અનુયાયીઓ

શનિવાર, 7 નવેમ્બર, 2015

જેતપુરના નાઝાવાળા પરા વિસ્તારમાં શાંતિથી પાન બીડીનો ધંધો કરતા ખાંટ સમાજના પ્રમુખ એવા નિર્દોષ યુવાનને ઝૂડી નાખતી પોલીસ..રાજકોટ રીફર કરાયો..

જેતપુરના નાઝાવાળા પરા વિસ્તારમાં શાંતિથી પાન બીડીનો ધંધો કરતા

ખાંટ સમાજના પ્રમુખ એવા નિર્દોષ યુવાનને

ઝૂડી નાખતી પોલીસ..રાજકોટ રીફર કરાયો..

પોલીસે પણ ફરજમાં રુકાવટ અને ઝપાઝપીમાં ઈજા થયાનો ગુનો નોંધી ધોરણસરની હાથ ધરેલી કાર્યવાહી : ઈજાગ્રસ્ત યુવાનના ટેકામાં લત્તાવાસીઓ પોલીસ થાણે અને હોસ્પીટલે મચાવી ધમાંચકડી...શહેર પોલીસે તાલુકા વિરપુર પોલીસને બોલાવીને ગોઠવેલ ચુસ્ત બંદોબસ્ત.....

 

જેતપુર તા.૭  (કશ્યપ જોશી દ્વારા)

જેતપુર શહેરમાં આજે બપોરે એક ખાંટ યુવાનને શહેર પોલીસના બે ત્રણ પોલીસ કોન્સ્ટેબલોએ વગર વાંકે ઝૂડી નાખ્યાની ઘટનામાં ઈજ્ગ્રસ્ત યુવાનના લત્તાવાસીઓ રોડ ઉપર આવી પોલીસ મથક અને સરકારી હોસ્પીટલે ઉગ્રાવેશમાં ધમાંચકડી બોલાવતા સ્થાનિક, તાલુકા અને વીરપુર પોલીસને બોલાવી શહેર પોલીસના પીઆઈ એન.કે.વ્યાસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો હતો. બનાવમાં પોલીસે ફરજમાં રુકાવટની અને હુમલાની ઈજાગ્રસ્ત યુવાન સામે પોલીસમાં ફરિયાદ નોંધી છે. જ્યારે વધુ સારવાર માટે રાજકોટ ખસેડાયેલ યુવાનની ફરિયાદ રાજકોટ લેવાય તેવી સંભાવનાઓ દેખાઈ રહી છે.

 

જાણવા મળતી વિગતો મુજબ અહીના નાઝવાળાપરા વિસ્તારમાં રહેતા અને સમસ્ત ખાંટ રાજપૂત સમાજના પ્રમુખ અનીલ રમેશ મકવાણા નામના યુવાનની ચામુંડા પાન નામની કેબીન પાસે અનીલ વરલીનો જુગાર રમાડતો હોવાની સ્થાનિક પોલીસને બાતમી મળતા જેતપુર પોલીસમાં ફરજ બજાવતા અનાર્મ લોક રક્ષક(બકલ નંબર ૫૧૯૭) સ્ટાફના પો.કો. મનીષભાઈ વરુ, ધર્મેન્દ્રસિંહ જેઠવા, શક્તિસિંહ જાડેજા વેગેરે તપાસાર્થે ગયા હતા.

 

આવા સમયે પોલીસે અનિલને પોતાના વિષે મળેલી ફરિયાદ બાબતે પુંછતા અનિલે સહકાર આપવાને બદલે પોલીસને ગાળો આપી, બહારથી લોકોનું ટોળું બોલાવી પોલીસ સાથે ઝપાઝાપી આદરી દેતા રસ્તા પર પોલીસ પબ્લિક વચ્ચેના ઘર્ષણથી નાસભાગ મચી ગઈ હતી.

 

દરમિયાન અનિલને વધુ પૂછપરછ માટે પોલીસ થાણે લઇ જઈ પૂછપરછ કરવાનો પ્રયાસ કરતા અનિલે પોલીસ મથકના ઉપરના ભાગે આવેલ ડી સ્ટાફના રૂમમાંથી ભાગવાનો પ્રયાસ કરતા તે સીડી પરથી પડી જતા તેમને પગમાં સારી એવી ઈજા થતા સારવાર માટે અહીની સરકારી હોસ્પીટલમાં ખસેડ્યો હતો.

 

જ્યાંથી વધુ સારવાર માટે પોલીસ સાથે અનીલને રાજકોટની સિવિલ હોસ્પીટલમાં  ખસેડ્યો છે. હાલ જેતપુર પોલીસે ફરિયાદી પ્રવીણ ચાવડાની ફરિયાદ પરથી અનીલ રમેશ સરવૈયા સામે પોલીસને જોઈ લેવાની ગર્ભિત ધમકી આપ્યાની, પોલીશ કસ્ટડીમાંથી નાશી જવાની પ્રેરવી, ફરજમાં રુકાવટ ઉભી કરી, આઈ પી સી કલમ ૩૩૨, ૧૮૬,૫૦૪, ૫૦૬(૨), ૨૨૪ મુજબનો ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

 

બોક્સ: ઈજાગ્રસ્ત યુવાનના

સમર્થનમાં આખો લત્તો રોડ ઉપર !

જેતપુર : બીજી બાજુ ઈજાગ્રસ્ત યુવાન અનીલ સીધા સાડા સ્વભાવનો હોય અને તેમના વિસ્તારમાં ચામુંડા માતાજીના મઢ પાસે પાન બીડીની કેબીન મારફત શાંતિથી ધંધો કરતો હોય, આજે ખોટી રીતે પોલીસે તેમને ઢોર માર માર્યાની જાણ થતાજ નાઝાવાળા પરાવિસ્તારની પ્રજા ઘરે ઘરેથી નીકળીને પોલીસ થાણે પહોચી અમારા વિસ્તારના દીકરાને ખોટી રીતે માર મારનાર કસુરવાર પોલીસમેનોને તાત્કાલિક સસ્પેન્ડ કરાવો તેવા નારા ચાલુ કરી દેતા વાતાવરણ તંગ બને તેવી સ્થિતિ પારખી ગયેલા સ્થાનિક પીઆઈ એન.કે.વ્યાસે તાત્કાલિક ડીવાયએસપી પાટીલની સુચનાથી જેતપુર તાલુકા પોલીસના ફોજદાર કરમટીયા સહિતના સ્ટાફ, વીરપુર પોલીસના ફોજદાર ગોહિલ સહિતના સ્ટાફને તાત્કાલિક બોલાવી લઇ ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેતા આ પ્રકરણમાં ખોટેખોટું વાતાવરણ ડહોળવા ઇચ્છતા તત્વોની કોઈ કારી ફાવી નહોતી.

 

બોક્સ: મામલતદાર-ડીવાયએસપીને ઉગ્ર રજુઆતો

જેતપુર : જેતપુર પોલીસે એક તો યુવાનને ઢોર માર માર્યો હોવા છતાં ઈજાગ્રસ્ત યુવાન સામે ગુનો નોંધ્યાની વાત જાણી ગયેલા આ વિસ્તારના સમસ્ત ખાંટ રાજપૂત સમાજના લોકો ટોળા ને ટોળા સ્વરૂપમાં સ્થાનિક મામલતદાર ભોરણીયા, ડીવાયએસપી પાટીલને ઉગ્ર રજૂઆત કરતા જણાવેલ કે જેતપુરમાં અનેક જગ્યાએ દારુ જુગારના હાટડાઓ ધમધમે છે. આ બધી જગ્યાએ સ્થાનિક પોલીસના રીતસરના હપ્તાઓ ચાલે છે. આ બધી જગ્યાએ દરોડા પાડવાને બદલે તેઓના સમાજના પ્રમુખ અને શાંતિથી ધંધો કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવનાર અનીલ રમેશ મકવાણાને આજે શહેર પોલીસના ત્રણ ચાર કોન્સ્ટેબલોએ બેરહેમીથી માર મારી જે અરાજકતાનું વાતાવરણ સર્જ્યું તેનું સારાયે સમસ્ત રાજપૂત ખાંટ સમાજને દુઃખ, અને રોષ છે. અમારા દીકરાને ખોટી રીતે હેરાન કરનાર કસુરવાર પોલીસમેનોને તાકીદે સજા કરો અને તેમની સામે પણ ગુનો નોંધો તેવી માંગ ઈજાગ્રસ્ત યુવાન અનિલના પત્ની, માતા મુક્તાબેન સહિતના લત્તાવાસીઓએ માંગની દોહરાવી મામલતદાર કચેરી અને ડેપ્યુટીની કચેરી ગજવી મૂકી હતી.

 

બોક્સ: પોલીસ મારથી નથી, કુદકો

મારી ભાગવાથી અનિલને ઈજા થઇ !

 

જેતપુર : જેતપુર પોલીસના પીઆઈ એનકે વ્યાસે સ્થાનિક પત્રકારોના સવાલમાં જણાવ્યું હતું કે પોલીસ ઉપર હુમલો કરનાર, પોલીસની ફરજમાં રુકાવટ કરનાર અનીલ મકવાણાએ  પોલીસ કસ્ટડીમાંથી નાશવા માટે સીડી ઉપરથી કુદકો મારતા તેમને પગમાં ઈજાઓ થઇ છે, પોલીસ માર થી નહિ !! વ્યાસે એમ પણ જણાવેલ કે ઈજાગ્રસ્ત અનિલને સારવાર અપાવામાં પણ પોલીસે કોઈ વિલંબ કર્યો નથી ! પોલીસે તેમ પણ કહેલ કે આરોપી અનિલની કેબીનની એક પણ કાચની બરણી પોલીસથી નથી તૂટી, બલકે આરોપીના સમર્થકોએજ આ કૃત્ય કર્યું હોવાની વિડીઓ કલીપ પોલીસ પાસે છે. ફરિયાદી પ્રવીણ ચાવડાએ ફરિયાદમાં અનીલ સાથેની ઝપાઝપીમાં રૂપિયા ૮૦ હજારનો સોનાનો ચેઈન પડી ગયાનું પણ જણાવ્યું છે. 

 

બોક્સ: સ્થાનિક દલિત અગ્રણી

માધાભાઈનો પોલીસ મથકમાંજ ધ્રુજારો

જેતપુર : જેતપુર શહેરમાં રહેતા અને દલિત અગ્રણી માધાભાઈ વેગડાએ પોલીસ મથકમાજ ખાંટ સમાજના આગેવાનો, ઈજાગ્રસ્ત યુવાનના પત્ની અને માતાને સમજાવતા જણાવેલ કે જેતપુર શહેરમાં ચારે બાજુ દેશી દારૂના ધંધાઓ ફૂલી ફાલી રહ્યા છે. પોલીસ આ જગ્યાએ બળ બતાવવાને બદલે તમારા નિર્દોષ દીકરાને કે પતિને માર મારી કામગીરીના સંતોષનો ઓડકાર ખાતી હોય તો પોલીસ સામે પણ બેધડક નીડરતાથી પોલીસમાં ફરિયાદ કરો, કોઈ સમાધાન ના કરતા. જયારે ખંત સમાજના જેરામભાઈ ભાખોતરા નામના આગેવાને પોલીસ સામે કોઈ ફરિયાદ ના કરવા અને સમાધાન સાધી લેવામાજ મકવાણા પરિવારને ફાયદો છે. પણ ઈજાગ્રસ્તના પરિવારજનોએ આ વાતને ફગાવી ઈજાગ્રસ્તને સારવાર માટે રાજકોટ ખસેડતા હવે ત્યાં પોલીસ ફરિયાદ થઇ કે નહિ ? થસે કે નહિ ? તે વાતની ઇન્તેજારીમાં જેતપુરના નાઝાવાળાપરા વિસ્તારની પ્રજાજનો બેઠી છે.

 

 

ફોટો અને સમાચાર : કશ્યપ જે. જોશી જેતપુર જેતલસર 


શુક્રવાર, 6 નવેમ્બર, 2015

અવસાન નોંધ જેતપુર

અવસાન નોંધ : ૬-૧૧-૨૦૧૫

જેતપુર : ઠક્કર છોટાલાલ ટપુભાઈ માધવાનીના જયેષ્ઠપુત્ર વિનોદકુમાર(ઉ.વ.૬૧) તે શરદભાઈ(માધવાની ઇલોકટ્રોનીકસ), હરેશભાઈ(કુમાર હોટેલ)ના મોટાભાઈ, કુમાર(કાનો)ના પિતા, સ્વ.નાનજીભાઈ જેરામભાઈ નથવાણી(માંગરોળ)ના જમાઈ, બીપીનભાઈ, મોહનભાઈ, ગીરીશભાઈ તથા કિશોરભાઈના બનેવી તા.૬ ના રોજ શ્રીજીચરણ પામેલ છે. ઉઠમણું તથા સસરા પક્ષની સાદડી તા.૭ ને શનિવારે, સાંજે ૪ થી ૫, ગાયત્રીમંદિર, કોટડીયાવાડી જેતપુર ખાતે રાખેલ છે.

કશ્યપકુમાર જે. જોશી જેતપુર જેતલસર ૯૯૭૪૨ ૬૨૮૧૨   

ગુરુવાર, 5 નવેમ્બર, 2015

જેતપુરમાં ભાદર કેનાલમાં ગરક જેતલસર જંકશનના કિશોરનો મૃતદેહ ધોરાજી નજીકથી મળ્યો ! સેવાભાવીઓની અનન્ય સેવા !!

૧૫ કલાક પછી ''કાળજા કેરો કટકો મૃતાવસ્થામાં મળતા પરિવારજનો ભાંગી પડ્યા ! 

જેતપુરમાં ભાદર કેનાલમાં ગરક જેતલસર જંકશનના કિશોરનો 

મૃતદેહ ધોરાજી નજીકથી મળ્યો ! સેવાભાવીઓની અનન્ય સેવા !!

 

(કશ્યપ જોશી દ્વારા) જેતલસર તા.૫

બુધવારની સાંજે જેતપુરમાં ધોરાજી રોડ પરની કેનાલમાં અકસ્માતે ગબડી પડેલ જેતલસર જંકશનના વાલ્મીકી કિશોરનો મૃતદેહ આજે સવારે ધોરાજી નજીકથી કેનાલમાંથી મળી આવતા આખી રાત મહેનત કરનાર સેવાભાવીઓએ  દુઃખાવસ્થા વચ્ચે મૃતકના સ્વજનોને સાચવવાની વધુ કે કપરી પરિસ્થિતિને પાર પાડી હતી.

 

મળતી વિગતો મુજબ જેતલસરના રેલ્વે કોલોનીમાં રહેતા નરેશભાઈ મંગાભાઈ પરમારનો એકનો એક પુત્ર દીપેશ ઉ.વ.૧૩ ગઈકાલે જેતપુરના ધોરાજી રોડ નજીકથી પસાર થતી ભાદર કેનાલમાં અકસ્માતે પડી જતા તે કેનાલના પાણીમાં ગરક થઈને તણાઈ ગયો હતો.

 

આવા સમયે દીપેશ સાથે રહેલા તેમના બે મિત્રો ભાવેશ સોલંકી અને શ્રવણ પરમારની વિગતો પરથી જેતલસરના સરપંચ હનીફ બલોચ, અન્ય સેવાભાવીઓ શૈલેશ રણછોડ કયાડા, સંજય સામજી સોલંકી, મોહન પ્રેમજી પરમાર, ભારત શાર્દુલ વાઘેલા, રાજુ બાબુ ગડીયલ, જેતપુરના હારૂનભાઈ રફાઈ, ગોંડલના કિશોરભાઈ વિગેરે રાત આખી ભાદર કેનાલના પેઢલા, ગુંદાળા, ધોરાજી, મોટીમારડ સુધીના વિસ્તારો ખુંદી નાખ્યા હતા. પણ રાત્રીના દીપેશનો ક્યાય પત્તો લાગ્યો નહોતો.

 

બીજીબાજુ આજે ગુરુવારે સવારે દીપેશનો મૃતદેહ ધોરાજી થી જુનાગઢ જવાના રસ્તે, તોરણીયાના પાટીયાથી આગળ ભાદર કેનાલમાંથી મળી આવ્યો હોવાનું અને ધોરાજી હોસ્પીઅલ ખાતે દીપેશની લાશનું પીએમ કરાયું હોવાનું જંકશનના સરપંચ બલોચે આ લખનારને જણાવ્યું હતું.

 

બોક્સ: દીપેશનો મૃતદેહ ડોક્ટર વાડીની માઈનોરમાં ફસાયો !

જેતલસર : રાત આખી અંધારા ઓઢી દીપેશને શોધવાની પ્રશંશનીય જહેમત ઉઠાવનાર જેતલસર, જેતપુર અને ગોંડલના સેવાભાવીઓએ એવું જણાવેલ કે ભાદરની કેનાલના ઘસમસતા પાણીમાં જેતપુરથી ૧૪-૧૫ કિમી દુર ધોરાજી સુધી તણાઈને મોતને ભેટેલ દીપેશની લાશ મૂળ કેનાલમાંથી ડોક્ટર દુધાતની વાડીમાં જતી માઈનોર કેનાલમાં ફસાઈ જતા તે આગળ તણાતા બચી ગઈ હતી. જો આમ ના થયું હોત તો દીપેશની લાશ ઘણું દુર તણાઈ ગઈ હોત અને શોધવામાં પણ ભારે હાલાકીનો સામનો કરવો પડત. ટૂંકમાં આ બનાવમાં જે જે સેવાભાવીઓએ દીપેશને શોધવા અનન્ય જહેમત ઉઠાવી તે તમામ અન્ય પ્રજામાં સરાહના પાત્ર બન્યા હોવાનું જોવા મળ્યું હતું.

 

ફોટો અને સમાચાર : કશ્યપ જોશી જેતલસર

 

 

ફોટોની વિગતો :

મૃતક દીપેશની ફાઈલ તસ્વીર અને તેમની ડેડબોડી,

૧૫-૧૫ કલાક સુધી દીપેશને શોધવા સેવા કરનાર યુવાનોની ટીમો

સરકારી તંત્રનું વાહન, તથા ગામલોકો નજરે પડે છે.

 

 

છેલ્લા ૨૦ દિવસ થયા અહી પૈસા ના આવતા હોવાની રાવ જેતલસર જંકશનમાં સ્ટેટબેન્કનું એટીએમ સેન્ટર શોભાના ગાંઠીયા સમાન ! ગ્રાહકો હેરાન હેરાન !!

 

છેલ્લા ૨૦ દિવસ થયા અહી પૈસા ના આવતા હોવાની રાવ

જેતલસર જંકશનમાં સ્ટેટબેન્કનું એટીએમ સેન્ટર શોભાના ગાંઠીયા સમાન ! ગ્રાહકો હેરાન હેરાન !!

જેતલસર તા.૫ (કશ્યપ જોશી દ્વારા)

     જેતલસર જંકશનમાં ઉભા કરાયેલ સ્ટેટબેંકના એટીએમ સેન્ટરમાં છેલ્લા ૨૦ દિવસ થયા પૈસા ઉપલબ્ધ ના કરાવાતા હોય આ એટીએમ સેન્ટરનો ઉપયોગ કરનાર ગ્રાહકો ભારે હેરાન પરેશાન થઇ રહ્યાની ફરિયાદો ઉભી થયાની વિગતો મળી રહી છે.

     આ બાબતે જેતલસર જંકશનના રણમલભાઈ વાણીયા સહિતના બેંક ગ્રાહકોની ફરિયાદ છે કે જેતલસર જંકશનમાં હાલના દિવસોમાં સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની એટીએમ સુવિધા ઉભી કરતા આ એટીએમ સેન્ટરનો ૧૫૦-૨૦૦ બેંક ગ્રાહકો હર્ષભેર લાભ લઇ રહ્યા છે. પણ છેલ્લા ૨૦ દિવસ થયા અહી એક પણ પૈસો ઉપલબ્ધ કરાવાયો ના હોય, આ એટીએમ સેવાનો લાભ લેતા બેંક ખાતેદારોમાં દેકારો મચી ગયો છે.

આ બાબતે જેતલસર જંકશનના બેંક ગ્રાહકો કહે છે કે ભલે તેઓ સ્ટેટ બેન્કના ગ્રાહકો ના હોય, અને સ્થાનિક યુનિયન બેન્કના ગ્રાહકો હોય, પણ આ સેવા ઉભી કારાઈ એટલે લાભ સૌ લેવાના ! આ વાતને ધ્યાને લઈને જેતપુર સ્થિત સ્ટેટ બેન્કના સુત્રો તાકીદે જંકશનના તેઓના એટીએમ સેન્ટરમાં પૈસા ઉપલબ્ધ કરાવી ગ્રાહકોનો દિવાળી જેવો તહેવાર ના બગાડે અને ઓછી હેરાનગતિએ એટીએમ દ્વારા પૈસા મળતા થઇ તેવી કાર્યવાહી કરે તેવી માંગ ઉઠાવાઈ છે.

ફોટો અને સમાચાર કશ્યપ જોશી જેતલસર 

બુધવાર, 4 નવેમ્બર, 2015

જેતપુરના રબારીકા રોડ પર અજાણ્યા વાહનની હડફેટે ચડી ગયેલા અજાણ્યા આધેડનું કમકમાટી ભર્યું મોત

જેતપુરના રબારીકા રોડ પર

અજાણ્યા વાહનની હડફેટે ચડી ગયેલા

અજાણ્યા આધેડનું કમકમાટી ભર્યું મોત

મૃતકના પેન્ટના નેફામાંથી દેશી દારૂની કોથળીઓ મળી આવી

 

જેતપુર તા. ૪

જેતપુરના રબારીકા રોડ પરથી આજે રાત્રે નવેક વાગ્યાની આસપાસ અજાણ્યા વાહન ચાલકની હડફેટે ચડી ગયેલા એક અજાણ્યા આધેડનું મોત થયું હોય, મૃતકનો મૃતદેહ અહીની સરકારી હોસ્પીટલમાં પીએમ અર્થે લવાયો હતો.

 

મળતી વિગતો મુજબ આજે રાત્રીના નવેક વાગ્યાની આસપાસ અહીના રબારીકા રોડ પર એક અજાણ્યા આધેડને કોઈ અજાણ્યું વાહન હડફેટે લઈને નાશી છૂટ્યું હતું. પોલીસના જણાવ્યા પ્રમાણે વાહનની ઠોકર એટલી મજબુત હતી કે અજાણ્યા આધેડનું ઘટના સ્થળે જ મોત થયું હતું.

 

દરમિયાન આ અજાણ્યા આધેડનો મૃતદેહ અહીની સરકારી હોસ્પીટલમાં પીએમ માટે પોલીસે ખસેડ્યો હતો. પોલીસે હાથ ધરેલ મૃતદેહની અંગજડતી દરમિયાન મૃતકના પેન્ટના નેફામાંથી દેશી દારૂની કોથળીઓ મળી આવી હતી. આ વાત પરથી સમાંબંધિત પોલીસે અનુમાન લગાવેલ કે ચિક્કાર નશામાં રોડ પર જઈ રહેલા આ અજાણ્યા આધેડને કોઈ વાહન ચાલક ઠોકર મારી નાશી છૂટ્યું છે. પોલીસે મૃતકની ઓળખવિધિ માટે કવાયત આદરી છે.

 

ફોટો અને સમાચાર : કશ્યપ જોશી જેતપુર જેતલસર

 

જેતલસર જંકશનનો કિશોર ભાદર કેનાલમાં ગરક થઇ ગયો

નાનીના ઘરે રહેતો અને મિત્રો સાથે રમતા રમતા ગબડી પડેલ    

જેતલસર જંકશનનો કિશોર ભાદર 

કેનાલમાં ગરક થઇ ગયો

ભાદર કેનાલનું પાણી રોકી કિશોરની શોધખોળ આદરાઈ : સરપંચ સહિતના જંકશનના સેવાભાવીઓની ૧૫-૧૫ જણાની ટુકડીઓ પાણી ફફોસવા કામે લાગી !

જેતલસર તા. ૪  (કશ્યપ જોશી દ્વારા)

જેતલસર જંકશનમાં પોતાની નાનીના ઘરે રેહેતો એક બાર વર્ષીય દલિત કિશોર આજે ભાદર કેનાલમાં અગમ્યો કારણોસર ગબડી પડ્યા બાદ લાપત્તા થતા સંબંધિત તંત્રએ ભાદર કેનાલનું પાણી બંધ કરી ગરક કિશોરની શોધખોળ આદરી છે.

આ બાબતે વિગતો આપતા જેતલસર જંકશનના સરપચ હનીફભાઈ બલોચે જણાવેલ કે જંકશનના શર્મા નગરમાં રેલ્વે કોલોનીમાં રહેતા શામુબેન બાબુભાઈ ડાંગીયાની દીકરી જ્યોતિબેન નરેશભાઈ મંગાભાઈ પરમારનો ૧૨ વર્ષનો પુત્ર દીપેશ આજે તેમના મિત્રો ભાવેશ ઈશ્વર સોલંકી, અને શ્રાવણ હરસુખભાઈ પરમારની સાથે રમતા રમતા કેનાલ કાંઠે પહોચી ગયા હતા.

દરમિયાન આ ત્રણેય મિત્રો કેનાલના પાણીમાં છબછબીયા કરવા ગયા હોય કે ગમે તે કારણ બન્યું હોય, દીપેશ કેનાલમાં ગબડી પડતા ભાવેશ અને શ્રવણે રોકકળ કરી જેતપુરના પંચમીયા હોસ્પિટલ સામેના રોડ પાસેથી પસાર થતી ભાદર કેનાલ આસપાસ માણસોને ભેગા કરી દીપેશ ડૂબી ગયાની વિગતો આપી હતી.

 

બનાવની જાણ થતાજ જેતલસર જંકશનના સરપંચ હનીફભાઈ બલોચ સહિતના સેવાભાવી યુવાનોએ બનાવ સ્થળે પહોચી જઈ બનાવનો તાગ મેળવવા પ્રયાસ કર્યો હતો. પણ ખેડૂતોના ખેત પાકોના પિયત માટે છોડાયેલ ભાદર કેનાલમાં પાણી બેકાંઠે ઘસમસતું જતું હોય, પાણીમાં ગરક દીપેશની તલાશી અશક્ય બની હતી. બીજી બાજુ સરપંચ સહિતના સેવાભાવીઓએ સ્થાનિક ધારાસભ્ય અને રાજ્ય મંત્રી જયેશ રાદડીયાને બનાવથી વાકેફ કરી ભાદર કેનાલનું વહેતું પાણી બંધ કરાવવાની માંગણી દોહરાવતા જયેશ રાદડીયાએ ભાદર ઈરીગેશન સુત્રોને તાત્કાલિક કેનાલનો વહેતો પ્રવાહ બંધ કરવા સુચના આપતા સંબંધિત સુત્રોએ ચાલુ કેનાલનું પાણી છોડવાનું અટકાવી દીધું હતું,

 

પણ આ લખાય છે ત્યારે રાત્રીના ૧૦ વાગ્યે પણ પાણીનો પ્રવાહ મંદ ના પડ્યો હોય, જંકશનવાસીઓ, સેવાભાવીઓએ સરપંચ હનીફ બોલોચની મદદથી ૧૫-૧૫ સેવાભાવી યુવાનોની ટીમો બનાવી અત્યારે રાત્રીના અંધારા ઓઢી લાપતા દીપેશની શોધખોળ માટે કામે લગાડેલી પ્રશંશનીય જહેમત જોવા મળી હતી.

 

બોક્સ: દીપેશ જ્યાં ડૂબ્યો ત્યાંથી તેમના કપડા મળ્યા !!

જેતલસર : રાત્રીના ૧૦ વાગ્યે જંકશનના સરપંચ હનીફ બલોચે આ લખનારને લાપતા દીપેશના કેનાલ કાંઠેથી મળેલા કપડા અને ચપલના ફોટા મોકલી વિગતો આપી હતી કે દીપેશના કપડા કેનાલ કાંઠેથી મળ્યા છે ત્યારે દીપેશ કોઈ અકસ્માતનો ભોગ બન્યો છે કે શું ? તે ગબડી પડ્યો છે કે કોઈ બીજું કારણ છે ? શું દીપેશે ભાદર કેનાલના ઘસમસતા પાણીમાં નહાવાનો પ્રયાશ કર્યો હશે કે શું ? વિગેરે પ્રશ્નો તપાસ માંગી લે તેવા છે.

 

બોક્સ: મૃતક દીપેશ એકનો એક પુત્ર

જેતપુર: લાપતા કિશોરના નાની શામુબેને સ્થાનિક સરપંચ સહિતના સેવાભાવીઓની હાજરીમાં વિગતો આપી હતી કે પોતાની દીકરી જ્યોતિનો દિપેશ એકનોએક દીકરો હતો. જ્યોતિના પ્રથમ લગ્નમાં બે સંતાનો હતા. પણ તેણીના છૂટાછેડા થઇ જતા નરેશ મંગા પરમાર સાથે તેમના બીજા લગ્ન કર્યા હતા.

 

બોક્સ: આખી રાત જાગીશું પણ  દીપેશને શોધીશું !!

જેતલસર: જેતલસર જંકશનના સરપંચ હનીફ બલોચે જણાવેલ કે હાલ દીપેશને શોધવા જંકશનના સેવાભાવીઓની જુદી જુદી ટુકડીઓ બનાવી કેનાલ કાંઠે તૈનાત કરી દેવાઈ છે. જ્યાં સુધી કેનાલના પાણી જતા હશે તે તમામ જગ્યાએ તપાસ કરવા આખી રાત ભલે ગાળવી પડે, પણ જંકશનના દીકરા દીપેશને શોધવા કોઈ કચાસ નહિ છોડીયે.

પોલીસે પણ ઘટના સ્થળે દોડી જઈ તેમની કાર્યવાહી હાથ ધરી પાણી ફંફોસવાના હારૂનભાઈ રફાઈ જેવા તરવૈયાની મદદ લીધાનું જાણવા મળ્યું છે.

 

 

ફોટો ની વિગત :

ભાદર કેનાલમાં ગરક થયેલ દીપેશ નરેશ પરમારનો ફોટો, કેનાલ કાંઠેથી મળેલ તેમના કપડા અને ચપલ દેખાય છે.

 

ફોટો અને સમાચાર : કશ્યપ જોશી જેતલસર ૯૯૭૪૨ ૬૨૮૨ 

મંગળવાર, 3 નવેમ્બર, 2015

અંકુર વિદ્યાલય કશ્યપ જોશી જેતપુર જેતલસર



​કશ્યપ જોશી જેતપુર જેતલસર 

જે શાળામાં શિક્ષકોને બેસવા ખુરશી નથી અપાતી તે... જેતપુરની અંકુર શાળાના વિદ્યાર્થીઓની કૃતિ જીલ્લા કક્ષાના વિજ્ઞાન મેળામાં ઝળકી


જે શાળામાં શિક્ષકોને બેસવા ખુરશી નથી અપાતી તે...
જેતપુરની અંકુર શાળાના વિદ્યાર્થીઓની 
કૃતિ જીલ્લા કક્ષાના વિજ્ઞાન મેળામાં ઝળકી
જેતપુર તા.૩ (કશ્યપ જોશી દ્વારા)
      જેતપુર શહેરમાં હમેંશા કૈક અનોખું સાહસ, રીત, રસમ અને કાર્યપ્રણાલિકાના શુભારંભમાં માનતી અંકુર શાળાના વિદ્યાર્થીઓ પણ ''મોરના ઈંડા ચીતરવા ના પડે'' તેવી કહાવત ચરિતાર્થ કરવામાં સતત વ્યસ્ત હોવાનું સમયાંતરે જાણવા, માણવા અને સાંભળવા મળે છે.
      શાળામાં ટેબલ ખુરશી હોય તો શિક્ષકો ભણાવવાને બદલે બેસે કે ઊંઘે વધુ ! અને વાતોના ગપ્પા પણ મારે એ લટકાના ! શાયદ આવીજ વાતોને નજરકેદ કરીને પોતાની શાળામાં શિક્ષકો માટે ખુરશીને(આ શાળામાં શિક્ષકો  માટે બેસવા ખુરશી નથી રખાઈ !!) પ્રાધાન્ય આપવાને બદલે શિક્ષણ ઉપર મહત્તમ ધ્યાન આપનાર શાળા સંચાલકો હર્ષદભાઈ મહેતા, ભદ્રેશભાઈ મહેતા, જતીનભાઈ અને શાળાના ગુરુજીઓ વિગેરે દ્વ્રારા પોતાના વિદ્યાર્થી ભાઈ બહેનોને વિવિધ શૈક્ષણિક પ્રવુંત્તિઓમાં પણ એટલાજ તૈયાર કરી રહ્યા છે. આંતર, જીલ્લા કે રાજ્ય કક્ષાની કોઈ પણ સ્પર્ધાઓ હોય, અંકુરના છાત્રોએ તેમાં ઝુંકાવ્યું જ હોય ! 
      આ વાતને સાબીત કરવા તાજેતરમાજ  યોજાયેલ રાજકોટ જીલ્લા કક્ષાના વિજ્ઞાનમેળાના વિભાગ નંબર-૫ માં શાળાના મદદનીશ શિક્ષક સુભાષભાઈ અમીપરાના માર્ગદર્શન હેઠળ ધોરણ ૧૦ ના બે વિદ્યાર્થીઓ હેમલ બુમતરીયા અને દીપેન વેકરીયાએ હાઈડ્રોલિક સીસ્ટમ આધારિત ત્રણ વર્કિંગ મોડેલ્સ કૃતિઓ રજુ કરી હતી. 
      જેમની એક કૃતિ પાણીના દબાણથી જેસીબી કાર્યરત થઇ શકે તે હતી. બીજી કૃતિ રેલ્વેમાં મુસાફરી કરતા લોકો માટે હાઈડ્રોલિક શીટ કે જેના પર બેસનાર પેસેન્જરની ટીકીટ ચેકર ઓળખ કરી શકે અને ત્રીજી કૃતિ પાણીના દબાણથી કોઈ પણ નાનામોટા વાહનમાં બ્રેક લગાવી શકાય તે વાત રજુ કરતી કૃતિ હતી.
     આ ત્રણેય કૃતિઓ નિહાળનાર શૈક્ષણિક વર્તુળો દંગ થઇ ગયા હતા. આ તકે વિજ્ઞાન મેળાના આયોજક ગણે  કૃતિનું મહત્વ સમજાવતા બંને વિદ્યાર્થીઓની પીઠ થાબડી,અને માર્ગદર્શક શિક્ષક સુભાષ અમીપરાની જહેમતને બિરદાવી,  અભિનંદન પાઠવી કૃતિને પ્રથમ નંબર આપતા જેતપુર શહેર અને શાળાનું ગૌરવ વધ્યું હોવાનું શાળા સંચાલકોએ જણાવ્યું હતું.
ફોટો અને સમાચાર : કશ્યપ જે.જોશી જેતલસર જેતપુર 

સોમવાર, 2 નવેમ્બર, 2015

જેતપુરમાં પાણી વિતરણ કરતા ૭૩ ઝોનમાંથી ૪૦ ઝોન કરાશે હજુ એકાંતરા પાણી વિતરણને ૫ મહિના લાગશે !

જરૂર કરતા વધારે ઝોન બની જતા જેતપુરમાં એકાંતરા પાણી વિતરણ અશક્ય !
જેતપુરમાં પાણી વિતરણ કરતા ૭૩ ઝોનમાંથી ૪૦ ઝોન 
કરાશે હજુ એકાંતરા પાણી વિતરણને ૫ મહિના લાગશે !
જેતપુર તા.૨  (કશ્યપ જોશી દ્વારા ) 
જેતપુર શહેરમાં અનિયમિત પાણી વિતરણ પાછળ જરૂર કરતા વધારે બની ગયેલા ઝોન જવાબદાર હોવાનું અને હજુ શાહિરમાં એકાંતરા પાણી વિતરણ કરવામાં પાંચેક માસ જેવો સમય થઇ જવાની વાત પાલિકાના ચીફ ઓફિસર, પ્રમુખ, ઉપપ્રમુખ અને વોટર વર્કસ કમિટીના ચેરમેને એક મુલાકાત દરમિયાન  જણાવ્યું હતું.

પાણી વિતરણ અને પાણી મેળવવા માટે જેતપુરની જનતાને શા માટે વલખા મારવા પડે છે ? ભાદર ડેમમાં પુરતું પાણી છતાં જેતપુરમાં એકાંતરા પાણી વિતરણ કેમ શક્ય નથી બનાવાતું ? શહેરને ડેમમાંથી કેટલું પાણી મળે છે ? એકાંતરા પાણી વિતરણ માટે શું શું પગલા ભરવા પાલિકા તંત્ર કટિબદ્ધ છે ? વિગરે પ્રશ્નોની સીધી વાતમાં જેતપુર નગર પાલિકાના ચીફ ઓફિસર ભરતભાઈ વ્યાસે જણાવેલ કે જેતપુર શહેરને હાલના દિવસોમાં ભાદર ડેમમાંથી ૧૩ એમેલડી પાણી મળી રહ્યું છે. પાણીનો આટલો જથ્થો શહેરમાં એકાંતરા પાણી વિતરણ માટે પર્યાપ્ત નથી જ, અને તે એટલા માટે કે જેતપુર પાલિકા તંત્ર પાસે હાલમાં પાણી સંગ્રહ શક્તિ ઓછી છે. આ માટે શહેરમાં જુદી જુદી ચાર જગ્યાએ મોટી મોટી પાણીની ટાંકીઓ બનાવવાની પ્રક્રિયા યુધ્ધના ધોરણે હાથ ધરાઈ રહી છે. 

પાલિકાના પ્રમુખ શારદાબેન બારોટે જણાવેલ કે, શહેરમાં બને તેટલું વધુ પાણી વિતરણ અને તે માટેના ઉપાયો શોધી કાઢી પાલિકા તંત્ર બને તેટલું વહેલું શહેરમાં એકાંતરા પાણી વિતરણ કરી શકાય તે માટે ઉંધે માથે મહેનત કરી રહ્યું છે.

પાલિકા ઉપપ્રમુખ પ્રમોદભાઈ ત્રાડાએ જણાવેલ કે શહેરમાં જરૂર કરતા વધારે ૭૩ જેટલા પાણી વિતરણ કરતા ઝોન ઉભા થઇ જતા અહી નિયમિત તેમજ એકાંતરા પાણી વિતરણ શક્ય થતું નથી. તો આ માટે શું કરી શકાય ? તેવા સવાલના જવાબમાં પ્રમોદભાઈએ જણાવેલ કે બિનજરૂરી પાણી વિતરણ ઝોન બંધ કરી ૭૩ માંથી ૪૦ ઝોન જ રાખવા તંત્રએ કવાયત શરુ કરી છે. પરિણામે વેડફાતું પાણી અટકશે. આ સિવાય પાણી સંગ્રહ શક્તિ વધારતી ટાંકીઓ ઉભી થશે એટલે એકાંતરા પાણી વિતરણથી પ્રજાની ફરિયાદો હાલ કરી શકાશે.

વોટર વર્કસ કમિટીના ચેરમેન અજીતસિંહ જાડેજાએ જણાવેલ કે સૌ પ્રથમ તો તેઓ અને તેમની ટીમ દ્વારા શહેરમાં આશરે ૫૦૦ જેટલા લીકેજીંગમાના ૩૦૦ લીકેજીન્ગને રીપેર કરાવી કરોડો ગેલન બગડતા પાણીને બચાવી લેવાયું છે. રાત્રીના તેમની એટલેકે પાણી શાખામાં ખોટા બબ્બેવાર ઉધારાતા ડીઝલના બીલો ઉપર બ્રેક મારી દેવાઈ છે. યેન કેન પ્રકારે થતી કે કરાતી પાણી ચોરીની ફરિયાદો હલ થઇ ગઈ છે. હજુ પણ પાણીના લીકેજીન્ગને સદંતર બંધ કરવા પાલિકા તંત્ર જહેમત ઉઠાવી રહ્યું છે.

બોક્સ: ફિલ્ટર પંપ ખાતે સુવિધાઓ વધારાશે !
જેતપુર: ચીફ ઓફિસર સહિતના પાલિકાના પદાધિકારીઓએ જણાવેલ કે હાલના દિવસોમાં ખીરસરા રોડ પર આવેલ પાલિકાના ફિલ્ટર પંપ ખાતે ૩૭ એમેલડી નો પ્રોજેક્ટ ઉભો કરાશે. આ અન્વયે ૪૫ અને ૩૫ લાખ લીટરના બે સંપ પણ બનાવશે. પાણી ની જે સંગ્રહશક્તિ ને લીધે કોઈ વાર ભાદર ડેમમાંથી પાણી મેળવવું શક્ય ના બને ત્યારે એક દિવસનું જેતપુર માટેનું પાણી એકત્ર થઇ શકશે. 

આ સિવાય જેતપુર શહેરના બગીચામાંથી એક હિંચકો(ઝૂલો) ગાયબ હોવાની વાતનો પ્રત્યુત્તર આપતા પાલિકા મહિલા પ્રમુખના પતિ હરસુરભાઇ બારોટ, વિગેરે જણાવેલ કે આ વાત ખોટી છે, અજાત શત્રુઓ ખોટા ઉમ્બાડીયા ઉભા કરી પાલિકા પ્રમુખની છબીને ખરડવા પ્રયાશો કરે છે, શહેરના અવાવરું કુવા માલિકીના હોય કે ના હોય, આ બાબતે તાત્કાલિક તપાસ કરાવી સંબંધિતોને નોટીસો આપવા ચીફ ઓફિસરે ઉપસ્થિત પાલિકા પ્રમુખને સૂચનાઓ આપી હતી. 

ફોટો અને સમાચાર : કશ્યપ જે. જોશી જેતપુર જેતલસર