપવાસીએ એમ પણ જણાવેલ કે સ્થાનિક પાણી પ્રદુષણ નિયંત્રણ બોર્ડ કચેરીના કાર્યવાહોકોએ તેમની છાવણીની મુલાકાત લઇ આગામી તા.૧૫-૧૦. સુધીમાં યોગ્ય કરવાની ખાતરી આપી છે. પણ તેઓએ પા.પ્ર.ની.બો.કચેરીના સત્તાધીશોને એવું જણાવેલ કે ૧૫-૧૦ સુધીમાં આ સમસ્યા હલ થઇ જશે તો તેઓ તા.૧૬-૧૦. થી ઉપવાસ આંદોલન સંકેલી લેશે.

 

અત્રે એ નોંધનીય છે કે ભૂતકાળમાં જતીન દેગડા નામના યુવાને પણ આ બારાની લગભગ તમામ લાગતાવળગતા સત્તાધીશોને લેખિત રજુઆતો કરી હતી. પણ કોઈ ન્યાયી જવાબ ક્યાયથી તેમને મળ્યો ના હતો, હવે વલ્લભભાઈ આમ્બલીયાએ આ પ્રશ્ન હાથમાં લઇ ગાંધીગીરી ચાલુ કરી છે. સમયજ બતાવશે કે આ ઉપવાસીનું કોઈ સાંભળશે કે નહિ ??

 

બોક્સ: સમસ્યા શું છે ?

જેતપુર: વર્તમાન ઉપવાસી વલ્લભભાઈ તથા અગાઉ રજૂઆત કરનાર જતીન એમ બંનેનું કહેવું છે કે શહેરના ધોરાજી રોડ પણ અનેક સાડીના એકમો આવેલા છે. આ તમામ કારખાનાના બોઇલરની ઉંચી ચીમનીઓમાંથી ઝેર ઓકતો ધુમાડો ઝેરી વાયુ પ્રદુષણ ફેલાવી રહી હોય આ રોડ પર રહેનાર ઉપરોક લત્તાવાસીઓ ત્રાસી ગયા છે. જાણકારો કહે છે સાડી કારખાનાઓના બોઈલરોમાં લિગ્નાઈટના વપરાશ સામે હાઇકોર્ટે સદંતર પાબંધી ફરમાવી માત્ર બાયોકોલ વાપરવાની છૂટ આપી છે. જેતપુર ડાઈંગ એશોશીયેશન સુત્રોએ પણ કોર્ટની આ ગાઈડલાઈન સખ્તપણે પાળવાની તમામ કારખાનેદારોએ સૂચનાઓ આપી દીધી છે. આમ છતાં અમુક કારખાનેદારો પોતાનું ધાર્યું કરતા હોય અહી કાળા ધુમાડાનો અને ઝેરી વાયુ પ્રદુષણનો પ્રશ્ન ઉદ્ભવ્યો છે.

 

બોક્સ: મહિલાઓ કાળઝાળ ! આવો અમારા મકાનની છત ઉપર ખબર પડે, શું તકલીફ છે ?

જેતપુર : વાયુ પ્રદુષણ પ્રશ્ને ૭ દિવસ થયા અનસન ઉપવાસ આંદોલલન છેડી ચુકેલા શહેરના વૃદ્ધ વલ્લભભાઈ આંબલીયાની હિંમતને ધન્યવાદ આપવા અને તેમના આંદોલનને સમર્થન આપવા અહી રોજ ધોરાજી રોડ પર રહેતી મહિલાઓના ટોળા આવે છે. અને મામલતદારને રજુઆતો કરે છે કે સાહેબ, આવો અમારા રહેણાંક મકાનોની અગાસીઓ પર, સવારે ઉઠીને જુઓ તો કાળી ભૂકીની ચાદર છવાઈ ગઈ હોય છે, અમારે અમારા મકાનોની અગાશીમાં રાત્રીના કે દિવસના હરવું, ફરવું, સુવું કે બેસવું કઠીન થઇ ગયું છે. અગાસીઓ પર વસ્ત્રો સુકવી નથી શકાતા, મકાનોના બારી બારણા ઉપર કાળી મેશ લાગી જતી હોય સાફ કરી કરીને થાકી જઈએ છીએ. પણ આવી રોજીંદી તકલીફ, સમસ્યા હવે સહન નાં થતી હોય, આ પ્રશ્ન તાકીદે હલ કરવો જરૂરી છે.

ફોટો અને સમાચાર : કશ્યપ જે. જોશી જેતલસર જેતપુર

 

 

 

 

આમાં કચરો કેમ નાંખવો ??

જેતપુરના એસટી બસસ્ટેન્ડમાં આજે એક ડસ્ટબિન ઉંધે માથે રખડતું જોવા મળ્યું હતું. આ ડસ્ટબિન ઉપર લખેલ છે કે ''કચરો મને આપો '' પણ આ કચરા પેટીની આવી હાલત જોઇને તેમાં કચરો નાંખવા ઇચ્છતો મુસાફર પણ ગુસ્સામાં આવીને કચરો બહાર ફેંકી મનમાં એવું બબડી રહ્યો છે કે આમાં કચરો કેમ નાંખવો ? સંબધિત તંત્ર એ આવી ડસ્ટબિન મૂકી તે એક સ્વચ્છતા અભિયાનનો ભાગ ગણાવી શકાય, પણ તેની જાણવણી તો તંત્રની જ ગણાય કે બીજા કોઈની ? રામ જાને !!!

(ફોટો લાઈન : કશ્યપ જોશી જેતપુર )

 

જેતપુર તાલુકાના ઉમરાળી ગામે ખેડૂત શિબિર  યોજાઈ : ૨૦૦ ખેડૂતોએ સમજણ પ્રાપ્ત કરી..

જેતપુર તા. ૨૮

 

જેતપુર તાલુકાના ઉમરાળી ગામે તાજેતરમાં એક ખેડૂત શિબિર યોજવામાં આવી હતી. જેનો ૨૦૦ ખેડૂતોએ રસપૂર્વક લાભ લીધો હતો. જીએસએફસીના કે.જી.કોરાટ, એચ.એલ. ગીનોયા, વી.જે. વાછાણી, ખુંટ, ડી.એમ.વાળા, કટારીયા વિગેરેએ ગામના સરપંચ જયેશભાઈ સાવલિયા સહિતના ખેડૂતો અને ગ્રામજનોની હાજરીમાં ગામના જગદીશભાઈ રાંક દ્વારા ટપક પધ્ધતિથી વાવેતર કરાયેલ તરબૂચના પાકનું વિશેષ માર્ગદર્શન આપ્યું હતું.  આ સિવાય કૃષિ અધિકારીઓએ બાગાયત ખેતીની સમજણ, કપાસમાં આવતી ગુલાબી ઈયળને અટકાવવાના ઉપાયો, રાસાયણિક ખતરો વિશેની માહિતી,  જમીનમાં ખૂટતી ઉણપને કેમ દુર કરવી વિગેરે બાબતે અસરકારક માર્ગદર્શન આપ્યું હતું. આ શિબિરનો ઉમરાળી ઉપરાંત ત્રાકુડા, આંબરડી, મેવાસા અને હરીપર વિગેરે ગામોના ખેડૂતોએ બહોળી સંખ્યામાં લાભ લીધો હતો.

ફોટો અને સમાચાર : કશ્યપ જે. જોશી જેતલસર જેતપુર