બેન્કમાંથી બોલતો હોવાનું જણાવી ગઠીયાએ
કાંગશીયાળીના પટેલ દંપતીના જુદી જુદી બે
બેંકોમાંથી રૂ.૧.૫૩ લાખ ઉપાડી લીધા : ફરિયાદ
ગઠીયાએ બેંક ઓફ બરોડામાંથી ૪૬૯૯૮/- અને આઈસીઆસીઆઈ બેંકમાથી ૧૦૫૯૦૪/- ઉપાડી લીધા : શાપર(વે.) પોલીસમાં ફરિયાદ નોંધાવાતા એસ.ઓ.જી. રાજકોટ રૂરલના પીઆઈ મહેન્દ્રસિંહ રાણાએ શરુ કર્યો તપાસનો
ધમધમાટ
રાજકોટ તા.૬
આજથી ૬ દિવસ પહેલા લોધિકા તાલુકાના કાંગશીયાળી ગામની
સીમમાં રહેતા એક પટેલ દંપતીના જુદી જુદી બેંકોના ખાતામાંથી એક ભેજાબાજ શખ્શે એટીએમ
કાર્ડના ઓટીપી નંબર મેળવી રૂપિયા ૧,૫૨,૯૦૨/- રૂપિયા ઉપાડી લઈને ઠગાઈ કરી હોવાની શાપર વેરાવળ પોલીસમાં
ફરિયાદ નોંધાવાઈ છે. આ ગુનાની આગળની તપાસ સ્પેશીયલ ઓપરેશન ગ્રુપ રાજકોટ ગ્રામ્યના
મહેન્દ્રસિંહ રાણાએ હાથમાં લઈને તપાસ શરુ કરી છે.
મળતી વિગતો મુજબ લોધિકા તાલુકાના કાંગશીયાળી સીમમાં અસ્થા
ગ્રીન સીટીના બ્લોક નંબર ૧૬૫ માં રહેતા અને પ્રાઈવેટ નોકરી કરતા નીલેશભાઈ ધીરજલાલ કુંડારિયાએ
શાપર વેરાવળ પોલીસમાં નોંધાવેલી ફરિયાદ મુજબ ગઈ તા.૩૧-૧૦-૧૮ ના રોજ તમના મોબાઈલ ૯૮૨૪૮ ૨૨૮૫૪
ઉપર ૬૨૯૧૫ ૮૫૧૯૬ નંબર પરથી એક કોલ આવ્યો હતો અને પોતે બેન્કમાંથી બોલતો હોવાનું જણાવી
ભેજાબાજ શખ્શે એટીએમ બંધ હોય ચાલુ કરવાની પ્રોસીઝર કરતો હોવાનું જણાવી નીલેશભાઈ અને
તેમના પત્ની વિપબેનને ભોળવ્યા હતા.
અજાણ્યા શખ્શની વાતના વિશ્વાશમાં આવેલા આ પટેલ દંપતીએ
એટીએમના ઓટીપી પાસવર્ડ પણ ગઠીયાને આપી દેતા આ અજાણ્યા શખ્શે પલકવારમાં નીલેશભાઈના બેંક
ઓફ બરોડાના ખાતામાંથી રૂપિયા ૪૬૯૯૮/- અને તેમના પત્ની વિપબેનના આઈસીઆઇસીઆઈ બેન્કના ખાતામાંથી
રૂપિયા ૧૦૫૯૦૪/- ઉપાડી લીધા હતા. બંધ એટીએમ ચાલુ કાર્વાહી કાર્યવાહીમાં
પૈસા કેમ ઉપડ્યા ? તે બાબતે
નીલેશભાઈએ તપાસ કરાવતા તેમને ગઠીયાનો ભેટો થઇ ગયાનું માલુમ પડ્યો હતું.
દરમિયાન આ પટેલ દંપતીએ શાપર વેરાવળ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ
નોંધાવતા પોલીસે ૬૨૯૧૫ ૮૫૧૯૬ નંબરના મોબાઈલઘારક સામે આઈપીસી કલમ ૪૦૬, ૪૨૦ તેમજ ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટની કલમ ૬૬(સી), ૬૬(ડી) મુજબ ગુનો નોંધ્યો છે. આ ફરિયાદની વધુ તપાસ એસ.ઓ.જી.આર.આર.ના પીઆઈ એમ.એન.રાણાએ હાથ ધરી છે.
































