અનુયાયીઓ

મંગળવાર, 7 મે, 2013

જાતિગત-આર્થિક ઉચ નીચના ભેદભાવ મિટાવવા સમૂલગ્ન જેવા કાર્યક્રમો યોજવા ખૂબ આવશ્‍યક છેઃ મંત્રીશ્રીમતિ આનંદીબેન પટેલ

જાતિગત-આર્થિક ઉચ નીચના ભેદભાવ મિટાવવા સમૂલગ્ન જેવા કાર્યક્રમો યોજવા

ખૂબ આવશ્‍યક છેઃ મંત્રીશ્રીમતિ આનંદીબેન પટેલ

સૂરતઃ સહારા માનવ કલ્‍યાણ ટ્રસ્‍ટ-વાડી દ્વારા સૂરત જિલ્લાના માંગરોળ તાલુકાના ઝંખવાવ ખાતે આજરોજ આયોજીત સર્વજ્ઞાતિ સમૂહલગ્નમાં ૨૧૧ જેટલા નવદંપતિઓએ લગ્નબંધને બંધાઈ પ્રભુતામાં પગલા માંડયા હતા.

સમાજમાં પ્રવર્તમાન જાતિગત-આર્થિક ઉચ નીચના ભેદભાવ મિટાવવા આ પ્રકારના સંસ્‍કારયુકત સમૂલગ્ન જેવા કાર્યક્રમો યોજવાની ખૂબ આવશ્‍યકતા છે.

ઉપર મુજબ રાજયના મહેસૂલ, માર્ગ-મકાન વિભાગના મંત્રી અને જિલ્લા પ્રભારીમંત્રી શ્રીમતી આનંદીબેન પટેલે આજરોજ માંગરોળ તાલુકાના ઝંખવાવ ખાતે સહારા માનવ કલ્‍યાણ ટ્રસ્‍ટ-વાડી દ્વારા આયોજીત સર્વજ્ઞાતિ સમૂહલગ્ન સમારોહ-૨૦૧૩ પ્રસંગે યોજાયેલા કાર્યક્રમને સંબોધતા જણાવ્‍યું હતું.

સમાજના સંપન્ન પરિવારો પોતાના સંતાનોના લગ્નો સમૂહલગ્નના કાર્યક્રમમાં યોજી સમાજમાં ઉચનીચની ખાઈ પુરે તેવી અપેક્ષા વ્‍યકત કરતા શ્રીમતિ આનંદીબેન પટેલે આ સમૂહલગ્ન સમારોહમાં લગ્નબંધને બંધાયેલ નવદંપતિઓને પરસ્‍પર વિશ્વાસ ભરોસો રાખી દામ્‍પત્‍ય જીવનને સુમધુર બનાવવાની શીખ પણ આપી હતી.

મુખ્‍યમંત્રીશ્રી નરેન્‍દ્રભાઈ મોદી અને રાજય સરકારે આદિજાતિ માટે શિક્ષણના દ્વારો ખોલ્‍યા છે ત્‍યારે અત્રે લગ્નગ્રંથીથી જોડાનાર નવદંપતિ પોતાનો અભ્‍યાસ અધુરો ન છોડે અને વાલીઓ તેમનો અભ્‍યાસપૂર્ણ કરાવે તેવી અપેક્ષા પણ તેમણે વ્‍યકત કરી હતી.

આદિજાતિના સર્વાંગી ઉત્‍કષાર્થે પોતાનું અત્‍યાર સુધીનું જીવન ખર્ચનાર અને આ ખૂબ જ  અધરૂ કાર્ય આ વિસ્‍તારમાં મંત્રીશ્રી ગણપતસિંહ વસાવા, તેમના બંધુ શ્રી અમરસિંહ વસાવા અને વસાવા પરિવાર કરી રહ્યો છે. તેમાં દાતાઓનો હરહંમેશ સહયોગ મળ્‍યો છે. તેને સરાહતા મંત્રીશ્રીમતિ આનંદીબેન પટેલે આદિજાતિ ઉત્‍કર્ષના આ યજ્ઞકાર્યમાં સૌ સહયોગી બને તેને આવકારદાયક ગણાવી આયોજકોને, સુંદર વ્‍યવસ્‍થા બદલ તેમની ટીમને બિરદાવતા નવદંપતિઓને શુભ કામનાઓ આપી હતી.

આ પ્રસંગે પ્રદેશ ભાજપ અધ્‍યક્ષશ્રી આર.સી.ફળદુએ વનવાસીક્ષેત્રમાં વનવાસી સમાજ વિશે-તેમના વિકાસની ચિંતા કરી કાર્યો હાથ ધરવા અને ભવિષ્‍યની ભાવિપેઢીના હિતાર્થે લાભદાયક તમામ કાર્યો હાથ ધરવા બદલ સહારા માનવ કલ્‍યાણ ટ્રસ્‍ટને સર્વપ્રથમ અભિનંદન આપતા ટ્રસ્‍ટે સમાજના ઉત્‍કર્ષની એક મિશાલ ઉભી કર્યાનું જણાવ્‍યું હતું.

સમાજ ઉત્‍થાનના વિવિધ પ્રકલ્‍પો સહારા માનવ કલ્‍યાણ ટ્રસ્‍ટ-વાડી દ્વારા ઘણા વર્ષોથી ચાલી રહ્યા છે અને આદિજાતિના યુવાનોમાં રહેલી ક્ષમતાઓને ઉજાગર કરી તેને પ્‍લેટફોર્મ પુરુ પાડવાનું, ગરીબ ખેડૂતોના આર્થિક ઉત્‍થાન માટે ૧૧(અગિયાર) હજાર ગાયોનું વિતરણ, ખેતકામ માટે ૦૪(ચાર) હજાર બળદની જોડીઓ આપવી, ગરીબોના, વિકલાંગોના જીવનમાં આરોગ્‍યલક્ષી સેવાઓ જેવી માનવતાલક્ષી ટ્રસ્‍ટની સેવાકીય સમાજલક્ષી પ્રવૃતિઓને પણ શ્રી ફળદુએ બિરદાવી હતી.

મુખ્‍યમંત્રીશ્રી સમાજ જીવનના તમામ વર્ગો-ક્ષેત્રોની ત્રુટિઓ દુર કરી સમાજના સર્વાંગી વિકાસના દ્વારો ચોતરફથી ખુલે અને ભાવિ પેઢી પણ સુખી-સંપન્ન બને તેવી દીર્ધદ્રષ્‍ટિથી કાર્ય કરી રહ્યા છે તેમ જણાવતા શ્રી ફળદુએ નવદંપતિઓને મંગલમય દામ્‍પત્‍ય જીવનની શુભેચ્‍છાઓ આપી હતી.

સાંસદ(રાજયસભા) શ્રી ભરતસિંહ પરમારે આદિજાતિ માટેની રાજય સરકારની સંવેદનશીલ વનબંધુ કલ્‍યાણ યોજનાનો લાભ લેવા આદિજાતિ સમાજને અનુરોધ કરી સહારા માનવ કલ્‍યાણ ટ્રસ્‍ટ-વાડીની સમાજલક્ષી સેવાઓને બિરદાવતા નવદંપતિઓને શુભકામનાઓ આપી હતી.

કાર્યક્રમ પ્રારંભે વન-પર્યાવરણ, આદિજાતિ વિભાગના મંત્રીશ્રી અને સમૂહલગ્નના સંયોજક એવાશ્રી ગણપતસિંહ વસાવાએ સૌને આવકારતા સહારા માનવ કલ્‍યાણ ટ્રસ્‍ટ-વાડી દ્વારા કરાતી ગૌસેવા-ગૌદાન, રમત-ગમત પ્રોત્‍સાહન, સંત મેળાવડા આયોજન, વિકલાંગ સહાય, સમૂહલગ્ન, આરોગ્‍ય સેવા, અન્ન દાન, વષાદાન, શૈક્ષણિક સેવા અને આફત સમયે રાહતકાર્ય જેવી વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓની ટુંકમાં વિગતો આપી હતીે

આ કાર્યક્રમમાં મંત્રીશ્રી ગણપતસિંહ વસાવા, પૂર્વ ડી.એસ.પી.શ્રી અમરસિંહ વસાવા અને ટ્રસ્‍ટ-વાડીના પ્રમુખશ્રી રીતેશભાઈ વસાવાના હસ્‍તે સમૂહલગ્નના મુખ્‍ય દાતાઓને પુષ્‍પગૂચ્‍છ અર્પણ કરી શાલ ઓઢાડી સન્‍માન કરાયું હતું.             

આ પ્રસંગે ઉપસ્‍થિત કેવલજ્ઞાન પીઠ ગુરુગાદી સારસાપુરીના આચાર્યશ્રી અવિચલદાસજી, કડોદરા સ્‍વામી નારાયણમંદિરના મહંતશ્રી કે.પી.શાષાીજી, શ્રી કબીર મંદિર-વડોદરાના મહંતશ્રી પ્રિતમદાસજી, ભાથીજી સંપ્રદાય-વાડીના મહારાજશ્રી ગોવિંદભાઈ મધુદાસે નવદંપતિઓને આર્શીવચન આપ્‍યા હતા.

આ સમૂહલગ્ન સમારોહમાં પાણી-પુરવઠા રાજયમંત્રીશ્રી નાનુભાઈ વાનાણી, સાંસદશ્રી મનસુખભાઈ વસાવા, જિલ્લા પંચાયત પ્રમુખશ્રી અશ્વિનભાઈ પટેલ,  ધારાસભ્‍યો સર્વશ્રી જનકભાઈ બગદાણાવાળા, ઈશ્વરભાઈ પરમાર, અજયભાઇ ચોકસી, પ્રફુલ્લભાઇ પાનસેરીયા, આર.સી.પટેલ, અરૂણસિંહ રાણા, મુકેશભાઈ પટેલ, કાંતિભાઈ ગામીત, કનુભાઇ દેસાઈ, પિયુષભાઈ દેસાઈ, જિલ્લા કલેકટરશ્રી જય પ્રકાશ શિવહરે, તાપીના કલેકટરશ્રી રંજીથકુમાર જે., જિલ્લા વિકાસ અધિકારી(તાપી)શ્રી ઉપાધ્‍યાય, જિલ્લા ભાજપ પ્રમુખશ્રી સુરેશભાઇ પટેલ, પૂર્વ સાંસદશ્રી કાનજીભાઈ પટેલ, વર-વધુના વાલીઓ જિલ્લા/તાલુકા પંચાયત, નગરપાલિકાના પદાધિકારીઓ સહિત વિશાળ સંખ્‍યામાં ભાઈઓ-બહેનો ઉપસ્‍થિત રહ્યા હતા.

 

ઝંખવાવ ખાતે આયોજીત સર્વજ્ઞાતિ સમૂહલગ્ન સમારોહ-૨૦૧૩માં દાતાઓએ લાખોના દાનની સરવાણી વહેવડાવીઃ

સૂરતઃ  સહારા માનવ કલ્‍યાણ ટ્રસ્‍ટ વાડી દ્વારા માંગરોળ તાલુકાના ઝંખવાવ ખાતે આયોજીત સર્વજ્ઞાતિ સમૂહલગ્ન સમારોહ-૨૦૧૩માં ૨૧૧ જેટલા નવદંપતિઓએ પ્રભુતામાં પગલા પાડયાં હતા. આ પ્રસંગને દિપાવતા અનેક મહાનુભાવઓએ લાખોના દાનની સરવાણી વહાવી હતી.

સમૂહલગ્નમાં હિમતભાઈ ખેની, જેન્‍તીભાઈ ઝરીવાલા, પ્રમોદભાઈ ચૌધરી, જયશેભાઈ દેસાઈ, મુકેશભાઈ પટેલ, કેપ્‍ટન નયુમ સૈયદ, રાજુભાઇ પાઠક, માનસિંગભાઈ પટેલ, શિવલાલ ગોહિલ, મિલનભાઈ ચોકસી, નિતેશભાઈ મૌવા, વિમલભાઇ જૈન,  પંકજભાઈ ગોપાણી, વિકાસભાઈ મિત્તલ, અશોકભાઈ ખૈની, પ્રદિપભાઈ જુનૈઝા, રાધેશ્‍યામગર્ગ, દિપટ્રસ્‍ટ નાની નરોલી, દુશ્‍યતભાઈ ત્રિવેદી, વિપુલભાઈ દેસાઈ, સુરેન્‍દ્રસિંહજી, હરેશભાઈ સાકરિયા જેવા અનેક મહાનુભાવોએ આ સમૂહલગ્નમાં દાનની સરવાણી વહાવી હતી. જયારે ગાયત્રી પરિવારે સમૂલગ્ન પ્રસંગે નિઃશુકલ સેવા બજાવી હતી.

 ડાઉન લોડ કરી શકાશે.

 

આગામી ૮મીએ ઔદ્યોગિક વિસ્‍તાર હજીરા ખાતે મોકડ્રીલ યોજાશેઃ

સૂરતઃ નેશનલ ડીઝાસ્‍ટ્રાર મેનેજમેન્‍ટ ઓથોરીટી અને ડીસ્‍ટ્રીક ડીઝાસ્‍ટર અને ઔદ્યોગિક એકમો હજીરા દ્વારા તા.૮મીએના રોજ મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્‍યું છે. આ મોકડ્રીલ નિવૃત બિગ્રેડીયર ડો. બી.કે.ખન્નાના માર્ગદર્શન હેઠળ યોજાશે. તેઓશ્રી તા.૬/૫/૧૩ના રોજ નવી દિલ્‍હીથી સુરત એરપોર્ટ ખાતે સાંજે ૫.૪૦ વાગે આવશે. અને તા.૮/૫/૧૩ના રોજ  રાત્રે ૮.૦૦ વાગે દિલ્‍હી જવા રવાના થશે.

 

વ્‍યારા નગરપાલિકા પ્રમુખ/ઉપપ્રમુખ ચૂંટણી સંદર્ભે ૭મીએ તરણકુંડ ખાતે બેઠક યોજાશેઃ

સૂરતઃ તાપી જિલ્લાા વ્‍યારા નગરપાલિકાની પ્રમુખ/ઉપપ્રમુખ ચૂંટણી સંદર્ભે સામાન્‍ય બેઠક તા.૭/૫/૧૩ના રોજ સવારે ૧૧.૦૦ વાગે તરણકુંડ વ્‍યારા ખાતે રાખવામાં આવી છે.

આ બાબતે ચુંટાયેલા તમામ ચુંટાયેલા સભ્‍યોને નોટિસ દ્વારા જાણ કરવામાં આવી છે. તેમજ સ્‍થાનિક નોટિસ બોર્ડ પણ પ્રસિધ્‍ધ કરવામાં આવી છે. ચૂંટણી સંદર્ભે નાયબ કલેકટરશ્રી વ્‍યારા પ્રાંત-વ્‍યારા જિલ્લો તાપીની પ્રિસાઈડીંગ ઓફિસર તરીકે નિમણુંક કરવામાં આવી છે. આ સંદર્ભે પ્રમુખ અને ઉપપ્રમુખની ઉમેદવારીની ઈચ્‍છા ધરાવનાર સભ્‍યોએ ઉમેદવારી પત્ર ભરી પ્રિસાઈડીંગ ઓફિસરની સમક્ષ રજુ કરવાના રહેશે.

 

નર્મદા જિલ્લામાં તા.૧૪ મી મે થી તા.૩૧ મી મે દરમિયાન યોજાનારા કૃષિમહોત્સવ અંતર્ગત ૭૦ ગામોમાં ૪ જેટલા કૃષિરથ પરિભ્રમણ કરશે

રૂ|.૩૦૭.૫૪ લાખના ખર્ચની ૧૬૦૯૨ લાભાર્થીઓને કૃષિ-બાગાયત-પશુપાલનની કિટસનું થનારૂ વિતરણ :

૮૦ હજાર પશુધનને રસીકરણ અને ૮૦૦ પશુઓને કૃત્રિમ બીજદાન કરાશે

ધરતીપુત્રો, પશુપાલકોને યોજનકીય કિટસના વિતરણ સાથે કૃષિ વૈજ્ઞાનિકો  દ્વારાઆધુનિક ખેત પધ્ધતિ અંગે માર્ગદર્શન આપી ધરતીપુત્રોના પ્રશ્નોનું નિરાકરણ કરાશે

જિલ્લા કલેક્ટરશ્રી રાકેશ શંકરના માર્ગદર્શન હેઠળ જિલ્લા વહિવટીતંત્ર દ્વારા ઉજવણીની પૂર્વ તૈયારીઓને અપાઇ રહેલો આખરી ઓપ

રાજપીપલાઃ આગામી તા.૧૪ મી મેથી તા.૩૧ મી  મે, ૨૦૧૩ દરમિયાન યોજાનારી રાજ્ય કૃષિ મહોત્સવની ઉજવણી અંતર્ગત નર્મદા જિલ્લામાં પણ આ કૃષિ મહોત્સવને અસરકારક અને પરિણામદાયક બનાવવા માટે જિલ્લા કલેક્ટરશ્રી રાકેશ શંકરના માર્ગદર્શન તેમજ જિલ્લા વિકાસ અધિકારી શ્રીમતી એસ.છાકછુઆકની રાહબરી હેઠળ આ ઉજવણીના આયોજનની પૂર્વ તૈયારીઓને જિલ્લા વહિવટીતંત્ર દ્વારા આખરી ઓપ આપવામાં આવી રહ્યોં છે.

નર્મદા જિલ્લામાં કૃષિ મહોત્સવ- ૨૦૧૩ ની ઉજવણી સુચારૂ રીતે થાય તે માટે જિલ્લા વિકાસ અધિકારી શ્રીમતી એસ.છાકછુઆક જિલ્લાના કૃષિ-બાગાયત, પશુપાલન, સિંચાઇ, મત્સ્ય, વન અને આદિજાતી વિભાગ વગેરે સહિતના જિલ્લા વહિવટીતંત્રના લાઇન ડિપાર્ટમેન્ટના વિવિધ વિભાગોના સંકલન ઉપર દેખરેખ રાખી રહ્યાં છે અને આ ઉજવણી દરમિયાન લાભાર્થી ધરતીપુત્રો ખાસ ઉપસ્થિત રહે તે જોવા અને ઉપસ્થિત રહેનાર લાભાર્થીઓને જ કૃષિ, બાગાયત, પશુપાલન સહિતના અન્ય વિભાગની યોજનાકીય સહાયના કિટસનું વિતરણ થાય તેની ખાસ કાળજી રાખવા અમલીકરણ અધિકારીઓને સુચના અપાઇ છે.

નર્મદા જિલ્લામાં તા.૧૪ મી મે થી તા.૩૧ મી મે, ૨૦૧૩ સુધી કૃષિ મહોત્સવની ઉજવણી દરમિયાન જિલ્લાના નાંદોદ અને તિલકવાડા તાલુકા પંચાયતની ૧૮-૧૮ તેમજ  ડેડીયાપાડા અને સાગબારા તાલુકાની ૧૭-૧૭ બેઠકો મુજબના જિલ્લાના કુલ ૭૦ જેટલા ક્લસ્ટર ગામોમાં ૪ જેટલા કૃષિરથ ગામેગામ ફરીને ખેડૂત ભાઇ-બહેનોને કૃષિ વૈજ્ઞાનિકો અને સંબંધિત અધિકારીઓ દ્વારા તાલુકાની થીમ આધારીત વૈજ્ઞાનિક ખેતપધ્ધતિ અંગેનું માર્ગદર્શન પુરૂં પાડશે.

આ કૃષિમહોત્સવની ઉજવણી દરમિયાન દરેક ગામે ખેતીવાડી ખાતના ૧૫ થી ૧૮ લાભાર્થીઓ, બાગાયત ખાતાના ૧૦ થી ૧૨ લાભર્થીઓ અને પશુપાલન ખાતાના ૫ લાભાર્થીઓને વિનામૂલ્યે અપાનારી કિટસનું વિતરણ કરવામાં આવશે, જેમાં રૂ|.૨૩૯.૫૮ લાખના ખર્ચે ૮૫૪૬ લાભાર્થીઓને કૃષિ કિટસ, રૂ|.૫૭.૯૬ લાખના ખર્ચે ૯૭૯૬ લાભાર્થીઓને બાગાયતી કિટસ અને રૂ|.૧૧ લાખના ખર્ચેની ૨૭૫૦ પશુપાલાન કિટસ આવરી લેવામાં આવી છે. તદઉપરાંત જિલ્લાના ૮૦ હજાર પશુધનને ગળસુંઠા અને ખરવામોવાસાનું રસીકરણ અને ૮૦૦ પશુઓને નિઃશુલ્ક કૃત્રિમ બીજદાન હેઠળ આવરી લેવાનું પણ આયોજન કરાયું છે. જે અન્વયે હાલમા જિલ્લામાં તા.૧ લી મે થી પશુઓને રસીકરણની પણ શરૂ કરી દેવામાં આવી છે અને આ કામગીરી ૩૧ મી મે, ૨૦૧૩ સુધી ચાલુ રહેશે.

જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી એમ.એમ.પટેલના જણાવ્યા મુજબ નર્મદા જિલ્લામાં સારૂ ઉત્પાદન મેળવવા માટેના મુખ્યત્વે કપાસ, કેળ, શેરડી, તુવેર, ડાંગર, શાકભાજી, સોયાબીન, મકાઇ અને જુવાર જેવા પાકોની પસંદગી કરવામાં આવી છે. જિલ્લાના ચારેય તાલુકાઓ માટેના કૃષિરથો તાલુકાની થીમ આધારીત તૈયાર કરવામાં આવ્યા છે. નાંદોદ માટે કેળ, કપાસ, શેરડી, તુવેર, જુવાર જ્યારે તિલકવાડા તાલુકા માટે કેળ, કપાસ, તુવેર તેમજ ડેડીયાપાડા તાલુકા માટે તુવેર, ડાંગર અને નેટ હાઉસ અને સાગબારા તાલુકા માટે કપાસ, તુવેર, ડાંગર, સોયાબીન, નેટ હાઉસની થીમ ઉપરાંત આ તમામ તાલુકાઓમાં પશુપાલન, મત્સ્ય, શાકભાજી, મુલ્યવર્ધન તથા જળસંચય અને હાઇટેક ખેતી-બાગાયતની થીમ નક્કી કરવામાં આવી છે અને તે મુજબ ધરતીપુત્રોને તેમના ખેત ઉત્પાદન વધારવા માટે માર્ગદર્શન પુરૂ પડાશે.

નર્મદા જિલ્લાનાં પ્રત્યેક તાલુકાના કૃષિરથ સાથે બબ્બે ઝોનલ અધિકારીઓની નિમણુંક કરવામાં આવી છે અને તેઓ સમગ્ર ઉજવણી દરમિયાન કૃષિરથ સાથે તેમને સોંપાયેલી ફરજો અને જવાબદારીઓ નિભાવશે, તદઉપરાંત દરેક ક્લસ્ટર મુજબના ગામે આ ઉજવણી સંદર્ભે રાજ્યપત્રિત અધિકારીઓની પણ નોડલ અધિકારી તરીકે નિમણંક કરીને જે તે ગામ-સ્થળની જવાબદારીઓ પણ સુપ્રત કરવામાં આવી છે.

આ ઉજવણી દરમિયાન જે તે ગામોમાં પ્રગતિશીલ ખેડૂતનો વક્તવ્ય, જિલ્લા/તાલુકા ખેડૂત પ્રેરણા પ્રવાસ, સોઇલ હેલ્થકાર્ડનું વિતરણ, જે તે  ગામોમાં ખેડૂત સભાઓ યોજીને તેમના પ્રશ્નોની જાણકારી મેળવી કૃષિમહોત્સના કાર્યક્રમના દિવસે તેનું નિરાકરણ, કુપોષણ સામે જાગૃતિ કેળવવા આઇ.સી.ડીએસ. મારફત શાકભાજી વાવેતર અને ખોરાકમાં શાકભાજીનું મહત્વ વગેરેની જાણકારી સહિત જરૂરિયાતમંદોને કિચન-ગાર્ડન માટે શાકભાજી બિયારણનું વિતરણ તેમજ કૃષિમહોત્સવમાં હાજરી આપનાર ખેડૂતોને કૃષિ વિભાગની યોજનાના લાભમાં અગ્રિમતા આપવા ઉપરાંત કાર્યક્રમના સ્થળે લાભાર્થીની અરજી મંજુર કરવા તથા અગાઉથી આવેલ અરજી મુજબ સામગ્રી વિતરણ કરવાનું આયોજન પણ કરવામાં આવ્યું છે. તદઉપરાંત થીમ આધારીત જિલ્લામાં ખેત ઉત્પાદન વધારવા માટે આયોજન ઘડી કાઢી તે દિશામાં જિલ્લા વહિવટીતંત્ર દ્વારા કામગીરી હાથ ધરાઇ છે.

જિલ્લામાં કૃષિમહોત્સવની ઉજવણીના પ્રારંભે તા.૧૪ મી ના રોજ સવારે નાંદોદ તાલુકાના ખડગદા, તિલકવાડા તાલુકાના ભાદરવા, ડેડીયાપાડા તાલુકાના કુંડીઆંબા અને સાગબારા તાલુકામાં અમીયાર ગામોએથી કૃષિમહોત્સવનો શુભારંભ થશે અને ત્યારબાદ જે તે તાલુકામાં તેના નિર્ધારીત રૂટ મુજબ આ કૃષિરથને જિલ્લા/તાલુકા/ગામ આગેવાનો, પદાધિકારીઓ, અધિકારીઓ અને ગ્રામજનોની હાજરીમાં પ્રસ્થાન કરાવાશે. અત્રે એ ઉલ્લેખનીય છે કે, ચાલુ વર્ષે કૃષિમહોત્સવનો આ કાર્યક્રમ સવારના ૮=૩૦ કલાકથી બપોરના ૧=૩૦ કલાક સુધીના સમયગાળા દરમિયાન યોજાશે. જેમાં જે તે તાલુકા અને ગામોના ખેડૂત ભાઇ-બહેનો, પશુપાલકો અને ગ્રામજનોને બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી તેનો લાભ લેવા જિલ્લા વહિવટીતંત્ર તરફથી જાહેર આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.      

                                                        

ખોખરા ફળિયા પ્રાથમિક શાળા ખાતે નવા ઓરડાનું લોકાર્પણ :   

વલસાડઃ વલસાડ જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત ખોખરા ફળિયા પ્રાથમિક શાળા ખાતે તાજેતરમાં નવા બંધાયેલા શાળાના ઓરડાનું લોકાર્પણ જિલ્લા પંચાયત અધ્‍યક્ષા શ્રીમતી મીનાબેન ચૌધરી દ્વારા કરાયુ હતું. આ વેળા જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના અધ્‍યક્ષ શ્રી પ્રકાશભાઇ પટેલ, વલસાડના ધારાસભ્‍ય શ્રી ભરતભાઇ પટેલ વગેરેએ ખોખરા ફળિયા પ્રાથમિક શાળાની પ્રવૃત્તિઓને બિરદાવી, શાળા અને વિદ્યાર્થીઓના વિકાસ માટે સહયોગની ખાતરી આપી હતી. રાજ્‍ય સરકાર દ્વારા પ્રાથમિક શિક્ષણ ક્ષેત્રે અમલી જુદી જુદી યોજનાઓનો લાભ લઇને, વિદ્યાર્થીઓને આગળ આવવા માટે ઉપસ્‍થિત મહાનુભાવોએ તેમના વાલીઓને અનુરોધ કર્યો હતો. અન્‍ય શાળાઓ માટે પ્રેરણારૂપ કામગીરી કરતી ખોખરા પ્રાથમિક શાળા ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં તાલુકા વિકાસ અધિકારી શ્રી બી.ડી.પટેલ, કેળવણી નિરીક્ષક શ્રીમતી કુસુમબેન પટેલ, જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ શ્રી ગોકુળભાઇ પટેલ તથા તાલુકા પ્રાથમિક શિક્ષણ સંઘના પ્રમુખ શ્રી ભુલાભાઇ પટેલ, ડાયેટના પ્રાચાર્યા શ્રીમતી કલ્‍પનાબેન ઉનડકટ, ગામના સરપંચ, એસ.એમ.સી.ના સભ્‍યો સહિત ગ્રામજનો વગેરે મોટી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહ્યા હતા. સાંસ્‍કૃતિક કાર્યક્રમોની રમઝટ વચ્‍ચે યોજાયેલા આ કાર્યક્રમ દરમિયાન શાળા આચાર્ય શ્રી બિપીનભાઇ પટેલે મહાનુભાવોને આવકાર્યા હતા. જ્‍યારે કાર્યક્રમના અંતે ઉપશિક્ષક શ્રી જયેશભાઇએ મહેમાનોનો આભાર વ્‍યક્‍ત કર્યો હતો.

 

વલસાડ શહેરની ટ્રાફિક સમસ્‍યા નિવારવા માટે શહેરના ૧૧ વિસ્‍તારોને  નો પાર્કિંગ ઝોન જાહેર કરાયા Ñ

વલસાડઃ પ્રાચીન શહેર એવા વલસાડ નગરમાં વકરતી જતી ટ્રાફિક સમસ્‍યાને ધ્‍યાને લઇને શહેરના કેટલાક વિસ્‍તારોમાં નો પાર્કિંગ ઝોન જાહેર કરવાની આવશ્‍યકતાને અનુલક્ષીને વલસાડ જિલ્લાના અધિક જિલ્લા મેજીસ્‍ટ્રેટ શ્રી જે.કે.ગઢવી દ્વારા નીચે જણાવ્‍યા મુજબના વિસ્‍તારોને નો પાર્કિંગ ઝોન તરીકે જાહેર કરાયા છે.

એક જાહેરનામામાં જણાવ્‍યા મુજબ વલસાડ શહેર વિસ્‍તારમાં જાહેર જનહિતમાં ટ્રાફિક નિયમન માટે તેમજ કાયદો અને વ્‍યવસ્‍થાની જાળવણી માટે વાહન ચાલકોને તેમના વાહનો પાર્ક ન કરવા, કે ઊભા નહીં રાખવા માટે જણાવાયું છે. આ વિસ્‍તારોમાં (૧) આઝાદ ચોકી ટાવરથી નવયુગ સ્‍ટોર ત્રણ રસ્‍તા સુધી, (ર) આઝાદ ચોકી ટાવરથી ભીડભંજન મંદિર સુધી, (૩) આઝાદ ચોકી ટાવરથી નાના તાઇવાડ મસ્‍જિદ સુધી, (૪) આઝાદ ચોકી ટાવરથી ગૌરવપથ રોડ હાલર ચાર રસ્‍તા સુધી, (૫) આઝાદ ચોકી ટાવરથી અદીના પેલેસ હોટલથી વલસાડ રૂરલ પોલીસ સ્‍ટેશન સુધી, (૬) રામરોટી ચોકથી ભીડમંજન મંદિર જવાના ત્રણ રસ્‍તા સુધી, (૭) નવયુગ ત્રણ રસ્‍તાથી ખત્રીવાડ ભીડભંજન મંદિર સુધી, (૮) હાલર ચાર રસ્‍તાથી તીથલ રોડ ગવર્મેન્‍ટ કોલોની સુધી, (૯) કલ્‍યાણ બાગથી એસ.પી.સર્કલ થી હાલર ચાર રસ્‍તા સુધી, (૧૦) કલ્‍યાણ બાગથી એસ.ટી.ડેપો થઇ તરણકુંડ પાવર હાઉસ સુધી, અને (૧૧) એલ.આઇ.સી. ઓફિસથી કસ્‍ટમ ઓફિસ સુધીનો અંદરનો હાલર ક્રોસ રોડ. આ જાહેરનામાનો ભંગ કરનાર સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે, એમ પણ વધુમાં જણાવાયું છે.

 

ગુંદલાવના માતા-પુત્રિ ગુમ થયા :           

વલસાડઃ વલસાડ તાલુકાના ગુંદલાવ ખાતે રહેતી ૩૮ વર્ષિય મહિલા નામે લીલાબેન પ્રવિણભાઇ હરીજન તથા તેમની ૧૦ વર્ષિય પુત્રી આરતી પ્રવિણભાઇ હરીજન ગત તા.૮મી માર્ચ, ર૦૧૩નાં રોજથી ગુમ થયા છે. જિલ્લા પોલીસ અધિક્ષકની કચેરી તરફથી મળેલી એક અખબારી યાદીમાં જણાવ્‍યા અનુસાર લીલાબેન તથા આરતી ગત તા.૮/૩/ર૦૧૩નાં રોજ ૩:૦૦ વાગ્‍યાના સુમારે ઘરેથી કોઇને પણ, કંઇ પણ કહ્યા વિના કયાંક ચાલી જતા ગુમ થયા છે તે આજદિન સુધી મળી આવેલ નથી. ગુમ થનાર મહિલા શરીરે મધ્‍યમ બાંધાના, રંગે ઘંઉવર્ણ, ગોળ મોઢુ, ઊંચાઇ ૫ ફૂટ જેટલી છે. જ્‍યારે આરતીની ઊંચાઇ ૩ ફૂટ, રંગે ઘંઉવર્ણી, બન્ને ગાલ પર કાળા ડાઘ છે. તેણીએ  ભુરા કલરનો સ્‍કૂલ યુનિફોર્મ પહેરેલ હતો. ગુમ થનાર મહિલા તથા તેની પુત્રી ગુજરાતી ભાષા જાણે છે. આ વર્ણનવાળી મહિલા તથા છોકરીની ભાળ કે પત્તો મળે તો વલસાડ રૂરલ પોલીસ સ્‍ટેશનનો ફોન નંબર : ૦૨૬૩૨-૨૪૪૨૯૮ ઉપર સંપર્ક સાધવા જણાવાયુ છે.

 

ગુજકેટની પરીક્ષા આપનાર પરિક્ષાર્થીઓ ધ્‍યાન આપે

વલસાડઃ ગુજરાત માધ્‍યમિક અને ઉચ્‍ચતર માધ્‍યમિક શિક્ષણબોર્ડની અખબારી યાદીમાં જણાવાયા અનુસાર આગામી તા. ૦૯/૦૫/૨૦૧૩ના રોજ લેવાનાર ગુજરાત કોમન એન્‍ટ્રન્‍સ ટેસ્‍ટ (ગુજકેટ)-૨૦૧૩ની ફી રસીદમાં ફોટો આવેલ ન હોય કે સ્‍પષ્‍ટ દેખાય તેવો ન હોય તો ફી રસીદ (હોલ ટીકીટ)માં પાસપોર્ટ સાઇઝનો ફોટો ચોંટાડી શાળાના આચાર્યશ્રીના સહી-સિક્કા કરાવવા. ગુજરાત માધ્‍યમિક અને ઉચ્‍ચતર માધ્‍યમિક શિક્ષણ બોર્ડ સિવાયના બોર્ડના વિદ્યાર્થીઓએ શાળાના આચાર્ય કે રાજયપત્રિત(ગેઝેટેડ) અધિકારીના સહી-સિક્કા કરાવીને વર્ગખંડમાં હોલ ટીકીટ લઇ જવી. આ હોલ ટીકીટની ઝેરોક્ષ કરાવી એક ઝેરોક્ષ નકલ ખંડ નિરીક્ષકને પરીક્ષા સમયે આપવાની રહેશે. અસલ ફી રસીદ ઉમેદવારે પોતે પોતાની પાસે રાખવી. જેઓની ફી રસીદમાં  શાળા ઇન્‍ડેક્ષ નંબર ખોટો આવેલ હોય તેવા ઉમેદવારોએ પરિશિષ્‍ઠ-૫ ભરીને બોર્ડમાં ગુજકેટ સેલ, ગાંધીનગરના સરનામે મોકલી આપવા ખાસ ફરજ પરના અધિકારી,ગુજરાત માધ્‍યમિક અને ઉચ્‍ચતર માધ્‍યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર તરફથી જણાવાયું છે.

 

ભરૂચઃ   તા.૯/૫/૨૦૧૩ ના રોજ લેવાનાર ગુજરાત કોમન એન્‍ટ્રન્‍સ ટેસ્‍ટ(ગુજકેટ)-૨૦૧૩ ની ફી રસીદમાં ફોટો આવેલ ન હોય કે સ્‍પષ્‍ટ દેખાય તેવો ન હોય તો ફી રસીદ(હોલ ટીકીટ)માં પાસપોર્ટ સાઇઝનો ફોટો ચોંટાડી શાળાનાં આચાર્યશ્રીના સહી-સિક્કા કરાવવા અને ગુજરાત માધ્‍યમિક અને ઉચ્‍ચતર માધ્‍યમિક શિક્ષણ બોર્ડ વિદ્યાર્થીઓએ શાળાના આચાર્ય કે રાજ્‍યપત્રિત(ગેઝેટેડ) અધિકારીના સહી સિક્કા કરાવીને વર્ગખંડમાં હોલટીકીટ લઇ જવી તેની ઝેરોક્ષ કરાવી એક ઝેરોક્ષ નકલ ખંડ નિરીક્ષકને પરીક્ષા સમયે આપવી. અસલ ફી રસીદ ઉમેદવારે પોતે પોતાની પાસે રાખવી. જેઓની ફી રસીદમાં શાળા ઇન્‍ડેક્ષ નંબર ખોટો આવેલ હોય તેવા ઉમેદવારોએ પરિશિષ્‍ટ-૫ ભરીને બોર્ડમાં નંબર ખોટો આવેલ હોય તેવા ઉમેદવારોએ પરિશિષ્‍ટ-૫ ભરીને બોર્ડમાં ગુજકેટ સેલ, ગાંધીનગરનાં સરનામે મોકલી આપવા ગુજરાત માધ્‍યમિક અને ઉચ્‍ચતર માધ્‍યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગરની એક યાદીમાં જણાવ્‍યું છે.

 

 

૧૪ મી મે થી જિલ્લામાં કૃષિ મહોત્‍સવનો પ્રારંભ થશે.

ભરૂચઃ ભરૂચ જિલ્લામાં આગામી તા.૧૪/૫/૨૦૧૩થી તા.૩૧/૫/૨૦૧૩ સુધી કૃષિ મહોત્‍સવ-૨૦૧૩ની ઉજવણી થશે. ભરૂચ જિલ્લાના આઠ તાલુકામાંથી કુલ-૧૩૪ ગામોને તાલુકા પંચાયત બેઠક મુજબ પસંદ કરાયા છે. આ ગામોમાં સવારે ૮-૩૦ થી ૧૩-૦૦સુધી આજુબાજુના ગામો સહિતનાં પશુઓને રસીકરણ-સારવારનો કેમ્‍પ રખાશે અને ૮-૩૦થી ૧૩-૦૦કલાક સુધી એ જ સમયે જળ સંચય, કેનાલ સફાઇ, માઇક્રો ઇરીગેશન સિંચાઇના અધિકારીશ્રીઓ ઘ્‍વારા યોજનાકીય સમજણ અપાશે.

ત્‍યારબાદ પ્રગતિશિલ ખેડૂતો ઘ્‍વારા પોતાની સફળતાની વાત કરાશે. ૧૦-૩૦ થી ૧૨-૦૦ સુધી એલ.ઇ.ડી. ઘ્‍વારા ખેતી વિષયક ફિલ્‍મોનું પ્રસારણ અને માન.મુખ્‍યમંત્રીશ્રીનું ઉદ્‌બોધનનું પ્રસારણ કરાશે. ત્‍યારબાદ ગ્રામજનોને કૃષિ વૈજ્ઞાનિકો ઘ્‍વારા ખેતી વિષયક માર્ગદર્શન પુરૂ પાડવામાં આવશે.

ચાલુ વર્ષે આ ઉપરાંત ડ્રીપ ઇરીગેશન,ટપક સિંચાઇ અને ગ્રીન હાઉસની ખેતી-બાગાયત-શાકભાજી ઉપર વિશેષ ઘ્‍યાન અપાયું છે.સીમ તલાવડી, ખેત તલાવડી,જમીન સમથળ કરવાના કાર્યક્રમ પણ હાથ ધરાશે.જિલ્લામાં મત્‍સ્‍ય ઉધોગ કચેરી ઘ્‍વારા ૫૫ જેટલા તળાવોમાં મત્‍સ્‍યબીજ ઉત્‍પાદન માટે કોન્‍ટ્રાકટ અપાયા છે.

કૃષિ મહોત્‍સવ દરમ્‍યાન છ હજાર જેટલા ખેડૂતોને કિસાન ક્રેડીટ કાર્ડ અર્પણ કરાશે. આ ઉપરાંત સુગર ફેકટરી,દૂધધારા ડેરસ એ એ.પી.એમ.સી. માર્કેટ ઘ્‍વારા અને ફાર્મસ કલબ બાગાયત કચેરી ઘ્‍વારા સેમીનારોનું આયોજન કરવામાં આવનાર છે.

ભરૂચ જિલ્લાના તમામ ખેડૂત ભાઇ-બહેનોને આ કૃષિ મહોત્‍સવ કાર્યક્રમમાં હાજર રહી પોતાની ખેતીને નફાલક્ષી બનાવવા જિલ્લા વહીવટી તંત્ર ઘ્‍વારા અનુરોધ કરવામાં આવ્‍યો છે.

 

 

 

 

 

 

સચોટ મોજણી નવી યોજનાઓના ઘડતર તેમજ હાલની યોજનાઓની સુધારણામાં ઉપયોગી બનશે - આરોગ્ય રાજ્યમંત્રી

૪૨૫૦૦ કુટુંબોની આરોગ્ય અને ઘરસુવિધા મોજણી કરનારાઓની તાલીમનો પ્રારંભ

સચોટ મોજણી નવી યોજનાઓના ઘડતર તેમજ હાલની યોજનાઓની સુધારણામાં ઉપયોગી બનશે - આરોગ્ય રાજ્યમંત્રી

નાગરિકોને સર્વેક્ષણમાં સહયોગ આપવા અપીલ

વડોદરા,

આરોગ્ય રાજ્યમંત્રીશ્રી પરબતભાઇ પટેલે રવિવારે દાદા ભગવાન સત સ્થાનક ખાતે ગુજરાતના તમામ જિલ્લાઓ તેમજ દાદરા નગર હવેલી તથા દીવ-દમણના ૪૨૫૦૦ કુટુંબોની આરોગ્ય અને ઘરસુવિધા મોજણી (સર્વે) કરવા માટે પસંદ કરાયેલા મોજણીદારો (ઇન્વેસ્ટીગેટર્સ) ની તાલીમનો શુભારંભ કરાવ્યો હતો. ભારત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય, ફેક્ટ ઇન ડેપ્થ રીસર્ચ એન્ડ ડેવલપમેંટ ઇન્ડિયા પ્રા. લિમિટેડ, ઇન્ટરનેશનલ ઇન્સ્ટીટયુટ ફોર પોપુલેશન સાયન્સ (આઇઆઇપીએસ) ના સંયુક્ત ઉપક્રમે આયોજિત ડિસ્ટ્રીક્ટ લેવલ હાઉસહોલ્ડ એન્ડ ફેસીલીટી સર્વે (ડીએલએચએફએસ) માં રાજ્ય સરકારનો આરોગ્ય વિભાગ અને મ.સ.વિશ્વવિઘાલય પણ સહયોગ આપી રહી છે.

સર્વે હેઠળ મોજણીદારો (ઇન્વેસ્ટીગેટર્સ) પ્રત્યેક ઘરની મુલાકાત લેશે અને ઠરાવેલા પેરામીટર્સ અનુસારની માહિતી પરિવારો પાસેથી એકત્ર કરશે. મોજણીદારો અસરકારક સર્વે કરી શકે તે માટે પ્રત્યેક ૬૦ વ્યક્તિઓની ત્રણ બેચીસને એકવીસ દિવસની સધન તાલીમ આપવાનું આયોજન છે. તાલીમના શુભારંભ પ્રસંગે ઉપસ્થિત પૂર્વ મંત્રી અને ધારાસભ્યશ્રી જીતુભાઇ સુખડિયાએ શુભેચ્છા પાઠવી હતી. જિલ્લા પંચાયત સદસ્યા માયાબેન જોષી, મ.સ.વિશ્વવિઘાલયના નીતિનભાઇ ભટ્ટ, રજનીકાંત પટેલ, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. સોલંકી, આરટીઓના પ્રતિનિધિશ્રી દિલીપસિંહ સોલંકી તથા મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. 

ગુજરાત સરકાર છેવાડાના માનવીઓ સુધી આરોગ્ય અને રસ્તા, વીજળી, આવાસ જેવી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં દેશમાં મોખરે છે તેની વિગતવાર માહિતી આપતાં આરોગ્ય રાજ્યમંત્રીએ જણાવ્યું હતું કે, કોઇપણ સર્વેક્ષણની સફળતા માટે લોકોનો સહયોગ અને મળતી માહિતીની સચોટતા અનિવાર્ય છે. એટલે આવરી લેવાયેલા પરિવારો સાચી અને વિગતવાર માહિતી આપે તથા મોજણીદારો એકપણ પરિવાર કે નાનકડી વિગત પણ બાકાત રહી જાય તેની પૂર્ણ તકેદારી રાખીને સચોટ સર્વેક્ષણ કરે. સર્વેક્ષણમાં મળતી અસરકારક માહિતીઓ (ડાટા) લોકાભિમુખ નવી યોજનાઓના ઘડતર, અમલ હેઠળની યોજનાઓની ક્ષતિઓ જાણીને તેની સુધારણા અને નવીનીકરણ તેમજ સમુચિત નીતિઓના ઘડતર (પોલીસી મેકીંગ) માં ચાવીરૂપ અગત્યતા ધરાવે છે એમ તેમણે ઉમેર્યું હતું.

ફેક્ટ ઇન ડેપ્થના અધ્યક્ષશ્રી ઝહીર અહેમદખાને સહુને આવકારતા જણાવ્યું હતું કે, સર્વેની પૂર્વ તૈયારીના રૂપમાં ધર નંબરો આપી દેવામાં આવ્યા છે. ગુજરાત, દીવ-દમણ અને દાદરા નગર હવેલી ઉપરાંત જમ્મુ અને કાશ્મીર રાજ્યમાં સર્વેક્ષણની કામગીરી તેમના સંગઠનને સોંપવામાં આવી છે. અંતમાં, પ્રાજક્તા મિશ્રાએ આભાર વ્યક્ત કર્યો હતો. 

 

 

આ સર્વેક્ષણ ક્રોસ ચેકીંગમાં ઉપયોગી બનશે - મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી

વડોદરા,

રવિવારે ડિસ્ટ્રેક્ટ લેવલ હાઉસહોલ્ડ એન્ડ ફેસીલીટી સર્વેની તાલીમના શુભારંભ પ્રસંગે એક સંવાદમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. સોલંકીએ સર્વેક્ષણમાં મળનારી માહિતી માતા મરણ દર, બાળ મરણ દર, સંસ્થાકીય પ્રસુતિઓના દરના વર્તમાન આંકડાઓના ક્રોસ ચેકીંગમાં પણ ઉપયોગી બનશે. એફઆર એન્ડ ડીઆઇના અધ્યક્ષશ્રી ઝહીર અહેમદખાને જણાવ્યું હતું કે, સર્વે દ્વારા એકત્ર કરાનારી માહિતીઓમાં પ્રજનન દર, રસીઓની ઉપલબ્ધિ અને રસીકરણની નિયમિતતા, રસીકરણનો લાભ લેવાનું પ્રમાણ, માતા અને બાળમરણ દર, એચઆઇવી એઇડસની પરિસ્થિતિ, હિમોગ્લોબીનનું પ્રમાણ અને બોડીમાસ ઇન્ડેક્સ, શિક્ષણ, આર્થિક સ્થિતિ, આરોગ્ય સેવાના વાહનો, દવાઓ, તબીબોની સેવાઓની ઉપલબ્ધિ જેવી વ્યાપક અને વ્યૂહાત્મક બાબતોનો સમાવેશ થાય છે. તાલીમ બાદ પાંચ મહિનામાં એટલે કે નવેમ્બર-૨૦૧૩ સુધીમાં તેનો અહેવાલ સુપ્રત કરવાનું આયોજન છે. ગુજરાત, દીવ-દમણ, દાદરા નગર હવેલી ઉપરાંત જમ્મુ કાશ્મીર રાજ્યમાં પણ અમે સર્વેક્ષણ કરવાના છે. ૪૨,૫૦૦ લક્ષિત કુટુંબોના પ્રત્યેક ધરની મુલાકાત સર્વેક્ષણ હેઠળ ઇન્વેસ્ટીગેટર્સ લેવાના છે. નાગરિકોનો સહયોગ સર્વેક્ષણની સફળતા માટે ધણો જરૂરી છે એમ તેમણે ઉમેયું હતું.

 

શાળા આરોગ્ય કાર્યક્રમના લાભાર્થી વિઘાર્થીઓને હવે બહેરાશ નિવારણ માટે કોકલીયર ઇમ્પ્લાન્ટનો પણ લાભ મળશે - આરોગ્ય રાજ્યમંત્રી

વડોદરા,

આરોગ્ય અને સુખાકારી સર્વેક્ષણ તાલીમનો રવિવારે શુભારંભ કરાવતા આરોગ્ય રાજ્યમંત્રીશ્રી પરબતભાઇ પટેલે જણાવ્યું હતું કે શાળા આરોગ્ય કાર્યક્રમમાં લાભાર્થી વિઘાર્થીઓને બહેરાશ નિવારણ માટે કોકલીયર ઇમ્પ્લાન્ટનો સમાવેશ કરવામાં આવ્યો છે. ઉપરાંત નાગરિકોના બ્લડ ગ્રુપનું પરિક્ષણ અને બ્લડસુગરની ચકાસણીનું આયોજન આરોગ્ય વિભાગે કર્યું છે. અંગે વધુ જાણકારી આપતા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. સોલંકીએ જણાવ્યું હતું કે, શાળા આરોગ્ય તપાસ કાર્યક્રમ દરમિયાન હાર્ટ, કીડની, કેન્સર અને થેલેસેમિયા પીડિત બાળકોની ઉચ્ચ સારવાર કરાવવા માટેની મંજૂરીની સત્તા હવે જિલ્લા કક્ષાએ આપવામાં આવી છે. જ્યારે બહેરાશ નિવારણ માટે કોકલીયર ઇમ્પ્લાન્ટની પૂર્વ મંજૂરી રાજ્યસ્તરેથી મેળવ્યા પછી, ઉચ્ચ સારવારની મંજૂરી આપવામાં આવે છે.

 

વિવિધ રમતોના ખેલાડીઓ સ્પોર્ટસ હોસ્ટેલ્સમાં પ્રવેશ મેળવવા અરજી કરે 

વડોદરા,

સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત દ્વારા નડિયાદ, ભાવનગર, પોરબંદર, લીંબડી અને દેવગઢબારિયા ખાતે સ્પોર્ટસ હોસ્ટેલ્સનું સંચાલન કરવામાં આવે છે. હોસ્ટેલ્સમાં છેલ્લા ૦૫ વર્ષ દરમિયાન રાષ્ટ્રીય કક્ષાની રમત સ્પર્ધાઓમાં ભાગ લેનારા / વિશિષ્ઠ સિદ્ધિઓ મેળવનારા અને શાળાઓમાં ભણતા, તા. ૩૧/૧૨/૨૦૧૩ના રોજ ઉંમર ૧૭ વર્ષથી ઓછી થતી હોય તેવા કુસ્તી, એથ્લેટીક્સ, કબડ્ડી, બાસ્કેટ બોલ, હેન્ડબોલ, ક્રિકેટ, ખોખો, વોલીબોલ, આર્ચરીના રમતવીરોને પ્રવેશ આપવામાં આવે છે. તેના અનુસંધાને જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર, વડોદરાના સિનિયર કોચશ્રી જયેશ ભાલાવાળાએ કુસ્તી (ભાઇઓ), એથ્લેટીક્સ (ભાઇઓ/બહેનો), કબડ્ડી (ભાઇઓ) ના ખેલાડીઓને સિનિયર કોચ, જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર, મરીડા ભાગોળ, ભૈરવનાથ મંદિર સામે, નડિયાદ (ફોન નં. ૦૨૬૮-૨૫૬૧૭૯૨) ને, બાસ્કેટ બોલ અને હેન્ડબોલ (ભાઇઓ) ના ખેલાડીઓને સિનિયર કોચ, જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર બહુમાળી બિલ્ડિંગ, બ્લોક નં. એસ-૧૮/૧, ભાવનગર (૦૨૭૮- ૨૫૧૨૯૬૬) ને, ક્રિકેટ (ભાઇઓ) ના ખેલાડીઓને સિનિયર કોચ, જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર, દુલીપ સ્કૂલ ઓફ ક્રિકેટ, સ્ટેશન રોડ, પોરબંદર (૦૨૮૬-૨૨૪૭૩૯૯)ને, ખોખો અને વોલીબોલ (ભાઇઓ-સેન્ટર ઓફ એક્સેલન્સ) ના ખેલાડીઓને સિનિયર કોચ, જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર, સ્પોર્ટસ હોસ્ટેલ કમ સ્પોર્ટસ કોમ્પ્લેક્સ, સૌરાષ્ટ્ર કો-ઓપ. સ્પીનીંગ મીલ સામે, લીંબડી, જિ. સુરેન્દ્રનગર (ફોન નં. ૦૨૭૫૩-૨૬૦૭૩૪)ને અને એથ્લેટીક્સ અને આર્ચરી (ભાઇઓ/બહેનો) તથા આર્ચરીના ખેલાડીઓને (આર્ચરી-સેન્ટર ઓફ એક્સેલન્સ /ભાઇઓ-બહેનો) ને સિનિયર કોચ, જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર, શ્રી જયદીપસિંહજી રમત સંકુલ, દેવગઢબારિયા, જિ. દાહોદ (૦૨૬૭૮-૨૨૦૨૦૯) ને તા. ૧૮/૫/૨૦૧૩ સુધીમાં અરજીઓ મોકલી આપવા જણાવાયું છે. નિયત અરજીપત્રકો કુબેર ભવન, વડોદરાના આઠમા માળે આવેલા જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર ખાતેથી મળશે. ઉલ્લેખનીય છે કે વોલીબોલ ભાઇઓ અને આર્ચરી (ભાઇઓ/બહેનો) ના રાષ્ટ્રકક્ષાની સ્પર્ધામાં ભાગ લેનારા/વિશિષ્ઠ સિદ્ધિ મેળવનારા ખેલાડીઓ માટે ગુજરાત સરકારે નિવાસી એક્સેલન્સ (વિશિષ્ઠ) યોજના અમલમાં મુકી છે. જેના હેઠળ ખેલાડીઓને તાલીમ, ભોજન, સ્ટાઇપેન્ડ, ગણવેશ, વીમાછત્ર અને રમત સાધનો વિનામૂલ્યે આપવામાં આવે છે. વધુ માહિતી વેબસાઇટ www.sycd.gujarat.gov.in પરથી મળી શકશે.

 

કૃષિ મહોત્સવને સફળ બનાવવા ૧૯ ખાતાઓ અને વિભાગો યોગદાન આપશે

વડોદરા,

૧૪મી મે, ૨૦૧૩થી શરૂ થતા આગામી કૃષિ મહોત્સવને સફળ બનાવવા રાજ્યના ૧૯ જેટલાં ખાતાઓ, વિભાગો, નિગમો, ટીમ ગુજરાતની ભાવના સાથે યોગદાન આપશે. આમ, કૃષિ મહોત્સવ ફક્ત ખેતીવાડી, બાગાયત કે પશુપાલન ખાતાનું આયોજન બની રહેતા, સમગ્ર પ્રશાસનીક ટીમનું આયોજન બની રહેશે. તેમાં ઉપરોક્ત ત્રણ ઉપરાંત મહેસુલ વિભાગ, આદિજાતિ વિકાસ વિભાગ, ગુજરાત જમીન વિકાસ નિગમ, મત્સ્ય વિભાગ, સિંચાઇ વિભાગ, ગ્રામ વિકાસ અને પંચાયત વિભાગ, કૃષિ વિશ્વવિઘાલય, માહિતી ખાતુ, વન અને પર્યાવરણ વિભાગ, ઊર્જા વિભાગ, સહકાર વિભાગ, આરોગ્ય, શિક્ષણ વિભાગ, ગુજરાત ગ્રીન રીવોલ્યુશન કંપની અને ગુજરાત લાઇવલી હુડ પ્રમોશન કંપની સહયોગ આપશે.

 

 

કૃષિ મહોત્સવના ભાગરૂપે કૃષિ ગોષ્ઠીઓ અને મેગા ખેડૂત શિબિરોનું આયોજન

વડોદરા,

કૃષિ મહોત્સવનો આશય ખેડૂતોને ખેતીવાડીના ક્ષેત્રમાં નવા સંશોધન, નવી કૃષિ પદ્ધતિઓ, જળ બચતના ઉપાયો, સૂકી ખેતી, નવા બિયારણો, જૈવિક જીવાતના નિયંત્રણના ઉપાયો, ખાતર, બિયારણ, જતુંનાશક દવાઓનો સમજદારીપૂર્ણ અને કરકસરભર્યો ઉપયોગ, જમીનની પ્રકૃતિ અને આબોહવા પ્રમાણે અનુકૂળ ખેતી, પશુ ઓલાદની સુધારણા, વળતરયુક્ત પશુપાલન ઇત્યાદીની જાણકારી તજજ્ઞો દ્વારા પુરી પાડવાનો પણ છે. તેના ભાગરૂપે વર્ષના કૃષિ મહોત્સવ દરમિયાન જિલ્લાના તમામ બાર તાલુકાઓમાં કુલ ૨૩ કિસાન ગોષ્ઠી અને મહા ખેડૂત શિબિરો યોજવાનું આયોજન આત્માના સહયોગથી કરવામાં આવ્યું છે. તદઅનુસાર, વડોદરા તાલુકાના કેલનપુર (તા.૨૫/૦૫) અને મારેઠા (તા.૩૧/૦૫) ગામે, પાદરા તાલુકાના મજાતણ (તા.૨૦/૦૫) અને શાણપુર (તા.૨૪/૦૫)ગામે, વાધોડિયા તાલુકાના ગજાદરા (તા.૨૨/૦૫) અને વાધોડિયા (તા.૧૪/૦૫) ગામે, કરજણ તાલુકાના બચાર (તા.૨૩/૦૫) અને કરજણ (તા.૨૯/૦૫) ખાતે, સાવલી તાલુકાના પોઇચા (તા.૨૪/૦૫) અને સમલાયા (તા.૧૪/૦૫) ખાતે, ડભોઇ તાલુકાના કડધરા (તા.૧૮/૦૫) અને માવલી (તા.૧૫/૦૫) ખાતે શિનોર તાલુકાના શિનોર (તા.૨૧/૦૫) અને સાધલી (તા.૨૬/૦૫) ખાતે, સંખેડા તાલુકાના હરેશ્વર (તા.૨૬/૦૫) અને કોસીન્દ્રા (તા.૧૮/૦૫) ખાતે, છોટાઉદેપુર તાલુકાના ગાબડિયા (તા.૧૪/૦૫) અને તેજગઢ (તા.૨૯/૦૫) ખાતે, નસવાડી તાલુકાના કુંકાવટી (તા.૧૬/૦૫) અને ચામેઠા (તા.૧૪/૦૫) ખાતે, કવાંટ તાલુકાના મોટા વાંટડા (તા.૧૬/૦૫) અને કવાંટ (તા.૧૯/૦૫) ખાતે તથા જેતપુરપાવી તાલુકાના કલારાણી (તા.૧૫/૦૫) ખાતે અનુક્રમે કિસાન ગોષ્ઠી અને મહા ખેડૂત શિબિરોનું આયોજન કરવામાં આવ્યું છે.

 

ઉમા કન્ઝયુમર સહકારી મંડળી ફડચામાં લઈ જવા અંગે વાંધા સૂચનો મંગાવાયા 

વડોદરા,

ઓડિટર દ્વારા કરવામાં આવેલી ભલામણને અનુલક્ષીને જિલ્લા રજિસ્ટ્રાર, સહકારી મંડળીઓએ જીઆઇડીસી, મકરપુરા ખાતેની ધી ઉમા કન્ઝયુમર્સ સહકારી મંડળીને ફડચામાં લઈ જવાનો વચગાળાનો આદેશ કર્યો છે. તેના ફડચા અધિકારી તરીકે સહકારી અધિકારી, ફડચા નં. ૪ની નિમણૂંક કરી છે. હુકમ સામેના વાંધા કે રજૂઆતો, હુકમની તારીખથી એક મહિનાની મુદતમાં જિલ્લા રજિસ્ટ્રાર, સહકારી મંડળીઓ સમક્ષ કરી શકાશે. જો કોઇ વાંધા કે રજૂઆતો નહીં મળે તો વચગાળાના ફડચા હુકમને કાયમી કરવામાં આવશે. 

 

એ મૃતકના કુટુંબીજનો સંપર્ક કરે

વડોદરા,

અંદાજે ૫૦ વર્ષની ઉંમના બાબુભાઇ છોટાભાઇને તા. ૨૯/૦૪ના રોજ એસએસજી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા. તેમનું તા. ૪/૦૫/૨૦૧૩ના રોજ મરણ થયું છે. મૃતકના ધર-પરિવાર, સરનામાની કોઇ જાણકારી નથી. તેણે શરીર પર સફેદ લાઇનીંગવાળુ શર્ટ અને રાખોડી રંગનું પેન્ટ પહેર્યાં છે. જમણી આંખની નીચે મસો છે. તેમના કુટુંબીજનોને તાત્કાલિક રાવપુરા પોલીસ મથકનો સંપર્ક કરવા જણાવાયું છે.

 

 

 

 

હાઇટેક કેળની ખેતી

ઉચ્ચશિક્ષણ મેળવી વ્હાઈટ કોલર જોબની જગ્યાએ ખેતીને વ્યવસાય બનાવતા શ્રી સ્મીત પટેલ

સ્‍મીત પટેલ કહે છે કે નોકરી કરતાં ખેતી સારી આજે પણ ખેતી ઉત્‍તમ જ છે

નડીઆદ-

ગુજરાતીમાં એક ઉકિત છે "ઉત્‍તમ ખેતી, મધ્‍યમ વેપાર અને કનિષ્‍ઠ નોકરી" જયારે બીજી ઉકિત "સારી થઇ તો ખેતી નહીં તો ફજેતી" આમ ખેતી માટે ત્રણ ઉકિત છે. "ખેડ-ખાતરને પાણી મહેનત લાવે તાણી" વર્ષો પહેલા ખેતીનો વ્‍યવસાય ઉત્‍તમ ગણાતો અને ખેડૂત જગતનો તાત પરંતુ ખેતીમાં વળતર ઓછું અને મહેનત વધુ અને ઘણીવાર પાકના ઉત્‍પાદન સામે ખર્ચ વધી જતો અને ઘણીવાર પાક નિષ્‍ફળ જતો જેથી ખેડૂત દેવાના ડુંગર નીચે દબાઇ જતો. પરંતુ હવે હાઇટેક ખેતીના લીધે વળતર વધુ મળે છે. ટપક સિંચાઇ જેવી પધ્‍ધતિથી તો પચાસ ટકા જેટલો ખર્ચ બચી જાય છે. જો  હાઇટેક ખેતી પધ્‍ધતિથી  બાગાયતના રોકડીયા પાકો ખેડૂતને માલામાલ બનાવી દે છે.

મૂળ ગામ બોરીયાવી પરંતુ કણજરીમાં ખેતીની જમીન ધરાવતા ખેડૂત શ્રી સ્‍મીત પટેલ બી.કોમ, ડીપ્‍લોમા ઇન ટેકસેશન એન્‍ડ લો પ્રોગ્રામ તેમજ અમદાવાદમાં ઇન્‍વેસ્‍ટમેન્‍ટ મેનેજમેન્‍ટની ડીગ્રી મેળવી હોવા છતાં વ્‍હાઇટ કોલર જોબ મેળવી એ.સી.ચેમ્‍બરમાં કે પંખા નીચે ખુરશીમાં બેસી આરામની નોકરી કરવાની જગ્‍યાએ ખેતીને વ્‍યવસાય બનાવ્‍યો છે. તેઓ કહે છે કે નોકરી કરતાં ખેતીમાં વળતર વધુ મળે છે. આજે પણ ખેતી ઉત્‍તમ છે. સ્‍મીત પટેલએ અઢી વીગામાં કેળની ખેતી કરી છે. તેઓ જી-૯ નામના કેળની જાતના ટીસ્‍યુ કલ્‍ચર ઓગષ્‍ટ-૨૦૧૧માં વાવણી કરી હતી. તેના પાકનો પ્રથમ ઉતારો સચ્‍ટેમ્‍બર-૨૦૧૨માં મળ્યો એક કેળની લૂમ ૩૮ થી ૪૦ કી.ગ્રા.નો ઉતારો હતો. એક વીગા જમીનમાં ૭૦૦ જેટલા છોડ રોપવામાં આવ્‍યા હતા. એક છોડ દીઠ પચાસ રૂપિયા જેટલો ખર્ચ થયો છે અને એક વીગામાં ૨૬ થી ૨૮ હજાર કી.ગ્રા.નો ઉતારો મેળવ્‍યો છે અને આ કેળ દિલ્‍હી, કાશ્મીર, રાજસ્‍થાન, હરિયાણા જેવા નગરોમાં તેમજ મોટા મોલમાં ઉંચા ભાવે વેચાણ કર્યા છે. આમ, ૨૦ કિ.ગ્રા કેળાના રૂ.૨૫૦ થી ૩૦૦નો ભાવે વેચાણ કરેલ છે અને એક વીગામાંથી રૂ..૩.૫૦ લાખથી ૪ લાખ રૂપિયાનું વળતર મેળવ્‍યું છે.  આજ કેળના છોડ ઉપર એક પાક લીધા બાદ છોડના પીલામાંથી બીજો પાક અપ્રિલ-૨૦૧૩માં લીધો. બીજી વખત લીધેલા પાકને ખેડૂત ભાષામાં લામ પાક કહેવાય છે. આમ, ટીસ્‍યુકલ્‍ચર છોડમાંથી ત્રણ થી ચાર પાક પણ લઇ શકાય છે. બીજી વખતના પાકમાં ઉત્‍પાદન થોડું ઓછું મળે છે. પરંતુ છોડની વાવણી અને નવા છોડની ખરીદીના ખર્ચ બચે છે. જેથી વળતર સરખું જ મળે છે. સ્‍મીત પટેલના કહેવા મુજબ તેમના ખેતરના કેળની ગાંઠોમાંથી ટીસ્‍યુકલ્‍ચર રોપા તૈયાર કરવા માટે એગ્રો કંપનીઓ એક ગાંઠના ચાર થી પાંચ રૂપિયા આપીને ખરીદી કરે છે. જેથી ગાંઠોમાંથી પણ આવક મેળવે છે.

શ્રી સ્‍મીત પટેલ પાસે ૨૦ વીગા જમીન છે તેમાં તેઓ મુખ્‍ય પાક બટાટાનો લે છે. બીજા નંબરે આદુની ખેતી કરે છે. આદુનું તેઓ સીધુ વેચાણ કરતા નથી. પરંતુ સૂંઠ બનાવીને વેચે છે. જેથી વળતર વધુ મેળવે છે.

 

પ્રકૃતિના ખોળે હાઇટેક એજ્યુકેશન

ઝુપડા આગળ ઝાડના છાયડે લેપટોપથી દેશ દુનિયાના વાવડ માત્ર ધોરણ ૭ ભણેલા અને કાપડની ફેરી કરી ગુજરાન ચલાવતા પિતાએ ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરતા પુત્રને લેપટોપ અપાવ્યું

નડીઆદ-

ગુજરાત દરેક ક્ષેત્રે વિકાસની હરણફાળ ભરી છે. વિકાસ નરી આંખે જોઈ શકાય છે. ૨૧મી સદી ભારતની સદી છે અને જ્ઞાનની સદી છે એમ મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદી અવાર-નવાર તેમના પ્રવચનમાં ઉલ્લેખ કરતા હોય છે. તેઓ ખાસ કરીને ગરીબ, આદિવાસી અને દલિત સમાજમાં પણ શિક્ષણ ભૂખ ઉઘડી છે. તેવું જણાવતા હોય છે. ખરેખર ગરીબ, આદિવાસી અને દલિત સમાજમાં શિક્ષણની ભૂખ ઉઘડી છે. તેનો પ્રત્યક્ષ પૂરાવો જોઈએ તો ખેડા જિલ્લાના મુખ્યમથક નડીઆદ શહેરને અડીનો આવેલા કણજરી નગરની નગરપાલિકાની ભાડાપટ્ટાની જમીન ઉપર ઝુપડુ બનાવી રહેતા અને કાપડની ફેરી કરીને કુટુંબનું ગુજરાન ચલાવતા રમેશભાઈ  ધોરણ-૧૨ વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરતા તેમના પુત્ર અરૂણકુમારને મજૂરી કરીને લેટેસ્ટ મોડેલનું લેપટોપ અપાવ્યું છે.

રમેશભાઇ કહે છે કે, હું ગરીબાઇના કારણે ભણી શક્યો નહીં પરંતુ મારા સંતાનોને હું ઉચ્ચશિક્ષણ અપાવવાનો નિર્ધાર કર્યો છે. તેમની પુત્રી ધોરણ-૧૧ કોમર્સ અને નાનો પુત્ર ધોરણ-૧૦માં અભ્યાસ કરે છે.

૪૧ વર્ષિય રમેશભાઇના પત્નિ મંજુલાબહેન કહે છે કે, મારા પતિની બધી આવક મારા ત્રણ બાળકોના અભ્યાસમાં ખર્ચાય જાય છે. હું મારા બાળકોને ભણાવવા માંગુ છું. અમે જે મુસીબતો ઉઠાવી છે તે અમારા સંતાનો ન ઉઠાવે. તેઓ ભણીગણીને સારા નાગરિક બને. આજની યુવા પેઢીના હાથમાં આવનારી આવતી કાલને સમૃધ્‍ધ બનાવીએ.

 

૨૫ વર્ષથી બટાકાની ખેતી કરતા પ્રવીણ પટેલ કહે છે કે ગુજરાત પ્રોસેસીંગ બટાકાનું હબ બનશે

વેફર અને નમકિન સુગરફ્રી લેડીરોઝ બટાકામાંથી બને છે

શાકના બટાકા અને વેફરના બટાકા બન્‍નેની જાતો અલગ

નડીઆદ-

શાકભાજીના રાજા ગણાતા બટાકાનો આજે અન્‍ય ઉપયોગ વેફર અને નમકિન બનાવવામાં થઇ રહયો છે. વેફર અને નમકિન બધાની મનપસંદ છે. ઠંડા પીણા સાથે વેફર અને નમકિન મળી જાય એટલે બસ. બાળકો અને યુવાનોને ભાવતું ભોજન મળી ગયું. ઘરમાં બનાવેલી વેફર કે નમકિન બાળકોને આપો એટલે તરત જ કહેશે આનો સ્વાદ બજાર જેવો નથી આવ તો. શું તમે જાણો છે કે ઘરના વેફર કે નમકિન બજાર જેવા કેમ નથી હોતા? ઘરમાં બનાવેલી વેફરનો સ્વાદ બહાર મળતી વેફર જેવો કેમ નથી હોતો? ઘરમાં બનતી વેફર સામાન્ય રોજ બરોજના  જમવામાં વપરાશમાં લેવામાં આવતા બટાકામાંથી બનાવવામાં આવે છે. જયારે બહાર મળતી વેફર ખાસ પ્રોસેસીંગ પ્રોસેસીંગ માટેના લેડીરોઝ એટલે કે એલ.આર.ટૂંકા નામથી જાણીતા બટાકામાંથી બને છે. હવે તમને પ્રશ્‍ન થશે કે આ બટાકા શું છે ? બટાકા તો બટાકા હોય એમાં સામાન્‍ય અને પ્રોસેસીંગ બટાકા (સુગર ફ્રી પોટેટો) હોય ખરા ?

પ્રોસેસીંગ બટાકાનું વાવેતર કરતા કૃષિપુત્ર મૂળ બોરીઆવીના પરંતુ  ખેડા જિલ્‍લાની સરહદે આવેલા કણજરી ગામના પ્રવીણભાઇ પટેલ છેલ્‍લા ૨૫ વર્ષથી બટાકાની ખેતી કરી રહયા છે. બી.કોમ.નો અભ્‍યાસ કર્યા બાદ તેમણે કૃષિને વ્‍યવસાય તરીકે અપનાવ્‍યો. તેઓ બટાકાની વિવિધ જાતોનું વાવેતર કરે છે. તેમનું કહેવું છે કે ગુજરાતમાં બટાકાની ત્રણ જાત જોવા મળે છે. બાદશાહ, પોખરાજ અને લોકર. બનાસકાંઠામાં બાદશાહ અને પોખરાજ જાતના અને સાબરકાંઠા, દહેગામમાં બાદશાહ, પોખરાજ અને લોકર તથા ખેડા જિલ્‍લામાં પોખરાજ અને લોકર જાતના બટાકાનું વાવેતર થાય છે.

પ્રવીણભાઇએ ચાલુ વર્ષે પોતાના ખેતરમાં લેડીરોઝ (પ્રોસેસીંગ અને સુગરફ્રી બટાકા)ની ખેતી કરી હતી. રાજય સરકાર દ્વારા તેમને એક હેકટર દીઠ રૂ.૧૦,૦૦૦/-ની સહાય આપવામાં આવી હતી. તેમણે ઉત્‍તમ બિયારણ, છાંણીયું અને રાસાયણિક ખાતર તથા ટપક સિંચાઇ પધ્‍ધતિથી બટાકાના મબલખ પાકનું ઉત્‍પાદન કર્યું. તેઓ કહે છે કે..... કૃષિપુત્ર થોડી મહેનત કરે અને પાકની માવજત તથા કાળજી લે તો શ્રેષ્‍ઠ ઉત્‍પાદન અવશ્‍ય મેળવી શકે છે. પ્રવીણભાઇએ કહયું કે સુગરફ્રી બટાકાનો ભાવ સામાન્‍ય બટાકાના ભાવ કરતાં વધુ હોય છે. સામાન્‍ય બટાકા ૧૦ થી ૧૨ રૂપિયે કી.ગ્રા. મળતા હોય છે ત્‍યારે સુગરફ્રી બટાકાનો ભાવ ૪૦ થી ૪૫ રૂપિયે કિ.ગ્રા. હોય છે. સુગરફ્રી બટાકા અને સામાન્‍ય બટાકાની વાત કરતાં પ્રવીણભાઇએ કહયું કે સામાન્‍ય બટાકામાં સુગરનું પ્રમાણ વધુ હોવાથી તેમાથી બનતી વેફર લાલ રંગ પકડે છે. જયારે પ્રોસેસીંગ બટાકામાં સુગરનું પ્રમાણ ઓછું હોવાથી તેમાથી બનતી વેફર સફેદ રંગની તૈયાર થાય છે. બંને વેફરના સ્‍વાદ પણ અલગ હોય છે. પ્રોસેસીંગ બટાકાની માંગ વેફરનું ઉત્‍પાદન કરતી કંપનીઓ વધુ કરતી હોય છે. ગુજરાતમાં પ્રોસેસીંગ બટાકા રાજકોટ, વલસાડ, અમદાવાદ જેવા શહેરોમાં વેફરનું ઉત્‍પાદન કરતી કંપનીઓમાં મોકલવામાં આવે છે. ગુજરાત ઉપરાંત અન્‍ય રાજયોમાં પણ પ્રોસેસીંગ એલ.આર. બટાકાની જાત મોકલવામાં આવે છે.

બટાકાનું ઉત્‍પાદન કર્યા બાદ ઉત્‍પાદન કરેલ માલનો સંગ્રહ કરવાની વિકટ સમસ્‍યા હતી. ઉત્‍પાદન થયેલ માલના સંગ્રહ માટે કૃષિપુત્રોએ ભેગા મળીને કોલ્‍ડ સ્‍ટોરેજ બનાવ્‍યું. જેમાં સામાન્‍ય અને પ્રોસેસીંગ બટાકાના સંગ્રહ કરવાની અલગ અલગ વ્‍યવસ્‍થા કરવામાં આવે છે. બંને જાતના બટાકાનો સંગ્રહ કરવા બટાકામાં સુગરનું પ્રમાણ જાળવવા અલગ અલગ તાપમાનમાં રાખવામાં આવે છે. વળી બટાકામાં અંકુરણ(આંખ) ન ફૂટે એટલે ફોગીંગ કરવું પડે છે. ફોગીંગની પ્રક્રિયા કરવામાં વીજ ખર્ચ પણ વધુ આવે છે. ઉત્‍પાદન સંગ્રહની સમમ્‍યાનું  નિરાકરણ કર્યું ત્‍યાં સંગ્રહ કરવા માટેનો વીજખર્ચ વધુ આવવા લાગ્‍યો. આવા કપરા સમયે રાજય સરકાર કૃષિપુત્રોની વહારે આવી. સરકારશ્રી કોલ્‍ડ સ્‍ટોરેજ માટે વપરાતી વીજળી બિલમાં રૂ.૨ લાખની વીજ બિલ સહાય આપે છે.

આજે વિષ્‍ણુ કોલ્‍ડ સ્‍ટોરેજના માલિક શ્રી પ્રવીણભાઇ પટેલ તેમના કોલ્‍ડ સ્‍ટોરેજમાં તેમના ખેતરમાં ઉત્‍પાદિત થતા તેમજ આજુ બાજુના ગામમાં કૃષિપુત્રોએ ઉત્‍પાદિત કરેલ બટકાનું સ્‍ટોરેજ કરવામાં આવે છે. સિઝન દરમિયાન આ કોલ્‍ડસ્‍ટોરજમાં સંગ્રહ કરવામાં આવતા બટાકાનું પ્રતિ કિ.ગ્રામે રૂ.૧.૪૦ પૈસા ભાડુ લેવામાં આવે છે. સિઝન સિવાયના સમયે પ્રતિ કિલોગ્રામે રૂ.૧.૬૦ ભાડુ લેવામાં આવે છે. આજે તેમના કોલ્‍ડ સ્‍ટોરેજમાં ૪ હજાર ટન બટાકાનું સ્‍ટોરજ કરવામાં આવેલ છે. તેમના કહેવા મુજબ કૃષિપુત્રને બજારમાં સંતોષકારક ભાવ મળતા હોય છે ત્‍યારે તેઓ સ્‍ટોરજ કરેલ બટાકા લઇને બજારમાં વેચવા માટે લઇ જતા હોય છે. કૃષિપુત્ર પાસે અગાઉના સમયમાં સંગ્રહ કરવાની વ્‍યવસ્‍થા ન હોવાને કારણે સિઝનમાં ઓછા ભાવે માલ વેચવો પડતો હતો. વર્તમાનમાં કોલ્‍ડ સ્‍ટોરજની વ્‍યવસ્‍થા ઉપલબ્‍ધ થવાથી કૃષિપુત્રોને સંતોષકારક ભાવ મળે  ત્‍યારે માલ વેચીને વધુ નફો મેળવી શકે છે.

ઉત્‍તર અને મધ્‍ય ગુજરાતમાં લેડી રોઝ બટાકાનું ઉત્‍પાદન દિવસે-દિવસે વધી રહયું છે. ઉત્‍પાદન વધવાથી તેના સંગ્રહ માટે કોલ્‍ડ સ્‍ટોરજ પણ વધી રહયા છે. છેલ્‍લા ૧૦ વર્ષમાં ગુજરાતમાં કુલ ૪૧૭ કોલ્‍ડ સ્‍ટોરજ બનાવવામાં આવ્‍યા છે. પ્રવીણભાઇ કહે છે કે ભવિષ્‍યમાં ગુજરાત પ્રોસેસીંગ બટાકાનું હબ બનશે અને દેશ-વિદેશમાં સુગરફ્રી બટાકાની નિકાસમાં મોખરે હશે.