અનુયાયીઓ

સોમવાર, 12 નવેમ્બર, 2018

કુંકાવાવના નાજાપુરની કિશોરીનું ભૂલથી સાબુવાળું પાણી પી જતા સારવારમાં મોત




રાજકોટ તા.૧૨
અમરેલી જીલ્લાના,કુંકાવાવ તાલુકાના નાજાપુર ગામની એક ૧૭ વર્ષની કિશોરીનું સાબુવાળું પાણી પી ગયા બાદ સારવાર દરમિયાન રાજકોટની સિવિલ હોસ્પીટલમાં મૃત્યુ થયું હતું.

મળતી વિગતો મુજબ કુંકાવાવ તાલુકાના નાજાપુર ગામની હેતલબેન ગોરધનભાઈ ગોહિલ (ઉ..૧૭) પોતાના ઘરે અગમ્યો કારણોસર, ભૂલથી સાબુવાળું પાણી પી જતા તેણીને સારવાર માટે રાજકોટની સિવિલ હોસ્પીટલમાં ખસેડાઈ હતી. જ્યાં સારવાર દરમિયાન તેણીનું મોત થતા હોસ્પિટલ પોલીસ ચોકી સુત્રોએ કાગળો કરી સંબંધિત પોલીસને રવાના કરવા તજવીજ હાથ ધરી છે.

જેતપુરમાં પર પહેલીવાર સુન્ની કોન્ફરન્સ યોજાઈ



જેતપુરમાં પર પહેલીવાર સુન્ની કોન્ફરન્સ યોજાઈ

જેતપુર શહેરમાં પહેલી વખત મોહદ્દીસે આઝમ મિશન જેતપુર બ્રાન્ચ દ્વારા ગઈ તારીખ ૭/૧૧/૨૦૧૮ ને બુધવારે રાત્રે ઈશાની નમાઝ બાદ ૧૦ વાગે આસ્તાના એ સરકાર યાશીન શાહ કાદરી તકીયામાં નાના ચૌક ખાતે સુન્ની કોન્ફરન્સ  નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં. આબરૂ એ અહેલે સુન્નત, તાજદારે મુલ્કે ખીતાબત, શહઝાદા એ મખ્દુમુલ મીલ્લત, હુજુર ગાજીએ મીલ્લત, પીરે તરીકત અલ્હાજ સૈયદ મોહંમ્મદ હાશમિ મીંયા સાહબ કીછૌછા શરીફથી તશરીફ લાવેલ હતા.

અને તેમના રૂહાની અંદાજ માં બયાન ફરમાવી લોકો ને સુન્નીઅતનું પૈગામ આપ્યું હતું.
        આ તકે સાથે, ઝેરે સદારત ગુલામ ગૌષ અલ્વી સાહેબ ધોરાજી, ઝેરે સરપરસ્તી પીરે તરીકત સૈયદ હાજી તાહેર મીંયા બાપુ અશરફી જેતપુર, ઝેરે કયાદત સૈયદ દાદા બાપુ કાદરી જેતપુર,ઝેરે સિયાદત સૈયદ ઈરફાન બાપુ કાદરી અશરફી ઉપલેટા, ઝેરે હીમાયત સૈયદ આશીફ બાપુ અશરફી જેતપુર, ઝીનતે જશ્ન સૈયદ અહમદ શાહ બાવા ધોરાજી, ઝેરે નીઝામત સૈયદ રફીક બાપુ અશરફી જેતપુર થી તશરીફ લાવ્યા હતા. મુસ્લિમ બિરાદરો આ વરસવા વારી રહેમતની વરસાદમાં સામેલ થઈ સવાબે દારૈન હાંસીલ કરી રહેમતનાં ફુલનીછાવર કરેલ હતા, જેતપુર સિવાય ધોરાજી, જુનાગઢ, તેમજ સમગ્ર સૌરાષ્ટ્ર માંથી માનવ મહેરામણ ઊમટી પડ્યા હતા.
        કાર્યક્રમની  શરુઆત કુરાન શરીફની તીલાવતથી કરવામાં આવી હતી. ત્યાર બાદ નાઅત શરીફ અને ઓલ્માઓનાં બયાન બાદ હઝરત નું બયાન રાખવામાં આવ્યું હતું, અહી ઉપસ્થિત લોકો માટે ચ્હા, પાણી, નાસ્તો, અને લંગર પણ તકસીમ કરવામાં આવ્યું હતું, આ પ્રોગ્રામ ને સફળ બનાવવા માટે અશરફી યંગ ગ્રુપ, તકીયા ગ્રુપ, અને જેતપુર વાસીઓ એ જહેમત ઉઠાવી પ્રોગ્રામ ને સફળ બનાવ્યું હતું. તેવું મોહદ્દીસે આઝમ મિશન જેતપુર નાં સૈયદ હાજી તાહેર મીંયા બાપુ અશરફીએ જણાવ્યું હતું

રાજકોટમાં દિવાળીના દિવસે ઠેર ઠેર આગજનીના બનાવો: જંગલેશ્વરમાં ઝુપડાંઓ ખાખ



- આખી રાત દોડતા રહ્યા ફાયરબ્રિગેડના દોઢસો જવાનો

- પોલીસનું સ્તુત્ય પગલુ, આગમાં ખાખ ઝુપડાંના રહેવાસીઓને અપાવી ઘરવખરી,ખાવાની વસ્તુ
- જીથરીયા પીર પાસે ૬ ક્વાર્ટર્સ આગની લપેટમાં, અનેક વંડા, કારખાનામાં આગ,વાહનો પણ ઝપટે
 રાજકોટમાં દિવાળીની રાતે એક તરફ લાખો લોકો પરિવાર સાથે પર્વ ઉજવણીમાં લીન હતા ત્યારે મનપાના સ્ટેન્ડ ટુ રખાયેલા ૧૬૦ ફાયરમેનોએ સ્ટેન્ડીંગ બદલે રનીંગ રહેવું પડયું હતું. દિવાળીની રાત્રે પરોઢ સુધી ધૂમ ફડાકટા ફૂટતા અને તેના પગલે આગના બનાવોનો વણથંભ્યો સિલસિલો શરુ થયો હતો. ફાયરબ્રિગેડમાં દિવાળીની રાત્રિથી બેસતાવર્ષની સવાર સુધીમાં આગના ૧૨૦ બનાવો નોંધાયા છે જેમાં જંગલેશ્વર પાસે ફટાકડાથી આગમાં ૭ ઝુપડાં સળગીને ખાખ થયા હતા અને ૧૫ બકરાં મૃત્યુ પામ્યાનું અને આગથી કૂલ અઢી લાખનું નુક્શાન થયાનું જણાવાયું છે.

ધનતેરસથી બેસતાવર્ષ સુધી તહેવારોની ઉજવણી ફટાકડા ફોડીને કરાતી હોય દર વર્ષની જેમ ફાયરબ્રિગેડની રજા આ દિવસોમાં રદ કરીને ફાયર સ્ટેશનો પર સ્ટાફને સ્ટેન્ડ ટુ રખાયો હતો. આગની શરુઆત ધનતેરસના બપોરના ત્રણ વાગ્યાથી જ થઈ ગઈ હતી અને વંડા, ગોડાઉન વીજ વાયર સાથે કાળી ચૌદશની રાત્રિના દોઢ સુધીમાં જ ૨૨ સ્થળે આગ લાગી હતી.


દિવાળીની પરોઢ થાય તે પહેલા જ સદર વિસ્તારમાં છકડોરિક્ષા, મોટરસાઈકલ સહિતના વાહનોમાં આગ ભભુક્યા બાદ, દિવાળીના દિવસ રાતમાં જ આગના આશરે સોએક બનાવો નોંધાયા છે.
દેવપરાથી જંગલેશ્વર તરફ જતા રસ્તે ઝપપડપટ્ટીમાં, રામનાથપરામાં લાકડાના ડેલામાં, દૂધસાગર રોડ પર કારખાનુ, રણછોડનગરમાં વાહન, અનેક સ્થળે ઠેરઠેર વંડાઓમાં, ચૌધરી હાઈસ્કૂલ પાસે ઝાડમાં, જંક્શન પ્લોટમાં અનાજનું ગોડાઉન તો યુનિ.રોડ, કેનાલરોડ, જાગનાથ પ્લોટ ,પવનપુત્ર ચોક, કેવડાવાડી સહિતના સ્થળે રહેણાંક મકાનોમાં, લાતી પ્લોટના ભંગારના ડેલામાં તો થોરાળામાં ભંગારની દુકાન, એંસી ફૂટ રોડ પર કોલસાનો ડેલો, મીલપરા રોડ પર મકાન, માલવિયા ચોકી પાસે અને મવડી રોડ પર શાકભાજીની રેંકડીઓમાં પણ આગ ભભુકી ઉઠી હતી.

ફાયરબ્રિગેડના સૂત્રો અનુસાર દિવાળીની રાત્રે ઉપરોક્ત જંગલેશ્વરમાં ૭ ઝુપડાં સળગીને ખાખ થયા ઉપરાંત જામનગર રોડ પર જીથરીયા પીરની દરગાહ પાછળ ઘંટેશ્વર ક્વાર્ટર્સના ખુલ્લા પ્લોટમાં પ્લાસ્ટિક થેલીઓમાં આગ ભભુકતા અને આગે વિકરાળ સ્વરૂપ ધારણકરતા આજુબાજુના છ મકાનો (ક્વાર્ટર્સ) આગની લપેટમાં આવી ગયા હતા જેને ફાયરબ્રિગેડે સ્થળ પર જઈ બુઝાવી હતી. આગ ફટાકડાથી લાગ્યાનું જણાવાયું હતું. ફાયરબ્રિગેડ સૂત્રો અનુસાર બેસતાવર્ષની સવાર સુધી ફટાકડાથી આગ લાગવાના કોલ આવતા રહ્યા હતા.

જંગલેશ્વરમાં ઝુપડાંમાં આગ લાગી ત્યારે એક મહિલાને ડીલીવરી આવી હતી પણ સદ્ભાગ્યે રહેવાસીઓ બચી ગયા હતા. ૧૫ બકરાંના મૃત્યુ નીપજ્યાનું લોકોએ જણાવ્યું હતું. આ અંગે સ્થાનિક પોલીસતંત્રને જાણ થતા પોલીસે માનવતાભર્યું પગલુ ભરીને બોલબાલા ટ્રસ્ટ મારફત આ તમામ પરિવારજનોને તાત્કાલિક જમાડીને જરૂરિયાતના વાસણ,પહેરવા કપડાં,કરિયાણુ વગેરે પૂરું પાડયું હતું અને આજે પણ આ ગરીબ બાળકોને નવડાવીને નવા વસ્ત્રો પહેરાવ્યા હતા.


સિવિલના બર્ન્સ વોર્ડમાં પ્રાથમિક સારવાર લીધી
દિવાળીએ ફટાકડાના કારણે ૩૫ જેટલા લોકો દાઝી ગયા
નારાયણનગરમાં ફટાકડો બારીમાંથી ઘરમાં આવી જતા કપડા સળગતા યુવતી દાઝી,
ત્રણ બાળકો પણ દાઝતા સારવારમાં

દિવાળીના તહેવારમાં ફટાકડા ફોડી લોકો ઉલ્લાસ પુર્વક તહેવાર ઉજવતા હોય છે ત્યારે રાજકોટ ઉપરાંત સૌરાષ્ટ્રમાંથી ફટાકડાના કારણે દાઝી જવાના બનાવો પણ સામે આવ્યા છે. રાજકોટની સિવિલ હોસ્પિટલમાં કુલ ૩૫ જેટલા લોકો ફટાકડાના કારણે દાઝી જવાના કેસમાં સારવાર લીધી હતી.
દર વર્ષની માફક આ વર્ષે પણ લોકોએ ફટાકડાના ધુમધડાકા સાથે હર્ષોલ્લાસ સાથે તહેવારની ઉજવણી કરી હતી. ત્યારે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં આગોતરા આયોજન રૂપે તબીબોની રજાઓ રદ કરી બર્ન્સ વોર્ડમાં પુરતા સ્ટાફને તૈનાત કરાયો હતો. દરમિયાન દિવાળીના તહેવારમાં ફટાકડા ફોડતી વખતે દાઝી જવાના બનાવો પણ સામે આવ્યા હતા. જેમાં જંકશન પ્લોટમાં રહેતા હર્ષ (ઉ.વ. ૧૦) ઘર પાસે ફટાકડા ફોડતી વખતે દાઝી જતા સિવિલમાં ખસેડાયો હતો.
આ ઉપરાંત રેલનગરમાં રહેતો ધૃવ ગોપાલભાઈ ચાવડા (ઉ.વ. ૧૩) ઘર પાસે ફટાકડા ફોડતો હતો ત્યારે મોઢામાં ફટાકડો ઉડતા દાઝી ગયો હતો. જ્યારે ઢેબર કોલોની ફાટક નજીક નારાયણનગરમાં રહેતા તેજલબેન શંકરભાઈ (ઉ.વ. ૩૫) ઘરે સુતા હતા ત્યારે બારીમાંથી ફટાકડો અંદર આવી જતા કપડાને અડતા સળગતા દાઝી ગયા હતા. જેને સિવીલ હોસ્પિટલમાં ખસેડાયા હતા.
ઉપરાંત જસ્મીન વલ્લભભાઈ મકવાણા (૧૯, રહે. દોલતપરા, જૂનાગઢ) ઘર પાસે ફટાકડા ફોડતી વખતે પડી જતા ઈજા તથા રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. જ્યારે કોઠારીયા સોલવન્ટમાં હાઉસિંગ બોર્ડના ક્વાર્ટરમાં પણ ૧૦ વર્ષનો બાળક ફટાકડા ફોડતી વખતે દાઝી જતા સિવિલમાં ખસેડાયો હતો. જ્યારે ફટાકડાના કારણે દાઝી જવાના કેસમાં કુલ ૩૫ જેટલા લોકોએ સિવિલમાં સારવાર લીધી હતી.
 

રાજકોટ બાર એસોનું આજે સ્નેહમિલન

રાજકોટ બારે દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ નૂતન વર્ષનો સ્નેહમિલન કાર્યક્રમ રાખવામાં આવ્યો છે તારીખ 12 ના રોજ સવારના સાડા દસ વાગ્યા થી 11:30 રાજકોટ સિવિલ કોર્ટ બિલ્ડીંગ પહેલા માળે બાર રૂમમાં રાખવામાં આવે સ્નેહમિલન કાર્યક્રમમાં તમામ મિત્રો જોડાવા અનુરોધ કરવામાં આવ્યો છે.