અનુયાયીઓ

શનિવાર, 24 જાન્યુઆરી, 2015

જેતપુર વોર્ડ નંબર 1 ની પેટા ચુંટણી માટે 11 ફોર્મ્સ ભરાયા

જેતપુર વોર્ડ નંબર 1 ની પેટા ચુંટણી માટે 11 ફોર્મ્સ ભરાયા
જેતલસર (જેતપુર) તા.24  કશ્યપ જોશી દ્વારા 
જેતપુરમાં વોર્ડ નં. 1 ની ખાલી પડેલી જગ્યા માટે યોજાનારી પેટા ચુંટણીમાં ઝંપલાવવા આજે 11 ઉમેદવારોએ ઉમેદવારી ફોર્મ ભર્યા હતા.
આ બાબતે મળી વિગતો મુજબ જેતપુર નવાગઢ નગરપાલિકાના વોર્ડ નં. 1 ના સદસ્ય રણમલભાઈ ઓડેદરાએ અંગત કારણોસર રાજીનામું આપતા આ બેઠક ખાલી થઇ હતી.
બક્ષી પંચ અનામત એવી આ બેઠક(વોર્ડ નં.1)ની પેટા ચુતાની આગામી 2.2.15 ના રોજ યોજાનાર છે. પણ આ પહેલા ફોર્મ ભરવાના આજે છેલ્લા દિવસે ભાજપ, કોંગ્રેસ અને અપક્ષો મળી કુલ 11 ઉમેદવારોએ ચુંટણી લડવા ફોર્મ્સ ભર્યા હતા. આ તમામ ફોર્મ્સ  27.1.15 ના રોજ ચકાસાશે, તા. 28 મી જાન્યુઆરી ફોર્મ પરત કરવાની છેલ્લી તારીખ નિયત કરાઈ છે. 
ખાસ કરીને આજે કોન્ગ્રેસ અને ભાજપ તેમજ અપક્ષ ઉમેદવારો પોતપોતાના સમર્થકો સાથે અત્રેની મામલતદર કચેરી ખાતે ફોર્મ ભરવા આવી પહોંચ્યા હતા. એક અચરજ ભરેલી અને ચર્ચાસ્પદ ભરેલી એક વાત મામલતદાર કચેરીમાં એ ચર્ચાતી સાંભળવા મળી કે જેતપુરની આ બેઠક બક્ષીપંચ અનામત હોવા છતાં એક પટેલ ઉમેદવારે એક નહિ 3-3 ફોર્મ્સ ભરી ઉમેદવારી નોંધાવી હતી.

બોક્સ: 11 મુરતિયાઓમાં કોણ કોણ ??
જેતલસર: જેતપુર વોર્ડ નં. 1 ની પેટા ચુંટણી માટે ઉમેદવારી નોંધાવવાના આજે છેલ્લા દિવસે ભાજપના સિમ્બોલ સાથે કંચનબેન રાકેશભાઈ ગોહેલ, તથા તેમના પતિદેવ રાકેશ બચુભાઈ ગોહેલ(ડમી ) ઉમેદવારી નોંધાવી હતી. કોંગ્રેસમાં જુના જોગી એવા પંચાસરા બળદેવભાઈ ઘુસાભાઈએ ઉમદવારી નોંધાવી હતી.
જયારે અપક્ષો તરીકે સુમરા સુલેમાનભાઈ ઈસ્માઈલભાઈ, જયંતી વાલજી વરડાન્ગર, પ્રતાપભાઈ ભીમાભાઇ ઓડેદરા, સુરેશભાઈ વાલજીભાઈ એંધાણી તથા દેવશીભાઈ કરમશીભાઈ ઝીન્ઝુવાડીયા, અને બવીશા આશાબેન વિનુભાઈએ પોતાના સહીત 3  (2 ડમી )ફોર્મ્સ ભર્યા હોવાની વિગતો ચુંટણી કાર્ય સંભાળતા ભોંકીયાભાઈએ જણાવેલ..

કશ્યપ જોશી જેતલસર(જેતપુર) 99742 62812

શુક્રવાર, 23 જાન્યુઆરી, 2015

ડેડરવાના શખ્શને વરલી ફીચરના સાહિત્ય સાથે પકડી લેતી પોલીસ

જેતપુરનો જલારામ ફટાકડાવાળો  વરલીનું કપાત કરતો હતો 
ડેડરવાના શખ્શને વરલી ફીચરના સાહિત્ય સાથે પકડી લેતી પોલીસ 
જેતલસર  તા.23
જેતલસર પંથકના ડેડરવા ગામે આજે તાલુકા પોલીસે વરલી ફીચરનો જુગાર રમાડતા એક સખ્શને રોકડ રૂ.8050 સાથે જડપી લીધો હતો.
બનાવની મળતી વિગતો મુજબ જેતલસર પંથકના ગામે મનું હમીર મોરબીયા નામનો શખ્સ વરલી ફીચરનો આંકડા લેવાનો ધંધો કરતો હોવાની બાતમી પરથી જેતપુર તાલુકા પોલીસ જમાદાર ભુરાભાઈ માલીવાડે આજે મનુને રોકડ 8050 સાથે જડપી લીધો હતો. મનુ જેતપુરના જલારામ ફટાકડાવાળો પ્રવીણને વરલીનું કપાત કરાવતો હોવાનું કબુલતા પોલીસે પ્રવીણને પણ પકડવાની કવાયત હાથ ધરી છે.
કશ્યપ જોશી જેતલસર

થાણાગલોળના આધેડને ઝેરી જનાવર આભડી ગયું...
જેતલસર  તા.23
આજથી બાર દિવસ પહેલા જેતપુર તાલુકાના થાણાગલોળ ગામે ઝેરી જનાવર કરડયા બાદ સારવાર દરમિયાન આજે આધેડનું મોત થયાનું તાલુકા પોલીસમાં જાહેર થયું છે.
થાણાગાલોલ ગામના કિશોરભાઈ ભાણજીભાઈ રાહોલીયા ઉ.વ.49 ને ગઈ તા.12 ના રોજ કોઈ ઝેરી જનાવર કરડી જતા પ્રાથમિક સારવાર જેતપુર અપાવી વધુ સારવાર માટે અમદાવાદ સરકારી દવાખાને ખસેડાયા હતા. જ્યાં આજે સારવાર દરમિયાન તેમનું મોત થતા તાલુકા પોલીસે ધોરણસરની વિધિ હાથ ધરી છે. 
કશ્યપ જોશી જેતલસર

ખુનના આરોપીએ પેરોલ ઉપર છૂટી કત્તલખાનું ચાલુ કર્યું !! જેતપુરના નવાગઢમાંથી 135 કિલો ગૌમાંસ સાથે એક પકડાયો..

ખુનના આરોપીએ પેરોલ ઉપર છૂટી કત્તલખાનું ચાલુ કર્યું !!
જેતપુરના નવાગઢમાંથી 135 કિલો ગૌમાંસ સાથે એક પકડાયો..
જેતલસર(જેતપુર) તા.23
જેતપુરના નવાગઢ વિસ્તારમાં રહેતો અને ખૂન કેશમાં પેરોલ પર છૂટી નવાગઢમાં કત્તલખાનું શરુ કરનાર ખાટકીને ફોજદાર સંઘાણીએ આજે સવારે 135 કિલો ગૌમાંસ સાથે પકડી પાડ્યો હોવાનું જાણવાં મળે છે.
આ બાબતે મળતી વિગતો મુજબ આજથી ઘણા સમય પહેલા જેતપુરના નવાગઢમાં નજીવી બાબતે ગફારભાઈ મકવાણા નામના પરોઢનું ઢીમ ઢાળી દેનાર ખાટકી હાજી ઈબ્રાહીમ ભાડુલા પેરોલ ઉપર છૂટીને પોતાના ઘરે આવ્યો હતો. 
10 દિવસના પેરોલ પર આવેલા હાજીએ ધંધો કરી લેવાના વિચાર સાથે તેમના ઘરમાં કત્તલખાનું ચાલુ કર્યું હોવાની પોલીસને બાતમી મળી હતી.
જેના પરથી ફોજદાર પી.બી.સંઘાણીએ સ્ટાફના કમલેશ રાવલ, રાજુ જોશી, દિનેશ ગઢવી, ધર્મેન્દ્રસિંહ વી,ને સાથે રાખી હાજીના ઘર પર છાપો મારતા પોલીસને 135 કિલો ગૌ માંસ, કાતા, છરા સહિતના મુદામાલ સાથે (કી.રૂ.9450/-) હાજી પકડાઈ ગયો હતો.
અત્રે એ નોંધનીય છે કે નાવાગઢમાં વરસો થયા અનેક કતલખાના બેરોકટોક ધમધમે છે. પોલીસ સમયાંતરે દરોડા પાડતી હોય છે પણ પોલીસની ગંધથી ખાટકીઓ છટકી જતા હોય છે. પોલીસ કહે છે કે ગૌ સેવા પ્રેમીઓ નવાગઢમાં ચાલતા અને ચલાવાતા કતલખાના બંધ કરાવવા પરત્વે સજાગ બને અને ચોક્કસ બાતમીઓ આપતા રહે તો પોલીસ દરોડા પાડવા કાયમ તૈયાર જ રહેશે

કશ્યપ જે.જોશી જેતલસર(જેતપુર)99742 62812




જેતપુર નવાગઢ નગર ભસ્ટ્રાચાર રહિત કરવા પ્રમુખ-ઉપપ્રમુખ મેદાને

ભસ્ટ્રાચારથી કંટાળેલા ટાઉન પ્લાનિંગ કમિટીના 4 સદસ્યોના રાજીનામાથી ખફા..
જેતપુર નવાગઢ નગર પાલિકાને ભસ્ટ્રાચાર રહિત કરવા પ્રમુખ-ઉપપ્રમુખ મેદાને 
કોઈ એકપણ પૈસો માંગે તો અમોને ફોન કરો : ઉપપ્રમુખ સુરેશ સખરેલીયા 
 જેતલસર(જેતપુર) તા.23
જેતપુર નવાગઢ નગર પાલિકાની ટાઉન પ્લાનિંગ કમિટીના 4 સભ્યોએ ગઈ કાલે પોતાના હોદાઓ પરથી રાજીનામાં ધરી આ વાત પાછળ ટીપીના ચેરમેનનો ભસ્ટ્રાચાર અને ત્રાસ કારણભૂત બતાવતા ખળભળાટ મચી ગયો છે. બીજીબાજુ જેતપુર પાલિકાને ભસ્ટ્રાચાર રહિત  બનાવવા પાલિકા પ્રમુખ અને ઉપપ્રમુખ સુરેશભાઈ સખરેલીયાએ રીતસરની જેહાદ જગાવતા પાલિકાના દંડક અશોકભાઈ મંગલાણી સહિતના સુધરાઈ સભ્યોમાં રાજીપો જોવા મળે છે. 
આ બાબતે મળતી વિગતો મુજબ જેતપુર નવાગઢ નગર પાલિકાની ટાઉન પ્લાનિંગ કમીટીમાં હાલના દિવસોમાં વિવિધ બાંધકામોની 60 થી 70 ફાઈલો મંજુર થઈને પડી છે. પણ આ ફાઈલો મેળવવા અરજદારોને રૂપિયા 500 થી 1500 અને 2000 જેવી રકમ ટાઉન પ્લાનિંગ કમિટીના મુખ્ય કર્તા હર્તાને દેવા પડતા હોવાની બીપીનભાઈ ઘેટિયા નામના અરજદારની ફરિયાદ પરથી આવા આર્થિક વહીવટની વાત પાલિકના પ્રમુખ, ઉપપ્રમુખ સહિતના સંબંધિતો અને પ્રજા વચ્ચે આવી જતા ગઈ કાલે ટાઉન પ્લાનિંગ કમિટીના સભ્યોમાં ભારે હોહા અને દેકારો દેકારો મચી ગયો હતો.
ટીપી કમિટીની ફાઈલો અરજદારોને સોંપવાની કામગીરી કરતા રમેશ પટેલીયાએ પોતાની ફાઈલ મંજુર કરવા રૂપિયા 1500 માંગ્યા હોવાની બીપીનભાઈ ઘેટીયાની ફરિયાદ બાદ પાલિકા પ્રમુખ અને ઉપપ્રમુખે ટીપીની તમામ ફાઈલો પોતાની પાસે કબજે કરી લેતા આ વાતમાં  ભસ્ટ્રાચાર આચરવા મથતા સંબંધિતોની મેલી મુરાદ પર પાણી ફરી ગયું છે. પાલિકાના દંડક અશોક મંગલાણીએ એક એવું દુખ વ્યક્ત કર્યું કે અમો સૌ ભાજપના સભ્યો છીએ અને શહેર ભાજપના ખજાનચી એવા અરજદાર બીપીનભાઈ પાસેજ  આર્થિક નીવેદની વાત અમારા પક્ષની ગરીમાને અસર કરતી હોય, ટાઉન પ્લાનિંગ કમિટીના  4 સદસ્યોના રાજીનામાં બાદ પાલિકા પ્રમુખ રમાબેન મકવાણાએ તત્કાલ અસરથી ટીપી કમિટી વિખેરવા હુકમ કરેલ છે.

બોક્સ: કોણે કોણે રાજીનામાં આપ્યા ?
 જેતલસર(જેતપુર): પૈસા આપ્યા વગર કોઈના કામો નાં થતા હોવાના આક્ષેપ સાથે ગઈ કાલે જેતપુર પાલિકામાં ટાઉન પ્લાનિંગ કમિટીના ચારેય ભાજપના સદસ્યો કંચનબેન વોરા, દીપકભાઈ લૂણી, મુક્તાબેન નંદાણીયા તથા ગોપાલભાઈ ડોબરીયાએ પોતપોતાના સદસ્ય પદેથી પ્રમુખ સમક્ષ રાજીનામાં રજુ કરતા ચારેય સભ્યોના રાજીનામાં મંજુર કરાયા હોવાનું પ્રમુખ જણાવે છે.

બોક્સ: તમારી ફાઈલ લઇ જાઓ, પૈસા કોઈને આપતા નહિ !!
 જેતલસર(જેતપુર): જેતપુર નવાગઢ નગર પાલિકાના ઉપપ્રમુખ સુરેશભાઈ સખરેલીયા(લાલભાઈ)એ આજે ટાઉન પ્લાનિંગ કમિટીમાં મંજુર થયેલી ફાઈલોના અરજદારોને સામેથી ફોન કરી પૈસા માંગનાર રમેશ પટેલીયાની હાજરીમાંજ જણાવેલ કે તમારી મંજુર થયેલી ફાઈલો લઇ  જાવ, ટીપીની  ચેરમેન કે કોઈને પણ એક પણ પૈસો આપવાનો નથી, કોઈ પૈસા માંગે તો અમોને ફોન કરજો, હવે અમારે જેતપુર પાલિકાને ભસ્ટ્રાચાર રહિત કરવી છે એ નક્કી છે.

બોક્સ: પૈસા માંગનાર સામે કેવા પગલા ભરશો ??
 જેતલસર(જેતપુર): પાલિકાની ટીપી કમિટીની ફાઈલો  આપતી અખતે રમેશ પટેલીયા નામનો કર્મચારી ભાજપનાજ મિત્રો પાસે પૈસા માંગી ખુલ્લેઆમ ગેરરીતી આચરવાના પ્રયાશો હોય, તમે શું પગલા ભરશો ? તેવા સવાલના જવાબમાં પાલિકાના ઉપપ્રમુખ સુરેશભાઈ સખરેલીયા, પાલિકાના દંડક અશોક મંગલાણીએ જણાવેલ કે અમારી પાર્ટીનું નામ ખરાબ થાય તેવી ચેષ્ટા કરનાર રમેશ પટેલીયાને  ફરજ પરથી મુક્ત કરાશે.

બોક્સ: પ્રભારી મંત્રી નીતિન પટેલને રજુઆતો
 જેતલસર(જેતપુર): પાલિકામાં ટીપીના કાગળો અને ફાઈલો સંભાળતા રમેશ પટેલીયા એ શહેર ભાજપના ખજાનચી બિપીનચંદ્ર દેવરાજભાઈ ઘેટિયા પાસે ફાઈલ મેળવવાના રૂપિયા 1500 માંગ્યાની વાતની ફરિયાદ ગઈકાલે એક સરકારી કાર્યક્રમમાં હાજર પ્રભારી મંત્રી નીતિન પટેલને શહેર ભાજપના મંત્રી બળવંતભાઈ  ધામીએ કરતા પ્રભારીએ  ફરિયાદની તપાસ  કરાવી  આ કર્મીનું ટેબલ બદલાવી નાખવાની વાત દોહરાવી હતી.

કશ્યપ જોશી જેતલસર(જેતપુર) - 99742 62812



ફોટો કેપ્શન: જેતપુર પાલિકા કચેરી તથા પૈસા માંગવાની જેમની સામે ફરિયાદ ઉઠી છે તે રમેશ પટેલીયા(ઉભેલા) તથા ઉપપ્રમુખ સુરેશભાઈ સખારેલિયા  છે. (કશ્યપ જોશી - જેતલસર(જેતપુર) 99742 62812



મંગળવાર, 20 જાન્યુઆરી, 2015

: સંપતિને સાચવનારા વોચમેન અને વાપરનારા માલિક કહેવાય

જેતપુરમાં પધારેલા જૈનમુનીની શીખ 
સંપતિને સાચવનારા વોચમેન અને 
વાપરનારા માલિક કહેવાય 
જેતપુર તા.20
તાજેતરમાં જેતપુર ખાતે ખોડપરા ઉપાશ્રયમાં ધીરજમુની મહારાજ સાહેબે પધરામણી કરતા જૈન સમાજમાં આનંદની હેલી ઉમટી હતી. આ તકે જૈન અગ્રણીઓએ સંઘ પૂજન, સમૂહ જાપ, નવકારશી  વિગેરે પ્રસંગોનો લાભ લીધો હતો. મનુભાઈ બાવીશી(ઇન્દોર)એ કાયમી સ્વામી વાત્સલ્યમાં રૂ.સાડા ચાર લાખનું અનુદાન જાહેર કરેલ. ધર્મ ભક્તિ ગૌ શાળા માટે રૂ.2.51 લાખ જાહેર કરાયા હતા.
ગૌશાળાના ટ્રસ્ટીઓને નવકાર મંત્ર ફ્રેમ અર્પણ કરાઈ હતી.  જીતુભાઈ દેસાઈના હસ્તે ઉત્તરાધ્યયન સુત્ર ને નીતાબેન દોશીના હસ્તે જીવન જાગૃતિ કેલેન્ડરની અર્પણ વિધિ કરાઈ હતી. આ તકે પ્રવચન કરતા ધીરજ્મુનીએ જણાવેલ કે સંપતિને સાચવનારા વોચમેન કહેવાય અને વાપરનારા માલિક કહેવાય ત્યારે ઉપસ્થિત જૈન શ્રેષ્ઠીઓએ આ વાતને તાલીઓના ગડગડાટથી વધાવી લીધી હતી.(કશ્યપ જોશી ) જેતલસર(જેતપુર)

 



કપાસની ખરીદીમાં વ્હાલાદવલાની નીતિ વપરાતા ખેડૂતોમાં રોષ




જેતપુરના યાર્ડમાં શરુ થયેલ સીસીઆઈ કેન્દ્રના અધિકારીઓ દ્વારા 
કપાસની ખરીદીમાં વ્હાલાદવલાની નીતિ 
વપરાતા ખેડૂતોમાં રોષ 
યાર્ડ ચેરમેન દિનેશ ભુવાની ચીમકી : તો પછી ખેડૂતો હાથમાં નહિ રહે 
જેતપુર તા.20
જેતપુરની યાર્ડમાં કપાસની ખરીદી માટે રાજ્યમંત્રી જયેશ રાદડિયા, સાંસદ વિઠ્ઠલભાઈ રાદડિયા તેમજ યાર્ડના ચેરમેન દિનેશ ભૂવાના સંગીન પ્રયાસો વચ્ચે સીસીઆઈનું કેન્દ્ર શરુ થતા ખેડૂત આલમ ખુશ છે. પણ કપાસની ખરીદી માટે જેઓને જવાબદારી સોંપાઈ છે તેવા સીસીઆઈના અધિકારીઓ કપાસની ખરીદીમાં ભેદભાવની નીતિ અખત્યાર કરતા હોવાની ફરિયાદ બાદ ચેરમેન દિનેશ ભુવાએ ચીમકી ઉચ્ચારી છે કે આ બાબતે ઘટતું નહિ કરાય તો ખેડૂતો આંદોલનાત્મક માર્ગો શરુ કરતા રોકી નહિ શકાય..
મળતી વિગતો મુજબ જેતપુરની યાર્ડમાં હાલના દીવસોમાં જેતપુર, ભેસાણ, વડીયા, કુંકાવાવ, બગસરા, ધોરાજી, જામકંડોરણા, ઉપલેટા વિગેરે તાલુકાઓમાંથી બહોળી સંખ્યામાં ખેડૂતો પોતાનો કપાસ સીસીઆઈ કેન્દ્રમાં વેંચવા આવી રહ્યા છે. પણ સીસીઆઈ કેન્દ્રના અધિકારીઓ પત્તીવાળા, પીળી ટચવાળા તથા કોડીવાળા કપાસ તરફથી મોઢું ફેરવી આ કપાસ નબળી ગુણવત્તાવાળો છે તેવા બહાના ધરી કપાસ ખરીદીમાં વ્હાલાદવલા અને ભેદભાવ ભરેલી નીતિ અખત્યાર કરી રહ્યા  હોય, દુર દુરથી કપાસ વેંચવા જેતપુર આવતા ખેડૂતોમાં ભારે રોષ સાથે અસંતોષ ફેલાઈ રહ્યો છે.
ચેરમેન દિનેશ ભુવા જણાવે છે કે ચાલુ વર્ષે કપાસનું ઉત્પાદન 50 ટકા થયું છે. કપાસની નબળી ગુણવત્તા એ કુદરતી આફત છે. લગ્નસરાની મોસમ પૂરબહારમાં ખીલી છે. ખેડૂતોને પોતાના ભાગીયાઓને છુટા કરવાનો સમય છે. 
આવા સમયે કપાસ ખરીદીમાં  સંબંધિતોની આવી નીતિ ખેડૂતોને આર્થિક સંકટ અને પાયમાલી તરફ ધકેલશે તો ખેડૂતોને જીવવું હરામ થઇ જશે. ખેડૂતોની આવી કફોડી હાલતને ધ્યાને લઇ જેતપુર યાર્ડમાં સીસીઆઈ કેન્દ્રના કાર્યવાકો નબળી ગુણવત્તાવાળો કપાસ પણ ખરીદ કરીને ખેડૂતોને સહકાર નહિ આપે તો ખેડૂતો નાં છૂટકે આંદોલનનો માર્ગ અપનાવશે તેવી ચીમકી કૃષિમંત્રી બાબુભાઈ બોખીરીયા, રાજ્ય મંત્રી જયેશ રાદડિયા, સાંસદ તથા સીસીઆઈ કેન્દ્રના ઉચ્ચ અધિકારીઓને કરેલી રજુઆતમાં દિનેશ ભુવાએ ચીમકી ઉચ્ચારી છે.
કશ્યપ જોશી જેતપુર જેતલસર  99742 62812


 

KASHYAP JOSHI JETALSAR URGENT METTERસંભારણું : 21-1-1915 બરાબર 100 વર્ષ પહેલા, આજની તારીખે મહાત્મા ગાંધીજી જેતપુર પધારેલા

::::::::::::સંભારણું : 21-1-1915 ::::::::::::::::
બરાબર 100 વર્ષ પહેલા, આજની તારીખે 
    મહાત્મા ગાંધીજી જેતપુર પધારેલા
જેતપુરના ઇતિહાસવિદ જીતુભાઈનો વસવસો : જુના માસ્તરોનેય ખબર નથી કે ગાંધીજી 
          જેતપુરમાં ક્યાં ઉતર્યા હતા ?! તેઓએ શું ઈતિહાસ ભણાવ્યો હશે ??!
(કશ્યપ જોશી ) જેતલસર(જેતપુર) તા.20
આજના દિવસે તા.21-1-1915 એટલેકે બરાબર એકસો વર્ષ પહેલા પૂજ્ય મહાત્મા ગાંધીજી(બાપુ) નો જાણે જેતપુર(કાઠી ) સાથે ઘરોબો હોવાની ગવાહી પુરતી તસ્વીરો બતાવતા જેતપુરના લેખક અને ઇતિહાસવિદ જીતુભાઈ ધાધલ ધાધલની આંખોમાં જયારે જળજળીયા દેખાયા ત્યારે તેમની વાત અટકી ગઈ કે ભાઈ..શહેરના જુના માસ્તરોને ખબર નથી કે પૂજ્ય બાપુ જેતપુરમાં ક્યાં રોકાયા હતા ? આ લોકોએ(માસ્તરોએ) શું ઉકાળ્યું હશે ઈતિહાસ ભણાવવામાં ?!, બસ હવે કઈ નથી બોલવું ! આટલું બોલી જીતુભાઈ ધાધલે ઇતિહાસના પાનાં ખોલ્યા તે કૈક આવા હતા..

ઈ.સ.1915 ની 21 મી જાન્યુઆરી ના દિવસે મહાત્મા ગાંધીજી, પુ. કસ્તુરબા, બેરિસ્ટર શુકલ સહિતના દેશપ્રેમીઓ સાથે જેતપુરના દીલાવરગઢના રેલવે સ્ટેશને ઉતર્યા હતા. ગોંડલ થઈને પૂજ્ય બાપુ જેતપુર પધાર્યા હોવાની જાણ પરથી તેમને બા અદબ સન્માન સાથે તેડવા માટે જેતપુરના રાજવી દરબાર સાહેબ શ્રી મુળુવાળા સુરગવાળા સાહેબ, ડોક્ટર દીનશા સાહેબ, એદલજી વારછાસાહેબ, શ્રી દેવચંદ ઓતમચંદ પારેખ, બચુભાઈ પ્રેસવાળાના કાકા વલ્લભભાઈ કાગદી સહિતના હિંદુ-મુસ્લિમ અગ્રણીઓ રેલવે સ્ટેશને દોડી ગયા હતા.

બાપુને દિલાવરગઢ(અત્યારનું નવાગઢ) રેલવે મથકે તેડવા ગયેલા ઉપરોક્ત તમામ યેનકેન સહયોગી બની આઝાદીની ચળવળના સેનાનીઓ હતા..પણ જેતપુરની કમનશીબી કે ઇતિહાસના પાનાઓમાં આ વિગતો ક્યાય ઉલ્લેખાયી ના હોવાનો જીતુભાઈ ધાધલને વસવસો છે.

બોક્સ: પૂજ્ય બાપુએ રાતવાસો ક્યાં કર્યો ??
મહાત્મા ગાંધીજીની પ્રથમ મુલાકાતેજ તેઓ જેતપુરમાં ક્યાં રાતવાસો કર્યો હતો ? તેનો જવાબ વાળતા જીતુભાઈ એ જણાવેલ કે શહેરના લાદી રોડ પર અત્યારે જે સિંધી સમાજના દેવ શ્રી ઝૂલેલાલ ભગવાનનું મંદિર છે તે જગ્યા પહેલા ઓત્તમચંદ કામદારની મેડી તરીકે ઓળખાતુ..આ મકાન આમતો પૂજ્ય બાપુના સગા અને સ્નેહી દેવચંદભાઈના પિતા ઓત્તમચંદ્જીનું હતું. આ જગ્યાએ બાપુ અને કસ્તુરબાએ અન્ય સ્વાતંત્ર્ય સેનાનીઓ સાથે રાત ગાળી રાષ્ટ્રીય હિતની તેમજ આઝાદી લડતની વાતો કરેલી.. ત્યારબાદ સવારે બાપુ ધોરાજી તરફ રવાના રવાના થયા હતા.

બોક્સ: પૂજ્ય બાપુની જેતપુરમાં બીજી મુલાકાત 
જીતુભાઈએ અથાગ મહેનત બાદ પૂજ્ય બાપુના જેતપુરમાં બીજીવાર થયેલા પગરવ, મુલાકાત બાબતે જણાવેલ કે ગોખલે સ્મારક નિધિ માટે ફરતા ફરતા જેતપુર બીજીવાર આવેલા બાપુ દરબારગઢ સ્થિત રાજવી મુળુબાપુના નિવાસસ્થાને, અંજુમનવાળી બિલ્ડીંગમાં તેમજ ભાદર મહેલ તરીકે ઓળખાતા શેઠ અબ્દુલ્લાના નિવાસસ્થાને પણ ગયા હતા.
++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++
ફોટો કેપ્શન: 
બાપુ, યુ આર મોસ્ટ વેલકમ્ડ ટુ દિલાવરગઢ..
બરાબર આજની તારીખે સો વર્ષ પહેલા દિલાવરગઢ(નવાગઢ) રેલવે સ્ટેશને ઉતર્યા ત્યારે એક સંભારણારૂપ લેવાયેલી પ્રસ્તુત તસ્વીરમાં ખુરશીમાં બેઠેલાઓમાં (ડાબેથી)  બેરિસ્ટર શુકલ, રાજવી મુળુબાપુ, મહાત્મા ગાંધીજી, કસ્તુરબા, અને દેવચંદ ઓતમચંદ પારેખ દેખાય છે. આ શિવાય જેતપુરમાં સેવાઓની હારમાળા સર્જી સેવાના ભેખધારી તરીકે પંકાયેલા ડોક્ટર દિનશા સાહેબ(ઉભેલાઓમાં પારસી ટોપી પહેરેલ) પણ અન્યો દેશપ્રેમીઓ સાથે હાજર હતા. આ ઈતિહાસિક તસ્વીર મેળવવામાં અને જાળવવામાં જીતુભાઈ ધાધલને કહેવાય છે કે પગે પાણી  આવી ગયા હતા.
++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++
અહી રોકાયા હતા જેતપુરમાં ગાંધીજી...
જેતપુરમાં દેવચંદ ઓતમચંદ પારેખનું મકાન કે જ્યાં ગાંધીજીએ રાતવાસો કર્યો હતો. આજે આ જગ્યાએ મંદિર બની ગયું હોય, ગાંધીજીની મુલાકાત સ્થળ વિષે આજની તારીખે શહેરીજનો અજાણ છે.
++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++
કશ્યપ જોશી જેતલસર જેતપુર 9974262812 

 

શનિવાર, 17 જાન્યુઆરી, 2015

કોર્ટની 2 વર્ષ ની સજા જેતપુર કશ્યપ જોશી




આજથી પાંચ  વર્ષ પહેલા જેતપુરમાં લાંચ લેતા પકડાયેલ 
જેતપુર મામલતદાર કચેરીના ગ્રામ મિત્રને 2 વર્ષની  
સજા અને રૂ.5000 નો દંડ ફટકારતી શેશન કોર્ટ 
કશ્યપ જોશી જેતલસર(જેતપુરતા.17
આજથી 5 વર્ષ પહેલા જેતપુરની મામલતદાર કચેરીમાં રૂ.5000 ની લાંચ લેતા વચેટીયો એવો ગ્રામમિત્ર પકડાયા બાદ આ બનાવનો કેશ ચાલ્યો તે દરમિયાન જેતપુરની શેશન કોર્ટે ગ્રામમિત્રને 2 વર્ષની સખત કેદ અને રૂ.5000 નો દંડ ફટકાર્યો હોવાનું સરકારી વકીલ વી.જી.ડેન્ગરાએ જણાવ્યું હતું..
આ બાબતે મળતી વિગતો મુજબ ગત 28.3.2009 ના રોજ જેતપુરની મામલતદાર કચેરીમાં સમાજ કલ્યાણ નિરીક્ષક જયંતીભાઈ મોહનભાઈ  પીપળીયા (રહે.ન્યુ પોપૈયા વાડીની બાજુમાં, પંચશીલ શેરી નંબર - 1,) એ જેતપુર તાલુકાના જેપુર ગામના વલ્લભભાઈ નાથાભાઈ રાઠોડ પાસે તેમના માતા મણીબેનના નામની વિધવા સહાય મકાન બાંધવાની અરજી અનુસંધાને રૂ.5000 ની લાંચ માગી હતી.
દરમિયાન વલ્લભભાઈએ આ વાતની ફરિયાદ રાજકોટ એસીબીને કરતા એસીબીએ ફરિયાદીને લાંચ આપવાના વાયદાના દિવસે છટકું ગોઠવ્યું હતું. આવા સમયે પંચની હાજરીમાં મામલતદાર કચેરીના ગ્રામમિત્ર શૈલેશ બાવા ચાવડા (રહે.જેપુર, તા.જેતપુર) એ સ્પીકર ફોનમાં વલ્લભભાઈ પૈસા દેવા આવ્યા છે, શું કરવું તેવી વાત જયંતી પીપળીયા સાથે કરતા, પીપળીયાએ આ રકમ શૈલેશને લઇ લેવાનું કહેતા શૈલેશ રૂપિયા 5000 ની લાંચ લેતા રંગે હાથે એસીબીના હાથે પકડાઈ ગયો હતો.
આ વાતનો કેશ આજે 5 વર્ષ પછી જેતપુરના એડીશનલ શેસન જજ કે.એમ.દવેની કોર્ટમાં ચાલતા, સરકારી વકીલ વી.જી.ડેન્ગરાની ચોટદાર દલીલોને અંતે જજ દવે એ શૈલેશને 2 વર્ષની સખત કેદ અને રૂ.5000 નો દંડ ફટકારતો હુકમ કર્યો હતો.

બોક્સ: મુખ્ય સૂત્રધારનું અગાઉ અવશાન... 
જેતપુર: આજે જેતપુરની કોર્ટમાં લાંચ કેશના ફેસ્લામાં ખરેખર 2 વ્યક્તિઓ સમાજ કલ્યાણ નિરીક્ષક અને ગ્રામ મિત્રને સજા થવા પામત. પણ જેમને અરજદાર પાસે પૈસા માંગ્યા હતા તે મુખ્ય માણસ સમાજ કલ્યાણ નિરીક્ષક જયંતીભાઈ પીપલીયનું 2 મહિના પહેલા ચિંતામાં ને ચિંતામાં હાર્ટ એટેકથી અવસાન થતા તેઓનું નામ આ કેશમાં નીકળી ગયું હતું, અને આજે વચેટીયો એવો શૈલેશ સજાનો ભોગ બની ગયો હતો.

કશ્યપ જોશી જેતલસર જેતપુર 99742 62812




અરજન્ટ સમાચાર કશ્યપ જોશી જેતલસર

નવાગઢમાં ખદબદતી ગંદકી દુર કરાવવા 
રાજકોટ જીલ્લા મહિલા કોન્ગ્રેસ પ્રમુખ શારદા વેગડાએ  
જેતપુર નગરપાલિકાના કાર્યવાહકોને ભારે દોડાવ્યા.. 
પાલિકા તંત્ર મશીનરી સાથે ગંદકી દુર કરવા નવાગઢ દોડ્યું. રહી સહી આબરૂ બચાવવા પ્રયાસ 
કશ્યપ જોશી જેતલસર જેતપુર તા. 17
જેતપુરમાં  એકબાજુ સ્વચ્છતાના પાઠ ભણાવવા પાલિકા સહિતના આગેવાનો નીકળી પડ્યા છે ત્યારે પાલિકાના સત્તાધીસોના પાપેજ નવાગઢમાં ઘર કરી ગયેલી ગંદકી દુર કરાવવા જેતપુરના રહીશ અને રાજકોટ જીલ્લા મહિલા કોંગ્રેસ પ્રમુખ શારદા વેગડાએ પાલિકા સુત્રોને રીતસરના સાણસામાં લેતા પાલિકા પ્રમુખ સહિતનો કાફલો નવાગઢ દોડી જઈ ગંદકી દુર કરવા લાગ્યો હતો.
આ બાબતે મળતી વિગતો મુજબ જેતપુરમાં સ્વચ્છતા અભિયાનના આજે બીજા દિવસે આગેવાનો ફોટો શેશન પૂરતા ફોટા પડાવી સ્વચ્છતા હાથ ધરાઈ હોવાનો દેખાડો કરતા હતા.
બીજીબાજુ વર્ષો થયા નવાગઢમાં ઘર કરી ગયેલી ગંદકી દુર કરવા કોઈ જાગતું ના હોય આજે જેતપુર નવાગઢ નગર પાલિકાના સદસ્ય અને રાજકોટ જીલ્લા મહિલા કોંગ્રેસ પ્રમુખ શારદા વેગડા(કારીબેન) અને શહેર કોન્ગ્રેસ પ્રમુખ નીલેશ પંડયા વિગેરેએ નવાગઢ ની મુલાકાત લેતા નવાગઢવાસીઓ કોંગી આગેવાનોને ઘેરી લઇ ગંદકી દુર કરાવવાની માંગણી દોહરાવતા શારદા વેગડાએ પાલિકા પ્રમુખ રમાબેન મકવાણા સહિતના સત્તાધીસોને રીતસરના ખખડાવી સ્વચ્છતા અભિયાનના નાટકો બંધ કરી નવાગઢની ગંદકી દુર કરવા ઉગ્રાવેશે રજુઆતો કરતા પાલિકાનું સબંધિત તંત્ર ઉભી પુછડીએ સાધનો લઈને નવાગઢ દોડી ગયા હતા. અને ગંદકી દુર કરવા લાગી ગયા હતા.

કીધા પછી કામો થાય તે શું કામનું ?
જેતપુર: શારદા વેગડા અને નીલેશ પંડ્યા એ પત્રકારોને જણાવેલ કે નવાગઢની પ્રજા ગંદકીથી ત્રાસી ગઈ છે અને આવી હજારો ફરિયાદ પછી પણ પાલિકા તંત્રે કઈ પગલા ના લેતા આજે તેઓને (કોંગ્રેસને) નાવાગઢની જાત  મુલાકાત લેવી પડી હતી અને ઠેર ઠેર ગંધાતા ગટરના પાણી રસ્તા ઉપર ફેલાતા અને બેસુમાર ગંદકી નજરે પડી હતી. રજૂઆતકર્તાઓએ એવી ચીમકી ઉચ્ચારી છે કે આખા નવાગઢમાંથી ગંદકી દુર કરવા પાલિકા તંત્ર નહિ જાગે તો તેઓ આંદોલનાત્મક કાર્યક્રમો આપતા અચકાશે નહિ.

કશ્યપ જોશી જેતલસર જેતપુર  9974262812


સોમવાર, 12 જાન્યુઆરી, 2015

રવિવાર, 11 જાન્યુઆરી, 2015

પતંગ મહોત્સવનો પ્રારંભ

મુખ્યમંત્રી આનંદીબહેન પટેલના હસ્તે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનો દબદબાભર્યો પ્રારંભ

અમદાવાદ : ગુજરાત સરકાર દ્વારા આયોજીત આંતરરાષ્ટ્રીય પતંગોત્સવનું આજે સવારે અમદાવાદના રિવરફ્રન્ટ પર મુખ્યમંત્રી આનંદીબહેન પટેલના હસ્તે ઉદ્ધાટન કરવામાં આવ્યું હતું. આ વખતે પતંગોત્સવમાં ૧૫૦  જેટલા વિદેશી અને ૨૨૮ દેશી પતંગબાજો ભાગ લીધો હતો. ગુજરાત સરકાર આ વખતે ૨૭ મો આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ યોજવા જઈ રહી છે. જો કે અગાઉની માફક આ વખતે ગુજરાત સરકાર દિલ્હી અને મુંબઈ ખાતે પતંગોત્સવનું આયોજન નહીં કરે. સાબરમતી રિવરફ્રન્ટ પર ખુલ્લો મુકાનાર પતંગોત્સવ આગામી તા.૧૩ સુધી ચાલશે. આ મહોત્સવમાં કુલ ૨૯ દેશોના ૧૫૦  વિદેશી પતંગબાજો તથા ગુજરાત સહિત ૧૦ રાજ્યોના ૨૨૮ પતંગબાજો સામેલ થયા છે . આંતરરાષ્ટ્રીય પતંગબાજો તેમની અવનવી પતંગોને ચગાવીને અમદાવાદના આકાશને આજે રંગીન બનાવી દીધું હતું. આ પતંગબાજોને જોવા આજે ભારે મેદની જોવા મળી હતી. આ કાર્યક્રમમાં અમદાવાદની વિવિધ શાળાઓના 2000 જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. ગુજરાતમાં પતંગોત્સવની શરૂઆત પૂર્વ મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીએ કરી હતી. આ પહેલીવાર છે જ્યારે તેમના વિના પતંગોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ પતંગમહોત્‍સવની સાથે સાથે સાબરમતી રિવરફ્રન્‍ટ ખાતે અનેક આકર્ષણો રાખવામાં આવ્‍યા છે જેમાં આદિત્‍ય સ્‍તુતિ, સૂર્યનમસ્‍કાર, થિમ પવેલિયનનો સમાવેશ થાય છે. સાબરમતી નદીના કિનારે આંતરરાષ્‍ટ્રીય પતંગોત્‍સવ પર્વે ૨૦૦૦ બાળકોનો સૂર્યનમસ્‍કારનો અભિનવ કાર્યક્રમ રહ્યો હતો. સવારે બે હજાર બાળકો દ્વારા સુર્ય નમસ્‍કાર કાર્યક્રમે આકર્ષણ જમાવ્‍યું હતુ. આ પ્રસંગે  દર વર્ષની જેમ આ વર્ષે પણ પતંગની થીમ પણ આપણી સંસ્‍કળતિની ઝલક સાંસ્કૃતીક કાર્યક્રમ દ્વારા રજુ કરાઇ હતી આ મહોત્સવનું આયોજન રાજ્યપાલ ઓ.પી.કોહલી, મુખ્યમંત્રી, પ્રવાસન મંત્રી સૌરભ પટેલ, રાજ્યકક્ષાના પ્રવાસન મંત્રી જયેશ રાદડિયા અને પ્રવાસન નિગમના ચેરમેન કમલેશ પટેલની ઉપસ્થિતિમાં આ પતંગોત્સવનું ઉદઘાટન  કરવામાં આવ્યું હતું. આ વિદેશી પતંગબાજો જૂથમાં તા.૧૩ મીએ રાજકોટ, ભાવનગર, સુરત ખાતે પતંગોત્સવ ઉજવશે. જ્યારે તા.૧૪મીએ આ પતંગબાજો અમદાવાદની પોળોમાં જઈને ઉજવણી કરશે.



એસટીનું ઉચ્ચ તંત્ર જેતપુરના સ્ટોલધારકની વહારે નહિ આવે તો વેપારીને ગુજરાન ચલાવવું કઠીન બનશે !!




તોતિંગ દુકાન ભાડા છતાં સ્ટોલધારકને દબાવવાનો પ્રયાસ ?
એસટીનું ઉચ્ચ તંત્ર જેતપુરના સ્ટોલધારકની વહારે નહિ 
આવે તો વેપારીને ગુજરાન ચલાવવું કઠીન બનશે !!

જેતલસર તા.11                                                                                                      (કશ્યપ જોશી )

જેતપુર જુનાગઢના એસટી બસસ્ટેન્ડમાં નાના મોટા સ્ટોલ ધરાવતા જેતપુરના એક વેપારીની પાછળ જુનાગઢ એસટી તંત્રના પ્રમુખ કાર્યવાહકો હાથ ધોઈને પડ્યા હોય આ વેપારી ગુજરાન ચલાવવાની ગંભીર પરીસ્થિતિઓનો સામનો કરી રહ્યા હોવાની વિગતો સાંપડી રહી છે.
આ બાબતે મળતી વિગતો મુજબ જેતપુર રહેતા મહિપાલસિંહ ચંદ્રસિંહ  જેતપુર તેમજ જુનાગઢ એસટી બસસ્ટેન્ડો માં ડ્રાયફૂટ સ્ટોલના પરવાનાવાળી દુકાનો ધરાવે છે.  
બીજીબાજુ જુનાગઢ એસટી ડીવીજનના વિભાગીય નિયામકે ગઈ 19.12.2014 ના રોજ એક નોટીસ જારી કરી, તમો નિયત જગ્યા કરતા વધુ જગ્યાનો ઉપયોગ કરો છો તેમજ ફેરિયાઓ મારફત બિન અધિકૃત ફેરીઓ કરાવતા હોવાના કારણો બતાવી અરજદારનો સ્ટોલને તાળા મરાવી દેતા આજે 23-23 દિવસ થયા સ્ટોલ બંધ હોય રૂપિયા 33000 થી 35000 જેવી ભાડાની રકમ અરજદાર કેવી રીતે ભરી શકશે ? તે પ્રશ્ન અરજદારને ભારે મૂંજવી ગયો છે. 
સ્ટોલધારક મહિપાલસિંહ નું કહેવું છે કે એસટી તંત્રે પાઠવેલી નોટીસમાની વિગતો પાયા વિહોણી છે. તેઓ કોઈ વધારાની જગ્યા રોકતા નથી કે કોઈ ફેરિયા રાખેલા નથી. તંત્રે બીજા કોઈ ફેરિયાના નિવેદનો નોંધી તેમની સાથે ખોટે ખોટી હેરાનગતિ ચાલુ કરી છે. 

બોક્સ : ચાલુ બસે કોણ દુકાનમાં ખરીદી માટે આવે ?
જેતપુર :  અરજદાર જણાવે છે કે તંત્ર કહે છે કે ફેરીયા રાખી ધંધો નાં કરી શકો, પણ જે તે એસટી બસ સ્ટેન્ડ માં આવતી લાંબા રૂટની બસો અમુક મીનીટો જ થોભતી હોય, આવી બસોના મુસાફરો બસોમાંથી ઉતરી સ્ટોલ પર કોઈ ચીજો લેવા આવી નાં શકે તે સહજ છે.  ત્યારે એસટી તંત્રે આ વાતમાં કોઈ વ્યવહારુ ઉકેલ લાવવો જોઈએ

બોક્સ : એસટીના સત્તાધીસો દુખે છે પેટ, કૂટે છે માથું !?
જેતપુર: અરજદારે એક એવો આક્ષેપ કર્યો છે કે થોડા મહિના પહેલા જેતપુરના એસટી બસસ્ટેન્ડમાં વિના રુકાવટ ધંધો કરવા દેવા સબબ રૂપિયા 2 હજારની લાંચ લેતા ડેપો મેનેજરને એસીબીના હાથે પકડાવ્યા પછી એસટીના સતાવાળાઓએ તેમની સાથે આવી હેરાનગતિ ચાલુ કરી છે. જયારે એસટી સુત્રો જણાવે છે કે ટેન્ડરની શરતોનો ભંગ થતો હોય તો કાર્યવાહી કરવી પડતી હોય છે.

બોક્સ : એસટી તંત્રે ફેરિયાઓના લાયસન્સ આપે.. 
જેતપુર : અરજદાર કહે છે કે આજે ગુજરાત રાજ્યના તમામ બસસ્ટેન્ડમાં ચાલતા જુદા જુદા સ્ટોલધારકો તંત્રને મસમોટા ભાડા ચુકવતા હોય એસટીના લગતા વળગતા ઉચ્ચ સત્તાધીસોએ આવા સ્ટોલ સંચાલકોને ધંધો કરવા માટે ફેરિયાઓના લાઈસન્સ આપવાનું વિચારે તો એસટી તંત્રને પણ વધારાની આવક થઇ શકે તેમ છે.

જેતલસર           (કશ્યપ જોશી ) 99742 62812

શુક્રવાર, 9 જાન્યુઆરી, 2015

Fwd: જેતપુરની યાર્ડમાં યોજાયેલ ભાજપ સભ્ય નોંધણી ઝૂંબેશમાં 1000 લોકો જોડાયા


જેતપુરની યાર્ડમાં યોજાયેલ ભાજપ સભ્ય 

નોંધણી ઝૂંબેશમાં 1000 લોકો જોડાયા 

જેતપુર તા.9

જેતપુરની માર્કેટ યાર્ડમાં રાજ્યમંત્રી જયેશ રાદડિયાના માર્ગદર્શન અને યાર્ડ ચેરમેન દિનેશ ભુવાની રાહબરી તળે આજે ભાજપમાં સભ્ય નોંધણી ઝુંબેશ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ભાજપના વલ્લભ શેખલિયા, હરદેવસિંહ જાડેજા, દશરથસિંહ જાડેજા, પ્રકાશ ડોબરિયા, વસંત પટેલ, તથા પ્રવીણ ગજેરા વિગેરે ની જહેમત વચ્ચે ખેડૂતો, શ્રમિકો, અને વેપારીઓ મળી 1000 લોકોએ બીજેપીની વિચારસરણીને આવકારી પાર્ટી સાથે જોડાયા હોવાનું જેતપુર માર્કેટ યાર્ડના ચેરમેન દિનેશ ભુવાએ જણાવેલ 

ફોટો : કશ્યપ જોશી જેતપુર(જેતલસર) 9974262812


જેતપુરની યાર્ડમાં યોજાયેલ ભાજપ સભ્ય નોંધણી ઝૂંબેશમાં 1000 લોકો જોડાયા

જેતપુરની યાર્ડમાં યોજાયેલ ભાજપ સભ્ય 

નોંધણી ઝૂંબેશમાં 1000 લોકો જોડાયા 

જેતપુર તા.9

જેતપુરની માર્કેટ યાર્ડમાં રાજ્યમંત્રી જયેશ રાદડિયાના માર્ગદર્શન અને યાર્ડ ચેરમેન દિનેશ ભુવાની રાહબરી તળે આજે ભાજપમાં સભ્ય નોંધણી ઝુંબેશ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ભાજપના વલ્લભ શેખલિયા, હરદેવસિંહ જાડેજા, દશરથસિંહ જાડેજા, પ્રકાશ ડોબરિયા, વસંત પટેલ, તથા પ્રવીણ ગજેરા વિગેરે ની જહેમત વચ્ચે ખેડૂતો, શ્રમિકો, અને વેપારીઓ મળી 1000 લોકોએ બીજેપીની વિચારસરણીને આવકારી પાર્ટી સાથે જોડાયા હોવાનું જેતપુર માર્કેટ યાર્ડના ચેરમેન દિનેશ ભુવાએ જણાવેલ 

ફોટો : કશ્યપ જોશી જેતપુર(જેતલસર) 9974262812