પ્રેમીને પામવા પાડોશી વૃદ્ધાને સળગાવી, મારી નાંખી પોતાની આત્મહત્યાની સ્ટોરી ઘડનાર રૂપાવટીની હત્યારીનને આજીવન કેદની સજા ફટકારતી જેતપુરની
સેશન્સ કોર્ટ, પ્રેમીને શંકાનો લાભ આપી નિર્દોષ છોડી મુક્યો !!
ભર સંસારને દોઝખ બનાવી પ્રેમાંધ 2 સંતાનોની માતાને જેતપુરની કોર્ટે 39 મહીને આજીવન કેદ ઠપકારતા પુનઃ ચકચાર !
જેતપુર તા.31 (કશ્યપ જોશી દ્વારા )
જેતપુરના રૂપાવટી ગામે પ્રેમાંધ બનેલી એક કાઠી પરિણીતાને વૃદ્ધાની ચકચારી હત્યા સબબ તકસીરવાર ઠેરવી જેતપુરની સેશન્સ કોર્ટે આજીવન કેદની સજા ફટકારતા ચકચાર જાગી છે, તો આ બનાવમાં જેના પ્રેમમાં પડી પાડોશી વૃદ્ધાને પરલોક પહોચાડવા તૈયાર થયેલી પ્રેમિકાના પ્રેમીને કોર્ટે શંકાનો લાભ આપી નિર્દોષ છોડી મુકવાનો હુકમ કર્યો હતો.
પ્રેમને કોઈ નાત, જાત, ઉમર, કે હદના શીમાંડા નડતા નથી તો ઘણી વાર ભર્યા ભાદર્યાં સંસારમાં આગ લગાડી શક્તિ સ્વરૂપ સ્ત્રી કેટલી નીચ અધમતાની હદ વટાવી દે છે ? તે તમામ કુવાતો પર પ્રકાશ ફેંકતી, જેતપુર તાલુકાના, જેતલસર પંથકના રૂપાવટી ગામે બનેલી અત્યંત ચકચારી ઘટનાની ભીતરમાં જઈએ તો આજથી 39 મહિના પહેલા મનીષાબેન ઉર્ફે મીનાબેન હરસુરભાઇ લખુભાઈ ખુમાણ નામની એક પુત્રની માતાએ સાસરિયામાં ત્રાસ જણાતો હોય, મોડી રાત્રીના તેમના ભાઈ ઉમેદભાઈને મોબાઈલ ઉપર કોલ કર્યો હતો.
પણ કોલ રીસીવ ના થતા મીના ભાઈ સુઈ ગયો હશે તેવા વિચારે મોડી રાત સુધી જાગતી હતી. તેવામાં મોબાઈલ ઉપર રીંગ આવતા મીનાએ રીસીવ કરતા સામેથી ઉમેદભાઈ નહિ પણ માણાવદર તાલુકાના મિતિ(મીટડી) ગામનો જેશા ગીગા મેર હોવાનું જણાવતા મીનાએ રોંગ નંબર લાગી ગયાની વાત દોહરાવી હતી.
પણ આટલી મોડી રાત્રે ભાઈને ફોન કરવાનું કારણ શું ? તે જેસાએ જાણવાની કોશિશ કરતા મીનાએ સાસરિયાઓનો ત્રાસ હોવાની કેફિયત વર્ણવી હતી.
બીજીબાજુ દુખી મીનાનો સધિયારો બનવા યેન કેન પ્રકારે જેસા ગીગાએ મોબાઈલ પર મીના સાથે વાત કરવાનું ચાલુ રાખતા બેનને એકમેકના પ્રેમમાં પડી ગયા હતા. જેસાએ પણ પોતાને પત્ની યેનકેન પ્રકારે હેરાન કરતી હોય, મુકીને ચાલી ગઈ હોવાની વાત દોહરાવતા, બંને જણા સંસારથી દુખી હોવાની એકબીજાએ કબુલાત કરી હતી.
આવા સમયે બંનેએ એક થવા મીનાએ પોતાની આત્મહત્યાની સ્ટોરી ઉભી કરવા કાવતરું રચ્યું હતું. જે કાવતરામાં પડોશમાં જ રહેતા એક જૈફ વયના વૃદ્ધાને નિશાન બનાવી મીનાએ ધાર્યું કામ પાર પાડી પ્રેમી જેશા પાસે ચાલી ગઈ હતી.
બોક્સ: મીનાએ પાડોશી વૃદ્ધાને ઠંડા કલેજે પરલોક પહોચાડ્યા !
જેતપુર: પ્રેમી જેશો હવે સાચવી જ લેશે તેવી ગળા સુધીનો વિશ્વાસ કરી બેસેલી મીનાએ પાડોશી વૃધ્ધા જીવુબેન(ઉ.વ.90 થી 95) ને 26.6.2011 ના રોજ તેમનાજ ગળાટુંપો દઈ, મોતને ઘાટ ઉતાર્યા બાદ જીવુબેનની લાશને ખંભા પર ઊંચકી, મીનાએ તેમના ઘરના દોર બાંધવાના વાડામાં પહોચાડી, સળગાવી દઈ, પોતાના કપડા જીવુબેનની કોલસા જેવી સળગી ગયેલી લાશને પહેરાવી, પોતાની આત્મહત્યાની સ્ટોરી ખડી કરી, નક્કી કર્યા મુજબ જેસા ગીગા મેર સાથે નાશી છૂટતા પોલીસે આ સમયે એડી મુજબનો બનાવ નોંધી તપાસનો ધમધમાટ ચાલુ કર્યો હતો.
આખા રૂપાવટી ગામની જનતાને એમ જ હતું કે મીનાએ આત્મહત્યા કરી લીધી, પણ પાપ છાપરે ચડીને પોકાર્યું ત્યારે ભલભલા કઠણ કાળજાના માનવીના દિલ ધ્રુજી ઉઠ્યા હતા.
બોક્સ: વૃદ્ધાની હત્યાનો ભેદ કેમ ઉકેલાયો ??!
જેતપુર: મીનાના પાડોશી અને વર્ષો થયા એકલવાયું જીવન જીવતા જીવુંમાં સરકારની અંત્યોદય સહાય નું પેન્શન મેળવતા હતા. પણ તેમને વર્ષો થયા બે ટંકનું ભોજન મીનાના પતિ હરસુરભાઇ લખુભાઈ ખુમાણના ઘરેથી પહોચાડતું હોય, દેવુંમાં મીના અને હરસુરભાઇને દીકરો અને પુત્રવધુજ મનોમન સમજતા. બીજીબાજુ ગામના માણસોમાં મીનાની આત્મહત્યાની ઘટનામાં કૈંક ખોટું રંધાઈ ગયાની લોકચર્ચાઓ જાણે અક્ષરસઃ સાચી પડી હોય તેમ અંત્યોદયનું પેન્શન આવતા પોસ્ટમાસ્તરે દેવુંમાં ભેદી સંજોગોમાં ગાયબ હોવાની સ્થાનિક પંચાયતને જાણ કરી હતી. પંચાયતે પણ અચરજ સાથે આ વૃદ્ધા ગુમ હોવાની જે તે સમયે તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા. જેમાં પોલીસને હત્યારીન મીના સુધી પહોંચવામાં ગજબની સફળતા મળી હતી.
બોક્સ: માણાવદરમાં મૈત્રીકરારથી રહેતી મીનાને પોલીસે ઝાલી લીધી !!
જેતપુર: રાજકોટ એલસીબી અને જેતપુર તાલુકા પોલીસની તપાસને સફળતા મળી હોય તેમ અંતે ગઈ તા. 11.11.2011 ના રોજ રૂપાવટીના દેવુબેનની હત્યાનો ગુનો નોંધી પોલીસે જીણવટભરી તપાસ ચાલુ કરી, મોબાઈલ લોકેશનો તપાસતા હત્યાનું પગેરું માણાવદર ખાતે પ્રેમી જેશા સાથે મૈત્રીકરારથી રહેતી મીના સુધી પહોંચતા મીનાને અહીંથી પોલીસે પકડી પાડી લાલ આંખ કરતા મીના ભાંગી પડી હતી અને સાસરીયાઓના ત્રાસથી છુટકારો મેળવવા જીવુબેનની હત્યાને પોતાની આત્મહત્યામાં ખપાવવા સિલસિલાબદ્ધ હકીકતો ઓંકી નાંખી હતી !
બોક્સ: નિર્દોષ સાસરીયાઓને પણ પોલીસ ફરિયાદમાં ફીટ કરાવ્યા !
જેતપુર: કોર્ટ સુત્રોએ જણાવેલ કે અગાઉ મીનાના પિતા જીલુભાઈ નાનુભાઈ બસીયાની ફરિયાદ પરથી પોતાની પુત્રીને જેતપુર તાલુકા પોલીસમાં શારીરિક માનશીક ત્રાસ અપાતો હોવાની ફરિયાદ નોંધાવતા મીનાના સસરા, સાસુ, પતિ અને દિયરને પોલીસ લોકઅપ ની હવા ખાવાનો વારો વિનાવાંકે સહવો પડ્યો હતો.
બોક્સ: હત્યા સમયે એક સંતાન, સજા સમયે મીનાને 2 સંતાન !
જેતપુર : પોલીસ અને કોર્ટસુત્રોએ જણાવેલ કે રૂપાવટીની મીનાએ જ્યારે વૃધ્ધાની હત્યાને અંજામ આપ્યો ત્યારે તેણી એક પુત્રની માતા હતી. આજે જયારે આજીવન કેદની સજા ફટકારાઇ ત્યારે એક ચાર મહિનાની નંદીની નામની પુત્રી સાથે કોર્ટમાં હાજર હતી. કોર્ટે હુકમમાં મીનાની અને ચાર માસની પુત્રીની દેખરેખ અને સાર સંભાળ માટે જેલસુત્રોને ખાસ તાકીદ કરી છે. મોટો પુત્ર મીનાના પતિ પાસે રહેશે અને ચાર માસની નંદીની માતા સાથે જેલમાં રહેનાર હોવાનું કોર્ટ સુત્રોએ જણાવેલ.
બોક્સ: હત્યારીનને ફટકારાયેલ સજામાં કેવી જોગવાઈઓ ??
જેતપુર: જેતપુરની સેશન્સ કોર્ટમાં આજે આ ચકચારી હત્યાનો કેઈસ ચાલ્યો તે વખતે સરકારી વકીલ વલ્લભભાઈ ડેંગરાની ધારદાર દલીલો અને વિવિધ કોર્ટના ચુકાદાઓ પરત્વેની રજુઆતો ધ્યાને લઇ સેશન્સ જજ એમ.કે. દવે એ મનિશા ઉર્ફે મીના હરસુર ખુમાણ(રહે.રૂપાવટી )ને ક્રિમીનલ પ્રોસીજર કોડની કલમ 235(2) અન્વયે જેતપુર તાલુકા પોલીસ સ્ટેશન ગુના રજી. નંબર 105/2011, ઈપીકો કલમ 302 મુજબના ગુના સબબ સખત આજીવન કેદની સજા તથા રૂ.5000 રોકડા દંડની સજા અને જો આરોપી દંડની રકમ ભરપાઈ ના કરે તો વધુ 1 વર્ષ ની સાદી કેદની સજાનો હુકુમ કર્યો હતો.
ઈપીકો કલમ 449 મુજબના ગુનામાં 10 વર્ષની સખત કેદની સજા અને રૂ.2000 દંડ, અને દંડ નાં ભારે તો વધુ એક વર્ષની સજાનો હુકમ કરાયો હતો, ઈપીકો કલમ 201 મુજબના ગુનામાં બે વર્ષની સખત કેદની સજા, તથા રૂ.1 હજારનો દંડ, અને દંડ નાં ભરે તો વધુ 3 માસની સાદી સજાનો હુકમ કરાયો હતો, ક્રિમીનલ કોડની કલમ 428 અન્વયે આરોપી મીનાને સાદર ગુનાના કામમાં કાચા કામના કેડી ભોગવેલ સજા આરોપીને મજરે આપવાનો દવે એ હુકમ કર્યો હતો.
જયારે આ કામે કબજે કરવામાં આવેલ મુદામાલ સોનું તથા રોકડ રૂ.15000 બાબતે ઇન્કવાયરી કરી સહ માલિકને સોંપવાનો હુકમ કરાયો હતો.
જયારે મીનાના પ્રેમી જેશા ગીગા મેર રહે.મિતિ, તા.માણાંવદર ને શંકાનો લાભ આપી જજ દવે એ નિર્દોષ છોડી મુકવાનો હુકમ કર્યો હતો. રૂપાવટીના આ ચકચારી હત્યા કેશના ચુકાદાને સાંભળવા સેસન્શ કોર્ટની બેઠક વ્યવસ્થા ભરચક હોવાનું જોવા મળ્યું હતું..
ફોટો અને સમાચાર કશ્યપ જોશી જેતપુર જેતલસર 9974262812