અટકેલા વિકાસના કામો અને સમસ્યાઓથી ઘેરાયેલ જેતપુર શહેરને ઉગારવા પાલિકા સદસ્યની ચીફ ઓફિસરને લેખિત રજૂઆત
શહેરમાં માઝા મૂકતી ગંદકી, ગોબરા બગીચાની હાલત સુધારવા, પાણી લીકેજીંગ બંધ કરવા, રોડ રસ્તા સુધારવા, અને બંધ લાઈટો ચાલુ કરવા માંગ.
જેતપુર તા.15
જેતપુર શહેરમાં અનેકવિધ સમસ્યાઓ અને પ્રશ્નોનું તાકીદે નિવારણ લાવવા પાલિકા સદસ્ય અશોકભાઈ મંગલાણીએ ચીફ ઓફિસરને લેખિતમાં રજૂઆત કરી જણાવ્યું છે.
અરજદારે રજુઆતમાં જણાવ્યું છે કે શહેરમાં આવેલા મોટાભાગના બાગ બગીચાની માવજત માટે તંત્ર સદંતર નિષ્ફળ રહ્યું હોય તેમ બગીચામાં કોઈ સાફ સફાઈ થતી નથી, ઘાંસ કપાતું નથી, તૂટેલા બાંકડા રીપેર કરતા નથી, પાણીના ફુવારા બંધ છે તો લાઈટો લબુક ઝબુક થયા કરે છે.
શહેરમાં 300 જગ્યાએ પાણીની પાઈપલાઈનોમાં લીકેજીંગ હોય, લાખો ગેલન પાણીનો બગાડ થતો હોવાનો અશોકભાઈનો આક્ષેપ છે. એક તો ત્રણ ચાર દિવસે પાણી વિતરણ કરાય છે અને લીકેજીંગ રીપેર કરવા તંત્ર સમજતું નથી..આ વાત સામે તંત્ર જૂની કેસેટ વગાડે છે કે માણસો નથી, તો તાજેતરમાં 60 થી 70 માણસોને છુટા કરવાનું શું કારણ ? તેવો અરજદારનો અણીયારો પ્રશ્ન છે.
પાલિકાની બાંધકામ શાખા ઘોર નિંદ્રામાં પડી હોઈ તેમ શહેરના મોટાભાગના રોડ રસ્તાઓ પર નાના મોટા ખાડા બુરવા કોઈ દિવસ પ્રયાસ હાથ ધરાતો નથી. ઘણા સમય થયા આ શાખામાં નાનું મોટું પરચુરણ કામો કરી રહેલા અમુક મજુરોને છુટા કરી તંત્રે હાથે કરીને રોડ રસ્તાની હાલત ના સુધારવી હોય તેવી નીતિ અખત્યાર કરી છે.
હેરના મતવા શેરીની સામે આવેલ મુતરડી સહીત અનેક જગ્યાએ ખદબદતી ગંદકીથી પ્રજા ત્રાસી ગઈ છે. કચરાનો કોન્ટ્રાક્ટ શહેરમાં અમલી છે કે નહિ ? તે અરજદારને સમજાતું નથી. સફાઈ બાબતે જેતપુર પાલિકાને એવોર્ડ મળેલ છે, પણ આ એવોર્ડની આબરૂ વધારવાને બદલે સંબંધિતો કોઈ બીજા જ વહીવટમાં પડ્યા હોવાનો અશોકભાઈનો આક્ષેપ છે. પ્રજાને સફાઈ કર ભરવાનું માથે પડે છે કારણ રહેણાંક મકાનોના અને દુકાનોના આસામીઓ તો પોત પોતાના આંગણા જાતેજ સાફ કરે છે.
શહેરની એવી કોઈ ગલી કે નાકું નથી કે જ્યાં ખોદાયેલા રોડ ના હોય, તંત્રને જયારે રજુઆત કરાય છે ત્યારે જવાબ મળે છે કે તે ભૂગર્ભ ગટર બનાવતા તંત્રે કર્યું છે ! તો શું આવી કામગીરીનો કોન્ટ્રાક્ટ રાખનાર સંબંધિતોને શહેરના રોડ રસ્તાઓની આવી હાલત કરી દેવાની છૂટ અપાઈ હશે કે શું ? પાલિકા તંત્ર તેઓને કાઈ કહી ના શકે ? તેવો રાજુઆતકર્તાનો પ્રશ્ન છે.
શહેરના મોટાભાગના રોડ રસ્તા પર સોડીયમ લેમ્પ ઉતારી એલઈડી લાઈટો લગાવાઈ છે, પણ આ લાઈટો પુરતો પ્રકાશ નાં આપતી હોય રોડ પર અંધારા ઉતરી આવ્યા છે. તંત્રે આ બાબતે તાત્કાલિક કોઈ બીજો નિર્ણય લઈને પુરતી લાઈટ વ્યવસ્થા કરવી જોઈએ.
બોક્સ: સૌથી વધુ કરવેરા ભરતા સાડી ઉદ્યોગને સુવિધામાં મીંડું !
જેતપુર : અરજદાર પાલિકા સદસ્ય અશોકભાઈ મંગલાણી સૌથી મહત્વના અને પાલિકા તંત્રને નીચાજોણું થાય તેવો પ્રશ્ન રજુ કરતા જણાવેલ છે કે રહેણાંક વિસ્તારમાં તો ઠીક કોઈ સુવિધાના ઠેકાણા નથી પણ સૌથી વધુ હાઉસટેક્સ, શિક્ષણ ઉપકર, સફાઈ અંને દીવાબત્તી સહીત તમામ કરવેરા ભરનાર જેતપુર સાડી ઉદ્યોગના કારખાના સુધી પહોંચવા પાલિકા તંત્રએ કોઈ દિવસ કોઈ રોડ રસ્તા બનાવ્યા નથી.
બોક્સ: તો..આત્મવિલોપન કરતા પણ અચકાઈશ નહિ !!
જેતપુર: જેતપુર પાલિકાના સદસ્ય અશોકભાઈ મંગલાણીએ રજુઆતમાં જણાવ્યું છે કે જેતપુર શહેરને કોરી ખાતા ઉપરોક્ત પ્રશ્નો પરત્વે તેઓએ પાલિકાના ચીફ ઓફિસરને અનેક વખત રજુઆતો કરી છે પણ તંત્ર જાણી જોઇને આંખ આડા કાન કરતુ હોય જો તેઓના પ્રશ્નો તાત્કાલિક હલ નહિ કરાય તો તેઓ આંદોલન અને આત્મવિલોપન કરતા પણ અચકાશે નહિ !
કશ્યપ જે. જોશી જેતલસર જેતપુર 9974262812