અનુયાયીઓ

રવિવાર, 15 નવેમ્બર, 2020

રાજકોટની પદ્મ કુવરબા હિમોડાયાલિસિસ સેન્ટરમાં દર્દીનું ડાયાલિસીસ માટેનું ડાયાલાઈઝર ત્વરિત ચાલુ કરાવડાવ્યું

 

આરોગ્ય સેવા માટે સદાય તત્પર રૂપાણી સરકારનું ડેશ બોર્ડ

00000

સેન્ટરમાં એરકન્ડીશન અને ડાયાલાઈઝર બંધ પડી જતાં સી.એમ. ડેશ બોર્ડ દ્વારા અમારા સૂચનને ધ્યાને લઇ તુર્ત જ નિરાકરણ લાવી સુવિધામાં વધારો કરાવ્યો

-          લીનાબેન દીપકભાઈ યશવંતે (દર્દી)

રાજકોટની પદ્મા કુવરબા હોસ્પિટલ ખાતે હિમોડાયાલિસિસ સેન્ટર કાર્યરત છે. જેમાં દર્દીઓની ડાયાલિસીસ પ્રક્રિયા કરવામાં આવે છે.

દર્દી લીનાબેન દીપકભાઈ યશવંતે આજ સેન્ટરમાં છેલ્લા ચાર વર્ષથી ડાયાલીસીસ કરાવે છે. ગત માસે તેમના પતિ દીપકભાઈ યશવંતેને ગાંધીનગર સ્થિત સી.એમ. ડેશ બોર્ડમાંથી સારવાર સુવિધા અંગે પૂછવામાં આવતા એ સમય દરમ્યાન અહીં ટેકનિકલ કારણોસર એસી તેમજ ડાયાલાઈઝર બંધ થઈ જતા હોવાનું હકારાત્મક સૂચન કરવામાં આવ્યું. પછી ગાંધીનગર ખાતેથી તવરિત રિસ્પોન્સ મળતા અહીં બંધ પડેલ એ.સી. તેમજ ડાયાલાઈઝર મશીન શરૂ કરી આપવામાં આવતા દીપકભાઈએ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીની સંવેદનશીલ સરકારનો આભાર વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર આરોગ્યલક્ષી સેવા માં કોઈ કસર છોડી નથી. ખાનગી સ્થળે મળતી મોંઘી સુવિધા સામે અમને અહીં નિશુલ્ક ડાયાલિસિસ કરી આપવામાં આવે છે.


 

અન્ય એક દર્દી જૈન સાધ્વી અરુણાજી મહાસતી પહેલા ખાનગી હોસ્પિટલમાં ડાયાલિસિસ કરાવતા હતા, જેવો હવે અહીં નિયમિત આવે છે. તેઓ જણાવે છે કે તેમનો સ્ટાફ સરળ હૃદયનો છે. જે રીતે યોગદાન આપી રહ્યા છે તે લેખે લાગે છે. આટલા બધા દર્દીઓને સાચવી સારવાર કરે છે. તેમની કર્મદક્ષતા અમને ખૂબ ગમી ગઈ છે. અહીંયા ચોખ્ખાઈ ખૂબ સરસ છે, જેનાથી મન પ્રસન્ન રહે છે. ગુજરાત સરકાર ખૂબ સારી સુવિધા પુરી પાડી રહી છે જે માટે હું દિલથી તેમનો આભાર માનું છું 


 

અત્રે ઉલ્લેખનીય છે કે, આયુષ્માન ભારત યોજના હેઠળ તમામ દર્દીઓને રૂપિયા ૩૦૦ ટ્રાન્સપોર્ટેશન ચાર્જ પણ ચૂકવવામાં આવે છે. જરૂરિયાતમંદ દર્દીઓને હિમોગ્લોબીનના એરીથ્રોકોએટીન  ઈન્જેક્શન નિઃશુલ્ક આપવામાં આવતું હોવાનું હેડ ટેકનિશિયન નયન શીશાંગીયા જણાવે છે. અમારા માટે ક્રેડિટ એ છે કે અહીં રાજકોટની ખ્યાતનામ ખાનગી હોસ્પિટલના દર્દીઓ પણ ટ્રાન્સફર થઇ ડાયાલિસીસ માટે આવતા હોવાનું આર.એમ.ઓ. ડો. નૂતન જણાવે છે.

સંવેદનશીલ મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઇ પટેલના માર્ગદર્શન હેઠળ આરોગ્ય લક્ષી સેવાઓ વધુ ને વધુ સુદૃઢ બનાવવામાં આવી રહી છે જેના ભાગરૂપે જરૂરિયાતમંદ દર્દીઓની સારવાર શુશ્રુષામા ઉત્તરોત્તર વધારો થઇ રહ્યો છે.

રાજકુમાર        

સરકારમાં સેવારત તમામ અધિકારી-કર્મચારીઓને ૧૦ હજાર રૂપિયા ફેસ્ટિવલ એડવાન્સ રાજ્ય સરકાર આપશે : CM VIJAYBHAI RUPANI

 

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીની ગુજરાત સરકારના પાંચ લાખથી વધુ કર્મયોગીઓને દિપાવલી ભેટ

......

ડિજિટલ ટ્રાન્ઝેકશનને પ્રોત્સાહિત કરવા રૂ-પે કાર્ડ સ્વરૂપમાં અપાશે ફેસ્ટિવલ એડવાન્સની રકમ

-: અંદાજે રૂ. પ૦૦ કરોડ રૂપિયાની નાણાં જોગવાઇ :-

.....

Ø  દિપાવલીના તહેવારોમાં લોકોને ખરીદીમાં સરળતા મળશે

Ø  નાના વેપાર-ધંધા રોજગારને વેગ મળશે

Ø  રાષ્ટ્ર-રાજ્યના અર્થતંત્રમાં પ્રવર્તમાન સ્થિતીમાં નવી ગતિ મળશે

......

       મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ રાજ્ય સરકારના પાંચ લાખથી વધુ અધિકારી કર્મચારીઓને દીપાવલી ભેટ રૂપે તહેવાર પેશગી આપવાનો ઉદાત્ત નિર્ણય કર્યો છે.

       મુખ્યમંત્રીશ્રીના આ કર્મયોગી હિતકારી નિર્ણયને પરિણામે રાજ્ય સરકારમાં સેવારત તમામ અધિકારી કર્મચારીઓને દીપાવલી નૂતનવર્ષ તહેવારોના અવસરે ૧૦ હજાર રૂપિયા ફેસ્ટિવલ એડવાન્સ તરીકે વગર વ્યાજે મળશે.

રાજ્ય સરકારે આ હેતુસર અંદાજે રૂ. પ૦૦ કરોડની નાણાં જોગવાઇ કરી છે.

       ડિજિટલ ટ્રાન્ઝેકશનને વધુ પ્રોત્સાહિત કરવા આ એડવાન્સની રકમ અધિકારીઓ કર્મચારીઓને રૂપે કાર્ડના સ્વરૂપમાં આપવામાં આવશે.

       અધિકારીઓ-કર્મચારીઓને મળનારી આ પેશગી રાજ્ય સરકાર દ્વારા વગર વ્યાજે ૧૦ માસિક સરખા હપ્તામાં પરત  લેવામાં આવશે.

       મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીના આ ઉદ્દાત નિર્ણયને પરિણામે દીપાવલીના તહેવારોમાં લોકોને ચીજ વસ્તુઓની ખરીદીમાં સુગમતા રહેશે તેના પરિણામે નાના વ્યાપારીઓના વ્યવસાય રોજગારને વેગ મળશે.

        પ્રવર્તમાન સ્થિતીમાં દેશ તથા રાજ્યના અર્થતંત્રને પણ નવી ગતિ મળશે.

સી.એમ-પીઆરઓ/અરૂણ/ભરત ગાંગાણી....                                ......


રાજકોટ જિલ્‍લાના રાજકોટ તાલુકાના ઘંટેશ્‍વર ફાયરીંગ બટમાં અવર- જવર પર પ્રતિબંધ

 

રાજકોટ જિલ્‍લાના રાજકોટ તાલુકાના ઘંટેશ્‍વર એસ.આર.પી. જુથ- ૧૩માં આવેલ બફેલ રેન્‍જ ખાતે તા. ૨૧-૧૧-૨૦૨૦ થી ૫-૧૨-૨૦૨૦ સુધી રાજ્ય અનામત પોલીસ તાલીમ કેન્દ્ર ચોકી સોરઠ ખાતે તાલીમ લઈ રહેલ ૧૬૬ તાલીમાર્થીઓ મળી કુલ ૨૫૨ તાલીમાર્થીઓ માટે ઓટોમેટીક હથિયારોનું ફાયરીંગ પ્રેકટીસ કરાવવામાં આવનાર હોવાથી રાજકોટ શહેર પોલીસ કમિશ્નરશ્રી મનોજ અગ્રવાલે આ ફાયરીંગ બટનો વિસ્તાર તથા આજુબાજુના વિસ્તાર તેમજ બટની પાછળના ભાગના વિસ્તારમાં અવરજવર પર તા. ૫-૧૨-૨૦૨૦ સુધી પ્રતિબંધ ફરમાવ્યો છે. આ હુકમનો ભંગ અથવા ઉલ્લંઘન કરનાર ગુજરાત પોલીસ અધિનિયમની કલમ ૧૩૧ તથા ભારતીય ફોજદારી અધિનિયમ કલમ-૧૮૮ હેઠળ શિક્ષાને પાત્ર થશે.

પ્રિયંકા  

ઔદ્યોગિક તાલીમ સંસ્થા, જેતપુર ખાતે પ્રવેશ પ્રક્રિયા શરૂ ૦૦૦૦૦૦ પ્રવેશ ફોર્મ આગામી તા.૧૭ નવેમ્બર પહેલાં રજીસ્ટર કરવાના રહેશે

 


૦૦૦૦૦૦


ઔદ્યોગિક તાલીમ સંસ્થા - જેતપુર ( વીરપુર )ની અખબારી યાદીમાં જણાવ્યાનુસાર, આઈ.ટી.આઈ. જેતપુર સંસ્થા ખાતે કોપા, ફિટર, સુઇંગ ટેકનોલોજી, વાયરમેન અને મિકેનિક ડીઝલ જેવા વિવિધ વ્યવસાયલક્ષી તાલીમ કોર્સમાં પ્રવેશ મેળવવા અંગેની પ્રક્રિયા શરૂ થઈ ચુકી છે. સંસ્થામાં પ્રવેશ મેળવવા ઈચ્છુક ઉમેદવારોએ તા.૧૭ નવેમ્બર સુધીમાં સવારે ૯:૩૦ થી ૦૫:૦૦ કલાક દરમ્યાન ઔદ્યોગિક તાલીમ સંસ્થા, પોલીસ સ્ટાફ ક્વાર્ટર સામે, માવતર વૃદ્ધાશ્રમની બાજુમાં, વીરપુર ખાતે રૂબરૂ સંપર્ક કરવાનો રહેશે.

શુભમ                 

સમાજને નિર્મળ વાતાવરણ પુરૂં પાડવા નિરાલો નિર્ણય લેતાં આચાર્યશ્રી નિમેશભાઈ વિસાવડીયા

 

૦૦૦૦૦૦૦૦૦૦

૧ વર્ષથી રોજનું ૨૬ કિલોમીટર અંતર કાપીને સાઈકલીંગ દ્વારા શાળાએ જઈને શિક્ષકો અને વિદ્યાર્થીઓ માટે બન્યા પ્રેરણારૂપ ઉદાહરણ

૦૦૦૦૦૦૦૦૦૦

સાઈકલીંગ દ્વારા સમયનો થોડો વ્યય અચુક થશે, પરંતુ સ્વની સાથે અન્યને લાંબુ આયુષ્ય અને સ્વચ્છ વાતાવરણ આપવા આજનો થોડો વ્યય ભવિષ્યનો મોટો નફો સાબિત થશે

- નિમેશભાઈ

          મનુષ્યની જીવનકૃતિને સુંદર અને સુખમય બનાવવા અનેક રંગો અને અમુલ્ય ખજાનાઓથી ભરપૂર પ્રકૃતિ આગવી ભુમિકા ભજવે છે. પરંતુ આજે સ્વના ચિંતનમાં આપણે એટલાં મગ્ન થઈ ગયાં છીએ કે આપણી પાસે પ્રકૃતિનું ચિંતન કરવાનો સમય જ નથી. જગતજીત બનવા માટે પ્રકૃતિજીત બનવું આવશ્યક છે. અને એ ત્યારે જ થશે જ્યારે પર્યાવરણની બાબતમાં આપણા રોજીંદા વ્યવહાર અને વિચારોમાં આમુલ પરિવર્તન લાવીએ. પોતાના જીવનમાં નાના પરંતુ મહત્વના નિર્ણય થકી આવું જ પર્યાવરણલક્ષી પરિવર્તન લાવ્યા છે સન ફલાવર સ્કુલના આચાર્યશ્રી નિમેશભાઈ વિસાવડીયા.


 

          શિક્ષકો જ્ઞાનમંદિરરૂપી શાળામાં વિદ્યાર્થીઓને સારી-નરસી બાબતોની સમજણ આપી તેનું ઘડતર કરતા હોય છે. ત્યારે આચાર્યશ્રી નિમેશભાઈએ વર્તમાન અને ભવિષ્યની પેઢી સુંદર અને નિર્મળ હવા લઈ શકે તે માટે દષ્ટાંતરૂપ ઉદાહરણ બન્યા છે. કે જેઓએ માત્ર ભણાવી કે બોલીને નહીં પરંતુ શાળાએ જવા-આવવા માટે સાઈકલીંગને પરિવહનનું માધ્યમ બનાવીને વિદ્યાર્થી અને સમાજને શુદ્ધ હવાનું મહત્વ પ્રેકટીકલમાં સમજાવ્યું છે.

          ૧ વર્ષથી રોજનું ૨૬ કિલોમીટર અંતર કાપીને શાળાએ જતાં આચાર્યશ્રી નિમેશભાઈએ આ અંગે વાતચીત કરતાં જણાવ્યું હતું કે,"અખબારમાં અવારનવાર વાંચતા હોઈએ છીએ કે હવાનું પ્રદૂષણ વધી રહ્યું છે. શ્વાસને લગતી બીમારીઓ વધી રહી છે. આ બધું શેના કારણે થઈ રહ્યું છે તે જાણતા હોવા છતાં આપણે કશું કરતાં નથી. એક શિક્ષક તરીકે પર્યાવરણની આ બાબતમાં હું શું યોગદાન આપી શકું ? આ બાબત પર વિચાર કરતા ૧ વર્ષ પહેલા મેં નિર્ણય લીધો કે હવેથી હું શાળાએ જવા માટે સાઈકલનો ઉપયોગ કરીશ."


 

            સકારાત્મક વાતને રજુ કરવા માટે ઘણીવાર નકારાત્મક પરિસ્થિતિનો સામનો કરવો પડતો હોય છે. જ્યારે મેં મારા નિર્ણય પર અમલ કર્યો ત્યારે ઘણાં લોકો મને રોકવાવાળા હતા અને ઘણાં તો મારા આ વિચારને હાસ્યમાં પણ ખપાવતા, શિક્ષકોને પણ અજીબ લાગતું. પરંતુ મેં આ બધી બાબતોને બેધ્યાન કરીને સાઈકલ ઉપર સ્કુલે જવાનું ચાલુ રાખ્યું. લોકડાઉન પહેલાંના સમયમાં મારી સ્કુલના ઘણાં વિદ્યાર્થીઓ મારામાંથી પ્રેરણા લઇને સ્કુલે સાઈકલ લઈને આવતા થયા હતા. જો કે આચાર્ય હોવાથી મારે તો હાલ પણ શાળાએ જવાનું થાય તો હું સાઈકલ લઈને જ જાઉં છું તેમ નિમેશભાઈએ જણાવ્યું હતું.

       જેમનું કાર્ય સ્થળ નજીક હોય તેમને સાઈકલ લઈને જવા માટે પ્રોત્સાહન આપતાં આચાર્ય વિસાવડીયાએ કહ્યું હતું કે, સમય બચશે એવું બહાનું લઈને વાહનનો વપરાશ કરતાં હોઈએ છીએ. પરંતુ એ વાત યાદ રાખવી જોઈએ કે સાઈકલીંગ દ્વારા સમયનો થોડો વ્યય અચુક થશે પરંતુ સ્વની સાથે અન્યોને લાંબુ આયુષ્ય અને સ્વસ્છ વાતાવરણ આપવા આજનો વ્યય ભવિષ્યનો મોટો નફો સાબિત થશે. કારણે કે આપણે જેવું આપશું તેવું પામશું. તો ચાલો આજથી જ આપણે પર્યાવરણને કેવી રીતે પ્રદૂષિત થતું અટકાવીને તેનો સદ્ઉપયોગ કરી શકીએ તેનો વિચાર-અમલ કરીને કુદરતનું ઋણ ચુકવીએ."

પ્રિયંકા પરમાર                          ૦૦૦૦૦૦૦૦૦૦૦૦