જેતપુર તાલુકા-જીલ્લા પંચાયત બેઠકના
ઉમેદવારોની જેતપુરમાં રવિવારે સેન્સ લેવાશે
જેતપુર તા.૧ (કશ્યપ જે.જોશી દ્વારા)
જેતપુર તાલુકા પંચાયતની ચુંટણીના પડધમ વાગી રહ્યા છે. સાથે સાથે જીલ્લા પંચાયત બેઠકોના ઉમેદવારોની પણ ચુંટણી હોય, જેતપુર ખાતે આગામી તા. ૪ ને રવિવારના રોજ બપોરે ૨ થી ૬ વાગ્યા દરમિયાન અમરનગર રોડ પર આવેલ સ્વામીનારાયણ ગુરુકુળ શાળા ખાતે એક અગત્યની બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. આ અંગે જેતપુર તાલુકા કોંગ્રેસના પ્રમુખ બચુભાઈ નારણભાઈ હીરપરાએ જણાવેલ કે આ બેઠકમાં જેતપુરના શહેનાઝબેન બાબી, રાજકોટના ચંદુભાઈ શિંગાળા અને જુનાગઢના મુકેશભાઈ ધોળકિયા હાજર રહી જેતપુર તાલુકા પંચાયત તથા જીલ્લા પંચાયતની ચુંટણીના ઉમેદવારોની સેન્સ લેશે. જે બેઠકમાં કોંગીજનોએ હાજરી આપવા અનુરોધ કરાયો છે. (કશ્યપ જે.જોશી દ્વારા)
રવિવારે જેતપુરમાં બાળકોની
સલામતી અંગેનો સેમીનાર...
જેતપુર તા.૧ (કશ્યપ જે.જોશી દ્વારા)
તા. ૪ ને રવિવારના રોજ જેતપુર ખાતે જેતપુર એકેડેમી દ્વારા જેતપુર ડાઈંગ એશોસિયેશન, ચેમ્બર ઓફ કોમર્સ અને માર્કેટ યાર્ડના સયુંકત ઉપક્રમે બાળકોની સલામતી પરત્વેના એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હોવાનું હિરેનભાઈ વ્યાસ જણાવે છે.
શહેરના જુનાગઢ રોડ સ્થિત રોટરી હોલ ખાતે સાંજે ૫ થી ૭ દરમિયાન રાજ્યમંત્રી જયેશભાઈ રાદડિયાના અધ્યક્ષસ્થાને યોજાનાર આ સેમિનારના ઉદ્ઘાટક તરીકે રાજકોટ જીલ્લા પોલીસવડા ગગનદીપ ગંભીર હાજર રહેશે. જ્યારે વક્તા તરીકે નિવૃત આર્મી ઓફિસર કેપ્ટન જયદેવભાઈ જોશી હાજર રહીને સાંપ્રત સમયમાં બાળકોની સલામતી માટે વાલીઓએ કઈ કઈ વાતની તકેદારીઓ રાખવી જોઈએ ? કેવી સભાનતા દાખવીએ તો બાળકો સંપૂર્ણ સલામતી હેઠળ હરી, ફરી, રમી અને જીવી શકે તે બાબતે ઊંડાણપૂર્વક વક્તવ્ય આપશે.
જેતપુર શહેર ભાજપ મહિલા મોરચોના પ્રમુખ સોનલ રાતોજા કહે છે
નશીલા પદાર્થોના વેંચાણમાં પરપ્રાંતીઓનો હાથ
પોલીસ નહિ જાગે તો જેતપુરમાં 'બિહાર' સર્જાશે ?
જેતપુર તા.૧ (કશ્યપ જે.જોશી દ્વારા)
જેતપુર શહેરનો જગવિખ્યાત સાડી ઉદ્યોગ પરપ્રાંતીય લોકોનો રીતસરનો આશરો બન્યો હોય, આવા પરપ્રાન્તીયો સીધી રીતે આવક રળવાને બદલે નશીલા પદાર્થો વેંચતા થઇ ગયા હોય, જો પોલીસ સમયસર નહિ જાગે તો જેતપુરમાં ''બિહાર'' સર્જાવાની ભીતિ સ્થાનિક ભાજપ મહિલા મોર્ચોના પ્રમુખ સોનલ રાતોજાએ વ્યકત કરી છે.
સ્થાનિક પોલીસથી માંડીને છેક વડાપ્રધાન મોદી સુધી લેખિતમાં રજૂઆત કરનાર આ મહિલા આગેવાન કહે છે કે અહીના સાડી ઉદ્યોગ જેવી ક્યાય આવક થતી ના હોય, સૌથી વધુ રોજગારી પ્રાપ્ત થતી હોય, અહી સૌરાષ્ટ્ર ગુજરાત સહીત અન્ય રાજ્યોના મજુરો પણ આવીને, વસી, જીવન નિર્વાહની રોજગારી પ્રાપ્ત કરી રહ્યા છે.
પણ હાથીની તમામ આંગળીઓ સરખી ના હોય તેમ અમુક પરપ્રાંતીઓ સાડી કારખાનામાં મજુરી સાથે ચરસ, ગાંજો, અફીણ જેવા નશીલા પદાર્થો વેંચતા થઇ ગયા હોય, શહેરની યુવાપેઢી પાયમાલીમાં ગરક થઇ રહી છે.
મહિલા આગેવાને એક એવી પણ દહેશત વ્યક્ત કરી છે કે જાણ્યે અજાણ્યે બિહાર, યુપી, એમપી, રાજસ્થાન, મહારાષ્ટ્ર અને ઓરિસ્સા જેવા રાજ્યોમાં નાના મોટા ગુનાઓમાં સંડોવાયેલા અમુક પરપ્રાન્તીઓ અહી પણ ગુનાઓ આચરતા હોવાના અનેક બનાવો બન્યા છે, અને બની રહ્યા છે. પરપ્રાંતીઓ જ્યાં આશ્રય લઈને બેઠા છે તેવા સ્થળ સંચાલકો આવા મજુરોના નામ, સરનામાં સહિતના સરકારી પુરાવાઓ એકત્ર કરવામાં કે રાખવામાં ઢીલ દાખવતા હોય, જેતપુર શહેર અને પંથકમાં અન્ય રાજ્યો જેવી ગુનાખોરી વકરવાનો ભય તોળાઈ રહ્યો છે. ત્યારે જેતપુર શહેરની આવી પરિસ્થિતિ જોઇને તાકીદે ઘટતા પગલા લેવામાં આવે તેવું મહિલા આગેવાનનું કહેવું છે.
(કશ્યપ જે. જોશી જેતપુર જેતલસર )
જેતપુરના ખોડપરા વિસ્તારમાં ચાલતા નબળા ભૂગર્ભકામને રોકાવતા લત્તાવાસીઓ
પાલિકા ઉપપ્રમુખે મધ્યસ્થી બની નવેસરથી ભૂગર્ભ ગટરનું કામ શરુ કરાવતા સર્વત્ર સરાહના
જેતપુર તા.૧ (કશ્યપ જોશી દ્વ્રારા)
જેતપુર શહેરના ખોડપરા વિસ્તારમાં આજે ભારે ગેરરીતી અને ધારાધોરણ બનાવાતા ભૂગર્ભ ગટરના કામ બાબતે લત્તાવાસીઓને એકજુટ થઈને રોકાવતા પાલિકા તંત્રના સંબંધિતો દોડતા થઇ ગયા હતા, જો કે પાલિકાના ઉપ પ્રમુખ પ્રમોદ ત્રાળાએ ઘટના સ્થળે દોડી જઈ, નબળું કામ રોકાવી નવેસરથી સારું કામ શરુ કરાવતા લત્તાવાસીઓમાં રાજીપો છવાયો હતો.
મળતી વિગતો મુજબ જેતપુર શહેરના ખોડપરા વિસ્તારમાં નીતિ નિયમોને નેવે ચડાવી ભૂગર્ભ ગટરની કામગીરી કરાતી હોવાની ગંધ પારખી ગયેલા કિશોરભાઈ સહિતના આગેવાનોએ દરમિયાનગીરી કરતા ગટરનું કામ રોકાઈ ગયું હતું. આ વાતની જાણ થતા જ જેતપુર નગર પાલિકાના ઉપ પ્રમુખ પ્રમોદભાઈ ત્રાડા સહીતન સંબંધિતો ઘટના સ્થળે દોડી જઈ તપાસ કરતા આ કામમાં ખરેખાર લોટ, પાણી ને લાકડા જેવી નીતિ સંબંધિત કોન્ટ્રાકટર દ્વારા અપનાવતી હોવાનું બહાર આવ્યું હતું.
લત્તાવાસીઓને ફરિયાદ કરતા જણાવેલ કે ભૂગર્ભ ગટરના ઢાંકણ રોડ કરતા ઊંચા હોય, આ વાત રાહદારીઓ અને વાહનચાલકો માટે કાયમી સમસ્યારૂપ બને તેમ હતી. પણ અંતે પાલિકાના ઉપ પ્રમુખ ત્રાડાએ મધ્યસ્થી કરી ફરિયાદના નિવારણ રૂપે નવું કામ શરુ કરાવતા લત્તાવાસીઓમાં આનંદ છવાયો હતો.
ફોટો અને સમાચાર : કશ્યપ જે. જોશી જેતલસર જેતપુર
ખાનગી ડ્રેસમાં પોલીસ રોફ જમાવી ગઈ ને વાહનોનો ખડકલો થઇ ગયો !
મારી સાઈડ કેમ કાપી ? કહી એસટી બસની ચાવી લઇ ભેદી પોલીસમેન છું થઇ ગયો !
એસટી ડ્રાઈવર વલ્લભભાઈ ભાદરકાએ શહેર પોલીસમાં અરજી કરતા પોલીસે હાથ ધરી તપાસ
એકાદ કલાક ટળવળેલા બસના મુસાફરોમાં રોષ, પકડી લેવોતો ને અમે ઠીક કરી દેત !!
જેતપુર તા. ૧ (કશ્યપ જોશી દ્વારા)
આજે સવારે સાઈડ ઓવરટેઈક કરવા મુદ્દે એક ભેદી પોલીસમેને એસટીની બસને જુનાગઢ રોડ પર આંતરી, બસની ચાવી લઈને છું થઇ ગયાની ઘટમાં બસના મુસાફરો લગભગ કલાકેક ભારે હેરાન પરેશાન થયાની ઘટના શહેર પોલીસ દફતરે પહોચતા પોલીસે સુરત પાસિંગની કારની તપાસ હાથ ધરી છે.
મળતી વિગતો મુજબ આજે સવારે સાડા દસ વાગ્યાની આસપાસ જેતપુરથી નીકળેલી રાજકોટ જુનાગઢ રૂટની એસટી બસ અહીના જુનાગઢ રોડ પર આવેલ રેલ્વે ફાટક પાસે પહોચી ત્યારે ''મારી ઓવરટેક કેમ કરી ? હું પોલીસવાળો છું ! તેવું કહી સુરત પાસિંગની જીજે ૫ સીબી ૩૮૨૬ નંબરની વેગનકાર ચાલકે રીતસરનો રોફ જમાવી સતત એક કલાક ટ્રાફિક જામ કરી દેતા બસના મુસાફરો રીતસરના ટળવલ્યા હતા.
જુનાગઢ રોડ પર રેલ્વે ફાટક પાસેજ જામ થયેલા ટ્રાફિક બાબતે વિગતો આપતા એસટી બસના ચાલક વલ્લભભાઈ ભાદરકાએ જણાવેલ કે ઉપરોક્ત નંબરની વેગન આર કારના આગળના ભાગે પોલીસ લખેલી નેઈમ પ્લેટવાળી કારના ચાલકે તેમને બેફામ ગાળો ભાંડી બસની ચાવી લઈને જતો રહ્યો હતો. આ બાબતે તેમણે સૌ પ્રથમ જેતપુરના એસટી ડેપો મેનેજરને અને પછી પોલીસને જાણ કરી પોતાની સાથે કહેવાતા અને ગણાવાતા પોલીસમેનની દાદાગીરીની વિગતો આપી હતી.
બીજીબાજુ ચાવી વગર બંધ પડેલી એસટી બસને બસના મુસાફરોએ રેલ્વે પરથી ખસેડી ફાટક વચ્ચેજ ઉભી રાખી દેતા જેતપુરથી ફાટક સુધી અને રેલ્વે ફાટકથી જેતલસર બાજુના જુનાગઢ રોડ પર એક એક કિમી વાહનોના ખડકલા થઇ ગયા હતા. એસટી બસ ચાલકે એવું પણ જણાવેલ કે પોતાને પોલીસ ગણાવતા તે કાર ચાલક રસ્તે ઉભેલા એક રાહદારીને બસની ચાવી આપી જુનાગઢ તરફ નાશી છૂટ્યો હતો. જેતપુર પોલીસે ઉપરોક ચાલક ખરેખર પોલીસમેન હતો કે કેમ ? તેની તપાસ કરે તેવી એસટી ડ્રાઈવર આલમમાં માંગ કરાઈ છે.
દરમિયાન જેતપુર શહેર પોલીસ થાણે જઈને એસટી બસ ચાલક વલ્લભભાઈ ભાદરકાએ કહેવાતા પોલીસમેન વિરુદ્ધ અરજી આપી તપાસની માંગ કરી, કાર ચાલકને શોધી કાઢી તેમની સામે ગુનો નોંધવા જણાવ્યું હતું. જો કે જેતપુર શહેર પોલીસનો સાંજે ૬-૧૧ વાગ્યે ફોન ઉપાડનાર પોલીસમેન કે પીએસઓ એ આ વાતને અમુક પત્રકારો સમક્ષ ઉડાવી દઈને આ બનાવમાં સમાધાન થઇ ગયાની કેસેટ વગાડી હતી.
આ બાબતે જે હોય તે પણ બસના મુસાફરો એક કલાક સુધી પરેસેવે રેબઝેબ બની એવો રોષ ઠાલવતા સાંભળવા મળ્યા હતા કે અમોને કહેવું હતું ને કોણ હતો એ કાર ચાલક, અમે ઠીક કરી દેત !!
ફોટો અને સમાચાર : કશ્યપ જે. જોશી જેતલસર જેતપુર





























